ઉનાળાના એ ગુંગળાવી નાખે એવા દિવસે એમોનની ઑફિસની અંદર ખુલ્લી બારી પાસે બેઠેલા ઓસ્કરના મનમાં શરુઆતથી જ એવી છાપ પડી હતી કે આ મુલાકાત એક નાટક જ બની રહેવાની હતી! કદાચ મેડરિટ્ઝ અને બૉસને પણ એવું જ લાગ્યું હશે, કારણ કે તેમની નજર પણ વારેઘડીએ એમોન પરથી હટીને બારીની બહાર દેખાતી ચૂનાના પત્થરની ટ્રોલીઓ પર, અને આવ-જા કરતી ટ્રકો કે વેગનો પર જ જતી હતી.
મુલાકાતની વિગતો નોંધી રહેલા એક માત્ર અન્ટર્સ્ટર્મફ્યૂહરર લિઓ જોહ્નનને જ ખુરસી પર સીધા બેસીને કોટનું ઉપરનું બટન બંધ રાખવાની જરૂરીયાત લાગી હતી. એમોને આ મુલાકાતને સુરક્ષા પરિષદ તરીકે ઓળખાવી હતી. એણે જાહેરાત કરી, “જો કે હવે મોરચા પર બધું કાબુ હેઠળ છે, પરંતુ રશિયન લશ્કર વૉરસોના પરા વિસ્તાર સુધી પહોંચી ગયું હોવાથી જર્મન કબજા હેઠળના બધા જ વિસ્તારોમાં બળવાખોરીની પ્રવૃત્તિ વધી ગઈ છે. જે યહૂદીઓને આ વાતની ખબર પડી છે, તેમનામાં પણ નાસી જવાની હિંમત વધી ગઈ છે. જો કે તેમને ખબર નથી કે છૂટા ફરી રહેલા યહૂદીઓ માટે હત્યારા પોલિશ બળવાખોરોની ઝપટે ચડવા કરતાં આપણી જેલમાં બંધ રહેવું હિતાવહ છે. એ જે હોય તે, બહારના બળવાખોરોના હુમલા સામે આપણે બધાએ સતર્ક રહેવું જરૂરી છે, અને તેનાથી પણ વધારે સતર્ક રહેવું પડશે બહારના એ બળવાખોરો અને આપણી જેલમાં રહેતાં કેદીઓ વચ્ચેની મૂઠભેડથી.” એમોને ઈશારો કરતાં કહ્યું
પ્લાઝોવ પર આક્રમણ કરીને, પોલિશ અને યહૂદી લોકોને જર્મનોની જેલછાવણીઓમાંથી છોડાવીને તેમની મદદ વડે બળવાખોરો તાત્કાલિક એક લશ્કર ઊભું કરી લે, એવું એક દૃશ્ય ઓસ્કર કલ્પી રહ્યો હતો! અત્યારે તો આ એક દિવાસ્વપ્ન જ લાગતું હતું! આવી વાતોને માને પણ કોણ? પરંતુ આ તો એમોન હતો! પોતે જે માનતો હતો તે વાત બધાના મનમાં ઠસાવવાનો પ્રયત્ન એ કરી રહ્યો હતો. તેની આ નાનકડી મુલાકાત પાછળ કંઈક કારણ હતું એ ચોક્કસ! ઓસ્કરને તેની ખાતરી થઈ ગઈ હતી.
બૉસે ઓસ્કરને કહ્યું, “બળવાખોરો જો તમારી છાવણીમાં છાપો મારવાના હોય તો હું તો એવી જ આશા રાખું, કે તમે મને અહીં બોલાવો એ દિવસે તો આવું ન જ બને!”
“સાચી વાત છે,” શિન્ડલર ધીમેથી બબડ્યો.
એ મુલાકાતનું કારણ જે હોય તે, પરંતુ મુલાકાત પૂરી થયા બાદ ઓસ્કર એમોનને વહીવટીભવન પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે લઈ ગયો અને કારની ડીકી ખોલી. કારની ડીકીમાં ક્રેકોવની દક્ષિણે આવેલા પહાડોમાં આવેલા ઝેકોપેન વિસ્તારની લોક-શૈલીમાં ઝીણું કોતરકામ કરેલી ચીજ-વસ્તુઓ પડી હતી. ડેફના મજૂરો પેટે ચૂકવવા પાત્ર રકમની કમાન્ડન્ટ ગેટેને બદલે હવે સીધી ક્રેકોવ વિસ્તારના જનરલ પોહ્લના ઓરેનબર્ગના મુખ્યાલયના પ્રતિનિધિને અપાતી હતી. તે છતાં પણ, ઓસ્કર ગેટેને આવી ભેટો આપે એ જરૂરી હતું.
ઓસ્કરે ભેટની વસ્તુઓ સાથે એમોનને પણ કમાન્ડન્ટ વિલા સુધી પહોંચાડવાનો વિવેક કર્યો.
આવા કાળઝાળ દિવસે ટ્રોલીને ધક્કો મારનારા લોકોનો કામ પ્રત્યેનો ઉત્સાહ ઘટી જતો હતો, પરંતુ ઓસ્કરે આપેલી ભેટને કારણે એમોન આજે સંતુષ્ટ હતો! અને આમ પણ, કારમાંથી ઉતરીને અચાનક જ કામ કરી રહેલા માણસોને મારી નાખવાની પરવાનગી હવે તેની પાસે રહી ન હતી! ઓસ્કરની કાર સૈનિકોની બેરેક પાસેથી પસાર થઈને એક પાટા પાસે પહોંચી, જ્યાં પશુઓને ભરવાના ડબ્બા ઊભા હતા. ડબ્બાઓની છત પરથી પરાવર્તિત થઈ રહેલી ગરમી અને ડબ્બાની ઉપર સંકોચાઈને ઝળુંબતું ધુમ્મસ એકમેકમાં ભળી જતું હતું, એ દૃશ્ય પરથી ઓસ્કર એવું અનુમાન લગાવી શકતો હતો, કે એ ડબ્બામાં લોકોને ખીચોખીચ ભરી દેવામાં આવ્યા હતા. એન્જિનના સીસકારાની સાથે-સાથે ડબ્બાઓમાંથી લોકોના કણસવાના અને પાણી માગવાના પોકારો પણ આવી રહ્યા હતા!
ઓસ્કરે કારને બ્રેક મારી અને ડબ્બામાંથી આવી રહેલા અવાજોને એ ધ્યાનથી સાંભળવા લાગ્યો. એમોનને આપવા માટેની કિંમતી ભેટસોગાદો હજુ કારમાં જ પડી હતી એટલે એમોને પણ તેને કાર રોકવા બદલ ટોક્યો નહીં. પરંતુ એમોન પોતાના આ લાગણીશીલ મિત્ર પર ઉપેક્ષાપૂર્વક હસવા જરૂર લાગ્યો. “એ ડબ્બાઓમાં અડધા લોકો પ્લાઝોવના છે,” એમોને કહ્યું. “અને અડધા ઝેબનીના છે. તે ઉપરાંત મોન્ટેલ્યુપિકના પોલિશ અને યહૂદીઓ પણ છે. એમને મૌથૌસેન મોકલવાના છે.” એમોન વિચિત્ર રીતે બોલ્યો. “તને એમ છે કે એ લોકો ફરિયાદ કરી રહ્યા છે? અરે… એમને તો એ પણ ખબર નથી કે ફરિયાદ એટલે શું?”
