થોડા વખત પહેલા ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા લખાઈ રહેલી નવી નવલકથાનું પ્રથમ પ્રકરણ અહીં મૂક્યું હતું અને એને વાચકોનો બહોળો પ્રતિભાવ મળ્યો હતો. આજે એનું દસમું પ્રકરણ ધ્રુવભાઈના સૌજન્યથી મૂકી રહ્યાં છીએ. એ સમયે આ નવલકથાને ‘ના’ એવું નામ આપેલું જે હવે ‘ન ઇતી…!’ છે. સાથેે તેેેેનું મુુુુખપૃષ્ઠ પણ પ્રથમ વખત ધ્રુવભાઈના વાચકો સમક્ષ મૂક્યું છે.
શા માટે આવું મુખપૃષ્ઠ?
૧. કવર-પેજ પર મૂકેલી તસવીરમાં છે તે ઈબુ પર્તિવીની મૂર્તી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રીય મ્યૂઝીયમમાં છે પ્રાગૈતિહાસિક સમયથી ઇન્ડોનેશિયાના દ્વીપસમૂહના આદિવાસીઓ પૃથ્વીને જીવન આપનાર માતા, પ્રકૃતિની દેવી માનતા. પ્રથમ સહસ્ત્રાબ્દીમાં આ મૂર્તી બની અને તેને દેવી પૃથ્વી (પર્તિવી) નામ આપવામાં આવ્યું.
(ફોટો લીંક https://i.pinimg.com/originals/dd/1/43/dd1c436a3f337867be47bc07879a5015.jpg)
૨. પાશ્ચાદભૂમાં સંધ્યા સમયના આકાશમાં દેવયાની તારાવિશ્વ (The Andromeda Galaxy) નું ચિત્ર છે. આકાશ સાવ સ્પષ્ટ હોય અને બીજા કોઈ પ્રકાશનો અવરોધ ન નડે તો આ તારાવિશ્વ નરી આંખે મોટા ઝાંખા ધાબા જેવું જોઈ શકાય છે. આ તારાવિશ્વ જો વધુ પ્રકાશિત હોત તો તે પૃથ્વી પરથી આ ચિત્રમાં બતાવ્યું છે તેવું અને તે માપનું દેખાત.
* * *
પિરથી જાગી ત્યારે પરોઢનો આછો ઉજાશ થવાને પણ થોડી વાર હતી. માને આથમી ગયો હતો તેન્દ્રએ આથમણી દિશાએ નમવાનું શરુ કરી દીધું હતું. માને અને તેન્દ્ર બેઉ ચંદ્રો એક દિશામાં આવે ત્યારે દરિયો જાણે ઉભરાતો હોય તેમ ઉછળતો હોય છે. આજે પણ સમુદ્રનું ગર્જન અહીં, ટેકરી સુધી સ્પષ્ટ સાંભળી શકાતું હતું.
ટેકરી પર ધાસ છાયેલી છાપરી તળે, પોતાની ખાટલીમાં બેઠા રહીને પિરથીએ બેઉ હાથ ફેલાવીને મરડ્યા. શરીરને પણ જુદી જુદી રીતે મરડીને આળસ ખંખેરી, પછી ઊભી થઈને છાપરી તળેથી બહાર આવી. ઉપરના ખડકોમાંથી નિતરતા ઝરણમાં પોતાનું મો ધોયું. પછી ઉપર, આકાશ ભરીને ઝળકતા નક્ષત્રોને આંખમાં ભરી લેવા હોય તેમ ચારે દિશામાં નજર ફેરવી.
ભૂઈના રહેવાસીઓ માટે આકાશ પરમ રહસ્યની ચીજ છે. એક તો તે નજીકની પરિચિત વસ્તુ નથી. દૂરની ચીજ છે. હા, તેમાં વાદળો આવે છે. વીજળીઓ થાય છે. ડમરીઓ ચડે છે; પરંતુ એ બધું તો નજીકનું, સ્વાભાવિક અને વાતાવરણના એક ભાગ જેવું લાગે છે. તે કંઈ મોટી અજાયબી નથી. ‘જેમ અમે છીએ. જેમ ઝાડ-પાન. ટેકરીઓ, મેદાનો, નદીઓ કે દરિયો છે. તેમ આ બધું પણ છે.’ તેવી રીતે તેને સ્વીકારી લેવાય છે.
