રંગીન ઓઢણીના સમ – રાજુલ ભાનુશાલી 22


હમણાં જ ધોઈને  સુકવેલી રંગીન ઓઢણીના સમ, નિરાંત આને જ કહેવાય. 

સવારે ઊઠીને બારીના કાચ ખોલું કે આખું ઘર કુમળા સુખથી ભરાઈ જાય. મુંબઈ જેવા શહેરમાં ભરપૂર હવા ઉજાસવાળું ઘર હોવું એ મોટું સુખ છે. એવું ક્યારેય બન્યું નથી કે ઘરમાં કોઈ અવરજવર ન હોય. સવારસાંજ કુમળો તડકો આંટો મારી જાય અને પવન તો આખો દિવસ આ ઓરડામાંથી તે ઓરડામાં ને તે ઓરડામાંથી આ ઓરડામાં આવજા કરતો હોય. એ સાવ પડી ગયો હોય એવો દિવસ જવલ્લે જ હોય છે. ઘરની દરેક બારીમાં મેં વિન્ડચાઇમ લગાવ્યાં છે. પવનની આવજા સાથે વિન્ડચાઇમ્સ  ઝીણું ઝીણું રણઝણ્યાં કરે છે. કહે છે કે આ રણઝણવું દૂષિત આત્માઓને ઘરમાં પ્રવેશતાં અટકાવે છે એટલે જ વિન્ડચાઇમ્સ બારી અથવા મુખ્ય દ્વાર પર લટકાવવામાં આવે છે. એમ તો મારો સ્વભાવ ખાસ ડરપોક નથી પણ આ સતત થતો રણઝણાટ મારા એકાંતને સંગાથ કરાવે છે, એ મને ગમે છે. બે એક વર્ષ પહેલાં ગોવાથી એક શંખલા-છીપલાવાળું વિન્ડચાઇમ ખરીદી લાવી હતી. એ  શયનખંડની બારીમાં લગાવ્યું છે. આ ઓરડો મકાનના પાછલા ભાગમાં આવેલો છે. ત્યાં ઘણી ખુલ્લી જગ્યા છે.  એ દિશામાંથી વહેતો પવન જ્યારે આ શંખલા-છીપલાને અડકીને અંદર પ્રવેશે ત્યારે  આખો સમુદ્ર મારા ઓરડામાં ઊતરી આવે છે. પાછળના ભાગમાં એક તરફ  બદામડી ને ગુલમહોર છે અને બીજી તરફ પીપળો ને આસોપાલવ. પીપળો મકાનની ચારમાળની ઊંચાઈને ટપી ગયો છે. છે. એની ઘટાગુમ ડાળખીઓ, ગુલમહોરના રાતા ફૂલ, બદામડીના મીઠા ફળ, આસોપાલવના લીલાછમ પાન  અને આ વિન્ડચાઇમના શંખલા છીપલા એક સરખા માસૂમ છે. શુદ્ધ છે. પવિત્ર છે. આ બધા જ મારાં ઘરને સુખથી છલોછલ ભરી દે છે. ઘરનાં દરેક ખૂણા સાથે મારે બોલચાલનો સંબંધ છે. હાલહવાલ પૂછવાનો સંબંધ છે. એ મારા શ્વાસેશ્વાસને ઓળખે છે. મારી હયાતીને હોંકારો આપતો રહે છે. આખા દિવસ દરમિયાન ચાલતા અમારા સંવાદથી મને એક જાતની તાજપ મળતી રહે છે.

