શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૮)


પ્રકરણ ૨૮

વહીવટીભવનમાં આવેલી એમોનની ઑફિસમાં બે ટાઇપિસ્ટ હતા, જેમાં એક કુ. કોચમેન નામની જર્મન યુવતી હતી, અને બીજો એક મહેનતુ અને યુવાન યહૂદી કેદી મિતેક પેમ્પર હતો. આગળ જતાં આ પેમ્પરને ઓસ્કર પોતાનો સેક્રેટરી બનાવવાનો હતો, પરંતુ ‘૪૪ના ઉનાળામાં તો એ એમોન માટે કામ કરતો હતો. અને એટલે જ, બીજા લોકોની માફક એ પણ પોતાની હાલત બાબતે બહુ આશાવાદી ન હતો.

એમોનની કામવાળી હેલન હર્શની માફક એ પણ અકસ્માતે જ એમોનના સંપર્કમાં આવ્યો હતો. કોઈએ કમાન્ડન્ટ એમોનને તેની ભલામણ કરી હોવાથી તેને એમોનની ઑફિસમાં બોલાવવામાં આવ્યો હતો. યુવાન કેદી પેમ્પર એકાન્ટિંગનો વિદ્યાર્થી હતો, અને ટચ ટાઇપિસ્ટ હતો. પોલિશ અને જર્મન, બંને ભાષામાં એ શોર્ટહેન્ડમાં ડિક્ટેશન લઈ શકતો હતો. યાદશક્તિ માટે તેના દાખલા દેવામાં આવતા હતા. આમ આવી કુશળતા ધરાવતા એક કેદી તરીકે તેને એમોનની ઑફિસમાં રાખવામાં આવ્યો હતો. ક્યારેક-ક્યારેક ડિક્ટેશન લેવા માટે એમોન તેને પોતાને ઘેર પણ બોલાવી લેતો હતો.

પરંતુ વિધીની વક્રતા જુઓ, કે અને અન્ય કોઈ પણ કેદીની યાદશક્તિને કારણે નહીં, પરંતુ આ પેમ્પરની ચિત્ર જેવી સચોટ યાદશક્તિને કારણે એમોનને ક્રેકોવમાં ફાંસીએ ચડાવવામાં આવ્યો હતો. જો કે પોતાની નોકરી દરમ્યાન તો પેમ્પર, ભવિષ્યમાં આવું પણ કંઈ થઈ શકે છે એવી કલ્પના પણ કરી શકે એમ ન હતો! ૧૯૪૪માં તેને કોઈએ તેને પૂછ્યું હોત કે તેની સચોટ યાદશક્તિને કારણે કોનું મૃત્યુ થઈ શકે, તો જવાબમાં એણે પોતાનું જ નામ આપ્યું હોત!

પેમ્પરનો ઉપયોગ તો વધારાના ટાઇપિસ્ટ તરીકે જ કરવામાં આવતો હતો. ખાનગી દસ્તાવેજો બનાવવા માટે તો એમોન કુ. કોચમેનનો ઉપયોગ જ કરતો હતો, જે પેમ્પર જેટલી હોશિયાર ન હતી અને ડિક્ટેશનમાં પણ ઘણી ધીમી હતી. એમોનના ટેબલ સામે પોતાના ઢીંચણ પર પેડ રાખીને બેઠો હોય એ સમયે પણ, મિતેક મનોમન કોઈ વિરોધાભાસી શંકાઓથી વિચલિત થયા વગર રહેતો ન હતો! પોતાના મગજમાં એ ઠાંસી-ઠાંસીને ભરી રહ્યો હતો એ જર્મન તંત્રની અંદરના અહેવાલો અને યાદીઓની બધી જ વિગતોને, ભવિષ્યમાં એમોનને ન્યાયપંચની સામે ઊભો રાખવામા આવે ત્યારે એક સાક્ષી તરીકે એ પોતાના મસ્તિષ્કમાંથી બહાર કાઢવાનો હતો. એક બીજી શંકા તેને હતી તે એ, કે જર્મન તંત્રના આખરી દિવસો ચાલતા હશે, ત્યારે એમોન માટે તેને એક અંગત ટેપની માફક ભૂંસી નાખવો જરૂરી થઈ પડવાનું હતું!