જે અજાયબ લાગે છે તે પોતાના વાતાવરણનું નથી. તે તો બહુ દૂરનું છે. દિવસે તે ભૂરું દેખાય છે, તેમાં બોહાન નામે ઓળખાતો સૂર્ય આવે છે. બોહાન ઉદય અને અસ્ત સમયે આકાશમાં વિવિધ રંગ છટા પ્રગટ કરે છે.
રાત્રે તે કાળું થઈ જાય છે. આ કાળા, વધારે સૌંદર્યમય અને વધુ રહસ્યમય રાતના આકાશે ભૂઈવાસીઓને હમેશાં સંમોહિત કર્યા છે. તેમાં પણ બેમાંથી એકેય ચંદ્ર ઉગેલો ન હોય ત્યારે તો ઉપર આકાશનું અને નીચે ભૂઈનું સૌદર્ય અને તેના રહસ્યો અપાર વધી જાય છે.
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ભૂઈવાસીઓના પૂર્વજો તે કાળા નભમાં ચળકતા નક્ષત્ર લોકના, કોઈ અજાણ્યા ખૂણેથી ભૂઈ પર આવ્યાની કથા છે. ના દંતકથા નહીં. કથા છે. તે કથા સત્ય હોઈ શકવાનું એક પ્રમાણ તો આંખ સામે છે.
એક તો એ બહાર આવેલા પૂર્વજો બોલતા હશે તે ભાષા ભૂઈ પર બોલાતી ભાષાથી સાવ જુદી છે. પૂર્વજોએ તેમની ભાષામાં તેમના પ્રદેશની વાતો કહી છે. જીવનના ડહાપણ કહ્યાં છે. આવા કથનો કેટલાંયે ભૂઈવાસીઓના કંઠમાં અને મનમાં શ્રૃતિઓ દ્વારા ઉતર્યા અને સચવાયા છે. ઘણાંને તો શ્રૃતિઓ અને તેના સત્રો મોઢે છે. શાસ્તા જેવા વયસ્કો તો પૂરા અર્થ સહિત બધું જાણે છે.
બીજું કે ભૂઈના આકાશમાં રાત્રે જે નક્ષત્રો અને તારાના જુથ દેખાય છીએ તેનાં કરતાં સાવ અલગ નક્ષત્રો અને તારાઓના જુથ, તેમના નામ અને વર્ણનો પૂર્વજોની કવિતાઓમાં છે. એટલે પૂર્વજોનું અને ભૂઈવાસીઓનું આકાશ એક નથી.
ત્રીજું એકે શ્રૃતિઓ એવું ગાય છે કે તે પૂર્વજોના પૂરાણા પ્રદેશમાં વિવિધ વાહનો અને ઉડતાં યાનો ઉપરાંત એવી કેટલીયે વસ્તુઓ હતી જે ભૂઈવાસીઓએ ક્યારેય જોઈ નથી. કહો, ભૂઈના નિવાસીઓ ઉપર દેખાતા નક્ષત્રોમાંના એકાદ તારાની દુનીયામાંથી ભૂઈ ઉપર આવ્યાં છે તેનું આથી વધુ મોટું બીજું પ્રમાણ ક્યું હોઈ શકે?
એટલે દરેકને રાતનું આકાશ જોવું ગમે છે. જાણે કોઈ જાદુ જોતા હોય તેમ લોકો આકાશ તરફ જોઈ રહે છે. કાળા આકાશને અને તેમાં ટમકતાં નાના મોટા તારકોને જોતાં લોકોના મનને કશીક જુદી, સાવ નવી, થોડો મિઠ્ઠો ભય પમાડનારી, એક અજાયબ લાગણી થાય છે.
પરોઢ ખૂલવાને થોડીવાર હોય ત્યારે આકાશની અને આસપાસના વાતાવરણની મોહિનીને માણી લેવા માટે પીરથી આ ટેકરી લગભગ રોજ ચડે છે. ટેકરીને મથાળે એક સપાટ નાના મેદાન વચ્ચે ઊભેલા માથાભર ઊંચા બે-ચાર ખડકોમાંથી એકાદ પર ચડે અને આંખો બંધ કરીને શાંતિથી બેસે.
