સ્વવિકાસના સાત સોનેરી સૂત્રો – મોહમ્મદ સઈદ શેખ 2


આત્મવિકાસના સાત સૂત્રો..

અહીં મારે રાજકીય વિકાસની કે આર્થિક વિકાસની નહીં પરંતુ માણસના વિકાસની વાત કરવી છે. આજના ગ્લોબલાઇઝ વિશ્વમાં ઘણી બધી ખાસ કરીને મલ્ટીનેશનલ કંપનીઓ એમના કર્મચારીઓ કેવી રીતે વધારે ને વધારે કંપની માટે લાભકર્તા સાબિત થાય, એમને કેવી સુવિધાઓ આપવામાં આવે એ વિશે સતત નવા સંશોધનો કરી નવા નવા નિયમો બહાર પાડતી હોય છે. દાખલા તરીકે ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓમાં એના કર્મચારીઓનો કામનો સમય ફિક્સ નથી. કર્મચારી ગમે તેટલા વાગે આવે, ત્યાંથી આઠ કલાક કામ કરી ઘર ભેગો થઇ શકે. આની ‘ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ’ કહેવામાં આવે છે.

બીજી કંપનીઓ પણ કર્મચારીઓ માટે વધારે ને વધારે સુવિધાઓ આપે છે – પરિણામે લાભ તો કંપનીઓને જ થાય છે. જનરલ ઇલેક્ટ્રીક કંપનીનું નામ તમે સાંભળ્યુ હશે. વિશ્વની મોટામાં મોટી વિજળીના સાધનો બનાવતી કંપની છે. આ મલ્ટીનેશનલ કંપનીનું ધ્યેય માત્ર વેપાર કરી અઢળક નફો કરવાનું જ નથી. કંપની જે કાંઇ નફો કરે છે એમાંથી લગભગ પાંચમા ભાગની રકમ જનકલ્યાણના કામો, સમાજ સુખાકારીના કાર્યોમાં અને માનવસુખના સંશોધનોમાં વાપરે છે.

જીવનમાં સુખી થવાની, આગળ વધવાની, સફળ થવાની ઝંખના બધાને હોય છે. એમાં કંપનીના કર્મચારીઓ આ ઝંખનાથી બાકાત કેવી રીતે હોઇ શકે? આ માટે જનરલ ઇલેક્ટ્રીક કંપનીએ સર્વે કરાવી સફળતાના સાત સિક્રેટ્‌સ બહાર પાડ્યા. સાચું કહીએ તો આ સિક્રેટ્‌સ કંઇ છુપા નથી બધા ખુલ્લા – ઓપન સિક્રેટ્‌સ છે. આ બધાં સીધાસાદા નિયમો છે. જો કે સરળ લાગતા આ નિયમો પણ ઘણાબધાં લોકો પાળતા નથી. અને આ નિયમો કે સિદ્ધાંતો કંઇ નવા નથી. વર્ષો જૂના છે. એમ છતાંય આ સિદ્ધાંતો જાણે બધાં જ સમય અને યુગો માટે ઉપયુક્ત છે. તેથી હું સંક્ષિપ્તમાં રજૂ કરૂં છું.

(૧) જીવન કે જગતના સર્વ વિકાસનો પાયો છે આત્મવિકાસ. એનો અર્થ એ કે તમારે જાતે જ તમારો વિકાસ કરવાનો છે. માણસના વિચારો, એના કાર્યો, એનો ઉત્સાહ અને પ્રેરણાબળ વિકાસ માટેના મહત્ત્વના પરિબળો હોય છે. માણસે મંઝિલ કે મુકામ ઉપર પહોંચવા માટે પગલા ભરવાની આવશ્યકતા હોય છે. કોઇ બીજું એના બદલામાં ચાલી શકતો નથી. એને પોતે જ ચાલવું પડે છે.

