ત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક 19


એક્ટિવા ઉપર બેસતા પહેલા ખંજને પોતાના મોબાઇલમાં રહેલા અનેક ફોટાઓ માંથી ત્રિકમકાકાએ ધ્રુજતા હાથે પાડેલો સેલ્ફીવાળો ફોટો શોધી કાઢ્યો. એ ખાસ ફોટાને જોતાની સાથે આવા દુઃખના માહોલમાં પણ ખંજનનું મ્હોં મલકાઇ ગયું. એક્ટિવા ચાલુ કરીને એ નીકળ્યો. આજે ત્રિકમકાકા સાથે વિતાવેલી અનેક યાદો એની આંખ સામે આવી ગઈ.

“ખંજનીયા, એક કામ તારે કરી આપવું પડશે.” સવારના પહોરમાં સાડા છ વાગે એ દિવસે ત્રિકમકાકાએ ફોન ઉપર અચાનક માંગણી કરી હતી.

આગલી રાત્રે નાટકનો શો પતાવી ખૂબ મોડેથી સૂઈ ગયેલા ખંજન ત્રિવેદીએ અડધી ઊંઘમાં વડીલ મિત્રની વાત સાંભળી અને એક મોટા બગાસા સાથે બોલ્યો, “બોલોને કાકા, શું થયું?”

“અલ્યા કામ છે, કહું છું.. અને તારે કરી જ આપવાનું જ છે, તાત્કાલિક.” ત્રિકમકાકાના અવાજમાં હમેંશા છલોછલ રહેતો જુસ્સો એ ઘડીએ પણ એવો જ હતો..

ખંજનને થયું કે કંઈ ખાસ હશે એટલે થોડું સ્વસ્થ થઈ એણે પૂછ્યું, “બોલો ને કાકા.. શું હતું?”

“એક અનાથાશ્રમ અને એક વૃદ્ધાશ્રમ ખરીદવા છે. ગોઠવ કંઈક…” ત્રિકમકાકાના શબ્દોને સાંભળી ખંજન પથારીમાંથી સફાળો બેઠો થઇ ગયો.

હ્રદયમાંથી સોંસરવી નીકળી ગળા મારફતે જીભ સુધી આવી ગયેલી ગાળને માંડ માંડ મનોમન ત્રિકમકાકાની ઉંમરનું પાટિયું બતાડીને રોકી.

“શું કાકા સવાર સવારમાં મજાક કરો છો. સૂવા દો ને યાર. આ ગઇકાલનો શો પતાવી છેક ત્રણ વાગે ઘરે આવ્યો છું..” ખંજનના અવાજમાં ગુસ્સો, કંટાળો અને કાકા પ્રત્યેના માનની લીધે રહેલું વ્હાલ ત્રણેય હતું.

“ના ના ખંજનીયા, જો ને.. આ ગઇકાલ રાતથી મને દુનિયાનો વલ્ડ બેસ્ટ આઇડિયા આયો છે. આપણે છે ને એક વૃદ્ધાશ્રમ અને એક અનાથાશ્રમ ખરીદીને બેયને ભેગા કરી દઇએ. આ વડીલો ને દીકરા મળી જશે અને દીકરાઓ ને વડીલો. એક ઝાટકે પ્રોબ્લમ સોલ્વ. શું કહે છે! છે ને ધોતીફાડ આઈડિયો…”

એ દિવસે તો એ સાંભળીને ખૂબ ચીડ ચડી હતી પણ કોણ જાણે કેમ આજે એ શબ્દો અને વિચાર યાદ કરીને થયું કે માણસ તો બોસ વિઝનરી હતો. આવી તો કેટલીય જીવન ઉપયોગી વાતો ત્રિકમકાકા અનાયાસે જ બીડીના કશ ફૂંકતા ફૂંકતા કરી નાખતા હતાં.. ત્રિકમકાકાની આવી જ વાતોનું કલેકશન કરીને બુક બનાવામાં આવેતો ખરેખર એમની ભાષામાં કહું તો દુનિયાની વલ્ડ બેસ્ટ મોટીવશનલ બુક બને.

જેટલો અનપ્રિડીકટેબલ ત્રિકમકાકો હતો  એટલી જ અનપ્રિડિકટેબલ પણ અદ્દભૂત એમની વાતો હતી..

એક દિવસ નાટકના રિહર્સલ દરમ્યાન ગોટા અને ભજીયા ખાતા કલાકારોને જોઇને ખબર નહીં  શું થયું કે ગાડી લઇને કાકા નીકળી ગયા અને બધા માંટે અમદાવાદની સૌથી સારી હોટલમાંથી પેક લંચ લઇ આવ્યા અને ગણતરી પણ એવી કે પ્રેકટીસ હોલને સાચવતો ચોકીદાર પણ એમાંથી બાકાત નહીં. 

નાટકના જબરા શોખે આ રિટાયર્ડ બિઝનેસ ટાયકૂનને ભલભલા નાટકો કરાવ્યા હતાં…

જગતભરમાં નારિયેળ પાણીના સ્વાદ વાળી શીંગ એક્સ્પોર્ટ કરવાનો ધોમધખતો ધંધો અચાનક દીકરાને સોંપી અને નાટકોમાં રોલ કરી ને મનગમતું કામ કરતા જીવન પૂરું કરવાનું નક્કી કર્યું.

ત્રિકમદાસ આમ જોવા જઇએ તો સાવ નબળા કળાકાર.. સાઇડના રોલ કર્યાં કરે. પણ ખૂબજ આર્થિક સદ્ધરતા ધરાવતા ત્રિકમદાસને નાટકોનો શોખ એટલો કે કોઇપણ ભોગે એકટિંગ તો કરવાની જ. ધણી વાર પ્રોડ્યુસર શોધતા દિગ્દર્શકો આ ત્રિકમદાસ કાકાને નાનો રોલ આપે અને બદલામાં ત્રિકમદાસ આખું નાટક સ્પોન્સર કરી દે.

આખાય નાટયજગતમાં આ ત્રિકમકાકા એટલે પ્રોડકશનની બેન્ક તરીકે પ્રખ્યાત થઇ ગયેલા.. બધાને ખબર કે આ કાકાને એક નાનકડો રોલ આપીએ એટલે આપણા અર્ધા ખર્ચા તો એ જ આપી દે.. અને પાછા રિહર્સલ દર્મ્યાન નાસ્તામાં પતાવતા દિગ્દર્શકોથી ઉપરવટ જઇને કલાકારોને અને પ્રોડકશન વાળાને ભરપેટ જમાડે પણ ખરા..

કલાકારોને લેવા મૂકવા પોતાની ડ્રાઇવરવાળી એ.સી ગાડી મોકલે… ડ્રેસ હોય કે નાટકનો સેટ, નબળું કશું એ ચલાવે નહીં, ખાલી પોતાની એક્ટિંગ સિવાય..

હવે એક કે બે ડાયલોગનો રોલ આપીને આવી જાજરમાન સેવાઓ મળતી હોય તો દરેકને ત્રિકમકાકા પોસાય જ.. અને ત્રિકમકાકો પણ હસતો હસતો કહે કે જિંદગી બહું જ સુંદર છે અને સુંદર વસ્તુઓ વિચારવાની ન હોય માણી લેવાની હોય એટલે હું પણ જીંદગીની પળે પણ માણું છું.. કોણ મારે માટે શું વિચારે છે એ વિચારીને મને કંકોડાય ફરક નથી પડતો.

આ લોકો શું કહેશે એની ચિંતામાં ને ચિંતામાં મનગમતું મૂકીને ન ગમતું કરતા અનેકોના શહેરમાં એ એકલો હતો જે બીજાથી તદ્દન ભિન્ન હતો.

લગભગ પાંચ ફુટની બેઠી દડીની કાયા ધરાવતા ત્રિકમલાલ ત્રિભુવનદાસ કોઠારી બહુ ગોરા પણ નહીં ને કાળા પણ નહીં. ભગવાને બન્ને ગાલ કાન તરફ ખેંચીને પાછળથી સેલોટેપ મારી દીધી હોય એમ હોઠના ખૂણા ઉપરની તરફ ખેંચેલા એટલે એકદમ હ્રદયદ્રાવક સીનમાં પણ સ્ટેજ ઉપર સિરીયસ ઉભેલા ત્રિકમલાલ હસતા હોય એવું જ લાગે.