આજે અચાનક પિરથીનું ધ્યાન સામે, આકાશમાંથી ધરતી સુધી લંબાયેલા ઝાંખા, સફેદ પટ્ટા તરફ ગયું. તેણે થોડું નિરિક્ષણ કરીને માન્યું કે દરિયા પરથી વહી આવતા વાવડાએ વધારે જોર કર્યું હશે. એટલે અરણી જેવાં ઝાડની ડાળો ઘસાઈને સળગી હોય તેનો ધૂમાડો તેંદ્રના ઉજાશમાં ચમકે છે.
તે શું છે તેનો આગળ વિચાર કરવો પડતો મૂકીને પિરથી ટેકરી ચડી. છેક મથાળે એક ઊંચા ખડક પર પલાંઠી વાળીને બેઠી. પોતાના બેઉ હાથ ઊંચા કરીને માથા પાછળ મૂક્યા. પછી મસ્તકને ધીરે ધીરે આગળ નમાવ્યું. માથું પોતાના પંજાને અડાડીને પાછી ટટ્ટાર થઈને બેઠી. આસપાસના જગતને જાણે શ્વાસમાં ભરી લેવું હોય તેમ તેણે ઊંડો શ્વાસ લીધો.
એક ધ્યાન થવા માટે આંખો બંધ કરે તે પહેલાં પિરથીની દૃષ્ટિ ફરી પેલા પટ પર પડી. આ વખતે તેને કશુંક નવું લાગ્યું. આગનો ધૂમાડો પવનમાં વિખરાઈને ફેલાઈ જાય. પેલા પટ્ટો પણ થોડે ઊંચે સુધી વિખરાયેલો દેખાય છે; પરંતુ ઉપરના આકાશમાં તે છેક અનંતમાં જતો હોય તેટલે ઊંચે સુધી અંકાયેલી જાડી લીટીઓ જેવો દેખાય છે. ધૂમ્રસેરને આટલે ઊંચે ચડતી પિરથીએ આ પહેલાં જોઈ નથી. તેને થોડું આશ્ચર્ય થયું.
પિરથી જરા વિચારમાં પડી. પણ પછી એક નાનકડો, ધૂમ્રસેર જેવો આભાસ પોતાના ધ્યાનમાં ખલેલ પાડે તે તેને ગમ્યું નહીં. અંતે, ‘ખબર નહીં, કદાચ ઉલ્કા ખરી હોય. બહુ મોટી.’ કહીને તેણે મનને શાંત ચિત્તે ધ્યાન કરવા તરફ વાળ્યું.
રોજ બરાબર સૂર્ય ઉગવાની દિશામાં જોઈને બેસતી પિરથી આજે સહેજ જમણે ફરીને સમુદ્ર તરફ મો કરીને બેઠી. એક તરફથી પડતા ચંદ્રના ઝાખા-પાંખા ઉજાશમાં ખડક પર, પોતાના બંન્ને હાથ ગોઠણો પર રાખીને તંગ શરીરે બેઠેલી સુદૃઢ બાંધાની પિરથીનો પડછાયો નીચેની રેતાળ ટેકરીના ઢોળાવ પર લંબાતો જતો હતો.
પિરથી ખાસ્સી વાર બંધ આંખે, મૌન બેસી રહી. પક્ષીઓ જાગવા માંડ્યા. ઘીમે ઘીમે વધતા પ્રકાશ સાથે કલરવ પણ ધીરે ધીરે વધતો ગયો. નીચે બધાં જાગવા માંડ્યા. હવે પિરથીએ આંખ ખોલી. પોતાના બેઉ હાથ ચહેરા પર ફેરવીને તેણે પલાંઠી છોડી.
ઢોળાવ પાછળથી વાતાવરણને ભરી દેતો વૃદ્ધત્વ તરફ સરકી રહેલા શાસ્તાનો અવાજ સંભળાયો.
સત્યં બૃહદ્દતમુગ્રં, દિક્ષા, તપો, યજ્ઞઃ ભૂઈમ્ ધારયંતી |**
સાનૌ ભૂતસ્ય ભવ્યસ્ય પત્ન્યરું લોકૈ ભૂઈ નઃ કૃણોતુ ||
(વિશાળ, અટલ. ઋતમયી, તેજોમયી, સ્વકર્મમાં દક્ષ, મહા જ્ઞાની, દાન અને ત્યાગના ગુણો થકી જે આ લોકને ધારણ કરે છે તે ભૂઈ પ્રાચિન, વર્તમાન અને ભવિષ્યમાં આવનાર બધા પદાર્થોનું પાલન કરી શકે એટલી વિશાળતાને પામો (પૃથ્વી સૂક્તમાંથી, એક શબ્દનો ફરક કરીને))
પિરથીએ આસન ત્યાગ્યું અને ખડક પર ઊભી થઈ. શાસ્તાનો સ્વર આટલે દૂર પણ તેણે સાંભળ્યો. તે મનોમન બોલી પણ ખરી, ‘શાસ્તા, ભૂઈની તું કરે છે એટલી ચિંતા અમે નથી કરી શકતા!’ બોલતાં બોલતાં જ તે ખડક પરથી કૂદીને નીચે આવી.