એ સમયે જે થવાનું હોય એ ભલે થાય, પરંતુ મિતેક દરરોજ સવારથી પોતાના ટાઇપિંગ પેપર, કાર્બન પેપર અને ડુપ્લિકેટ નકલોને તો સાચવીને મૂકી જ રાખતો હતો; પરંતુ પેલી છોકરીનું ટાઇપિંગ પૂરું થઈ જાય એટલે તેના કાર્બન પેપરોનો પોતે નાશ કરી દેતો હોવાનો દેખાવ કરીને તેને પણ સાચવીને મૂકી દેતો, અને પાછળથી એ બધા જ કાગળ વાંચી લેતો. બીજી લેખિત નકલ એ ક્યારેય રાખી મૂકતો નહીં, પરંતુ શાળાના સમયથી જ તેની અચૂક યાદશક્તિ માટે તે જાણીતો હતો! મનોમન એ એટલું જાણતો હતો કે આવું કોઈક ન્યાયપંચ ક્યારેક તો જરૂર બેસશે! અને એ સમયે તેને અને એમોનને જો એ પંચની સામે ઊભા રહેવાનું આવશે, તો ચોક્કસ તારીખો સાથે એ પોતાની પાસેના પુરાવા કહી સંભળાવશે, અને ત્યારે કમાન્ડન્ટને ચોક્કસ આઘાત પહોંચવાનો!

પેમ્પરના હાથમાં કેટલાક આશ્ચર્યકારક ખાનગી દસ્તાવેજો પણ ચડી ગયા હતા. દાખલા તરીકે, સ્ત્રીઓને ચાબુક મારવા બાબતનો એક દસ્તાવેજ તેના હાથમાં આવ્યો હતો. છાવણીના કમાન્ડરોને આ કામ બહુ જ અસરકારક રીતે કરવાની સૂચના આપવામાં આવી હતી. આ કામમાં એસએસના લોકોને સંડોવવાથી એસએસની પ્રતિષ્ઠા ખરડાતી હતી, તેથી ચેક સ્ત્રીઓને સ્લોવેક સ્ત્રીઓ દ્વારા અને સ્લોવેક સ્ત્રીઓને ચેક સ્ત્રીઓ દ્વારા ચાબુકો ફટકારવાની વાત તેમાં લખી હતી. રશિયનો અને પોલિશ સ્ત્રીઓ વચ્ચે પણ આ કારણોસર ભાગલા પાડી દેવામાં આવ્યા હતા.

તે ઉપરાંત, કેદીઓ વચ્ચે પ્રવર્તતા રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક મતભેદોનો ગેરલાભ ઉઠાવવા માટે છાવણીઓના કમાન્ડન્ટોએ પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરવાનો હતો!

બીજા એક સત્તાવાર હેવાલ દ્વારા કમાન્ડન્ટને એ યાદ અપાવવામાં આવ્યું હતું, કે કોઈ પણ કેદીને મૃત્યુદંડ આપવાનો કોઈ પ્રકારનો અધિકાર કમાન્ડન્ટ પાસે ન હતો. તેને માટે કમાન્ડન્ટે તાર કે પત્ર દ્વારા જર્મન સુરક્ષા મુખ્યાલય પાસે પરવાનગી માગવાની હતી. વસંતરૂતુમાં વેલિક્ઝાની પેટા છાવણીમાંથી નાસી ગયેલા બે યહૂદી કેદીઓને ફાંસીની સજા આપવા માટે એમોને એ કાર્યવાહી કરી પણ હતી. બર્લિનથી એક તાર દ્વારા તેને પરવાનગી આપવામાં આવી હતી. પેમ્પરે જોયેલું કે, મૃત્યુદંડની પરવાનગી આપતા એ પત્રમાં જર્મન સુરક્ષા મુખ્યાલયના વડા ડૉ. અર્ન્સ્ટ લાક્ટેનબ્રનરની સહી હતી.

હજુ હમણાં એપ્રિલમાં જ, જનરલ ગ્લ્ક્સના સેક્સન ડીના મજુર વિતરણ વડા ગેરહાર્ડ મોરર તરફથી આવેલી સૂચના પણ પેમ્પરે વાંચી હતી. પ્લાઝોવના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેટલા હંગેરિયન કેદીઓને કામચલાઉ રીતે રાખી શકાય તેમ છે તેની વિગતો મોરરે એમોન પાસે માગી હતી. એ હંગેરિયન કેદીઓને છેવટે તો જર્મન આર્મામેન્ટ વર્ક્સ, ડીએડબલ્યુ ખાતે જ લઈ જવાના હતા, જ્યાં ઓસ્વિટ્ઝના વિશાળ સંકુલમાં આવેલી ક્રપની એક પેટા ફેક્ટરીમાં તોપના ગોળા બનાવવામાં આવતા હતા. જર્મનીએ હજુ હમણાં જ હંગેરી પર વિજય મેળવ્યો હોવાને કારણે, હંગેરિયન યહૂદીઓ અને ત્યાંના અન્ય વિરોધીઓ, અહીંની વસાહતો અને જેલોમાં વર્ષોથી રહેતા અન્ય કેદીઓના પ્રમાણમાં ઘણા તંદુરસ્ત હતા. આથી ઓસ્વિટ્ઝની ફેક્ટરીઓ માટે તો એ કેદીઓ અણધાર્યા ફાયદા જેવા હતા.

