રામાયણ ધારાવાહિકમાં ઋષિ અગત્સ્ય અને માલ્યવાન જેવી ભૂમિકાઓ ભજવનાર રમેશભાઈ ચાંપાનેરીના અનુભવો.. 16


રામાયણ એટલે જીવતરનો માઈલસ્ટોન..!

મંગલ ભવન અમંગલહારી, દ્રવહુસુ દશરથ અચર બિહારી
રામ સિયારામ, સિયારામ જય જય રામ
હરિ અનંત  હરિ કથા અનંતા, કહહિ સુનહિ બહુવિધિ સબ સંતા
રામ સિયારામ, સીયારામ જય જય રામ…

રામાયણ શબ્દ ઘુમરાતા જ હવામાં સુગંધ અને દૈવિક સ્પંદનો ઉભરી ઉઠે. જીવમાત્રની ચેતનાઓ જાગૃત થઇ જાય, પરિવાર અને વૈશ્વિક સંબંધોમાં આત્મીય ભાવનું સંવર્ધન થઇ જાય, એ રામાયણનું માપદંડ છે. મહામારી\ના કઠીન કાળે, ભારતની ડી ડી ચેનલ ઉપર રામાનંદ સાગરસાહેબની જગ વિખ્યાત ટીવી સીરીયલ રામાયણનું પુન: પ્રસારણ સરકારશ્રી દ્વારા થઇ રહ્યું છે, ત્યારે ફરીથી ઘર ઘર સૌ રામાયણમય બની રહ્યા છે. આ સીરીયલમાં કરેલા અભિનયને આજની નવી દ્રષ્ટીએ જોવાનો મને લાભ મળ્યો, એ મારા માટે પણ અપાર આનંદ છે.  રામાયણ વિશેના મારા સંસ્મરણો લખવાની મારી ઈચ્છાને  હું રોકી શક્યો નહિ. જ્યારે માંડ ગણ્યા ગાંઠ્યા લોકો પાસે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા, આજના જેવી વિવિધ ચેનલોની ભરમાર નહિ હતી. ને માત્ર દુરદર્શન જ જેના મનોરંજનનો માત્ર આધાર હતો, ત્યારે રામાયણ અને બીજી કેટલીક સીરીયલ પ્રજાનું મનોરંજન બની રહેતું,  રામાયણ અને મહાભારત, એ ભારતમાં ઘરઘર વંચાતો ધર્મગ્રંથ છે. એટલે એના પ્રસંગોની ગળગૂથી અને પૂજનીય ભાવ તો સૌમાં હતો જ. વક્તાને  કહેવા પણ ગમતી. ને શ્રોતાને સાંભળવા પણ ગમતી. આ સીરીયલ દ્વારા એમાં દ્રશ્ય-શ્રાવ્યનો દ્રષ્ટિકોણ આવ્યો અને રામાયણ વૈશ્વિક સ્તરે પહોંચી ને જગવિખ્યાત બની ગઈ. રામાયણ એટલે જીવન જીવતરની માર્ગદર્શિકા, જીવતરનો અરીસો. જીવ માત્રને  સાચી દિશા બતાવનારો માઈલ સ્ટોન. જેની કથામાં અનેક સંબંધોને જાળવવાના, સાચવવાના અને આદર કરવાના પરિમાણ છે. માતાને જોતાં જ બાળક જેમ ઘેલખડું બની જાય, વાંસળીનો નાદ પડતાં જ ગોપીઓ જેમ ઘેલી-ઘેલી થઇ જાય, ને કામોને પડતાં મૂકી કૃષ્ણની દિશામાં દોડવા માંડે એમ, એ સમયે દુરદર્શન ઉપર આ સીરીયલની પ્રારંભિક ધૂન સંભળાવા માંડે એટલે જ લોકો રામાયણમય બની જાય. જાણે જ ટીવી સ્વયં રામાયણના ધર્મગ્રંથમાં પરિવર્તિત થઇ જતું.  