કપડાના શોખીન પણ બુટ પહેરવાની જગ્યા ચંપલનો જ આગ્રહ… ધારે તો સિગરેટની કંપની ઉભા ઉભા ખરીદી શકે એટલી મિલકતના માલીક પણ પીવાની તો બીડી જ.. એમના શબ્દમાં કહીએ તો સિગરેટ પીવાથી વહેલું મરી જવાય અને બીડીથી મોડું… મરવાનું બેઉમાં છે તો પછી શાંતિથી ન મરીએ!

આ માણસને પહેલી વાર જોયો હતો ત્યારથી જ ખંજનને એમનામાં કંઈક જુદો જ સ્પાર્ક અનુભવ્યો હતો.. એમની દુનિયાને જોવાની દ્રષ્ટિ અલગ તો હતી જ પણ એની પાછળ રહેલું લોજીક પણ એમના તકિયાકલામ “ધોતીફાડ” જેવું જ હતું..

વચ્ચે એક દિવસ આવીને ખંજનને કહે કે, “સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી છે. કોઇ સારો વકીલ નજરમાં છે?” ખંજનને ગળા સુધી વિશ્વાસ હતો કે જજનું બી.પી વધી જશે એવી જ કોઇ સ્કીમ હશે એટલે એણે વળતું પૂછ્યુ  કે “પણ છે શું?”

“આપડે દશેરાના દિવસે થતું રાવણ દહન બંધ કરાવા માંટે સ્ટે ઓર્ડર લેવો છે” ત્રિકમલાલે સિરિયસ થઇને કહ્યું.

ખંજનને થયુ કે આ માણસ પોતે માર ખાશે અને એને પણ ખવડાવશે. એટલે એણે છણકો કર્યો, “શું કાકા, કંંઈ પણ બોલો છો?”

“ના ના સિરિયસ છું લા…”

“અરે કાકા તમે લોકોની આસ્થા સાથે ના રમો ને યાર.. તમે આમ સના કરશો ને તો લોકો તમને મારશે સમજયા?”

ખંજનને મનમાં થયુ કે આ માણસ ઉંંમરલાયક થયો તોય કેમ આવી બાલિશ મજાક કર્યા કરે છે!

ત્રિકમલાલે ફોડ પાડ્યો, “જો ભાઇ, રામાયણમાં રાવણને કોણે માર્યો?”

ખંજનને ફરી પાછા પૂછાયેલા બાલિશ પ્રશ્ન ઉપર ચીડ ચડી. કંટાળેલા ચહેરે એણે કહ્યું, “ભગવાન રામે બીજા કોણે?”

ત્રિકમલાલે એ શબ્દ પકડ્યો, “ભગવાન રામ, હવે તું જ કહે ખંજનીયા, આજના યુગમાં એક માણસ મને રામ જેવો બતાય, જે માણસ રામ જેવો હોય એને જ રાવણને મારવાનો હક હોય. આ તો દર વર્ષે રાવણ પણ મારો બેટો અંદર ને અંદર મૂંઝાતો હશે કે આ ઉભેલામાંથી કોણ રામ જેવો છે?”

સાવ મજાકમાં કહેલી કાકાની વાત આમ તો સાચી હતી. ખંજન કાકાની વાત મજાક હતી કે ફિલોસોફિકલ એ સમજવા જાય ત્યાં તો એમણે બીજી વાત કરી, તને ખબર છે ખંજન આ રાવણને બાળતા પહેલા આપણે જ એને મોટો કરીને બનાવીએ છીએ..”

ખંજને એમની સામે જોયું.. અને મોંમાં રહેલી બીડી નીચે નાંખી એની ઉપર ચંપલ મૂકી એને કચડતા ત્રિકમકાકાએ કહ્યું, “એના કરતા તો જીવનમાં રાવણને બનાવીએ જ શું કામ કે પછી બાળવો પડે?

ત્રિકમકાકાને ફિલોસોફર કહી શકાય કે બટકબોલા એ તો રામ જાણે પણ ખંજન ઉપર એમની વાતો ખૂબ અસર કરતી.. અને કરે જ ને કારણ કે ત્રિકમલાલ વાત વાતમાં એવી વાત કરી નાંખે જે સામે વાળાને સોંસરવી વીંધી નાંખે.

ખંજનને યાદ આવ્યું જયારે એ ત્રિકમ્મલાલને લઇને એમના ડાયરેકટરના ઘરે જમવા ગયેલો. એમના ઘરે જઇને ખબર પડી કે ડાયરેકટર સાહેબ અને એમની પત્ની બન્ને જણ તેમના છોકરાઓના ભણવાને લઇને ખૂબ જ ચિંતિત છે, લગભગ ૧૫ મિનિટ સુધી એમણે આજના શિક્ષણની વાત કરી અને એમની દરેક ફરિયાદ ભણવાના ઉપર હતી. જ્યારે એમણે જણાવ્યું કે અમારે ત્યાં તો શિડ્યુલ બહુ જ ટાઇટ રાખીએ.. વહેલી સવારે ટ્યુશન પછી સ્કૂલ, પાછા આવીને ઘરે ટીચર આવીને ભણાવે અને રાત્રે મારા વાઇફ હોમવર્ક કરાવે. આટલુ ન ભણાવીએ તો છોકરાઓ આજના કોમ્પિટિટીવ યુગમાં પાછળ રહી જાય..

એ દિવસે કોણ જાણે કેમ ત્રિકમકાકાની ડાગળી ચસ્કી હતી. હસતા હસતા એમણે સાહેબને રોકડું પકડાવેલું કે પંખીને એટલું બધુ પાંજરામાં ન રાખો કે એને છોડ્યા પછી એ ઉડવાનું જ ભૂલી જાય. સાહેબને એ વાત કેટલી પહોંચી હશે એ તો રામ જાણે પણ હા ખંજનને એમની વાત ગમી ગઇ.

ત્રિકમકાકાની અમુક વાતો સમજવા માટે મગજની જગ્યાએ હ્રદય હોવું જોઇએ એ વાત સ્પષ્ટ હતી.. એ માણસ સમજાય એવો હતો જ નહીં.. જગતમાં અમુક માણસો એવા હોય જ છે જેને સમજવાની કોશિશ પણ ન કરવી નહીંતર ચકરાવે ચડી જઇએ.. આ ત્રિકમલાલ એમાંના એક.. ૧૦૦ ટકા. ખંજન આજે દુઃખી થવાની જગ્યાએ ત્રિકમલાલની યાદોને વાગોળતો હતો અને એ વાતો એને ખૂબ આનંદ આપી રહી હતી. ત્રિકમલાલ આવી તો અનેકવિધ ઘટનાઓના જન્મદાતા હતા. જગતનો કદાચ સૌથી જીવંંત પણ તે છતાય સૌથી એનપ્રિડીકટેબલ માણસ એટલે ત્રિકમલાલ.. એ કયારે શું કરશે અને શું કહેશે એ કહેવાય નહીં.

એક દિવસ અચાનક રાત્રે બે વાગ્યે થર્મોસ લઇને ખંજનના ઘરની બહાર આવીને ગાડીનું હોર્ન માર્યા કરે. ખંજન હાંફળોફાંફળો થઇને બહાર આવ્યો. એને જોતા જ કહ્યું, “ચાલ અંદર બેસી જા.”

ખંજનને થયું કે આ શું? કોઇ ઇમરજન્સી આવી કે આમ કાકાને અરધી રાત્રે દોડવું પડ્યું!

