જોડણી માતાની કથા – નેહા રાવલ 9


(‘મમતા’ વાર્તાસ્પર્ધા ૨૦૧૯ માં શીર્ષ ૧૩ માં પસંદ થયેલી, અને ‘મમતા’ ફેબ્રુઆરી – માર્ચના સંયુક્ત અંકમાં પ્રકાશિત થયેલી વાર્તા)

એવું સાંભળ્યું હતું કે દરેકને પોતાના કર્મો અહીં જ ભોગવવા પડે છે. કદાચ એ ન્યાયે જ અમારા લમણે આ અંગ્રેજી માધ્યમની શાળાના ગુજરાતી ભાષાના શિક્ષક બનવાનું લખાયું હશે. બાળપણમાં કરેલી અનેક લેખન ભૂલો, ભાષા પ્રત્યેની બેદરકારી અને જોડણી વિષે કરેલા આંખ આડા કાન… બધાયનો હિસાબ સરવાળે અહીં જ થશે એવી ત્યારે ક્યાં ખબર હતી? પણ ઉફ્ફ…. આ વિદ્યાર્થીઓ! આટલી ખરાબ ભાષા? આ લોકોનું લેખન જોતા અમુક અક્ષરો તો નામશેષ થઇ ગયાનો ભ્રમ જ થયો? ક્યા છે પેલો ‘ણ..’ ફેણનો અણઅ….. જે લહેકાથી ગાતા હતા? હવે તો ‘આપણે’ માં પણ ‘આપડે’ થઈને ‘ણ’ નો ‘ડ’ થઇ ચાલ્યો? અને પેલો ‘નળ’ નો ‘અળઅ..?’ એ તો જાણે ગાયબ જ થઇ ગયો? નળ દમયંતીના આખ્યાનમાં ઉડી જતા હંસોની માફક એ જાણે ક્યાં ઉડી ગયો? આ પરીક્ષાના પેપર તપાસતા તપાસતા આંખે અંધારા છવાઈ ચાલ્યા. વિદ્યાર્થીઓ આ શું લખી રહ્યા છે?  અમે શું આટલું ખરાબ શીખવ્યું હતું? શું આ લાંછન વિદ્યાર્થીઓ પરનું છે કે એક શિક્ષક પર? તો દૂર કાઢવાનો ઉપાય ? હે પ્રભુ? શું કરું?

Neha Raval

આવા જ વિચારમાં લીન અમારી વિચારધારા ઘંટડીના રણકારથી અલગ દિશા તરફ ફંટાઈ. આ સાંજના સુમારે આરતીની ઘંટડી? સાસુમા તો સવારમાં જ પૂજા કરે છે ને? ઓહો…આજે શુક્રવાર…પેલું વૈભવલક્ષ્મી માતાનું વ્રત..! હજુ તો સંકષ્ટી અને અગિયારસના ઉજવણા ગયા મહીને પત્યા અને આ વળી પાછુ નવું? ‘જય લક્સ..મી માતા….’ ઘંટડીના અવાજની સાથે હવે એમનો સ્વર પણ મારા સુધી પહોંચવા મરણીયો બન્યો હોય એમ ઉંચો જતો હતો. એ ઈશારો સમજી જઈ અમોએ આરતીમાં હાજર રહેવાનું હોવાથી પેપર તપાસવા પડતા મૂકી અમે  દેવસ્થાન તરફ પ્રયાણ કર્યું. આરતી પત્યા બાદ આશકા આપતા સાસુમા કહી રહ્યા, ‘ મને ખબર છે, તને આ બધું ગમતું નથી. પણ જો…. છે ને ઈમાં સ્રધા છે તારે જ  આપડે લે’રમાં છીએ.’ કહી એ તો પાસ પડોશમાં પ્રસાદ આપવા ગયા, પણ અમારા મનો મસ્તિષ્કમાં એમની ઘંટડીની જેમ એમના શબ્દો રવરવવા લાગ્યા. આ અગિયારસો, સંકષ્ટી ચતુર્થી, શ્રાવણીયા સોમવાર અને અન્નપુર્ણાનું વ્રત અને આ નવું વૈભવ લક્ષ્મી માતાનું વ્રત! શ્રદ્ધાને ટકાવવા કેટ કેટલી થાંભલીઓ..? પણ એટલેજ કદાચ એમની શ્રદ્ધાના જોરે એ આજે ય અડીખમ છે, ને અમે..? આ જોડણીના નબળા પાયા જોઈ ધ્વસ્ત..! કદાચ એનું ય કોઈ વ્રત આવતું હોય…હોઈ શકે ને?