રામાયણનું પ્રસારણ શરુ થાય એ પહેલાં, લોકો ટીવી સામે ગોઠવાય જતાં. ક્યાંક તો સ્વચ્છ બનીને બેસી જતાં, અને ધુપદાન કરીને જોવાનો પણ મહિમા રહેતો. રામાયણ શરુ થવા પહેલા સ્વયં રામ પધારવાના હોય એવો આદર ઉત્સાહ અને પૂજન થયાના સમાચાર પણ બનતા. મને યાદ છે કે, રામાયણ આવતું ત્યારે, શ્રી રામ-સીતા અને હનુમાનને જોવા માટે લોકો એમનાથી ઊંચા આસને બેસવાનો ત્યાગ કરી, નીચે આસન ગ્રહણ કરીને સીરીયલ જોવાનો આદર બતાવતા. જેના ઘરે ટીવી હોય તે પણ એવા ભાવવિભોર બની લોકોને આવકારતા, આવા દ્રશ્યો હજી વિસરાયા નથી. આજે તો કોરોનાની મહામારીને કારણે રસ્તાઓ સુમસામ છે. એ વખતે ‘રામાયણ’ સીરીયલ આવવાના સમયે વગર કોરોના એ રસ્તાઓ સુમસામ બની જતા. કોઈપણ પ્રસંગ-પત્રિકામાં લખવામાં આવતું કે રામાયણ સીરીયલ બતાવવાની વ્યવસ્થા રાખી છે, તો જ લોકોની ઉપલબ્ધી થતી. આ અસર માત્ર ભારતમાં નહિ, પણ  વિશ્વ સ્તરે પણ જોવા મળતી. જાણે એક કલાક માટે પૂરું વિશ્વ રામરાજ્ય બની જતું. 

લોકપ્રિય અને જગવિખ્યાત બનેલી આ રામાયણ સીરીયલના સંવાદોએ મારામાં એક દિવસે કંપન લાવી દીધું. મૂળે હાસ્ય-નાટક અને તખ્તાનો  જીવ તો હતો જ. એટલે વૃંદાવન સ્ટુડીઓના માલિક અને રામાયણ સીરીયલના આર્ટ ડીરેક્ટર સ્વ. હીરાભાઈ પટેલના પુત્ર શ્રી બીપીનભાઈ પટેલ સાથે એક દિવસ અચાનક મુલાકાત થઇ. એમની ઓળખાણ અને કૌશલ્યના બળે ઉમરગામ વૃંદાવન સ્ટુડિયોમાં પહોંચી, શરૂઆતમાં ક્રાઉડમાં કામ કરી સૈનિકના રોલમાં ભાલા અને તલવાર પકડી. ક્યાંક વાંદરા બનવાનો પણ લ્હાવો મળ્યો. પણ મગજમાં એક જ ખુમારી કે, કોઈપણ પ્રકારે એકવાર ક્રીઝ મેળવવી છે. કોઈપણ રોલ સ્વીકારીશ તો જ હું, સાગર પરિવારની સમીપ જઈ શકીશ ને તો હું સાગર યુનિટ સાથે સંબંધો કેળવી શકીશ. બાકી એ સમયે રોલની વાત તો દૂરની રહી, સાગર પરિવારની સમીપ જવું પણ આસાન ન હતું. કૌશલ કોઇપણ પ્રકારનું હોય, એ સંતાયેલું રહેતું નથી. શ્રદ્ધા કોઈપણ મુકામ સુધી પહોંચાડી શકે છે, એ મારો અનુભવ હતો. મારામાં એ ત્રેવડ પણ હતી કે આ માટે મારે શું શું કરવું પડશે. અગવડ સગવડ જોયા વગર રાત દિવસ સક્રિય રહીને, ધીરે ધીરે હું, સૈનિક-સાધુના રોલથી આગળ વધીને, રાવણના મંત્રી, અગત્સ્ય ઋષિ અને રાવણના નાનાજી  (માલ્યવાન), તથા હનુમાનજીના કાકા સુધીની ભૂમિકા મેળવી. અનેક ભૂમિકાઓ કરવાની તક મળી, એ મારું અહોહાગ્ય હતું. સંકલ્પ,સાધના સમર્પણ અને સંઘર્ષની ભાવના એળે જતી નથી, એની મને પ્રતીતિ થઇ. આટલું હોય તો, સિદ્ધિના કોઈપણ શિખર સિદ્ધ કરી સહાય, એવો વિશ્વાસ પ્રબળ બન્યો. ત્યાર પછી તો લવકુશ સીરીયલ બની. એમાં પણ મને ભૂમિકા મળી. ઊંઝાની જીલેક્ષ જાહેરાત પણ કરી. બીજી પણ બે ત્રણ સીરીયલ કરી. અને શ્રી રામ બહોરાની ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાની પણ ઓફર મળેલી, પણ એમાં કોન્ટ્રાક્ટ કરવાનો હોવાથી, મેં ના પાડેલી. રામાયણ સીરીયલના તમામ અભિનય મેં મારા શોખની પૂર્તિ માટે કર્યા હતા.