સિંજારવ રાજુલ ભાનુશાલી

આ સૃષ્ટિમાં દરેક સજીવનિર્જીવનાં પોતાના પ્રકૃતિદત્ત ગુણધર્મો હોય છે. ફૂલોની જ વાત કરીએ તો ગુલાબ ગુલાબ છે અને રાતરાણી રાતરાણી છે. બન્નેની પ્રકૃતિ જુદી છે. ડીટ્ટો તેવી જ રીતે દરેક ઘરની પ્રકૃતિ જુદીજુદી હોય છે. એમની વચ્ચે સરખામણી શક્ય નથી. કરવી પણ ના જોઈએ. આ બન્ને ફૂલોનું પોતપોતાનું આગવું મહત્વ અને સુંદરતા છે. એમ તો ગલકાંનાં ફૂલનું પણ પોતીકું સૌંદર્ય હોય જ છે ને! ઘરનું પણ એવું જ છે. એ નાનું હોય કે મોટું, ઝૂંપડું હોય કે આલીશાન બંગલો, ‘ઘર’ તો ‘ઘર’ જ કહેવાય. ઓફિસેથી કે શાળામાંથી પાછાં આવતી વખતે કોઈ એમ નથી બોલતું કે ચાલો ઝટ  ‘ફ્લેટે’ પહોંચીએ કે જલ્દી ‘બંગલે’ પહોંચી જઈએ.  એમ જ વિચાર બોલે કે ચાલો ઝટ ઘરે પહોંચીએ. કોઈ મિત્ર ચા પીવાનું આમંત્રણ આપશે તો શું એમ કહેશે કે ચાલ મકાન પર, સાથે ચા પીશું. નહિ ને?

ઘણી વખત લાંબા વેકેશન પર ગઈ હોઉં ત્યારે ઘરેથી નીકળતી વખતે ખૂબ  ઉત્સાહ, આનંદ અને હોંશ હોય છે પણ અઠવાડિયું થતાંથતાં  એમાં ઓટ આવવા લાગે છે. મનમાં ક્યાંક ઊંડેઊંડે ઘર ધબકવા લાગે છે. સરસ મજાની હોટેલના વસવાટ દરમિયાન ઢગલો સુખસગવડો વચ્ચે  ઘરઝુરાપો કનડવા લાગે છે અને જાણેઅજાણે પાછાં ઘરે પહોંચવાની રાહ જોતી થઈ જઉં છું. છેવટે જ્યારે ઘરભેગા  થવાય ત્યારે જ નિરાંતનો શ્વાસ લેવાય. ક્યારેક વિચાર આવે કે પોતાના આવા એકાંતવાસના દિવસો દરમિયાન શું ઘર પણ એકલવાયાપણું અનુભવતું હશે? જયારે એનો પરિવાર સાથે નથી હોતો ત્યારે એના પર શું વીતતી હશે? ઘરમાં વ્યાપેલો સૂનકાર એને પણ ખાવા ધાતો જ હશે, કદાચ એ કાગડોળે પરિવારનાં પાછાં ફરવાની રાહ જોતું હશે. ચોક્કસ જોતું હશે. આવા જ એક લાંબા વેકેશનથી પાછાં ફર્યા બાદ એની દીવાલો પર હેતથી હાથ ફેરવતી વખતે ટેરવાં પર ભીનાશનો અનુભવ થયો હતો. પરિવારનો ઘરઝુરાપો અને ઘરનો એના પરિવાર માટેનો ઝુરાપો સરખો જ હોય છે એ તે દિવસે સમજાયું. તસુનોય ફરક નહિ! જેમને નોકરી  કે ભણતર અર્થે લાંબા અરસા સુધી ઘરથી દૂર રહેવું પડતું હોય છે એમની મનોસ્થિતિની કલ્પના પણ હ્રદય ભીનું કરી જાય છે. વિજ્ઞાન આટલું આગળ વધી ગયું પણ ઘરઝુરાપાની પીડા માટે હજુ સુધી કોઈ પેઇનકિલર શોધી શકાઈ નથી. પ્રત્યેક ઘરમાં પોતાનાં ઘટમાં ઘટતું બધું જ  શોષી લેવાનો જન્મજાત ગુણ હોય છે. સુખદુઃખ, વેદનાસંવેદના બધું જ! ઘરને જ્યારે મારાં સુખે સુખી અને મારાં દુઃખે દુ:ખી થતો થતું જોઉં ત્યારે  પ્રશ્ન થાય કે હું એનામાં વસું છું  કે એ મારામાં વસે છે? પણ પછીથી દરેક વખતે એવું થાય કે એ સુખ તો બમણું કરીને પરત આપે પણ દુઃખ પોતાની પાસે જ રાખી લે. એનાં કારણે મારી દરેક ‘આજ’ નવી નક્કોર ઊગે  છે અને ‘ગઈકાલ’ ક્યારેય વાસી લાગતી નથી.  

