આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬) 3


મગધનરેશ તમે…!

માયા મહેલમાં આમ્રપાલીનાં કક્ષમાં વર્ષકારનાં પ્રવેશ સાથે બધી દાસીઓ ઊભી થઇ ગઈ. પરંતુ આમ્રપાલી મૂર્તિની જેમ બેઠી રહી. તેણે મનથી માની લીધું હતું કે હવે બધું જ પૂરું થઇ ગયું છે. હવે કાંઈ બાકી રહ્યું નથી. ગણપતિએ મરતાં પહેલા જે પત્ર આમ્રપાલીને લખ્યો હતો તેમાં વર્ષકારની સાચી ઓળખ અને તેના ષડ્યંત્ર વિષે બધું જ લખ્યું હતું. આમ્રપાલી વિચારમાં પડી ગઈ…માનવીની બુદ્ધિ આટલી હદે ક્રૂર જઈ શકે તે કેમ માની શકાય?

વર્ષકાર નજીક આવ્યો અને તેણે ખૂબ જ માન અને આદરથી આમ્રપાલીને નમન કર્યું. આમ્રપાલી એ વિમાસણમાં હતી કે આંસુ રોકવા કે ધસી આવતા અનેક સવાલોને ખાળવા?

વર્ષકાર અદબપૂર્વક ઊભો રહ્યો અને માયા મહેલનું અવલોકન કરવા લાગ્યો. અવલોકન પૂરું થાય તે પહેલા આમ્રપાલીએ તેને પૂછ્યું: ‘આ સમયે અત્રે આવવાનું પ્રયોજન?’

વર્ષકાર કહે, ‘તમને નહીં સમજાય!’

આમ્રપાલીએ જરા તંગ થઇ કહ્યું, ‘તો સમજાવો…’

વર્ષકારે રહસ્યમય શૈલીમાં કહ્યું, ‘કાળ જ સમજાવી શકે…’

આમ્રપાલીએ જરા સખત અવાજે કહ્યું, ‘નહીં, મારે તમારા મુખેથી સાંભળવું છે.’

વર્ષકારે કહ્યું, ‘તો સાંભળો, ‘મગધને વરદાન મળ્યું હતું કે જરાસંઘે સ્થાપેલા મગધને સો પેઢી સુધી ઊની આંચ પણ નહીં આવે. આ ભૂમિ ઉપર એકથી એક ચડિયાતાં પ્રતાપી રાજાઓ થશે અને તેમાંના એક મારા સ્વામી મગધપતિ છે. મગધની સ્થિતિ હંમેશાં નાજુક રહેતી હતી તેમણે ત્રણ ત્રણ દુશ્મનોનો સામનો કરવો પડતો હતો. કાશી અને કોશલ તો જાણે સમજ્યા પણ ગણપતિએ બનાવેલું સહુ પ્રથમ ગણતંત્ર ‘તેની લિચ્છવી પ્રજા ગણપતિએ સિંચેલા સંસ્કાર શૌર્ય અને ખુમારી તથા સંઘભાવનાથી અમે સતત ગભરાતા રહેતાં હતા. આવી સંઘભાવના અમે ક્યાંય જોઈ કે સાંભળી ન હતી. મરી ફીટવાની, એકતાની, મારવાની ખુમારી જે પ્રજાની નસેનસમાં વહેતી હોય તેને કોણ હરાવી શકે? અને ગણપતિ જેવા ગણનાયક સામે અમારું નેતૃત્વ હંમેશાં પાછું પડતું હતું.

