દીપોત્સવ : ખુશીનો ખજાનો – ગોપાલ ખેતાણી 6


તહેવાર – માનવ જીવનને તાજગી બક્ષતા દિવસો! આપ જ્યારે ભણતા હશો ત્યારે તહેવાર પર નિબંધ લખ્યો જ હશે. છતાં પણ તહેવાર, ઉત્સવની વાત આવે એટલે મન મંદ મંદ મુસ્કાન વિખેરવાં લાગે. આસપાસનું વાતાવરણ સકારાત્મક થતું જાય અને તેની અસર આપણા તન – મન પર થવા લાગે; તો કોઈક વાર ધન પર પણ, ખરું ને?

આમ તો આપણે બધાં જ તહેવારો મન ભરીને માણતાં હોઈએ છીએ પણ, તરુણ અવસ્થામાં, યુવાનીમાં (ક્યારેક આજીવન) દરેકનો મનપસંદ તહેવાર અલગ અલગ હોઈ શકે. કોઈક મકર સંક્રાંતિની આખું વર્ષ રાહ જોતા હોય કે ક્યારે પેચ લડાવું! તો વળી કોઈને રંગોની દુનિયા નિરાળી લાગે એટલે હોળી – ધુળેટી વધું ગમે!

મેળાની મોજ માણવા અને વરસાદમાં ધીંગામસ્તી કરવા માટે જન્માષ્ટમી બહુ ગમતી હોય તો વળી શકુનિના ચાહકો પણ જન્માષ્ટમીની જ કાગડોળે રાહ જોતા હોય! બાલકૃષ્ણને સજાવવા ધજાવવા અને મટકી ફોડનારાઓને જન્માષ્ટમીનો ઉત્સવ વધુ પ્રિય હોય એવું બને જ!

મહાદેવજી પણ આ આખો મહિનો ભક્તોની સેવાનો લાભ ઉઠાવતા હોય. મહાદેવના મંદીરે ભક્તોની ભીડ, શ્રાવણના સરવરીયા, અને જન્માષ્ટમીનો ઉત્સવ! વાહ મોજ વાહ!

તો વળી અઠંગ ખેલૈયાઓ જેની કાગડોળે રાહ જોતા હોય એવી નવરાત્રિ કેમ ભૂલાય? માઇભક્તો જગરાતાનો અનેરો આનંદ ઉઠાવતા હોય, ગરબા ગવાતાં હોય, મન માતાજીના ભજનનો આનંદ ઉઠાવતું હોય!

અરે, ગણેશોત્સવને તો ભૂલી જ ગયા નહીં? બાપ્પાના આશીર્વાદ મેળવવા ઘરે ઘરે, ગલીએ ગલીએ બાપ્પાની પધરામણી હોય! દસ દિવસ તો બાપ્પાના પંડાલમાં ધૂમ મચેલી હોય.

પણ આ બધાં તહેવાર મન ભરીને માણ્યા હોય તો યે  દિવાળી આવવાની હોય એનો રોમાંચ, એનો ઉત્સાહ અનેરો જ હોય, ખરું ને? નવરાત્રિના ગરબા રમવાનો થાક ઉતર્યો ન હોય ત્યાં તો સાફ સફાઈ શરુ થઈ જાય. પસ્તી – ભંગાર વાળા ફેરીયા શેરી ગજવતા નીકળી પડે. સાવરણી, સાવરણા, વાઇપર, ઝાડુ, ફિનાઈલ , એસીડ વાળા પણ રોકડી કરવા આવી જાય. આ રોકડી કરવામાં હજુ તો તહેવાર શરુ થાય એ પહેલાં તો ઓનલાઇન શોપીંગ સાઇટ વાળા પણ બૂમરાણ મચાવતા હોય. મધ્યમવર્ગ તો હજુ બોનસની આશા એ ગાલ લાલ રાખીને તહેવાર માણવાની હોંશ અને તાણ બન્ને અનુભવતો હોય! અગિયારસથી ઘર ઝગમગ ઝગમગ થવા લાગ્યું હોય. વતનથી દૂર રહેતાં લોકો ગમે તેમ કરીને વાટ પકડવાની કોશીશમાં લાગેલા હોય. પોતપોતાના બજેટ અનુસાર કપડાં, મીઠાઈ, પકવાન અને સાજ સજાવટનો સામાન ખરીદાયો હોય. રોશની અને ફટાકડાનો માહોલ જામ્યો હોય. અમાસને અજવાસમાં પરિવર્તીત કરતી દિવાળી ખરેખર મનને એક નવી આશ જગાવતી હોય કે ભલે ગમે એટલી મુશ્કેલી હોય, તું તારા પ્રયત્નોથી આસપાસનું વાતાવરણ રોશન કરી દે!

