દિવાળી તો આવી ગઈ પણ દિવાળીનો મૂડ જ નથી આવતો?
Ok… તો આ સંવાદ જરૂર તમારા માટે જ છે, વધુ વાંચો..
“અરે, સોનલ, આમ ઉદાસ કેમ બેઠી છે? દિવાળી તો ઘરઆંગણે આવી પહોંચી છે અને તું આમ ઉદાસ કેમ છે, કાંઈ સમજાતું નથી.”
“મારો મૂડ નથી.”
“સોનલ, તું તો બધા જ તહેવારો બહુ જ આનંદથી ઊજવતી હોય છે, ભરપૂર તૈયારીઓ કરતી હોય છે. દોડાદોડી … ખરીદી… હળવામળવાનું… ખાવાપીવાનું… આપણે સાથે મળીને કેટલી મજા કરતાં હોઈએ છીએ. પણ આ વખતે નથી કરી ઘરની સફાઈ કે નથી સજાવ્યું ઘર, બાળકો માટેનાં કપડાં લાવી નથી કે નથી કરી મીઠાઈની તૈયારી… અને આ વખતે તેં કોઈ ફરમાઈશ પણ નથી કરી! કેમ આમ? કેમ તારો મૂડ નથી?
“અનિલ, મને દિવાળી ઊજવવાની કોઈ ઇચ્છા જ નથી થતી. મારા મનની અંદર કોઈ ઉમંગ જ નથી, ઉત્સાહ નથી, બધું જ શુષ્ક લાગે છે.”
“એવું કેમ ચાલે સોનલ! ચાલ, તારો મૂડ ઠીક કરી દઉં.”
કોરોનાએ મૂડ બગાડ્યો
“ના… એવું નથી. મારા મનમાં વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું છે, છેલ્લા મહિનાઓ દરમિયાન આખા વિશ્વમાં કોરોનાએ જે કેર વર્તાવ્યો અને અનેક માણસોનાં જીવ લઈ લીધા. નાનાં-નાનાં બાળકો, યુવાનો, વૃદ્ધો, સ્ત્રી-પુરુષો કોઈને પણ એણે છોડ્યાં નથી. કોઈનો દીકરો ગયો તો કોઈની દીકરી, કોઈની માતા તો કોઈના પિતા, કોઈનો પતિ તો કોઈની પત્ની… કેટલાં બધાં કુટુંબો છિન્નભિન્ન થઈ ગયાં, કેટલાં બાળકો અનાથ બની ગયાં, અનેક લોકોના નોકરી-ધંધા-રોજગાર પર બહુ મોટી અસરો પડી. ઘરોમાં કેદ રહીને કેટલાંય લોકો માનસિક સમસ્યાનો ભોગ બન્યા. આખા વિશ્વને ભરડામાં લઈને કોરોનાએ જીવનનો આનંદ જ છીનવી લીધો છે. હજુ પણ લોકોના મનમાં એનો ડર છે, ચારેય દિશાઓમાં અંધકાર, દુઃખ છવાયેલા છે ત્યારે હું આનંદ કઈ રીતે લઈ શકું? આપણે કોઈનાં દુઃખમાં સહભાગી નથી બની શકતા પણ તહેવારોની ઉજવણી કરવાનું તો ટાળી શકીએ ને!”
સુખ-દુઃખ તો જીવન સાથે વણાઈ ગયાં છે
“સોનલ, મને તારા જેવી વિચારશીલ, સંવેદનશીલ પત્ની મળી છે એનું મને ખૂબ ગૌરવ છે. હું તારા વિચારો સાથે સંમત છું, પરંતુ હું કાંઈક જુદી રીતે વિચારું છું…
આપણા જ માનવબંધુઓ જ્યારે દુઃખમાં હોય ત્યારે તેમનાં દુઃખમાં સહભાગી થવું એ આપણી ફરજ છે પણ શું દુઃખ એમ ઘટી જાય ખરું? સુખ-દુઃખ તો માનવજીવન સાથે વણાઈ ગયેલાં છે. રડતું મોઢું રાખીને જીવવાથી જીવન નરક સમાન બની જાય. જિંદગીના વિકટ પથને હસતાંરમતાં પસાર કરી જઈએ તેમાં જ શાણપણ છે. આજે દુઃખના દિવસો છે તો કાલે સુખના દિવસો આવવાના જ છે. દુઃખને ઇશ્વરનું વરદાન સમજીને પ્રેમથી એનો સ્વીકાર કરી લઈએ તો દુઃખ ક્યાં રહેવાનું છે!…
આપણે એટલું જરૂર કરી શકીએ કે દિવાળીના પ્રસંગે ખોટો ખર્ચ, દેખાદેખીમાં કરવામાં આવતા રીતરિવાજો અને તમાશાઓને બદલે સાદાઈથી દિવાળીનો આનંદ લઈએ. દિવાળીનું મહત્ત્વ જાણીએ અને તેની ઊજવણી કરીએ.”
