સૌરાષ્ટ્રધરા પર જ જીવન જીવું છું તે છતાંય મારું વહાલું ગામડું હદયમાં ધબકે છે. જ્યારે જ્યારે રજાઓ ગાળીને ગામડેથી સોરઠ ભણી જાઉં છું ત્યારે ત્યારે ગામડું જાણે મને વાંંહેથી સાદ દેતું હોય તેમ ભાસે છે! મારા સઘળા સંસ્મરણો ગામડા સાથે જોડાયેલા છે. અતીતમાં મારું મનડું ફરી પાછું ચાલ્યું જાય ત્યારે મારા બધા જ સંસ્મરણો મારી નયન સામે તરવરે છે, સંસ્મરણો આંખો સામેથી ખસતાંં નથી.
રજાઓમાં હું ગામડે જાઉં છું ત્યારે મારું મનડું હરખ પામે છે. ગામડે મારા બાળભેરુઓને મનભરીને મળતો હોઉં છું, તેમાં પરિવારના સભ્યો પણ ખરા જ. મારા બાળ ભેરુઓ કેટલાક જીવતરના માર્ગ પર છે જ્યારે કેટલાક દેવલોક પામ્યા છે. આ બાળ ભેરુઓ સાથે ગામની આસપાસના ડુંગરાઓ હું ખુંદી વળ્યો છું. એજ ડુંગરોમાં તરસ્યા રહીને પણ મનભરીને રખડ્યા છીએ, કારણ કે રખડવાનો આનંદ ક્યાં જડે? અમે એ ડુંગરાંઓમાં ખૂબ રખડપટ્ટી કરતા અને ક્યારેક રખડપટ્ટીમાં જ અમારી જઠરાગ્નિને ઠારવાનું પણ ભૂલી જતા. ગાઢ જંગલમાં ઊડી કોતરોમાં નીચે ઉતરતા, કોતરોમાં અલગારી બની રખડતા જોઈને વયોવૃદ્ધો અમને કહેતા, “એલા ટાબરિયાઓ મરી જશો મરી, ઝટ ઉપર આવો, અહીં અવગતિયો જીવ રહે છે.”
અવગતિયા જીવની વાત આવે એમાં અમને દેહશત રહેતી નહીં પણ કોઈ વન-વગડામાં જંગલી પ્રાણીઓની વાત માંડે ત્યારે અમારામાં બીકનો પારો વધી જતો. જંગલમાં રખડવાનો આનંદ ઢોરઢાંખરનાં ફાળે જાય છે. જો કદાચ રજાઓમાં મારા ભેરુઓ જંગલની વાટે આંગળી ઝાલીને ન લઈ ગયા હોત તો કદાચ જંગલનો વૈભવ પ્રાપ્ત ન થયો હોત!
આજ જંગલમાં ખૂબ ઊંચો ડુંગર હતો. તેને સ્થાનિક બોલીમાં ‘ટીનકી ડોગરી’ કહેતા. એને બીજા શબ્દોમાં કહીએ તો તે એક ગામ પાસેનું મહત્વનું હિલ સ્ટેશન છે. આ ડુંગર પર બે ત્રણ મહાકાય ખડકો છે, તેની આસપાસ ઢોર ચરતાં હોય અને અમે પલાઠીવાળીને આરામથી બેસતા અને વાતોની રમઝટ જામતી. આ વિરાટ ખડકો ઉપરથી આસપાસના ગામડાઓ જોવા મળતા. આ જંગલની હદમાં એક પાણીનો નાનો સ્ત્રોત વહેતો, અમે તેમાં કવચિત છબછબિયાં કરી લેતા. વળી તેની બાજુમાં જ એક નાની કૂઈ હતી, તેમાંથી અમે નિર્ભેળ પાણી પીવા માટે ઠામમાં ભરતા. ડુંગરો ઉપર અમને આરોહણ કરવાનું ખૂબ ગમતું. તેના પરથી ચોમેર પ્રકૃતિના દર્શન થતાંં. વર્ષાઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી હોય, વર્ષાઋતુમાં ડુંગર ઉપરથી સ્તરવાદળો પસાર થતા તેથી અમારો મેઘોત્સવ ત્યાં જ થઈ જતો. અમને ગીતમાં ગાવાનું મન થઈ જાય, ‘અષાઢી સાંજનાં અંબર ગાજે અંબર ગાજે, મેઘાડંબર ગાજે.’
