શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૨)


પ્રકરણ ૨૨

આપણે નથી જાણતા, કે માર્ચ મહિનાની તેર તારીખનો વસાહતનો એ છેલ્લો અને સૌથી ખરાબ દિવસ ઓસ્કર શિન્ડલરે કઈ રીતે પસાર કર્યો હશે. પરંતુ વસાહતમાંથી પ્લાઝોવની છાવણીમાં લઈ જવાયેલા તેના કામદારો કામ પર પાછા આવ્યા, એ સાથે જ ફરી એક વખત ઉત્સાહમાં આવી ગયો, અને ડેન્ટિસ્ટની આગામી મુલાકાત માટે ફરીથી માહિતી એકઠી કરવા મંડી પડ્યો. કેદીઓ પાસેથી તેને જાણવા મળ્યું, કે એસએસ દ્વારા ‘ઝ્વાંગસરબેઇટ્સલાર્જર પ્લાઝોવ’ જેવા લાંબા નામે ઓળખાવાતી એ છાવણી કેદીઓ માટે કોઈ રીતે યોગ્ય ન હતી. એમોન ગેટે યહૂદી ઇજનેરોની પર વિરુદ્ધમાં પૂરા જોશ સાથે તૂટી પડ્યો હતો. ઝાયમન્ટ ગ્રનબર્ગ નામનો યહૂદી ઇજનેર કોમામાં સરકી ગયો ત્યાં સુધી તેને માર મારવાની છૂટ તેણે ચોકીદારોને આપી દીધી હતી; છાવણીનું દવાખાનું દૂર સ્ત્રીઓની છાવણી પાસે આવવેલું હતું, ત્યાં પણ એને એટલો મોડો લઈ જવામાં આવ્યો, કે એ નિશ્ચિતપણે મૃત્યુ જ પામે! કેદીઓ ‘ડેફ’માં કામ પર આવ્યા ત્યારે ફરી એક વખત તેમને સંતોષ થાય એવો સુપ પીવા મળ્યો. સુપ પીતાં-પીતાં કેદીઓએ ઓસ્કરને એ પણ જણાવ્યું કે પ્લાઝોવનો ઉપયોગ માત્ર કેદીઓ માટેની છાવણી તરીકે જ નહીં, પરંતુ તેમાં યહૂદીઓને મૃત્યુદંડ આપવા માટે પણ કરવામાં આવી રહ્યો હતો. બધી જ છાવણીઓમાં હત્યા થઈ રહી હોવાની વાતો તો સંભળાતી જ હતી, પરંતુ અહીંના કેટલાક કેદીઓએ તો હત્યાના દૃશ્યો પોતાની નજરે જોયાં હતાં!

ઉદાહરણ આપવું હોય, તો યુદ્ધ પહેલાં ક્રેકોવમાં સુશોભનનો વ્યવસાય ધરાવતા ‘એમ’ નામના કેદીનો દાખલો આપી શકાય!