(૨) બધો જ વિકાસ એક રીતે જોતાં વ્યક્તિગત વિકાસ હોય છે. દુનિયામાં દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે. આ વિશ્વમાં ઇશ્વરે બધા માનવો ને યુનિક બનાવ્યા છે. કોઇ બે માણસોની આંખની કીકી કે આંગળીઓની છાપ એકસરખી નથી હોતી. આમ દરેક વ્યક્તિની પોતાની આગવી ઓળખ હોય છે. ચંદ્રકાંત બક્ષી હુંકાર કરતાં કે હું હું છું. મારા જેવો બીજો કોઇ નથી. જ્યારે આંગળીઓની છાપ એકસરખી નથી તો બે માણસો એકસરખા કેવી રીતે હોઇ શકે ?

ફ્રેંચ ચિંતક રૂસોએ પણ કહ્યું હતું – “આ જગતમાં હું કોઇના જેવો નથી, હું ભલે બીજાથી સારો ન હોઉં, પણ હું બીજાથી અલગ છું એ વાત નક્કી.” દરેક માણસે પોતાની જાતને ઓળખી અનન્યતાનો લાભ લેવો જોઇએ.

(૩) ક્યારેક એવું બને કે એવી જગ્યાએથી સફળતા મળે છે જ્યાં આપણે કલ્પના પણ ન કરી હોય. રૂેવી જ રીતે કોઇ માણસ સફળ થયો હોય તો એના વિસે ઉતાવળે ખોટો અભિપ્રાય પણ બાંધવો ન જોઇએ. આપણને સફળતાનો ઝગઝગાટ જોવા મળે છે પરંતુ એની પાછળ પાડેલા પરસેવાની ચમક દમક દેખાતી નથી. સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટરને ભારતીય ક્રિકેટ બોર્ડ કેપ્ટન બનાવે પરંતુ સચિન એમાં નિષ્ફળ જાય. અને એમએસ ધોની જેવા નવા સવા ખેલાડીને કેપ્ટન બનાવે તો એ વર્લ્ડકપ જીતવાનો ઇતિહાસ પણ રચી દે !

(૪) માણસના વ્યક્તિત્વમાં કયા પાસા વિકસેલા છે એના ઉપરથી એના ભાવિનો કયાસ ન કાઢી શકાય. ઘણાં માણસો એવા હોય છે જેઓ કોઇ એક અભ્યાસ શાળામાં ભણ્યા હોય પરંતુ સફળતા એમને કોઇ બીજા જ ક્ષેત્રમાં મળે ! ઝહીરખાન ને એન્જિનીયર બનવું હતું પણ એ બની ગયો ભારતનો સફળ બોલર. એમ.એસ.ધોનીને પણ ટ્રેનમાં ટિકિટ ચેકર બનવું હતું પણ ભાગ્ય એને ક્રિકેટમાં ખેંચી લાવ્યું. ઘણા ફિલ્મી લેખકો એવા છે જેઓ અને દિગ્દર્શકો મૂળ તો અભિનેતા બનવા આવ્યા હતા પણ લેખક કે દિગ્દર્શક તરીકે વધારે સફળ થયા. કેટલાક માણસો શાળામાં છેલ્લા પાટલે બેસે છે પરંતુ જીવનની શાળામાં એ આગળ વધી જાય છે. એપીજે અબ્દુલ કલામ કે આઇન્સ્ટાઇન જેવા મહાન વિજ્ઞાનીઓ છેલ્લી પાટલીની જ ઉપજ છે. માણસનું મનોવલણ બદલાય તો રસ અને ગતિ પણ બદલાય જ.

જેનામાં શક્તિ હોય છે એવા માણસો પોતાના વિકાસના અવરોધોનો ઉપયોગ પણ પોતાને આગળ વધારવામાં કરતા હોય છે.

(૫) વિકાસનો મોટો આધાર, તમારા રોજ રોજના મનોવલણ ધીરજ, ખત, સ્વપ્ન, કાર્ય નિષ્ઠાં વગેરે ઉપર છે. તમારે જે મેળવવું છે એ પ્રાપ્ત કરવા માટે તમે રોજરોજ પ્રયત્ન કરો છો કે નહીં એ મહત્ત્વનું છે. ટીપેટીપે સરોવર ભરાય એમ રોજરોજ થોડું થોડું જ્ઞાન પણ બહુ મોટા ખજાનામાં ફેરવાઇ જાય છે. તમે રોજરોજ તમારી જાતને સફળતાની દિશામાં દોરો છો. માણસ જે સારા કાર્યો કરે છે એ જ એના માટે ઉત્તમ માપદંડ બને છે.