મારી આ કથની મારા યુવાન મિત્રો માટે એટલે વ્યકત કરું છું કે, રાતોરાત ક્યારેય અમિતાભ બચ્ચન કે સલમાનખાન બનાતું નથી. પાણીમાં પગ મુક્યા વિના જેમ તરતા શીખાતું નથી, એમ રોલ નાનો હોય કે મોટો, જેવો હોય તેવો, પહેલા ક્રીઝ પકડો. અભિનયની ક્ષમતા હોય સમય આપવાની અને સંઘર્ષ કરવાની ત્રેવડ હોય, તો જરૂર સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. દરેક પ્રકારના કાર્યની સફળતા માટે આટલું જરૂરી હોય જ છે.  ફરીથી રામાયણનું પુન:પ્રસારણ થઇ રહ્યું છે ત્યારે, મને આનંદ એ વાતનો થાય છે કે, ત્યારે તો મારી પાસે ટીવી પણ હતું નહિ. હું મારો અભિનય બીજાના ઘરે જઈને જોતો. કેવટનો સુંદર અભિનય જોયા પછી મારામાં ચેતના જાગી કે, કોઈપણ પ્રકારે આ સીરીયલમાં કામ કરવું જોઈએ. ભગવાને દરેકને શક્તિ તો આપી જ હોય છે, માત્ર એને ઢંઢોળવાની જ હોય. આ સીરીયલમાં કામ કર્યું ત્યારે મારી ઉમર માત્ર ૩૩ વર્ષની હતી. અત્યારે મારી ઉમર ૭૨ વર્ષની છે, છતાં હજી હાસ્યના તખ્તા ઉપર છું, કહેવાય છે કે જેના જીવનમાં સંગીત અને કળા છે, એની પાસે ઘડપણ જલ્દીથી આવતું નથી. મારી આગલી બે પેઢી સાથે પણ, આ રામાયણ સીરીયલ જોયેલી, ને અને અત્યારે પુન:પ્રસારણ થાય છે ત્યારે, મારી નવી બે પેઢીઓ સાથે બેસીને રામાયણ હું જોઉં છું. આમ મારી કુલ પાંચ પેઢી આ સીરીયલ અને મારો અભિનય જોઈ ચુકી છે. આજે સમય બદલાયો છે. વાતાવરણ બદલાયું છે. ચિત્રપટ અને સંગીત બદલાયું છે. ટેકનોલોજી બદલાય છે, ને પેઢીઓ પણ બદલાય છે. તે સાથે જોવાની દ્રષ્ટિ પણ બદલાય છે. છતાં આનંદ એ વાતનો છે કે, રામાયણનો પ્રભાવ હજી બદલાયો નથી. કારણ આપણા સૌમાં શ્રી રામ હજી હાજરાહજૂર છે.