છાવણીના પહેલા જ દિવસે એસએસના મકાનોમાં સુશોભનનું કામ કરવા માટે તેને બોલાવવામાં આવ્યો હતો. કેમ્પની ઉત્તર દિશાએ એક તરફ નાનકડા બંગલા કતારબંધ બાંધેલા હતા. અન્ય નિષ્ણાત કારીગરની માફક ‘એમ’ને આવ-જા કરવાની પૂરી છૂટ આપવામાં આવી હતી. વસંતઋતુની એક સાંજે ‘એમ’ સેકન્ડ લેફ્ટનન્ટ લિઓ જોહનના બંગલાની ઉપરની તરફ ચૂજોવા ગોર્કા નામની ટેકરી તરફ ગયો હતો. ટેકરીની ટોચ પર ઓસ્ટ્રિઅન ફોર્ટ આવેલો હતો. હજુ એ ફેક્ટરી તરફ પાછો ફરી રહ્યો હતો, ત્યારે ઊપરની દિશાએ ઝડપભેર જતી એક આર્મિ ટ્રક પસાર થઈ જાય ત્યાં સુધી એણે ઢાળ પર ખસીને ઊભા રહેવું પડ્યું. એણે જોયું કે એ ટ્રકમાં સફેદ કપડાંમાં સજ્જ યુક્રેનિયન અધિકારીઓની દેખરેખ હેઠળ કેટલીક સ્ત્રીઓને ઊપર લઈ જવામાં આવી રહી હતી. લાકડાના ઢગલાની વચ્ચેથી સંતાઈને જોતી વેળાએ દૂરથી તેને એ દૃશ્ય પૂરું તો જોવા ન મળ્યું, પરંતુ તેને એટલી ખબર પડી, કે પેલી સ્ત્રીઓને ટ્રકમાંથી નીચે ઊતારીને કિલ્લાની અંદર લઈ જવામાં આવી હતી. અંદર જઈને સ્ત્રીઓને તેમનાં કપડાં ઊતારી નાખવાનો હુકમ કરવામાં આવ્યો. સ્ત્રીઓ એ હુકમને માનતી ન હતી. એડમન્ડ ડ્રોજેસ્કી નામનો એસએસનો માણસ બૂમો પાડીને તેમને હુકમ આપી રહ્યો હતો. યુક્રેનિયન અધિકારીઓ એ સ્ત્રીઓની વચ્ચે જઈને તેમને ચાબૂકના હાથા વડે માર મારી રહ્યા હતા. અધિકારીઓને એવો વહેમ પડ્યો હતો, કે મોન્ટેલ્યુપિકની જેલમાંથી અહીં લાવવામાં આવેલી એ સ્ત્રીઓ યહૂદી હોવા છતાં તેમની પાસે આર્યન દસ્તાવેજો હતા. મારને કારણે કેટલીક સ્ત્રીઓ રડી રહી હતી, પરંતુ મોટાભાગની સ્ત્રીઓ, યુક્રેનિયનને તેમને મારવાનો સંતોષ દેવા માગતી ન હોય એમ ચૂપચાપ ઊભી રહી હતી. એક સ્ત્રીએ યહૂદી પ્રાર્થના ‘શેમા ઇઝરોએલ’ ગાવાનું ચાલું કર્યું એ સાથે જ બીજી સ્ત્રીઓએ એ પ્રાર્થના ઉપાડી લીધી. હજુ ગઈકાલ સુધી તો એ સ્ત્રીઓ સીધી સાદી આર્યન સ્ત્રીઓના સ્વાંગમાં કામ કરી રહી હતી. આજે અચાનક જ એ બોજ હટી જવાના અહેસાસે બધી જ સ્ત્રીઓ મુક્તિ અનુભવી રહી હતી. ટેકરીની ઉપર જોર-શોર સાથે ઉત્સાહપૂર્વક ગાઈને, ડ્રોજેસ્કી અને બીજા યુક્રેનિયન સૈનિકોની નજર સામે જ, પોતાની વંશીય ભિન્નતાની જાણે ઉજાણી કરતાં હોય એમ, તેમણે પ્રાર્થના ગાવાનું ચાલુ જ રાખ્યું! આખરે, આત્મસન્માન માટે વલખાં મારતી એ બધી જ સ્ત્રીઓને વસંતની એ ઠંડી રાતે ગોળી મારી દેવામાં આવી! યુક્રેનિયનો એ જ રાતે તેમનાં મૃતદેહોને ગાડામાં નાખીને ચૂજોવા ગોર્કાની ક્યાંયે પાછળ જંગલમાં દાટી આવ્યા. આજે વિયેનામાં રહેતો ‘એમ’ નામનો એ સાક્ષી, પોતાની સાચી ઓળખ જાહેર કરવા માગતો નથી!