ત્યાંથી નીકળી અને કાકાએ રાત્રે પેટ્રોલીંગ કરતા પોલીસવાળા અને સોસાયટીઓના દરવાજે સ્ટુલ ઉપર બેસી રહેતા ચોકીદારોને પકડવાનું શરુ કર્યુ.. દરેક જણની પાસે જઈ થર્મોસમાંથી ચા કાઢી સાથે બિસ્કીટનું પેકેટ આપી – જલસા કરોનો મેસેજ આપી આગળ વધ્યાં. એમનું માનવું હતું કે લોકો માટે આખી રાત જાગતા આ લોકોને થોડી મદદ કરીએ તો..

ઊંધ બગાડવા બદલ ગુસ્સો કરું કે પછી આવા સારા કામ માટે કાકાને સલામ એની અવઢવ ખંજનને હતી.

ત્રિકમલાલ નોખી માટીનો માણસ હશે કે નહીં તેની ખબર ન હતી પણ નોખા દિમાગનો માણસ ચોક્કસ હતો. એની વાતો અને વર્તન બન્ને આની ચાડી ખાતી હતી. સીધી કોઇ વાત એમનાં મગજમાં ઉતરતી ન હતી કે પછી એમને ઉતારવી ન હતી એની ખંજન ને આજ સુધી ખબર પડી ન હતી.

ખંજનને યાદ આવ્યા થિએટરના રિનોવેશનના દિવસો. એ લોકો જયાં નાટકોની પ્રેક્ટિસ કરતા એ થિએટરનું રિનોવેશન ચાલતું હતું એટલે પ્રેકટીસ દરમ્યાન ત્યાં રહેલા મજૂરો પણ કાકાના ઓળખતા થઇ ગયેલા. રોજ કાકા તરફથી એમને પણ નાસ્તો અને ચા મફત મળતી. એક દિવસ સમગ્ર પ્રેકટીસ દરમ્યાન કાકાનું ધ્યાન દૂર કામ કરતા એ મજૂરોમાં જ હતું. ડાયરેક્ટરે એ દિવસે એમને બે થી ત્રણ વખત ટોક્યા.  ખંજનને પણ થયું હતું કે નક્કી આજે કાકાના દિમાગમાં કશું જુદુંં જ ચાલી રહ્યું છે.

પ્રેક્ટિસ પતાવીને સૌ ઘર તરફ રવાના થતા હતા ત્યારે કાકા એ મજૂર યુવાનો તરફ ગયા. કામથી થાકી મજૂરો પોતાની સાથે લાવેલ ટીફીન જમી રહ્યાં હતા. એમની જોડે જઈ એમની સાથે જ કાકા તો બેસી ગયા. ખંજનને સાવ આમ મજૂરો જોડે એમનું બેસવું અજુગતું લાગ્યું. કાકાએ સૌના નામ, વતન વગેરે વિશે વાત કરી. પછી અચાનક જ એક વેધક પ્રશ્ન પૂછ્યો, “છેલ્લી વાર તમારે વતન ક્યારે ગયા હતા?” બેઠેલા ત્રણેવ જણાએ જવાબ આપ્યો કે આશરે અઢી વર્ષ પહેલા… કાકાએ છણકો કરીને કહ્યું, “ઘરમાં માબાપ છે… અલ્યા, તેંં કહ્યું કે બૈરી અને હાવ નાના છોકરાય છે તે ઘેર જવામાં શું પેટમાં દુઃખે છે?”

હાથમાં રહેલ જાડા રોટલાનો ટુકડો ઘા કરતો હોય તેમ પાછો ડબ્બામાં નાંખતો રધલો બોલ્યો, “આ પેટ જવા નથ દેતુ… આંઇ મજૂરી કરીએ તંઇ એમને કશું મોકલી શકીએ, ને એમના પેટ ભરાય.”

કાકાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ઝીણી આંખ કરીને પૂછ્યું, “ઘેર જવું છે? બધાને મળવું છે?”

ત્રણેય મજૂરોની આંખો ચમકી પણ સામે પડેલા પાવડા કોદાળીને જોઈ પાછી નિરસ થઈ ગઈ. કાકાએ પૂછ્યું, “આ અહીંં કામ કયારે પતવાનું?”

મજૂરો કહે, “લગભગ બે દાડામાં..”

કાકાએ આગળના કામ માટે પૂછ્યુંં તો કહે, “એ તો રોજ ઉપર હોઈએ એટલે કશું નવું તો મળી જ રહે.. હજી નક્કી નથ…”

એ દિવસે સારુ કહીને કાકા નીકળ્યા.. રસ્તામાં ખંજને છણકો કર્યો.. “સાચું કહું કાકા, આ તમને પંચાતની આદત પડી ગઇ હોય એમ લાગે છે… હવે મજૂરો ક્યારે ઘરે ગયેલા ને શું કમાય છે એની પંચાત કરવાની તમારે શું જરુર?”

કાકાએ ખંજનની સામે જોયા વગર એકીટશે તાકીતાકીને સામે જોતા કહ્યું, “ખંજનીયા પંચાત તો ત્યારે કહેવાય કે જ્યારે એમને આ બધું પૂછીને હું ભૂલી જઉં.. કંઈક તો કરવું પડશે… પોતાના છોકરાઓને બાપ અઢી અઢી વર્ષ સુધી ન મળી શકે, એનાથી મોટું દુઃખ કયું?”

ખંજનને થયું નક્કી ત્રિકમકાકા નવી સ્કીમ લાવવાના. બે દિવસ પછી કામ પત્યું ત્યારે એક મિનીવેન લઈને કાકા આવ્યા. ત્રણેય મજૂરોને પાસે બોલાવ્યા.. દરેકને એક થેલી આપી જેમાંં નવા પેન્ટ શર્ટ હતા. મજૂરોને કંંઈ ખબર ન પડી. એમને લાગ્યું કે રોજ ચા પીવડાવતા આ કાકા એ બક્ષીસ આપી. પણ ત્યાં તો કાકા એ દરેકને બે કવર આપ્યા.

હજી કશું સમજે એ પહેલા કાકાએ બોલવાનું ચાલુ કર્યું.. “આ પહેલા કવરમાં ૧૦ હજાર છે અને બીજામાં ૨૦ હજાર.. હવે બજારમાં જાવ અને પહેલા કવરના પૈસામાંથી ઘરના લોકો માટે જે લેવું હોય તે લઇ લો.. અને ખબરદાર બીજા કવરમાંથી ખર્ચો કરવાનો નથી.. તમારી જોડે ૩ કલાક છે.. પછી અહીંં આવો એટલે હું અને આ ગાડી બન્ને અહીં જ ઉભા હોઇશું.. આવીને ચૂપચાપ આમાં બેસી જાવ, તમારે તમારા વતન ધરમપુર જવાનું છે..”

ત્રણેય મજૂરોની આંખો ફાટી રહી ગઇ.. એમને થયું કે આ કાકો ગાંડો છે કે શું? એમાંથી એકે પૂછવાની હિંમત કરી, “પણ આ બધું કેમ?”

કાકા એ કહ્યુ, “મારી પાસે ઝાડ ઉપર પૈસા ઉગે છે તે હું ઉડાવું છુ. તું તારુંં કામ કરને ભાઈ.. ઘરે જવાનું અને આ બીજુ કવર તમારા ઘરના લોકોને આપવાનું.. આ ગાડીવાળો તમને ઉતારી જશે પછી અઠવાડિયા પછી પાછો આવશે.. ત્યાં સુધી મન ભરીને રહેવાનું… દીકરાદીકરીઓ જોડે ધમાલ કરવાની, બાપાને મા જોડે બેસવાનું અને હા… પત્નીને વ્હાલ કરવાનું.”

આમ બોલી આંખ મારી કાકા પેલા ગાડીવાળા જોડે વાત કરવા જતા રહ્યાંં. ખંજને જોયું તો ત્રણેય મજૂરોની આંખોમાં હરખના આંસુ હતા..