ડબ્બાઓની છત ગરમીને કારણે ભયાનક તપી ગઈ હતી. ઓસ્કરે એમોનને પૂછ્યું, “તમારા ફાયર બ્રિગેડને બોલાવું તો તમને કોઈ વાંધો તો નથીને?”
‘બીજું શું શું જોઈશે તારે!’ એમોન જાણે આમ પૂછતો હોય એ રીતે હસી પડ્યો. તેના કહેવાનો અર્થ એવો હતો, કે ઓસ્કર સિવાય બીજા કોઈને ફાયરબ્રિગેડને બોલાવવાની પરવાનગી એ ન આપે, હા ઓસ્કરને એ જરૂર ચલાવી લે, કારણ કે ઓસ્કર જ એક એવો માણસ હતો જેને ના ન કહી શકાય! અને વળી આ આખી ઘટના પરથી, પોતાની ડિનર-પાર્ટીમાં કહીને એમોન બધાનું મનોરંજન કરી શકે એવો એક સરસ રમુજી પ્રસંગ ઊભો થઈ શકે તેમ હતો.
પરંતુ ઓસ્કરે જ્યારે ખરેખર બેલ વગાડીને ત્યાં ઉભેલા યુક્રેનિયન ચોકીદારોને યહૂદી ફાયરમેનને બોલાવવા માટે મોકલ્યા ત્યારે એમોનને ખરેખર આશ્ચર્ય થયું!
મૌથૌસેન શું છે એ ઓસ્કર જાણતો હોવાની એમોનને ખબર હતી. ડબ્બાની અંદરના શેકાઈ રહેલા એ કેદીઓને પાઈપ દ્વારા પાણી આપવાનો અર્થ, ભવિષ્યમાં પણ તેમની રક્ષા કરવાનું વચન આપવા સમાન હતો! નૈતિકતાના કોઈ પણ ધોરણો પ્રમાણે, મોતના મુખમાં જઈ રહેલા આ કેદીઓને આવું વચન આપવું એ શું ક્રુરતા ન હતી? પાઈપો લંબાવવામાં આવી અને પાણીની ધારાઓ હિસ્સ… હિસ્સ… અવાજ સાથે ધગધગતા ડબ્બાઓ પર પડવા લાગી, ત્યારે, ખુલ્લંખુલ્લા મનોરંજન મેળવવાની સાથે-સાથે માન્યામાં ન આવે એવી આ વાત એમોનના મનમાં ઘોળાઈ રહી હતી! ડબ્બાની અંદરના લોકો તો આભારવશ થઈને હાશકારા સાથે બૂમો પાડવા લાગ્યા! એ સાથે, પોતાની ઑફિસમાંથી બહાર આવીને ન્યુશેલ પણ માથુ હલાવતાં સ્મિત કરતો ઊભો રહ્યો. એમોનનો અંગરક્ષક ગ્રન પણ અન્ટર્સ્ટર્મફ્યૂહરર જોહ્ન પાસે વાતો કરતો ઊભો રહ્યો અને પાણીના વહેવાની સાથે એ પણ તાળીઓ સાથે બૂમો પાડવા લાગ્યો. બધી જ પાઈપો ગોઠવી દેવા છતાં પણ ડબ્બાથી અડધા અંતર સુધી જ પહોંચી શકાતું હતું એ જોઈને, ઝેબ્લોસી જઈને ડેફમાંથી પાણીની પાઇપો મંગાવવા માટે એક ટ્રક અને થોડા યુક્રેનિયન સૈનિકો આપવા માટેની વિનંતી ઓસ્કરે એમનને કરી. “બસ્સો મિટર પાઈપો મારે ત્યાં પડી છે.” ઓસ્કરે એમોનને કહ્યું. કોઈક કારણસર એમોનને પણ આ વાત પસંદ પડી. “ચોક્કસ હું તમને એક ટ્રક આપુ છું.” એમોને જવાબ આપ્યો. જીવનમાં રમુજી પળો માણવા માટે એમોન કંઈ પણ કરવા તૈયાર હતો!
ઓસ્કરે ડેફમાં બેંકર અને ગારડેને આપવા માટે યુક્રેનિયનોને એક ચીઠ્ઠી લખી આપી. આ આખીયે ઘટનામાં એમોન એટલી હદ સુધી સામેલ થવા માગતો હતો, કે નવી પાઈપો લઈને એ લોકો આવે ત્યાં સુધીમાં તેણે ડબ્બાના દરવાજા ખોલીને ડોલ ભરી-ભરીને ડબ્બા સુધી પાણી પહોંચાડવાની અને ડબ્બાની અંદર સુજીને ચહેરો ગુલાબી થઈ ગયા હોય એવા મૃતદેહોને ઊંચકીને ડબ્બામાંથી બહાર કાઢવાની પરવાનગી પણ આપી દીધી. અને તે છતાં પણ, રેલવેના પાટાની આજુબાજુ એસએસ અધિકારીઓ અને સૈનિકો નવાઈ પામતાં ઊભા હતા. “ઓસ્કર શું સમજતો હશે, કે એ આ બધાને કોનાથી બચાવી શકવાનો છે?”
ડેફમાંથી લાંબી પાઇપો આવી, અને બધા જ ડબ્બાઓને પાણીથી લથબથ કરી દેવામાં આવ્યા, એ પછી આ રમુજે એક નવું જ સ્વરૂપ ધારણ કર્યું. ઓસ્કરે ડેફના મેનેજર બેંકર પર લખેલી ચીઠ્ઠીમાં બેંકરને ઉદ્દેશીને, પાઈપોની સાથે-સાથે પોતાના એપાર્ટમેન્ટમાંથી શરાબ, સિગરેટ, ઊંચી ગુણવતાવાળાં ચીઝ અને સોસેજ, વગેરે જેવી કેટલીયે વસ્તુઓનો ખાસ્સો મોટો જથ્થો પણ એક મોટા ખોખામાં ભરીને મોકલવા માટે લખ્યું હતું. ડેફથી આવી પહોંચેલું એ ખોખું, ઓસ્કરે ટ્રેનના છેલ્લા ડબ્બામાં બેઠેલા સૈનિકોને આપી દીધું! લાંચની આ લેણદેણ તદ્દન ખુલ્લી રીતે થઈ રહી હતી, અને બક્ષિસ સ્વરૂપે ખોખું સ્વીકારી રહેલો માણસ પણ થોડો શરમાઈ રહ્યો હોય એમ દેખાતું હતું. પ્લાઝોવનો કોઈ અધિકારી આ બાબતે આગળ કોઈને જાણ કરી દેશે એ બીકે, છેલ્લા ડબ્બામાં બેઠેલા સૈનિકે ઝડપથી એ ખોખું ડબ્બાની અંદર સરકાવી દીધું. તે છતાં, કમાન્ડન્ટ તરફથી ઓસ્કર પ્રત્યે આટલો રહસ્યમય સદ્ભાવ રાખવામાં આવતો જોઈને સૈનિકો પણ ઓસ્કરની વાત બહુ આદર સાથે સાંભળી રહ્યા હતા! ઓસ્કરે તેમને કહ્યું, “કોઈક સ્ટેશન પાસે તમે રોકાઓ, ત્યારે મહેરબાની કરીને ડબ્બાના દરવાજા ખોલી નાખશો?”