આજે ‘પ્રિક હિલ’ નામે ઓળખાતી એ ટેકરી પર થયેલા એ પહેલા હત્યાકાંડના અવાજો, નીચે છાવણીમાં પણ લોકોએ સાંભળેલા. પરંતુ કેટલાકે એમ માનીને મન મનાવી લીધેલું, કે ત્યાં કોઈ અજાણ્યા માર્ક્સવાદીઓ કે પાગલોને મારવામાં આવી રહ્યા હશે! અથવા તો… ત્યાં ઊપર તો કોઈ બીજો જ દેશ છે; કાયદાનું પાલન કરવામાં માનતા હો તો ઉપર ક્યારેય જવું નહીં, વગેરે, વગેરે! પરંતુ સ્વતંત્ર અને સ્પષ્ટ વિચારો ધરાવતા શિન્ડલરના કેટલાક કામદારો, સવારે પ્લાઝોવથી નીકળીને વેલિક્ઝા સ્ટ્રીટ પર આવેલી કેબલ ફેક્ટરી પાસેથી પસાર થઈને ‘ડેફ’ સુધી કામ કરવા પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી, કે મોન્ટેલ્યુપિકથી આવેલી એ કેદી સ્ત્રીઓને ઓસ્ટ્રિઅન ટેકરી પરના એ કિલ્લામાં લઈ જઈને શા માટે મારી નાખવામાં આવી હતી? એ સ્ત્રીઓને ટ્રકોમાં ભરી-ભરીને લાવવામાં આવી રહી હતી, ત્યારે આખાયે પ્લાઝોવમાં તેનો ઘોંઘાટ સંભળાતો હતો, પરંતુ એસએસના કોઈ માણસને ત્યારે આશ્ચર્ય કેમ નહોતું થતું? તેનું કારણ એ હતું, કે પ્લાઝોવના કેદીઓને તો મહત્ત્વના સાક્ષી તરીકે કોઈ ગણતું જ ન હતું! ભવિષ્યમાં કોર્ટ સુધી પહોંચી જઈને આ વિશાળ સાક્ષીગણ તેમના માટે મુશ્કેલી સર્જશે એવી જરા જેટલી પણ ચિંતા તેમને હોત, તો જરૂર સૈનિકો એ સ્ત્રીઓને મારી નાખવા માટે જંગલમાં ઊંડે સુધી લઈ ગયા હોત!

આખીયે વાતનો નિષ્કર્ષ કાઢતાં ઓસ્કરને લાગ્યું કે ચૂજોવા ગોરકા અને પ્લાઝોવમાં મૂળે કોઈ જ ફરક ન હતો! કેદીઓને ટ્રકોમાં ભરીને ટેકરી ઉપર લઈ જવામાં આવે, કે નીચે તારની વાડ બાંધીને પૂરી દેવામાં આવે, જર્મનો બધાને એક સમાન અપરાધી ગણતા હતા. પ્લાઝોવની છાવણીની પહેલી જ સવારે, કમાન્ડન્ટ એમોન ગેટેએ પોતાના ઘરના મુખ્ય દરવાજાની બહાર નીકળ્યો, અને સામે જે કોઈ પહેલો કેદી મળ્યો તેને વિના કારણ મારી નાખેલો! એ ઘટનામાં પણ, ચૂજોવા ગોરકામાં થયેલા પહેલા હાત્યાકાંડની માફક, એક બેજોડ ઘટના તરીકે, છાવણીની સામાન્ય જિંદગીથી કંઈક જુદું કરવાની એમોનની વૃત્તિ જ ડોકાતી હતી! હકીકતમાં તો ટેકરી પર બનેલીની પેલી ઘટના આગળ જતાં એમોનની આદત પૂરવાર થવાની હતી! અને એ જ રીતે એમોનનો સવારનો નિત્યક્રમ પણ! શર્ટ, ચોરણી, અને ઓર્ડરલીએ ચમકાવેલાં જૂતાં પહેરીને પોતાના કામચલાઉ બંગલાની અગાસી પર રોજ સવારે એ દેખા દેતો. તેને રહેવા માટે કેમ્પની સીમાને સામે છેડે અહીંથી વધારે સારી એક જગ્યાને નવેસરથી તૈયાર કરવામાં આવી રહી હતી. મોસમ ખરાબ થઈ રહી હતી. એમોનને સુર્યપ્રકાશ ગમતો હોવાને કારણે શર્ટ પહેર્યા વગર જ એ અગાસીમાં આવી જતો હતો. અગાસીમાં બેસીને સવારનો નાસ્તો કરતી વેળાએ તેના એક હાથમાં બાયનોક્યૂલર અને બીજા હાથમાં સ્નાઇપર રાઇફલ રહેતી. અગાસીમાંથી જ એ છાવણીના આખાયે વિસ્તારને, ખાણમાં ચાલતા કામકાજને, અને પોતાના દરવાજાની પાસે થઈને કેદીઓ દ્વારા ધક્કા મારીને કે ખેંચીને લઈ જવાતી ખાણની ટ્રકોને પોતાના બાયનોક્યુલરમાંથી જોતો રહેતો. હાથમાંનું ઓજાર નીચે મૂક્યા વિના જ સિગરેટ પીતા કામમાં મશગૂલ કારીગરની માફક તેના મોંમાં સિગરેટ ઝૂલતી રહેતી. નીચેથી ઉપર તરફ જોનાર વ્યક્તિને તેની સિગરેટમાંથી નીકળતો ધુમાડો જ માત્ર દેખાતો! કેમ્પમાં આવ્યાના થોડા દિવસમાં જ એક બીજી ઘટના બનેલી. એવા જ પહેરવેશમાં એ અગાસી પર બેઠો હતો, બરાબર એ જ સમયે તેના બારણા પાસે આવીને ચૂનાના પત્થર ભરેલું એક ગાડું અટકી ગયું. એમોનને લાગ્યું, કે ગાડાને ધકેલતો કેદી બરાબર ધક્કા મારતો ન હતો, એટલે એમોને તેને ગોળી મારીને મારી નાખ્યો. ચોક્કસ એ જ કેદીને એણે કયા કારણસર મારી નાખ્યો તો કોઈ જ સમજી ન શક્યું! પોતાના કોઈ જ કાર્યની નોંધ રાખવાનું એમોન માટે ફરજિયાત ન હતું. તેની બંદુકના એક જ ધડાકે, ગાડાને ધકેલી રહેલા મજૂરોની ટોળીમાંથી બહાર ફેંકાઈને એ કેદી રસ્તાની એક બાજુએ ગબડી ગયો. તેને નીચે પડતાં જોઈને બીજા લોકો પણ કામ કરતાં અટકી ગયા. આવો કોઈ બનાવ બને, ત્યારે સામાન્ય રીતે ફાટી નીકળતા ભયાનક સામુહિક હત્યાકાંડની અપેક્ષાએ બધા જ કેદીઓના સ્નાયુઓ જકડાઈ ગયા! પરંતુ એમોને તેમને આગળ વધવા માટે ઇશારો કર્યો! જાણે થોડો ગુસ્સો બતાવીને, બાકીના કેદીઓના કામથી પોતે ખુશ હોવાનું બતાવતો ન હોય!

