પુસ્તક સમીપે : સમુદ્રાન્તિકે – અંકુર બેંકર 18


લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે.

પુસ્તક સમીક્ષા : સમુદ્રાન્તિકે

લેખક : ધ્રુવ ભટ્ટ

સમુદ્રાન્તિકે પુસ્તક ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ અને લોકપ્રિય સાહિત્યકાર શ્રી ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા ઈ.સ. ૧૯૯૩માં લખાયેલું અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે. આ પુસ્તક કુલ ૧૪૭ પાનાં ધરાવતું હાર્ડ કવર પ્રકારનું છે, જેની કિંમત રૂ. ૧૫૦ છે.

પુસ્તકના નિવેદનમાં લેખકશ્રી કહે છે કે, સાહિત્યજગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ-પ્રકારોને ધ્યાનમાં લીધા વિના આ વાત મેં લખી છે. આમ, લેખકશ્રીએ આ પુસ્તકની કથાને નવલકથા, લઘુનવલ કે અન્ય કોઈ સ્થાપિત સાહિત્યપ્રકારનું લેબલ આપેલ નથી. પરંતુ અંગત રીતે મને પુસ્તક વાંચતાં આત્મકથાસ્વરૂપ હોય તેવું જણાયેલ છે.

લેખક અને તેમના મિત્રોએ ૧૯૮૦ થી ૧૯૮૫ સુધીમાં દર વર્ષે ૧ મે થી ૮ મે દરમિયાન ગુજરાતના સમુદ્રતટે પગપાળા કરેલા પ્રવાસના અનુભવોને આધારે આ કથા રચાઈ છે. પ્રથમ જાફરાબાદથી પૂર્વ તરફ ગોપનાથ અને પછીનાં વર્ષોમાં જાફરાબાદથી વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ તરફ દીવ, સોમનાથ, ચોરવાડ-પોરબંદર હર્ષદ, દ્વારકા સુધી આ પ્રવાસ કરવામાં આવેલ છે. પ્રવાસની મુખ્ય શરત એ રહેતી કે ખડકો અને કાદવ ન હોય ત્યાં સમુદ્ર અને કિનારો ભેગા થતાં હોય એ સ્થળે જ ચાલવું. રાત્રે જ્યાં પહોંચાય ત્યાં રોકાવું અને જે મળે તેનાથી ચલાવી લેવું.

જેમ તત્વમસિ કથામાં નર્મદા નદી એક પાત્ર થઈને વહેતી હતી તેમ સમુદ્રાન્તિકેમાં દરિયો કથાનું પાત્ર કહો તો પાત્ર અને પૃષ્ઠભૂ કહો તો પૃષ્ઠભૂ છે. આ કથામાં અરબસાગરના દરિયાના ખારાપાટમાં વસતી પ્રજા, તેમની ખુમારી, દરિયા પરની તેમની આસ્થા અને તેમના હાડમારીભર્યાં જીવનની વાત છે. આ કથાનું હાર્દ એ છે કે કથાનાયક પોતે વસતા મહાનગરમાંથી નવી નોકરીમાં મળેલા પોસ્ટીંગના કારણે અરબસાગરના કિનારે ખારાપટ વિસ્તારમાં નાખવાની કેમિકલ કંપનીની જગ્યા માટે સર્વેક્ષણ અર્થે આવે છે અને અહીં બે કે ત્રણ વર્ષના વસવાટ દરમિયાન અહીંની પ્રકૃતિમાં ભળી જાય છે.