સાવ અજાણ્યા મજૂરો માટે એક જ ઝાટકે લાખ રુપિયાનો ખર્ચ કરી નાખનાર ત્રિકમકાકા ગાંડા થઇ ગયા હતા કે શું? એમ ખંજન ને થયું. કાકાએ પોતાની વકીલાતમાં એમ જ કહ્યું કે ઇશ્વરનુંં આપેલું બહુ છે. એમાંથી થોડું સાવ અજાણ્યાના સંતોષ માંટે ખર્ચીએ તો આપણા બાપનું શું જાય છે? પણ તને ખબર છે ઘરે પહોંચીને જયારે એ લોકો એમના નાનકડા દીકરા કે દીકરીને ભેટશે ત્યારે એમના હ્રદયને કેટલી શાંતિ મળશે.. એમના માબાપની હાશ અને એમની પત્નીની ખુશી આગળ આ કિંમત કંઈ જ નથી.

કોઈને મદદ કર્યા પછી એનું ફળ ભગવાન આપણને આપશે અને દાન કરો તો પૂણ્ય મળશે વાળી સ્વાર્થી મેન્ટાલિટીમાં જીવતા લોકોના ટોળામાં ત્રિકમલાલની વાતમાં કયાંય એમણે કરેલ મદદના બદલામાં એમને પુણ્ય મળશે એવી ભગવાન સાથેની ધંધાકીય ડીલ ન હતી. ખંજનની નજરોમાં એ દિવસથી જ ત્રિકમલાલની એક નવી જ પરિભાષા હતી. એમના પ્રત્યેનું માન જે હતું તેનાથી પણ ખૂબ વધી ગયું હતું..

આજે ત્રિકમલાલની વાતો યાદ આવતા ખંજનની આંખોના ખૂણા ભીના થયા. આ આંસુ એમની સાથે વીતાવેલી યાદોને લીધે હતા કે પછી આજે એ સૌને છોડીને ચાલ્યા ગયા છે એના દુઃખના..

ખંજન માંટે એ એક સાથી કલાકાર જ નહીં  પણ ખૂબ અંગત મિત્ર પણ બની ગયા હતા. એમની વાતો અને જીવન જોવાનો નઝરીયો એ માણસને બીજાથી નૌખો બનાવતો હતા. એમની થીયરી સિમ્પલ હતી, કશું મનમાં ન રાખવું અને જીવનમંત્ર પણ ખૂબ સરળ હતો કે તોફાન કોઇ પણ ઉંમરે કરી શકાય.

એક વાર ત્રિકમલાલે આવીને ખંજનને કહ્યું, “એક રોલ છે, કરીશ ખંજનીયા?”

એણે કહ્યું, “હવે તમે કહો એટલે કરવાનો જ હોય ને? પણ રોલ શું છે? અને કેટલા શો છે?”

ત્રિકમલાલ જાણે બહુ મોટી ખાસ વાત કહેવાના હોય એમ આજુબાજુ કોઇ સાંભળતું નથી એની ખાતરી કરી કાન પાસે આવીને મોટેથી બોલ્યા, “રોલ મારા દિકરાનો કરવાનો છે અને શો એક જ..”

ખંજનને ખાતરી થઇ કે ૧૦૦ ટકા કાકા ટેવ મુજબની કોઈ નવી સ્કીમ લાવ્યા. એ કશું બોલ્યો નહીં. કાકાએ ફરી પૂછ્યુંં, “બોલ, રોલ કરવો છે કે પછી બીજા કોઇ સારા કલાકારને પૂછુંં?”

ખંજને રીસ કરી, “હવે બોલોને શું કરવાનું છે? હું તમને થોડું ના પાડવાનો છું?”

કાકાએ ખંજનને અડધી વાત સમજાવી. ખંજન ફાટી આંખે એમને જોઈ રહ્યો, એને થયું કે આ કાકાને આવું કરવાનું સૂઝતું કેમ હશે!

આખોય પ્લાન બરોબર બનાવી રાખ્યો હતો. નક્કી કરેલા દિવસે સવારે ત્રિકમકાકા ગાડી લઇને ખંજનના ઘરે પહોચ્યા. જેવો ખંજન બહાર આવ્યો એટલે ડ્રાઇવિંગ સીટ ઉપરથી કૂદકો મારી પાછળ ગોઠવાઈ ગયા. ડ્રાઈવિંગ સીટ તરફ ઇશારો કરતા કહ્યું કે બાપ પાછળ બેસે અને બેટો આગળ.

બેસતા બેસતા ખંજને પૂછવાની કોશિશ કરી કે “આમ કરવાનું કંંઈ કારણ?” પણ એ કંઇ બોલે એ પહેલા જ ત્રિકમલાલે ઉત્સાહમાં આગળ વધવાનો ઇશારો કર્યો. ખંજનને પહેલી વાર એ વખતે ત્રિકમલાલ ઉપર સાચી ચીડ ચડી હતી. એને થયું કે એ જે કરવા જઇ રહ્યાં છે એ સાવ વાહિયાત છે. પણ એમના આગ્રહ આગળ કઇ પણ બોલવુ એ એને યોગ્ય ન લાગ્યું.

ગાડી ગામથી દૂર સરસ મઝાના લહેરાતા ખેતરોની વચ્ચે આવેલા નગીનદાસ નરોત્તમદાસ નાણાવટી ઘરડાઘરની પાસે ઉભી રહી. ગાડીમાં બેઠા બેઠા જ રડવાની એક્શન કાકાએ ચાલુ કરી અને દુઃખી સ્વરે બોલ્યા, “ચાલ બેટા, મારૂંં ઘર આવી ગયું.”

ખંજન ગાડીમાંથી ઉતર્યો અને બન્ને જણ ઘરડાઘરમાં પ્રવેશ્યા. ઓફિસમાં જઈ ખંજને એમના એડમિશન વિશે વાત કરી. ત્યાં બેઠેલા કલાર્કને જેવું જણાવ્યું કે પોતે એમનો દીકરો છે અને એમને ઘરડાઘરમાં મૂકવા આવ્યો છે, ક્લાર્કે ખૂબ ખરાબ નજરે એની સામે જોયું. ફોર્મ પણ એને પછાડીને આપ્યું અને બબડ્યો.. “આજકાલના છોકરાઓ.. ”  ખંજનની હાલત કાપો તો લોહી ન નીકળે એવી હતી..

બન્નેને એક બેન્ચ ઉપર બેસાડી ક્લાર્ક અંદર મેનેજર સાહેબને બોલાવવા ગયો. ખંજને ધીમેથી પૂછ્યુંં, “તમારા દીકરાને ખબર છે આ બધું?”

ત્રિકમકાકાએ આંખ મારીને કહ્યું, “ના.. સાચું કહું આ જ્યારથી હું ઘરડો થયો ત્યારથી મને એક વખત તો ઘરડાઘરમાં રહેવું જ હતું.. હવે મારા દીકરાને કહું તો તને ખબર છે ને શું થાય? એ બિચારો તો આ સાંભળીને જ બેભાન થઇ જાય.. એટલે આપણે લાઇવ નાટક કરવાનું નક્કી કર્યું. એને કહ્યુ કે હું નાટકનો શો કરવા સાઉથ આફ્રિકા જઉં છું. અને તને મારો દીકરો બનાવીને અહીંંયા. હવે થોડા દિવસ અહીં રહીશ.. ઘરડાઘરનો આનંદ લઇશ. પછી મન ભરાશે એટલે તને ફોન કરીશ.. તું આમ બાપને તરછોડ્યા પછી દુઃખી છું એવી એક્ટિંગ કરજે અને મારી માફી માંગીને મને પાછો લઇ જજે. એમ સમજ હું વેકેશન કરવા આવ્યો છું.”

વેકેશન કરવા અને એ પણ ઘરડાઘરમાં.. આ માણસ કોઇ પણ રીતે સમજી શકાય તેમ ન હતો.. ખંજનને થયું કે જો આ આખો પ્લાન પહેલે થી ખબર હોત તો અહીંં આવત જ નહીં.. હજી એ કશું કહેવા જાય ત્યાં તો અંદરથી સ્વામિનારાયણનો ચાંદલો કરેલા મેનેજર પી. સી. પુરોહિત બહાર આવ્યા. કાકાને બહુ જ પ્રેમાળ રીતે પ્રણામ કર્યા અને ખંજનની સામે ગુસ્સાથી હલ્લો કહ્યું.. ખંજનને ખબર હતી કે આજે કશું જ કર્યા વગર આ હીરો વિલન બની ગયો છે.