ભગીરથ મનોમંથન બાદ અમોએ ગુગલીંગ કર્યું, પણ ત્યાં ય કશે પણ જોડણી માતાના વ્રત વિષે કોઈ જ માહિતી ન મળતા અમો નિરાશ થયા. આખરે અમો અમારા એક માત્ર મિત્રના શરણે ગયા. વાંસળી વગાડતા એમણે અમોને કહ્યું, ‘સખી, નાહક ચિંતા છોડો. આ વાંસળી લો, અને એમાંથી જે સંભળાય તે લખો.’ એજ ક્ષણે, એ જ વાંસળી એ જ મિત્રના માથા પર ફટકારવાની અદમ્ય ઈચ્છાનું દમન કરી અમો એક વડીલ પાસે ઉપાય માંગવા ગયા. તેઓએ પોતાનું ત્રિશુલ હાથમાં લેતા કહ્યું, ‘આ જોડણી એટલે સ્ત્રી. વત્સ, મારી સ્ત્રી હું કંટ્રોલ કરી શકતો હોત તો આમ ગળામાં સાપ લટકાવી સ્મશાન નિવાસી શાને થતે? આ બાબતે તું મારા કરતા વધુ કોઈ સંસારીને પૂછે એ ઇચ્છનીય છે.’ અમો તો ઉપડ્યા પેલા યુનીવર્સીટી નામ ધારી કવિ – જેઓ વીર પણ કહેવાય છે, જેઓને બહુ પત્નીત્વનો પણ અનુભવ હતો – એમની પાસે. તેમ્હણે કહ્યા મુજ્હબ અમ્હોએ તેમના પુસ્તકો વાંચ્યા…પણ વિદ્યાર્થીઓને સાચી જોડણી શીખવવા બાબત કશું પલ્લે ન પડ્યું. ત્રણ પ્રકારના જોડણી કોશ અને ભગવદ ગો મંડળને માથે રાખી  સતત મૂંઝારો અનુભવી અમો નિંદ્રાધીન થયા. અમારા સ્વપ્નમાં પણ તારા મંડળમાં ફરતા ગ્રહોની માફક એ પુસ્તકો અમારી આસપાસ પ્રદક્ષિણા કરતા દેખાયા. અમો ભય પામી નિદ્રામાંથી જાગૃત અવસ્થામ આવ્યા. આટલા દિવસો જોડણીની આરાધના કરતા કરતા થાકીને અમો અમારી મૂળ બોલીમાં આવી લાગ્યા… ભાન આવતા જોયું તો સામે… અત્યંત દુખી અને કૈક અંશે ક્ષુબ્ધ દેખાતા એ ગોળ પાઘડી, પીતાંબર, ગાગર સમાણુ પેટ  અને એ પેટની શોભામાં વધારો કરતી જનોઈ ધારી બામણ — કશે જોઇલો લાઈગો. પણ યાદ જ ની આવે…એકતો ઐયા નામ યાદ રેય ની.. એવી તકલીફ. તાં આ સપના…આ જાગૃતિ..બધા ભેગા મળી પજવે! મેં કઈ પૂછું એ પેલ્લા જ એ બોઈલા. ‘ હે પામર મનુષ્ય!’

– પામર?

‘અમારી હાજરી વિસરી જોડણી માતાની ઉપાસના માટે તું શાને આમ ચલક ચલાણું રમે છે? આમ બાઈ બાઈ ચારણી માં કોઈ આચમન પામ્યું  છે?’ એ સું બોલતા’તા એ કઈ ની હમજાયું, પણ… ‘ની બોલો રે ભાઈ, હમજાતું ની મળે..’ એટલું હો બોલવાના હોંસ ની ઉતા. મારા થોબડા પર વાગેલા બાર જોઇને એમણે તો એમનું ભાસન આગર ચલાઈવું. ‘જોડણી માતાને રીઝવવા સૌ પ્રથમ આ પરસ્પર જાળનો ઉપયોગ સદંતર બધ કર. બીજું, શિષ્ટ, પ્રચુર સાહિત્યના વાંચન થકી જોડણી અભ્યાસ કરો. ત્રીજું, દરરોજ સો શુદ્ધ જોડણીનો નૈવેદ્ય જોડણીમાતાને અર્પણ કરો. એ સો શબ્દોનો ઉપયોગ તમારી દૈનિક ભાષામાં કરો.’ આ પ્રથમ ચરણ પાર થતા જ હું તને આ જ વ્રતનું બીજું ચરણ કહેવા ફરી દર્શન દઈશ.’ આટલું બોલી એ તો ગાયબ!

