શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૩)


પ્રકરણ ૨૩

જેમ-જેમ કેદીઓમાં આ વાત ફેલાતી ગઈ, તેમ-તેમ એમેલિયા જવા માટે એમની વચ્ચે હરીફાઈ થઈ પડી. દોલેક હોરોવિત્ઝ નામનો એક કેદી પ્લાઝોવમાં ખરીદ અધિકારી હતો. એ જાણતો હતો, કે તેને સાવ એમને એમ તો શિન્ડલરની ફેક્ટરીમાં જવા દેવામાં નહીં જ આવે! પરંતુ છાવણીમાં તેની સાથે તેની પત્ની અને બે બાળકો પણ રહેતાં હતાં!

શિયાળાના છેલ્લા-છેલ્લા દિવસોમાં ધુમ્મસના રૂપમાં પૃથ્વી પોતાની આભા પ્રસરાવી રહી હતી, દોલેકનો સૌથી નાનો પુત્ર રિચાર્ડ સ્ત્રીઓના વિભાગમાં પોતાની માની પથારીમાંથી નીચે ઊતર્યો અને ટેકરી ઊતરીને પિતાની છાવણી તરફ દોડી ગયો. તેનું ધ્યાન તો સવાર-સવારમાં વહેંચાતી સૂકી બ્રેડમાં જ હતું. બ્રેડ મેળવવા માટે સવારની હાજરીના સમયે પિતાની સાથે હોવું તેને માટે જરૂરી હતું. ધુમ્મસભરી સવારમાં ચિલોવિક્સની યહૂદી પોલીસચોકી પાસેથી પસાર થતી વેળાએ ચોકીના બે બૂરજની સામેથી એ પસાર થયો. ચોકીદારો ઓળખતા હોવાને કારણે એ અહીં સુરક્ષિત હતો. એ હોરોવિત્ઝનો પુત્ર હતો, અને તેના પિતા હેર બૉસ માટે અમૂલ્ય હતા; અને વળી હેર બૉસ પોતે કમાન્ડન્ટના શરાબપાનના સાથીદાર હતા! પિતાની કુશળતાને કારણે પુત્રને પણ છાવણીમાં મુક્ત રીતે હરવા-ફરવાની છૂટ મળી ગઈ હતી, એટલે ચોકીના બૂરજની નજર હેઠળ પણ એ મસ્તીમાં ફરતો રહેતો. પિતાની બેરેક શોધીને તેમના પલંગ પર ચડીને જાત-જાતના પ્રશ્નો પૂછીને એ પિતાને જગાડી દેતો. “સવારે જ કેમ આટલું ધુમ્મસ હોય છે, અને સાંજે કેમ નથી હોતું? આજે ટ્રકો આવશે? આજે હાજરી પૂરવામાં બહુ વાર લાગશે? આજે કોઈને ચાબુકથી મારશે?”

દરરોજ સવારના રિચાર્ડના આવા પ્રશ્નોને કારણે દોલેક હોરોવિત્ઝને થઈ આવ્યું હતું, કે પ્લાઝોવમાં ભલે રિચાર્ડને આટલી બધી છૂટછાટ મળતી હોય, પરંતુ આ જગ્યા તેના માટે યોગ્ય નથી જ! કોઈક રીતે શિન્ડલરનો સંપર્ક કરી શકાય તો… શિન્ડલર અહીં ઘણી વખત આવતો હતો અને કામનું બહાનું કાઢીને એ વહીવટી કેંદ્ર અને વર્કશોપ પાસે થઈને નીકળતો પણ હતો. સ્ટર્ન, રોમન જિન્તર અને પોલદેક ફેફરબર્ગ જેવા તેના મિત્રોને કંઈને કંઈ ભેટ આપીને શિન્ડલર તેમની સાથે સમાચારોની આપ-લે પણ કરી લેતો હતો. એવા સમયે શિન્ડલરનો સંપર્ક કરવામાં તેને સફળતા ન મળી, એટલે તેને લાગ્યું કે કદાચ બૉસ મારફતે શિન્ડલરનો સંપર્ક કરી શકાય! તેની જાણકારી મુજબ બૉસ અને શિન્ડલર ઘણી વખત મળતા હતા. અહીં જાહેરમાં નહીં, તો કદાચ શહેરમાં, ઑફિસોમાં કે પાર્ટીઓમાં મળતા હશે! તેમની વચ્ચે કદાચ મિત્રો જેવા સંબંધો ન પણ હોય, પરંતુ અરસપરસની લેવડદેવડથી સંકળાયેલા હોવાને કારણે બંને એકબીજાને મદદ તો કરતા જ હશે!

પરંતુ દોલેક માત્ર રિચાર્ડને કારણે જ, અથવા તો ખાસ રિચાર્ડના કારણે જ શિન્ડલરના પરિસરમાં દાખલ થવા માગતો હતો એવું ન હતું. પ્રશ્નોનો મારો ચલાવીને રિચાર્ડ તો તેના ભયને પાંખો કરી દેતો હતો. પરંતુ તેની દસ વર્ષની દીકરી ન્યૂસિયા તેને કોઈ જ પ્રશ્ન પૂછતી ન હતી! દૂબળી-પાતળી, અન્ય છોકરીઓ જેવી જ દેખાતી ન્યૂસિયા સાલસતાની હદ વટાવીને હવે મોટી થઈ ચૂકી હતી. બ્રશ બનાવવાના કારખાનામાં, લાકડાના ટૂકડા પાછળ બ્રશના તાર લગાડતાં-લગાડતાં ઓસ્ટ્રિઅન હિલ ફોર્ટની અંદર આવ-જા કરતી ટ્રકોને એ બારીમાંથી જોયા કરતી હતી, અને સહન ન થાય તો પણ મોટેરાઓની માફક ડરને હૃદયમાં જ ધરબી રાખતી હતી! મા-બાપની છાતીએ વળગીને પોતાના ડરનું સ્થાનાંતર કરી શકવા પણ એ સમર્થ ન હતી!

બૉસ દ્વારા શિન્ડલરને વાત પહોંચાડ્યા પછી પણ કંઈ વળશે એવું દોલેકને લાગતું ન હતું. તેની પત્ની રેજિનાને વાસણ બનાવવાનો કે એનેમલ લગાડવાનો કોઈ જ અનુભવ ન હતો. બૉસે પણ ફરીથી એ વાતનો ક્યારેય ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ એક અઠવાડિયાની અંદર-અંદર જ, ઘરેણાં ભરેલા એક નાનકડા પરબીડિયાની સાટે, કમાન્ડન્ટ ગેટેએ મંજૂર કરેલી એમેલિયા જવા માટેની હવે પછીની યાદીમાં તેમનું નામ આવી ગયું, અને એમેલિયા જવા માટે ચારેય રવાના પણ થઈ ગયાં!

એમેલિયામાં સ્ત્રીઓ માટેની બેરેકમાં દુબળી-પાતળી ન્યૂસિયા બધાથી અતડી જ રહેતી હતી. પ્લાઝોવની માફક જ તેનું ધ્યાન રાખવા માટે રિચાર્ડ આવ-જા કરતો રહેતો હતો. હથિયારો અને વાસણો બનાવવાની ફેક્ટરીઓમાં બધા જ એને ઓળખતા થઈ ગયા હતા. ચોકીદારો પણ તેનાથી પરિચિત થઈ ગયા હતા. મનોમન રેજીના એવી કલ્પના કરતી રહેતી કે કાશ, કોઈક વાર ઓસ્કર એનેમલ ફેક્ટરીમાં તેની પાસે આવીને પૂછે, કે “ઓહ, તો તમે છો દોરેક હોરોવિત્ઝનાં પત્ની!” અને જો એવું બને, તો પોતે કયા શબ્દોમાં ઓસ્કરનો આભાર વ્યક્ત કરી શકે! પરંતુ ઓસ્કર ક્યારેય તેની પાસે આવ્યો નહીં! લિપોવા સ્ટ્રીટમાં તેને કે તેની પુત્રીને બહુ જાહેરમાં આવવું પડતું ન હોવાને કારણે એ ખુબ જ ખુશ હતી. ઓસ્કર તેમને ઓળખતો હતો તેની બંનેને ખબર હતી, કારણ કે રિચાર્ડ સાથે એ હંમેશા તેમનાં નામ દઈને વાતો કરતો હતો. રિચાર્ડના પ્રશ્નોના પ્રકાર જે રીતે બદલાતા જતા હતા તે જોતાં અહીં આવીને તેમને જે કંઈ મળ્યું હતું તેની કિંમત બંને બરાબર સમજતાં હતાં.

