આઘાત-પ્રત્યાઘાત
ગણપતિનો પત્ર વાંચી પાષાણહૃદયી વર્ષકારની આંખો સજળ થઇ ગઈ. તેના ગળે ડૂમો બાઝી ગયો. થોડીવારે સ્વસ્થ થઇ સૂમસામ, કરુણ શાંતિનો ભંગ કરતાં તેણે સેનાપતિને સૂચના આપી: ‘ભલે બીજા કોઈનું નહીં પણ આ ગણપતિ અને તેમના કુટુંબીજનોનો અગ્નિસંસ્કાર અવશ્ય કરશો.’ અને તે ખિન્ન હૃદયે બહાર નીકળી ગયો.
મગધનરેશે પ્રશ્નાર્થ દૃષ્ટિએ તેની સામે જોયું. વર્ષકારે ચૂપચાપ ગણપતિનો પત્ર તેમના હાથમાં મૂક્યો. ત્યારબાદ તેમણે સારથીને રથ માયા મહેલ તરફ લઇ જવા કહ્યું…
અદભુત માયા મહેલ રાત્રે પણ રંગબેરંગી પ્રકાશથી અને ફુવારા તથા જળપ્રપાતોથી ઝગમગતો રહેતો. પણ અત્યારે તેના પર જાણે કોઈનો અમંગલ ઓછાયો પડ્યો હોય અને તે આછેરો અંધકાર ઓઢીને રુદન કરતો હોય તેવો લાગતો હતો. દાસ દાસીઓ કશાક અમંગળની એંધાણી મળી ગઈ હોય તેમ ફફડતા હૃદયે જાગતાં હતા.
દૂર આમ્રપાલી પોતાનાં ભવ્ય આસન પર નિસ્તેજ ચાંદની શી ગૂમસૂમ બેઠી હતી! વૈશાલીની જેમ તેનું અંતઃકરણ પણ ભેંકાર બનીને ક્રંદન કરતું હતું. તેનું મુખમંડલ ફિક્કું હતું. તેનું રૂપ, તેનો દર્પ, તેનું તેજ જાણે ઓસરી ગયું હતું. કોઈ જુએ તો માની ન શકે કે આ એ જ આમ્રપાલી છે કે જે એક વખત ઇન્દ્રાસન ડોલાવી શકે તેમ હતી!
અને વર્ષકારે તેના કક્ષમાં પ્રવેશ કર્યો…
રાત-દિવસની વૈશાલીનાં દર્શન કર્યા બાદ આમ્રપાલીને એમ થયું કે આમ કેમ બન્યું? તેનું મન એટલું તો ક્ષત-વિક્ષત થઇ ગયું હતું કે તે સળંગસૂત્રતાથી વિચારી પણ નહોતી શકતી. તેને દેવેન્દ્ર સાથેના પ્રણય પ્રસંગો યાદ આવ્યા. અભયનો જન્મ યાદ આવ્યો. ત્યારબાદ પણ દેવેન્દ્ર પ્રત્યે તેનું ખેંચાણ…તેને સઘળું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી તે માટે જે સમય આપ્યો હતો તે યાદ આવ્યો, કાશી-કોશલ અને અન્ય નાનાં નાનાં ગણરાજ્યો પર વિજય મેળવવાની તેની યુદ્ધનીતિ અને રાજ્યની એવી અનેક બાબતોમાં તેની પહોંચ…તે આ બધું કરી શકે છે તેથી તે આનંદિત હતી અને ઘણીવાર તેને આશ્ચર્ય પણ થતું કે ઈશ્વરે તેના પર કેવી કૃપા કરી છે! સવારનો ભક્તિનો સમય અને તેની તલ્લીનતા…આમાં તે ક્યાં થાપ ખાઈ ગઈ તે તેને ન સમજાયું.