એ ટ્રેઇનમાંથી બચી જનારી બે વ્યક્તિ, ડૉ. રુબેઇન્સ્ટેઇન અને ફેલ્ડસ્ટેઇને વર્ષો બાદ ઓસ્કરને જણાવ્યું હતું, કે સૈનિકોએ મૌથૌસેન સુધીની થકવી દેનારી એ યાત્રા દરમ્યાન કેટલીયે વાર ડબ્બાનાં બારણાં ખરેખર ખોલી નાખ્યાં હતાં, અને તેઓ પાણીની ડોલ પણ નિયમિત રીતે ભરતા રહ્યા હતા! જો કે ડબ્બામાંના મોટા ભાગના કેદીઓ માટે આ સગવડ મૃત્યુ પહેલાંની થોડી રાહતથી વિશેષ કંઈ જ ન હતું!
ભલે લાંબા ગાળે નકામી પૂરવાર થાય પરંતુ એસએસ દ્વારા થતી મજાકોની વચ્ચે ડબ્બાની હારમાળા પાસેથી દયા બતાવતાં આગળ વધી રહેલા ઓસ્કરને જોઈને એવું લાગતું હતું કે, ઘટી રહેલી આ ઘટનાઓ પ્રત્યે હવે એ એટલો બેપરવા રહ્યો ન હતો, પણ તેના પર એક ધૂન સવાર થઈ ગઈ હતી! એમોન પણ પોતાના મિત્રમાં આવેલા આ ફેરફારોને જોઈ શકતો હતો. છેક છેલ્લા ડબ્બા સુધી પહોંચે એટલા પાઇપો લાવવા માટે એસએસના એક માણસને, આ રીતે એસએસના જ અન્ય માણસોની સામે લાંચ આપવા જેવી બાબત, હસવામાંથી ખસવા જેવું થવાની માફક થોડું આગળ વધી ગયું હતું. શિડ્ટ કે જોહ્ન કે હુજર, તેને કારણે ઓસ્કરને જાહેરમાં બદનામ કરી શકે તેમ હતા. આમાંની કોઈ પણ માહિતી ગેસ્ટાપોને મળી જાય તો તેઓ આંખ આડા કાન ન જ કરે એ હકીકત હતી! અને એવું બને, તો-તો ઓસ્કરને મોન્ટેલ્યુપિકની જેલમાં, કે પછી ભૂતકાળમાં તેના પર લગાવવામાં આવેલા વંશિય આરોપોને ધ્યાનમાં રાખીને કદાચ ઓસ્વિટ્ઝ પણ રવાના કરી દેવામાં આવે! ટ્રેનમાં સવાર એ મૃતપ્રાય કેદીઓ જાણે તેના સગાં થતાં હોય, અને ભલે થર્ડ ક્લાસમાં બેસીને પરંતુ તેઓ કોઈક બહુ સરસ જગ્યાએ જતા હોય તેવું વર્તન કરવાનો સૈનિકોને આગ્રહ કરતા ઓસ્કરને જોઈને એમોન છળી જ ગયો હતો!
બે વાગ્યાની થોડી ક્ષણો પછી એક એન્જિન આવીને ડબ્બાઓની એ હારમાળાને તેમનાથી દૂર મુખ્ય રેલવે લાઈન તરફ ખેંચી ગયું. પાણીની બધી જ પાઇપોને સંકેલી લેવામાં આવી. શેન્ડલરે એમોન માટે લાવેલા સામાન સાથે તેને વિલા પર પહોંચાડી દીધો. એમોન જોઈ રહ્યો હતો, કે ઓસ્કર હજુ પણ એ જ વિચારોમાં ગુમ હતો! આજે પહેલી વાર એમોને પોતાના મિત્રને જીવન બાબતે થોડી સલાહ આપી. “તારે થોડો આરામ લેવો જોઈએ.” એમોને કહ્યું. “અહીંથી ઉપડતી બધી જ ટ્રેઇનોની પાછળ તું આ રીતે નહીં દોડી શકે!”
ઓસ્કરમાં આવેલા ફેરફારોના આ લક્ષણો એમેલિયાના એક ઇજનેર કેદી આદમ ગારદેની નજરે પણ ચડ્યા હતા. ગારદેની બેરેકમાં આવીને એસએસના એક ગાર્ડે ગારદેને ઊંઘમાંથી હતો. હેર ડિરેક્ટરે એસએસના ગાર્ડને બોલાવીને ઇજનેર ગારદેને અત્યારેને અત્યારે ખાસ કામ માટે તેની ઑફિસમાં બોલાવી લાવવા કહ્યું હતું.
ગારદે ઓસ્કરની ઑફિસમાં પહોંચ્યો ત્યારે ઓસ્કર રેડિયો સાંભળતો હતો. તેના ટેબલની પાછળ યુરોપની રાહત-છાવણીઓનો નકશો હતો. જર્મન આગેકુચના દિવસોમાં એ નકશો ક્યારેય ત્યાં દેખાયો ન હતો! જર્મન મોરચાઓમાં થઈ રહેલા ઘટાડામાં ઓસ્કર ઊંડો રસ લઈ રહ્યો હોય એમ લાગતું હતું. આજે રાત્રે એણે દરરોજની માફક બીબીસીને બદલે તેણે રેડિયો જર્મનનું સ્ટેશન પકડ્યું હતું. મહત્ત્વના સમાચારોની પહેલાં હંમેશા પ્રસારિત થતું પ્રેરણાત્મક સંગીત અત્યારે પ્રસારિત થઈ રહ્યું હતું.
ઓસ્કર ધ્યાનપૂર્વક રેડિયો સાંભળી રહ્યો હતો. ગારદે અંદર આવ્યો એટલે એણે ઊભા થઈને એ યુવાન ઇજનેરને બેસવા માટે કહ્યું. એક ગ્લાસમાં કોગ્નેક રેડીને એણે ટેબલની સામેની બાજુએ ધકેલ્યો. “હિટલરનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.” ઓસ્કરે કહ્યું.
