લદ્દાખ (સફરનામું) ભાગ ૧ – સ્વાતિ મુકેશ શાહ 14


આજે સૌ મિત્રોને આપણાં શીર્ષ જમ્મુ કાશ્મીરના લદ્દાખની મુલાકાતે લઈ જઉં. ભગવાને લદ્દાખમાં ભરપૂર કુદરતી સૌન્દર્ય ઠાલવ્યું છે. સામાન્ય રીતે બધાં લેહ લદ્દાખ બોલતાં હોય છે પરંતુ લેહ એ લદ્દાખની રાજધાની છે. બાકી અહીં લદ્દાખ આખામાં જોવાલાયક ઘણું બધું છે. ચાલો મારી સાથે તમે પણ સફર કરી લો આ અદ્રુત પ્રદેશની.

લદ્દાખ જવાનાં ત્રણ મુખ્ય રસ્તા છે. એક તો દિલ્હી અથવા ચંદીગઢથી મનાલી થઇ રસ્તા દ્વારા, બીજો શ્રીનગરથી કારગીલ થઇ રસ્તા દ્વારા અથવા દિલ્હીથી હવાઈ માર્ગે. અમે દિલ્હીથી રાતની વોલ્વો બસમાં મનાલી ગયાં. મનાલીથી  અમારાં પ્રવાસની શરુઆત કરી. પંદર જુન પછી મનાલી લેહનો રસ્તો ખુલતો હોય છે. પછી જેવો સ્નોફોલ. જે વર્ષે સ્નોફોલ વધારે થયો હોય અને રસ્તા સાફ કરવી ખોલવામાં સમય લાગ્યો હોય તો રસ્તા એ મુજબ ખુલે છે. અમે જુલાઈ મહિનામાં જવાનું પસંદ કર્યું હતું જેથી રસ્તા ખુલ્લા જ મળે.

મનાલીથી વહેલી સવારે અમે કેય્લોન્ગ જવા નીકળ્યાં. લદ્દાખમાં કુદરતી સૌન્દર્ય માણતાં જવાની મઝા છે. અમે આરામથી બે દિવસ રસ્તાના રાખ્યાં હતાં. કારણ મનાલી લેહ લગભગ ચારસો સત્યાવીસ કિલોમીટરની દૂરી છે. મનાલીથી એકસો પંદર કિલોમીટરની દૂરી પર આવેલાં કેય્લોન્ગમાં રાતવાસો કરવાનું નક્કી કરી નીકળ્યાં હતાં. શરુઆતનો રસ્તો સળંગ બિયાસ નદીની સાથે સાથે જતો હતો. એક બાજુ સુંદર પહાડી, વચ્ચે બિયાસ નદી અને પછી રસ્તા પર અમારી ગાડી. વાતાવરણ અને રસ્તાની પરિસ્થિતિ ખુબ અણધારી હતી. ઘડીકમાં ખુબ તડકો આવે તો આગળ જતાં એકદમ વરસાદ લાવીદે. ગરમીથી પીગળેલા બરફના પાણીથી કોઈક જગ્યાએ ભૂસ્ખ્લન મળે.અથવા તો રસ્તા એકદમ ધોવાઇ ગયેલાં હોય.

ઘણાં લોકો ઉતાવળ કરી રોકાયા વગર જવાનું વિચારતા હોય છે પણ પછી કુદરતની કમાલ નો આનંદ લુંટી ના શકાય. આ રસ્તો જુલાઈથી સપ્ટેમ્બર લગભગ ખુલ્લો રહે છે. મનાલી જે ૨૦૫૦ મીટર ઊંચાઈ પર આવેલું છે ત્યાંથી રોહતાંગ પાસ ૩૯૭૮ મીટર પર જઈ અમે ઉભાં રહ્યાં. જે પહેલો નીચામાં નીચો પાસ લેહ જવાના રસ્તે આવે છે. ગ્રે હિમાલય અને વીરપંચમ એમ બે પહાડ વચ્ચે રોહતાંગ પાસ આવેલો છે. પાસ એટલે બે પહાડને જોડતો વચ્ચેનો ભાગ.