પુરોહિત સાહેબે ખંજનને બે મિનિટ બહાર બેસવા કહ્યું. થોડીવાર બંધબારણે ત્રિકમલાલ સાથે વાતો કરી. બહાર ખંજનને થતું હતું કે અંદર કોણ જાણે કાકો શું ય વાર્તા કરતો હશે!!

થોડીવારમાં બહાર આવીને કાકાએ ખંજનની સામે જોઇ એક આંખ મારી અને ધીમેથી કહ્યું, “જાવ અંદર દીકરા મારા…”

ખંજન અંદર ગયો.. મા બાપને કાવડમાં લઇ જતા શ્રવણના મોટા ચિત્ર તરફ મોં કરીને પુરોહિત સાહેબ ઉભા હતા. ખંજન અંદર ગયો ત્યારે એમણે વળીને એની સામે પણ જોયા વગર બોલવાનું શરુ કર્યુ.. 

“સંબંધો માં પણ વેકેશન દેખાય છે.. ખરેખર હવે માણસો પ્રોફોશનલ થઇ ગયા છે..”

ખંજનને ખબર ન પડી ત્યાં તો એની તરફ ફરીને મેનેજર સાહેબે બોલવાનુ શરુ કર્યું.. “આ શબ્દો કોના છે ખબર છે? હમણાજ બહાર ગયેલા પેલા વડીલના. તારા બાપના.. હું ત્રીસ વર્ષથી આ ઘરડાઘરનો મેનેજર છું. કંઈ કેટલાય ઘરડા લોકોના જીવનના દુઃખ મે જાણ્યા છે.. પણ આ વડીલની વાત સાંભળી હું હલી ગયો છું. કોઇ માણસ પોતાના જ દીકરાથી આટલી બધો પરેશાન હોય તે પહેલી વાર જોયું.. શું તમને અને તમારી પત્નીને એક વાર પણ એમ ન થયું કે આ માણસ મારો બાપ છે.. સાહેબ અત્યારે તમે જેટલા અભિમાનથી તમારા આ દુઃખી બાપને અહીં મૂકી જાવ છો એનાથી પણ વધારે દુઃખી થશો જયારે આ જ ઘરડાઘરમાં તમારો દીકરો તમારા ઘડપણમાં તમને મૂકવા આવશે..”

ખંજને મનમાં ત્રિકમલાલ ઉપર ચીડ ચડી કે આમાં એની નહીં બનેલ પત્ની અને નહીં જન્મેલ બાળકને નાખવાનું શું કારણ? ત્યાં એણે જોયુ કે બારીમાંથી ડોકું કાઢીને ત્રિકમલાલ હસી રહ્યાં હતાં.

એક માણસ કોઈપણ કારણ વગર સામે ચાલીને દુઃખી થવાનું નાટક કરીને ઘરડાઘરમાં રહેવા જવા માટે આટલો બધો ઉત્સાહી કેમ હોય? ખંજનની હાલત ખરાબ થઇ રહી હતી. એક તરફ એને આજના યુગનો સૌથી ક્રૂર દીકરો ગણીને બાપને આપેલ તકલીફો વિશે ઘરડાઘરનો મેનેજર લાંબુલચક ભારેભરખમ લેકચર આપી રહ્યો હતો અને બીજી તરફ ત્રિકમલાલ એને જોઇને હસી રહ્યાં હતા.

ત્રિકમલાલને થયું કે હવે થોડું વધારે થશે તો ખંજન નાટક બંધ કરી દેશે એટલે એમણે ચાલુ વાતે અંદર આવીને રડમસ ચહેરે કહ્યું, “બસ સાહેબ બસ.. દીકરો ઠીકરો થાય પણ માવતર કમાવતર ન થાય.. હું નથી ઇચ્છતો કે તમે મારા વ્હાલસોયા દીકરાને કંંઈ વધારે કહો અને હા દીકરા મારૂંં અહીં રહેવાનું ભાડું પણ મે પાર્ટટાઇમ લોકોના કપડા સીવીને બચાવેલી રકમમાંથી ભરી દઉંં છુંં. એટલે તને એની પણ તકલીફ નહીં..” આ છેલ્લા શબ્દોએ મેનેજરને રડાવ્યા..

ખંજનને થયું કે સ્ટેજ ઉપર આવી એક્ટિંગ કરવાનું કહો તો કોઇ દિવસ ન કરે અને અત્યારે તો જો આ ડોહા ને!

પૈસા આપતી વખતે હાથની ધ્રુજારી પણ એમણે બરોબર કરી.. અને પછી આવીને એની સામે ઉભા રહીને કહ્યું, “બેટા જીવનમાં એક ઇચ્છા છે, તને ભેટવું છે, શું હું તને એક વાર ભેટી શકું?”

ખંજને જોયું કે મેનેજર અને ક્લર્કની આંખોમાં પાણી હતું. હજી પોતે કશું બોલે એ પહેલા તો આમ દોડીને કાકા ખંજનને ભેટી પડ્યા.. ધીમેથી કાનમાં બોલ્યા, “કેવું રહ્યું ખંજનીયા?” ખંજન પણ હવે અકળાયો અને બોલ્યો, “બહુ મસ્ત, હવે તમે મારી એકટિંગ પણ જુઓ..”

પોતાને ગમ્યું ન હોય એમ ત્રિકમકાકાને ધક્કો મારીને મેનેજર સાહેબને એણે કહ્યુ, “મારી પાસે આમ ઇમોશનલ થવાનો ટાઇમ નથી.. અને હા કાકા.. ઓ સોરી એટલે તમારા કાકા અને મારા બાપા ને છુપાવી છુપાવીને બીડીઓ પીવાની બહું ટેવ છે… એમના ડોકટરે કહ્યું છે વધારે બીડી પીશે તો વહેલા મરી જશે.. એટલે એ બીડી ન પીવે એ જોજો..”

મેનેજર આટલા દુઃખી કાકાના રોગ વિશે જાણી વધારે દુઃખી થયાં, એમણે ખિસ્સામાંથી રુમાલ કાઢી આંખો લૂછતાંં કહ્યું, “અમારે ત્યાં કોઇપણ પ્રકારનો નશો કરવાની છૂટ જ નથી. એટલે બીડી પીવી તો શક્ય જ નથી..”

ખંજનના નાખેલ દાવથી ત્રિકમલાલ મૂંઝાયા. હજી એ કશું બોલે એ પહેલા ખંજને બીજો બોલ નાખ્યો, “ના આમ બોલો એમ નહીં  ચાલે આ મારા બાપા બહુ ચાલુ છે. આ તપાસો એમના ખિસ્સા અને બેગ બન્ને તપાસો.” બોલતા બોલતા એણે ત્રિકમલાલને આંખ મારી.

ત્રિકમલાલ આમ અણધાર્યા હુમલા માટે તૈયાર ન હતાં. મેનેજરે એમના ખિસ્સા અને બેગમાં ભરેલી બીડીઓ ખાલી કરી. ખંજને જાણે બદલો વાળ્યો હોય તેમ કાકાને હાથ જોડી ફોર્માલીટી પૂરી કરી નીકળી ગયો.

મેનેજર ખુદ ત્રિકમલાલને એમની ૩૨ નંબરની રુમ સુધી મૂકવા આવ્યા. સાંજની આરતી વખતે ભેગા થયેલા બધાને ત્રિકમલાલની ઓળખાણ કરાવી. સૌ સમદુઃખીયાઓએ ત્રિકમલાલ વિશે જાણી એમને સથવારો આપ્યો..