ખરેખર જોવા જઈએ તો પ્રકૃતિએ જ મને આ પુસ્તક સુધી પહોંચાડ્યો છે. પક્ષી નિરીક્ષણનો શોખ જ્યારથી કેળવાયો છે ત્યારથી એવી અદમ્ય ઈચ્છા રહી છે કે એકવાર દૂધરાજને જોવો છે. દૂધરાજ, બુલબુલ જેટલા કદનું માથે કલગી અને લાંબી પૂંછડી ધરાવતું દૂધ જેવા સફેદ રંગનું પરિન્દુ છે એટલે પ્રકૃતિનું રમણીય અને માણવાલાયક સર્જન. એકવાર અશ્વિની ભટ્ટની “શૈલજા સાગર” વાંચી લીધા પછી વિચાર આવ્યો કે હવે શું વાંચવું? આળસુ સ્વભાવને કારણે એક વાત તો નક્કી હતી કે કોઈ ઓછા પાનાનું પુસ્તક હાથમાં લેવું છે. આવા ઓછા પાનાનાં પુસ્તકો શોધતાં-શોધતાં મારા હાથમાં ધ્રુવદાદાની સમુદ્રાન્તિકે આવી. પુસ્તકને પલટાવતાં પુસ્તકના પાછળના ભાગે છપાયેલો દૂધરાજનો ફોટો જોઈને જ એ નક્કી થઈ ગયું હતું કે હું આ પુસ્તક જ વાંચીશ. અધૂરામાં પૂરું એમાં નૂરભાઈનો સંવાદ પણ લખાયેલો હતો કે, 

“-ને જિંદગાની પૂગે ન્યાં લગણમાં જો દૂધરાજ ભાળી લંઈ તો તો અલ્લાની કુદરત થઈ જાય, મારા વાલા, જોજો ને. એક પરિંદુ ઊડે ને આખો મલક જીવતો થઈ જાય, ઈ કાંય ઓછો જાદુ છે?” જાણે કે મારા જ મનોભાવનો પડઘો.

ધ્રુવ દાદાને બાળકો કેટલા પ્રિય છે એ તો સર્વવિદિત છે. તેમના અત્યાર સુધી જેટલાં પુસ્તકો વાંચ્યા છે તેમાં બાળકો પ્રત્યેનો એમનો પ્રેમ વરતાઈ આવે છે. તત્વમસિની જેમ જ આ પુસ્તકમાં પણ કથાનાયકના એક નાનકડી બાળકી જાનકી સાથેના પ્રસંગથી જ કથાનો ઉઘાડ થાય છે. શરૂઆતમાં નાયક મોહમાયાથી ઘેરાયેલો છે. સમુદ્ર કિનારેના આ ઉજ્જડ અને વેરાન ખારાપાટમાં એ સતત ને સતત પોતે જ્યાં વસતો હતો એ મહાનગરને યાદ કરે છે. અરે ત્યાં સુધી કે એ ઈશ્વરને ફરિયાદ પણ કરે છે,

નાનકડું જીવન મળે છે તેને સારી રીતે પોતાના સ્વજનો વચ્ચે રહીને પૂરું કરવા દેવાનું પણ તને મંજૂર નથી.”

આ વાક્ય નાયકના મોહની પરાકાષ્ઠા વર્ણવે છે. આખી કથા દરમિયાન સમુદ્રના મોજાંની વાછટે, મઢૂલીવાળા બંગાળીબાબાની વાતોએ, નૂરભાઈની સંગતે કે પછી અવલ સાથેના સંવાદોએ અને નરી પ્રકૃતિના સહવાસે નાયકના આંતરિક જગતમાં આણેલા પરિવર્તનને પરિણામે નાયક બધા મોહથી પર થઈ જાય છે.

કથાને અંતે નાયક માયાથી પર થયો છે, મુક્ત થયો છે, બંધનરહિત થયો છે એ વાત લેખક ખૂબ સરસ રીતે કહી શક્યા છે. કથાને અંતે નાયક તેની પાસે રહેલા ઘોડા કબીરાની ઉપર સવારી નથી કરતો. તેની લગામ છોડી દે છે, ચોકડું કાઢી લે છે, એનો પલાણ છોડી નાખે છે અને બધું જ વજન હાથમાં લઈને એ સમુદ્ર તટ પર ચાલી રહ્યો છે અને સંવેદન પ્રગટે છે,

“મુક્ત, બંધન રહિત કબીરો મારી પાછળ ચાલ્યો. ઢળતી સંધ્યાએ, સમુદ્રની ભીની રેતીમાં છ પગલાંની છાપો એકમેકમાં ભળી જતી ચાલી.