સુન્દર પહાડો અને હિમાચ્છાદિત શિખરો જોતાં એકપ્રકારનો રોમાંચ થયો. લગભગ દસેક મિનીટનો ફોટો સ્ટોપ લઇ ત્યાંના સૌન્દર્યને કેમેરામાં અને આંખમાં ભરી આગળ વધ્યાં. વધતી ઊંચાઈને કારણે અને પહાડના વાંકાચૂકા રસ્તાને કારણે ઘણાની તબિયત પર અસર થાય છે માટે ધીમેધીમે આગળ વધવું જરુરી હોવાને કારણે જ અમે એકસો પંદર કિલોમીટર પર રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો. આગળ ખોકસર ગામે ચેકપોસ્ટ પર ટેક્સ ભરવાની અને પરમીટ લેવાની વિધિ પતાવી જ્યાંથી એક રસ્તો લેહ બાજુ જાયછે અને બીજો સ્પીતી વેલી બાજુ.

રસ્તામાં નાના કોઈ ગામ હોય તો ત્યાં નાનું ધાબા જેવું હતું ત્યાં થોડું ખાઈ આગળ વધ્યાં. અત્યાર સુધી સિમેન્ટના રંગ જેવી બિયાસ નદી છોડી આગળ વધતા ચંદ્રભાગા નદી હવે રસ્તાની સાથે સાથે વહેતી સૌન્દર્યમાં વધારો કરતી હતી. વાંકાચૂકા રસ્તા અને માટીના રંગની નદી સાથે સુન્દર પર્વતની હારમાળામાં કયાંક પાણીના ધોધ જોવાં મળે તો ક્યાંક થીજી ગયેલી લટકતી હિમનદી જોવાં મળતી. આગળ વધતાં  અમે સૌન્દર્ય માણતાં ધીમે ધીમે રોકાતા રોકાતા ફોટા પાડતા સાંજે કેયલોન્ગ પહોંચ્યા.

અમારો ઉતારો ખુબ સુંદર બામ્બુહટમાં હતો. સામાન મુકી ત્યાં આવેલાં ખારડોંગ ગોમ્પા જોવાં ગયાં. જોવાનો ઉત્સાહ  ઘણો હતો એટલે વાંકાચૂકા અને ચઢાણ વાળા રસ્તે જઈને નવસો વર્ષ જૂનું આ ગોમ્પા જોવાં ગયાં. અમે પહોચ્યા ત્યારે તે બંધ હતું પછી ત્યાં એક લામા એટલેકે બૌદ્ધ સાધુ દેખાતાં તેમને વિનંતી કરી એટલે તેમણે તાળું ખોલી અમને બતાવ્યું. અંદર જતાં આંખો ચકિત થઇ જાય તેવાં સુંદર ભીંત ચિત્રો હતાં. ખુબ શાંતિથી દર્શન કરી અમારાં કેમ્પ પર પાછા આવ્યાં. ઠંડી એનો ચમકારો સારો બતાવતી હતી.

સવારે વહેલાં ઉઠી સવારનો નઝારો માણી અમે લગભગ એકસો ચૌદ કિલોમીટર દૂર આવેલાં સારચુ જવા નીકળ્યાં. વધતી ઊંચાઈને કારણે તબિયત ના બગડે માટે પાણી પીવાનું અને કાઢવાનું ઘણું એવી સૂચનાનું પાલન કરતાં આગળ વધ્યાં. જેમજેમ આગળ જતાં હતાં તેમતેમ લીલોતરી ઓછી થતી જતી હતી અને પથ્થરના પહાડો દેખાવના શરુ થઇ ગયાં. આગળ વધતા ધારચા ગામ પર પાછી ચેકપોસ્ટની વિધિ પતાવી. ધારચાથી લગભગ અગિયાર કિલોમીટર આગળ બહુ સુંદર ‘ દીપકતાલ’ આવેલું છે. ત્યાં રોકાઈ એ નાના તળાવ પાસે ફોટા પાડી આગળ વધ્યાં.

