ઓંખણ પોંખણ – રાજુલ ભાનુશાલી 20


હે વર્તમાન, તું ખૂબ સુંદર છે. આભાર.

આવનારા અનેક વર્ષો સુધી જો કોઈ મને પૂછશે કે તે સૌથી વધારે સુખ ક્યારે પામ્યું તો હું  બધું જ સુખ આંખોમાં આંજીને કહીશ.. વર્તમાનમાં! 

ત્રણ ત્રણ કાળ સાચવીને બેઠેલા તારીખિયા ચકમક પથ્થર જેવા હોય છે. એની સાથે ઘર્ષણ થાય ત્યારે તણખા જ ઝરવાના!

એક પણ બારી ન હોય એવા ઓરડામાં રહેવાનો અનુભવ કેવો હોય એની કલ્પના કરી છે કદી?  ન તો કોઈના ટકોરાંની રાહ જોવાની, ન તો કોઈ સાથે કશો સંપર્ક રાખવાનો. કોઈને કશું કહ્યા વગર, કોઈથી કશું માંગ્યા વગર જીવવાનું અને જીવનથી એક પણ ફરિયાદ કર્યા કે રાખ્યા વગર એક દિવસ ચૂપચાપ મરી જવાનું! પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે ખરેખર આવા લોકોનું અસ્તિત્વ હોય છે ખરું? જો હોય પણ છે તો એ લોકો કેવા હોતા હશે? જોકે આ લખનાર કે વાંચનાર  એટલે કે મારા તમારા જેવા તો નહીં જ હોતા હોય! મને અને તમને આ ઘર્ષણની નવાઈ નથી અને તણખાનો ડર નથી એટલું તો સ્પષ્ટ છે કારણકે આપણો ઓરડો બારી વગરનો નથી. એટલે જ તો આપણે આ રીતે એકબીજા સુધી પહોંચી શકીએ છીએ, પહોંચી રહ્યાં છીએ. અને હા, આ ઓરડાની એક દિવાલ પર લોખંડની ખીલ્લીમાં જરીપુરાણું તારીખિયું પણ શોભી રહ્યું છે.