એમેલિયાની છાવણીમાં કોઈ સ્થાયી કમાન્ડન્ટ તો હતો નહીં, કે જે કેદીઓ પર જુલમ કરી શકે! કોઈ કાયમી ચોકીદારો પણ ન હતા. દર બે દિવસે ચોકીયાતદળ બદલાઈ જતું હતું. બે ટ્રક ભરીને એસએસ અને યુક્રેનિયન સૈનિકો પ્લાઝોવથી ઝેબ્લોસી આવીને પેટા છાવણીની સુરક્ષા સંભાળી લેતા હતા. પ્લાઝોવના સૈનિકોને પણ ક્યારેક-ક્યારેક મળી જતી એમેલિયાની આ ફરજ ગમતી હતી. એમિલિયાનું રસોડું આમ તો પ્લાઝોવ કરતાં તદ્દન સામાન્ય દેખાતું હતું, પરંતુ એમેલિયાના ડાયરેક્ટરના રસોડે રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હતી! ચોકીદારો વાડની બહાર ફરતા રહીને ચોકી કરવાને બદલે છાવણીની અંદર પ્રવેશ કરે તો ડાયરેક્ટર ઓસ્કર ગુસ્સે થઈને ઓબરફ્યૂહરર સ્કર્નરને ટેલીફોન કરી દેતા હતા, એટલે સૈનિક ટૂકડી વાડની બહાર જ રહેતી હતી. ઝેબ્લોસીમાં કામ કરવું તેમને માટે એક બાજુ આનંદદાયક, તો બીજી બાજુ કંટાળાજનક બાબત હતી!

એસએસના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત સિવાય ડેફના કેદીઓ ચોકીદારોને ભાગ્યે જ જોવા પામતા! છાવણીમાંથી નીકળીને કાંટાળા તારથી સુરક્ષિત એક રસ્તા પર થઈને કેદીઓને એનેમલ પ્લાન્ટમાં કામ પર લઈ જવામાં આવતા હતા. એવો જ એક બીજો રસ્તો છાવણીમાંથી હથિયારોની ફેક્ટરીમાં જતો હતો. બોક્સ ફેક્ટરી, રેડિયેટર પ્લાન્ટ કે લશ્કરી ઑફિસમાં કામ કરતા એમેલિયામાં રહેતા યહૂદીઓને યુક્રેનિયન સૈનિકો કામ પર લઈ જતા અને વળતાં પાછા લઈ આવતા. યુક્રેનિયન સૈનિકો પણ દર બે દિવસે બદલાઈ જતા હતા. કોઈ પણ ચોકીદારને એમેલિયામાં એટલો સમય મળતો નહીં, જેથી કોઈ કેદી તરફ એ જીવલેણ દ્વેષ કેળવી શકે!

આમ, એમેલિયાના લોકોના જીવનદોરની મર્યાદા ભલે એસએસ દ્વારા નક્કી કરવામાં આવતી હોય, પરંતુ ઓસ્કરે તેનો સૂર ધરમૂળથી બદલી નાખ્યો હતો. એ સૂર ભલે નાજુક હોય, પરંતુ સ્થાયિત્વનો જરૂર હતો! અહીં કોઈ કુતરા ન હતા, કોઈ મારઝૂડ ન હતી! પ્લાઝોવ કરતાં સારી અને વધારે પ્રમાણમાં બ્રેડ મળી રહેતી હતી. ફેક્ટરીમાં સલાહકાર તરીકે કામ કરતા ડૉક્ટરની સલાહ મુજબ, રોજ ૨૦૦૦થી વધારે કેલરીનો ખોરાક દરેક કેદીઓને અપાતો હતો. પાળીનું કામકાજ ઘણી વખત બાર-બાર કલાક જેટલું લાંબુ ચાલતું, કારણ કે આખરે ઓસ્કર એક એવો વેપારી હતો, જેણે યુદ્ધ માટેની જરૂરિયાતો પૂરી પાડવાની હતી; તે ઉપરાંત પરંપરાગત નફાની અપેક્ષા પણ એ રાખતો જ હતો! એકંદરે, એવું કહી શકાય તેમ હતું કે પાળી ગમે તે હોય, અહીં કામ કરવું અઘરું ન હતું! કેટલાયે કેદીઓ એ સમયે એવું નિશ્ચિતપણે માનતા હતા, કે તેમના અસ્તિત્વને ટકાવી રાખવામાં તેમના પોતે અહીં કરેલા શ્રમનો જ ફાળો હતો.

યુદ્ધ પૂરું થયા બાદ સંયુક્ત વિતરણ સમિતિ સામે ઓસ્કરે રજુ કરેલા હિસાબો પ્રમાણે, એમેલિયા છાવણીની ભોજન-વ્યવસ્થા પેટે તેણે ૧૮૦૦૦૦૦ ઝ્લોટી (૩૬૦૦૦૦ ડૉલર)નો ખર્ચ કર્યો હતો. ફાર્બન અને કૃપ્પ નામની ફેક્ટરીઓની ખાતાવહીઓમાં આવી રકમનો ખર્ચ બતાવીને તેની માંડી વાળવામાં આવેલી બનાવટી નોંધો પણ જોવા મળી હતી, પરંતુ ઓસ્કરના હિસાબોમાં નફાની સામે જે ખર્ચ કરવામાં આવ્યો હતો, તેની સામે ફાર્બન અને કૃપ્પ ફેક્ટરીએ કેદીઓ પાછળ ખર્ચેલી રકમની ટકાવારી સાવ નહીંવત લાગે! જો કે હકીકત એ છે, કે વધારે પડતા કામ, માર કે ભૂખને કારણે એમેલિયામાં કોઈ બેભાન થયું ન હતું, કે મૃત્યુ પણ પામ્યું ન હતું; જ્યારે એકલા આઈ. જી ફાર્બનના બ્યૂના પ્લાન્ટમાં કામ કરતા ૩૫૦૦૦ કેદીઓમાંથી માત્ર ૨૫૦૦૦ કેદીઓ જ બચ્યા હતા.

યુદ્ધ પૂરું થયાના ઘણા સમય પછી પણ એમેલિયાના લોકો શિન્ડલરની છાવણીને ‘સ્વર્ગ’ તરીકે યાદ કરતા હતા. જો કે યુદ્ધ પછી તેઓ એટલી હદે જુદા-જુદા સ્થળે વિખેરાઈ ગયા હતા, કે તેઓ કયા કારણસર આ શબ્દ વાપરતા હશે તેનો ચોક્કસ ખુલાસો મળતો નથી. એમેલિયામાં એ શબ્દની કંઈક તો કિંમત હશે જ! જો કે એ સ્વર્ગ પણ સાપેક્ષ જ હશે, પ્લાઝોવની સરખામણીમાં તો ખરું જ! કેદીઓમાં આ શબ્દે મુક્તિની જે પ્રેરણા જગાવેલી, એ એટલી તો અવાસ્તવિક ભાસતી હતી, કે ક્યાંક આ મુક્તિ ખોટી હવા બનીને ઊડી ન જાય એ ડરથી, લોકો તેના પર ઊંડો વિચાર પણ કરવા માગતા ન હતા! ‘ડેફ’ના નવા નિયામકો તો ઓસ્કરને માત્ર તેના અહેવાલો વાંચીને તેને દૂરથી જ ઓળખતા હતા. હેર શિન્ડલરની આડે ઉતરીને તેઓ પોતાની જાતને જોખમમાં મૂકવા માગતા ન હતા!