પરંતુ હંગેરિયન કેદીઓના દુર્ભાગ્યે, ડીએડબલ્યુ ખાતે રહેઠાણની સુવિધાઓ હજુ તૈયાર થઈ ન હતી, અને અધુરી સગવડ હોવા છતાં એ સાત હજાર કેદીઓને પ્લાઝોવ ખાતે સ્વીકારવામાં આવે તો સેક્સન ડી એમોનના એહસાન તળે આવી જાય એમ હતું!

એવું બને કે પેમ્પરે એ પત્ર માત્ર જોયો જ હોય. અથવા તેની પાસે જ ટાઇપ કરાવવામાં આવ્યો હોય એવું પણ બને. પરંતુ ગેટેએ એ પત્રના જવાબમાં લખાવેલું, કે પ્લાઝોવ તેની મહત્તમ ક્ષમતા સાથે ચાલી રહ્યો હતો, અને વીજળીથી સુરક્ષિત કરેલી વાડની અંદર એક પણ મકાન ખાલી ન હતું. છતાંયે વધારાના દસ હજાર જેટલા કામચલાઉ કેદીઓને એમોન તો જ સ્વીકારી શકે, જો (૧) છાવણીમાંના બીનજરૂરી લોકોનો નિકાલ કરવાની, અને (૨) એક જ પથારીમાં બે લોકોને સાથે સુવાડવા દેવાની પરવાનગી આપવામાં આવે. જવાબમાં મોરરે લખેલું, કે બે લોકો માટે એક પથારીની પરવાનગી તો ઉનાળાના આ સમયમાં ટાયફસના ડરને કારણે આપી શકાય તેમ નથી, કારણ કે આદર્શ નિયમાનુસાર એક વ્યક્તિને ત્રણ ઘનફૂટ જેટલી હવા આપવી આવશ્યક છે.

પરંતુ, મોરર ખુદ પહેલા વિકલ્પની પરવાનગી ગેટેને આપવા ઇચ્છતા હતા. સેક્સન ડી દ્વારા ઓસ્વિટ્ઝ-બર્કેન્યુની છાવણીને, અથવા છેવટે એ વિશાળ સંસ્થાઓની સંહાર-શાખા પૂરતી એવી સૂચના આપવામાં આવી, કે પ્લાઝોવ માટે અસ્વીકાર્ય કેદીઓની મોટી સંખ્યા સ્વીકારવા માટે તેમણે તૈયારી રાખવી; અને સાથે-સાથે, પ્લાઝોવના દરવાજાથી છેક પર્વતની ઉપર સુધી પશુઓને લાવવા-લઈ જવાના વાહનોની જોગવાઈ ઓસ્ટબાહે કરવી એવું નક્કી થયું.

આ રીતે, પોતાની છાવણીમાંથી કેદીઓની છટણી કરવાનો કારસો એમોને ઘડી કાઢ્યો હતો.

પોતાની કુશાગ્ર બુદ્ધિ અને બેપરવા ખર્ચની મદદથી ઓસ્કર એમેલિયાની અંદર જેટલા લોકોને આશ્રય આપીને બેઠો હતો, મોરર અને સેક્સન ડીની મહેરબાનીથી એમોન એટલી સંખ્યામાં કેદીઓને તો એક જ દિવસમાં સાફ કરી નાખવાનો હતો! હત્યા કરવા માટે કેદીઓને પસંદ કરવાની પોતાની પ્રક્રિયાને એમોને ‘આરોગ્ય કાર્યવાહી’ જેવું નામ આપ્યું હતું.