હમણાં લાગલગાટ ત્રણેક દિવસ સરખો વરસાદ પડ્યો. વહેલી સવારની ગાઢ ઊંઘમાં  વાદળા ક્યારે ઘેરાયા અને ક્યારે ઝરમર ચાલુ થઈ એની તો ખબર ન પડી પરંતુ  જ્યારે ગેલેરીની ગ્રીલ ઉપર લગાવેલા પતરાં પર એણે ધમાચકડી મચાવી ત્યારે આંખો ખૂલી ગઈ. રોજ સવારના છ એક વાગ્યાથી  વૉચમેન પતરાંની બાલદીમાં પાણી લઈને ગાડીઓ ધોતો હોય.  વહેલી સવારની નીરવ શાંતિમાં દુધવાળા અને છાપાવાળાની સાઇકલની ઘંટડીનો સ્વર પડઘાતો હોય. આજે એ પતરાંની બાલદીની ઠકઠક કે સાઇકલની ઘંટડીનો તીવ્ર સ્વર અલોપ થઈ ગયાં હતાં. એવું લાગી રહ્યું હતું જાણે અમી વરસાવતા આકાશની વચોવચ્ચ આ ગેલેરી અધ્ધર ઊભી છે. એક એવા દ્વિપ જેવી જેના આ ઘડીએ બાકીની દુનિયા સાથેના  બધાં જ સંપર્ક કપાઈ ગયા છે.   બેકગ્રાઉન્ડમાં મધુર સંગીત વાગી રહ્યું હતું, જાણે કોઈ ઊંચા સૂરમાં આલાપ લઈ રહ્યું હોય! વાતાવરણ અદ્દભુત હતું. એ જ વખતે  બરાબર સામે આવેલા મકાનની બારીમાં એક બાળક દેખાયું. એના ચહેરા પરની નરી મુગ્ધતા અહીંથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. એણે નાનકડા હાથ બહાર કાઢીને વરસતી ધારાને પોતાની ગુલાબી હથેળીઓમાં ઝીલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ નાનકડા હાથ ત્યાં સુધી પહોંચી શક્યા નહીં. એકાદ પળ માટે એનો ચહેરો ઝાંખો પડી ગયો. પછી અચાનક એ બારીમાંથી અદ્રશ્ય થઈ ગયો અને બીજી પળે પોતાનું પ્લાસ્ટિકનું બેટ લઈને પાછો આવ્યો. એણે ગ્રીલમાંથી બેટ બહાર કાઢ્યું અને ધારાની નીચે પકડ્યું. એ સાથે જ આકાશમાંથી વરસતું પાણીનું પ્રત્યેક ટીપું જે એના બેટ પર ઝીલાતું હતું એ ગેલમાં આવી ગયું. બાળક રાજીનો રેડ થઈ ગયો. મને એની કિલકારીઓ સંભળાઈ નહોતી રહી પણ એના  આંદોલનો મારા સુધી ચોક્કસ પહોંચી રહ્યા હતાં.  હું ભાવવિભોર થઈને એ દ્રશ્ય  જોઈ રહી હતી. એ ક્ષણોમાંથી છલકાતા આનંદનો એક્કેય કતરો ચુકાઈ ન જાય એ ખાતર મેં પાંપણનું મટકું મારવાનું પણ ટાળ્યું. આનંદથી છલકાતી ક્ષણો દરમિયાન  આપણને કોઈ જ ખલેલ ન પહોંચે એવી ઈચ્છા તો ઘણી હોય, પણ ઘણુંખરું એવે ટાણે ક્યાંકથી ખલેલ આવી જ પહોંચતી હોય છે. કોઈકે પાછળથી આવીને એ બાળકને બાવડામાંથી ઝાલ્યું અને અંદર લઈ જવા લાગ્યું. બાળકને કદાચ બારીમાંથી ખસવું નહોતું પણ એનું કંઈ ચાલ્યું નહીં.  એ જેવો ખસ્યો, બારી ધડામ કરતી બંધ થઈ ગઈ! બહાર જોજનો સુધી પથરાયેલી આહ્લાદકતાને જાણે કહી દેવામાં આવ્યું કે તને અંદર આવવાની મનાઈ છે. વાયરાએ એકાદ બે વાર  ટકોરાં દીધાં અને  સ્લાઇડીંગના કાચ જરીક થથર્યાં. વાછટની અંદર  પ્રવેશવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ ઘરધણીની રજા વગર એના ઘરમાં દાખલ થઈ જવાની ઈચ્છાને  એની શિષ્ટતા નડી ગઈ અને એ પાછી વળી ગઈ! બંધ બારીને એ દિવસે પોતે નિર્જીવ હોવાનો ઘણો અફસોસ થયો.

હજારો સદીઓ વીતી પણ સૂરજે એકાદ દિવસ રજા લીધી હોય કે ક્યારેક શિષ્ટતાને નેવે મૂકીને એકાદ પળ માટે મોડો પડ્યો હોય એવું ક્યારેય બન્યું નથી. આથમી ગયેલો સૂરજ બીજે દિવસે પાછો ઉગવાનો છે એ વિશે કોઈનેય તસુભર પણ શંકા હોતી નથી.  પરંતુ દરેક વખત  હાથમાં આવેલા રોકડા રુપિયા જેવા નવાનક્કોર દિવસનું મૂલ્ય સમજવામાં માણસ  ગોથું ખાઈ જાય છે.