લદ્દાખમાં સફર કરતાં એવું કહેવાય કે કોઈ વખત ગંતવ્ય સ્થાન પર પહોંચવાની ઉતાવળ ના કરવી. આરામથી કુદરતને માણતાં માણતાં જવું. રસ્તામાં બારાલાચા પાસ ૪૮૩૦ મીટરની ઊંચાઈ પર છે તે વટાવી સારચું પહેલાં આવેલાં અમારાં ગોલ્ડડ્રોપ કેમ્પ પર બપોરે પહોંચ્યા. એકદમ વિશાળ મેદાન અને ચારેબાજુ પહાડ હોય તેવી સુંદર જગ્યા પર અમારી આ કેમ્પસાઈટ હતી. અમારામાંના ઘણાને ઊંચાઈને કારણે માથું ભારે થયું કે કોઈને ઉલટી થવા લાગી હતી. ઠંડી પણ ઘણી હતી એટલે બધાં પોતાનાં ટેન્ટમાં આરામ કર્યો.

સવારે વહેલાં નીકળ્યાં કારણ અમારે પાંગ સાડા અગિયાર પહેલાં પહોંચવાનું હતું. ત્યાનું ચેકપોસ્ટ વહેલું બંધ થઇ જતું હતું. એ એક ચેકપોસ્ટ એવું હતું કે જો બંધ થઇ જાય તો રાત ત્યાં રોકાવું પડે. અમે સમયસર પહોંચી ગયાં. ત્યારબાદ અમે લદ્દાખમાં પ્રવેશ કર્યો. ૫૦૬૦ મીટરની ઊંચાઈ પર લાચુન્ગલા પાસ વટાવી આગળ વધ્યાં ત્યાં લગભગ વીસ કિલોમીટર જેટલો ખુબજ વળાંક વાળો રસ્તો શરુ થયો. રસ્તો જોતાં જાણે ઘણી બધી સેવ અથવાતો કહીએ કે સ્પેગેટી વેરાયેલી પડી હોય.. આગળ વધી તાગલેંગલા પાસ ૧૭૫૮૨ ફીટ પર આવેલ છે તે વટાવી આગળ વધ્યાં.

રસ્તામાં કોઈક પહાડ માટી નો લાગે તો તેની બાજુનો પહાડ કાળા પથ્થરનો હોય. જાણે ભગવાને પીંછી લઇ જુદાજુદા પહાડ પર જુદોજુદો રંગ નાખ્યો હોય તેવો સુંદર નઝારો જોવાં મળતો. થોડાં સમય પછી આગળ વધતાં નીલા પાણી વાળી સિંધુ નદી જોવાં મળી.

જેમજેમ આગળ વધતાં ગયાં તેમતેમ તિબેટીયન આર્કીટેક્ચરની ઝાંખી થવા લાગી. રસ્તામાં બુદ્ધ સ્તૂપ, પ્રેયર વ્હીલ વગેરે દેખાવા લાગ્યાં અને જુદાજ પ્રકારનું પહાડી સૌન્દર્ય જોવાં મળ્યું. લેહ ગામનું  પ્રવેશદ્વાર ખૂબ સુંદર બનાવેલું જોતાંજ બધો થાક જાણે ઉતરી ગયો. રસ્તામાં થીક્સે મોનાસ્ટ્રી, શે પેલેસ દેખાવા લાગ્યાં. છેવેટે સાંજે હોટલ પર પહોંચ્યા. એ દિવસે તો વહેલાં સુઈ ગયાં.

સવારે જરા શાંતિથી ઉઠી શરીરને સરખો આરામ આપી લોકલ જગ્યાઓ જોવા નીકળ્યાં. લેહથી ૧૯કિ.મી. દૂરી પર આવેલી થીક્સે મોનેસ્ટ્રી જોવાં ગયાં. સુંદર બૌદ્ધ મંદિર ખાસા ચઢાણ પર આવેલી છે.ત્યાં નો નઝારો લઇ અમે શે પેલેસ, શાંતિ સ્તુપ જોવાં ગયાં. બધાં સ્મારકોમાં તિબેટીયન સંપ્રદાયની અસર દેખાય. થાકીને સાંજે છ વાગે હોટલ પર પાછા આવ્યા. બીજા દિવસે સવારે વહેલા નીકળી લામાયુરુ મોનેસ્ટ્રી જોઈ આલ્ચી પહોંચવા નીકળ્યાં. સીધા લામાયુરુ તરફ આગળ વધ્યા.. રસ્તા ખુબ સાંકડા અને વળી વચ્ચેવચ્ચે તૂટેલા હતાં. એક વાર રસ્તાની બાજુમા આવેલ ખડક તુટ્યો હોવાથી રસ્તો બંધ મળ્યો. પણ મિલીટરી વાળા લોકોએ ખુંબ મહેનતથી પાછો રસ્તો ચાલુ કરી દીધો હતો.