અમે તો ભારે મુશ્કેલીમાં! પછી થયું કે આટલી મહેનત કરી જ છે તો ચાલ, આ વ્રત અજમાવી જોવામાં શું જાય? પણ આ પરસ્પર જાળી…? એ જોવા ફરી ડીક્ષનરી જોવી પડી…અને ત્રણ દિવસના ભગીરથ પ્રયત્ન બાદ  એનો અર્થ અમારા મનોમસ્તિષ્કમાં ઉજાગર થયો. અને એ સાથેજ ક્ષણભર અમો અમારી મૂળ માતૃભાષાના ચરણોમાં…! સાલા, જાડિયા, ઉઘાડા,બામણ ના અવતાર….ઇન્ટરનેટ બોલતા તારી જીભે કાંટા આવતા’તા? ..તે મારા તત્તન દાડા બગાઈડા.!’ હવે જાગ્યા તાર થી સવાર….એમ માની આપણે તો મંડી પડ્યા એમણે સુચવેલા બધા ઉપાયો કરવા. આ ઇન્ટરનેટ વગર તો મારું હાળું..કઈ ગતાગમ ન પડે. પણ બીજો ઉપાય, એમણે સૂચવેલ સાહિત્ય! એ વાંચતા વાંચતા તો દિવસના પ્રહરમાં પણ નિંદ્રા દેવી અમારા પર કૃપા વરસાવવા લાગ્યા. અને નિદ્રા સાથે કૃપા વરસતી પેલા સ્વપ્ન માનવની.. ઉઘાડા ડીલ અને જનોઈ ધારી ! આ સાલું જબરું? જાગ્રત અવસ્થામાં તો ઉપાધી, ઊંઘે તો બેવડી ઉપાધી..! એમણે સુચવેલા ત્રણેય પ્રયત્નોને ન્યાય મળવો જોઈએ. એમ વિચારી મેં ત્રીજો ઉપાય હાથ પર લીધો. રોજના સો શબ્દો! આમાં તો એવું થયું કે પહેલા દિવસના  સો શબ્દ વાળું લેસન કરતા જ ત્રણ દિવસ થઇ ગયા. હવે બાકીના બસો શબ્દો કોણ $%&*^@ કરશે? એમ મનમાં વિચારતા અમો રાત્રીના પ્રહરે નિદ્રા દેવીના શરણે આધીન થયા.

એ દિવસે જબરું કૌતુક થયું….

સપનામાં કોઈ યુવતી આવી. ટૂંકો મીની સ્કર્ટ, સ્લીવલેસ ટોપ, સીધીજ બ્યુટી પાર્લરમાંથી આવી હોય એવો મેકઅપ. આંખોમાં સિત્તેરના દાયકાની હિરોઈનો જેવું આંજણ, મ્હો પર પાઉડરની ગુલાબી ઝાંય અને હોઠ પર એમના સ્કર્ટ જેવી જ પર્પલ લીપ્સ્ટીક! પણ આમ સુંદર દેખાતી એ યુવતી આ બધા ઠઠારાથી  તદ્દન ભદ્દી લાગતી હતી. કાનમાં આશ્ચર્ય ચિહ્ન જેવા લટકણ અને ગળામાં પ્રશ્નાર્થની માળા..માથે એક સામટા અનુસ્વાર હોય એવી કેશ સજ્જા અને પગમાં  અલ્પવિરામ અને ઉદગાર ચિહ્નો  જેવા પગરખા… આ વળી કોણ? પેલા દિવસે  ઉધાડા ડીલ વાળા બ્રહ્મ દેવતા અને … આજે આ સુંદરી…? આ બધામાં અમો ફરી એક વાર અમારી મૂળ માતૃભાષામાં આવી ગયા.

મારા કોઈ પ્રશ્ન પહેલા જ એમણે ઉત્તર આપી દીધો, ‘વત્સ, મેં જ છું જોડણી દેવી.’

‘હેં… તારી બેન્ન..ને….’’

‘કેમ રે…. બેનને કેમ..? ભાઈને કેમ નહિ…?’

‘સોરી સોરી… આ તો આદતથી… જરા.. પણ તમે આમ અચાનક?’

‘હા બકુડી, જો ને… મારું વ્રત કરે અને મને જ યાદ ની કરે… તો પછી મારે આમજ આવવું પડે ને?’