મગધનરેશ ચક્રવર્તી થવા માંગે છે પણ વૈશાલીનો મોટો અવરોધ વચ્ચે નડતો હતો. અને અમારા ગુપ્તચરો માહિતી લાવ્યા કે વૈશાલીમાં ‘આમ્રપાલી’ નામનો ધરતીકંપ થયો છે ત્યારે હું ચોંકી ગયો. આટલી ખમીરવંતી પ્રજા એક સ્ત્રી પાછળ આટલી પાગલ થઇ જાય અને તેની પાછળ ખુવાર થવા સુધીની તૈયારી દર્શાવે અને તેની તમામ શરતો સાંભળ્યા વગર પણ સ્વીકારવા તૈયાર થઇ જાય…અને મને માર્ગ મળી ગયો…હું પણ વેશપલટો કરીને વૈશાલીમાં આવ્યો અને પ્રજાની ‘આમ્રપાલી-ઘેલછા’ જોઈ ત્યારે હું નવાઈ પામ્યો પણ તમારી શરતો સાંભળી મને તમારો ત્યાગ, તમારું બલિદાન, તમારી વૈશાલી માટેની લાગણી જોઇને હું હિંમત હારી ગયો હતો. તમારો પડ્યો બોલ ઝીલનારા લિચ્છવીઓને કોઈ રોકી ન શકે કે કોઈ પરાસ્ત ન કરી શકે.

પછી મેં વિચાર્યું કે જો એક ગણિકા વૈશાલીને ઉન્નતિના શિખરે પહોંચાડી શકે તો તેના જેવી અનેક સ્ત્રીઓથી વૈશાલીનું પતન કેમ ન થાય? મેં અને મગધનરેશે મળીને યોજના બનાવી જેને તમારા ગુપ્તચરો ષડ્યંત્ર કહે છે! અમે અફવા ફેલાવી કે મારા અને મગધ સમ્રાટ વચ્ચે થયેલા અણબનાવને લીધે મને દેશનિકાલની સજા કરવામાં આવી છે. તમે જે રીતે વૈશાલી માટે ભોગ આપ્યો તેમ મારે પણ મગધ માટે ભોગ આપવાનો હતો. તમે જનપદ કલ્યાણી બન્યા અને મારે અપમાનિત થઇ દેશનિકાલ થવું પડ્યું. અને મારી યોજના મુજબ મને વૈશાલી તરફથી આમંત્રણ મળ્યું!

વર્ષકારે શ્વાસ લઇ આગળ કહ્યું, આમ્રપાલી દિગ્મૂઢ બનીને સાંભળતી હતી, ‘મેં રાક્ષસ અને ગણપતિનો વિશ્વાસ સંપાદન કર્યો. મેં મગધના નાણાંથી વૈશાલીમાં સસ્તો દારુ, સસ્તી અને સુંદર ગણિકાઓ અને જુગારના અડ્ડાઓ જેવા દૂષણો ફૂલેફાલે તેવો પ્રબંધ કર્યો. વૈશાલીની પ્રજાને અવળે માર્ગે ચડાવીને તેમને  વ્યસનોથી નિર્માલ્ય બનાવી દીધા. હું જ ગાંજો, ચરસ, અફીણ, દારૂ, જુગાર, પરસ્ત્રી-ગમનને વધારવા માટે પ્રયત્નો કરતો હતો. મારી આ સફળ પ્રવૃત્તિએ તમે, રાક્ષસે અને ગણપતિએ વૈશાલી માટે જે સ્વપ્નો જોયાં હતાં તેનો ભાંગીને ભૂકો કરી નાખ્યા. એક ખમીરવંતી પ્રજાને ધૂળચાટતી કરી નાખી.

ત્યારબાદ મગધનરેશ વૈશાલી ઉપર આક્રમણ કરવા આવ્યા ત્યારે અમારો સામનો કરવા માટે એકપણ લિચ્છવી હાજર નહોતો. લડ્યા વગર જ આ પ્રજા મારી પરવારેલી હતી. અમે નહોતા ઈચ્છતા કે એક પણ લિચ્છવી જીવિત રહે, ભવિષ્યમાં પણ તે અમારી સામે ન આવે તે માટે! તમને ખબર નહીં હોય પરંતુ કાશી અને કોશલને અંદરો અંદર લડાવવામાં મારી જ બુદ્ધિ કામ આવી હતી. એ બંને અંદરો અંદર લડીને જ ખતમ થઇ ગયા હતા.’