કેદીઓ સાથે આ પ્રકારનાં આત્યંતિક વર્તન કરવા ઉપરાંત, એમોન વેપારીઓને આપેલા વચનોમાંથી પણ એકને તોડી રહ્યો હતો! ઓસ્કાર પર મેડરિટ્સનો ફોન આવ્યો હતો. મેડરિટ્સ ઇચ્છતો હતો કે બંને મળીને આ બાબતે ફરીયાદ કરે. એમોને વેપારીઓને કહેલું કે ફેક્ટરીઓના ધંધામાં એ કોઈ હસ્તક્ષેપ નહીં કરે. સીધી રીતે તો એ કોઈ હસ્તક્ષેપ કરતો પણ ન હતો, પરંતુ પરેડ ગ્રાઉન્ડની અંદર, હાજરી પૂરવાના બહાને એ કેદીઓને કલાકો સુધી રોકી રાખતો હતો. મેડરિટ્સના ધ્યાનમાં એક કિસ્સો તો એવો આવ્યો હતો, કે એક બેરેકમાંથી માત્ર એક બટાકું મળી આવવાને કારણે એ બેરેકના બધા જ કેદીઓને, બીજી બેરેકના કેદીઓની સામે ચાબુકથી ફટકારવામાં આવ્યા હતા. સેંકડો કેદીઓના પેન્ટ અને ચડ્ડી ઊતરાવીને, તેમનાં શર્ટ ઊંચા કરાવીને ઊભા રાખીને, દરેકને પચીસ-પચીસ કોરડા મારવા જેવી સજા કંઈ એટલી જલદી તો પૂરી ન જ થાય! ગેટેનો કાયદો એવો હતો, કે ચાબુકનો માર ખાતી વેળાએ ફટકાની ગણતરી કેદીએ પોતે કરવાની રહેતી, જેથી યુક્રેનિયન સૈનિકને થોડી રાહત રહે! ગણતરી કરવામાં કેદી ભૂલ કરે, તો આંકડો ફરી એકથી શરૂ કરવામાં આવે! આમ પરેડ ગ્રાઉન્ડ પર હાજરી પૂરવાની કાર્યવાહી આ રીતે કરીને કમાન્ડન્ટ એમોન કામદારોનો સમય બરબાદ કરવાની છેતરપિંડી કરતો હતો.

