આ પુસ્તક વાંચતા ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા, પ્રાર્થનાનું મહત્વ અને સાચી પ્રાર્થનાનો મર્મ ભાવકોના અંતરમાં ઊઘડી શકે, સૌના જીવનમાં ઉજાસનું એકાદું કિરણ પ્રવેશી શકે એવી સાચી નિષ્ઠાથી, દિલની ભાવનાથી પ્રાર્થના..
પથ પર રૈન અંધેરી,
કુંજ પર દીપ ઉજિયારા.
– શ્રી ટાગોર
પ્રાર્થનાનો લય..
પ્રાર્થના, સદીઓથી આ શબ્દ માનવજાત સાથે સંકળાયેલો છે. પ્રાર્થના એટલે માણસ અને ઇશ્વરને જોડતી કડી, અંતર્યામી સાથેનો નીરવ સંવાદ. પ્રાર્થના એટલે જીવનનું બળ, તેનો સીધો સંબંધ પરમ ચૈતન્ય સાથે. આદિકાળથી પ્રાર્થનાનું મહત્વ સ્વીકારાયું છે. આપણે સૌ શૈશવથી ઘરમાં, સ્કૂલમાં પ્રાર્થના કરતા આવ્યા છીએ..પ્રાર્થના આપણા જીવનનું એક અભિન્ન અંગ રહ્યું છે જેનું અનુસંધાન પરમ સાથે છે. જેની નિસ્બત પરમાત્મા સાથે છે.
પ્રાર્થના એટલે શું ? અનેક લોકોએ જુદી જુદી રીતે પ્રાર્થનાના મર્મને ઉઘાડી આપ્યો છે. બદલાતા સમયની સાથે પ્રાર્થનાની વ્યાખ્યાઓ , એની સમજ બદલતી, વિકસતી રહી છે અને હજુ પણ કદાચ બદલતી રહે એવી શકયતા નકારી શકાય નહીં. સાંપ્રત સમયમાં મંદિર આગળ બેસીને સુંદર શબ્દોમાં સ્તુતિ કરવી, ભજન ગાવા ફકત એને જ પ્રાર્થના નથી કહેવાતી. પ્રાર્થના એટલે ઇશ્વર પાસે યાચના,આજીજી કે કોઇ પણ પ્રકારની માગણી કરવી એટલો જ સંકુચિત, સીમિત અર્થ નથી રહ્યો.. અહીં પ્રાર્થનાના અનેક અર્થો, અનેક મર્મ ઉઘાડી આપવાનો પ્રયાસ કર્યો છે.
ઇશ્વરને હું વરસોથી દોસ્ત માનતી આવી છું. એ મને દોસ્ત માનીને સ્વીકારી શકે એવી કોઇ કક્ષા, પાત્રતા મારી નથી, મારી મર્યાદાઓની મને જાણ છે તેથી આ મૈત્રી એક પક્ષી હોય તો પણ શું ? મને એ એક પક્ષીય મૈત્રીનું પણ ગૌરવ છે. મેં તો હમેશા તેને સખા માનીને જ પ્રાર્થના કરી છે. અને સમયે સમયે આ મૈત્રીએ મને ચપટી જેટલું નહીં પણ ખોબે ખોબે અજવાળું પણ આપ્યું છે.
પ્રાર્થનાના અનેક સુંદર પુસ્તકો વાંચ્યા છે, ખાસ કરીને કુંદનિકાબહેનનું પરમ સમીપે પુસ્તક મારું અતિ પ્રિય રહ્યું છે. એને મેં મન ભરીને માણ્યું છે. એથી જ તો મારા ગુજરાતી બ્લોગનું વરસો પહેલાં “ પરમ સમીપે “ આપ્યું હતું. અંતરની છિપમાં સચવાયેલા એ મોતીની ઝાંખી અહીં પણ વત્તે ઓછે અંશે અનુભવાય. અલબત્ત મારી રીતે.
અહીં પ્રાર્થના દ્વારા પરમેશ્વર સાથે મૈત્રી બાંધીને, પરમાત્માને સખા બનાવીને, સીધા તેને જ સંબોધીને ભીતરની સંવેદના વહી છે. અંતરમાં વહેતી સરવાણીને શબ્દોમાં વ્યકત કરવાનો નિશ્ઠાપૂર્વકનો પ્રયાસ કર્યો છે. અહીં જીવનની કપરી પળોમાં ઇશ્વર પાસે સહાયની માગણી છે તો સાથે સાથે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની સદીઓ પુરાણી અભીપ્સા પણ છે. ઇશ્વરની આપણી પાસેથી શું આશા હોઇ શકે, કેવી પ્રાર્થના તે આપણી પાસેથી ઝંખે એ આજના સંદર્ભે સમજવાનો પ્રયાસ એટલે આ પુસ્તક..પરમ સખા પરમેશ્વરને..