લેહ લામાયુરુ અંદાજે ૧૩૬કિ.મી. ની દૂરી હતી વહેલાં સવારે નીકળ્યાં, રસ્તામાં ગુરુદ્વારા પથ્થર સાહેબઅને મેગ્નેટીક હિલ જોઈ મેગ્નેટીક પહાડ એવો હતો કે જ્યાં ગાડી બંધ કરીએ તો તે આપોઆપ ઉપર ચઢવા લાગે.જોઇને મને બહુ આશ્ચર્ય થયું કે આખો પહાડ એવો કેવો મેગેનેટીક શક્તિ ધરાવતો હશે? બધું જોતાં અમે

 સમયસર પહોંચી લામાયુરુ મોનેસ્ટ્રી જોઈ શક્યાં. આજનો દિવસ જરા લાંબો હતો. મોનેસ્ટ્રી જોઈ મન ખુશ થઇ ગયું. ત્યાંથી પાછા આલ્ચી ૫૭કિ.મી. આવ્યાં. ત્યાંની મોનેસ્ટ્રી જોઈ હોટલમાં આરામ કર્યો. સવારે પાછા વહેલાં ઉઠવાનું હતું બીજા દિવસે અમે નદીમાં રાફટીંગ કરવાના હતા. મને તો  રાતથી જ બીક લાગતી હતી કે હે ભગવાન આ રાફટીંગ માં શું જોવાનું! સવારે રાફટીંગ વાળા લેવા આવી ગયા એટલે અમે તેમની બસમાં ચીલીંગ ગયાં. રસ્તામાં એક બાજુ જાતજાતના પહાડ દેખાતા અને બીજી બાજુ ખળખળ વહેતી ઇન્ડસ નદી. નદીના વહેણને જોતા મારા હોશ ઉડવા લાગ્યા. આગળ વધતાં ઝંસ્કાર નદી આવી તેના વહેણ તો ઘણા તોફાની હતા.

ચૂપચાપ નીચે ઉતરી વેટસ્યુટ, લાઈફ જેકેટ અને હેલ્મેટ પહેરી અમને તૈયાર થઇ જવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ અમને હલેસા કેવી રીતે ચલાવવા તેની ટ્રેનીંગ આપવામાં આવી. પાણીમાં પણ પહેલા પ્રેક્ટીસ આપી. હું તો ગભરાટની મારી વચ્ચે બેઠી. અડધા કલાકની સૂચનાઓ પછી અમારી રાફટ પાણીમાં ચાલી. નદીના મોજા ખૂબ ઊંચાં હતા. અમને જાણ થઇ કે આ મોજાને ચોથા ગ્રેડના કહેવાય. અમારું આ રાફટીંગ ત્રીસ કિલોમીટર લાંબુ જવાનું હતું. બંને બાજુ નદીનું પાણી અથડાઈ અને પહાડોમાં સુંદર ગુફા જેવું બની ગયેલું જોવા મળ્યું તો કોઈ બાજુ ખૂબ સરસ પથ્થરના આકારો બની ગયેલા જોવા મળ્યાં. પાછા પહાડોના જુદાજુદા રંગ.