કેટલું સૂચક વર્ણન! પ્રકૃતિનું એક સર્જન એટલે નાયક અને બીજું સર્જન એટલે કબીરો -આ બંને એકમેકમાં ભળી જાય છે. એમની અંદર રહેલાં પ્રકૃતિનાં તત્વને, તેના એકાત્મને નાયક ઓળખી જાય છે. તેમની આ એકાત્મકતાની છાપ સમુદ્રકિનારાની ભીની રેતીમાં પડે છે. રેતીમાં પડેલાં પગલાંની છાપની ક્ષણભંગુરતા કેટકેટલું કહી જાય છે! થોડી જ ક્ષણોમાં આ પગલાંની છાપને સમુદ્રનું કોઈ મોજું આવીને લઈ જશે અને સમાવી લેશે એને પોતાની અનંત જળરાશિમાં. નાયક, ઘોડો, એમની છાપ -આ બધું જ સમુદ્ર સાથે એકાકાર થઈ જશે અને પ્રકૃતિના અનંતકાળથી ચાલતાં ચક્રમાં સમાઈ જશે.

સમગ્ર કથા દરમિયાન નાયકના મનમાં પોતાના કહેવાતા સભ્યજીવન, શહેરીજીવન અને આ ખારાપાટમાં જીવાતા પ્રાકૃતિક જીવન વચ્ચે સરખામણી થતી રહે છે. પહેલા જ પ્રકરણના પ્રસંગમાં જ્યારે કૂવામાંથી પાણી પીવે છે ત્યારે તેને એવું થઈ આવે છે કે પાણીનું દર્શન અને સ્પર્શ જીવમાત્ર માટે આનંદદાયી હોય છે પરંતુ આજે આ કૂવાના જળને સ્પર્શતાં જે અનુભવાયું તેવું સુખ તેને નળમાંથી વહેતા પાણીના સ્પર્શે ક્યારેય નથી અનુભવાયું. બેઉ સ્થળે પાણી તો પાણી જ હોય છે છતાં  અલગઅલગ અનુભવ કરાવતું તત્ત્વ કયું હશે તે પ્રશ્ન નાયકને થઈ આવે છે. આ અને આવા અનેક પ્રસંગોમાં નાયકને પ્રશ્નો થાય છે અને એ આ પ્રશ્નોના જવાબો શોધવાની મથામણ કરે છે.

ઈસ્માઈલ, વાલબાઈ, જાનકી, સબૂર, પગી સરવણ, અવલ, નૂરભાઈ, બંગાળી બાબા, શામજી મુખી, વિષ્નો, ક્રિષ્નો ટંડેલ, બેલી, દયારામ, વિદેશી સાધ્વી, ગોપા આતા, હાદા ભટ્ટ, ઉમાગોરાણી, કેશો ભગત  આવા ઘણા પાત્રોનું પાત્રીકરણ એવી રીતે કરાયું છે કે તમને એકવાર એ સૌને મળવાની ઇચ્છા થઈ આવે. આ સૌમાં ‘અવલ’ અલગ તરી આવે છે. અવલ એટલે અવલ. એનાં વિશે હું વધારે કહેવા નથી માંગતો કેમ કે મારી એવી ઇચ્છા ખરી કે અવલને તમે તમારી દૃષ્ટિથી વાંચો-જુઓ મારી નજરે નહિ.

આ કથાની વિશેષતા એ પણ છે કે લેખકે કથા દરમિયાન મીઠી મીઠી વીરડીઓ જેવા સંવાદો પાત્રોના મુખે મૂકી આપ્યાં છે. આ સંવાદ વાંચીને કોઈપણ વાચક, ચિંતન અને મનનના પ્રદેશોમાં વિહરવા ના લાગે તો જ નવાઈ. વાક્યો તમારા મનના મહાસાગરને હિલોળા લેતો કરી દે છે તો ક્યારેક મનના ઉદધિને એકદમ શાંત અને નિરવ બનાવી દેશે. એવા કેટલાક સંવાદો આ કથામાં છે જે મને વિશેષ રીતે ગમ્યાં છે.

“તે લૈ લેને. આંય તને કોઈ ના નો પાડે.”

“દરિયો ડોલમાં નો સામે બાઈ,”

“નાવ ગણો કે લોંચ, જોખમ તો બધે સરખું. બધાને બે જણ હંકારે. એક ઉપરવાળો ને બીજો દરિયો.”

“દરિયાની મરજી ઉપરવટ હોડી હંકારી દે ઈ ખારવો જલમવો બાકી છે.”

“આ દુનિયા માથે આદમીનો કેર ઓછો છે? ઈનું હાલે તો માનાં ધાવણ સૂકવી નાખે.”

લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે. પોતાની અંદરથી કંઈક ગુમાવતો જાય છે, સાથે સાથે એની અંદર કંઈક ઉમેરાતું પણ જાય છે. આ કથા વાંચતાં વાંચતાં વાચક પણ વલોવાય છે એ પણ બદલાય છે.

છેલ્લા પ્રકરણમાં નાયક કહે છે તેમ, હું સ્વીકારું છું કે ધરતી ખરેખર સાદ કરતી હોય છે અને કેટલાક વિરલ જનો એ સાદ સાંભળવા અને તેનો જવાબ આપવા શક્તિમાન હોય છે. પ્રકૃતિ અને માનવી વચ્ચે આ પરાપૂર્વથી સ્થપાયેલો વ્યવહાર છે જ. આ સચરાચરમાં ક્યાંક કોઈક છૂપો માર્ગ છે જે માર્ગે જડ અને ચેતન પરસ્પર વાર્તાલાપ કરી શકે છે.”

આ છૂપા માર્ગ સુધી પહોંચવા માટેનું પહેલું ડગલું આ પુસ્તક બની શકે એમ છે. જો તમે હાથ લંબાવો તો… બાકી એ તો છે જ તમારી રાહમાં હજાર હાથ ફેલાવીને.

છેલ્લે પુસ્તકની શરૂઆતમાં આપેલ ધ્રુવદાદા રચિત આ ગીત, માણો બસ…

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે
આપણે તો કહીએ કે દરિયા-શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે એમ છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉ એવું લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે

આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબમ નથી પરવા સમંદરને હોતી
સૂરજ તો ઊગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમનેમ છે..

અક્ષરપર્વ – ૨ દરમ્યાન આદરણીય શ્રી અરુણભાઈ ભટ્ટ દ્વારા આ કવિતાનું સુંદર પઠન થયું હતું, એનો વિડીઓ અહીં ક્લિક કરીને માણી શકાશે…

https://www.facebook.com/watch/?v=2636887886367709

તો મિત્રો ફરી મળીશું આવા જ કોઈક પુસ્તકનાં પાને પાને પગલાં પાડવાં.

મા ગુર્જરીની જય! નર્મદે હર!  

– અંકુર બેંકર


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “પુસ્તક સમીપે : સમુદ્રાન્તિકે – અંકુર બેંકર

 • Hiral Vyas

  ખૂબ જ સરસ. પુસ્તક વાંચવાની ઉત્કંઠા થાય એવું. ખરેખર પુસ્તકની સમીપે પહોંચી જવાયું.

 • Surbhi Raval

  નમસ્કાર
  માનીતા લેખક ધૃવ ભટ્ટ ની બધી જ સાહિત્ય કૃતિ વાંચી છે..
  વાંચું છું…એ માં મારી પ્રિય મનપસંદ તતવમસિ અને સમુદ્રાનતિકે .
  આજે ઍની સમીક્ષા સરસ સહજ ભાષા માં વાંચી ને કૃતિ ને તરો તાજ કરી દીધી..ઘર નાં કબાટ માંથી કોફી ટેબલ પર આવી ગઈ.. વાંચવા માટે જ સ્તો.
  આભાર…..તમારો અને જીગનેશ ભાઈ નો..

  • અંકુર બેંકર

   બસ, આ જ હેતુ છે ‘પુસ્તક સમીપે’નો. સમુન્દ્રાન્તિકે મને પણ વિશેષ ગમે છે. એ પ્રદેશમાં પહોંચી જવાનું મન થઈ જાય.

 • Hitesh Thakkar

  Thanks Ankur bhai for brining one more marvel creation from Druve Bhatt Dada. After Tatvamasi, this is another one and thanks for the poem enjoyed and revered.

 • Pinal Shah

  ધ્રુવ ભાઈ રચિત ખૂબ ખૂબ સુંદર ગીત ‘ઓચિંતું કોઇ મને રસ્તે મળે કે ને પૂછે કે કેમ છે’… ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ પુસ્તક લખવા માટે કેમ કે અમારાં જેવાં જે દરિયાની મુલાકાત માત્ર ઉનાળામાં ફરવા માટે કરે છે તેમના માટે તો આ પુસ્તક એક ખૂબ સરસ અનુભવ આપે.