આ પુસ્તક દિમાગથી નહીં પણ દિલથી લખાયું છે. કોઇ આયાસ સિવાય ભીતરની સંવેદના આપોઆપ ઠલવાઇ છે. ઇશ્વર સાથે વાત કરતા કરતા, આ લખતી વખતે એટલીસ્ટ એટલા સમય પૂરતી તો હું એનામય ચોક્કસ બની શકી છું. મારી અંદર ચપટીક અજવાળું જરૂર ઉઘડયું છે. એ અજવાળું અન્ય સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે આ નાનકડું પુસ્તક.
થોડા સમય પહેલાં ચન્દ્રમૌલિભાઇએ પ્રાર્થનાને અનુલક્ષીને કશુંક અલગ સ્વરૂપે લખી આપવા આમંત્રણ આપ્યું. ચન્દ્રમૌલિભાઇ ફકત એક પ્રકાશક નથી પરંતુ એક સારા ભાવક પણ છે એ અહેસાસ આ થોડા સમયના સંપર્કમાં પામી છું. પ્રાર્થના મારો પણ પ્રિય વિષય હતો એટલે એ આમંત્રણ મેં હોંશે હોંશે સ્વીકાર્યું.
થોડા લેખો લખાયા.પણ સંતોષ નહોતો થતો. કશુંક ખૂટતું હતું. ભીતરથી પિંડ નહોતો બંધાયો એવો અહેસાસ હતો. છતાં ચન્દ્રમૌલિભાઇને જોવા માટે મોકલ્યા ત્યારે તે વાંચીને તેમનો જવાબ પણ એવો જ મળ્યો નીલમબેન, લેખ સારા છે પણ હજુ જાણે કંઇક ખૂટે છે, મજા નથી આવતી. પિંડ બંધાયો નથી. તેમની વાત સાચી હતી કેમકે લખતી વખતે મને પણ જે મજા આવવી જોઇએ એ હજુ નહોતી આવી.
ફરી મથામણ ચાલી.. વીસેક દિવસો મનમાં રાત દિવસ કશુંક ઘૂમતું રહ્યું. એક શબ્દ પણ આ સમયગાળા દરમ્યાન ન લખ્યો. ભીતરમાં જાણે એક શૂન્યતા છવાઇ હતી. મનમાં આ એક જ વિષયે કબજો કર્યો હતો. મનોમન ઇશ્વર સાથે સંવાદ ચાલતો રહ્યો હતો. પ્રાર્થનાના અનેક અર્થ, મર્મ ઉઘડતા રહ્યા હતાં મારે શું કરવું છે, કેવી રીતે કરવું છે એનું મંથન ચાલી રહ્યું હતું
આખરે જયારે લેપટોપના કી બોર્ડ પર આંગળીઓ ફરવાની શરૂ થઇ ત્યારે અટકયા સિવાય શબ્દો આપોઆપ ઉતરતા રહ્યાં. એક સંતોષ અને આનંદની લાગણીથી સભર બનાતું રહ્યું.આ એક જ કામ સિવાય બીજો કોઇ વિચાર સુધ્ધાં મનમાં નહોતો આવતો. મારા પોતાના આશ્વર્ય અને આનંદ વચ્ચે, શારીરિક મર્યાદાઓ ઓળંગીને ફકત આઠ જ દિવસમાં કામ સંપન્ન થયું. કેમકે આ કામ નહીં પણ કર્મરૂપ, એક પ્રાર્થનારૂપ જ બની રહ્યું હતું.
આ લખતી વખતે મેં આનંદ, આસ્થા, વિશ્વાસ, પરમાત્મા પ્રત્યે પ્રેમ વગેરે અનેક સંવેદનાઓ અનુભવી છે. એથી જ મને શ્રધ્ધા છે કે એ આનંદ, એ પ્રેમ અને એ શ્રધ્ધા વાચકો, ભાવકો સુધી પણ અવશ્ય પહોંચશે. અને એ પહોંચે, કોઇને સ્પર્શે એટલે મારી મહેનત વસૂલ. કોઇ સર્જકને એનાથી વિશેષ શું જોઇએ ?
