Reality Distortion Field (RDF) – હકીકતને મરડીને સર્જેલું વાતાવરણ
Reality Distortion Field (RDF) આ અંગ્રેજી શબ્દ સમૂહ Star Track નામની અંગ્રેજી ટી.વી. સિરીયલમાં વપરાયેલો, પણ એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સની કાર્યપધ્ધતિએ એને ચલણી બનાવ્યો.
Reality Distortion Field નો સાદો અર્થ છે કે માણસની એવી શક્તિ, જે બીજા લોકોને પ્રથમ દૃષ્ટીએ અશક્ય લાગતા કામને એ શક્ય છે અને સહેલું છે એ સમજાવી શકે, અને એમની પાસેથી સફળતાપૂર્વક એ કામ કરાવી શકે. આના માટે હકીકતોને વળાંક આપી એની અણદેખી કરવી પડે તોય વાંધો નહીં.
આની પાછળનો સિધ્ધાંત એવો છે કે કોઈપણ માણસ પાસે બુદ્ધિ, આત્મશ્રધ્ધા, વકૃત્વકળા અને પોતાની વાતને વળગી રહેવાની શક્તિ હોય તો એ અન્ય લોકોને પોતાની વાત મનાવી શકે છે, કહો કે બધાને એ વાત માની લેવા મજબૂર કરે છે. એ સામાન્ય રીતે અશક્ય વાતને માત્ર મનાવી જ નથી લેતા પણ શક્ય કરી દેખાડે છે.
સ્ટીવ જોબ્સ હકીકતને એવો વળાંક આપતા કે અશક્ય અને અઘરૂં લાગતું કામ પણ સહેલું અને શક્ય લાગવા માંડે. આ ટેકનિકનો મૂળભૂત હેતુ લોકોને પ્રેરણા આપી પ્રોત્સાહિત કરવાનો હતો, જેથી મુશ્કેલ લક્ષ્ય સર કરવાની તાલાવેલી લાગે. સ્ટીવ જોબ્સની હાજરીમાં એના સ્ટાફના લોકો એમની પોતાની માન્યતાઓમાંથી બહાર નીકળી સ્ટીવે બતાવેલી સપનાની દુનિયામાં સરી જતા. સ્ટીવ જોબ્સની આ મનોવૃતિ એપલના ઝડપી વિકાસનું કારણ માનવામાં આવે છે, આને લીધે જ, જે સામાન્ય પરિસ્થિતિમાં ન હાંસિલ કરી શકાય એ એપલે હાંસિલ કરી દેખાડ્યું.
સ્ટીવ જોબ્સ પાસે દૂરદ્રષ્ટિ અને મક્કમ મનોબળ – આ બે ગુણ હતા જેને લઈને એ પોતાના સપના સ્ટાફને વહેંચી શકતા. સ્ટાફના લોકો એ સપનાને પોતાના સપના હોય એમ માનીને કામે લાગી જતાં, અને આમ થતાં પોતાની બધી શક્તિ અને સામર્થ્ય એ સપના સાકાર કરવામાં લગાડી દેતાં.
ટૂંંકમાં અશક્ય લાગતી વાતને શક્ય માની લેવી, અને બીજા લોકોને પણ આમ કરવા પ્રેરિત કરી એને શક્ય બનાવવી એટલે જ સ્ટીવ જોબ્સનું RDF.
સ્ટીવ જોબ્સનું RDF એટલે પોતાના માટે કોઈપણ સીમા બાંધવાનો ઇન્કાર, અને પોતાની વાત ખરી સાબીત કરવાની કટીબદ્ધતા. એની ડીક્શનરીમાં અશક્ય શબ્દ માટે જગ્યા નહોતી. એમની આંતરિક તાકાતથી એ અશક્યને શક્ય કરી શકતા. એ તમારૂં Brain wash કરી, તમને પણ એમની જેમ વિચારતા કરી દેતા. આના માટે ક્યારેક સત્યને જરા મચડવું પણ પડે. એપલના વાઈસ પ્રેસિડંટ બડ ટ્રાઈબે સ્ટીવ જોબ્સ માટે આ ટર્મ અનેકવાર વાપરેલી.
મેકીન્તોશ કોમપ્યુટરને બજારમાં મૂકવાને માત્ર થોડા દિવસ જ બાકી હતા ત્યારે એક એંજીનીઅર એનું મધરબોર્ડ સ્ટીવને બતાવવા લઈ આવ્યો. એના વાયર જે રીતે દેખાતા હતા એ સ્ટીવને પસંદ ન પડ્યા. એંજીનીઅરે કહ્યું કે એ તો કેસીંગની અંદર જતું રહેશે, કોઈને ખબર નહીં પડે. સ્ટીવે કહ્યું પણ મને તો ખબર છે ને. મને આ નહી ચાલે. અને રાત દિવસ એક કરી સ્ટીવે કહ્યું એ પ્રમાણે સુધારા કરવામાં આવ્યા.
