આરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર! – રમેશ ચાંપાનેરી 2


કદાચ કોઈક અમારા રામાયણ ધારાવાહિકને જોવાનું મોડું શીખ્યા હોય કે મોડું શરૂ કર્યું હોય પણ આરામ કોને કહેવાય અને કેટલી વિધવિધ રીતે થાય એ લોકડાઉનમાં તરત શીખી ગયાં. ત્યાં સુધી કે હવે તો આરામના પણ ઉબકા આવે સાલા..! એમાં લોકડાઉન અઠવાડિયાઓ લંબાયા કરે પાછું..! 

ઘરવાળાએ તો જેમતેમ સહન કરી લીધાં, પણ વજન એવું વધી ગયું કે વજન કાંટો અમને જોઇને ડોળા કાઢે..! કહે કે જરાક તો અમારી દયા કર..! તું સિક્સપેકને બદલે પેટીપેક થયો..! લોકડાઉન લંબાવે તો પણ દુ:ખ, ન લંબાવે તો કોરોના ગળું પકડે ને આપણે પણ લોક થઇ જઈએ..!

દુ:ખી હૃદયે કહેવું પડે કે સાલી રાત પણ આપણી થતી નથી. ભ્રષ્ટાચાર ચલાવતી હોય એમ હરામ બરાબર જો એકાદ મસ્ત સ્વપનું લાવતી હોય તો! ચચરાવી નાંખે એવાં જ સ્વપ્ન લાવે. કોરોનાના મહાકાળમાં પણ હોરર સ્વપ્ન લાવે. એના કપાળમાં કાંદા ફોડું, સારો સારો માલ પાડોશમાં મોકલે, ને આ બાજુ ડેન્જર સ્વપ્ન મોકલે. હરામ બરાબર જો જમૈકાની ટોની એન. સિંહ કે અમેરિકાની ઓલિવિયો કુલ્પો જેવી વિશ્વસુંદરીનું એકાદ સ્વપન લાવતી હોય તો! આપણને તો કરીનાકપૂર, કાજલ કે માધુરી દીક્ષિતના પણ સ્વપ્ના ચાલે યાર.. બેગર્સ આર નોટ ચૂઝર્સ.. આ તો રેંકડી ઉપરથી ઉઠાવી લાવી હોય એમ, એવી હોરર લેડીના સ્વપ્ન પાર્સલ કરે કે તેને સહન કરવા માટે હનુમાન ચાલીસા વાંચવી પડે…

મચ્છર કરતાં એના સ્વપ્ન નહિ ઊંઘવા દે! સાલા પથારી ઉપર આફ્રિકન ડાન્સ કરે.. એક તો આપણે કોરોનામાં એવાં ડરી ગયેલા કે પલંગને પણ કવોરોન્ટાઈન કરીને સુવું પડે, એમાં એમનો ડાન્સ જોઇને એવો ત્રાસ થાય કે બહાર નીકળીને યમરાજના પાડા ઉપર જાતે જ સવારી કરીને ઉપર નીકળી જઈએ એવું મન થાય. સળગતી મશાલ લઈને સ્વપ્નમાં આવે ત્યારે તો બંદાને પથારીમાં પણ પરસેવો ફરી વળે. ગઈકાલે તો હદ કરી નાંખી. મારી ડાબી આંખમાં રામાયણની મંથરાનું સ્વપ્નું આવ્યું,  ને જમણી આંખમાં શીંગડાવાળો ટોપો ચઢાવીને કુંભકર્ણ આંટા મારે. એ વાત બરાબર કે, સંબંધમાં રાવણના નાનાજી થાઉં એટલે આવે, પણ અડધી રાતે સ્વપ્નમાં શું એમને જોવાના..? દિવસના આવતા હોય તો, આન-માન-પાન આપીએ. પણ સ્વપ્નમાં શું કામ અમારું પાણીચું કરે..? આ તો એવું થાય કે, ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મ જોવા ગયાં હોય, ને ભૂલથી ‘હન્ટરવાલી’ ફિલ્મ નીકળે. હાલત ખરાબ થઇ જાય યાર..! રામાયણમાં તમે તો જોયું કે, એક તો કુંભકર્ણનું ભારે શરીર, ને આપણા  ઘરના દ્વાર ઉંદરના પાંજરા જેવાં. એમ થાય કે, ગૃહપ્રવેશ કરવામાં આ લોકોના ઢીંચણ નહિ છોલાતા હોય..? ચકણી આંખવાળી મંથરાને જોઇને તો, સાલું ‘લુઝ મોશન’ થઇ જાય..! રાવણે સીતાજીનું હરણ કરેલું, ને આ લોકો મારી ઊંઘનું  હરણ કરી જાય..! પલંગ-ત્યાગ કરીને ભાગીએ પણ ક્યાં ? ઘરની બહાર જઈએ તો ખાખીવાળાનો ડર, ને ઘરમાં રહીએ તો આ લોકોની ભેજામારી..! જાયે તો જાયે કહાં..? ઘરમાં રહીએ તો પણ જોખમ ને બહાર નીકળીએ તો પણ જોખમ. કુંભકર્ણ કેવી મસ્તીથી ઊંઘતો હતો. યુદ્ધ માટે ઉઠાડ્યો ને બહાર આવ્યો તો યુધ્ધમાં જાનથી ગયો. ઊંઘમાંથી ખેંચી ન કાઢ્યો હોત તો હજી વરસોવરસ ટકી ગયો હોત. સરકાર એટલે તો કહે છે કે ઘરમાં જ આડા પડો, બહાર યમરાજના પાડા ફરતા જ હોય છે. બહાર નીકળ્યા તો કુંભકર્ણ જેવી દશા થાય. વાઈફ જે ખવડાવે તે ખાઈને નસકોરાં બોલાવી લેવાના, વાઈફને એવું તો કહેતાં જ નહિ કે ‘ઘરમાં તારા હાથનું ખાઈ ખાઈને હું કંટાળી ગયો છું. ખાવા માટે બહાર નીકળ્યા તો ખલ્લાસ, ખાતરી કરવી હોય તો ચમનીયાને પૂછી જોજો, કે પોલીસના હાથનું ખાવું પચવામાં કેટલું ભારી હોય છે? ’એવી જગ્યાએ દંડા પ્રહાર કરે કે, ઊભાં રસોડાની માફક શૌચાલય પણ ઉભું બનાવવું પડે. ડરાવવાની વાત નથી, આ તો એક ચેતવણી..!