આજે પહેલો આભાર પરમ સખા બની રહેલા પરમેશ્વરનો જ હોય ને?
અને બીજો આભાર ચન્દ્રમૌલિભાઇનો માનવો ગમશે. એક પ્રકાશક તરીકે નહીં પણ એક ઉત્તમ ભાવક તરીકે આના સર્જન સમયે તેઓ મારી સાથે રહ્યા છે. મારામાં વિશ્વાસ મૂકીને મને આ કામ સોંપ્યું તે બદલ તેમની રૂણી છું કેમકે આ કામે મને પરમાત્મા સાથેની મારી મૈત્રીને શબ્દમાં વ્યકત કરવાનો અવસર આપ્યો. આ સર્જન મારે માટે એક યાત્રા સમાન બની રહ્યું.
આ લખતી વખતે લગભગ આખું અઠવાડિયું હું નિ:શબ્દ બની રહી હતી. ત્યારે જીવનસાથી હરીશે મને જરા પણ ખલેલ પહોંચાડયા સિવાય મારી અંગતતાનો આદર કર્યો છે એ માટે આભાર તો શું માનું ? પણ એ સહકાર સિવાય મન આટલી હદે શાંત ન જ બની શકયું હોત. હું લખતી હોઉં ત્યારે ટીવીનો કે કોઇ અવાજ મને ખલેલ ન પહોંચાડે એવી એની સતર્કતા મને સ્પર્શ્યા સિવાય કેમ રહી શકે ?
આ દિવસો દરમ્યાન લગભગ બધા સાથે સંપર્ક શૂન્ય બની રહેલી. મારા બાળકો, સ્વજનો,મિત્રોએ મને હમેશા સાચવી છે, મારી નિષ્ઠાને સન્માની છે. આવો મજાનો પરિવાર, આવા મજાના અનેક મિત્રો મળવા એ કંઇ ઇશ્વરની ઓછી કૃપા કહેવાય? એ સૌને આ ક્ષણે ભાવપૂર્વક સ્મરૂ છું.
આ પુસ્તક વાંચતા ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા, પ્રાર્થનાનું મહત્વ અને સાચી પ્રાર્થનાનો મર્મ ભાવકોના અંતરમાં ઊઘડી શકે, સૌના જીવનમાં ઉજાસનું એકાદું કિરણ પ્રવેશી શકે એવી સાચી નિષ્ઠાથી, દિલની ભાવનાથી પ્રાર્થના.. એટલું જ કહીને વિરમીશ.
ઓમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતાઃ ભવન્તુ ભૂતાઃ
નાશં પ્રયાન્તુ દોષાઃ સર્વત્ર સુખી ભવતુ લોકઃ
સકળ જગતનું કલ્યાણ થાઓ, લોકો પરહિતમાં લાગેલા રહો, દોષો નાશ પામો, સર્વે લોકો સુખી થાઓ.
અસ્તુ..
– નીલમ દોશી
૭૯૯૦૨ ૯૦૦૬૭
nilamhdoshi@gmail.com
તારીખ ૧૫ ઓગષ્ટ ૨૦૧૪
અક્ષરનાદ પર દર રવિવારે પ્રસ્તુત થશે નીલમબેન દોશીનું ઈશ્વરને લખેલા સુંદર સંવેદનાસભર પત્રોનું પુસ્તક ‘પરમ સખા પરમેશ્વરને..’ આ સુંદર પુસ્તક અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નીલમબેનનો ખૂબ આભાર અને સાધુવાદ!
પુસ્તક લખતી વખતે આપ જે ઇશ્વરીય અનુભવમાંથી પસાર થયા છો, એમાંથી નીપજેલા પ્રાર્થનાના મોતી વાંચનારને પણ પરમેશ્વરની સમીપ લાવશે એમાં કોઈ શંકા નથી. પરમ સમીપેની રાહમાં..
Thanks Neelanben , her family and his friends for all your toils. Prayers – again like god has it’s own personal aspirations. Mine is little different – It is process of odyssey to bring your mind, acumen and heart in single line around all mighty.
God prevails where there are two extremes – Zero and Infinite , Light and Darkness ( With out light), Yin and Yeng. Only God can be in this kind of forms but you are like Arjuana likes to seek friend – the best in all this centuries – Krishna. Stay blessed and look forward to read and manifest your work in near future.
ખૂબ સરસ પ્રસ્તાવના વાંંચી મારા પ્રિય લેખિકા પુસ્તક વાંંચી લેવાની તાલાવેલી લાગી ગઈ. આવતા રવિવારની રાહમાં..