આ વાત એ દિવસે સાંજે જ જાહેર થઈ ચૂકી હતી, અને એ પછી આવેલા સમાચાર હિટલર બચી ગયો હોવાના હતા. હિટલર રેડિયો પરથી જર્મન લોકોને સંબોધન કરશે, એવો વાયદો પણ તેમના તરફથી કરવામાં આવ્યો હતો. પરંતુ એવું કોઈ જ પ્રસારણ કરવામાં આવ્યું ન હતું. કલાકો વીતી ગયા પછી પણ તેઓ હિટલરને રજુ કરી શક્યા ન હતા. અને રેડિયો પર લેનિનગ્રાદનું પતન થયાના સમયે વાગતું હતું એ જ રીતે બિથોવનનું સંગીત વાગતું રહ્યું હતું.
ઓસ્કર અને ગારદે કલાકો સુધી સાથે બેઠા રહ્યા. એક યહૂદી અને જર્મન સાથે બેસીને આખી રાત સુધી રેડિયો સાંભળે, અને એ પણ એ જાણવા માટે કે ફ્યૂહરર જીવે છે કે નહીં! આથી વધારે કરૂણતાભરી ઘટના બીજી કઈ હોઈ શકે!? જો કે આદમ ગારદે પણ ઊંચા શ્વાસે આશાભર્યા ઉમળકાથી પીડાઈ રહ્યો હતો. જર્મનીના સર્વોચ્ચ નેતાના અવસાનની શક્યતાએ સ્નાયુઓ નબળા પડી ગયા હોય એમ ઓસ્કર કોઈ અપંગ જેવો ભાસી રહ્યો હતો! આતુરતા સાથે એ શરાબ પીતો રહ્યો અને ગારદેને પણ આગ્રહ કરી પીવડાવતો રહ્યો. “જો આ વાત સાચી હશે,” ઓસ્કરે કહ્યું. “તો તેને ચાહનારા સામાન્ય જર્મન લોકો જરૂર તેનો બદલો લેવાની શરૂઆત કરશે!”
હિટલરને આ જગતમાંથી મિટાવી દેવાની હિંમત તેની નજીકની જ કોઈક વ્યક્તિમાં હોઈ શકે તેમ હતું. “આ સાથે જ એસએસનો અંત આવી જશે. હિમલર કાલે સવારમાં જ જેલમાં હશે.” ઓસ્કરે મોંમાંથી ધુમાડા કાઢતાં કહ્યું. “હે ઇશ્વર, આ બર્બરતાનો અંત આવે તો કેટલી રાહત અનુભવાય!”
રાત્રે દસ વાગ્યે ફરીથી એ જ વાત કહેવામાં આવી. ફ્યૂહરર પર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ એ નિષ્ફળ ગયો છે, અને ફ્યૂહરરનો અવાજ થોડી જ મિનિટોમાં પ્રસારિત થશે… પરંતુ એક કલાક બાદ પણ હિટલરનું પ્રસારણ શરુ ન થયું, ત્યારે ઓસ્કરે એવી એક કલ્પના કરી, જે જર્મનોમાં યુદ્ધના અંતીમ સમયે ઘણી જ પ્રખ્યાત થઈ ગઈ હતી. “આપણી તકલીફો હવે દૂર થઈ ગઈ છે,” એણે કહ્યું. “ જગત ફરી એક વખત ડહાપણના માર્ગે આવી ગયું છે. જર્મની હવે રશિયાની વિરુદ્ધ પશ્ચિમનો સાથ આપી શકે છે.”
ગારદેની અપેક્ષાઓ બહુ સીમિત હતી. એ તો વધારેમાં વધારે ફ્રાન્ઝ જોસેફના જમાનામાં હતી એવી વસાહતોની જ અપેક્ષા રાખતો હતો!
બંને જેમ-જેમ પીતા રહ્યા અને સંગીત વાગતું રહ્યું, તેમ-તેમ આ એક મૃત્યુને કારણે યુરોપ આખામાં શાંતિ ફેલાઈ જવાની અપેક્ષા તેમના મનમાં ઉભરાઈ આવી. ફરી એક વખત એ બંને આ ભૂખંડના એક સામાન્ય નાગરિક બની રહ્યા. હવે તેઓ એક કેદી કે એક હેર ડાયરેક્ટર નહોતા! ફ્યૂહરર રેડિયો પર બોલશે એવા વાયદાઓ રેડિયો પરથી જેટલી વખત પ્રસારિત થયા એ દરેક વખતે ઓસ્કર ખડખડાટ હસી પડ્યો.
મધરાત પછી તો આવા કોઈ વાયદા પ્રત્યે તેમણે ધ્યાન પણ ન આપ્યું. ફ્યૂહરરનો અંત આવી ગયા પછીના ક્રેકોવની અંદર બંને શાંતિનો શ્વાસ લઈ રહ્યા હતા!
તેમનું અનુમાન હતું, કે સવારે તો ઠેકઠેકાણે નૃત્યો થવા લાગશે, અને તેને માટે કોઈને સજા પણ નહીં કરવામાં આવે! જર્મન સૈન્ય વેવેલમાંથી ફ્રેન્કને પકડી જશે અને પોમોર્સ્કા સ્ટ્રીટમાં એસએસના ભવનને ઘેરી લેવામાં આવશે. પરંતુ બપોરે એક વાગ્યાની થોડી ક્ષણો પહેલાં રાસ્ટર્નબર્ગ પરથી હિટલરે ભાષણ આપ્યું! ઓસ્કરે તો એટલી હદે એવું માની લીધું હતું કે આ અવાજ એણે ફરી ક્યારેય સાંભળવો નહીં પડે! આટલા જાણીતા અવાજને થોડી સેકન્ડો સુધી તો તેણે ઓળખ્યો પણ નહીં! તેને તો એમ જ લાગ્યું કે પાર્ટીનો કોઈ પ્રવક્તા જ આ બોલી રહ્યો હતો! પરંતુ ગારદેએ પહેલા શબ્દથી જ ભાષણ સાંભળ્યું. એ અવાજ કોનો હતો તે એ બરાબર જાણતો હતો! “મારા જર્મન બંધુઓ!” એણે શરું કર્યું. “આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યારે આ મારો પહેલો હુકમ છે, કે તમે મારી વાત સાંભળો, અને જાણી લો, કે મને કોઈ જ ઈજા નથી થઈ, હું તદ્દન સ્વસ્થ છું; અને બીજી વાત એ, કે સમગ્ર જર્મન ઇતિહાસમાં આના જેવો અન્ય કોઈ અપરાધ થયો નથી.”
ચાર મિનિટ પછી, કાવતરાખોરો પ્રત્યે નિર્દેશ કરવાની સાથે તેનું ભાષણ પૂરું થયું. “આ વખતે આપણે તેમની સાથેનો હિસાબ, આપણા રાષ્ટ્રિય સમાજવાદીઓની રસમ મુજબ ચૂકતે કરવાનો છે.”