દિવાળીનું મહત્ત્વ
આસુરી શક્તિનો વિનાશ
“પપ્પા, પણ આ દિવાળીનું મહત્ત્વ શું છે?” રોનકે મમ્મી-પપ્પાની વાતમાં વચ્ચે ટાપસી પૂરી.
“બેટા રોનક, તું ક્યાંથી ટપકી પડી? ચાલ, તને સમજાવું. જો, તારી મમ્મી એમ કહે છે કે ચારેબાજુ આતંક અને દુઃખ જ દુઃખ છે એટલે દિવાળી ઊજવવાનો મૂડ નથી આવતો. પણ હું કહું છું કે આવાં વાતાવરણમાં તો ખાસ ઊજવવી જોઈએ.”
“એવું કેમ પપ્પા?”રોનકે પૂછ્યું.
“તને યાદ છે, થોડા દિવસ પહેલાં આપણે બધાં તારી સ્કૂલમાં રાવણદહનનો કાર્યક્રમ જોવા ગયેલાં?”
“હા… એ દસ માથાંવાળો રાવણ આખો બળી ગયેલો…”
“બસ, એ રાવણનો નાશ કર્યો રાજા રામે અને સીતાને લંકામાંથી છોડાવ્યાં ત્યારે સમગ્ર અયોધ્યા નગરીમાં લોકોએ રામ અને સીતાના સ્વાગતમાં હર્ષોલ્લાસથી તૈયારી કરી અને આખી અયોધ્યા નગરીને દીપશિખાઓથી શણગારી હતી. ચારેબાજુ અપાર આનંદ છવાઈ ગયો. એની ખુશીમાં આજે પણ આ દિવાળીનો તહેવાર ઊજવાય છે.
“રોનક, આ રાવણ દુષ્ટતાનું પ્રતીક ગણાય છે. એનાં દસ માથાં આસુરી તત્ત્વોનાં પ્રતીક છે. આજકાલ દુનિયામાં જે પણ કાંઈ આતંક, ભ્રષ્ટાચાર, શોષણ વગેરે જોવા મળે છે એ પણ રાવણ જેવા દુષ્ટ લોકોનાં ખરાબ કાર્યોનું પરિણામ છે. આપણે પૃથ્વી પરથી આવાં આતંકવાદી તત્ત્વોનો નાશ થાય એવો પ્રયત્ન કરવાનો છે, પણ જીવનમાંથી ખુશીને હટાવવાની નથી.”
“પપ્પા, તમે એ તો ના કહ્યું કે આટલા બધા દીવડા કેમ પ્રગટાવવાના?”રોનકે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
દિવાળી અને દીવડાનો સંબંધ એટલે અંધકાર અને પ્રકાશનો મેળ
“તેં બહુ સરસ વાત પૂછી બેટા…જો, દિવાળીને ‘દીપાવલી’, ‘દીપોત્સવી’ પણ કહેવામાં આવે છે. આ તહેવાર દીવડાઓનો છે. દીવો એટલે પ્રકાશનું પ્રતીક. દીવાળી એ પ્રકાશનો તહેવાર છે અને આવે છે અમાસના દિવસે. બોલ, અંધકાર અને પ્રકાશનો કેવો સરસ મેળ કહેવાય! અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું આ પર્વ છે…
અંધકાર એટલે આસુરી તત્ત્વો
અંધકાર એટલે આપણી ચારેબાજુ રહેલાં આસુરી તત્ત્વો જેવાં કે, આતંક, દુઃખ, નિરાશા, કુદરતી આફતો, દુર્જનતા વગેરે અને આપણી અંદરનો અંધકાર એટલે મોહ-માયા, છળકપટ, વાસના, દુષ્ટતા, અભિમાન, ગુસ્સો, લાલસા, વહેમ, અંધશ્રદ્ધા, પાપ જેવાં આસુરી તત્ત્વો. આપણી ચારેબાજુ અને આપણા મનના અંધકારમાં જે પડળો જામ્યાં છે તેને દૂર કરી પ્રકાશનો પ્રસાર કરવાનો છે.