લગભગ ત્રણ દિવસ આમ જ વીત્યાં અને ત્રણ દિવસમાં તો ત્રિકમલાલે આખા ઘરડાઘરને માથે લીધું. સામાન્ય રીતે ઘરડાઘરની રુમોમાં ભગવાનનો ફોટો અને દીકરા દીકરીઓનો ફોટો લગાડયો હોય ત્યાં ખાટલાની પાછળની દીવાલે મધુબાલાના મોટા મોટા બે પોસ્ટર લાગ્યા. રોજ રાત્રે નવ વાગે સન્નાટો થઇ જતા ઘરડાધરમાં ૩૨ નંબરની રુમમાં રાત્રી બેઠકો થવા માંડી. સંગીતના જલસા શરુ થયા. હજી હમણા સુધી વહેલી સવારે ઉઠી અને નિત્યકર્મ પતાવી જે ઘરડા લોકો પ્રાર્થનાસભામાં જઇને ધ્યાન કરતા કે પછી પાઠ વાંચતા એમાંના મોટા ભાગના હવે કેરમ, ચેસ અને પત્તા રમવા લાગ્યા. સ્ટેજ ઉપર ઉભા રહી લોકોને કસરત કરવાની પણ શરુઆત થઇ ગઇ.

એક સવારે ભીના ચૂનાની ડોલ લઇને એક હાથમાં બ્રશ સાથે ત્રિકમલાલ નીકળ્યા અને દીવાલો ઉપર લખેલા ડિપ્રેસીવ સ્લોગનો ને શોધીશોધીને તેની ઉપર ચૂનો લગાડ્યો.. સાંજે સૌને ભેગા કરીને કહી દીધુ કે આપણા બાપ દાદાઓના દુશ્મન હતા અંગ્રેજો એટલે એમણે ‘અંગ્રેજો ભારત છોડો’ નો નારો અપનાવ્યો હતો. અત્યારે આપણો સૌથી મોટો દુશ્મન છે ડિપ્રેશન એટલે આપણે નવું સ્લોગન બનાવાનું છે, ‘ડિપ્રેશન.. ઘરડાંંઘર છોડો..’

એમની પોઝિટીવિટી અને ઝિંદાદિલીએ ત્યાં રહેલા ઘરડાંંઓના નીરસ જીવનમાં આશાની એક નવી સવાર ઉગાડી હતી. રસોડામાં શાક સમારતા સમારતા બહેનોને કવિતા સંભળાવાની હોય કે પછી ડાયાબીટિસથી ડરીને વર્ષોથી નહીં ચાખેલી જલેબીની પાર્ટી કરાવાની હોય, ત્રિકમકાકાએ આમ જોવા જઇએ તો સૌ ને રવાડે ચડાવેલા..

એમનું માનવું સ્પષ્ટ હતું કે મૃત્યુ તો આવવાનું છે જ પછી રીબાઇ અને દુઃખી થઇને કેમ એને ભેટવું?

વ્હાલ નામનો વાઇરસ એ માણસે બહુ ખૂબીથી ઘરડાંંઘરમાં પ્રસરાવ્યો. ઘરડાંંઘરની વચ્ચે આવેલ બગીચામાં એક મોટું વૃક્ષ હતું. ત્યાં એક દિવસ જઇને મોટા દોરડા લટકાવી નીચે એક પાટીયાનો હિંચકો બાંધ્યો. જેવા સૌ કોઇ સવારના પોતપોતાની રુમમાંથી બહાર નીકળ્યા, ત્રિકમલાલ જોર જોરથી હિંચકો ખાવા લાગ્યા. ઉંમર નામનું પાટીંયું માથે મારીને બેસી ગયેલા લોકો માટે ‘આવું તો કંઈ કરાય’ નો પ્રશ્ન મનમાં ઉઠ્યો પણ સૌ કોઇને ત્રિકમલાલનો હસતો ચહેરો અને ઝુલતી ખૂમારી ગમી ગઇ… ત્યારે પહેલી વાર એ હિંચકે બેસવા માટે ઘરડાઓમાં ઇચ્છા જન્મી… સાવ નીરસતાના રણમાં ત્રિકમલાલે આનંદની પરબ બનાવી.

આ બધી મઝામાં બીડી પીવાની લત પણ છૂટી ગઈ. અલગ અલગ લોકોના નામે દાન અપાવડાવી ત્રિકમકાકાએ અહીંં જાતજાતની સુવિધાઓ ઉભી કરી. મેનેજર સાથે સાંઠગાંઠ કરી પહેલી વાર ઘરડાઘરની ટૂર કોઇ ધાર્મિક સ્થળની જગ્યાએ થીએટરમાં પછી વોટરપાર્ક અને શાનદાર હોટલમાં ડિનર કરાવીને પાછી આવી..

જીવતરથી કંટાળી ગયેલા નીરસ લોકો માટે આ માણસ દેવદૂત બનીને આવેલો. થોડા ઘરડાંંઓને લઇને નાટક બનાવ્યુ અને પોતાની ડાયરેક્શનની ખણ પણ ત્યાં જ પૂરી કરી.

લાઇબ્રેરીમાં પુસ્તકો હોય કે પછી એકટીવીટી રુમોમાં એ.સી. ત્રિકમલાલે કશે પાછી પાની ન કરી.

આખરે ખંજન દ્વારા બીજા નાટકવાળા કળાકારોને એક જગ્યાએ ભેગા કર્યા. પોતે ત્યાં જઇ આટલા દિવસમાં શું કર્યુ એ કહ્યું.. અને જયારે એક જણાએ પૂછ્યું કે કેમ કર્યું? તો જવાબમાં સરસ મઝાની સ્માઇલ સાથે કહ્યું, “ખબર નથી પણ જે કર્યુ એમાં મઝા પડી.. હવે તમારો વારો છે  એ મઝા લેવાનો…”

સૌ ને સમજણ ન પડી. કાકાએ સૌ ને તૈયાર કર્યા.. ઘરડાંંઘરમાં રહેતા લોકોનો અંગત બાયોડેટા આપ્યો. કોને શું ગમે છે અને કોણ કઇ વાત ઉપર ડિપ્રેસ થઇ જાય છે એ સઘળાની માહિતી આપીને કહ્યું કે સ્ટેજ ઉપર બહું નાટકો કર્યા હવે જીવનના મંચ ઉપર નાટક કરવાનો વખત છે.. લોકો બાળક દત્તક લે તમારે મા બાપ દત્તક લેવાના છે..

આ સાભળી સૌની આંખો ચમકી. ત્રિકમલાલે તરત જ બાજી સંભાળી કે એટલે તમારે એમને ઘરે નથી લાવવાના.. પણ અઠવાડિયે એક દિવસ ૩ થી ૪ કલાક એમની સાથે વીતાવાનું પ્રોમિસ આપવાનું છે.. એમની સાથે વાતો કરવાની એક્ટિંગ કરવાની છે. મારા માટે આટલું કરશો?”

ક્યારેય કોઇની પાસે કશું ન માંગેલ માણસે આજે કશું માગ્યું હતું. સૌ કોઇ આ કામ માટે તૈયાર હતા અને બધાની વચ્ચેથી બૂમ પાડીને છેક પાછળ બેઠેલા ખંજનને કહ્યું, “દીકરા તું રહેવા દેજે. ત્યાં ન ફરકતો…”

ખંજને હસીને હાથ હલાવ્યો.. સૌ કોઇ કલાકારોએ એમનો બોલ પાળ્યો અને આજેય પાળે છે. ત્રિકમલાલે ઘરડાંંઘર છોડ્યું પછી પણ કેટલાય વર્ષો સુધી ત્યાં નિયમીત જવાનો નિયમ પાળ્યો હતો..

ત્રિકમકાકાની વાતો વિચારતા ક્યારે એ ફ્રેમવાળાની દુકાનમાં પહોંચી ગયો એની ખબર ન પડી. એક્ટિવા બાજુમાં પાર્ક કરી એ દુકાનમાં દાખલ થયો.

“આમાંથી બેસણામાં મૂકવાનો ફોટો કાળી ફ્રેમ સાથે તૈયાર કરી આપોને..” પેનડ્રાઇવ આપતા ખંજને કહ્યું.