સામી દીશા વધારે ખૂલીને ઉજળી થવા માંડી હતી. બોહાન કહેવાતો સૂર્ય હજી બહાર નહોતો આવ્યો. ટેકરીનો ઢાળ ઉતરીને નીચે તરફ જતી પિરથીની નજર ફરી એકવાર પેલા પટ્ટની દિશામાં ગઈ. ત્યાં હવે કશું નહોતું. પટ્ટો વિખરાઈ ગયો હતો. હા, છેક ઉપરના આકાશમાં, ભૂઈની ક્ષિતિજ પાછળ સંતાયેલા બોહાનના કિરણો પહોંચતા હતા ત્યાં એક નાની લીટી જેવો રાતો પ્રકાશ ચમકતો હતો.
પિરથી તે પ્રકાશ સામે જોતી જોતી નીચે ગઈ ત્યાં સુધીમાં તેનો રંગ ઝડપભેર બદલાઈને ચમકતો પીળો, રાખોડી અને તરત સફેદ થઈને વિલાઈ ગયો. પિરથી વધુ કંઈ જોઈ શકે તે પહેલાં બોહાન ક્ષિતિજે ડોકાયો. હવે આકાશ સ્વચ્છ અને પારદર્શક હતું.
પિરથીને લાગ્યું કે ત્યાં જરૂર કશુંક થયું તો હતું. બે પળ રોકઈને પેલો પટ્ટો જ્યાં બન્યો હતો તે સ્થળ આસપાસની નિશાનીઓ તેણે તપાસી. તેને તરત સમજાયું કે સ્થળે તો દરિયા કિનારાના વિકરાળ અને ખડકાળ ભાઠોડા હોવા જોઈએ. ત્યાં વૃક્ષ કે ધાસ કશું ન હોય. તો પછી ત્યાં આગ પણ ન હોય.
પિરથીએ મનોમન નક્કી કર્યું કે પોતે આજે જ બને તેટલી ઉતાવળે તે જગ્યાએ જઈને જોઈ આવશે.
પીરથી ઢોળાવ ઉતરી તો શાસ્તા ગાયની પીઠ પર હાથ રાખીને ચાલ્યો આવતો હતો. તેણે ગાયને ડોકે વળગીને વહાલ કર્યું, પંપાળીને ઊભી રાખી અને પૂ્છ્યું, ‘બે બાળકો અને બે માંદા. ચાર જણાં છે. તેમને તો દૂધ જ પીવરાવી શકાય તેમ છે. બોલ, તારું દૂધ લઉં?’
‘દૂધ માટે તો એને અહીં લઈ આવ્યો છે.’ પિરથીએ શાસ્તા પાસે આવતાં બોલી, ‘એ પણ દૂધ આપવા તો આવી છે. હવે પૂછીને શો અર્થ છે? ઊભો રહે, હું હાંડલી લઈ આવું અને તને દૂધ લઈ આપું.’
‘પૂછવું પડે દિકરા, બધાને બધું પૂછવું પડે. તમે બધાં ઝાડવાંને પૂછ્યા વગર તેનાં ફળ વેડી લાવો છો તે પણ મને તો ગમતું નથી.’ શાસ્તાએ કહ્યું.
ગાયે ડોક વાળીને શાસ્તા સાથે માથું ઘસ્યું.
એટલી વારમાં પિરથી ઘરમાંથી વાસણ લઈને બહાર આવી અને ગાયનું દૂધ લેવા માંડી. જરૂર પૂરતું દૂધ થઈ ગયું એટલે પિરથી ઊભી થઈ.
શાસ્તાએ એક વૃક્ષનું પાન ચોળીને ગાયના કપાળે ટીલી કરતાં કહ્યું, ‘લે આ નિશાની. બીજાને ખબર પડે કે આ ગાય દોહવાઈ ગઈ છે.’