‘તો હવે તમે જ કેવ ની…. આ તો સાલું બધું બો અઘરું પડે છે ! અને એક વાત કઈ દઉં.. તમે આમજ આટલા મસ્ત દેખાવ છો તો પછી આવું આમ લાલી બાલી કરીને … એનું સું કામ?’ એમના મેકઅપ વિસે હો પૂછી જ નાઈખું..

‘તે આ કઈ મેં મારી જાતે થોડું કરેલું છે? તું પણ બો ભોળી… રે….!’એ હસતા હસતા બોલ્યા.

‘તો.. તમે જાતે તૈયાર નઈ થતા?’

‘’જો જેમ ગાયત્રી, લક્ષ્મી, ગણપતિ બધા માટે તમારી જે કલ્પના હતી, એવા જ રૂપે તમે એમને ઓળખો કે નીં? અને એ લોકોને સાકાર સ્વરૂપ આપવા તો રાજા રવિ વર્મા ઉતા. તમારી કલ્પનાને સાકાર કરવા અત્યારે તો આ મોડર્ન આર્ટ વાળા ચિત્રકારો..! તો મારું આ રૂપ જોઇને આટલી નવાઈ સેની લાગતી છે?”

“એટલે…?”

“એટલે સું વરી? …તમને આજકાલનાને કેવી પોરી ગમે… તો એવા મેકઅપમાં હું દેખાઉં… અને હવે લોકોએ પણ  ધોતિયા છોડી બર્મુડા પે’ર્યા, તો મારે બી ચેઈન્જ કરવું પડે ને? આખી જીંદગી પલ્લું અને કંચુકીમાં મેં થોડી ફરવાની?”

“ઓહહ… એમ્મ્મ.. પણ આ મેક-અપ વગર તમે વધુ સુંદર લાગસો, એવું મને લાગે છે.”

“તેમાં મેં  જાતે કસું પણ ની કરી સકા. તમે વધારના ઉદગાર, આશ્રર્ય ચિહ્નો, બિનજરૂરી અનુસ્વાર, એ બધું ઓછું કરો, તો આ ઠઠારો નીકળી જાય અને ..”

“..પણ એ  બધું નીકળી જાય તો પછી આ બધા ટીપ્પણીકારો અમારું લોઈ પી જસે….”

“ પેલ્લા મારી વાત આખી સાંભળી લે. જરૂર જેટલા ચિહ્નો રાખવાના ને! અને થોડું સ્પષ્ટ સમજાય એવું લખવાનું! એટલે મારી આ અસુંદરતા એની જાતે સુંદર થઇ જશે.’

“પણ દેવી… તમે પોતે જોડણી માતા થઇ આવી સુરતી ભાસા કેમ બોલતા છો?’

“એ ડોબી….તારી તો….આ બોલી છે..ભાસા નહિ. અને બોલીને જીવતી રાખવા હો એ બોલાવી જ પડે. કોઈ વાર લખી હો દેવાની… પણ એમાં હો જરા જોડણી ભાન રાખવાનું…’

“એ વરી કેમ કરતા…?”

“કેમ…પિક્ચર જોવા જાય તો ડાયલોગ સિવાય બેક ગ્રાઉન્ડમાં સું હોય..મ્યુઝીક…એનાથી કોઈ વાર ડાઈલોગ હો નીખરી આવે. એમજ બોલીમાં જ્યારે સંવાદ લખો તો એ સિવાયની વાતો સાદી શુદ્ધ જોડણીમાં લખવાની. એટલે બંને કામ થાય. ભાષા બી  જીવે અને બોલી હો…”

“જય માતા દી…’

“બોલ, હજ્જુન બી કઈ પૂછવું છે?”

“એક જ વાત, આ વ્રત માં મેં સફળ થવા તો મારા પોયારાઓને બદ્ધી જોડણી એની જાતે હાચ્ચી આવડી જસે કે..?’

‘તું પેલ્લા કામ ચાલુ તો કર. આગે કી આગે દેખેંગે..’ કહી એ તો ગાયબ! અને અહી હું તો ચક્કર ભમ્મર ..!

થોડા દિવસો ખુબ મહેનત કરી રોજના સો શબ્દો શોધી એનો ભાષા શુદ્ધિકરણ હેઠળ પ્રયોગ કર્યો. કૈક અંશે સફળતા મળી પણ એ સાચી તો ત્યારે જ સાબિત થાય ને જ્યારે જોડણી માતા હા કહે? એ વિચારોમાં અમો ફરી નિદ્રા દેવીના શરણે…. અને ઝોંકુ આવતા જ માતા હાજર.