પ્લાઝોવના આઘાતમાંથી બહાર આવવામાં, અને શિન્ડલરની આ બિનપરંપરાગત જેલની વ્યવસ્થામાં પોતાનો મેળ બેસાડવામાં બધાને થોડો સમય લાગતો હતો. લ્યુસિયા નામની એક યુવતીનો દાખલો લઈએ, તો હજુ થોડા સમય પહેલાં જ તેના પતિને પ્લાઝોવમાં હાજરી પૂરવાના સમયે અન્ય કેદીઓથી અલગ પાડીને માઉથ્યૂસનની છાવણીમાં મોકલી આપવામાં આવ્યો. અચાનક જ આવી પડેલા આવા સંજોગોને કારણે એ બીચારી કોઈ વિધવાની માફક ચોધાર આંસુએ રડી પડી હતી! એ જ અવસ્થામાં તેને એમેલિયામાં મોકલી આપવામાં આવી. એમેલિયામાં તેને ઢોળ ચડાવેલા એનેમલના વાસણોને ભઠ્ઠી સુધી પહોંચાડવાનું કામ સોંપાયું. એમેલિયામાં કામ કરતી વેળાએ, મશીનોની ગરમ સપાટી પર વાસણ મૂકીને પાણી ગરમ કરી લેવાની કેદીઓને છૂટ હતી. એમેલિયાને કારણે લ્યુસિયાને સૌથી પહેલો ફાયદો ગરમ પાણી મળવાનો થયો હતો.

લ્યુસિયાને ઓસ્કારનો પહેલો પરીચય તો, મેટલ પ્રેસની બે હાર વચ્ચે ચાલતી જતી એક જાડી આકૃતિના સ્વરૂપે થયો હતો! ગમે તેમ પણ ઓસ્કરનો દેખાવ તેને ડરામણો નહોતો લાગ્યો! તેને મનોમન ડર એ વાતનો લાગતો હતો, કે પોતે જો વધારે પડતી જાહેરમાં દેખાશે, તો જરૂર તેના કામની જગ્યા બદલાવી નાખવામાં આવશે, કે પછી તેની મારપીટ થશે, કે પછી તેને અપાતું ભોજન, કેમ્પમાં ચોકીદારોની ગેરહાજરી, વગેરે બધું જ બદલાઈ જશે! કોઈનાયે ધ્યાનમાં આવ્યા વગર, ચૂપચાપ પોતાની પાળીનું કામ કરીને, કાંટાળા તારની ટનલમાંથી પસાર થઈ, મેદાનમાં બાંધેલા પોતાના ઝૂંપડામાં જ એ ચાલી જવા માગતી!

પરંતુ એ પહેલી મુલાકાતમાં, તેને જાણ પણ ન થઈ કે ઓસ્કર ક્યારે તેની સામે આવી ગયો, અને ક્યારે એ ઓસ્કરની સામે ઊભી રહીને એ હકારમાં માથું ધુણાવવા લાગી, અને “હા, આભાર, હેર ડિરેક્ટર, હું ઠીક છું.” કહેવા લાગી!

ઓસ્કરે એક વખત તેને સિગરેટ પણ આપી. પોલિશ કામદારો સાથે લેવડ-દેવડ કરી શકાય એ માટે, અને ધૂમ્રપાન કરીને માનસિક રાહત મેળવવા માટે, બંને દૃષ્ટિએ સિગરેટની કિંમત ત્યારે તેને સોનાથી પણ વધારે લાગી હતી! જૂના મિત્રોથી અળગી થઈ ગયા પછી તેને કોઈની મિત્રતાનો પણ ડર લાગતો હતો. કોઈ માયાળુ વડીલની માફક ઓસ્કર તેની સામેને સામે જ રહે એવું તે ઇચ્છતી હતી. છાવણીમાંના મિત્રોના સહારે ટકી રહેતું તેનું સ્વર્ગ તો તેને અત્યંત જ નાજુક અને ક્ષણિક લાગતું હતું. શાશ્વત સ્વર્ગને શોધવા માટે તો કોઈ શક્તિમાન અને જાદુઈ વ્યક્તિની તેને ખાસ જરૂર હતી!

એમેલિયાના મોટા ભાગના કામદારો આવી જ કંઈક લાગણી ધરાવતા હતા. ઓસ્કરની પેટા છાવણી અસ્તિત્વમાં આવી એ સમયે રેજિના પર્લમેન નામની એક યુવતી ક્રેકોવમાં બનાવટી સાઉથ અમેરિકન દસ્તાવેજોના સહારે રહેતી હતી. તેનો વાન કાળો હોવાને કારણે તેનાં સાઉથ અમેરિકન દસ્તાવેજો જર્મનોને સાચા જ લાગતા હતા, અને તેને આધારે જ એ પોજોર્ઝની એક ફેક્ટરીની ઑફિસમાં આર્યન વંશની સ્ત્રી તરીકે કામ કરતી હતી. વૉરસો, લોડ્ઝ કે ડેન્સ્કની છાવણીઓમાં જો એ યુવતી ગઈ હોત તો જરૂર બ્લેકમેઇલરોથી સુરક્ષિત રહી શકી હોત! પરંતુ તેના મા-બાપ પ્લાઝોવમાં હતા, અને મા-બાપ માટે પણ તેણે બનાવટી દસ્તાવેજોની વ્યવસ્થા કરી લીધી હતી, જેથી તેમને ભોજન, અન્ય સુવિધાઓ કે દવાઓ પહોંચાડી શકાય! વસાહતમાં રહેતી હતી ત્યારથી જ તેને લાગતું હતું, કે ક્રેકોવમાં પ્રચલિત પૌરાણિક યહૂદી દંતકથાના પાત્ર જેવા હેર શિન્ડલર અસીમ યાતનાઓ સહન કરવા સક્ષમ હતા! પ્લાઝોવ, ખાણ અને કમાન્ડન્ટની બાલ્કની વિશેના સમાચારો પણ તેણે સાંભળ્યા જ હતા! એને સતત ડર લાગતો હતો, કે ક્યારેક તો તેની છદ્મ ઓળખ છતી થઈ જ જવાની! પરંતુ એ પહેલાં એ પોતાના માતા-પિતાને શિન્ડલરની છાવણીમાં પહોંચાડી દેવા માગતી હતી!

ઓસ્કરને મળવા માટે એ પહેલી વખત ડેફમાં આવી, ત્યારે પોતાની ઓળખ છુપાવી રાખવા માટે તેણે ફૂલોની ભાતવાળો ઝાંખો પડી ગયેલો ડ્રેસ તેણે પહેર્યો હતો, અને પગમાં મોજાં પણ નહોતા પહેર્યાં. પોલિશ ચોકીદારે હંમેશની ટેવ મુજબ ઉપરના માળે આવેલી શિન્ડલરની ઑફિસમાં ફોન કરીને પૂછી જોયું. કાચની આરપારથી જોતાં રેજિનાને લાગ્યું કે ચોકિયાતને તેનો દેખાવ ગમ્યો ન હતો. ફોન પર એ કદાચ ઓસ્કરને એમ જ કહેતો હશે, “કોઈ નથી, કોઈક બીજી ફેક્ટરીમાંથી આવેલી કોઈ મેલીઘેલી છોકરી છે!” આર્યન કાગળો સાથે ફરતા લોકોને સૌથી મોટો ડર એ જ રહેતો હતો, કે કોઈ દુશ્મન પોલિશ વ્યક્તિ તેના યહૂદી હોવાને ઓળખી ન લે! એ ચોકીદાર તો તેને દુશ્મન જેવો જ લાગતો હતો!