આ વખતે કોરોના છે એટલે કંઈ કેટલી મુશ્કેલીઓ આવશે. પોતાના ગામ, શહેર, વતન નહીં જઈ શકાય તો કંઈ નહીં, આપણે જ્યાં હોય ત્યાં ઉલ્લાસથી દિવાળી મનાવવી! ફટાકડા ફોડવા ન મળે તો ડીજેના તાલે ઝૂમવું! કોરોનાને કારણે આ વખતે વેપાર –ધંધામાં મંદી રહે પણ શક્ય હોય ત્યાં વ્યાજબી પૈસા ખર્ચી બીજાની દિવાળી ન બગડે તેનું ધ્યાન રાખજો. દિવડાઓ પ્રગટાવજો, છોકરાઓને ખુશ કરજો, ભલે થોડી તો થોડી પણ મીઠાઈ ખવડાવજો, પકવાન ખવડાવજો. હા, તબિયતનું ધ્યાન જરુરથી રાખજો. દેખાડો વધું ન થાય તેનું પણ ધ્યાન રાખજો. બની શકે તો આપણી દિવાળીના ઉલ્લાસમાં આપણી આસપાસ કોઈ કારણોસરદિવાળી નથી મનાવી શકે એમ હોય તો એમને શામિલ કરજો. ફક્ત આપણે ખુશ ન થઈએ અન્યને પણ ખુશ કરીએ એ ભાવનાથી આ દિવાળી મનાવજો. કોરોનાને કારણે જો આસપાસમાં કોઈએ પોતાના પરિવારમાંથી કોઈને ગુમાવ્યા હોય તો આ દિવાળીએ આમન્યા જાળવજો. અને ખાસ વાત, કોરોના હજુ ગયો નથી એટલે આપણે સૌએ પૂરતી તકેદારી રાખી તહેવારની ઉજવણી કરવી.

આ વર્ષ આપણને ઘણું શીખવી રહ્યું છે. આપણે આપણી જાત સાથે સંઘર્ષ કરવાનો છે. આપણે ખુદને મજબૂત બનાવવાની છે. સકારાત્મક વિચાર સાથે  આગળ વધવાનું છે.

આ કડીઓ ખરેખર ગણગણવાનું મન થાય કે,

ग़म का बादल जो छाए, तो हम मुस्कराते रहें,
अपनी आँखों में आशाओं के दीप जलाते रहें,
आज बिगड़े तो कल फिर बने, आज रूठे तो कल फिर मने,
वक़्त भी जैसे इक मीत है.
ज़िन्दगी की यही रीत है,
हार के बाद ही जीत है।

આપને નવ વર્ષની શુભેચ્છા પાઠવતાં પહેલાં ત્રણ મુદ્દા જણાવવાની ઇચ્છા થાય છે.

૧) જો આપની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય તો લઈ લેવો.

૨) આપની પાસે લાઇફ ઇન્સ્યોરન્સ ન હોય તો લઈ લેવો.

૩) કોરોના જેવી મહામારીમાં બચત હોય તો ધરપત રહે, માટે બચતનું મહત્વ સમજજો.

આપણે ઉલ્લાસભર્યા મન સાથે દિવાળી મનાવીએ. ખુશ રહીએ અને ખુશીઓ વહેંચીએ! પ્રભુ પાસે પ્રાર્થના કે નવું વર્ષ સૌ માટે આનંદદાયક નીવડે. સૌને સ્વાસ્થ્ય, સુખ, શાંતી અને સમૃદ્ધિ આપે. આપ સૌને નૂતન વર્ષાભિનંદન!

–        ગોપાલ ખેતાણી


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “દીપોત્સવ : ખુશીનો ખજાનો – ગોપાલ ખેતાણી

  • anil1082003

    tehvaro nu list api diwali zagmagavi. 3 saras vichrva jeva subhasit apya badal abhar. covid haju pan sambhalo saras diwali ni boni api. apno khub khub abhar. sathe happy diwali to gopal bhai & All friends with jignesh bhai & family member of akshrnnad

  • gopal khetani

    અક્ષરનાદ અને રિડ ગુજરાતીના વહાલા વાચકગણને દિવાળી પર્વની શુભકામનાઓ. નૂતન વર્ષ મંગલકારી રહે એ જ પરમ કૃપાળુ પરમેશ્વર પાસે પ્રાર્થના!

  • hdjkdave

    સહજ અને સરળ શબ્દોમાં મન ભરી દે તેવા તહેવારોની ટોળકી લઈને ઉજાસના રંગોથી તન-મનને પ્રકાશિત કરતો આ સમાયોચિત લેખ માટે ઝગમગતા અભિનંદન…લેખકને અને પ્રકાશકને, મતલબ અક્ષરથી જ્ઞાનનો પ્રકાશ પાથરતા શ્રી જીજ્ઞેશ ભાઈ અધ્યારૂને…અને પાઠકમિત્રોને પણ ધૂમધડાકાભેર દીપાવલી અને નૂતનવર્ષની સ્વાસ્થ્યપ્રદ, પ્રસન્ન મંગલકામનાઓ.