કોઈક ગ્રામ્યમેળાની માફક એણે આરોગ્ય કાર્યવાહીનું આયોજન કર્યું હતું. રવિવાર, સાતમી મેની સવારે કાર્યવાહીની શરૂઆત થઈ, ત્યારે હાજરીના સમયે “પ્રત્યેક કેદી માટે યોગ્ય કામ!” એવું સુત્ર લખેલું બેનરો લાગેલાં હતાં. લાઉડસ્પિકરોમાંથી બૅલડ અને સ્ટ્રોસ જેવાં પ્રેમભર્યા ગીતો વાગી રહ્યાં હતાં. એક બેનરની નીચે ગોઠવેલા ટેબલ પાસે એસએસના ડૉ. બ્લેન્ક અને ડૉ. લિઓન ગ્રોસ ઉપરાંત કેટલાક કારકુનો બેઠા હતા. આરોગ્ય વિશેના ડૉ. બ્લેન્કના વિચારો, એસએસના અન્ય ડૉક્ટરો જેટલા જ તરંગી હતા. જેલની અંદર અસાધ્ય રોગો ધરાવતા કેદીઓનો નિકાલ તો એમણે રોગીઓની લોહીની નસોમાં બેન્ઝિનના ઇન્જેક્શનો આપીને જ કરી દીધો હતો! આ ઇન્જેક્શનોને કોઈ પણ દૃષ્ટિએ કૃપામૃત્યુ ગણાવી શકાય તેમ ન હતા! ઇન્જેક્શન આપ્યા પછી રોગીના આખા શરીરમાં ભયાનક ખેંચ આવતી, અને ગુંગળાઈ જવાને કારણે પા કલાકમાં જ દરદીનું મોત નીપજતું હતું! યહૂદી મંડળના એક સમયના પ્રમુખ, અને મોન્ટેલ્યુપિક સ્ટ્રીટમાં બે વર્ષની જેલ ભોગવીને હાલમાં જ પ્લાઝોવના મહેમાન બનેલા મેરેક બાઇબરસ્ટેઇનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, અને તેમને ક્રેન્કેન્સ્ટ્યુબ નામે ઓળખાતા ખાસ વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ડૉ. બ્લેન્ક બેન્ઝિનનું ઇન્જેક્શન લઈને તેમની પાસે પહોંચે એ પહેલાં જ, બે વર્ષ પહેલાં શિન્ડલર દૂરથી જેને જોઈને પ્રભાવિત થઈ ગયો હતો એ જિનિયાના કાકા ડૉ. આઇડેક શિન્ડેલ, પોતાના મદદનીશોની સાથે બાઇબરસ્ટેઇનની પથારી પાસે પહોંચી ગયા હતા, અને તેમના મદદનીશોમાંથી એક ડૉક્ટરે, બેન્ઝીન કરતાં ઓછું પીડાકારક એવું સાઇનાઇડનું ઇન્જેક્શન બાઇબરસ્ટેઇનને આપીને તેમને મૃત્યુ પહેલાંની ભયાનક પીડામાંથી ઉગારી લીધા હતા!

અને આજે, આ ‘આરોગ્ય કાર્યવાહી’ દરમ્યાન, બધા જ કેદીઓની વિગતોથી ભરેલી ફાઇલ-કેબીનેટોથી ઘેરાઈને બેઠેલા ડૉ. બ્લેન્ક, એક સમયે એક જ બેરેકના કેદીઓ સાથે કામ પાડવાના હતા. એકસરખા કાર્ડ ધરાવતા કેદીઓની એક શ્રેણી પૂરી થયા પછી જ તેઓ બીજી શ્રેણીનો વારો કાઢવાના હતા.