આ ડુંગર પરથી આસપાસના ગામડાઓનો અદભુત નજારો જોવા મળતો, નયનરમ્ય ગામડાઓને શોભા અનોખી લાગતી. ડુંગર ઉપરથી અમારા ગામનું પાદર દેખાતું, આ પાદર સાથે મારા ઘણા સંસ્મરણો જોડાયેલા છે. ગામને પાદરે મારું પહેલું સ્મરણ ‘કન્યાવિદાય’નું છે, દીકરીને ભીની આંખે આ પાદરેથી વિદાય ગ્રામજનો કરતા. વિદાય આપતા પહેલાં વર–કન્યાને પાદર પાસે આવેલી દેરી પાસે લઈ જતા, ત્યાં વર-કન્યા દેવનાં આશીર્વાદ લેતા. નાની દેરી પાસેનો માર્ગ અમારા માટે રાજમાર્ગ સમાન હતો. આ સડકની પાસે એક ખજૂરીનું ઝાડ હતું. ખજૂરીના ઝાડ પર દશ–બાર જેટલા સુઘરીનાં માળાઓ જોવા મળતા. અમે ઘરેથી ભાગોળ પાસે આવેલી અનાજની ઘંટીએ દયણું લઈને જતા ત્યારે આ ઝાડ પાસે અમારા પગ થંભી જતાં, સુઘરીના માળાઓ અમે એકીટશે જોઈ રહેતા. સુઘરીઓ માળાઓ પાસે અનેક ટહેલ કરતી. આ ઔલોકિક દ્રશ્ય જોવામાં અમારો ઘણો ખરો સમય ત્યાં જ પસાર થઈ જતો તેથી ઘંટીએ મોડા પહોંચતા. ઘણી વાર અમે ટોળે વળીને રસ્તાની બાજુમાં ઊભા રહીને માળાઓને અનિમેષ જોયા કરતાં. અમારું મન માળાઓમાં ખોવાઈ જતું ત્યારે સામેથી આવતા સાયકલવાળા ટ્રીન ટ્રીન ઘંટળી વગાડતા અને અમને કહેતા, ‘છોકરાઓ આઘા રહો’.
આ રસ્તો અમારા અને અન્ય જનો માટે રાજમાર્ગ એટલા માટે જ કહી શકાય કે આસપાસના ગામડાઓ આ જ રસ્તેથી હટાણું કરવા જતા, ગ્રામજનો ખેતરે જાય, પરગણુંએ જાય અને ખેતરનો મોલ ભરીને બળદગાડું જાય, શૃંગાર વેચનાર પસાર થતો. વળી મારા ગામનો મનિયો આજ સડક પર રાજદૂત (મોટરસાઈકલ) લઈને વટભેર પસાર થતો. તેના મોટરસાઈકલનો અવાજ આખા ગામ સંભળાય, તે વખતે જવલ્લે જ મોટરસાઈકલ આ સડક પરથી પસાર થાય. હું અને મારો ભિલ્લુ જેસલ આજ સડક પર સાઈકલ શીખવા નીકળી પડતા. શીખતા શીખતા ક્યારેક અમે સાઈકલ લઈને કાંટાળી વાળમાં ઘૂસી જતા, ઘુટણ છોલાઈ જતા, લોહીની ટશર ફૂટતી, તે છતાંય અમને કંઈ એની પરવા ન રહેતી. અમારી સાઇકલમાં પંકચર થાય તો અમે બે કિમીનાં અંતરે બોરીપીઠા ચોકડીએ જતા, સાયકલનું રીપેરિંગનું કામકાજ ત્યાંં મોટાપાયે થતું. અમારી સાઇકલ જીવાદોરી સમાન હતી, કોઈ પણ જગ્યાએ જવું હોય તો સાઇકલ પર મુસાફરી કરવી પડતી. મારો ભિલ્લુ જેસલ મને એની સાઇકલ પર ખૂબ સહેલગાહ કરાવી છે, જોજન છેટું કેમ ન હોય? તે છતાંય મને મારી સાઈકલ ઘરે મૂકાવી દે અને એની સાઇકલ પર બેસાડીને મને લઈ જતો. કેવડીના ખાસબજારે કે ઉમરપાડાના ખાસ બજારે પણ એ પોતાની સાઇકલ પર જ લઈ જતો. આસપાસના લગ્ન પ્રસંગમાં કે પછી સોંગાડિયા પાર્ટી (તમાસા પાર્ટી)માં એ પોતાની સાઈકલ પર મને બેસાડીને ઘણી વાર લઈ જતો.