(૬) તમે હાલમાં જે જગ્યાએ કે પોસ્ટ ઉપર હોવ એનાથી ઊંચી જગ્યા કે પોસ્ટ માટે માત્ર વાતો કર્યા કરવાથી એ જગ્યાએ પહોંચાતું નથી. હા, અમુક વર્ષોના અનુભવ પછી પ્રમોશન મળે તો એ પોસ્ટ ઉપર તમે પહોંચવાના. પરંતુ એ જગ્યાને કાબેલ થવા માટે માણસે પુરૂષાર્થ કરવો જોઇએ. હું કેટલાક માણસોને ઓળખું છું જેમણે નીચલા લેવલે નોકરીની કે કામની શરૂઆત કરી હતી. અને અમુક વર્ષો પછી તેઓ પોતાના સિનિયરોથી પણ આગળ વધી ઊંચી પોસ્ટ ઉપર પહોંચ્યા. કારણ કે તેઓ સતત શીખતા રહ્યા. ઇન્ટરનલ પરીક્ષાઓ આપતા રહ્યા. એમણે નીચલી જગ્યાએ કદી સંતોષ માન્યો નહીં. ઉપલી જગ્યા માટે સતત કાબેલ બનતા રહ્યા અને પરિણામે બીજા સિનિયરોને પછાડીને તેઓ આગળ વધી ગયા.

જો તેમણે માત્ર સમય પસાર કર્યો હોત, નિષ્ઠાપૂર્વક, ધગશપૂર્વક કામ ન કર્યું હોત, પોતાની ક્ષમતાઓને બહાર લાવી ન હોત. અને માત્ર તરંગી યોજનાઓ જ બનાવી હોત તો શું તેઓ ઉપલી પોસ્ટ ઉપર પહોંચી શક્યા હોત !

(૭) વાસ્તવિક અને લાંબાગાળાની સફળતા મેળવવા માટે માણસનું ભણતર કદી અટકવું ન જોઇએ. શીખવું એ સતત કરતા રહેવાની પ્રક્રિયા છે. જેઓ સતત શીખતા રહે છે. ભણતા રહે છે તેઓ બીજાથી વધારે જ્ઞાની અને ડહાપણવાળા હોય છે. આ માટે યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી હોતી. વ્યવસ્થિત આયોજન થકી સતત સારા વાચન અને મંથનથી પોતાની જાતને બીજા કરતાં વધુ સક્ષમ બનાવી શકાય છે. અને આ જ બાબત વિકાસની પ્રક્રિયામાં મહત્ત્વની બની રહે છે. માણસ પરિસ્થિતિઓ અને અનુભવથી ઘડાય એ તો સારી બાબત છે પરંતુ સૂઆયોજિત ભણતર એમાં ચાર ચાંદ લગાવે છે.

આત્મવિકાસ માટે ના આ સાત સૂત્રો બધા માટે કામના છે. આમાં રહસ્ય એ છે કે આમાં કોઇ રહસ્ય નથી ! સાવ સાદી લાગતી આ બાબતો ખરેખર તો બહુ મહત્ત્વની છે. એમ છતાં ઘણાં ઓછાં લોકો આ સિદ્ધાંતોનું પાલન કરે છે. જે લોકો કરે છે તેઓ પોતાના વિકાસ સાધે છે અને સફળ થાય છે. સારી વાત તો આ છે કે આ સિદ્ધાંતોના પાલનમાં આપણે કોઇની મદદ લેવાની પણ જરૂર નથી.

આ સાત સૂત્રો જેના મનમાં ઉતરે અને ત્યાંથી આચરણમાં આવે તો આત્મવિકાસ બહુ દૂર નથી.

– મોહમ્મદ સઈદ શેખ

બિલિપત્ર

આપણી મર્યાદાઓ માત્ર એ જ છે જે આપણે આપણા મનમાં પોતાને માટે બાંધી લઈએ છીએ.

– નેપોલિયન હિલ, Think and Grow Rich


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સ્વવિકાસના સાત સોનેરી સૂત્રો – મોહમ્મદ સઈદ શેખ