ઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી 27


લધુશંકા, ગુરુશંકા અને ઊંઘ, આ ત્રણેયને રોકવા બહુ અઘરા. પોતપોતાના જોખમે ટ્રાય કરવી! (અગેઈન, વોટ્સેપીયા, ફેસબુકીયા, સેટીંગ્યા અને સગાઈ થયેલા નિશાચરોને આ લાગું પડતું નથી.) રાત્રે અઢીથી ચારનો સમય એ ઊંઘ માટે ગોલ્ડન પિરિયડ કહી શકાય. તસ્કરશાસ્રીઓના ગ્રંથ મુજબ તેમના માટે આ સૌથી સાનુકુળ સમય છે અને તેમના મુહુર્ત પણ રાત્રે અઢીથી ચારના જ છે.

પૂજ્ય મોરારીબાપુએ કહેલું કે કથા સાંભળતા સાંભળતા કોઈને ઊંઘ આવી જાય એ પણ સારું જ છે. એક તો આજના જમાનામાં અનિદ્રાનો રોગ બહુ લાગુ પડ્યો છે ત્યારે માણસને ઊંઘ આવી જાય એ બહુ સારી વાત કહેવાય. (વ્હોટ્સેપિયા અને ફેસબુકીયાઓએ દિલ પર ન લેવું!) આ વાત વાંચી રામગોપાલ વર્મા અને મધુર ભંડારકર હરખાઈ ગયા બોલો! (નો કોમેન્ટસ!)

નિદ્રાદેવીની મારા પર ઘણી કૃપા રહેલી છે. કોઈપણ સ્થળે મને ઊંઘ આવી જાય એની સફળતાની ટકાવારી લગભગ એંસી ગણી શકાય. વીસ ટકાની નિષ્ફળતામાં ગરમી અને મચ્છરોનો ફાળો રહેલો છે. મૂળે હું રાજકોટવાસી એટલે હવે તમે સમજી જ ગયા હશો! હમણાં રાજકોટમાં એક દિવસમાં જ અઢાર ઈંચ વરસાદ વરસી ગયો, પણ બપોરે એકથી ચાર તો વરસાદે પણ રજા રાખેલી. રાજકોટમાં તમે રાત્રે એક વાગ્યે બિન્દાસ કોઈને ફોન કરી શકો. પણ બપોરે કોઈને ફોન કરતાં પહેલા સાચવવું!

“બપોરે એક થી ચારમાં ખરીદી માટે રજનીકાંત પણ આવશે તોયે દુકાન નહીં ખુલે” એવી ખુમારી (ને ‘ઊંઘ) રાજકોટવાસીઓની!

અહીંયા તો ઘણીવાર ચાની લારી પણ બપોરે ત્રણ પછી જ ખૂલે! (બપોરની ઊંઘ પછી ચા જોઈએ જ!)

મણીરત્નમને પણ ગુજરાતીઓ વિષેની આ ખ્યાતી કશેકથી મળી હશે એટલે “ગુરુ” ફિલ્મમાં ખાસ એક ડાયલોગ પણ શેર-હોલ્ડરની મિટિંગ વખતે બોલાવ્યો છે. (જોઈ લો ગુરુભાઈને ફરી એકવાર!) પાછું આ ફિલ્મમાં તેમણે એક ગીત પણ મૂકેલું.

“જાગે હૈં દેર તક હમેં કુછ દેર સોને દો…”

સૂચનાઃ ઉપર દર્શાવેલ ગીતના શબ્દોનો તત્વજ્ઞાનથી ભરેલો અર્થ સમજાવી અમારી ઊંઘ ઊડાડવી નહીં. અને જો સમજાવવું જ હોય તો અમે અમારા કેટલાક નોમિનેટ કરેલાં તારલાંઓને  તમારી પાસે મોકલીશું જેમને તત્વજ્ઞાનની વાતો સાંભળતાં જ ઊંઘ આવી જાય છે.