જ્યારે દીવડો પ્રગટાવીએ ત્યારે આપણે આપણા માટે અને જગતના સર્વકોઈ માટે પ્રાર્થના કરવાની અને શુભેચ્છા વ્યક્ત કરવાની કે આપણા સૌનાં જીવનમાંથી અંધકારનો નાશ થાય અને સહુ કોઈનું જીવન પ્રકાશથી તેજસ્વી અને સુખમય બની રહે. આપણા હૈયામાં પ્રેમ ને માનવતાનો એવો તેજસ્વી દીપ પ્રગટાવીએ જેવાથી દિશાઓ ઝળાંહળાં થઈ પ્રકાશિત થઈ ઊઠે.”
“અરે, હું તો કહેવાનું જ ભૂલી ગઈ કે મેં જાતજાતના શેપમાં ડિઝાઈનર કેન્ડલ્સ બનાવી છે. મારા ટીચરે મને શિખવાડ્યું હતું.” રોનક બોલી ઊઠી.
દીવડાં છે પ્રકાશનાં પ્રતીક
“હા… દીવડાં હોય કે કેન્ડલ્સ, અંતે તો બંને પ્રતીક છે પ્રકાશનાં, જાતે બનાવી શકાય અને બનાવવામાં આનંદ પણ પડે અને ખર્ચ પણ બચી જાય. હવે તો કાર્ડ-શોપ્સની જેમ કેન્ડલ્સ શોપ્સ પણ જોવા મળે છે, જ્યાં દસ રૂપિયાથી લઈને દસ હજારની કેન્ડલ્સ પણ મળે છે.અને એ પાછી સુગંધિત હોય છે, સળગાવો એટલે સુગંધ પ્રસરી જાય.?
દિવાળી અને રંગોળીનો સંબંધ
“પપ્પા, મેં નહોતું કહ્યું કે મેં રંગોળીનું કલેક્શન પણ કર્યું છે. જાત જાતની રંગોળીનાં સ્ટિકર ભેગાં કર્યાં છે. દિવાળીમાં આખા ઘરમાં લગાડીશ.” રોનકે ઉત્સાહમાં કહ્યું.
“પણ પપ્પા, રંગોળી તો રંગથી જ થાય ને?! રોનકને તો કાંઈ ખબર જ નથી પડતી.” અચાનક આવી ચડેલી રૂપાએ પોતાની હોશિયારીની વાત કરી.
“જુઓ, તમે રંગોળી માટીના રંગોથી બનાવો કે પછી ઓઈલ-કલર વાપરીને અથવા રોનક કહે છે તેમ સ્ટિકર લગાવીને, પણ તેનો હેતુ તો એક જ છે કે રંગો દ્વારા આનંદ અને ખુશીને વ્યક્ત કરી જીવન રંગીન બનાવવું. બંગાળ અને દક્ષિણ ભારતમાં તો દરરોજ સવારે ઘરઆંગણે રંગોળી કરવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. રંગોળી એ પ્રતીક છે આનંદ, ઉલ્લાસની શુભેચ્છાનું.”
“આપણે ફટાકડા પણ લાવીશું ને?” રૂપાએ પૂછ્યું.
“ફટાકડા વિનાની દિવાળી હોય ખરી? તને તો ફટાકડાના અવાજથી બીક લાગે છે ને, એટલે તું ફટાકડા ના ફોડતી.”