ઓસ્કર આખી સાંજ જે કલ્પનાને વાગોળતો રહ્યો હતો એ કલ્પનાને આદમ ગારદેએ જરા પણ મહત્ત્વ આપ્યું ન હતું. અને તેનું કારણ એ હતું કે હિટલર એક માણસ ન હતો, તે તો અનેક શાખા-પ્રશાખામાં ફેલાયેલું એક તંત્ર હતો! એ પોતે મરી જાય તો પણ જરૂરી ન હતું, કે તંત્ર પોતાની વર્તનમાં કોઈ ફેરફાર કરે! તે સાથે, હિટલર જેવા અસાધારણ વ્યક્તિના સ્વભાવમાં જ એ ન હતું, કે એકાદ સાંજમાં જ એ ખતમ થઈ જાય! પરંતુ છેલ્લા કેટલાક કલાકોથી ઓસ્કર તેના મૃત્યુની વાતને બેચેનીભરી ખાતરી સાથે સાચી માની રહ્યો હતો; અને હવે જ્યારે એ વાત એક ભ્રમણા સાબિત થઈ ચૂકી હતી ત્યારે ઓસ્કર નાટ્યાત્મક દુઃખ સાથે આ વાત કરી રહ્યો હતો, અને યુવાન ગારદેએ ઓસ્કરને માત્ર સાંત્વના જ આપવાની રહેતી હતી! “મુક્તિનું આપણું સપનું મિથ્યા સાબિત થયું છે.” એ બોલ્યો. બંનેના ગ્લાસમાં એણે થોડી-થોડી કોગ્નેક રેડી, અને બચેલી બોટલ એણે ટેબલ પર ગારદે તરફ ધકેલી અને સિગરેટનું પેકેટ ખોલતાં કહ્યું. “તું કોગ્નેક અને થોડી સિગરેટો લઈને જા, અને થોડી ઊંઘ લઈ લે.” એણે કહ્યું. “આપણી આઝાદી માટે આપણે હજુ થોડી વધારે રાહ જોવાની છે.”
શરાબનો નશો, આવેલા એક સમાચાર અને ફરીથી થોડા જ સમયમાં આવેલા તેના વિરુદ્ધના સમાચારના કારણે ઊભી થયેલી ગુંચવણમાં ઓસ્કર “આપણી આઝાદી” શબ્દ બોલતો હતો, પરંતુ ગારદેને એ વિચિત્ર નહોતું લાગતું, બંનેની જરૂરિયાત જાણે એક સરખી જ હોય એવું લાગતું હતું! બંને જાણે કેદીઓ જ હોય અને ધીરજપૂર્વક આઝાદીની રાહ ન જોતા હોય! પોતાની પથારીમાં જઈને ગારદેએ વિચાર્યું, કે હેર ડાયરેક્ટર માટે આવું વિચારવું એ કેટલી વિચિત્ર બાબત કહેવાય! ઘડીભરમાં આટલી સરળતાથી કલ્પનામાં સરી પડવું અને ઘડીભરમાં નિરાશામાં! સામાન્ય રીતે તો ઓસ્કર બહુ વ્યવહારિક બનીને રહેતો હતો!
ઉનાળાના અંતિમ દિવસોમાં, પ્રોમોર્સ્કા સ્ટ્રીટ અને ક્રેકોવની આજુબાજુની છાવણીઓમાં એવી અફવાઓ ફેલાવા લાગી હતી, કે બહુ નજીકના ભવિષ્યમાં કેદીઓ માટે કોઈક નવા પ્રકારની વ્યવસ્થા ગોઠવાવાની હતી.
આ અફવાઓને કારણે ઓસ્કર ઝેબલોસીમાં મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, ત્યારે પ્લાઝોવની સમગ્ર છાવણીને વિખેરી નાખવાના બીનઅધિકૃત સમાચાર એમોનને મળી ચૂક્યા હતા.
હકીકતે તેમની છેલ્લી મુલાકાતને પ્લાઝોવને બળવાખોરોથી બચાવવા સાથે નહીં, પરંતુ છાવણીને સમેટી લેવા સાથે લેવા-દેવા હતી. મેડરિટ્ઝ, ઓસ્કર અને બૉસને પ્લાઝોવમાં બોલાવીને એમોને એટલા માટે એ મુલાકાત ગોઠવી હતી, કે જેથી પોતાની આજુબાજુ તે એક છદ્માવરણ ઊભું કરી શકે! એ મુલાકાત પછી ક્રેકોવમાં જઈને જર્મન કબજા હેઠળના પોલેન્ડના નવા પોલીસવડા વિલહેમ કોપને મળવાનું તેના માટે સાવ સરળ બની ગયું હતું! મોં પર બનાવટી ગુસ્સો ધારણ કરીને પ્લાઝોવના દબાણથી ઘેરાઈ જવાને કારણે આંગળા મરડતો હોય એમ એમોન કોપના ટેબલની સામેના ખૂણે બેઠો હતો. ઓસ્કર અને અન્ય લોકોને કહેલી વાર્તા એણે કોપને પણ કહી સંભળાવી, “છાવણીમાં બળવાખોરોની સંસ્થાઓ ફૂટી નીકળી છે. જેલમાં રહેતાં ઝિઓનિસ્ટ લોકો, પોલિશ પીપલ આર્મિ અને યહૂદી લડાયક સંગઠનના ઉગ્રવાદીઓના સંપર્કમાં છે. એક પોલીસવડા તરીકે તમે તો જાણતા જ હશો, કે આ પ્રકારના સંપર્કોને પકડવા કેટલા મુશ્કેલ હોય છે. અહીં તો બ્રેડના પેકેટમાં સંતાડીને સંદેશાઓ મોકલવામાં આવે છે! પરંતુ સક્રિય બળવાની શરૂઆત થતાં જ મારે, એમોન ગેટેએ, એક કમાન્ડન્ટ તરીકે બહુ ઝડપથી પગલાં લેવાં પડશે. હું આપને જે પ્રશ્ન પુછવા માગું છું તે એ, કે હું પહેલાં ગોળી ચલાવું, અને બાદમાં દસ્તાવેજો રજુ કરું, તો આપ પોલીસવડા કોપ તરફથી મને સહકાર મળશે ખરો કે?”
“કોઈ જ વાંધો નથી,” કોપે જવાબ આપ્યો. “હું પોતે પણ અમલદારશાહીને બહુ ટેકો નથી આપતો! ભૂતકાળમાં વાર્થલેન્ડના પોલીસવડા તરીકે મેં પોતે કેદીઓને લઈ જતી સંહારસૈન્યની ટ્રકોની આગેવાની કરી હતી ત્યારે, કેદીઓને જંગલ વિસ્તારમાં લઈ જઈને એક કમરામાં પૂરી દઈને મેં ટ્રકોના એંજિનને ફૂલ-થ્રોટલ ચલાવીને એક્ઝોસ્ટનો ધુમાડો એ બંધ કમરામાં ઠાલવી દીધો હતો. આ કાર્યવાહી પણ આગોતરા જાણકારી આપ્યા વગર, પૂરતા દસ્તાવેજો વગર જ કરવામાં હતી. આપણે આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જ પડે.” એણે એમોનને કહ્યું. “અને તમે એ કરશો તો હું તેને જરૂર ટેકો આપીશ.”