ફ્રેમવાળાએ પેનડ્રાઇવ કોમ્પ્યુટરમાં ખોલી તો તેમાં એક જ સેલ્ફી હતી. જે એક ખૂબજ ધરડા માણસે ખેંચી હતી.  જેમા એ ઘરડો માણસ અને આ સામે ઉભા રહેલા ભાઇ હતા. અસ્તવ્યસ્ત રીતે ખેંચાયેલ સેલ્ફી એ વાતની ચાડી ખાતી હતી કે એ પેલા વૃદ્ધના ધ્રુજતા હાથે ખેંચાઈ હશે.

સ્ક્રીન ઉપર આવો વિચિત્ર ફોટો જોઇને પેલા દુકાનવાળાએ મોં બગાડીને કહ્યું, “આમાંથી તો વડીલનો ફોટો જુદો પડે એવો છે જ નહીં.. એક કામ કરો, કોઇ સારો ફોટો લઇ આવો. બેસણાના ફોટામાં આ નહીં ચાલે.”

એણે પેનડ્રાઇવ કાઢીને સામુંં જોયા વગરજ પાછી આપી. ખંજનભાઈએ એને લીધા વિના જ બોલવાનું શરુ કર્યું, “બેસણામાં આ જ ફોટો રાખવાનો છે.”

“અલ્યા ભાઇ, આ અણઘડ ખેંચેલી સેલ્ફીમાંથી કાકાનો ફોટો જુદો કેમનો કરુંં? સમજતા નથી યાર..”

“કાકાનો ફોટો જુદો કરવાની જરુર નથી. અમારા બન્નેનો ફોટો બેસણાંમા મૂકવાનો છે.”

પેલા ફ્રેમવાળા ભાઇ સ્તબ્ધ થઇ ગયા. ખંજનભાઇને થયુ કે એમને મારી અને આ ત્રિકમકાકાની સ્ટોરી કહી દઉં એટલે સમજી જશે, પછી થયું કે આવું તો કેટલાને સમજાવીશ? એટલે કંઇ ફોડ પાડવો નથી. એણે ફાટી આંખે જોઇ રહેલા ફ્રેમવાળાની સામે ખાલી એક સ્માઇલ આપી પણ એ સ્માઇલની પાછળ એક સંકોચ તો ખંજનભાઇના મનમાંય હતો.

ફ્રેમવાળાએ ફરી પાછું તૂટક અવાજે પૂછ્યુંં, “બેસણામાં મૂકવાનો ફો. .ટો?”

ખંજનભાઈએ એ જ સંકોચભર્યા સ્મિત સાથે હા પાડી.

પંદર મિનિટમાં તો કલર પ્રિન્ટ થયેલા એમના અને ત્રિકમકાકાના ફોટાને કાળી કોતરકામણી વાળી ફ્રેમમાં ફિક્સ કરી જૂના ન્યુઝ પેપરમાં પેક કરીને પેલા એ આપી દીધો.

આવડા મોટા ફોટાને એક્ટિવાના આગળના ભાગમાં ગોઠવી આજુબાજું પગ રાખી ખંજન ત્રિવેદી નીકળ્યા.

ભાઈબંધીમાં આવી વિચિત્ર માંગણી એ ત્રિકમલાલના વધારે પડતા વ્હાલનુ પરિણામ હતું. ખંજને કાકાના ઘર તરફ જવા એક્ટિવા વાળ્યુંં અને વળી પાછો કાકાની યાદોમાં પડી ગયો.

ખંજન ત્રિવેદી ઉંંમરમાં એમનાથી ઘણો નાનો પણ એને આ કાકાની લાગણી થતી. ઘણી વાર સમજાવતો, “કાકા સાચુ કહું, તમને શું લાગે છે તમે બહુ સારા એકટર છો? આ તમને ખબર નથી આ બધા તમારા પૈસા માંટે તમને નાટકમાં રાખે છે..”

અને ત્રિકમદાસ હસી ને કહે, “અલ્યા ખંજનીયા, તને શું લાગે છે મને ખબર નથી? પણ મૌજ કરને ભાઈ… પૈસાની ખોટ ભગવાને કરી નથી અને આ બહાને મનગમતું કામ થાય છે અને લોકોના ધર ચાલે છે. તું તારે જલસા કરને. એક વાર જોજે ને એવું નાટક કરીશું ને કે જામી જ જશે..

ખંજનને કાકાની ખેલદિલી ગમતી. એક અનોખો ભાઇબંધીનો સંબધ બન્ને વચ્ચે બન્યો હતો.  કાકાને પણ ખંજન સાથે ખૂબ બનતું.. ધીરે ધીરે ઉંમરે એનો રંગ બતાવવો શરુ કર્યો.. કાકાની આંખોની સાથે સાથે સ્મૃતિઓએ પણ એમને છોડવાનું શરુ કર્યુ… કાકા લગભગ બધુંં જ ભૂલી ચૂક્યા હતા. પણ સ્મૃતિ પટ ઉપર એક નામ તો ખરુંં જ “ખંજનિયો…”

એક શબ્દ પણ કાને સંભળાય નહીં તોય કાકા રોજ ખંજનને ફોન કર્યા વગર રહે નહીં.. ધડપણની જીદ બાળપણની જીદ કરતા પણ વધૂ કાઠી હોય છે કારણકે એમા સમજણનો સિમેન્ટ લાગીને ખરી ગયો હોય છે. એટલે ખંજન માટે એમને એવી જીદ કે એ દર અઠવાડીએ એ મને મળવા આવે જ.. મારી સાથે જમે અને મારી સાથે રહે..

ખંજન નાટ્ય જગતમાં પોતાનું એક નાનુ સરખું નામ કરીને બેઠેલો.. ફિલ્મોના કમિટમેન્ટ અને નાટકોની તારીખોની વચ્ચે કાકાને મળવા જવું અધરુ પડે અને કાકાનો વ્હાલ એટલું કે એમને ના પણ ન પાડી શકાય.

આ ગયા મહિને જયારે ખંજન એમને મળવા ગયો ત્યારે પોતે આંખે લગભગ કશું ન દેખાતું હોવા છતાય ધ્રુજતા હાથે આ સેલ્ફી લીધી હતી.

એમના દીકરાને એ સેલ્ફી બતાવતા કહ્યું હતું, “જો હું મરી જઉં તો મારા બેસણામાં આ ફોટો મારા ખંજનીયા જોડેનો મૂકજે..”  બોલતી વખતે ” જો હું મરી જઉં તો..” આ શબ્દો ઉપર મૂકેલ ભાર પોતાની જાત ઉપરનો ઓવર કોન્ફિડન્સ અને ઇશ્વરના જીવન મરણની સિસ્ટમ ઉપરનો લોવર કોન્ફિડન્સ દેખાડતો હતો.

લગભગ જરાય ન સાંભળી શકતા બાપના કાનમાં જઇને દીકરાએ ઘાંટો પાડ્યો, “તમને ખબર છે શું બોલો છો?”

આવી વિચિત્ર માંગથી ડધાયેલા ખંજને પણ પોતના વડીલ મિત્રના દીકરાને સંકોચાતા કહ્યું, “કંંંઇ વાંધો નહીં.”

પણ ત્યાં તો ત્રિકમદાસ બોલ્યા, “ખરેખર તો બેસણામાં મરી ગયેલા માણસનો ફોટો મૂકો છો પણ સાથે સાથે એક માણસના જવાથી કેટલા સંબધો પણ મરી જાય છે.. તો એનું બેસણું પણ થવું જોઇએ કે નહીં?”

ખંજન અને દીકરો કશું ન સમજ્યા પણ બાપાએ ચલાવે રાખ્યું, “આ ખંજનીયો મારો જીગરજાન દોસ્ત છે એટલે મારા બેસણાનાંં ફોટામાં એનો ફોટો તો મારી જોડે જ રાખવાનો..”

દીકરાને પોતાની જ ઉંંમરના ખંજનભાઈ ઉપર પોતાના બાપનો આટલો બધો પ્રેમ જોઇને ઇર્ષા આવી. ખંજને પણ ન છૂટકે હસતહસતા એમના કાનમાં કહ્યું, “ચિંતા ના કરશો કાકા, તમાર બેસણામાં આપણા બન્નેનો જ ફોટો રાખશું. હું મોટી ફ્રેમ બનાવી લાવીશ બસ…”

અચાનક એક્ટિવાને બ્રેક વાગી અને મનમાં ચાલતા વિચારો તૂટ્યા. એક હાથથી ફોટાને પડતા અટકાવીને ખંજનભાઇ આગળનો ટ્રાફિક ખાલી થવાની રાહ જોવા લાગ્યા.