રામાનંદ સાગરની આ સીરીયલ લોકપ્રિય થવાનું મૂળભૂત કારણ, કહું તો એની કથાઓ લોકજીભે ચઢેલી છે. અને હજી પણ લોકોમાં ભગવત ભાવની જ્યોત ઝળહળતી છે. પ્રસંગોચિત એના દાખલાઓ હજી પણ લોક વ્યવહારમાં જીવંત છે. પરંતુ એને જીવંત બનાવવા માટે, સ્વ. રામાનંદ સાગરજીની જે કલાસૂઝ હતી, એ અદભુત કહી શકાય. રામાયણના પાત્રોની પસંદગી એનો પુરાવો છે. જીવનગાથાને અનુરૂપ એમણે પાત્રોની પસંદગી કરી. પછી ભલે એ પાત્ર નામાંકિત હોય કે ના હોય. એટલે જ રામ, લક્ષ્મણ, ભરત, સીતા, જનક, દશરથ, કૈકયી, મંથરા, મેઘનાદ, કુંભકર્ણ, રાવણ કે હનુમાન જેવાં પાત્રો આબેહુબ લાગે છે. લોકોને ગમે એવાં પાત્રોની પસંદગી કરવી એ સાગર સાહેબની કાબેલિયત હતી. પ્રત્યેક પાત્ર પાસે એનું પાત્ર કેમ કઢાવવું, સંવાદો ચોટદાર કેમ બનાવવા, સંગીત અને સુરાવલિમાં દૈવી ભાવ કેવી રીતે ઉભો કરવો, એ સાગર સાહેબની કુનેહ હતી. એ માટે સાગર સાહેબે  કોઈ કસર છોડી નથી. ત્યાં સુધી કે ભાલો પણ એની રીતે જ પકડાવો જોઈએ, અને પ્રકાશનું આયોજન પણ ઉચિત રીતે જ થવું જોઈએ એવી ચીવટ હતી. પછી એ સંગીત હોય, દિગ્દર્શન હોય, લાઈટીંગ હોય સંવાદની લેખિની હોય. કે પ્રસંગને અનુરૂપ એના ગીતો હોય. કહો કે, આ સિરિયલ બનાવવા પાછળ સાગર સાહેબની એક ધાર્મિક સાધના હતી. રામાયણને અનુરૂપ જીવંત પાત્ર ઉભું કરવા માટે એમણે સહેજ પણ બાંધછોડ કરી નથી. ખર્ચની પરવા વગર શોટ કેન્સલ કરીને પણ જીવંત પાત્ર અને જીવંત પ્રસંગો બનાવ્યા. પાત્ર નાનું હોય કે મોટું, દરેક પાત્રના અભિનય પાછળ સાગર સાહેબે પોતાનામાં તુલસીદાસની ભાવનાને પ્રગટાવીને આ સીરીયલ બનાવી છે. લોકોને ખબર છે કે, આ તો બધા કલાકારો છે, છતાં એમના દર્શન માટે કતારો લાગી જાય ને આર્શીવાદ લેવા માટેની  ઉત્કંઠા જાગે એ રામાયણ સિરિયલની ખૂબી હતી, જે આજે પણ ૩૩ વર્ષ પછી અકબંધ છે.  