લોકોને ઊંઘ લાવવા માટે પ્રયત્ન કરવા પડે પણ અમારા જેવા વિદ્યાર્થીઓને ઊધું! કોલેજકાળ દરમ્યાન ઊંઘ ભગાડવા માટે અમારે અવનવા પ્રયત્નો કરવા પડતાં. પરિક્ષા સમયે વાંચતા હોય ત્યારે કોઈ ઊંઘમાં સરી પડે એટલે લાત મારીને જગાડવામાં આવે! સામેથી એક અપશબ્દ સાથે પ્રત્યુત્તર આવે કે “હું મનન કરતો હતો!” આવા ‘મનનીયા’ પરિક્ષાના વાંચન સમયે જ જોવા મળે. એ સમયે કોઈ અમને કહે કે સવારે ચાર વાગ્યે ઉઠીને વાંચો તો અમે ઘસીને ના પાડી દેતા, પણ એમ કહે કે ચાર વાગ્યા સુધી વાંચો અને પછી ઉંઘો તો એ અમને અનુકૂળ લાગતું. સૂર્યવંશી હોવાનું ગૌરવ તો જાળવવું પડે ને!?

અમારે કોલેજકાળમાં દરેક સત્રના અંતમાં સબમિશન વખતે હાથને, આંખોને અને મગજને સામટો કષ્ટ આપવો પડતો. હાથ (આમ તો બિચારી આંગળીઓ) લખવાનું કામ કરે, આંખો બીજાની ફાઈલનું લખાણ વાંચવાનું તથા મગજ તે લખાણ ઉકેલવાનું! અને લખાણ ન ઉકેલાય તો મગજ તેવાં જ મરોડદાર અક્ષરથી લખવાનો હુકમ હાથને આપવાનું કાર્ય કરતું. (એન્જિનિયર બનનાર માણસ જીવનમાં આવનારી લગ્ન સિવાયની મુશ્કેલીઓથી ગભરાતો નથી, એવો મને મારો અને મારા મિત્રોનો અનુભવ છે!!)

આ સમયે અમને પૃથ્વી પર મળતું દ્વિતીય ક્રમાંક ધરાવતું અમૃત એવી “ચા”ની ઝંખના રહેતી. હોસ્ટેલમાં કેન્ટીનની સુવિધા અપ્રાપ્ય હોય, રુમ પર ચા બનાવવાનો વિકલ્પ પસંદ કરાતો. ચા બનાવવાનો નિર્ધારીત સમય રાત્રે બે વાગ્યાનો રહેતો. બધાં પાસેથી ફરજીયાત પૈસા ઉઘરાવી અને ચીઠ્ઠીઓ બનાવાતી. લકી ડ્રોમાં જેનું નામ નીકળે તેણે રાત્રે સાઈકલ લઈ એસ.ટી. પાસે આવેલા ગલ્લેથી (મોટા ભાગે પરબતનો ગલ્લો, ભાવનગર) દુધ લાવવાનું રહેતું. રુમ પર રાખેલી ઈલેક્ટૄક સગડી પર મસ્ત ચા બનતી. કેટલાક શૂરવીરો આ ચા માટે જ જાગતા. અઢી – ત્રણ વાગ્યે આ ચા બનતી, અને એ ગરમા ગરમ ચાનો આનંદ લઈ તેઓ નિદ્રાદેવીને શરણે આરામથી ચાલ્યા જતાં.

મારી સૌથી પહેલી નોકરી દરમ્યાન જ્યારે અમારી ઓફીસ રાજકોટ શહેરથી મેટોડા જીઆઈડીસીમાં ખસેડાઈ ત્યારે ત્યાં શરૂઆતમાં નોકરીનો સમય સાડા નવથી સાડા સાત હતો. જેમાં બપોરે દોઢથી સાડા ત્રણ એમ બે કલાકનો લંચ ટાઈમ. કારણકે ત્યાં કામ કરતાં કામદારો બપોરે જમવાનું બનાવતાં, માટે તેમને સમય આપવો પડતો. તો આ બે કલાકના લંચ ટાઈમમાં અમે પંદર મિનિટમાં ટિફિન જમી, અમારા એસી ઓફીસમાં આરામથી પોણા બે કલાકની નિંદર ખેંચતા!! (આવી ઓફીસ અને આવો લંચ ટાઈમ નસીબદારને જ મળે! ગયા જન્મના પૂણ્ય.. ભાઈ ભાઈ!)