હોળી ટાણે આખું ગામ ભાગોળે ભેગું થતું, સડકની આસપાસ નાની નાની દુકાનો ગોઠવાઈ જતી. અમે નાનાં ટાબરિયાઓ તે દુકાનોમાંથી મમરા લાડુ, ખાટીમીઠી ચોકલેટ, ફુગ્ગાઓ વગેરે ખરીદતા. હોળીના સાયંકાળે અમારા ગામમાં ‘પૂંજારો’ બૂમ પાડે ‘આજે હોળી છે ભાઈઓ હોળી છે.’ માત્ર આવી બૂમ હોળીના ટાણે જ નહિ અન્ય તહેવારો ટાણે પણ પાડતા. તેનો અવાજ બુલંદ તેથી સમગ્ર ગામમાં સંભળાય. મારા ફળિયાની સામે એક મોટો કૂવો હતો .કૂવો ગ્રામજનો માટે જીવાદોરી સમાન હતો, ગામના બધાં લોકો કૂવાના પાણીનો ઉપયોગ કરતાં. ગામની સ્ત્રીઓ આ કુવાએ પોતાના ઠામ લઈને પાણી ભરવા આવતી, કૂવાની ચારેકોર થાળ પર લોકો કપડાં ધોતા, બળદ નવડાવતા, ઢોર ઢાખરને પાણી પીવડાવતા, કૂવાની પાસે એક તોતિંગ સીસમનું વૃક્ષ હતું. વૃક્ષ નીચે લોકો વિસામો લેતાં, પ્રાણીઓ અને પક્ષીઓ પણ ખરા જ.આ વૃક્ષની ડાળીઓ પર મોટે ભાગે કાગડાનાં માળાઓ જોવા મળતા. કાળો શિરીષના વૃક્ષ પાસે એક મોટું ખેતર હતું, આજે પણ છે. આ ખેતરને દર વર્ષે ભર ઉનાળે ગામના જુવાનિયાઓએ ક્રિકેટના મેદાનમાં ફેરવી દેતા હતા. કાળ ઝાળ ગરમીમાં ગામના યુવાનો ફળિયા – ફળિયા વચ્ચે દસ –દસ રૂપિયાની મેચ રાખતા. બે ટીમ વચ્ચે બરાબર મેચ જામી હોય ત્યારે જ એક આઈસ્ક્રીમવાળો રસ્તેથી પસાર થતો. આઈસ્ક્રીમવાળાને જોઇને અમ્પાયર થોડો વિરામ આપતો, એટલે ક્રિકેટરો ક્રિકેટના સાજ સરંજામ હેઠા મૂકી, આઈસ્ક્રીમની લિજ્જત માણતા. જ્યારે અમે નાના પ્રેક્ષકો ટાબરિયાઓ સીસમની બાજુમાં બે–ત્રણ ખજૂરીઓ વૃક્ષો પાસે પહોંચી જતાં અને ખજૂરી ખાતા. ક્રિકેટ મેચ ફરી ચાલુ કરે એટલે અમે ફરી સીસમનાં વૃક્ષની નીચે ગોઠવાઈ જતા અને મેચ માણતા. ગામને સીમાડે એક નાનો ડેમ હતો, ઉનાળામાં મોટે ભાગે અમે ડેમની મુલાકાત લેતા, ડેમના કિનારે એક ઉમરાનું વૃક્ષ હતું તેના પર અમે ચડતા અને તેની ડાળીઓ પરથી પાણીમાં છલાંગ લગાવતા, આ ડેમમાં તરવૈયાનો લહાવો ખૂબ લૂંટ્યો છે. ધગધગતા ઉનાળામાં અમે જે આંબા પરથી કેરીઓ ઉતારે ત્યાં પહોંચી જતા. તે વખતે આંબાનાં વૃક્ષો જવલ્લેજ જોવા મળતા. આ આંબાનાં માલિકને અમે થોડી ઘણી મદદ કરતાં તેના બદલામાં અમને પાંચ–છ કેરીઓ મળતી. કેરીઓ જોઇને અમારામાં ખુશીની છોળો ઉઠતી. એ જ પ્રમાણે ખેતરોમાં ડાંગરનો મોલ તૈયાર થઈ જાય ત્યારે લોકો પોતપોતાના ખેતરોમાં ખળાં તૈયાર