“મારે ખાસ કંઈ કામ ન હતું.” માથું ધુણાવતાં પાછા આવી રહેલા ચોકીદારને એણે કહ્યું. એ વાત બદલીને છટકવા માગતી હતી, પરંતુ પોલિશ ચોકિદારે તેની સાથે ખોટું બોલવાની તસ્દી પણ ન લીધી. “એમણે તને મળવાની ના પાડી છે.” એણે કહ્યું. સામેથી ફેક્ટરીના મેદાનમાં આવી રહેલી બીએમડબલ્યુનું હૂડ રેજિનાને દેખાયું. “ચોક્કસ એ ગાડી હેર શિન્ડલરની જ હોવી જોઈએ.” શિન્ડલર ગાડીમાં જ બેઠો હતો. પરંતુ જેને પગમાં પહેરવાનાં મોજાં પણ પોસાતા ન હોય, તેને માટે ઓસ્કરને મળવું શક્ય જ ન હતું! ડરની મારી એ ધ્રૂજતી-ધ્રૂજતી પોતાની ઝૂંપડીમાં જઈને છૂપાઈ ગઈ. જે વાત કોઈની સાથે કરવાની કલ્પના માત્રથી ઊંઘમાં પણ એ થથરી જતી હતી, આજે એ વાતની કબૂલાત હેર શિન્ડલર પાસે કરતાં-કરતાં એ સહેજમાં બચી ગઈ હતી!

ફરીથી ‘ડેફ’ આવવા માટે પોજોર્ઝની ફેક્ટરીમાંથી એ નીકળી શકે એ પહેલાં બીજું એક અઠવાડિયું નીકળી ગયું. ઓસ્કર સાથે કેવી રીતે વાત કરવી એ વિચારવામાં એણે અડધો દિવસ પસાર કરી નાખ્યો. નાહી-ધોઈને કાળાબજારમાંથી ખરીદેલાં મોજાં એણે પહેરી લીધાં. આર્યન દસ્તાવેજોના આધારે રહેતી યુવતીને વધારે લોકો સાથે સંબંધો રાખવાનું તો પોસાય નહીં, એટલે તેની જે બે-ચાર સખીઓ હતી તેમાંથી એકની પાસેથી એ બ્લાઉઝ પણ ઉછીનું માગી લાવી.

એક સરસ જાકીટ તો તેની પાસે હતું જ, અને આગળ જાળીવાળી ચમકતી હેટ પણ એણે ખરીદી લીધી, શૃંગાર પ્રસાધનોથી પોતાનો ચહેરો ચમકાવી લીધો! તેના ચહેરા પર હવે તો કોઈક નીડર સ્ત્રી જેવી ઘેરી આભા પથરાઈ ગઈ હતી. યુદ્ધ પહેલાની રેજિનાનું પ્રતિબિંબ અરીસામાં એ જોતી જ રહી! હંગેરિયન વેપારી પિતા અને રિયો નીવાસી માતાના કંઈક અસાધારણ વંશીય સંકરણથી જન્મેલી કોઈ સુંદર ક્રેકોવવાસી યુવતી જેવી એ લાગી રહી હતી!

પોલિશ ચોકીદારે તો તેને ઓળખી પણ નહીં. ડાયરેક્ટરની સેક્રેટરી મિસ ક્લોનોવ્સ્કાને ફોન કરતાં-કરતાં જ એણે રેજિનાને અંદર પ્રવેશ પણ આપી દીધો, અને પછી ફોન પર સીધો શિન્ડલર સાથે જ વાત કરવા લાગ્યો. “સાહેબ,” કહીને એણે શિન્ડલરને વાત કરી. “એક સ્ત્રી કોઈક અગત્યના કામે તમને મળવા માગે છે.” શિન્ડલર ફોન પર વધારે વિગતો પૂછતો હોય એવું લાગ્યું. “વ્યવસ્થિત કપડાં પહેરેલી એક યુવાન સ્ત્રી છે,” પોલિશ ચોકિદાર બોલ્યો, અને પછી ટેલીફોન પકડીને જાણે રેજિનાનું અભિવાદન કરતો હોય એમ બોલ્યો, “એક બહુ જ સુંદર યુવાન સ્ત્રી છે.” અને જાણે રેજિનાને મળવાની પોતાને જ બહુ જ ઇચ્છા હોય, અથવા રખેને ભૂલાઈ ગયેલી પોતાની કોઈ સ્ત્રી-મિત્ર છેક ઑફિસમાં આવી પહોંચે અને પોતાને ભોંઠા પડવું પડે એ ડરે, શિન્ડલર પોતે જ રેજિનાને મળવા અડધો દાદરો ઊતરીને સામો દોડી આવ્યો! રેજીનાને જોઈને પોતે તેને ઓળખતો નથી એવું લાગતાં એણે રેજિના સામે સ્મિત કર્યું. “કુમારી રોડરિગ્ઝને મળીને મને ખુબ જ આનંદ થયો..” રેજિનાને ખ્યાલ આવ્યો કે સુંદર સ્ત્રીઓ પ્રત્યે અત્યંત આદર હોવાને કારણે, ઓસ્કર તેને મળીને બાળકની માફક રાજી થતો હતો, અને સાથે-સાથે પોતાની મહેમાનગતી પણ બતાવવા ઇચ્છતો હતો! હાથના ઇશારા વડે નાટ્યાત્મક રીતે માન આપતાં એણે રેજિનાને પોતાની પાછળ ઉપર આવવા માટે ઇશારો કર્યો. રેજિનાએ મનોમન વિચારી જોયું, “શું ઓસ્કર સાથે ખાનગીમાં મારે આ વાત કરી દેવી? હાસ્તો, કરવી જ પડશે!” ઓસ્કર તેની સાથે ક્લોનોવ્સ્કાની બાજુમાંથી પસાર થયો. ઑફિસમાં ઓસ્કર મળવા કોઈ યુવતી આવે એ બાબતને ક્લોનોવ્સ્કા સાવ સહજ ગણતી હતી. એ છોકરી કોઈ પણ હોઈ શકે છે! કાળાબજાર કે રોકડ રકમના વ્યાપાર સાથે સંકળાયેલી હોય, કે પછી સમાજવાદીપક્ષની કોઈ દેખાવડી અનુયાયી પણ હોય! આમ તો, એ બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની શક્યતા તેને બહુ ઓછી દેખાતી હતી! ગમે તે હોય, પરંતુ આધુનિક વિચારો ધરાવતી ક્લોનોવ્સ્કા ઓસ્કર પર આધિપત્ય રાખવાની અપેક્ષા રાખતી ન હતી! અને એ જ રીતે તે પોતાના પર પણ કોઈનું આધિપત્ય સ્થપાવા દે તેમ ન હતી!

ઑફિસમાં પહોંચીને ઓસ્કરે રેજિનાને બેસવા માટે ખુરસી આપી, અને પોતે ટેબલની પાછળ રાખેલા ફ્યૂહરરના પરંપરાગત ચિત્રની નીચે જઈને ઊભો રહ્યો. “તમે સિગરેટ પીશો? કે પછી પર્નોડ કે કોગનેક, શું લેશો?” રેજિનાએ તેને ના પાડતાં ઓસ્કરને કહ્યું, “તમે પોતે જરૂર લઈ શકો છો.” ઓસ્કરે કોકટેઇલ કેબિનેટમાંથી બોટલ કાઢીને પોતાને માટે એક પેગ બનાવ્યો. “બોલો, શું અગત્યનું કામ હતું તમારે મારું?” દાદર પર દર્શાવેલી અવાજની સૌમ્યતા ઓછી કરતાં ઓસ્કરે પૂછ્યું. ઑફિસનો દરવાજો બંધ થઈ જવાને કારણે રેજિનાની વર્તણુક પણ બદલાઈ ગઈ હતી.