આપણા પૂર્વજો તો સારું કાઢી ગયાં. કોરોના જેવી કાકીને પણ ચાવી જતાં. એવું વટથી કહેતાં કે, ‘હરે ફરે તે ચરે, ને બાંધ્યો ભૂખે મરે…!’ આજે એવું નથી, લોકડાઉનમાં તો હરવા-ફરવા ને ચરવા ગયો તો, મરવાનો થયો છે એમ જ કહેવાય..! અશ્વમેઘના ઘોડા જેવી હાલત થાય. એના કરતાં ખાટલે આડા પડીને ચાદર ઓઢી ખરખરિયા ખાધેલાં સારાં..! યમરાજના પાડા, ઘરે આવીને ડોરબેલ તો નહિ વગાડે. એ વાત બરાબર કે અમુકને ઓફીસ વગર ઘરે ઊંઘવાની મઝા ન આવે. પણ પાડાથી છુટકારો લેવો હોય તો ઘરમાં જ આડા પડાય..! પગ છૂટા પાડવાની બહુ ચળ ઉપડે તો બે ને બદલે બાર વખત શૌચાલય પ્રવાસ ખેડી લેવાનો. વોશબેઝીનને વોશિંગટન માનીને ટુર કર્યા કરવાની.  હાથ ધોયા કરવાથી, ભાગ્યની રેખા ઉપરથી મેલ તો નીકળે!

શું કહો છો દાદૂ?

કોરોનાએ તો ઠેકાણે પાડી દીધાં દોસ્ત..! ભગવાનના મંદિર પણ બંધ, આપણી અરજ સાંભળે કોણ..? જે કામ કથાકારો ન કરી શક્યા, તે કોરોનાએ કરી બતાવ્યું. લોકડાઉનમાં તો ઘણા નાસ્તિક પણ આસ્તિક થઇ ગયા. ને ‘જયશ્રી રામ’ બોલતાં થઇ ગયાં, દિવસના પણ ઘોરતાં કરી નાંખ્યા. જાણે માણસમાંથી કુંભકર્ણ બનાવી દીધાં. શું લોકો સાલા ઊંઘે છે! જેમ દરેક માણસમાં એક જેઠાલાલ હોય એમ દરેક માણસમાંથી નાનો મોટો એકાદ કુંભકર્ણ નીકળે..! સવાર થાય ને એક જ ધંધો, ‘ખાવલા-પીવલા ને ઊંઘલા…!‘

હવા નીકળી ગઈ રે યાર..!  મગજના વાલ્વ પણ ઢીલ્લા થઇ ગયાં. હાથ ધોઈ ધોઈને હાથની રેખાઓ પણ ઘસાઈ ગઈ! ને મોંઢે માસ્ક વળગાડીને બહેનોની લિપ્સ્ટિક પણ સૂકી સ્ટીક બની ગઈ. માસ્ક લગાવીને લોકોને ફરતા જોઈએ ત્યારે તો એમ જ લાગે કે આપણાં જૈન મિત્રો જે વર્ષોથી કરી રહ્યાં હતાં એ આપણે હવે શીખ્યાં. યાદ હોય તો ૧૬૨ વર્ષ પહેલાં એક સૂત્ર બહાર આવેલું, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે..!’  ફેર એટલો કે સ્વરાજનો ભોગવટો અત્યારે ચાલે છે. બસ એક જ ધંધો, ખાવલા,પીવલા ને હાથ ધોઈલા..!

જાણે ‘આરામ અમારો જન્મસિદ્ધ અધિકાર છે..!’

– રમેશ ચાંપાનેરી

લેખક શ્રી રમેશભાઈ ચાંપાનેરી રામાયણ ધારાવાહિકમાં ઋષિ અગસ્ત્ય અને રાવણના નાના માલ્યવાનની ભૂમિકાથી પ્રખ્યાત છે. (વાંચો તેમના શૂટિંગ દરમ્યાનના અનુભવો – લેખની કડી નીચે મૂકી છે.) ઉપરાંત તે આપણી ભાષાના ખૂબ જાણીતા હાસ્યકાર છે અને તેમની હાસ્યરચનાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે. રમેશભાઈને ખૂબ શુભકામનાઓ..


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર! – રમેશ ચાંપાનેરી