મારાં સાસુ પાસેથી સાંભળેલો એક પ્રસંગ યાદ આવે છે. વર્ષો પહેલાં પરિવારે રોટલો કમાવવા મુંબઈ જવું એવો નિર્ણય લીધો. દેશનાં ઘરનો બધો જ અસબાબ સમેટી લેવામાં આવ્યો. પ્રયાણની બધી જ તૈયારી થઈ ગઈ. એ વખતે અમારાં ઘરમાં એક ગાય હતી. મારાં સાસુ કહેતાં કે એમ તો એ ધણ સાથે સીમમાં ચરવા જાય પરંતુ સવારના નીકળતી વખતે જ્યાં સુધી એને એકાદ બટકું ગરમાગરમ રોટલો અને કટકી ગોળ ન આપો ત્યાં સુધી એ એક પગલું પણ આગળ વધે નહિ. ઉંબરે રાહ જોતી ઊભી હોય. એ ગાયને એમણે એક ઓળખીતાંને ત્યાં વળાવી દેવાનો નિર્ણય કર્યો. ઘરની ગાય નિયાણી ગણાય. સજળ આંખે એને વળાવી આવ્યાં.  ત્યાર બાદ દેશમાં પ્રસંગોપાત્ત આવવાજવાનું થતું. ક્યારેક ગાય સામે મળી જતી તો માથે હાથ ફેરવી લેતાં. આગળ જતાં બન્યું એવું કે લગભગ દસેક વરસ પછી મુંબઈનું ઘર સમેટી ફરી પરિવાર ગામમાં આવીને વસ્યો. વર્ષોથી બંધ પડેલું ઘર પાછું ખૂલ્યું. તે દિવસે સંધ્યાટાણે જ્યારે સીમમાંથી ગાય ધણ સાથે પાછી ફરી ત્યારે વર્તમાન ઘરે જવાને બદલે એ સીધી અમારાં ઘરે, પોતાની નિયત જગ્યાએ આવીને ઉભી રહી!

આ છે ઘરની માયા! આપણને ઘરની અને ઘરને આપણી!

વહેલી સવારના મોબાઇલમાંથી ધીમે સ્વરે ગાયત્રી મંત્રના સૂર રેલાતા હોય, રસોડામાંથી આદુવાળી ચાની તરબતર કરી દેતી  સુગંધ આવતી  હોય તો બીજી બાજુ બટાકાપૌંઆના વઘારમાં લીમડા મરચાંના  છમકારાનો સ્વાદ હોય.  કુકરની સીટી સાદ પાડતી હોય, બેઠકમાં ફિનાઇલવાળાં પોતાં થતાં હોય; ઓફિસ જનારનો ટાઇમ સાચવવો સાથે શાળાની બસ છૂટી ન જાય તે માટે  દોડાધામ કરવાની અને જોડાજોડ પેલું કુમળું સુખ અને મીઠી રણઝણ માણવાની. આ બધા સ્વાદ, સુગંધ  અને અવાજો સાથે ધમધમતા દિવસનો આરંભ થાય. હમણાં જ ધોઈને સુકવેલી રંગીન ઓઢણીના સમ, નિરાંત આને જ કહેવાય. 

~ રાજુલ ભાનુશાલી

રાજુલબેન ભાનુશાલીના અક્ષરનાદ પરના ‘સિંજારવ’ સ્તંભના બધા લેખ
અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

22 thoughts on “રંગીન ઓઢણીના સમ – રાજુલ ભાનુશાલી