રસ્તાની એક બાજુના ઘરના ઓટલે થતી એક મા દીકરાની વાત એમના કાને પડી, “મમ્મી શું કરુંં? કંટાળો આવે છે…”

“તો રમવા જા..”

“પણ કોની સાથે રમું? મારે તો કોઇ ભાઇબંધ જ નથી”

વાત નાનકડી હતી. પણ જીવનના કંટાળાને દૂર કરવા એક ભાઇબંધ હોવો જોઇએ એની અનુભૂતિ પહેલી જ વાર ખંજન ને આ વાત સાંભળીને થઈ.

સોસાયટીના નાકે આવેલા પાનના ગલ્લા પાસે એક્ટિવા પાર્ક કરી સીટ ઉપર ફોટો આડો રાખીને કાકાને ગમતુંં પાન એમની યાદમાં ખાવા ખંજન ગયો. ગલ્લાની પાછળ સંતાઇને બે મિત્રોને એક જ સિગરેટમાંથી કશ ફૂંકતા જોયા. એના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઇ. બેકસ્ટેજ ઉપર ચાલુ નાટકે કાકાની સાથે મારેલ બીડીની ફૂંકો યાદ આવી ગઇ. ત્યાં જ એક માણસ બબડતો બબડતો બાજુનાં બંગલામાંથી આવીને સ્કુટરની પાસે પાર્ક કરેલી મર્સિડીઝમાં બેસીને આગળ વધ્યો.

પાન બનાવતા પાનવાળાએ ચાલી ગયેલી મર્સિડિઝ તરફ નજર મારતા કહ્યુંં, “ખંજનભાઈ, આ એક નંબરવાળા પરમાર સાહેબ મરશે તો મૂકવા જવા ચાર માણસ કયાંથી લાવશે.. ન કોઇ સગા કે ન કોઇ ભાઇબંધ.. પછી હું કરવાનું આટલા પૈસાનુંં જ્યાં જીવનમાં એક ભાઇબંધ પણ ન હોય..”

ખંજનને ખબર નહીં  કેમ પણ આજે પોતાના આ વડીલ ભાઇબંધે કરેલા પોતાના પરના હક ઉપર ગર્વ થયો. એને થયું કે ત્રિકમકાકા સ્વરુપે અદ્દભૂત મિત્ર એને મળ્યો હતો…

સાંજે સફેદ ચાદરની આસપાસ લીલીના ફૂલોની વચ્ચે ગોઠવાયેલો ત્રિકમદાસનો ખંજનભાઇ સાથે લીધેલ સેલ્ફી વાળો ફોટો જોઇને બેસણામાં આવેલ દરેકના મ્હોં ઉપર એક વિચિત્ર પ્રકારનો પ્રશ્નાર્થ હતો.. સૌ ના મનમાં ત્રિકમલાલના અવસાનની પ્રાથનાની જગ્યાએ આ ફોટાને જોઇને આશ્ચર્ય હતું. ..

આવેલા દરેકનું ધ્યાન આ વિચિત્ર બેસણાના ફોટાની સાથે સાથે ભીડમાં સૌથી છેલ્લે બેઠેલ અને ફોટામાં દેખાતા ખંજનભાઈ પર પણ હતું. પણ ખંજનભાઈ કોઇની ઉપર ધ્યાન આપ્યા વગર ટગર ટગર સામેના ફોટામા રહેલા નિસ્વાર્થ વ્હાલનું સરનામું એવા પોતાના વડીલ મિત્રને જ જોઇ રહ્યાં હતા..

જાણે ફોટામાંથી ત્રિકમલાલ એને કહી રહ્યાં હતા, “જોયું ખંજનીયા, મેં નહોતું કહ્યું. એક દિવસ તો જામશે જ…. નાટક જામ્યું ને આપણું?”

ને એણે મનોમન એ ટેરિફિક ત્રિકમલાલને સલામ કરી…..

– ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “ત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

  • Rajul Kaushik

    એકદમ અલગ અંદાજમાં જીવતી વ્યક્તિની ખુબ મઝ્ઝાની વાત.

    લેખે લાગે એવું જીવન જીવ્યા ત્રિકમલાલ અને જીવવાનો મંત્ર આપતા ગયા.

  • Bhavin Lakhani

    Dr… Very nicely penned story. Thoroughly enjoyed reading each experiences of Kaka. While reading saw my parents many times. My father is 88 n mother is 79. Dive last 18 years they both are running 24*7 charitable eye hospital at Panvel (Navi Mumbai) banned Netrajyot Eye hospital. They love doing self less service to poor people n I have experienced many incidents where treated patients treat them as God.
    There definately exists such Kakas in today’s time also.

  • Bhatt Ankita Pravinchandra

    wow what a amazing story. congratulation dr. yagnik. this story showed me another side of life after age of retirement.

  • dr pravin khatri

    Above is my story by enlarge.Not 100 pctbut partially it resembles my life.VERY GOOD
    IF FACTS IT IS BEST
    DR PRAVIN KHATRI
    AHMEDABAD

  • હર્ષદ દવે

    કોઈના અતીતની કથા વર્તમાનમાં નાટક સ્વરૂપે ભજવાઈ રહેલું તથ્ય
    નવોન્મેષ લઈને, વ્હાલના તખલ્લુસ ‘ખંજનિયો’ સ્વરૂપે એક પાત્ર
    બનીને પોતાની ભૂમિકા ભજવે છે. સ્વાભાવિક સરળતા સરસરે છે
    અને જીવનના નાટક પર પડદો પડે તે પહેલાં જામે તેવું નાટક ભજવે
    છે. હાર્દિકભાઈને પ્રતીકો અને સંજ્ઞાઓ હાથવગા છે. ભાવ જાણે
    તેમનો સ્વભાવ હોય તેટલી સાહજિકતા છે. ઘરડાંઘરને વિશેષણ
    પરાણે વળગાડ્યું હોય અને તે છોડાવવા માટે ત્રિકમલાલ અનોખી
    અદામાં ત્યાં આવે છે. બેસણામાં નહીં પણ ફોટામાં પણ સાથે બેઠેલો આ નોખો કથાકાર અનોખી પ્રતીતિ કરાવે છે. જીવંત અભિનંદન.

  • vimala Gohil

    “ટેરિફિક ત્રિકમલાલ” સાથે એના “ખંજનીયા”ને પણ સલામ.
    ને સાથે સાથે ડૉ યાજ્ઞિક અને અક્ષરનાદને સો -સો જ નહીં અનેકોનેક સલામ.

  • Smita Bakul Dhruva

    સરસ, ભાષા પણ રોજ બરોજ ની હોય એવી ,તેથી વાર્તા નો impact વધારે છે

  • Ravi Dangar

    અદ્દભૂત……………..હાર્દિકભાઈ ખૂબ જ સરસ…………..

    શું આ કોઈ વ્યક્તિની સાચી વાત છે??????

  • ભરત ચકલાસિયા.

    હાર્દિકભાઈ, ખૂબ સરસ વાર્તા. હાલમાં ચોમાસાના વરસાદ પછી નીકળી પડતા દેડકાઓ જેવા લેખકોની મનફાવે તેવી બોગસ વાર્તાઓ વચ્ચે આવી મસ્ત વાર્તા વાંચવા મળી. ત્રિકમલાલ જેવા બિન્ધાસ્ત લોકો ખરેખર જીવનને જીવી જાણે છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું સહેલું નથી. જીવનભર પૈસા પાછળ દોટ મૂકીને ભેગું કરેલું અંતે તો અહીં જ રહી જવાનું છે એ સત્ય સમજવા છતાં લોભ છૂટતો નથી.આપની આ વાર્તા ખરેખર એક ઉત્તમ વાર્તા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.