ઓસ્કર એટલું સમજી ગયો હતો કે આ છોકરી જરૂર કોઈ દુષ્કર કામ માટે જ આવી હશે. રેજિના થોડી આગળ ઝૂકી. તેના પિતાએ આર્યન દસ્તાવેજો મેળવવા માટે ૫૦૦૦૦ ઝ્લોટીની રકમ ખરચી નાખી હતી એ વાત એક ક્ષણ માટે તેને પોતાને જ થોડી વિચિત્ર લાગી રહી હતી! અને અત્યારે એક ક્ષણ પણ વિચાર કર્યા વિના, હાથમાં શરાબની પ્યાલી લઈને ઊભેલા, અડધું વક્રોક્તિમાં અને અડધું ચિંતાભર્યા અવાજે વાત કરી રહેલા આ સ્યૂટન બધી જ વાત કહી દેવા પોતે તત્પર બની ગઈ હતી! અને છતાંયે, ખુબ જ નિશ્ચિંત બનીને રેજિના ઓસ્કર સાથે આ વાત કરી શકી!

“મારે તમને એક વાત જણાવવી છે, હેર શિન્ડલર, કે હું પોલિશ આર્યન નથી, હું યહૂદી છું! મારું ખરું નામ પર્લમેન છે. મારાં માતા-પિતા પ્લાઝોવમાં છે. બધા લોકો એવું કહે છે… અને મને પણ તેમની વાતમાં વિશ્વાસ પડે છે, કે એમેલિયામાં બધાને જીવતદાન મળે છે, જીવન જીવવાનો પરવાનો મળે છે! મારી પાસે એવું કંઈ જ નથી, જેનાથી હું તમારું ઋણ ઉતારી શકું; તમારી ફેક્ટરીમાં પ્રવેશવા માટે આ કપડાં પણ મેં કોઈની પાસેથી ઊછીના લઈને પહેર્યાં છે. મારાં મા-બાપને અહીં લઈ આવવામાં તમે મદદ કરશો?”

શિન્ડલરે શરાબનો ગ્લાસ ટેબલ પર મૂકી દીધો. “તમે તેમને છાનામાના અહીં લાવવા ઇચ્છો છો? તમે જે કહો છો એ તો ગેરકાયદેસર છે! અહીં ઝેબ્લોસીમાં હું ફેક્ટરી ચલાવું છું, અને અહીં આવવા માગતા કોઈને પણ હું માત્ર એક જ પ્રશ્ન પૂછું છું, કે તેમની પાસે કોઈ હુનર છે કે નહીં! તમે જો તમારું આર્યન નામ અને સરનામું મને લખી આપો, તો ક્યારેક તમારા પિતાના હુન્નરની અમારે જરૂર હોય, તો અમે તમને જાણ કરી શકીએ. પરંતુ અત્યારે તો એ નહીં થઈ શકે, અને કોઈ અન્ય કારણસર પણ નહીં!”

“પરંતુ તેઓ કુશળ કારીગર તરીકે તો અહીં ન આવી શકે,” પર્લમેને કહ્યું. “મારા પિતા તો એક આયાતકાર વેપારી છે, મેટલ-કામદાર નથી.”

“અમારી પાસે ઑફિસ સ્ટાફ તો છે, અમારે ખાસ તો ફેક્ટરીમાં કામ કરી શકે તેવા કુશળ કારીગરોની જરૂર છે.”

એ નિરાશ થઈ ગઈ. આંસુને કારણે અડધી ખૂલ્લી આંખે એણે પોતાનું ખોટું નામ અને સાચું સરનામું લખી આપ્યું, “શિન્ડલરે તેનું જે કરવું હોય તે કરે!” પરંતુ બહાર શેરીમાં આવીને તેને થોડી સમજણ પડી! અને પછી આખીયે બાબત પર તેણે ફરીથી વિચાર કર્યો. શક્ય છે કે શિન્ડલરે તેને જર્મનોની કોઈ એજન્ટ માની લીધી હોય, જે તેને ફસાવવા માટે અહીં આવી હોય! હા, એમ જ હશે! શિન્ડલરે તેની સાથે તદ્દન ઠંડા કલેજે જ વાત કરી હતી. તેના વર્તનમાં કોઈ અસ્પષ્ટતા જણાઈ ન હતી! અને જે રીતે ઓસ્કરે તેને ઑફિસની બહાર મોકલી દીધી હતી, તેમાં પણ કોઈને શંકા પડે એ માટે ભલમનસાઈનો કોઈ સંકેત તેના વર્તનમાં દેખાયો ન હતો!

અને એકાદ મહીનાની અંદર જ પર્લમેન દંપતી પ્લાઝોવથી એમેલિયામાં આવી ગયું! રેજિનાએ માગ્યું હતું તેમ શિન્ડલરની દયાભાવનાના ભાગ રૂપે, અને એ પણ તેમની જાતે નહીં, પરંતુ નવા ૩૦ કામદારોની યાદીના એક ભાગ સ્વરૂપે તેઓ એમેલિયામાં પહોંચી ગયા હતા!

પ્લાઝોવમાં ક્યારેક કોઈકને લાંચ આપીને પણ રેજિના પોતાનાં માતા-પિતાને મળવા માટે લિપોવા સ્ટ્રીટની ફેક્ટરીમાં આવી જતી જતી હતી. તેના પિતા વાસણોને એનેમલમાં બોળવાનું, પાવડાથી કોલસા હટાવવાનું કે પછી કચરો વાળવાનું કામ પણ કરી લેતા હતા. “પણ હવે એ ફરીથી બોલતા થયા છે!” માતા પોતાની પુત્રીને કહેતી હતી. “પ્લાઝોવમાં તો એ સાવ ચૂપ જ થઈ ગયા હતા!” અને હકીકતે, ભાંગ્યાં-તૂટ્યાં ઝૂંપડાં અને ભંગાર ગટર વ્યવસ્થા છતાં, અહીં એક પ્રકારનો આનંદ હતો! ભલે ભાંગ્યો-તૂટ્યો, પણ એક આત્મવિશ્વાસ હતો! જ્યારે ક્રેકોવમાં રેજિના જે પ્રકારે જોખમી દસ્તાવેજોને આધારે જીવી રહી હતી તેમાં, આ પાગલપણાનો અંત ન આવે ત્યાં સુધી કોઈ પ્રકારની શાંતિનો અનુભવ કરવો શક્ય ન હતો!

અને કુમારી પર્લમેન-રોડરિગ્ઝે પણ, શિન્ડલરની ઑફિસમાં ધસી આવીને, કે આભાર વ્યક્ત કરતા લાગણીથી ભર્યા-ભર્યા પત્રો લખીને શિન્ડલર માટે કોઈ અડચણ ઊભી નહોતી કરી! છતાંયે ‘ડેફ’ના પીળા રંગના દરવાજામાંથી બહાર નીકળતી વેળાએ, અંદર રહેનારા લોકો પ્રત્યે હંમેશા એક તરસભરી ઈર્ષ્યા તેણે અનુભવી હતી!

એ પછી રેબી મેનાસા લિવાર્તોવને બચાવવાનું અભિયાન ચાલ્યું, જેમાં તેમને એક ધાતુકામના કારીગર ગણાવીને પ્લાઝોવથી એમેલિયા લઈ આવવાના હતા. લિવાર્તોવ, કાળી દાઢી ધરાવતા, શહેરના એક યુવાન અને વિદ્વાન રેબી હતા. તેઓ પોલેન્ડના પરંપરાગત રેબી કરતાં ઘણા ઉદારમતવાદી હતા! જીવન કરતાં પણ તેઓ સબ્બાથની પ્રાર્થનાને વધારે મહત્વની માનતા હતા! ૧૯૪૨ અને ૧૯૪૩ના પ્રત્યેક શુક્રવારની સાંજે, તેમના અનેક અનુયાયીઓ વેઠીયા મજૂર તરીકે કામ કરવાનો ઈનકાર કરીને ગોળીઓનો સામનો કરીને મૃત્યુને ભેટ્યા હતા! તેઓ એવા વર્ગના લોકોમાંના એક હતા જે, યુદ્ધ પહેલાંનાં શાંતિનાં વર્ષોમાં પણ પ્રાર્થના કરવા માટે એકઠા થયેલા લોકોને સલાહ આપતા હતા, કે આપણે ઈશ્વરને માનાવામાં ભલે ચુસ્ત ધર્મનિષ્ઠા રહીએ, પરંતુ અન્ય લોકો સાથે બુદ્ધિપૂર્વકનું નમ્ર વર્તન કરીને પણ આપણે ઈશ્વરનું સન્માન કરવું જોઈએ.

