લેખકનો પરિચય :
મુંબઈમાં એકના એક સંતાન તરીકે જન્મેલાં સુષમાબેનને સાહિત્યનો વારસો કાકા તરફથી ગળથૂથીમાં મળ્યો છે. ઘરમાં જ નાનપણથી જ મોટા લેખકોની બેઠકોનો લાભ મળતો જે સંસ્કાર સ્વરૂપે તેમના વ્યક્તિત્વમાં ઉતરતો ગયો. વડોદરામાં લગ્ન પછી ઘરની જવાબદારીઓ વચ્ચે તેમણે પ્રિ-પ્રાયમરી શિક્ષિકા તરીકે જોબ કરી જ્યાં બાળકો માટે નવી વાર્તાઓ ઘડતાં અને આકાશવાણી કેન્દ્ર ઉપર પણ પઠન કરતાં.
ઘર-પરિવારની જવાબદારીઓમાંથી થોડી ફુરસદ મળતાં લેખન ક્ષેત્રે હાથ અજમાવ્યો અને જોતજોતામાં અનેક ઇનામો જીતી, લેખક તરીકે પ્રસ્થાપિત થઈ ગયાં. આજની આ વાર્તા ‘સંપર્ક સૂત્ર’ મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ માં દ્વિતિય સ્થાને વિજેતા થઈ છે. આ વાર્તા વાંચવા અહીં ક્લિક કરો..
તો ચાલો તપાસીએ આ વિજેતા વાર્તા ‘સંપર્કસૂત્ર’ને મનના માઇક્રોસ્કોપથી :
ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા એક ગૃહિણીની દિનચર્યાથી શરૂ થાય છે. આ વાર્તાનો વિષય તદ્દન નવો છે એવું તો ન કહી શકાય પણ જેના વિશે ઓછું ચર્ચાય છે એમ જરૂર કહી શકાય. આ વાર્તાનું સૌથી સબળ પાસું છે એની સાદગી અને પ્રવાહિતા. એક નવી ઉર્જા આપી જતો અંત પણ વાર્તા વાંચનારના મોઢા ઉપર આછેરો મલકાટ આપી જાય છે અને વાંચનાર આ વાર્તામાં પોતાનું અથવા આપ્તજનનું પ્રતિબિંબ જોઈ શકે છે જે વાર્તાને લોક ચાહના અપાવે છે.
વાર્તાની થીમ : રોજબરોજના એકધારા જીવનમાં આવતો નાનકડો ફેરફાર પણ માણસને નવી ઉર્જા, નવી અનુભૂતિ કરાવે છે. આ જ થીમ ઉપર રામ મોરીની ખૂબ ખ્યાતિ પામેલી “એકવીસમુ ટિફિન” પણ ગણી શકાય. પરંતુ બંને વાર્તા તદ્દન અલગ છે.
વાર્તાનો પ્લોટ : વર્ષોથી રોજની ઘટમાળામાં પરોવાયેલી એક સરેરાશ સુખી ગૃહિણી ઉપર એક અજાણ્યો ફોન કોલ આવે કે, “તું મને ગમે છે, હું તને ચાહું છું.” આ ફોનનો રોજીંદો ક્રમ અને એ સ્ત્રીમાં થતો નવો ઉમંગનો સંચાર.
પરિવેશ : આ વાર્તામાં પરિવેશને ખાસ મહત્વ નથી અપાયું અથવા તો કહો કે એની કોઈ ખાસ ગેરહાજરી વર્તાતી નથી, એ મારું તમારું કોઈપણનું હોઈ શકે તેવું ઘર અને તેવું જ વાતાવરણ વાર્તામાં જીલાયું છે.