રિલાયન્સમાં જી.ઈ.ટી તરીકે હું અને અન્ય મિત્રો નોકરીમાં જ્યારે જોડાયા ત્યારે સાંજે છૂટતી વખતે બસ અમને ટાઉનશિપનું ચક્કર મરાવી આરામથી અમારા બેચલરના સેક્ટર (જેને અમે ગર્વથી હનુમાનનગર કહેતા!) પર છોડતી, એ વખતે પણ અમને એક મસ્ત મજાનું ઝોંકુ ખાવા મળતું. જામનગર શહેરથી અપ-ડાઉન કરતાં લોકોને તો આવતા – જતાં અડધી અડધી કલાક ઊંઘવા મળતું. આનાથી રૂડું શું?

નોકરી દરમ્યાન મારો રૂમ પાર્ટનર પૂરતી ઊંઘ લેવા માટે એક નવતર કાર્ય કરતો. એ કન્સ્ટ્રકશન પ્લાનીંગમાં હોઇ સાંજે આઠ વાગ્યા પછી જ રૂમ પર આવતો. સાંજે આવી હાથ – મોં ધોઈ જમીને અમારા જોડે ગપાટા મારતો. રાત્રે સૂતાં પહેલાં નાહી લેતો. (જો કે ઘણા લોકો રાત્રે સ્નાન કરે છે, પણ અમે બેચલર એન્જિનિયર જાતની વાત કરીએ છીએ!!!) સવારે બ્રશ અને બોમ્બાર્ડીંગ કરી સીધું નોકરી પર જ જવાનું. ફાલતુંમાં નહાવાની પાચ-દસ મિનિટ સવારમાં બગાડવી ન પોષાય! ઊંઘનો મહિમા અને ઊંઘની એક એક ક્ષણની કિંમત મને લાગે છે એક એન્જિનિયર જ તમને જણાવી શકે!

લધુશંકા, ગુરુશંકા અને ઊંઘ, આ ત્રણેયને રોકવા બહુ અઘરા. પોતપોતાના જોખમે ટ્રાય કરવી! (અગેઈન, વોટ્સેપીયા, ફેસબુકીયા, સેટીંગ્યા અને સગાઈ થયેલા નિશાચરોને આ લાગું પડતું નથી.) રાત્રે અઢીથી ચારનો સમય એ ઊંઘ માટે ગોલ્ડન પિરિયડ કહી શકાય. તસ્કરશાસ્રીઓના ગ્રંથ મુજબ તેમના માટે આ સૌથી સાનુકુળ સમય છે અને તેમના મુહુર્ત પણ રાત્રે અઢીથી ચારના જ છે.

તમે કદી ઊંઘતા નાના બાળકને જોયું છે? ખાસ કરીને બે વર્ષથી નાના બાળકને ઊંઘતા જોજો! તેઓ ઘણી વાર ભરઊંઘમાં હસતાં હોય છે. વડીલો એમ કહે છે કે ભગવાન આ ઊંઘતા બાળકોને સપનામાં રમાડતાં હોય છે.  ઊંઘતો માણસ કોઈને હાની પહોંચાડતો નથી. સૌથી ઓછા પાપ ઊંઘતો માણસ કરે છે. (સૌથી ઓછા એટલે લખ્યું કારણકે સપનાઓમાં શું કરે એ કોને ખબર??)  આ..આ….આ…ઉ..ઉ…આ લખતાં લખતાં મને તો બગાસા આવ્યાં અને ઊંઘ પણ આવવા માંડી. ચાલો ત્યારે હું ઉંઘુ, તમેય ઉંઘો અને બીજાને પણ ઊંઘવા દો.

છમકલું રાજકોટનું..

આવ્યા પાડાની સવારીએ તો એસી-કૂલરની ઠંડી હવા સૂંઘો,
નિરાંતે કરશું વાતું જમરાજ, ભરબપોરે તમેય ઊંઘો!

– ગોપાલ ખેતાણી


આપનો પ્રતિભાવ આપો....

27 thoughts on “ઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી

  • Mehul Sutariya

    મજા આવી. મને પણ ઉંધ બહુ આવે છે અને જમ્યા પછી સૂવા જોઈએ જ. હી.. હી.. હી..

  • mydiary311071

    ગોપાલભાઈ નાના લેખમાં પણ ઘણા પંચ આપની લેખન સમૃધ્ધિ દર્શાવે છે. રાજકોટિયન તરીકે તો આ લેખે મને બાગ, બાગ કરી દીધો.