હાજરીસ્થળે પહોંચીને બધા જ કેદીઓએ નગ્ન થઈ જવાનું હતું. ડોક્ટરોની સામે તેમણે નગ્નાવસ્થામાં દોડવાનું હતું. ડૉ. બ્લેન્ક અને તેના મદદનીશ યહૂદી ડૉક્ટર લિઓન ગ્રોસ કાર્ડ પર ચિહ્ન અંકિત કરીને એ કેદી સામે આંગળી ચીંધીને તેનું નામ ચકાસવા માટે નજીક બોલાવે. કેદી દોડીને પાછો જાય અને તેનામાં કોઈ રોગ કે સ્નાયુલક્ષી નબળાઈ છે કે નહીં તે ડૉક્ટરો ચકાસે. આ કાર્યવાહી ખુબ જ વિચિત્ર અને અપમાનજનક હતી! ફેફરબર્ગ જેવા કેટલાયે પુરુષો તેમાં સામેલ હતા, જેમની પીઠ હુજરના ચાબુકના હેન્ડલના ફટકા ખાઈ-ખાઈને તૂટીને વાંકી વળી ગઈ હતી, તો પેટના ભયાનક દુખાવાથી પીડાતી કેટલીયે સ્ત્રીઓ, જીવ બચાવવા ખાતર પોતે તંદુરસ્ત હોવાનું દેખાડવા આજે કોબીજ ઘસી-ઘસીને પોતાના સાથળ લાલઘૂમ કરીને અહીં આવી હતી! પોતાનો જીવ બચાવવા ખાતર દોડી રહેલા એ બધાં જ એમ સમજતાં હતાં કે અહીં દોડવાથી જરૂર તેમનો જીવ બચી જવાનો! બર્લિન ઓલિમ્પિકમાં પોલેન્ડ તરફથી દોડેલી શ્રીમતી કિન્સ્ટલિંગર નામની એક યુવાન સ્ત્રી એટલું સમજી ગઈ હતી, કે ઓલિમ્પિક તો માત્ર એક રમત હતી! સાચી હરીફાઈ તો આ હતી! બેવડ વળી ગયેલા પેટે ટૂંકા-ટૂંકા શ્વાસ લેતી, ઠગારા સંગીતના ધબકારે અહીં એ બધાંએ દોડવાનું હતું, પોતપોતાની મહામૂલી જિંદગીને ખાતર!

એ પછીના રવિવાર સુધી, એ જ બેનરો અને એ જ બેંડના સંગીત સાથે કેદીઓનાં ટોળાં ભેગા કરવામાં આવતાં રહ્યાં. ત્યાં સુધી કોઈ કેદીને પરિણામની જાણ થઈ ન હતી. છેવટે જ્યારે નામો બોલાવા લાગ્યા, અને આરોગ્ય કાર્યવાહીમાં નિષ્ફળ ગયેલા કેદીઓને કૂચ કરાવીને ચોકના પૂર્વ છેડે લઈ જવામાં આવ્યા ત્યારે ચારેબાજુથી રોષ અને વિમાસણભરી ચીસો સંભળાવા લાગી. એમોને કેદીઓ દ્વારા હુલ્લડ થવાની અપેક્ષા રાખી જ હતી અને સાવચેતી વર્તીને એણે ક્રેકોવથી જર્મન ટૂકડીઓની મદદ પણ મગાવી રાખી હતી. કેદીઓના બળવા જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ ટૂકડીઓને મેદાનમાં તૈનાત રાખવામાં આવી હતી. આગલા રવિવારના નિરીક્ષણ દરમ્યાન છાવણીમાંથી ત્રણસો બાળકોને ઝડપી લેવામાં આવ્યાં હતાં! આજે એ બાળકોને પણ ખેંચીને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે માતા-પિતા દ્વારા તેનો વિરોધ અને રડારોળ એટલા મોટા અવાજે થઈ રહ્યાં હતાં, કે ક્રેકોવથી બોલાવેલી પોલીસ સહિતની મોટા ભાગની ટૂકડીઓએ વિરોધ કરી રહેલાં જુથોની વચ્ચે ધસી જવું પડ્યું હતું. એ સામનો બે કલાક સુધી ચાલ્યો હશે! પાગલ થઈ ગયેલા મા-બાપોના હુમલાને ચોકિયાતો બળપૂર્વક પાછો ઠેલી રહ્યા હતા. આરોગ્ય કાર્યવાહીમાં નિષ્ફળ નીવડેલા કેદીઓને એ જ જૂના અને રોજિંદા જુઠાણાં કહેવામાં આવી રહ્યાં હતાં. સ્પષ્ટપણે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી, અને છતાંયે બધા જ જાણતા હતા કે આ કસોટી પાર ન કરી શકનારાનું કોઈ જ ભવિષ્ય ન હતું! લાઉડસ્પિકરોમાંથી વહી રહેલા વોલ્ટ્ઝ અને રમુજી ગીતોની વચ્ચે, તરડાયેલા તિરસ્કારયુક્ત ગરબડિયા અવાજે એક ટોળાથી બીજા ટોળા પર સૂચનાઓનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. હેનરી રોસનરે પોતાના પુત્ર ઓલેકને છાવણીમાં જ ક્યાંક છુપાવી રાખ્યો હતો. એ સમયે વ્યથિત હેનરીને એક વિચિત્ર અનુભવ પણ થયો હતો! એસએસનો એક યુવાન સૈનિક, આંખમાં આંસુ સાથે બહાર જે કંઈ બની રહ્યું હતું તેનું વર્ણન હેનરી પાસે કરી રહ્યો હતો, અને સાથે-સાથે હેનરીને છાવણીના પુર્વ દરવાજે ચાલ્યા જવા માટે વિનવણી પણ કરતો હતો. જ્યારે બીજી તરફ અધિકારીઓ બૂમો પાડી-પાડીને એવી જાહેરાતો કહી રહ્યા હતા કે કેદીઓ શિસ્તનું પાલન નહીં કરે તો સૈનિકોને ગોળીબાર કરવાનો આદેશ આપી દેવામાં આપવામાં આવશે. એમોન કદાચ એવું જ વિચારતો હશે, કે આવા સંજોગોમાં જરૂરી ગણાય એવો ગોળીબાર કરી શકાય તો પ્લાઝોવની ભીડમાં ઓર ઘટાડો થઈ જાય!