પાત્રાલેખન :
વાર્તાનું મુખ્ય પાત્ર છે નીલા. નીલાનું પાત્રલેખન એક આદર્શ ભારતીય નારી તરીકે થયું છે. જે એક કુશળ ગૃહિણી છે, આદર્શ પુત્રવધુ, ઉત્તમ માતા વળી પતિ સાથે પણ સુમેળ ધરાવે છે. નીલાએ પોતાના જીવનની મહત્વની જવાબદારીઓ નિભાવી લીધી છે પરંતુ મોનોપોઝના ગાળામાં નિરુત્સાહ થઈ ગઈ છે.
બીજું પાત્ર અલય, એક સામાન્ય-સરળ પતિ છે. જે રોજ સવારે ઓફીસ જાય છે, આવીને ટી.વી જોવે છે અને પત્ની સાથે સાલસ છે.
ત્રીજું અને મહત્વપૂર્ણ પાત્ર છે પ્રતીક, પ્રતીક આખી વાર્તામાં ફક્ત ફોનની અંદરના અવાજ રૂપે છે. જે એક નટખટ, દિલફેંક આશિક છે. નામ પણ પ્રતીક લેવામાં આવ્યું છે કે જે જીવનના પરિવર્તનનું પ્રતીક છે.
મનોમંથન :
વાર્તામાં એક સ્ત્રીનું માળો ખાલી થઈ ગયા પછીનું મનોજગત, મોનોપોઝ વખતેની મનોસ્થિતિ બહુ જ થોડા શબ્દોમાં બતાવવામાં આવી છે. પ્રતીકના ફોનકોલ પછીની મનોસ્થિતિ વાર્તામાં એકદમ ઉપસી છે. સ્ત્રીના વિચારોના સ્પંદનો આબાદ જીલાયા છે. યુવાની સરી જતી હોય એવા સમયે કોઈ ચાહે છે, કોઈને ગમે છે એ કોઈપણ વ્યક્તિ માટે કેટલી મોટી વાત છે, ફકત કોઈને તે ગમે છે એ વાત સ્ત્રીના મન ઉપર કબજો લઈ લે છે. કોઈ અજાણી વ્યક્તિ કેવી નવી આશાઓનો સંચાર કરે છે ત્યારે નીલાનું વર્તન બારીકીથી આલેખવામાં આવ્યું છે.
સંઘર્ષ – પાત્ર પરિવર્તન :
દેખાતી રીતે જુઓ તો વાર્તામાં સંઘર્ષ ખૂબ જ ઓછો છે. પરંતુ એક આદર્શ, કંટાળેલી ભારતીય નારીનું ખુશનુમા અલ્લડ સ્ત્રીમાં પરિવર્તન એ જ વાર્તાનો સંઘર્ષ છે. સાલસ પતિથી કોલની વાત છુપાવવી, કોઈ સાવ ઓળખાણ વગરની વ્યક્તિને “હા, તું મને ગમે છો.” કહી દેવું, કે પછી એને સામેથી કોલ કરવા આમંત્રણ દેવું એ પરંપરાગત આધેઢ સ્ત્રીને કોન્ટેમપરરી વુમન બનાવે છે.
ભાષા કર્મ :
આખી વાર્તાની ભાષા બહુ જ સહજ, બિનઅલંકૃત છે. પણ અમુક ચમકારા છે. જેમ કે…
1. અતિ વ્યસ્તતા વચ્ચે વીતેલા નીલાના કેટલાક વર્ષો ગુંચળુ વળી અભેરાઈએ ચઢી ગયા અને માળિયેથી ઊતરેલી નિરાંત પલાંઠી વાળીને અડ્ડો જમાવી બેઠી. – કેટલાય વર્ષો સતત વ્યસ્ત રહેલી નીલા હવે નવરી થઈ છે એ વાત સુંદર રીતે મુકવામાં આવી છે.
2.પાંખો ફૂટતાં પંખીઓ એક પછી એક ઊડી ગયાં અને માળો જેમનો તેમ પડી રહ્યો .- બાળકો મોટા થઈ ગયા અને પોતપોતાની રીતે નીકળી પડ્યા. જો કે આ પ્રયોગ ઘણી જગ્યાએ થાય છે.