છેલ્લી મુલાકાત વખતે જ ઓસ્કરને ગંધ આવી ગઈ હતી, કે હકીકતે એમોનને બળવાખોરોની કોઈ ચિંતા હતી નહીં! પ્લાઝોવને વિખેરી નાખવાની વાતની ખબર ઓસ્કરને જો ત્યારે જ પડી ગઈ હોત, તો એમોનના એ દિવસના અભિનયનો ઊંડો અર્થ એ સમજી શક્યો હોત! એમોને પોતાની છાવણીના યહૂદી પોલીસવડા વિલેક ચિલોવિક્ઝ બાબતે જ ચિંતા હતી. કાળાબજારમાં એમોને પોતાના એજન્ટ તરીકે ચિલોવિક્ઝનો ઉપયોગ કર્યો હતો. ચિલોવિક્સ ક્રેકોવનો ખૂણેખૂણો જાણતો હતો. છાવણીના પુરવઠામાંથી કમાન્ડન્ટે સેરવી લીધેલી લોટ, ચોખા, માખણ જેવી ચીજો ક્યાં વેચવી એ ચિલોવિક્સ જાણતો હતો. વલ્કન જેવા કેદીઓની ઝવેરાતની ખાનગી દુકાનોમાંથી ચોરેલી વસ્તુઓમાં રસ ધરાવતા વિક્રેતાઓને પણ જાણતો હતો. એ ચિલોવિક્સની ચંડાળચોકડી બાબતે એમોન ચિંતિત હતોઃ શ્રીમતી મેરિસિયા ચિલોવિક્સ, તેનો એક સાગરીત મિતિક ફિન્કેલ્સ્તેઇન; ચિલોવિક્સની બહેન શ્રીમતી ફર્બર અને તેનો પતિ શ્રી ફર્બર! પ્લાઝોવમાં જો કોઈ કુટુંબ જાહોજલાલી ભોગવતું હોય તો એ ચિલોવિક્સ કુટુંબ હતું. બીજા કેદીઓ પર તો તેમનું વર્ચસ્વ હતું જ, પરંતુ તેમની પાસે જે જાણકારી હતી એ બેધારી તલવાર જેવી હતી! જે રીતે મેડરિટ્ઝની ફેક્ટરીમાં કામ કરતા ગરીબ મશીનિસ્ટ વિશે તેઓ જાણતા હતા તેમ, એમોન વિશે પણ તેમની પાસે ઊંડી જાણકારી હતી. પ્લાઝોવ બંધ થાય ત્યારે ચિલોવિક્સ કુટુંબને જો બીજી છાવણીમાં મોકલી આપવામાં આવે, તો પોતાના પગ નીચે રેલો આવે, કે પછી તેમની ભુખ જાગી ઊઠે, એ સાથે જ તેઓ કોઈની સાથે એમોન વિશેની જાણકારીની લેવડદેવડ કરવાનો પ્રયાસ કરશે જ, એવી એમોનને ખાતરી હતી!
જો કે ચિલોવિક્ઝ કુટુંબ પોતે પણ બેચેન હતું. પ્લાઝોવ છોડીને તેમને જવા દેવામાં આવશે એ બાબતે તેમની આંખોમાં ડોકાતી શંકા એમોન પણ જોઈ શકતો હતો. ચિલોવિક્ઝની એ ચિંતાને જ ઉચ્ચાલક તરીકે વાપરવાનું એમોને નક્કી કર્યું. એણે ચેકોસ્લોવેકિયાના પહાડી વિસ્તારમાંથી એસએસના સહાયક તરીકે નીમવામાં આવેલા સોવિન્સ્કીને મંત્રણા માટે પોતાની ઑફિસમાં બોલાવ્યો. મંત્રણામાં નક્કી થયા મુજબ, સોવિન્સ્કીએ ચિલોવિક્ઝનો સંપર્ક કરીને તેની સાથે પ્લાઝોવમાંથી છટકવાનો સોદો કરવાનો દેખાવ કરવાનો હતો. એમોનને ખાતરી હતી, કે આવો સોદો કરવા માટે ચિલોવિક્ઝ આતુર હશે જ!
સોવિન્સ્કીએ ચિલોવિક્સ પાસે જઈને પોતાનો પાઠ બરાબર ભજવ્યો. એણે ચિલોવોક્ઝને લાલચ આપતાં કહ્યું, કે એક મોટી ટ્રકમાં બેસીને તેની આખી ટોળકીને લઈને એ આ છાવણીમાંથી છટકી શકે તેમ છે. પેટ્રોલવાળા વાહનમાં લાકડાની ફરનેસમાં બેસીને છ માણસો જઈ શકે તેમ છે.
ચિલોવિક્સને તેની દરખાસ્તમાં રસ પડ્યો હતો. સોવિન્સ્કીની દરખાસ્ત મુજબ, પ્લાઝોવની બહાર રહેતા ચિલોવિક્સના એવા કોઈક મિત્રને સોવિન્સ્કીએ ચિઠ્ઠી લખી આપવાની હતી, જે ચિલોવિક્સ માટે વાહનની વ્યવસ્થા કરી રાખે. સોવિન્સ્કી તેની ટોળકીને ટ્રકમાં બેસાડીને એક ચોક્કસ જગ્યા સુધી પહોંચાડશે. ચિલોવિક્ઝ સોવિન્સ્કીને હીરાના સ્વરૂપે ચૂકવણી કરવા માગતો હતો. પરંતુ એકબીજા પર ભરોસો હોવાને કારણે એણે સોવિન્સ્કીને બદલામાં થોડાં હથિયારોની જોગવાઈ પણ કરી રાખવા કહ્યું.
એ મુલાકાતની વિગતો સોવિન્સ્કીએ કમાન્ડન્ટ સુધી પહોંચાડી. એમોને તેને ઘસાઈ ગયેલી પીનવાળી .૩૮ કૅલિબરની એક પિસ્તોલ આપી. પિસ્તોલ ચિલોવિક્સ સુધી પહોંચાડવામાં આવી. પિસ્તોલને ચકાસી જોવાની ચિલોવિક્સને ન તો જરૂર હતી, કે ન હતી તેની પાસે કોઈ તક! અને તે છતાં ચિલોવિક્સ પાસેથી પિસ્તોલ મળી આવી હોવાની જુબાની એમોન કોપ અને ઓરેનિયનબર્ગની સામે સોગંદપૂર્વક આપી શકે તેમ હતો.
મધ્ય ઓગસ્ટના રવિવારના દિવસે, બાંધકામનો સામાન ભરેલા એક શેડમાં સોવિન્સ્કી ચિલોવિક્સને મળ્યો અને તેના કુટુંબને એક ટ્રકમાં છુપાવી દીધું.