આ કારણે, કામદારો પ્લાઝોવમાં આવેલી મેડરિટ્સની કપડાંની ફેક્ટરીમાં પાળીના સમય કરતાં ખાસ્સા કલાક મોડા પહોંચતા હતા, અને એ જ રીતે લિપોવા સ્ટ્રીટમાં આવેલી ઓસ્કરની ફેક્ટરીમાં પણ કેદીઓ એકાદ કલાક મોડા પહોંચતા હતા. વળી, ફેક્ટરીમાં પહોંચે ત્યારે પણ તેઓ એટલા આઘાતમાં હોય, કે કામમાં જોઈએ એટલી એકાગ્રતા દાખવી શકે નહીં. સવાર-સવારમાં એમોન કે જો‌હ્‌ન કે સિડ્ટ કે અન્ય કોઈ અધિકારીએ તેમની સાથે કરેલા દુર્વ્યવહારની વાતો જ તેઓ કરતા રહેતા! ઓસ્કરે શસ્ત્ર-સરંજામ વિભાગની ઑફિસમાં પોતાને ઓળખતા એક ઈજનેરને આ બાબતે ફરીયાદ કરી, તો ઈજનેરે તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, કે પોલીસવડા સામે ફરીયાદ કરવાનો કોઈ જ અર્થ ન હતો! એમનું અને આપણું યુદ્ધ અલગ-અલગ છે! ઓસ્કરે તેને પોતાના મનની વાત જણાવતાં કહ્યું કે પોતાના કેદીઓને એ પોતાની ફેક્ટરીમાં જ રાખવા માગે છે. એ પોતાનો અલગ કેમ્પ બનાવવા માગે છે.

ઓસ્કરની વાત સાંભળીને ઇજનેર આશ્ચર્ય થયું. “તમે કઈ જગ્યાએ કેમ્પ બનાવશો?” એણે પૂછ્યું. “તમારી પાસે એટલી જગ્યા તો નથી!”

“હું એટલી જગ્યા મેળવી લઉં, તો તમે મારી વાતને ટેકો આપતો પત્ર લખી આપશો?” ઇજનેર તેની વાત સાથે સહમત થયો એટલે ઓસ્કરે સ્ટ્રેડમ સ્ટ્રીટમાં રહેતા બેઇલ્સ્કી નામના એક વૃદ્ધ દંપતિને ફોન કરીને, ફેક્ટરીની બાજુમાં જ આવેલી તેમની જમીન વેંચવા અંગે પૂછપરછ કરી જોઈ. તેમને મળવા માટે એ નદી પાર કરીને તેમને ઘેર પણ પહોંચી ગયો. બેઇલ્સ્કી દંપતિ ઓસ્કરની રીતભાતથી પ્રભાવિત થઈ ગયું. ભાવ બાબતે રકઝક કરવાનો ઓસ્કરને હંમેશા કંટાળો આવતો, એટલે એણે તેજી સમયે હોય એવા ઊંચા ભાવની દરખાસ્ત એ દંપતિને આપી. દંપતિએ ઓસ્કરને ચા પીવડાવી, અને ખુશ થતાં-થતાં, ઓસ્કરની હાજરીમાં જ પોતાના વકીલને બોલાવીને જમીનના કાગળો તૈયાર કરવાનું કહી દીધું. તેમના એપાર્ટમેન્ટમાંથી નીકળીને ઓસ્કર સૌજન્ય ખાતર એમોનને મળવા ગયો, અને તેને જણાવ્યું, કે પોતે પ્લાઝોવની એક પેટા છાવણી પોતાની ફેક્ટરીના મેદાનમાં જ બનાવવા માગે છે. ઓસ્કરનો આશય સાંભળીને એમોન ચોંકી ઊઠ્યો. એણે જવાબ આપ્યો, “એસએસના જનરલ જો મંજુરી આપતા હોય તો… મારા તરફથી તમને પૂરતો સહકાર મળી રહેશે!” હા, મારા સંગીતકારો કે મારી કામવાળી હું તમને નહીં આપું!”