આખી કાર્યવાહીના અંતે, ૧૪૦૦ પુખ્ત કેદીઓ અને ૨૬૮ બાળકોને હથિયારો વડે નિયંત્રણમાં રાખીને, તેમને જેમ બને તેમ જલદી ઓસ્વિટ્ઝ મોકલી આપવા માટે હાજરીના મેદાનના પૂર્વ છેડે ઊભા રાખી દેવામાં આવ્યા. પેમ્પર આ દૃશ્ય જોતો મનોમન આંકડા યાદ રાખી રહ્યો હતો. એમોનને આ ગમવાનું ન હતું. એમોનની અપેક્ષાથી તો આ આંકડો બહુ નાનો હતો, પરંતુ હંગેરિયન કેદીઓને કામચલાઉ સમાવવા માટે આટલું કરવાથી હાલ પૂરતી જગ્યા થઈ શકે તેમ હતું.

ડૉ. બ્લેન્કની કાર્ડ-ફાઇલ પ્રણાલીમાં, પુખ્તોની માફક બાળકોની નોંધણી કાળજીપૂર્વક કરવામાં નહોતી આવતી. પ્લાઝોવમાં ધણાં બાળકો એ બંને રવિવારે છુપાઈ રહ્યાં હતાં. બાળકો અને તેમનાં મા-બાપ, બધાં જ એટલું જાણતાં હતાં કે બાળકોની નાની ઉંમર, અને છાવણીના દસ્તાવેજોમાં તેમનાં નામ અને અન્ય વિગતો નોંધાયેલી ન હોવાને કારણે ઓસ્વિટ્ઝ મોકલવાની પસંદગી માટે તેઓ સરળ લક્ષ્ય બની રહેવાનાં હતાં!

બીજા રવિવારે ઓલેક રોસનર એક ઝુંપડીની છતમાં છુપાઈ ગયો હતો. છાપરાની વળીની ઉપર તેની સાથે બીજા બે બાળકો પણ છુપાયાં હતાં, અને આખો દિવસ તેમણે ચીવટપૂર્વક શાંતિ જાળવી રાખી હતી, છાપરામાં રહેતી જૂ, અન્ય લોકોએ છુપાવી રાખેલી ચીજ-વસ્તુઓ અને ઉંદરડાની વચ્ચે બાળકો પેશાબ પણ કર્યા વગર બેઠા રહ્યા હતાં. બાળકો અને મા-બાપ જાણતાં હતાં કે એસએસ અને યુક્રેનિયનો છાપરા ઉપરની આ જગ્યાઓથી સાવચેતીપૂર્વક દૂર જ રહેતા હતા. એસએસની ધારણા પ્રમાણે આવી જગ્યાઓ ટાયફસથી ભરચક હતી, અને ડૉ. બ્લેન્ક દ્વારા પણ તેમને સૂચના આપવામાં આવી હતી કે એ જગ્યાની જરા જેટલી રજકણ પણ કોઈની ચામડી પર પડી જશે તો ટાયફસનો રોગચાળો ફાટી નીકળશે! આથી મા-બાપોએ કેટલાંક બાળકોને તો પ્લાઝોવની પુરુષોની જેલ પાસે આવેલી “ભયાનક ટાઇફસ” લખેલી ઝુંપડીમાં મહિનાઓ સુધી સંતાડી રાખ્યાં હતાં. એ રવિવારે ઓલેક રોસનર માટે, ટાયફસવાળી જૂ કરતાં એમોનની આરોગ્ય કાર્યવાહી વધારે ભયાનક હતી. અલગ તારવવામાં આવેલાં ૨૬૮ બાળકોમાંથી કેટલાંક તો કાર્યવાહી પહેલાં જ પોતપોતાની રીતે છુપાઈ ગયાં હતાં. પ્લાઝોવનું એક-એક બાળક એક સરખા માનસિક જુસ્સા સાથે પોતપોતાની પસંદગીની છુપાવાની જગ્યાએ ગોઠવાઈ ગયેલું! કેટલાકે ઝૂંપડી નીચેના ભોંયતળિયાં પસંદ કર્યાં હતાં, કોઈ કપડાં ધોવાની જગ્યાએ છુપાયું હતું, તો કોઈ ગેરેજની પાછળ સંતાઈ ગયું હતું. પરંતુ બંને રવિવારે તેમના છુપાવાની બધી જ જગ્યાઓને સૈનિકો દ્વારા શોધી કાઢવામાં આવી હોવાને કારણે તેમાંનું એક પણ સ્થળ બાળકોને રક્ષણ આપી શક્યું ન હતું!