સોવિન્સ્કી પોતે જ એ ટ્રકને જેરોઝોલિમ્સ્કા થઈને દરવાજા સુધી હંકારીને લઈ ગયો. દરવાજે થોડી રોજિંદી કાર્યવાહી માટે રોકાવાનું હતું, એ પછી ટ્રકને જંગલમાં જવાની પરવાનગી મળી જવાની વાત હતી. ટ્રકની અંદર પડેલી ખાલી ફરનેસની અંદર ધડકતાં હૃદયે બેઠેલા પાંચ લોકોના મનમાં એમોનને થાપ આપીને નાસી આવ્યાની આશાની એક હુંફ હતી, જેને કોઈ માની શકે તેમ ન હતું! જો કે દરવાજા પર એમોન, એમ્થોર, હુજર અને યુક્રેનિયન ઈવાન સ્કેરુજ્યુ હાજર હતા. બહુ નિરાંતે ટ્રકોની તપાસ કરવામાં આવી. ચહેરા પર અડધા સ્મિત સાથે ટ્રકમાં તલાશી લેતાં એસએસ સૈનિકોએ લાકડા સળગાવવાની ફરનેસને તપાસવા માટે છેક છેલ્લે સુધી બાકી રાખી. ફરનેસમાં લાકડા નાખવાની જગ્યામાં બીચારા ચિલોવિક્ઝની ટોળકીને ખીચોખીચ બેઠેલા જોઈને એમણે બનાવટી આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું. ચિલોવિક્ઝને ખેંચીને બહાર કાઢવાની સાથે જ એમોનને તેના બૂટમાં છૂપાવેલી ગેરકાયદે પિસ્તોલ પણ “મળી ગઈ”!
છાવણીની અંદર રહેતા મરણીયા બનેલા લોકોએ ચિલોવિક્સને લાંચ પેટે આપેલા હીરાથી ચિલોવિક્સનાં ખિસ્સાં ઠાંસી-ઠાંસીને ભરેલાં હતાં.
રજાના એ દિવસે કેદીઓને સમાચાર મળ્યા કે ચિલોવિક્સ દરવાજા પર ઝડપાઈ ગયો હતો! એક વર્ષ પહેલાંની એક રાત્રે જ્યારે સાઇમક સ્પાઇરા અને તેના યહૂદી પોલીસના સાથીઓને મારી નાખવામાં આવ્યા હતા, એ સમયની દહેશત ફરી એક વખત કેદીઓમાં વ્યાપી ગઈ. આવા વાતાવરણમાં કોઈ કેદી ધારણા બાંધી શકતો ન હતો કે પોતાનું શુ થશે!
ચિલોવિક્સ કુટુંબના બધા જ સભ્યોને એક પછી એક પિસ્તોલની ગોળી મારીને મારી નાખવામાં આવ્યા. કોઈ ઘરડા ખખ્ખ માણસની માફક ખાંસી રહેલા, અત્યંત જાડા થઈ ગયેલા અને કમળાને કારણે પીળા પડી ગયેલા એમોને પોતે જ ચિલોવિક્સના ગળા પર પિસ્તોલનું નાળચું ધર્યું હતું. “ન્યાયી કાયદાઓનો ભંગ કરનારા લોકોનું મોત આવું જ થશે.” લખેલા પાટિયાં તેમની છાતી સાથે બાંધીને તેમના મૃતદેહોને પાછળથી હાજરીના સ્થળે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા.
પરંતુ પ્લાઝોવના લોકોએ આ દૃશ્યમાંથી આવો કોઈ જ બોધપાઠ લીધો ન હતો!
બપોર પછીનો સમય એમોને બે લાંબા અહેવાલો લખવામાં પસાર કર્યો, એક તો કોપને આપવા માટે, અને બીજો જનરલ ગ્લક્સના સેક્શન ડીને મોકલવા માટેનો. અહેવાલમાં તેણે સૌથી પહેલાં તો પોતે પ્લાઝોવને કઈ રીતે બળવામાંથી બચાવી લીધું હતું અને કાવતરાખોરોના ભાગી રહેલા નેતાઓને કેવી રીતે ઠાર મારવામાં આવ્યા હતા, તેની ખુલાસાવાર જાણકારી તેણે દર્શાવી હતી. રાતના અગીયાર વાગ્યા સુધી ફરી-ફરીને એ પત્રની વિગતો સાંભળતો રહ્યો. આટલાં મોડે સુધી કામ કરવામાં કુ. કોચમેન બહુ ધીમી પડતી હતી, એટલે કમાન્ડન્ટે છેવટે મિતિક પેમ્પરને તેની બેરેકમાંથી ઊઠાડીને વિલામાં બોલાવ્યો. પેમ્પર આવ્યો એટલે વિલાના સ્વાગતકક્ષમાં બેઠેલા એમોને ચિલોવિક્સના ભાગી જવાના પ્રયાસમાં પેમ્પર પણ સામેલ હોવાનો સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો! તેનો આક્ષેપ સાંભળીને પેમ્પર દંગ રહી ગયો, એ સમજી ન શક્યો કે એમોનને શું જવાબ આપવો. કોઈક બહાનું શોધવા માટે આજુ-બાજુ નજર દોડાવતાં તેની નજર પોતાના પેન્ટના પાંયચા પર પડી. પાંયચાની સિલાઈ ઊખડી ગઈ હતી. “આવા કપડામાં મારે બહાર કઈ રીતે જવું?” એણે પુછ્યું.
જવાબ આપતી વેળાએ પેમ્પરના ચહેરા પર ફરી વળેલી સ્પષ્ટ નિરાશા જોઈને એમોન સંતુષ્ટ થઈ ગયો. એણે પેમ્પરને બેસવાનું કહ્યું, ટાઇપિંગ કઈ રીતે કરવાનું હતું અને પાનાની સંખ્યા કઈ રીતે ટાઇપ કરવાની હતી એ પણ એણે સમજાવ્યું. પોતાની ગોળમટોળ આંગળીઓ કાગળ પર પછાડતાં એમોને કહ્યું, “મારે આ કામ એકદમ સરસ રીતે થયેલું જોઈએ છે.” અને પેમ્પરે વિચાર્યું કે બસ, આ જ તો વાત છે! મારે કાં તો આજે એક ભાગેડુ તરીકે મૃત્યુ પામવાનું છે, અથવા તો એમોનના આ પત્રો વાંચવા બદલ પાછળથી મરવાનું છે!
હાથમાં પત્રો લઈને પેમ્પર વિલામાંથી બહાર જતો હતો ત્યારે એમોને પરસાળ સુધી બહાર તેની પાછળ-પાછળ આવીને છેલ્લો હુકમ સંભળાવ્યો. “અને તું બળવાખોરોના નામો ટાઇપ કરે…” પોતાના કોઈ મિત્ર સાથે વાત કરતો હોય એમ ભાવ સાથે એમોને તેને કહ્યું, “ત્યારે મારી સહીની ઉપર એક વધારાનું નામ ઉમેરી શકાય એટલી જગ્યા ખાલી છોડજે.”
પેમ્પરે કોઈ કાર્યદક્ષ વિવેકી સેક્રેટરીની માફક પોતાનું માથું હકારમાં હલાવ્યું. અડધી સેકન્ડ સુધી તો એ પોતાને કોઈ એવી જવાબ મળી આવે તેની રાહ જોતો ઊભો રહ્યો, જેને સાંભળીને એમોન પેલી વધારાની જગ્યા ખાલી છોડવાનો નિર્ણય બદલી નાખે!