પિરથીએ ગાયને ફરી વહાલી કરીને કહ્યું, ‘જા. હવે જા, હવે તારો વારો હમણાં નહીં આવે.’
ગાય શાસ્તા સાથે જે રસ્તે આવી હતી તે રસ્તે વનોમાં જતી રહી.
પિરથીએ શાસ્તાને પૂછયું, ‘આ દૂધ કોને પાવાનું છે?’
શાસ્તાએ કહ્યું, ‘લુનેરીના છોકરાને. પેલી કીબલા માંદી છે તેને. સુગત હજી ખાતો નથી થયો. એ બધાને પાઈ દઈશ.’
‘અને શાસ્તાને?’ પિરથીએ પૂછ્યું અને બોલી, ‘હવે તારે પણ દૂધ પીવું પડે એટલી ઉમ્મર તો થઈ છે. વનોમાં ગાય અને બીજાં દૂધાળાં પ્રાણીઓ ઓછાં નથી ફરતાં. જેને કહીએ તે તને એકને શઈ રહે તેટલું દૂધ તો લેવા દેશે.’
શાસ્તા હા… હા… હા. કરતો હસી પડ્યો અને બોલ્યો, ‘જરાક દયા રાખ મારી મા. બધાં દૂધાળાં પ્રાણીઓ જાણે છે કે શાસ્તા તો હજી ટગલી ડાળે જઈને આમળા ઊતારી લાવે એટલો મજબૂત છે. એટલે મારા નામે દૂધ માગીશ તો તને એક બકરું પણ દોવા નહીં દે.
આમ કહીને શાસ્તાએ લુનેરીને સાદ દીધો. લુનેરી વાસણ લઈને આવી. તેના બાળક માટે દૂધ આપતાં શાસ્તાએ તેને કહ્યું, ‘દ્રોણી જમીનો કોરી થઈ ગઈ હશે. જેમાંથી દોરીઓ બનાવો છો તે શાણી હવે પાકશે. નિતારની જમીનોમાં પરુત્તિના ફૂલો પણ વિણવા માટે તૈયાર થઈ ગયા હશે.’
પિરથી ઊભી રહી અને વહાલથી ગુસ્સો કરતી હોય તેમ શાસ્તાને કહ્યું, ‘ફૂલો ક્યારે તૈયાર થશે અને ક્યારે ચૂંટવાના તેની ખબર લુનેરી રાખે છે. દોરાં અને કપડાં વણનારા પણ તૈયારી કરે છે. તારે હવે અમને શ્રૃતિઓ સંભળાવવા સિવાય કંઈ કરવાનું નથી.’
‘વાહ, રે વાહ.’ શાસ્તાએ હસતાં હસતા કહ્યું, ‘હું બીજું કંઈ નહીં કરું તો તારી વઢ કોણ સાંભળે?’
પિરથીએ કહ્યું, ‘મારી વઢ તારા પર ચાલે છે ખરી પિતર? મારી મા સિવાય તને કોઈ પહોંચતું નહીં.’
શાસ્તા ફરી જોર જોરથી હસ્યો અને કહ્યું, ‘અરે વાહ, આ રહસ્યની તો મને આજે ખબર પડી કે તારી મા મારી દોરી તને પકડાવીને ગઈ છે.’
‘તું દોરીમાં બંધાઈને રહે ખરોને!’ પિરથીને બદલે લુનેરીએ શાસ્તાને જવાબ આપ્યો. પછી જતાં જતાં પિરથીને કહ્યું, ‘પિરથી, મને થાય છે કે આ વખતે. હું બે-ત્રણ દિવસ વહેલી નીકળી જઉં. છોકરાને તારી પાસે મૂકી જઉં તો તું આવ ત્યારે લેતી આવજે.’
‘હા. હા. હજી તો વાર છેને? અત્યારથી ચિંતા કરમાં.’ પિરથીએ કહ્યું અને પૂછ્યું, ‘નાલિકેર લેવા જઉં છું. તારે જોઈએ છીએ?’
‘ના. અમે ઉપરના વનોમાંથી શગ્રુ અને બીજાં ફળો લેવા જવાના છીએ.’ લુનેરીએ કહ્યું અને ગઈ.