એમોન ગેટેના વહીવટીભવનની બાંધકામ ઑફિસમાં કામ કરતા ઇત્ઝાક સ્ટર્નને લેવાર્તોવ પ્રત્યે પહેલેથી જ માન હતું. ભૂતકાળમાં જ્યારે-જ્યારે સમય મળે, ત્યારે એ બંને ચાના ગ્લાસ ભરીને બેસતા, અને ચા ઠરી જાય ત્યાં સુધી, હાથમાં ગ્લાસ પકડીને ઝોરોસ્ટરની યહૂદીધર્મ પર કે પછી યહૂદીધર્મની ઝોરોસ્ટર પર અસર વિશે, કે પછી તાઓવાદના જીવસૃષ્ટિ સિદ્ધાંત પર કલાકો સુધી ચર્ચાઓ કરતા રહેતા! ઓસ્કર શિન્ડલર સાથે ગપ્પા મારવા કરતાં, લેવાર્તોવ સાથે વાતો કરવામાં સ્ટર્નને વધારે આનંદ આવતો હતો. ઓસ્કરથી એકને એક વિષય પર વાત કર્યા વગર રહી શકાતું ન હતું.

ઓસ્કર એક વખત પ્લાઝોવની મુલાકાતે ગયો, ત્યારે સ્ટર્ને ગમે તેમ કરીને મેનાસા લેવાર્તોવને એમેલિયા લઈ જવાની વાત કરી. એ સમયે એણે કહેલું, કે જો એવું નહીં કરી શકાય, તો એમોન જરૂર તેને મારી નાખશે! યહૂદીઓમાં લેવાર્તોવ એટલી હદે લોકપ્રિય હતા કે એક વખત એમોનના ધ્યાનમાં આવી જવાની જ વાત હતી! લોકપ્રિય લોકો પ્રત્યે આમ પણ એમોનનું ધ્યાન વધારે રહેતું હતું. આળસુ લોકોની માફક લોકપ્રિય લોકો પણ તેના લક્ષ્યમાં અગ્રતાક્રમે કેન્દ્રિત રહેતા હતા. ગેટેએ લેવાર્તોવને મારી નાખવાનો કેવો પ્રયાસ કર્યો હતો એ પણ એણે ઓસ્કરને જણાવ્યું.

એમોન ગેટેની છાવણીમાં હવે ૩૦૦૦૦થી પણ વધારે કેદીઓ હતા. હાજરી પૂરવાના સ્થળ પાસે, તબેલો બનાવી દેવાયેલા યહૂદી કબ્રસ્તાનના ચર્ચની નજીક એક પોલિશ મેદાન હતું જેમાં ૧૨૦૦ કેદીઓનો સમાવેશ કરી શકાય તેમ હતું. નવી બનાવેલી, ઊભરાઈ રહેલી છાવણીનું નિરીક્ષણ કરીને જનરલ ક્રુગર ખુબ જ ખુશ હતા, એટલે એમણે એસએસની એક સાથે બે પદવી કુદાવીને કમાન્ડન્ટ એમોનને સીધો કેપ્ટન જ બનાવી દીધો હતો.

પૂર્વ દિશા અને ચેકોસ્લોવેકિયાથી આવેલા યહૂદીઓને પણ પ્લાઝોવમાં પોલિશ લોકોની સાથે જ રાખવાના હતા. તેમના માટે ઓસ્વિટ્ઝ-બર્કેન્યુની અથવા ગ્રોસ-રોસેનની પશ્ચિમે જગ્યા કરવાની હતી. ક્યારેક તો કેદીઓની આ સંખ્યા ૩૫૦૦૦ કરતાં પણ વધી જતી હતી, અને ત્યારે હાજરી પૂરવાનું કામ ટોળા દીઠ કરવામાં આવતું હતું. એમોને જૂના કેદીઓમાંથી છટણી કરીને નવા કેદીઓ માટે જગ્યા કરવી પડતી હતી. અને ઓસ્કર જાણતો હતો, કે કમાન્ડન્ટની છટણી કરવાની ઝડપી રીત કેવી હતી! એકાદ છાવણીની ઑફિસ કે વર્કશોપમાં પ્રવેશીને, આગળની બે કતારોમાંથી એક કતારને એ દોરીને બહાર લઈ જતો. કેદીઓને કૂચ કરાવતાં-કરાવતાં ઓસ્ટ્રિયન ફાયરિંગ સ્ક્વોડ પાસે લઈ જઈને બધા જ કેદીઓને એ ગોળીઓથી વીંધી નખાવતો! અથવા તેમને ક્રેકોવ-પ્લાઝોવના સ્ટેશને ઊભેલા જાનવરોના ડબ્બામાં ચડાવી દેતો; અથવા તો ૧૯૪૩ની સાલની પાનખરમાં એસએસના અંગત બેરેક પાસે નાખવામાં આવેલી નવી રેલવે લાઈન પર ઊભેલા ડબ્બાઓમાં એ કેદીઓને ચડાવી દેતો!

સ્ટર્ને ઓસ્કરને જાણ કરી કે આવી છટણી દરમ્યાન થોડા દિવસ પહેલાં જ એમોન પ્લાઝોવની ફેક્ટરીના મેટલવર્ક વિભાગમાં આવ્યો હતો. નિરીક્ષકો એમોનને આવેલો જોઈને, સૈનિકોની પેઠે શિસ્તબદ્ધ ઊભા રહીને, ઉત્સાહપૂર્વક પોતાનો અહેવાલ આપવા લાગ્યા હતા. નિરીક્ષકો બરાબર જાણતા હતા, કે એક પણ ખોટા શબ્દની પસંદગી મોતને નોતરું આપવા સમાન હતી. અહેવાલ આપવાનું પૂરું થતાં જ એમોને નિરીક્ષકોને કહ્યું “મારે મેટલવર્કના પચ્ચીસ કારીગરો જોઈએ છે, પચ્ચીસ, એક પણ વધારે નહીં! જે કોઈ કુશળ કારીગર હોય તેની સામે આંગળી ચીંધો.”

એક નિરીક્ષકે લેવાર્તોવ સામે આંગળી ચીંધેલી, એટલે રેબીને પણ એક કતારમાં ઊભા રાખી દેવામાં આવ્યા. નિરીક્ષકે જોયું કે એમોને તેની પસંદગીની ખાસ નોંધ લીધી હતી. હા, એક વાત કોઈ જ જાણતું ન હતું, કે બેમાંથી કઈ કતારને બહાર લઈ જવામાં આવશે, અને ક્યાં લઈ જવામાં આવશે! પરંતુ કુશળ કારીગરની કતારમાં ઊભા રહેવું હંમેશા સુરક્ષિત રહેતું હતું.

આમ પસંદગી આગળ ચાલી. લેવાર્તોવે જોયું કે એ સવારે મેટલશોપ આશ્ચર્યજનક રીતે ખાલી લાગતું હતું, કારણ કે અહીં કામ કરનારા કારીગરોને અને આવ-જા કરનારા અન્ય લોકોને પણ એમોનની પસંદગીની રીતની ચેતવણી પહેલેથી જ મળી ગઈ હતી! એટલે તેઓ મેડરિટ્સની કાપડની ફેક્ટરીમાં જઈને શણના તાકાની વચ્ચે સંતાઈ ગયા હતા, અથવા સીલાઈ મશીનોનું સમારકામ કરતા હોવાનો દેખાવ કરવા લાગ્યા હતા. બાકી બચેલા ચાળીસેક લોકો જે ધીમા હતા, અથવા જેમને કંઈ જ ખબર ન હતી એટલા જ મેટલવર્ક્સમાં રહ્યા હતા. પાટલીઓ અને લેથ મશીનોની વચ્ચે બે કતારમાં તેઓ ઊભા હતા. બધા જ ડરી ગયા હતા, પરંતુ નાની કતારમાં ઊભેલા લોકો કંઈક વધારે અસ્વસ્થ લાગતા હતા.