એક ખાલી જગ્યા તેના પોતાના નામ માટે. મિતેક પેમ્પર! રવિવાર સાંજે જેરોઝોલિમ્સ્કાની એ અત્યંત તિરસ્કારજનક ચુપકીદી વચ્ચે તેને એવો કોઈ યોગ્ય જવાબ મળ્યો નહીં. “હા જી, કમાન્ડર.” પેમ્પરે કહ્યું.
વહીવટીભવનના રસ્તા પર લથડિયાં ખાતા પેમ્પરને, આ અગાઉ એ જ ઉનાળે પોતે ટાઇપ કરેલા પત્રનું સ્મરણ થઈ આવ્યું. એ પત્ર એક વિયેનિઝ પબ્લિશર એવા એમોને પોતાના પિતાને સંબોધીને લખાવ્યો હતો, જેમાં તેણે વસંતઋતુમાં એલર્જિથી હેરાન થઈ રહેલા પોતાના વૃદ્ધ પિતા અંગે પુત્ર-સહજ ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં એમોને પિતાને રાહત થઈ હોવાની આશા વ્યક્ત કરી હતી. આટલા બધા પત્રોમાં એ એક પત્ર જ પેમ્પરને યાદ આવવાનું કારણ એ હતું, કે પત્ર લખવા માટે પેમ્પરને બોલાવ્યાની અડધી કલાક પહેલાં જ એમોને ફાઇલિંગ કરતી કારકુન છોકરીને ઑફિસની બહાર ઢસડી જઈને ઠાર મારી દીધી હતી! એ પત્ર અને એ હત્યાને સામસામે રાખીને જોતાં એક વાત સાબીત થતી હતી, કે એમોન માટે કોઈની હત્યા અને પિતાની એલર્જિ, સરખાં જ મહત્ત્વની બાબતો હતાં. એટલે, પેમ્પર જેવા કહ્યાગરા સ્ટેનોગ્રાફરને પોતાનું જ નામ ઉમેરવા માટેની જગ્યા છોડવા માટે જો કહેવામાં આવે, તો તેણે એ જગ્યા છોડવી જ પડે તેમ હતું!
ટાઇપરાઇટર સામે જોતાં એકાદ કલાકથી પણ વધારે સમય માટે પેમ્પર બેઠો રહ્યો, પરંતુ છેવટે એણે પોતાના નામ માટે ખાલી જગ્યા છોડી જ દીધી! એમ ન કરવું, એ મૃત્યુને તત્કાલ નિમંત્રણ આપવા સમાન હતું. સ્ટર્નના મિત્રો વચ્ચે એક એવી અફવા ચાલી રહી હતી, કે કેદીઓ માટે શિન્ડલર પાસે કોઈ યોજના હતી, તેમના બચાવની કે પછી બીજી કોઈ યોજના… પરંતુ ઝેબ્લોસીમાંથી આવેલી એવી કોઈ અફવાનો આજે રાત્રે તો કોઈ અર્થ હતો નહીં! મિતેકે પત્ર ટાઇપ કરી જ નાખ્યો!
બંને અહેવાલોમાં મિતેકે પોતાના મૃત્યુ માટે જગ્યા ફાળવી દીધી હતી. પોતાના મગજમાં સાચવીને સંઘરી રાખેલા કમાન્ડન્ટના પેલા ગુનાહિત કાર્બન પેપરો સહિતના બધા જ કાગળો આજે આ એક આટલી જગ્યા છોડવાને કારણે સાવ અર્થહીન બની જવાના હતા!
બંને પત્રો બરાબર ટાઇપ થઈ ગયા એટલે એ વિલામાં પાછો ફર્યો. એમોને તેને પોતાની ફ્રેન્ચ વિન્ડોની બહાર રાહ જોવા માટે કહ્યું, અને પોતે બેઠકખંડમાં દસ્તાવેજો ચકાસતો બેઠો રહ્યો. પેમ્પરને વિચાર આવ્યો, કે તેનો મૃતદેહ પણ શું એવા જ કોઈ છટાદાર વાક્ય સાથે પ્રદર્શનમાં મુકાશે ખરો કે? “અને આ રીતે બધા જ યહૂદી બોલ્શેવિસ્ટ લોકો મૃત્યુ પામ્યા”
આખરે એમોન બારી પાસે આવ્યો. “તુ હવે સુવા માટે જઈ શકે છે,” એણે કહ્યું.
“હેર કમાન્ડન્ટ?”
“મેં કહ્યુંને, કે તું હવે સુવા માટે જઈ શકે છે.”
પેમ્પર ચાલ્યો ગયો. તેના પગ હવે વધારે અસ્થિર થઈ ગયા હતા. પ્લાઝોવમાં એણે જે કંઈ પણ જોયું હતું તેને ધ્યાનમાં રાખતાં, એમોન તેને જીવતો છોડી ન જ શકે! પરંતુ કમાન્ડન્ટે કદાચ એવું પણ વિચાર્યું હોય, કે તેને મારવા માટે હજુ ઘણો સમય હતો! તો પછી… એક દિવસની જિંદગી પણ છેવટે જિંદગી તો હતી જને!
જો કે, પાછળથી પુરવાર થયા મુજબ, એ ખાલી જગ્યા તો એમોને બીજા એક વૃદ્ધ કેદી માટે રખાવી હતી. એ વૃદ્ધ કેદીએ, જોહ્ન અને હુજર જેવા યહૂદી પોલીસની સાથે સોદો કરીને કેમ્પની બહાર હીરાનો મોટો જથ્થો પોતે સંતાડ્યો હોવાની વાત જાહેર કરી દીધી હતી. એ રાત્રે પેમ્પર રાહતભરી ઊંઘમાં સરી પડ્યો એ પછી એમોને પેલા વૃદ્ધ કેદીને પોતાની વિલામાં બોલાવ્યો, અને એ એમોનને હીરા જ્યાં સંતાડ્યા હતા એ જગ્યા બતાવી દે, તો બદલામાં તેને જીવતદાન આપવાનો પ્રસ્તાવ તેની સામે મૂક્યો.
વૃદ્ધે એમોનને હીરાની જગ્યા બતાવી દીધી, એટલે એમોને તેને ત્યારેને ત્યારે વિલામાં જ મારી નાખ્યો, અને બળવાની ચિનગારીને પોતે દબાવી દીધી હોવાનો દાવો રજુ કરીને કોપ પાસે અને ઓરેઇનબર્ગ મોકલવા માટેના અહેવાલોમાં એ વૃદ્ધનું નામ પણ ઉમેરી દીધું!
* * *
હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.
આ કથા હવે અંત તરફ ગતિ કરી રહી છે. આ કૃતિ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પણ પ્રકાશિત થઈ રહી છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે એકાદ મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. રસ ધરાવનાર મિત્રો-રસિકોને પ્રથમ તબક્કામાં આ પુસ્તક ઓછી કિંમતે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર મારા મેસેજ બોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત જાણ કરીશું.