આરોગ્ય કાર્યવાહી દરમ્યાન, બીજા જુથને બોલાવવામાં આવ્યું ત્યાં સુધી તો કોઈને શંકા પડી ન હતી. કેટલાંક મા-બાપો કોઈને કોઈ સૈનિકને ઓળખતાં હતાં. હિમલરે એક વખત ફરિયાદ કરી હતી એ પ્રમાણે, કોઈપણની હત્યા કરતાં અચકાય નહીં એવા એસએસના ક્રુર અધિકારીઓને ઓળખતા હોય એવા યહૂદીઓ પણ છાવણીમાં હતા! એ દિવસે તો એ સ્થળ જાણે શાળાનું રમતગમતનું મેદાન હોય એવું દેખાતું હતું! બાળકોની બાબતે છાવણીનાં કેટલાંક મા-બાપ માનતાં હતાં, કે એસએસના સૈનિકોને વિનંતી કરવાથી બાળકોને તો જરૂર બચાવી શકાશે!

આગલા રવિવારે તેર વર્ષના એક અનાથ કિશોરને યુવાન ગણીને તેની હાજરી પૂરવામાં આવી હોવાથી તેને લાગેલું કે આ વખતે પણ એ બચી જશે! પરંતુ નગ્ન હાલતમાં તેના શરીરની હાલતને કારણે પોતાની કિશોરવયને એ છૂપાવી ન શક્યો. કપડાં પહેરાવીને તેને બાળકોના જુથમાં મોકલી આપવામાં આવ્યો હતો.

હાજરીના મેદાનના એક છેડે ઊભેલાં મા-બાપો, અલગ ઊભા રાખી દેવાયેલાં તેમનાં બાળકો માટે રડારોળ કરી રહ્યાં હતાં, અને એ જ સમયે લાઉડસ્પિકરોમાંથી “મમ્મી મને ઘોડો અપાવી દે” જેવું ગીત કર્કશ અવાજે વાગી રહ્યું હતું! બરાબર એ સમયે પેલો અનાથ કિશોર, શાંતિચોકમાં ચાલતી પેલી લાલ ટોપીવાળી છોકરીએ દાખવી હતી એવી જ નિશ્ચિત સૂઝથી દોરવાતો અને કેદીઓના એક જુથમાંથી બીજા જુથમાં પસાર થતો ધીમે-ધીમે ખસતો રહ્યો! મોટા યુવાનો જેવો જ દેખાતો એ કિશોર ફરીથી મોટા સાથે જઈને ઊભો રહી ગયો. તિરસ્કાર થઈ આવે એવા સંગીતના ઘોંઘાટમાં કિશોરનું હૃદય જાણે હમણાં છાતી ફાડીને બહાર આવી જવાનું હોય એમ ધડકવા લાગ્યું. આખરે પેટમાં ખૂબ દુઃખતું હોવાનું નાટક કરીને એણે શૌચાલયમાં જવા દેવાની ચોકીદારને વિનંતી કરી.