સ્ટીવ જોબ્સ માનતા કે ટેકનોલોજી સરળ હોવી જોઈએ. માત્ર ઉચ્ચ શિક્ષા પામેલા નિષ્ણાંંતો જ નહીં, પણ સામાન્ય માણસ વાપરી શકે એવી હોવી જોઈએ. એપલ એક સોફટવેર તૈયાર કરી રહી હતી. એની ટીમે ખૂબ મહેનત કરી, એવું સોફટવેર તૈયાર કર્યું કે માઉસની પાંચ ક્લિકમાં કામ પતી જાય. આ સોફટફેર બજારમાં મૂકવાના દિવસથી એક દિવસ પહેલા સ્ટીવને એનો ડેમો આપવામાં આવ્યું, પણ સ્ટીવને એ ન ગમ્યું. એણે કહ્યું, આપણે આ કામ માત્ર ત્રણ ક્લિકમાં થઈ શકે એવું સોફટવેર બનાવી શકીએ એમ છે. બસ ટીમ કામે લાગી ગઈ. ૨૪ કલાક કામ કર્યું, અને wow ત્રણ ક્લિકમાં કામ થઈ જાય એવું સોફ્ટવેર તૈયાર થઈ ગયું.
કેટલાક લોકો આને સ્ટીબ જોબ્સની ખરાબ બાજુ તરીકે ગણાવે છે. કેટલાક લોકો માને છે કે એમણે પોતાની મનોકામના પૂરી કરવા જુઠ્ઠું બોલીને લોક ઉપર દબાણ લાવ્યા હતા, અને સફળ થવા લોકોને માનસિક યાતનાઓ આપી હતી. તેમ છતાં જોબ્સ લોકો પાસેથી પોતાની ઇચ્છા અનુસાર કામ લઈ શક્તા હતા, અને ખૂબ જ સાંકડી સમય સીમામાં એ કામ પુરૂં કરાવી શકવાની એમની શક્તિ હતી એ વાતમાં કોઈ બે મત નથી.
એક રીતે એ અઘરી વસ્તુઓને સાવ સહેલી છે એમ કહીને લોકોનો ભય ઓછો કરતા હતા, અને લોકોમાં એવો વિશ્વાસ પેદા કરતા હતા કે આ કામ કરી શકાય એવું છે, અને એ નિર્ધારિત સમયમાં પુરૂં કરી શકાય એમ છે. આ એમની ટીમ ઉપર આડકતરૂં દબાણ લાવવાની એમની ચાલાકી હતી.
એમ કહેવાતું હતું સ્ટીવની હાજરીમાં હકીકત નરમ પડી જતી હતી. એ કોઈની પાસેથી પોતાની કોઈપણ વાતનો સ્વીકાર કરાવી શકતા હતા. જો કે એ હાજર ન હોય ત્યારે સ્ટાફના મનમાં સ્ટીવની વાત પ્રત્યે શંકા ઉત્પન્ન થતી, ખાસ કરીને સ્ટીવે નક્કી કરેલી સમય સીમાની બાબતમાં આવી શંકા થતી.
સ્ટીવ જોબ્સમાં પ્રતિભા પારખવાની અજોડ શક્તિ હતી. IT ઉદ્યોગમાંથી, અને વેપાર જગતમાંથી સર્વશ્રેષ્ઠ માણસોને એ ગમે તેમ કરી એપલમાં ખેંચી લાવતા. પેપ્સી કોલા કંપનીના CEO જોન સ્કલી કેલિફોર્નિયાના પાલોઅલ્ટૉ શહેરમાં સ્ટીવ જોબ્સની નજીકમાં રહેતા હતા. એને સીધી રીતે સમજાવત તો સ્કલી પેપ્સી છોડીને એપલમાં ન આવત. પણ જ્યારે જોબ્સે એને કહ્યું કે, “તમારે જીવનભર સાકરવાળું રંગીન પાણી વેંચવું છે કે મારી સાથે દુનિયા બદલી નાખવાના કામમાં જોડાવું છે?” આ એક વાક્યે સ્કલીના મગજનો કબ્જો લઈ લીધો, અને એ એપલ કંપનીમાં જોડાઈ ગયા. ત્યારે સ્ટીવ માત્ર ૨૫ – ૨૬ વરસના હતા.