બીજા દિવસે જનરલ સ્કર્નર સાથે પોમોર્સ્કા સ્ટ્રીટની મુલાકાત ગોઠવવામાં આવી. એમોન અને જનરલ સ્કર્નર બંને જાણતા હતા, કે નવા કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઓસ્કર પાસેથી વસુલ કરી શકાય તેમ હતો. ઓસ્કરે તેમની પાસે એવી દલીલ રજુ કરી હતી કે કામદારોને ફેક્ટરીમાં જ રાખવાથી તેમનો વધારે કસ કાઢી શકાય તેમ હતું! એમોન અને જનરલ બંને જાણી ગયા હતા કે આવી દલીલ કરીને ઓસ્કર પોતાની કોઈક અંગત રમત રમી રહ્યો હતો, જેને માટે તેને ખર્ચની કોઈ પરવા નહીં હોય! બંને ઓસ્કરને એક સારો માણસ માનતા હતાઃ બસ, યહૂદીઓ પ્રત્યેનો પ્રેમ તેને એક વાયરસની માફક વળગ્યો હતો! એસએસ સ્વાભાવગતરીતે એવું માનતી સંસ્થા હતી, કે જગતને ખૂણે-ખૂણે પથરાઈ ગયેલા બુદ્ધિશાળી યહૂદીઓ, એવો જાદુ કરી શકે તેમ હતા, કે ઓસ્કર શિન્ડલર જેવા લોકોએ તો દેડકામાં ફેરવાઈ ગયેલા રાજકુંવરની માફક સહન જ કરવું પડે! ઓસ્કરે તેના આ રોગનું પરીણામ ભોગવવું જ રહ્યું!

હજુ સુધી પ્લાઝોવનું નિયમન જનરલ ઓસ્વાલ્ડ પોહ્‌લની કચેરી દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવતું હતું, પરંતુ સ્કર્નર અને ઝરદાના ઉપરી અધિકારી, અને ગવર્નર્મેન્ટ જનરલના પોલીસવડા ફ્રેડરિક વિલહેમ ક્રુગરની જરૂરીયાતો, પોહ્‌લની મુખ્ય એસએસ વહિવટી અને આર્થિક ઑફિસ દ્વારા નિયત કરેલા કાયદાના આધારે નક્કી થતી હતી. એસએસના વેઠિયા કેદીઓ માટે પોતાની ફેક્ટરીની અંદર જ પેટા-છાવણી બનાવવી હોય, તો ઓસ્કરે કેટલીક પાયાની જરૂરિયાતો પૂરી કરવી પડે તેમ હતી, જેમાં નવ ફૂટ ઊંચી દિવાલ, છાવણીના પરિઘની લંબાઈના પ્રમાણમાં ચોક્કસ અંતરે વૉચ-ટાવર, શૌચાલય, રહેઠાણ, સામાન્ય દવાખાનું, દાંતનું દવાખાનું, સ્નાનાગાર, જંતુમુક્તિ કેન્દ્ર, હજામની દુકાન, ભોજન વ્યવસ્થા, ધોબીઘાટ, છાવણીની કચેરી, ચોકીદારો માટે છાવણી કરતાં થોડાં સારાં રહેઠાણ અને અન્ય જરૂરી સેવાઓ માટેના મકાનોનો સમાવેશ થતો હતો. એમોન, સ્કર્નર અને ઝરદાના માનવા મુજબ, આ બધી સગવડ ઊભી કરવા માટે ઓસ્કર જ યોગ્ય વ્યક્તિ હતો; અને તેનો હેતુ આર્થિક ફાયદાનો હોય કે પછી યહૂદીઓ પ્રત્યેનો પ્રેમ હોય, આ ખર્ચાઓને પહોંચી વળવા એ સક્ષમ હતો જ! અને ખર્ચ વસુલવાની સાથે-સાથે ઓસ્કરનો આ પ્રસ્તાવ તેમને અનુકુળ પણ આવે તેમ હતો. પૂર્વ વિસ્તારમાં પિસ્તાલીશ માઇલ દૂર હજુ પણ કેટલીક વસાહતો મોજૂદ હતી. એ વસાહતોનો નિકાલ કરતી વેળાએ ત્યાંની વસ્તીને પ્લાઝોવમાં સમાવવી પડે તેમ હતી. એ જ રીતે દક્ષિણી પોલેન્ડની છાવણીઓમાંથી હજારો યહૂદીઓ પ્લાઝોવમાં આવવાના હતા. લિપોવા સ્ટ્રીટમાં જો એક પેટાછાવણી બની જાય તો પ્લાઝોવ પરનુ ભારણ પણ ઓછું થઈ શકે તેમ હતું.