‘તો મને અને ગણપતિને…’ આમ્રપાલી વાક્ય પૂરું કરે તે પહેલાં વર્ષકાર બોલ્યો: ‘ગણપતિ માટે અમને ખૂબ જ માન હતું કારણ કે તેણે અજોડ કાર્ય કર્યું હતું. તેણે રાજાશાહીની હજારો વર્ષ જૂની પરંપરા સામે ગણતંત્ર સ્થાપ્યું. જેનો જોટો જગતમાં ન મળે…અમે તેને મગધનો અમાત્ય બનાવવા ઈચ્છતા હતા, વળી તે મારો ઉત્તમ મિત્ર હતો…પણ…મગધના કમનસીબે તેણે આત્મહત્યા કરી લીધી છે…’

આમ્રપાલી કહે, ‘તો મને…જીવતી કેમ રાખી…?’ તમે જીવિત છો મગધપતિની આદેશથી!’

આમ્રપાલીએ કહ્યું, ‘પણ…હવે મારી પાસે રૂપ કે ઐશ્વર્ય નથી રહ્યું. હું ભાંગી પડી છું. જે વૈશાલી માટે મેં મારી જાતનું બલિદાન આપ્યું અને જેને માટે મેં જનપદ કલ્યાણી પદનો સ્વીકાર કર્યો એ પછી હવે મગધપતિ એવો આદેશ આપીને શું કરવા ધારે છે?’

અને વર્ષકાર કાંઈ કહે તે પહેલાં પડછાયા જેવો લાગતો એક માણસ પડછંદ અવાજે છતાં કાંઇક દબાયેલા અવાજે બોલ્યો…

‘હા…હજુ મારે તમારી પાસે ઘણું લેવાનું બાકી છે, જીવવાનું બાકી છે.’ પડછાયા જેવા આકારમાં અને યોદ્ધા જેવા લગતા પડછંદ અવાજ આમ્રપાલીના કાનમાં પડ્યો અને તેનું હૃદય એક ધબકારો ચુકી ગયું. તે પળવારમાં એ સ્વરને ઓળખી ગઈ!

વર્ષકારે તેમને જોઇને ઊભા થઈને નમન કર્યું અને કહ્યું, ‘મગધનરેશને મહાઅમાત્ય વર્ષકારના પ્રણામ.’

ધનિકા અને વિશાખા એ બખતર પહેરેલા મગધનરેશને જોઈ રહી. વિશાખાએ કહ્યું, ‘મગધપતિ? આ અવાજ પરિચિત જણાય છે…’

ધનિકાએ કહ્યું, ‘જી, મને પણ આ અવાજ જાણીતો હોય તેમ લાગે છે…’

અને આમ્રપાલી તેને જોતાં જ મૂર્ચ્છિત થઇ ઢળી પડી…જો વિશાખાએ તેને ટેકો ન આપ્યો હોત તો તે જમીન પર પડી ગઈ હોત. મગધપતિ તેને પોતાના મજબૂત બાહુઓમાં ઉપાડી શયન કક્ષ તરફ ગયા.

વચ્ચે આમ્રપાલી જરા હોશમાં આવતાં તે અસ્ફુટ સ્વરે બોલી, ‘દેવ…તમે…!’

મગધનરેશે બહુ જ હળવે રહી તેના કર્ણ સમીપ જઈને કહ્યું, ‘હા દેવી, હું દેવ…!’

અને આમ્રપાલી ફરી મૂર્ચ્છિત થઇ ગઈ…

(ક્રમશ:)

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)

  • ગિરીશ રાવલ (G. R. Raval)

    ૐब्रह्मनाद।અક્ષરનાદ શ્રીકૃષ્ણનો “પાંચજન્ય” શંખનાદ️

  • ગિરીશ રાવલ (G. R. Raval)

    ️️સ.. રસ. સરસ. સૃષ્ટિનો સૌ પ્રથમ નાદ ઓમકાર- – અ.. … ઉ.. . . મ… .-, ૐ… ઓ.. મ…ઐતિહાસિક નવલકથાની પાત્ર વરણી – પાત્રાલેખન, ગૂંથણી આહ્લાદક, રોચક. લેખકોને હાર્દિક અભિનંદન. ગિરીશ-હંસા રાવલ વરિષ્ઠ નાગરિક હંસા રાવલનાં જય ભગવાન 9428169476 ️