શૌચાલયનું લાંબુ મકાન પુરુષોની છાવણીની પાછળ આવેલું હતું. શૌચાલયમાં પહોંચીને ખાડાની ઉપર મૂકેલા મળત્યાગ માટે બેસવાના પાટિયા પરથી એ કિશોર નીચે ખાડામાં ઉતરી ગયો! એક હાથે એણે દિવાલ પકડી રાખી હતી, અને બીજા હાથે મળની અંદર, પગના આંગળા કે ઘુટણ ભરાવી શકાય તેવી જગ્યાને એ શોધવા લાગ્યો. ગંધથી તેનું માથું ફાટી રહ્યું હતું અને માખીઓએ તો તેના મોં, કાન અને નાક પર હુમલો જ કરી દીધો હતો! આગળ ખસતાં એક પહોળી જગ્યાએ પહોંચતાં તેના પગ ખાડાની જમીનને સ્પર્શ્યા, ત્યાં જ માખીઓના ગણગણાટની સાથે અન્ય બીજો અવાજ પણ ભળી જતો હોવાનો તેને ભ્રમ થઈ આવ્યો “એ લોકો તારી પાછળ આવે છે?” એક અવાજે તેને પુછ્યું. બીજા અવાજે કહ્યું, “અરે, આ તો અમારી જગ્યા છે!”

મળના એ ખાડામાં તેની સાથે બીજાં દસ બાળકો ઊભાં હતાં.

એમોને પોતાના અહેવાલમાં એક ખાસ શબ્દ પ્રયોજ્યો હતો, “ખાસ માવજત.”

આવનારા વર્ષોમાં એ શબ્દ ખૂબ જ પ્રચલિત થઈ જવાનો હતો, પરંતુ આજે પહેલી જ વખત પેમ્પરના સાંભળવામાં એ શબ્દ આવ્યો. પહેલી નજરે તો એ શબ્દ કોઈને શાંત પાડવા માટેનો, કે પછી તેમની સારવાર સાથે જોડાયેલો લાગતો હતો! પરંતુ મિતેક જાણતો હતો કે એ શબ્દને ઈલાજ સાથે કોઈ જ લેવા-દેવા ન હતી!

એ સવારે ઓસ્વિટ્ઝ મોકલવા માટે એમોને એક એવો તાર લખાવ્યો, જેણે એ શબ્દના અર્થ બાબતે છૂપા સંકેત સાથે થોડો સ્પષ્ટ ખુલાસો કરી આપ્યો. એમોને લખાવેલું કે કેદીઓ માટે નાસી જવાનું વધારે અઘરું બની જાય એ માટે, ‘ખાસ માવજત’ માટે પસંદગી પામેલા બધા કેદીઓએ પહેરેલાં અને તેમનાં વધારાનાં કપડાં ઊતારીને રેલવે લાઈનની બાજુમાં જ મૂકી દઈને તેમને જેલનાં લીટીવાળાં કપડાં પહેરાવી દેવાં. પ્લાઝોવમાં કપડાંની ભયાનક તંગી પ્રવર્તતી હોવાને કારણે, પ્લાઝોવથી મોકલેલા કેદીઓ ઓસ્વિટ્ઝના કોન્સન્ટ્રેશન કેમ્પમાં પહોંચે એટલે તેમનાં એ લીટીવાળાં કપડાં પણ ઉતરાવી લઈને પ્લાઝોવ પાછા મોકલી આપવા જેથી અન્ય કેદીઓને આપી શકાય, એવી સૂચના ઓસ્વિટ્ઝને આપવાની વાત પણ તેણે લખાવી હતી.

પ્લાઝોવની આ છટણીમાંથી બચી ગયેલાં બાળકોમાંથી મોટા ભાગનાં, કાં તો પેલા યુવાન દેખાતા અનાથ કિશોરની સાથે શૌચાલયના ખાડામાં છુપાઈ ગયાં હતાં, અથવા તો યુવાન દેખાવામાં સફળ રહીને પ્લાઝોવમાં જ રહ્યા હતા. જો કે સૈનિકોએ આગળ જતાં એમને પણ શોધી જ કાઢીને ઓસ્ટવિટ્ઝથી પણ ૬૦ કિલોમિટર દૂર ઓસ્ટબાહ્ન સુધીની લાંબી મુસાફરી પર રવાના કરી દીધાં હતાં. ઉનાળાના એ દિવસોમાં પૂર્વ દિશાએ જતો રસ્તો લ્વોવ પાસે અટકી જતો હોવાથી સૈનિકો અને માલસામાનને ત્યાંથી આગળ લઈ જવા માટે ગાડાંનો ઉપયોગ જ કરવામાં આવતો હતો. વળતી વખતે પાછાં આવેલાં ગાડાં ત્યાં ઊભા રહીને સમય પસાર કરતાં હોય, ત્યારે એસએસના ડૉક્ટરો નગ્ન યહૂદીઓની અવિરત કતારોને દોડતી જોઈ રહેતા હતા.

આપનો પ્રતિભાવ આપો....