આહ… આ હું શું જોઉં છું? સુંદર વ્યવસ્થિત ઓળેલા વાળ, જ્યાં મેકઅપની જરૂર જ ન પડે એવી ચમકતી ત્વચાની ગુલાબી ઝાંય..! મંત્ર મુગ્ધ કરતી  આંખો… જેમાં લાગણી અને સંવેદનાના સાગર દેખાય… સરસ મજાનું પરિધાન! શરીરને શોભાવે એવા ઓછા અલંકારો અને સૌમ્યતા ભરેલું વદન! ‘વત્સ, તારા પ્રયત્નથી હું ખુશ છું. જોડણી-વ્રતની માંડણી કરવી, એમાં જ તારી પોતાની ભાષા અને જોડણી માટેની કટીબધ્ધતા દેખાય છે.”

“માતા. મારેતો કર્મ કરવું તો ચોખ્ખું કરવું, એમ વિચારી આ ભાષા શુદ્ધિ માટે મંડી પડી..તો તમે પ્રસન્ન થયા. મતલબ મને હવે બધી સાચી જોડણી આપોઆપ આવડવાની?”

હસતા હસતા એ બોલ્યા… “મૂર્ખ, આ વિશ્વમાં કશુજ આપોઆપ નથી થતું. પરંતુ જે મહેનતથી તેં આ કાર્ય આરંભ્યું છે, એ જોઈ હું તને બે વરદાન આપું છું. એક, તારી બોલીમાં હમેશા મીઠાશ જળવાઈ રહેશે. અને બીજું, દુનિયા માટે જે શબ્દો વર્જ્ય છે, એ તારી જ બોલીનો ભાગ બની તારી ઓળખ બનશે. એ શબ્દો બોલીમાં ‘સરસ્વતી’ ના નામે પ્રચલિત થશે અને હાથોહાથની લડાઈને માત્ર શાબ્દિક લડાઈમાં ફેરવી આ વિશ્વની હિંસામાં નોંધપાત્ર ઘટાડો કરશે. અને હા, આ અનુષ્ઠાન પૂર્ણ નથી થયું. આ જ રીતે બીજા શિક્ષકો  જોડણી વિષે સભાનતા કેળવે, થોડી મહેનત કરી એ વિષે સાચી દિશામાં કાર્યરત થાય અને આવનારી પેઢીને સાચી જોડણી વિષે સભાન કરે તો આ વ્રત ઉજવવાને  લાયક થશે.”

આટલું કહી માતા અંતર્ધ્યાન… અને હું સફાળી જાગીને પથારીમાં બેઠી ! ઘડિયાળ પરોઢનો ચારનો સમય બતાવતી હતી. એટલામાંજ બાજુના રૂમમાંથી ઘંટડીનો રણકાર સંભળાયો. હમમ…સાસુજી મંગળા ગાનથી એમના પ્રભુજીઓને જગાડતા હતા. મન થયું એટલે હું ય એમની પાસે જઈ બેઠી. મને આટલી વહેલી સવારે આમ દેવસ્થાન પાસે જોઈ એમને નવાઈ લાગી કે આઘાત એ એમના હાવભાવ પરથી ઝટ કળાયુ નહિ. એમણે ઘંટડીનો રણકાર અટકાવ્યા વગર જ આંખોના ઇશારે, ‘શું થયું?’ એવું પૂછ્યું. હવે એમને શું કહેવું? આટલા બધા વ્રત અને કથાઓ અને અનુષ્ઠાન ઓછા હતા તે આ નવું પ્રગટ્યું? ‘મમ્મી, હવે એક નવું વ્રત કરવાનું છે, જોડણી માતાનું’

“તો હારું  ને… અં જેટલા ધરમ ધ્યાન કરીએ એટલ્લું પુન મળે. આપડા કરમ ફળે. બોલ, સું કરવાનું છે એમાં? ક્યારથી? કંઈ પૂંજા બૂજા હો કરવાની કે?”

“મમ્મી, આ વ્રતમાં ધ્યાન ધરવાનું નથી, રાખવાનું છે – બોલવામાં ધ્યાન રાખવાનું – પુન નહીં પુણ્ય, એટલ્લું નહિ એટલું અને પૂંજા નહિ, પૂજા બોલવાનું.”