“બહુ અવાજ થાય એવા ફટાકડા નહીં લેવાના. તેનાથી દાઝી ના જવાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ફટાકડા હંમેશાં ખુલ્લી જગ્યામાં ફોડવાના. તે વખતે જલદીથી સળગી જાય તેવાં કપડાં નહીં પહેરવાનાં. આ બધું ધ્યાન રાખીએ તો તહેવાર આનંદથી માણી શકાય…
અરે સોનલ, તારો ઉત્સાહ વધારવા, તારો મૂડ સુધારવા તો અમે આટલી બધી વાતો કરી, જો, બાળકો પણ કેવાં મૂડમાં આવી ગયા છે! બોલ, તેં શું નક્કી કર્યું, દિવાળી ઊજવવાની છે કે નહીં? હવે જો મૂડ આવી ગયો હોય તો તારા હાથની મીઠાઈ બનાવવાનું શરૂ કરી દે.” અનિલે પત્નીના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો.
લો, દિવાળીનો મૂડ આવી ગયો ને!
“અચ્છા… તમારે મીઠાઈ ખાવી છે એટલે મને આટલું સમજાવવા બેઠા!! પણ હું હવે બરાબર સમજી ગઈ છું અને મનમાં ગાંઠ વાળી છે કે દિવાળી તો આનંદથી ઊજવવી જ છે. પણ જરા હટકે… જરા અલગ ઢંગથી.”
“મંજૂર. હવે કહો શ્રીમતીજી, દિવાળી ઊજવવાનો મૂડ આવ્યો છે તો અમારા માટે શું આજ્ઞા છે?”
“આજે આપણે માર્કેટમાં જઈશું. બાળકો માટે ફટાકડાં અને કપડાં લઈશું. તમને જે ગમે તે ખરીદજો. હું મારા માટે કાંઈ જ લેવાની નથી. ખોટો ખર્ચ નથી કરવો. એના બદલે એ પૈસામાંથી થોડા ફટાકડા ને મીઠાઈ લઈશું અને ગરીબ બાળકોમાં વહેંચી દઈશું. એમને કેટલો આનંદ આવશે! અને મીઠાઈ તો હું જાતે જ બનાવવાની છું. ઘરે બનાવીશું તો ચોખ્ખી અને સસ્તી મળશે અને સાથે બેસીને બનાવવાનો આનંદ મળશે એ નફામાં.” સોનલના સ્વરમાં ઉત્સાહ હતો.
દિવાળી એટલે ડાયવર્ઝન
તહેવારો ઊજવવા એટલે ‘દેવું કરીને ઘી પીવું’ એવું નથી. ખેંચાવાની જરૂર નથી કે દેખાદેખીમાં આવીને કે પરંપરાઓને નિભાવવા ખાતર આપણી પહોંચ બહારના ખર્ચા કરવા એવું પણ જરૂરી નથી. તહેવારોનું મહત્ત્વ એ છે કે રોજની જિંદગીની ઘટમાળમાંથી થોડો સમય કાઢી કુટુંબ, સગાંવહાલાં કે મિત્રો સાથે આનંદ-ઉલ્લાસમાં ગાળવો અને જિંદગીની રફતારમાં દોડતાં દોડતાં હાંફી ન જવાય એટલે થોડો વિસામો લઈને આનંદનો થોડો પ્રાણવાયુ તન-મનમાં ભરી લેવો.
માણસે પોતાનાં સુખ, આનંદને માટે, વિવિધતાના રંગથી જિંદગીને ભરી દેવા માટે તહેવારો, ઉત્સવોનું સર્જન કર્યું.
દિવાળી એટલે જીવનનો ઉત્સવ
દિવાળી આવે છે તો જાણે ઉત્સવોની હારમાળા લઈ આવે છે. સાત-આઠ દિવસ સુધી ચાલતા દિવાળીના તહેવારોમાં કેટલી બધી વિવિધતા જોવા મળતી હોય છે. દરેક દિવસનું મહત્ત્વ, પરંપરા ચાલી આવે છે તેને જાળવીને ઉજવણી થતી હોય છે. ઘરની સફાઈ થાય, દીવડા પ્રગટે, રોશની થાય, પૂજા-અર્ચના થાય, લોકો એકબીજાને પ્રેમથી મળે અને મોં મીઠું કરી તહેવારોની મીઠાશ માણવામાં આવે.