રામાયણનું મહત્તમ શુટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડીઓમાં થયું. વૃંદાવન સ્ટુડીઓના માલિક આર્ટના ઝવેરી અને અને ગુજરાતનું ઘરેણું કહેવાતું. એમની કલાનો ભરપેટ ઉપયોગ, આ સીરીયલ બનાવવા માટે થયો. સ્વ. હીરાભાઈ પટેલ જેવા કાબેલ આર્ટ ડિરેકટર દ્વારા એના સેટ ઊભાં થતાં. અને એ સેટ માટે પણ એટલી જ ચીવટાઈ રહેતી. અશોકવાટિકાનું આખું દ્રશ્ય સ્ટુડીઓમાં ઉભું કરેલું. વિશાળ સાગર કિનારો, ક્રાઉડ અને વનરાજી પ્રકૃતિ ઉપલબ્ધ હોવાથી સાગર સાહેબે રામાયણ બનાવવા માટે, વૃંદાવન સ્ટુડીઓ ઉપર પસંદગી ઉતારી હોવી જોઈએ. ક્યારેક તો રાત દિવસ પણ શુટિંગ ચાલતું. શુટિંગ જોવા માટે લોકોનો ધસારો પણ વિપુલ પ્રમાણમાં રહેતો. આજથી ૩૩ વર્ષ પહેલાનું ઉમરગામ એટલે એક  દુર્ગમ વિસ્તાર, ટ્રેનની સવલતો ઓછી, આજના જેવા અધતન રસ્તા પણ નહિ. પણ રામાયણને અનુરૂપ બધું જ ઉપલબ્ધ હતું, એ ગુજરાતનું અહોભાગ્ય હતું. કવિ કાગબાપુ કહે એમ, શ્રદ્ધા હોય તો ઢીંગલા પણ નાચવા માંડે, એમ ક્રાઉડ પાસેથી પણ કેળવાયેલ કલાકાર જેવું કામ લઈને રામાયણનું જીવંત ચરિત્ર ઉભું કરવું આસાન ન હતું. સ્વ. રવીન્દ્ર જૈન સાહેબની ગાયકી પણ કથા અને પ્રસંગ ચિત્રોને અનુરૂપ મળી. નૃત્યો માટે બરોડાનું વૃંદ અને વલસાડનું વૃંદ આવતું. નાનામાં નાના દર્શકને પણ રામાયણ સમજાય, એને જચી જાય એવી ચીવટ રાખીને એ તૈયાર થયેલું. આ સિરીયલથી ઉમરગામને પણ વિશ્વમાં નામના મળી. એવું કહેવાતું કે, ઉમરગામ હવે ઉમરગામ નથી, પણ ‘અમરગામ’ બની ગયું છે.

‘હરિ અનંત કથા અનંતા’ ની માફક આ સીરીયલ વિષે જેટલું કહીએ એટલું ઓછું. પણ એના તમામ પાંસાઓમાં વેદ, પુરાણ અને ધર્મગ્રંથનો આવિષ્કાર અને વૈચારિકભાવ હોવાથી આ સીરીયલ વૈશ્વિક સ્તરે જનજનના લોકહૃદય સુધી પહોંચી. લોકોએ એને આવકારી કારણ કે, એમાં જીવતરનો માઈલ સ્ટોન છે. પિતા સાથે, માતા સાથે, ભાઈ સાથે, ગુરુ સાથે, પ્રજા સાથે કે ક્ષત્રુ સાથે કેવો વ્યવહાર થાય એનો સંદેશ છે. રાજધર્મ શું છે, એના ચોટદાર સંવાદો છે. આ લખનારે તો આ સીરીયલ જ્યારે  લોકપ્રિયતાના મધ્યાહને હતી, ત્યારે અભિનય માટે પ્રવેશ કરેલો. એ વખતે વિવિધ પાત્રો ને પોતાના પરિવેશ સાથે સ્ટુડિયોમાં હરતા ફરતા જોઇને એવું લાગતું કે, હું કોઈ માયાવી નગરીમાં કે સ્વર્ગીય માહોલમાં પ્રવેશ પામ્યો છું. મારો ઉત્સાહ ઔર વધી ગયો. ખૂબી એ વાતની હતી કે, માત્ર દર્શકો જ નહિ, આ સીરીયલમાં ભાગ લેતા જુનિયર કલાકારો પણ રામ, લક્ષમણ, ભરત, હનુમાન કે સીતા વગેરેનો આદર અને  મર્યાદા જાળવતા. રાવણનું અભિનય ચરિત્ર રાક્ષસનું ખરું, પણ એ એમનું વાસ્તવિક સ્વરૂપ નહિ, ખુબ જ ધાર્મિક, સહયોગી સજ્જન જણાયા, શ્રી રામ-સીતા કે હનુમાનના દર્શન માટે લોકો ચાતક બની જતા. અને મળે તો સાષ્ટાંગ પ્રણામ પણ કરતા. કદાચ એ સમયે મોબાઈલની સુવિધાઓ હોત, અને ફેસબુક કે વ્હોટસેપની ઉપલબ્ધી હોત તો સેંકડો સેલ્ફીઓથી પાના ભરાઈ ગયા હોત. ઓટોગ્રાફ માટે લાંબી કતાર લાગી જતી, એ દિવસો ભૂલાય એમ નથી.