રસ્તામા ઇન્ડસ અને ઝંસ્કાર નદી નું મિલન થતું હતું ત્યાં વળી ખુબ ઊંચાં મોજા હતાં. કુદરતની કમાલ જોતાં અમે ત્રણ કલાકે નીમો ગામ પહોંચ્યા. આખા પલળેલા ઠંડીમાં ધુજતા બહાર આવ્યાં ત્યારે ઉપરાઉપરી આવતાં પાણીના મોજામા રાફટ ચલાવવાનો રોમાંચકારી અનુભવ થયો તેનો વિશેષ આનંદ હતો. ખાલી અફસોસ હતો કે અમે જોયેલું સૌન્દર્ય આંખમાં ભરી શક્યા પણ કેમેરામાં કેદ ના કરી શક્યા. આ પણ કુદરતની કમાલ જાણે ઈશ્વરી સંકેત હોય કે જીવન પણ આવુજ છે તમે જીવનમાં બધું જ મેળવી શકતા નથી અને જે મળે તેનો સંતોષ લેવો. ભીના કપડા બદલી તડકે થોડું શેકાઈ ખાટલા ઉપર બેઠા. અમારું જમવાનું તૈયાર હતું એટલે જમી જરા આરામ કરી અમે લેહ પાછા ફર્યા. રસ્તામાં લીકીર મોનેસ્ટ્રી ના ફોટા લીધા. સાંજના પાંચ વાગી ગયાં હતાં એટલે આવી અને જેને ખરીદી કરવા જવું હોય તેઓ ગયા. હું તો માણેલા સૌન્દર્યને વાગોળતી નિરાંતે હોટલ પર બેઠી. અમારી રાત હંમેશા વહેલી પડતી કારણ સવાર પણ વહેલી હોય.

પહાડમાં જેટલું વહેલાં સવારે ફરીએ તેટલું વધારે જોવા મળે. બપોર પછી પહાડમાં હવામાન બદલાઈ જાય એટલે એનાં ભરોસે ના રહેવું.

મિત્રો આજે લેહથી થોડું પશ્ચિમમાં લઇ ગઈ આવતા વખતે તમને થોડું પૂર્વી ઉત્તરમાં લઇ જઈશ અને સફરનો તદ્દન નવો અનોખો અનુભવ કરાવીશ. ત્યાં સુધી રજા લઉં..

– સ્વાતી મુકેશ શાહ;
ફોટો કર્ટસી – મુકેશ શાહ.
swatimshah@gmail.com


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “લદ્દાખ (સફરનામું) ભાગ ૧ – સ્વાતિ મુકેશ શાહ

 • Tushar Desai

  By reading and looking to the photos I feel that I have traveled in this area. Just superb. If possible you may write names if accommodations and names of transport service providers sons to help readers to plan accordingly

 • Vandan Dalal

  ભારત ની વિવિધતા ભાષા,વેશભૂષા, રીત રિવાજો માં તો અલગ છે જ પણ નૈસર્ગિક વિવિધતા અજીબોગજબ છે. લડાખ ઘણા વર્ષો સુધી unexplored રહ્યુ હતુ અને હવે સારી સુવિધાઓ સાથે સુંદર વિકાસ થઈ રહ્યો છે. બીજા અધ્યાયની રાહ જોઈશું.

 • janirita2014

  લદાખની વર્ચ્યુઅલ સફર કરવાની ખૂબ મજા આવી. સુંદર પ્રવાસવર્ણન અને એટલાં જ સુંદર ફોટોગ્રફ્સ દ્વારા તાદૃશ ચિત્ર ઉપસી ગયું. હવે આગળની સફરનો ઇંતેજાર છે. સ્વાતિબેન, અભિનંદન

 • Meera Joshi

  સરસ ફોટાઓ સહિત મારા મનગમતા- વિશલીસ્ટવાળા સ્થળનો સુંદર લેખ.

 • ekta doshi

  બહુ ઝડપથી મનાલીથી ઝંસ્કાર લઈ ગયા. મારે જે જે જોવાનું રહી ગયેલું એ તમે બતાવી દીધું … બહુ જ મજા આવે છે તમારી સાથે ફરવાની.

 • ADITYA SHASTRI

  ખૂબ સુંદર પ્રવાસ વર્ણન છે. બહેન સ્વાતિ બહેન ને ખૂબ અભિનંદન.

 • Archita Pandya

  અરે વાહ. સરસ સફર કરાવી. પ્રવાસમાં આપણાં કરતાં અલગ ભૌગોલિક સ્થિતિ વાળો પ્રદેશ માણવાની મઝા કંઈક ઓર હોય છે! શબ્દોના સહારે પર્વતીય ચડાણ અને કુદરતનું આકર્ષણ