એમ કહેવાય છે કે જીવન એક ઉત્સવ છે. આ ઉત્સવનો અર્થ આપણે શું કરીએ છીએ? ઉત્સવ એટલે આનંદ,ઉલ્લાસ, મસ્તી, મિત્રો, સાજશણગાર, હળવુંમળવું, ખાણીપીણી અને પાર્ટીઓનો સતત ચાલતો દોર…??? ના, માત્ર એટલું જ નહીં…
દિવાળી એટલે સંબંધોની સજાવટ
આપણે ક્યારેય વિચાર્યું છે ખરું કે આ ઉત્સવો શા માટે આવે છે, આપણને શું આપી જાય છે, એની પાછળનું મહત્ત્વ શું છે…એ વિચાર્યું છે ક્યારેય? જો વિચારીશું તો તહેવારો ઊજવવાની આપણી દ્દષ્ટિ જ કદાચ બદલાઈ જાય તેવું પણ બને.
માલતી અને મનન પતિ-પત્ની છે. તેમનું નાનું એવું કુટુંબ છે. ત્રણ બાળકો છે. તેમની પરંપરા એવી રહી છે કે તહેવારો સાથે ઊજવવાના. કુટુંબના બધા સભ્યો તહેવારને દિવસે સાથે જમે છે. તહેવારની તૈયારીમાં કુટુંબના બધા સભ્યો જોડાય છે. ઘરની સાફસૂફી, ખરીદી, વાનગીઓ, પૂજાપાઠ કરવા, મહેમાનોની આગતાસ્વાગતા કરવી, એ બધામાં ઘરના બધા જ સભ્યો પોતપોતાની રીતે સહભાગી બને છે. ઘરનાં દાદા-દાદીથી માંડીને નાનાં બાળક સુધી બધાં જ સભ્યો તહેવારોને લગતી કોઈ ને કોઈ તૈયારીમાં મદદ કરે છે. મનન કહે છે કે આનાથી દરેકને કુટુંબ પ્રત્યેની પોતાની જવાબદારી સમજાય છે. લાગણી, પ્રેમ વધે છે અને કુટુંબ માટે કાંઈક કરી છૂટવાની ભાવનામાં વધારો થાય છે. ઘરના વિવિધ સભ્યોના વિવિધ સ્વભાવ, ગમોઅણગમો, રસરુચિ વિશે જાણી તેમની સાથે મનમેળ કરવાની તક મળે છે.
તહેવારો સજાવે છે સંબંધોને. મમ્મી-પપ્પા, દાદા-દાદી, મામા-મામી, ફોઈ-ફુઆ, બહેન-બનેવી, સાળા-સાળી, કોઈપણ સંબંધની પોતાની આગવી સુવાસ હોય છે, અનોખી મહેક હોય છે. દિવાળી સગાંવહાલાં, મિત્રોને મળવાની તક આપે છે.
સંબંધોની આ હૂંફ આજકાલ ઓછી થતી જાય છે. વિભક્ત કુટુંબોને કારણે દરેક પોતપોતાની અલાયદી દુનિયામાં પ્રસંગોની ઉજવણી કરતા થઈ ગયા છે. પોતાનાં વડીલ સભ્યો સાથે વાતચીત કરવાનો, હળવામળવાનો તેમનો નાતો તૂટી ગયો છે. વાસ્તવમાં તહેવારો કુટુંબના સભ્યોને એક તાંતણે બાંધીને સંબંધોને સજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
દિવાળી એટલે ‘હાશ’ થાય તેવી ફૂરસદની ક્ષણો
દરરોજ સવાર પડે અને આપણે આપણી રોજની દિનચર્યા પૂરી કરવા માટે દોડવા માંડીએ છીએ.એકબીજા સાથે વાત કરવાનો સમય પણ નથી હોતો. રગશિયા ગાડા જેવી એકધારી જિંદગી ચાલતી રહેતી હોય છે.