સાસુમા મારી સામે અચરજથી તાકી રહ્યા, પછી બોલ્યા, “કેટલી વાર કે’વાનું તને કે આ તારી નિસાર નથી –જીયારે ને તીયારે મેં’તી હેની થેઈ જાય તે હમજ નીં પડે…’ આટલું કહી એ પોતાના મંગળા ગાનમાં ફરી રત થઇ  ગયા!

પછી?

અને અમે ફરી પાછા એ જ અંગ્રેજી માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવતા….

હા, એમના આપેલા બે વરદાન આમે આજેય ‘સુરતી’ બોલીમાં ‘સરસ્વતી’ રૂપે માણી રહ્યા છીએ.

ઇતિ જોડણી માતા વ્રત અધ્યાય પ્રથમ પૂર્ણ…

– નેહા રાવલ.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “જોડણી માતાની કથા – નેહા રાવલ

 • Mavjibhai Mumbaiwala

  વાહ! વાહ!! ટેસડો પડી ગયો. રસના છાંટણા નહિ, પ્યાલા પીવા મળ્યા. વાર્તાને વાર્તા ન રહેવા દઈ નવલકથા બનાવો. ભદ્રંભદ્ર દાયકાઓથી એકલો ઝૂરે છે. એને પણ કંપનીની જરૂર છે.

 • Ravi Dangar

  ખૂબ જ સરસ અને સરાહનીય પ્રયાસ…………….જોડણી માતાની જય……………

  નમસ્તે મેમ,
  હું પણ અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું અને આવી સમસ્યાઓનો સામનો દરરોજ કરું છું.
  તમારી પાસે કોઈ ઉપયોગી સૂચનો હોય તો મને આપી શકો છો. મારુ ઇમેઇલ હું નીચે લખું છું.
  rbdangar@gmail.com

 • pragnaju

  ધન્યવાદ
  જોડણી માતાની જય
  હળવી શૈલીનો લેખ ગમ્યો
  રાહ અધ્યાય બીજાનો

 • hdjkdave

  સુંદર, સરળ, ભાવવાહી કથન શૈલી રચનાને વધારે રોચક બનાવે છે. આ એક શિક્ષકની ચિંતા નથી, વડીલોના પાયામાં પડેલી ખામીઓને ખૂબીમાં પરિવર્તિત કરવાની ટેકનિક છે. બાળકોની વાત પછી આવે, માતા-પિતા, શિક્ષકો કે તેમના મિત્રો જો વાતની ઉપેક્ષા ન કરે તો વિસ્મિત થવા જેવી બદલાતી સ્થિતિ જોવા મળી શકે. રમતાં રમતાં koththo ભાષાને જીવંત રાખીને sadhu ભાષાને સમૃદ્ધ કરી શકાય અને તે રીતે આપણી સંસ્કૃતિનું સંવર્ધન કરી શકાય. વર્તમાનપત્રો, પુસ્તકો (શૈક્ષણિક અને અન્ય), મીડિયા (દૃશ્ય કે શ્રાવ્ય માધ્યમો) જો સઘન પ્રયાસો કરે તો સોને પે સુહાગા! સાહિત્યની ભાષા અને બોલચાલની વ્યવહારમાં બોલાતી બોલચાલની ભાષા સાવ એક સરખી ન હોય તે ગળે ઊતરે તેવી બાબત છે. જોડણીશુદ્ધિ માટે નવા નુસખાઓ પર પ્રયોગો કરવાને બદલે જે છે તે જળવાય, લખાય, બોલાય, વંચાય અને સંભળાય તો પણ ભયો ભયો! આ પ્રશ્ન ‘સમય નથી’ નો નથી! ખેવના અને ખંતનો અને દૃઢ ઈચ્છા (સંકલ્પ) અને સાવધ સક્રીયતાનો છે…મારો, તમારો કે તેમનો નહિ…સહુનો છે.
  અભિનંદન…ભાષાના વિદ્વાનોને ઢંઢોળવા, જાગૃત કરવા માટે!

 • H S PAREKH

  ગમ્મતનો ગુલાલ ! હળવી શૈલીનો આ હલકોફૂલકો લેખ ખરે જ ઘરમાં અને મિત્રોમાં ચર્ચા અને વિનોદનું કારણ બન્યો. આપણી અશુદ્ધ ભાષા અને જોડણી પ્રત્યેની સહજ બેદરકારી અંગે પણ ગંભીર થવાયું. નેહાબેનને અભિનંદન. – હિમતભાઇ પારેખ, અમદાવાદ.