એવામાં આમ્રપાલીના ગુપ્તચરે આવીને તેના હાથમાં એક પત્ર મૂક્યો. એ પત્ર ગણપતિનો હતો. આમ્રપાલીને થયું ગણપતિએ પત્ર શા માટે મોક્લાવવો પડે? કાંઈ સારા સમાચાર મળશે એમ માની તેણે ઉતાવળે પત્ર ખોલ્યો અને જેમ જેમ તે પત્ર વાંચતી ગઈ તેમ તેમ તેના ગાત્રો શિથિલ પડતા ગયા અને અંતે તે મૂર્છિત થઇ ઢળી પડી. ગણપતિએ સઘળી વાત સવિસ્તાર લખી હતી. છેલ્લે આમ્રપાલીની ક્ષમા યાચના કરી લખ્યું હતું,
‘પ્રિય પુત્રી આમ્રપાલી, તને પહેલીવાર વૈશાલીમાં સામંત મહાનામનને ત્યાં જોતાવેંત જ મને ખાતરી થઇ ગઈ હતી… પરંતુ… મેં વિષપાન કર્યું છે અને મારા પરિવારે પણ એમ જ કર્યું છે. બસ, તું સલામત રહે એવી મારી અંતરની ઈચ્છા છે. જતા પહેલા હું તને એટલું કહેવા ઈચ્છું છું બેટી, કે હું જ તારો અભાગી પિતા છું…વસન્તસેના ત્યારે બહુ નાની હતી અને હું તેના પર ઓળઘોળ થઇ ગયો હતો… તેણે મને કહ્યું હતું કે તે માતા બનવાની છે… ત્યારબાદ તે મને ક્યારેય મળી નહીં…મેં તેને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે ન જ મળી… તારો ચહેરો તારી માતા જેવો જ છે તે જોઇને હું પામી ગયો કે તું મારી જ પુત્રી છે… હું જીવિત રહેવાને લાયક નથી… મેં તારાથી આ વાત છુપાવી… સંથાગાર સમક્ષ હું ન કહી શક્યો કે “અંબી મારી પુત્રી છે, તે વૈશાલીની જનપદ કલ્યાણી નહીં બને, ભલે અમારે વૈશાલી છોડી જતા રહેવું પડે.” હું ક્ષમાને લાયક નથી… પણ તું બહુ ઉદાર છે, ક્ષમાશીલ છે… બની શકે તો તારા પિતાને ક્ષમા આપજે… સુખી રહે.
ગણપતિના શુભાશિષ.’
આમ્રપાલીને થયું ‘શું આ જ તેના જન્મનું રહસ્ય હતું?’ ગણપતિ પ્રત્યે તેને વહાલ કેમ ઉપજતું હતું અને તેને પ્રણામ કરતી ત્યારે તેને શાંતિ કેમ મળતી હતી તે પણ સમજાયું. શા માટે તેઓ નહોતા ઈચ્છતા કે હું જનપદ કલ્યાણી ન બનું, તેના પ્રયાસો વખતે હું એકદમ ધસી આવી અને…મેં જ… પણ મારી માતાનું શું થયું…તે ક્યાં ગઈ? તે ગણપતિને મળીને તેને ઘણા પ્રશ્નોનાં જવાબો મેળવવા ઈચ્છતી હતી…
ત્યાં જ એક ગુપ્તચરે આવીને માહિતી આપી કે મગધની વિશાળ સેનાએ કિલ્લા બહાર પડાવ નાખ્યો છે અને વૈશાલી ફરતે ઘેરો ઘાલ્યો છે. આમ્રપાલીને વધુ વિચાર કરવાનો સમય મળે તે પહેલા અન્ય એક ગુપ્તચરે આવીને કહ્યું કે મગધ નરેશ અને અમાત્ય વર્ષકાર વૈશાલીમાં પ્રવેશી ચુક્યા છે. અને ત્યારબાદ કારમો આઘાત આપતા સમાચાર એ મળ્યા કે ગણપતિ અને તેમના પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. આમ્રપાલીને સમજાતું નહોતું કે આ શું થવા બેઠું છે? તે આઘાત-પ્રત્યાઘાતની પરંપરાથી ડઘાઈ ગઈ હતી.
અને આ પરિસ્થિતિમાં વર્ષકારે આમ્રપાલીનાં કક્ષમાં પ્રવેશ કર્યો…
‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.
બહુ જ માજ આવી હજુ આખી સાંભળી નથી પણ ૮ પ્રકરણ તો સાંભળી લીધા..સરસ શૈલી’ નેરેસન ઘણું બધું શીખવાનું મળ્યું nice one