એક વાત કહેવાનું અવશ્ય યાદ આવે  કે, આ સીરીયલમાં દીપિકા ચિખલીયા, દશરથ, ક્ષત્રુઘ્ન, રાવણ, વિભીષણ, કુંભકર્ણ, નિશાધરાજ, કેવટ, માલ્યવાન જેવા મોટેભાગના કલાકારો ગુજરાતી હતા. અલબત રાવણ બનતા આદરણીય અરવિંદભાઈ ત્રિવેદી ભલે રાવણના મિજાજથી અભિનય કરતા, પણ તેઓ એક સજ્જન અને સંસ્કારી મિજાજના અદના કલાકાર છે. આવાં મહારથી કલાકારોના સહેવાસમાં આવવાનો અને કલાની ઊંચાઈ ઉપર પહોંચવાનો યશ રામાયણથી મળ્યો. રામાયણમાં અનેક પાત્રો કરવાની તક મળી, એ મારી નાટ્ય તાલીમ અને નાટકોના અનુભવને આભારી છે.  ૫૦ વર્ષથી હાસ્ય કલાકાર તરીકે તખ્તા ઉપર અને રેડિયો ટીવી ઉપર રહ્યો છું, પણ મારે કહેવું પડે કે, રામાયણના પાત્રએ મને વધારે ખ્યાતી આપી છે.

જય શ્રી રામ…!

– રમેશભાઈ ચાંપાનેરી


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “રામાયણ ધારાવાહિકમાં ઋષિ અગત્સ્ય અને માલ્યવાન જેવી ભૂમિકાઓ ભજવનાર રમેશભાઈ ચાંપાનેરીના અનુભવો..

 • ગોપાલ ખેતાણી

  રમેશભાઈ, અમે સૌ તમને અક્ષરનાદમાં પ્રકાશિત તમારા લેખોથી જાણતાં હતાં પણ આજે તો તમારી કારકીર્દીનું આ પાસું પણ જાણી , માણી , વાંચીને આનંદ આનંદ આવ્યો સાહેબ. શ્રીરામની આપના પર કૃપા. ખૂબ ખૂબ અભિનંદન. યાદોને માણતાં રહો અને સર્જનમય રહો એ જ શુભેચ્છાઓ.

  • Ramesh Champaneri

   ટિપ્પણ વાંચીને કોઈ પિયરનું મળ્યું હોય એટલો આનંદ થયો ખેતાણી સાહેબ. મારા ગુડ લીસ્ટમાં આપ છો. આપણે બંને અક્ષરનાદ ગુરુકુળના વિદ્યાર્થી છીએ, એનો આનંદ પણ છે. અભિનય લેખન અને હાસ્યની સરવાણી દ્વારા હું વહેતો આવ્યો છું. વચ્ચે પુસ્તક પ્રકાશનમાં વ્યસ્ત હતો. “આપણે તો લીલાલહેર છે ” નામે છ ,આસ પહેલા એક પુસ્તક માં. શ્રી રવીન્દ્રભાઈ પારેખના હસ્તે પ્રગટ થયું. રામાયણની વિચારધારા માનવીને મહામાનવ બનાવે છે. વાંચો નહિ ને હાથ અડાડી એનો મરતબો જાળવો તો પણ એના વિચારો લોહીમાં અંગભૂત થાય. મને ઈશ્વરે એમાં અભિનય કરવાની તક આપી, ત્યારે ખાત્ર થઇ કે, હું ઈશ્વરની નજીક છું, ને અંગત છું. આપ સૌએ મારા લેખને અનુભવને મને બિરદાવ્યો એ બદલ આપ સૌનો આભાર માનું છું. સૌથી વિશેષ તો જીજ્ઞેશભાઈનો આભાર માનું કે, તેઓ એ મને અક્ષરનાદ નો ધરી માર્ગ આપ્યો.