જ્યારે આપણે હકીકત જાણતા હોઈએ અને જ્યારે કોઈ એ હકીકતને મરોડે તો સૌથી પહેલા આપણાં મનમાં આવે કે આ માણસ કહે છે એ ખોટું છે, પણ જો એ માણસ સ્ટીવ જોબ્સ જેવો હોય, અને એની પાસે એ વિષયનો અનુભવ હોય, એની પાસે સત્તા હોય તો એ આપણને convince કરી દેશે કે આપણાથી આ થઈ શકશે, અને થોડી વારમાં જ આપણે એની વાત માનવાની શરૂઆત કરી દઈએ છીએ. એના દબાણ હેઠળ આપણે આપણી બધી શક્તિઓને કેન્દ્રીત કરી, રાત દિવસ એક કરી એણે બતાવેલી દિશામાં આગળ વધી એને સાચો પુરવાર કરીએ છીએ.
કોમપ્યુટરની ભાષામાં કહું તો એ આપણા Mind ને Hack કરે છે અને એનું reprogramming કરે છે. તમે અશક્ય જણાતી વાતમાં શક્યતા શોધો છો અને તમને જવાબ મળે છે કે બધી શક્તિ અને સમય આમાં જ લગાડી દો. બસ બે જણનું કામ એક જણ કરવા લાગે તો સમય આપો આપ અરધો થઈ જાય. આત્મબળ આવતાં તમારી શક્તિઓની સીમાઓ પણ વિસ્તરે છે.
સ્ટીવ જોબ્સે તો આ Reality Distortion Field ને એટલું વિસ્તારેલું કે એમને શક્યતાની કોઈ સીમાઓ જ દેખાતી નહીં. એમને બધું જ શક્ય લાગતું. એ માનતા કે દરેક મુશ્કેલીનો હલ છે. એ એની આ દ્ર્ઢ માન્યતાનો ચેપ બીજા લોકોને પણ લગાડી શકતા. સ્ટીવમાં તીવ્ર જીજ્ઞાશા અને દુનિયા બદલી નાખવાની ધૂન હતી. સ્ટીવ જોબ્સ કહેતા કે મારે બ્રહ્માંડમાં ગોબો પાડવો છે. (I want to ‘put a dent in the universe.) અને આમ કરવા જે કરવું પડે એ કરવા હું તૈયાર છું. સ્ટીવ સાથે કામ કરવું બહુ અઘરૂં હતું.
હકીકતમાં દુનિયાના ઘણાં મહાન નેતાઓએ આવું કર્યું હતું, અને હજી કરે છે. હિટલરના નાઝી પક્ષે ૫૦ લાખ યહુદીઓને મારી નાખ્યા હતા. ગાંધીજીનું “કરેંગે યા મરેંગે” સૂત્ર પણ એક પ્રકારનું RDF હતું.
– પી. કે. દાવડા
V nice article!
આવી વ્યક્તિ માટે યુગપુરૂષ શબ્દ વપરાય છે – મેં કોઈન કરેલો શબ્દ – ‘પરિવર્તનકાર’
positive attitude and inborn abilities bring success among difficult circumstances. Jobs is a prime example. We appreciate Davdasaheb’s good article. Saryu Parikh
One more thing about Adolf Hitler and RDF; Zhe was successful in convincing Germans and many others that Germany was wronged against!! This is the power of RDF. Most dictatorial and autocratic leaders have higher level of RDF to get things done only their way
યા હોમ કરીને ઝુકાવો, સફળતા અવશ્ય મળશે. નિર્ધારી લીધા પછી કોઈ અવરોધને ન ગણકારવાથી આગળ વધવાનો માર્ગ મળે છે જે લક્ષ્ય પ્રાપ્તિ સુધી લઈ જાય છે. મનની આવી અડગ શક્તિ દરેક માનવીને મળેલી હોય છે. એ સુષુપ્ત શક્તિને જાગૃત કરવા કોઈની જરૂર પડે ત્યારે સ્ટીવ જોબ્સ જેવા લોકો દૃઢતા અને મક્કમતાથી કઠોર બની એ શક્તિને બહાર લાવવમાં અને તેને સક્રિય કરવામાં સહાયક બને છે. પણ જો આપણો આત્મવિશ્વાસ એટલો પ્રબળ હોય તો આપણે જાતે જ એ અસંભવિત જણાતું (ખરેખર તે એવું નથી હોતું) ધ્યેય પ્રાપ્ત કરી જ શકીએ…સુંદર, મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ, સરળ શબ્દોમાં રજુઆત…