પીરથીએ નાનું દોરડું લઈને કમ્મરે વીંટ્યું. પછી શાસ્તાને કહીને દરિયા કિનારે સુદૂર પથરાયેલા દૂર્ગમ ભાઠોડા પાછળના નાળીયેર વનો તરફ ચાલી.
દર વખતે ઉપરના રસ્તે ચાલીને સીધી વનોમાં પહોંચતી પિરથી આજે દરિયે રેતીમાં ઉતરીને ચાલી. દરિયેથી ભાઠોડાં ચડીને નાળીયેરીઓ સુધી પહોંચવું અઘરું છે. છતાં પિરથીને પેલી પટ્ટા વાળા જગ્યા જોઈ લેવી હતી.
ખાસ્સો સમય ચાલ્યા પછી પિરથી ભાઠોડાં પાસે પહોંચવા આવી. ભાઠોડાં તરફ ધ્યાનથી જોતાં જોતાં ચાલી જતી પિરથીએ એક વાર દરિયા પર પણ નજર કરી. કિનારાની રેતમાં તેણે થોડાં બિલાડ-વાનરોને જોયાં. વાનરો એક જગ્યાએ ભેગા થઈને કશુંક જોતાં હતા. કેટલાંક પૂંછડીના ટેકે બે પગ પર ઊચાં થઈને ચારે તરફ કોઈ મદદ શોધતાં હોય તેમ જોતા હતાં.
પીરથી દોડીને તે ટોળી પાસે પહોંચી. ત્યાં રેતીમાં કોઈ બેહોશ થઈને પડ્યુ હતું. પિરથીએ આવો વેશ પહેરેલા કોઈને ક્યારેય જોયો નહોતો.
બેહોશ હતો તેનો શ્વાસ ચાલતો હતો. પિરથીએ નાળિયેરી તરફ આંગળી કરીને માત્ર મુખભાવોથી બિલ્લાઓને વિનંતી કરી અને ટોળી ઉપડી.
નાળીયેરનું પાણી મોં પર અને મોમાં પડતાં બેહોશની આંખો ફરકી અને ખૂલી.
પીરથીએ તેના પર નમીને તેને પૂછ્યું. ‘તું કોણ છે?, ક્યાંથી આવ્યો છે?’
પિરથીએ કહેલા શબ્દોમાંનો એક પણ શબ્દ સાંભળનારને પોતાની ડિક્ષનરીમાં મળતો નહોતો..
– ધ્રુવ ભટ્ટ
Dhruv Bhatt Na Iti Novel Gujarati
Pingback: book review of dhruv bhatt's na iti by tumul buch | Aarsh
|| ન ઇતિ.. || મારા હાથમાં છે અને મેં વાંચવાની શરૂઆત કરી છે.
સરસ રવિભાઈ
આશા રાખું કે તમને ગમે
રવિભઈ,
છપાઈ રહી છે. મને લાગે છે કે આ મહીનાના અંતે મળતી થવી જોઈએ.
ગુર્જર ગ્રથ તેને છાપે છે
ધ્રુવ
ધ્રુવદાદા ડિસેમ્બર મહિનો પૂર્ણ……..
ધ્રુવદાદા ”ન ઇતિ” પુસ્તક રૂપે બહાર પડી જાય તો કહેવા મારી વિનંતી છે.
નમસ્તે ધ્રુવ દાદા,
મેં આજે ગુર્જર ગ્રંથમાં ફોન કર્યો હતો.
એમણે કીધું; ”હજુ કોઈ સમાચાર અમારી પાસે નથી આવ્યા. કદાચ છપાતી હશે.”
ધ્રુવદાદા તમને થતું હશે કે આ રવિ તો માથું ખાઈ ગયો………..
પણ આ પુસ્તકના બે પ્રકરણ વાંચ્યા પછી આગળનું વાંચવાની ઈંતેજારી વધી ગઈ છે……………
ધ્રુવ દાદા આખી નવલકથા પુસ્તક રૂપે ક્યારે પ્રગટ થશે ?
શક્ય હોય તો જવાબ આપજો.
ચંદ્રકાંતભાઈ,
તમારી નોંધ વાંચીય આશા રાખું કે તમે પહેલું પ્રકરણ પણ જોયું હોય.
પ્રતિભાવ માાટે આભાર
ધ્રુવ
ઈન્દુબહેન,
માનું છું કે પહેલું અને દશમું બન્ને પ્રકરણો આપના ધ્યાને આવ્યાં હશે.