ત્યાં જ નાની કતારમાં વચ્ચે ઊભેલો સોળેક વર્ષનો એક યુવક બોલ્યો. “પણ કમાન્ડન્ટ, હું પણ એક મેટલ નિષ્ણાત છું.”

“હા, બચ્ચા.” એવું બબડતાં એમોને પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી, અને એ યુવકની બરાબર સામે જ ઊભા રહીને તેના માથામાં ગોળી મારી દીધી! ધાતુના ભયાનક વિસ્ફોટે એ યુવકને દિવાલ તરફ ધકેલી દીધો. આઘાત પામેલા લેવાર્તોવને સમજાઈ ગયું, કે જમીન પર પડે એ પહેલાં જ એ યુવક મૃત્યુ પામ્યો હતો.

ઓર ટૂંકી થઈ ગયેલી નાની કતાર હવે રેઇલરોડ ડેપો તરફ રવાના થઈ ગઈ હતી. યુવકના મૃતદેહને હાથગાડીમાં નાખીને ટેકરીની પાછળ લઈ જવામાં આવ્યો. લોહીથી ખરડાયેલી જમીનને સાફ કરી દેવામાં આવી અને લેથ પર ફરી વખત કામ શરૂ થઈ ગયું. પરંતુ પોતાના ટેબલ પાસે બેસીને દરવાજાનાં મિજાગરાં બનાવી રહેલા લેવાર્તોવ, એમોનની આંખમાં ક્ષણભર માટે ઝબકી ગયેલી ઓળખને પારખી ગયા હતા. એ નજર જાણે લેવાર્તોવને કહી રહી હતી, “બસ, તું જ એ માણસ છે!” રેબી જાણતા હતા કે પેલા યુવકને કારણે એમોનનું ધ્યાન પોતાના દેખીતા લક્ષ્ય એવા લેવાર્તોવ તરફથી માત્ર થોડા સમય માટે જ હટ્યું હતું!

સ્ટર્ને શિન્ડલરને જાણ કરી, કે થોડા દિવસો પછી એમોન ફરીથી મેટલવર્ક્સમાં આવ્યો, ત્યારે ત્યાં લોકોની સંખ્યા વધી ગઈ હોવાનું લાગતાં, ટેકરી પર અથવા ટ્રાન્સપોર્ટમાં મોકલવા માટે, જાતે જ લોકોને એકઠા કરવા લાગ્યો હતો. એ સમયે લેવાર્તોવના ટેબલ પાસે આવીને એ ઊભો રહ્યો. આવું બનશે તેવું લેવાર્તોવ પણ જાણતા હતા! લેવાર્તોવને એમોનના આફ્ટરશેવ લોશનની ગંધ આવી રહી હતી. એમોનના શર્ટના સ્ટાર્ચ કરેલા કડક કફ પણ એ જોઈ શકતા હતા. પહેરવેશ સંબંધે એમોન બહુ જ ચુસ્ત રહેતો હતો.

“શું બનાવે છે તું?” કમાન્ડન્ટે તેને પૂછ્યું. “કમાન્ડન્ટ,” લેવાર્તોવે કહ્યું, “હું મિજાગરાં બનાવું છું.” એમણે જમીન પર પડેલી મિજાગરાંની નાનકડી ઢગલી તરફ આંગળી ચીંધી.

“મારી સામે એક બનાવી આપ,” એમોને હુકમ કર્યો. ખિસ્સામાંથી ઘડિયાળ કાઢીને એ સમય જોવા લાગ્યો. લેવાર્તોવે ગંભીરતાપૂર્વક એક મિજાગરું કાપ્યું. ધાતુ પર ઝડપભેર ફરતી તેની આંગળીઓ લેથ પર દબાણ આપી રહી હતી. તેની શ્રમિક આંગળીઓ કહ્યાગરી બનીને કામ કરી રહી હતી, અને લેવાર્તોવ, પોતે એક કુશળ કારીગર હોવા બદલ આનંદ અનુભવી રહ્યા હતા.

વહી રહેલા સમયને મનોમન માપતાં એમણે લગભત અઠ્ઠાવન સેકન્ડની અંદર એક મિજાગરું બનાવીને જમીન પર પગ પાસે પડવા દીધું.

“બીજું એક બનાવ.” એમોન ગણગણ્યો. સમયની કસોટીમાંથી એક વખત પાર ઊતરી ગયા પછી રેબી આત્મવિશ્વાસપૂર્વક કામ કરી રહ્યા હતા. લગભગ એકાદ મિનિટમાં જ બીજું મિજાગરું પણ તેના પગ પાસે આવી પડ્યું.

એમોને ઢગલા સામે જોયું. “તું સવારના સાત વાગ્યાથી અહીં કામ કરી રહ્યો છે.” તેણે કહ્યું. “અને તારી કામ કરવાની ઝડપ તેં હમણાં જ બતાવી! અને છતાંયે મિજાગરાંની આ ઢગલી આટલી નાની?”

લેવાર્તોવ સમજી ગયો કે મોતને એણે સામે ચાલીને આમંત્રણ આપ્યું હતું. એમોને તેને મશીન પરથી નીચે ઊતાર્યો. આજુબાજુમાંથી ઊંચું જોવાની કોઈની હિંમત ન હતી, કે કોઈને તેની પડી પણ ન હતી! અને બીજા લોકો જુએ તો પણ શું જુએ, મોતનો તમાશો? પ્લાઝોવમાં મોતના આવા તમાશાની કોઈ નવાઈ ન હતી! વર્કશોપની બહાર વાસંતી બપોરની હવામાં મેનાશા લેવાર્તોવને વર્કશોપની દિવાલ પાસે ઊભા રાખીને એમોન તેમના ખભા સીધા કરી રહ્યો હતો. હજુ બે દિવસ પહેલાં જ એણે જે પિસ્તોલ વડે એક બાળકને રહેંસી નાખ્યું હતું, એ જ પિસ્તોલ એણે કાઢી. ઝડપભેર નાસભાગ કરી રહેલા બીજા કેદીઓને આંખના પલકારા સાથે લેવાર્તોવ જોઈ રહ્યો. તેમાંના ક્રેકોવવાસીઓ વિચારી રહ્યા હશે, “હે ઈશ્વર, હવે લેવાર્તોવનો વારો આવ્યો છે.”

લેવાર્તોવ મનોમન ‘શેમા ઈસરોએલ’ની યહૂદી પ્રાર્થના ગણગણવા લાગ્યા. પિસ્તોલનો અવાજ તેને સંભળાયો! પણ એ અવાજ મોટા ધડાકાનો નહીં, પરંતુ હવાઈ ગયેલા સિગરેટ લાઈટરની ‘ક્લિક’ જેવો ધાતુના ઘસાવાનો નાનકડો અવાજ હતો! કોઈક અસંતુષ્ટ વ્યસનીની જેમ નજીવો અણગમો વ્યક્ત કરતાં એમોને ગોળીઓનું મેગેઝિન બદલાવી નાખ્યું, અને ફરીથી નિશાન તાકીને ગોળી છોડી. જાણે કોઈના મુક્કાની માફક ગોળીના મારને પણ પોતે સહન કરી શકાવાનો હોય એમ રેબીનું માથું બાજુમાં ફરી ગયું, પરંતુ એમોનની પિસ્તોલમાંથી ફરી એક વખત માત્ર ક્લિક જ નીકળી.

ગુસ્સામાં એ રાતો-પીળો થઈ ગયો.