કરતાં અને ડાંગર કણસલાં સાથે ખળામાં ડાંગર ભેગી કરતાં ત્યારે અમે ખળામાં માલિકને ખૂબ મદદ કરતા, ખળામાં ચારેકોર ડાંગરનાં પૂળકા પાથર્યા હોય એમાં અમે રાત્રિએ ચાંદાનાં અજવાળે બળદોની પૂંછડી પકડી દોડાવતા, રાત્રિનો બીજો પહોર ચાલતો હોય ત્યારે ડાંગર અને કણસલાં છૂટા પડે, ઊપણવું થાય. અમારી આખી રાત ખળામાં જ પસાર થતી, પણ મદદનાં બદલામાં માલિક અમને બે કિલો જેટલું અનાજ આપતા તે અનાજ અમે અંગૂછાનાં છેડે બાંધીને પરોઢિયે ઘરે પહોંચતા.
મારી જનમ ભોમકા તરફ હું ફરી પગલા માંડુ છું ત્યારે અતીતમાં ખોવાઈ જાઉં છું, ઉત્સવો ટાણે મોટા સાદે બૂમ પાડતો હતો તે પૂંજારો પરલોક પહોંચી ગયો છે, તેની ખોટ તહેવારો ટાણે વર્તાય છે તેની ખોટ હજુ કોઈ પૂરી શક્યું નથી. ગામનો મનિયો પણ નથી, ગામના મુખ્ય માર્ગ પર સાયકલ જોવા મળતી હતી, હવે કાર અને મોટરસાઈકલ દોડતી જોવા મળે છે, પણ જ્યારે બળદગાડું પસાર થાય ત્યારે મને એમાં બેસવાનું મન થઈ જાય છે અને તે વખતનું મજાનું ગીત રોકી શકાતું નથી ‘વાયરા વનવગડામાં વાતા’ તા વા વા વંટોળિયા રે! હારે અમે ગાડામાં બેસીને જાતા ‘તા વા વા વંટોળિયા રે’
મારા ઘરની પાછળ એક મોટો આંબો હજુ મોજૂદ છે. આ આંબો મને બાળરમતો યાદ અપાવે છે. મુખ્ય રસ્તા પર મારા બાળ મિત્રોનો ભેટો થયા ત્યારે મનભરીને વાત કરી લેતા હોઈએ છીએ. મારામાં વસતું વ્હાલું ગામનું સ્મૃતિસુમન સદા ખીલેલું રહે છે. વતનનો વૈભવને વિસરી શકાતો નથી, ગામડાએ મને ઠાંસીઠાંસીને વતનનો વૈભવ આપ્યો છે. તેનો સદા હું ઓશિંગણ રહીશ. વહાલું ગામ મારામાં ધબકતું રહે છે. એકેએક ધબકારે ગામની સ્મૃતિ છે. અંતે હે વહાલા ગામ; હું તને દૂરથી નતમસ્તકે વંદન કરું છું.
– મથુર વસાવા, સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, ઉના. જિ. ગીર સોમનાથ.
bachapan ni jindgi ni maza aure che. tene yad karo tyare hal ni ritrivaji navu bhulay che ne junu purani vagat yad karavani maza ave che junu tetlu sonu..
ખુબ સરસ,મજા આવી. બાળપણ ના સુંદર સંસ્મરણ, મને બાળપણ ની યાદ અપાવી ગઈ .
હૃદયથી ભીતર વસેલા ગામ ક્યારેય કાળગ્રસ્ત થતું નથી. સ્મૃતિમાં તરવરતા દૃશ્યો અકબંધ રહે છે. પ્રિયજન અને ગામમાં ગાળેલો સમય અહીં પ્રત્યેક શબ્દે પથરાયેલો છે. સરળ, સુંદર ભાવાભિવ્યક્તિ.