પ્રતભાવ બદલ આભાર
ધ્રુવ
આભાર , ધ્રુવ ભટ્ટની વાર્તા નવા મુખ પૃષ્ઠ સાથે મુકવા બદલ.
ધ્રુવ ભટ્ટની કૃતિ વિષે શું કહેવાનું હોય? ઇન્ટરનેટ પર આવા સર્જાતા સાહિત્યનો પ્રસાદ વહેંચવો તે પુણ્યકાર્ય છે.
-ચન્દ્રકાન્ત ભોગાયતા. ભાવનગર
રવિભાઈ
માર સમજ પ્રમાણે ન ઈતી એટલે આ નહીં. નોટ ધીસ.
પોતાના દર્શનો વિશે ભારતીય પ્રણાલી તો ‘નેતી નેતી’ એટલે કે ન ઈતિ ન ઈતિ કહેવાની જ છે. અર્થાત્ કશુંયે કદી અંતિમ હોતું નથી. જો અંતિમ મળી જાય તો બધું જ અટકી પડે કોઈએ આગળ કંઈ કરવાનું જ ન રહે. ભારતીય ઋષીઓએ દરેક દર્શન અને દરેક સત્ય માટે નેતી નેતી નું જ વલણ લઈને શોધ ચાલુ રાખવા કહ્યું છે. આ બહુ મોટો વૈજ્ઞાનિક અભિગમ છે. શોધ ક્યારેય અટકવી ન જોઈએ. કશુંયે પૂર્ણ નથી તેમ માનવું તે બહુ મોટી વાત છે.
આ કથા માટે મૈં ના નામ રાખેલું તે અમુક વસ્તુઓ ન કરો તેવું કહેવાના અર્થમાં હતું. પરંતુ પાત્રો વાર્તા લખાવતા થઈ ગયા એટલે નવા આયામો ખૂલતા ગયા. એક સ્થળે લાગ્યું કે કશાની પણ ના કે હા કહેવાથી તો હું કશુંક સ્વિકારી લઉં છું. આડકતરીરીતે મારી વાત સાચી છે તેવું સૂચવું પણ છું. મારા મનને આનો ભાર લાગ્યું. એટલે પછી મેં ‘આ નહીં’ કહીને મારી વાત સાચી છે તેવું માનવાથી જાતને પાછી વાળી લીધી. હવે રીલેક્સ થઈને લખાય છે.
ધ્રુવ
મારા પ્રશ્નનો જવાબ દેવા અને મારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ધ્રુવ દાદા………….
હવે હું ”ન ઇતિ” અર્થ બરાબર સમજ્યો.
”ન ઇતિ” પુસ્તકની રાહમાં……………..
આપના દીકરા જેવો,
આપના લખાણનો ચાહક,
રવિ ડાંગર.
કેટલી સરસ વાત કરી દાદા
ઓહો ૧૦મું પ્રકરણ……..ધ્રુવદાદા…………આ પ્રકરણ મૂકવા માટે ખૂબ આભાર.
આ ૧૦માં પ્રકરણની ભાષાશૈલી અદ્દભૂત છે. ગુજરાતી ભાષા છે છતાં પૃથ્વી સિવાયના બીજા જ કોઈ ગ્રહની ભાષા હોય એવું લાગે……
તો આ નવલકથાનો નાયક ઓ-ટેન પૃથ્વી પરથી આ ભૂઈ નામના બીજા ગ્રહ ઉપર કોઈ અકસ્માતે આવી ગયો છે એવું મને લાગે છે…….. આગળ જતા આ નવલકથા ખૂબ જ રસપ્રદ બનવાની છે.
આ નવલકથા પુસ્તક રૂપે બહાર પડે એટલે એનો પહેલો ખરીદદાર અને વાચક હું હોઈશ ધ્રુવ દાદા……………..
”ન ઇતિ” પુસ્તકની રાહમાં……………………
ધ્રુવ દાદા એક પ્રશ્ન છે. ”ન ઇતિ”નો અર્થ શું થાય????? મને બે અર્થ સૂજે છે. સાચો અર્થ શું થાય એ તમે કહેજો.
૧. જેનો કોઈ અંત / છેડો નથી તે એટલે ”ન ઇતિ”
૨. નિયતિ એટલે ”ન ઇતિ”