  • Aarti Antrolia

    ખાટી મીઠી વાનગી ખાઈ ખવડાવીને ધરાઈ ગયા એટલે હવે બધાને ઉંઘાડવાનો ઇરાદો લાગે છે. પહેલા વાકયે જ સિક્સર, સરસ લેખ.

    • gopal khetani

      હા હા હા.. બ્રેક લીધો ..ઊંઘ થઈ જાય એટલે ફરી વાનગીઓનો આનંદ ઉઠાવી શકાય ને? ખૂબ ખૂબ આભાર.

  • anil1082003

    my uncle said lucky men get sleep. “nasibdar ne j ungh male.” mari adat mujab besta besta pan ubghu.khas to chair-sofa. table uper mathu rakhi. “BHUKH NA JOVE SUKO ROTLO UNGH NA J0VE OTLO “

    • gopal khetani

      સાચી વાત કહી અનીલભાઈ. આજના તણાવ ગ્રસ્ત જીવનમાં માણસને ઘણીવાર ઊંઘવા માટે પણ સમય નથી મળતો. લેખમાં મૂકેલું ચિત્ર પણ ઘણું કહી જાય છે. આપના પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર.

  • Keta Joshi

    પિ્ય ગોપાલભાઈ,
    લેખ ખૂબ ગમ્યો. હાસ્ય લેખ લખતા રહેજો. તમારી શૈલી ગમી. રાજકોટ ના લોકોની બપોરની ઊંઘ ઘણી ફેમસ છે. તથા સિંગલ એનજિનીયર ની જિવન શૈલી પણ બખૂબી વણઁવી.
    Writing is your asset. Keep writing.
    ઊંઘજો ત્યારે.
    કેતા ના સ્નેહવંદન

  • Satish raval

    This reminds me of my sleeping in local train for precise 45 minutes in my twenties, and then sleeping for ten minutes in office lunch room you are right about three shankas ! quite interesting

    • gopal khetani

      સાચી વાત સતીષભાઈ આપની..કન્સ્ટ્રકશન ટીમમાં કામ કરતા સમયે અમને ખાસ અડધો કલાક ઉંઘવા દેતા (રિલાયંસ રિફાઇનરી વખતે) એ યાદ આવી ગયુ. આપનો ખૂબ ખૂબ આભાર.

  • PURVANG LAD

    Dear Gopal… Tari Kala divas divase agal vadhi rahi Che….. Superbly returned….Keep it up…. Will see u as best writer n thinker….Jai Bhavani

    • gopal khetani

      ખૂબ ખૂબ આભાર ભાઈ પૂર્વાંગ.. તમારા બધાંની શુભેચ્છાઓ થકી જ નવસર્જન થાય છે.

  • Darshan

    Ungh maate to hu pote mashhur hu. Ghar ma, saasri ma badhe….
    Have samajik, parivarik and professional jawaabdari ne lai ne ungh ma thodi khalel pahonchi rahi che. Pan jya sidhi 8 thi 9 kalaak ni ungh na made, to evu laage ke devdaas ne paaro na madi….
    Very well written. Keep it up

    • gopal khetani

      હા.. એ તો છે જ ..તારી ઉંઘ તો મશહૂર છે. … હોસ્ટેલ અનુભવની પણ એક શ્રેણી લખવી છે. આભાર દોસ્ત

  • hdjkdave

    હળવા હાસ્યલેખને અંગત ઊંઘણશી અનુભવોની આડવાતમાં રાજકોટની ખાસ સમયે ઘેરાતી આંખોની ભાષા સપનામાં કેવાં પુણ્યોનું ભાથું બાંધવા મળતું હશે એની જાણ તો એ ખૂલે ત્યારે જાણવા મળે. એટલી વાર નિરાંતે થોડી ઊંઘ ખેંચી કાઢીએ. જોકે નિદ્રાદેવીનો પરમ ભક્ત(!) પ્રાચીનકાળનો કુંભકર્ણ અનેક સક્રિયતા મુક્ત લોકોને અત્યારેય પ્રેરણા આપે છે. …આવજોને બદલે ઊંઘજો!