આવી એકધારી જિંદગીમાં તહેવારો થોડી વિવિધતા, થોડું પરિવર્તન લઈ આવે છે, આનંદની થોડી પળોને લઈ આવે છે, ફૂરસદની ક્ષણો લઈ આવે છે કે જ્યારે ઘરના સભ્યોને એકબીજા સાથે બેસવાનો, વાતો કરવાનો, સાથે જમવાનો,સાથે શોપિંગ કરવાનો અવસર મળી રહે છે. રવિવારની એક દિવસની રજા કેવી હાશ લઈ આવતી હોય છે!તહેવારોની રજાઓ તો આનાથી પણ વધુ અનેરો આનંદ લઈ આવે છે, કારણ કે તહેવારોનો માહોલ તો આપોઆપ જ પ્રસન્ન કરી દે તેવો હોય છે.આ પ્રસન્નતા જીવનમાં વિટામિનનું કામ કરે છે. જીવનમાં પરિવર્તન તો આવતું રહેવું જોઈએ. કુદરત પણ કેટકટલાં રંગ ધારણ કરતી હોય છે. જરા વિચારો કે ઋતુઓની વિવિધતા ના હોય તો! લોકો ત્રાસી જાય ને! પૃથ્વી ટકે ખરી? એ રીતે આપણા જીવનમાં પણ સુખદુઃખ, આશાનિરાશા, હતાશા, સગવડ-અગવડ, સફળતા-નિષ્ફળતા આવતાં-જતાં રહે છે.
દિવાળી એટલે જિંદગીને પ્રેમ કરવો
હોળીધૂળેટીના રંગોમાં રંગાવાનું છે તો સાથે ચૈત્ર-વૈશાખના વાયરા પણ ઝીલવાના છે. નાનામાં નાની વસ્તુમાંથી આનંદ લેતા શીખવાનું છે. દરેક પળને માણવાની છે. આપણે એટલી હદે જિંદગીને પ્રેમ કરવાનો છે કે આપણી આખી જિંદગી આનંદ અને ઉલ્લાસથી છલોછલ છલકાઈ જાય. આખી જિંદગી જ એક ઉત્સવ, તહેવાર બની જાય. જે ઉત્સવનો કદી અંત જ ના આવે. આનંદમ્…આનંદમ્…સર્વત્ર આનંદમ્. જિંદગી એક મીઠો ટહુકો બનીને ટહુકા કરતી રહે. ખુશી જ ખુશી છવાઈ જાય.
દિવાળી આપણી પરંપરા, આપણી સંસ્કૃતિની ઓળખ
તહેવારો આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ છે અને આવનાર પેઢીને આ વારસાની ભેટ મળે છે એની ઉજવણી દ્વારા. ભારતીય સંસ્કૃતિ અતિ પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે અને એ આજે પણ પ્રચલિત છે અને લોકોનાં હ્રદયમાં ધબકી રહી છે, એ વાતની સાક્ષી પૂરે છે કે આનંદભેર ઉજવાતા આ તહેવારો. જગતના બધા જ દુઃખી અને પીડિતજનોને દિવાળીના આ મંગલ પર્વ ટાણે યાદ કરીએ અને તેમના નામનો એક દીપ પ્રગટાવી ઇશ્વરને પ્રાર્થના કરીએ કે તે સર્વના જીવનનો અંધકાર દૂર થાય અને તેમનાં જીવન સુખશાંતિ અને આનંદથી હર્યાંભર્યાં બની રહે.
– અમિતા દવે,
જી-204, કનકકલા – 2, સીમા હોલ સામે, આનંદ નગર રોડ, સેટલાઈટ, અમદાવાદ 380 015
ફોન 7567679811
ઇ-મેલ એડ્રેસઃ daveamita119@gmail.com
asuri shaakti no nash karvoj rahyo. mahant shri arvind asram ma MATAJI kaheta ke asru shakti e plag-(2nd world war time) maha rog falayo che te asru shakti no nash karvo j padshe. mataji te kari batavyo. ASURI shakti no nash (covid19) kari ne diwali hosh thi manavo.
very informative.Simple and creative .
. Keep it up