તારીખિયાના કોક ખાનામાં સર્પની જેમ કોકડું વળીને પડી રહેતા ભુતકાળ  કે કુંડાળાદાવ રમતા ભવિષ્યકાળની ઉપાધીમાં ઘણીવાર વર્તમાનકાળને પોંખવાનું રહી જાય છે. ભેજ લાગી ગયું હોય એવી ભીંત પરથી જેમ ડીસ્ટેમ્પરની પોપડીઓ ખર્યા કરે એ રીતે વર્તમાનમાંથી પોપડીઓ ખરતી રહે છે! પરણવા આવેલા વરને  કે નવી પરણીને આવેલી વહુને તેમની સાસુએ માંડવામાં કે ઘરમાં દાખલ થતી વખતે  પોંખવાનું હોય છે. સાસુ અક્ષત, ફૂલ વગેરેથી વધાવે. પવિત્ર જળ અને મંગળ વસ્તુઓનું પ્રોક્ષણ કરે, શુભને આહ્વાન આપે. ઓંખણ પોંખણ એ પવિત્ર અને મહત્વની પ્રણાલિ છે. લગન પ્રસંગે બીજા અનેક કામની ઉપાધી વચ્ચે જો વર કે વહુને પોંખવાનું રહી જાય તો ચાલે?

વર્તમાન સાથેનો સંબંધ વચગાળાના સમય દરમ્યાન બંધાયેલો સંબંધ છે. જ્યાં સુધી એ તમારા પરિચયમાં નહોતો આવ્યો ત્યાં સુધી તમે એને જાણતા નહોતા. તમારી સાથે એનો શો સંબંધ છે એનો ખયાલ ન હતો  કે કલ્પના પણ નહોતી. પરંતુ  હવે જ્યારે તેની સાથે પનારો પડી જ  રહ્યો છે ત્યારે એની અને તમારી વચ્ચે પુલ બાંધી લેવામાં જરાય વિલંબ કરવો ન જોઈએ. વર્તમાનમાં ચેતનનો ચમકાર પૂરવાનો હોય, નવી આશાઓ ભરવાની હોય. તડકો હોય તો વાદળા શોધવામાં લાગી જવું  અને વાદળા  હોય તો તડકો એનો કશો અર્થ નથી! ઓરડાની ચાર ભીંતો વચ્ચે ભરાઈને ‘પ્રકાશ નથી આવતો’ જેવી ફરિયાદ કરવાથી  કશું જ વળવાનું નથી. એ માટે  ઊભા થઈને બારી ખોલવાની હોય! પોતાને આવી અસંમજસની સ્થિતિમાંથી જરાક બહાર કાઢીને જોજો. બહુ હળવાશ લાગશે. આ હળવાશ પામ્યા બાદ દરેક રોકડા  રુપિયા જેવા નવા  દિવસનું મૂલ્ય સમજાયું છે. 

મારી પાસે મને  ખૂબ ગમતા પુસ્તકો છે. ખૂબ ગમતા લોકો છે. મેં જાતે પસંદ કરેલી ચુપ્પી અને જાતે પસંદ કરેલી વાતો છે. મેં જાતે શોધી કાઢેલા સુખને  લેમીનેટ કરાવીને મારી સામે જ વ્યવસ્થિત રીતે ગોઠવીને  રાખ્યા છે. હા, થોડાક દુઃખ છે જે ક્યાંક ખૂણે ખાંચરે પડ્યા રહે છે. આ મારો અસબાબ છે. બાકી ત્રણ ત્રણ કાળ સાચવીને બેઠેલા તારીખિયા ચકમક પથ્થર જેવા હોય છે. એની સાથે ઘર્ષણ થાય ત્યારે તણખા તો ઝરવાના જ! 

હે વર્તમાન, તું ખૂબ સુંદર છે. આભાર.

આવનારા અનેક વર્ષો સુધી જો કોઈ મને પૂછશે કે તે સૌથી વધારે સુખ ક્યારે પામ્યું તો હું  બધું જ સુખ આંખોમાં આંજીને કહીશ.. વર્તમાનમાં! 

– રાજુલ ભાનુશાલી 

રાજુલબેન ભાનુશાલીના અક્ષરનાદ પરના ‘સિંજારવ’ સ્તંભના બધા લેખ
અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “ઓંખણ પોંખણ – રાજુલ ભાનુશાલી