3. પોતેય ચાદરની માફક સંકેલાઈ – યંત્રવતતાની સરસ ઉપમા.
4. “પોતાના માટે કંઈક કરવું” જાણે વિસારે પાડી દેવાયેલું પરગ્રહવાસી વાક્ય. – આ વાત ભુલાઈ ગઈ હતી એમ કહેવાને બદલે પરગ્રહવાસી કહેવામાં આવ્યું છે. આ છે ભાષા વૈભવ.
5.કર્ણપટલ પર રેડાતું અમૃત લોહીમાં ભળી જઈ રગેરગમાં વહેતું. – આ અભિવ્યક્તિ વાચકને પાત્રની ખુશીનો અનુભવ કરાવે છે.
સારાંશ:
સ્ત્રીના મનોજગતમાં પ્રવેશ કરાવતી આ વાર્તા મારા હિસાબે એક સરેરાશથી થોડી વધારે સારી વાર્તા છે. આ વાર્તા વાચકોને મોરપીંછ ફરી જતું હોય તેવા હળવા આનંદની અનુભૂતિ આપે છે, વનપ્રવેશ કરતી સ્ત્રીઓને વિશેષ સ્પર્શે છે. સ્ત્રી મનના આટાપાટા ઉકેલવા માટે પુરુષોએ આ વાર્તાનો અભ્યાસ ચોક્કસ કરવો જોઈએ પરંતુ સીમા ચિન્હ બનવા માટે હજુ કશુંક વિશેષ કામ કરવાની જરૂર હતી.
આજ માટે સાયોનારા, મળીશું આવતાં પખવાડિયે ફરી એક નવી વાર્તાની છણાવટ સાથે..
– એકતા નીરવ દોશી
એકતા દોશી અક્ષરનાદ પરના આ સ્તંભ ‘વ વાર્તા નો વ’ અંતર્ગત વાર્તાઓનું ઝીણવટભર્યું વિવેચન કરી રહ્યાં છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
ખૂબજ ઝીણવટભર્યું વિવેચન.વાર્તા પણ સાવ સરળ જાણે શીરાની જેમ ઉતરી જાય એવી છતાં ભાષા અને શૈલી વૈભવી લાગ્યા. એકતાએ વાર્તાના એક એક મુદ્દાને ઝીલીને વિવેચન કર્યું છે.proud of you Ekta !
આભાર દીદી
મને અંત ખરેખર રસપ્રદ લાગ્યો, ચમત્કૃતિ કે આચકો લાગે એવી વાર્તા વાંચવા ટેવાયેલા વાચકો પણ એકવાર આ વાર્તા વાંચવા આકર્ષાય એવું વિવેચન.
આભાર
વાર્તા પણ વાંચી અને આસ્વાદ પણ!
બંને મસ્ત..
અભિનંદન સુષમાબેન અને એકતાબેન..
આભાર
સુષમા શેઠની આ વાર્તા પહેલાં વાંચી હતી ત્યારે પણ ગમી હતી. તેનાં વિવિધ પાસાઓને તમે સારી રીતે ખોલી આપ્યાં છે. અભિનંદન.
ખૂબ સરળ રીતે એકતા બેન વિવેચન કરે છે તેનું વિવેચન વાંચીને વાર્તા વાંચવાની અને સમજવાની મજા આવે છે એકતા બેનને અભિનંદન
ખૂબ ખૂબ આભાર
સરસ છણાવટ. વાર્તા વાંચી નથી પણ ખ્યાલ આવી શકે
આભાર …વાર્તા વાંચશો તો મજા પડશે.
મારી વાર્તાનું સુંદર ઝીણવટપૂર્વક વિવેચન કરવા બદલ આભાર તેમજ અભિનંદન એકતા.
વાહ! ખૂબ સરસ ઉઘાડ વાર્તાનો. મજા પડી.
આભાર ☺️
વાહ, એકતા બહુ સરસ લખ્યું કે
આભાર દી