   રસમંજન

 • niranjan mehta

  ભૂતકાળને વાગલાવો એ પણ એક લહાવો છે અને તેમાંય આવી કારકિર્દી અવિસ્મરણીય ગણાય. નમન રમેશભાઈ.

 • Sanjaykumar Magra

  Kharekhar Rameshbhai na Rmayana Dharavahik man kam karvana anubhavo ane anubhuti vishe vanchine ek alag j prakarana sansmarano vagolava no anand thayo.Rameshbhai na anubhavo vanchine fari 1990 na samay man pagonchi javayu tyare hun 9-10 varasni umarno hoysh pan ramayan chalu thavana samay ni talveli ghani raheti hati bijh vadhu to khabar noti padti pan rakshaso ne bhagavan ram ane hanuman mare e jivani maja padati hati….

 • Surbhi

  શ્રી રમેશભાઇ એ સરસ અનુભવ કથન થકી રામાયણ ની ભાવ યાત્રા કરાવી..

 • mydiary311071

  ભૂતકાલને વાગોળવાનો આનંદ અદભૂત હોય છે. આપે તે આનદ સ્વયં લીધો અને અમને બધાને પણ આપ્યો. ધન્યવાદ

 • Brij

  સરસ વાત મિત્ર આપની અા વાતો પ્રેરણાદાયી નિવડે અે પ્રકારની છે

 • Arvind Dullabh

  Thank you so much for this heart-touching (radasparshi) article. Please keep gifting us with such writing.

  I remember reading about Ben Kingsley experiences when he was selected to do Mahatma Gandi’s role.

  May God bless us all.

  Arvind Dullabh
  New Zealand
  ( Navsari, India)

 • Hitesh Rathod

  ખૂબ સુંદર સંસ્મરણો વાગોળ્યા આપે. સાચા અર્થમાં ભલે આંશિક રીતે પણ આપ રામાયણ યુગને સાચે જ જીવ્યા છો. આજે 33 વર્ષ પછી પણ રામાયણની આટલી લોકપ્રિયતાએ વર્તમાન જીવનમાં એક નવી આશાનો સંચાર કર્યો એ રણમાં મીઠા વીરડા જેવું લાગે છે. જૂના સોનેરી સંસ્મરણો સાથે આપનું જીવન સ્વસ્થ અને ખુશહાલ રહે એવી અભ્યર્થના.

 • KAMLESH KAMDAR

  મને યાદ છે ત્યા સુધિ દિપિકા ને સિગારેટ પિતા જોઇ કેટલાક લોકો એ પત્થર મરો કરેલો. કેમ્કે સિત ન રોલ મ પવિત્રતા ની અપેક્ષા લોકો રાખતા.
  .

 • smdave1940

  રાવણના પાત્રમાં અરવિંદભાઈનો અભિનય સર્વશ્રેષ્ઠ હતો. મને દુઃખ છે કે તેમને શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ ન અપાયો.
  રામાયણના દરેક અભિનેતા તેમના પાત્રને અનુરુપ હતા. તમે જેવા કલ્પ્યા હોય તેવા જ તેઓ હતા. આ એક મોટું આશ્ચર્ય છે.

 • Ashwin shah

  Really it was opportunity which was cleverly encashed by Rameshbhai.,He is right that important to go to take challenge & show your determination.Heartily congratulations. Dr Ashwin Shah kharel