“હે ઇશ્વર! આ બધું શું છે!” ઘડીભર તો લેવાર્તોવને લાગ્યું, કે તે અને એમોન બંને કોઈ કારીગરની માફક સાથે મળીને પાઇપમાં આંટા પાડવા જેવું, કે દિવાલમાં કાણું પાડવા જેવું કોઈ સામાન્ય કામ કરતા હતા, અને આ આધુનિક ખામીયુક્ત ઓજારનો ઉપાય એમોન હમણાં ગમે તે ઘડીએ શોધી કાઢશે! એમોને બગડેલી પિસ્તોલને કાળા હોલ્સ્ટરમાં મૂકી દીધી અને પોતાના જેકેટના ખિસ્સામાંથી એક હીરાજડીત રિવોલ્વર કાઢી. આવી રિવોલ્વર વિશે રેબી લેવાર્તોવે તો પોતાના બાળપણમાં માત્ર પશ્ચિમી વાર્તાઓમાં જ વાંચ્યું હતું. એક વાત તેમના મનમાં સ્પષ્ટ થઈ ગઈ હતી, કે પિસ્તોલની ટેકનીકલ ખામીને કારણે તેમને ક્ષમા મળવાની ન હતી! એમોન તેમને છોડવાનો ન હતો!

“હું એ કાઉબોયની રિવોલ્વરથી જ મૃત્યુ પામવાનો છું, તેની બધી જ ફાયરિંગ પીનો ઘસી નાખવામાં આવશે તો પણ! એ કોઈ બીજા જુના હથિયારનો ઉપયોગ કરશે.” સ્ટર્ન શિન્ડલરને વાત કહી રહ્યો હતો. એમોનની સતત બે ગોળીઓ હેરત પમાડે એ રીતે ખાલી ગઈ હતી, એટલે ફરી એક વખત નીશાન તાકીને એ ગોળી છોડે, ત્યારે આડશ લેવા માટે વાપરી શકાય એવી કોઈ વસ્તુ શોધવા માટે મેનાસા લેવાર્તોવે આજુબાજુમાં નજર દોડાવી. દિવાલના ખૂણે કોલસાનો એક ઢગલો હતો. એ ઢગલો તેને કોઈ રીતે ઉપયોગી થઈ શકે એવો કોઈ ભરોસો લેવાર્તોવને ન હતો! “કમાન્ડન્ટ,” લેવાર્તોવે બોલવાનું શરૂ તો કર્યું, પણ એ પહેલાં જ તેમના કાને ખૂની પિસ્તોલની સ્પ્રિંગ અને હથોડીનો અવાજ પડી ચૂક્યો હતો! અને ફરી એક વખત ખામીયુક્ત સિગરેટ લાઈટર જેવો અવાજ આવ્યો! ગુસ્સાનો માર્યો એમોન પિસ્તોલનું નાળચું તેની ખાંચમાંથી ખેંચી કાઢવા માટે મથવા લાગ્યો.

મેટલવર્ક્સમાં કામ કરતી વેળાએ લેવાર્તોવે જોયેલું, કે તેના નિરીક્ષકો જરૂર પડ્યે તક સાધી લેતા હતા! તેમણે પણ તક સાધીને કહ્યું. “હેર કમાન્ડન્ટ, આપને જાણ કરવાની રજા માગતાં હું આપને જણાવું છું કે મિજાગરાંનો એ ઢગલો નાનકડો હોવાનું કારણ એ હતું, કે આજે સવારથી આ મશીનોને ફરીથી પ્રમાણિત કરવામાં આવી રહ્યાં હતાં. અને એ કારણસર, મિજાગરાં બનાવવાના કામને બદલે મને આ કોલસા ખસેડવાના કામ પર લગાવવામાં આવ્યો હતો.” આટલું કહેતાં જ લેવાર્તોવને એ પણ સમજાઈ ગયું, કે એમોન સાથેની રમતની શરતોનો લેવાર્તોવે ભંગ કર્યો હતો! સાપ-સીડીની રમતનો અંત જેમ છના દાણા પડ્યે જ આવી શકે, એમ આ રમતનો અંત પણ લેવાર્તોવને ખરેખર મારી નાખ્યા પછી જ આવી શકે તેમ હતો! જ્યારે અત્યારે તો રેબીએ એમોનનો પાસો જ સંતાડી દીધો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેથી કોઈ નિષ્કર્ષ આવી શકે તેમ ન હતું! એમોનનો ડાબો હાથ છુટ્ટો જ હતો. એણે પોતાના એ છુટ્ટા ડાબા હાથે રેબીના ચહેરા પર એક મુક્કો જમાવી દીધો, રેબીના મોંમાં ફરી વળેલા લોહીનો સ્વાદે, રેબીની સુરક્ષાની ખાતરી તો આપી જ દીધી!

કેપ્ટન એમોન ગેટેએ લેવાર્તોવને ભીંત પાસે જ છોડી દીધો. લેવાર્તોવ અને સ્ટર્ન, બંને જાણતા હતા કે બંને વચ્ચેની સ્પર્ધા અત્યારે માત્ર થોડા સમય માટે મુલતવી જ રહી હતી! પ્લાઝોવની ઑફિસના મકાનમાં જ સ્ટર્ને ઓસ્કરના કાનમાં આ ઘટના બાબતે વાત નાખી દીધી. ઝૂકેલા મસ્તકે, ઊંચી આંખે અને હાથ જોડીને વાત કરી રહેલા સ્ટર્ને હંમેશની માફક બધી જ વાત વિગતવાર કરી હતી. “આમાં તો કોઈ જ તકલીફ પડે તેમ નથી!” ઓસ્કરે ધીમા અવાજે કહ્યું. સ્ટર્નની મજાક કરવામાં તેને મજા આવતી હતી. “એમાં તેં આટલી લાંબી વાર્તા શા માટે કરી? એક મિનિટથી પણ ઓછા સમયમાં મિજાગરું બનાવી શકે તેવી વ્યક્તિ માટે એમેલિયામાં હંમેશા જગ્યા હોવાની!”

૧૯૪૩ના ઉનાળામાં લેવાર્તોવ અને તેની પત્ની એમેલિયા ફેક્ટરીની પેટાછાવણીમાં પહોંચ્યા, ત્યારે સૌથી પહેલાં તો એમણે ધર્મ પ્રત્યે શિન્ડલરની વિનોદવૃત્તિનો સામનો તેમણે કરવો પડ્યો હતો. શુક્રવારની સાંજે, ‘ડેફ’ના હથિયાર વિભાગમાં લેવાર્તોવ લેથ પર કામ કરી રહ્યા હતા ત્યાં જઈને શિન્ડલરે તેમને મજાક કરતો હોય તેમ કહ્યું, “રેબી, તમે અહીંયાં શું કરો છો? તમે અત્યારે સબ્બાતની પ્રાર્થનાની તૈયારી કરતા હોવા જોઈએ!” પરંતુ ઓસ્કરે જ્યારે ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવા માટે રેબીના હાથમાં શરાબની બોટલ મૂકી, ત્યારે લેવાર્તોવને સમજાયું, કે ઓસ્કર તેમની ઠેકડી નહોતો ઉડાવતો! શુક્રવારે સૂર્યાસ્ત પહેલાં જ રેબીને તેમના કામ પરથી મુક્ત કરી દેવામાં આવતા હતા. કામ પરથી નીકળીને રેબી સીધા જ ‘ડેફ’ની તારની વાડ પાછળ આવેલા પોતાના બેરેકમાં જતા રહેતા. બેરેકની અંદર દોરી પર સૂકાતાં કપડાંથી ઘેરાયેલી છત જેટલા ઊંચા બંક બેડની બાજુમાં જમીન પર શરાબની એક પ્યાલી સાથે બેસીને રેબી કિદ્દુશની પ્રાર્થના કરવા બેસી જતા. જો કે ત્યાં પણ તેમના ઉપર એસએસના એકાદ બૂરજનો પડછાયો તો પડતો જ હતો!

આપનો પ્રતિભાવ આપો....