એમોન ભલે પોલીસવડાની સામે સ્વીકારે નહીં, પરંતુ અંદરથી તો એ સમજતો જ હતો, કે, છાવણીની અંદર કેદીઓ માટે ભોજન-વ્યવસ્થા માટેની જનરલ પોહ્‌લની માર્ગદર્શિકા પ્રમાણે લાદવામાં આવેલી ઝીણી-ઝીણી વિગતોની સંપૂર્ણ માહિતી લિપોવા સ્ટ્રીટમાં બનનારી ઓસ્કરની છાવણીને આપવાની જરૂર નહીં પડે. કારણ કે એમ કરવાથી તો એમોને જ એવી આપત્તિઓનો સામનો કરવો પડે તેમ હતું, જેની સામે તેનો કોઈ જ બચાવ કામ ન લાગે! તે પોતે એમ જ માનતો હતો કે પ્લાઝોવમાં કેદીઓમાં થોડો-ઘણો સંઘર્ષ તો થતો રહેવો જ જોઈએ! આ કારણસર, જેલની ભોજનસામગ્રીનો કેટલોક હિસ્સો એ ક્રેકોવના ખુલ્લા બજારમાં પોતાના એક યહૂદી એજન્ટ વિલેક ચિલોવિક્ઝ મારફતે બારોબાર વેંચી દેતો હતો. વિલેક બજારના ફેફ્ટરી વહીવટકર્તાઓ, વેપારીઓ અને છેક ક્રેકોવના રેસ્ટોરન્ટ સુધી સંપર્કો ધરાવતો હતો.

ડૉ. એલેકઝાન્ડર બાઇબરસ્ટેઇન હવે પ્લાઝોવનો એક કેદી બની ગયો હતો. તેને ખબર હતી, કે કેદીઓને અપાતા રોજના ભોજનમાં ૭૦૦થી ૧૧૦૦ જેટલી કેલરી આપવાની હતી. સવારે નાસ્તામાં એક કેદી દીઠ હલકી કક્ષાની અડધો લીટર કાળી કૉફી, ઓકના ફળનો ટૂકડો અને બેરેકના રસોડાની બેકરીમાં રસોડાના કર્મચારીઓને પહોંચાડવામાં આવેલી રાઇની બ્રેડમાંથી ૧૭૫ ગ્રામ બ્રેડ, જે બ્રેડના મોટા લોફના આઠમા ભાગ જેટલી થાય! ભૂખમાં કેવી વિધ્વંસક તાકાત હોય છે એ જુઓ! રસોડાનો કર્મચારી, કેદીઓ તરફ પોતાની પીઠ ફેરવીને બ્રેડનો એક ટૂકડો કાપીને કેદીઓને લલચાવતાં પૂછતો, “આ ટૂકડો કોને જોઈએ છે? આ કોને જોઈએ છે?” બપોરના ભોજનમાં કેદીઓને ગાજર, બીટ, સાબુદાણા, વગેરેનો સૂપ આપવામાં આવતો. કોઈક-કોઈક દિવસે તેમને સંપૂર્ણ ભોજન પણ મળી જતું. દરરોજ સાંજે કામ પર ગયેલા કેદીઓ બહારથી પાછા ફરે ત્યારે પોતાની સાથે કંઈને કંઈ સારું ખાવાનું લઈને આવતા. કોઈક પોતાના કોટની નીચે સંતાડીને નાનકડી મરઘી લઈ આવતું, તો કોઈ પેન્ટના પાંયચાની અંદર ફ્રેન્ચ રોલ! આમ છતાં સાંજે પાછા આવતા કેદીઓની સંત્રીઓ પાસે તલાશી લેવડાવીને એમોન તેમને વહીવટી ભવનની સામે જ રોકવા માટે પ્રયત્ન કરતો. કેદીઓને મારી નાખીને એમોન તેમની સંખ્યા ઓછી કરવા માગતો ન હતો. સાથે-સાથે ચિલોવિક્ઝ દ્વારા થતી ભોજનસામગ્રીનો ધંધો બંધ કરીને પોતાનો ફાયદો પણ એ જવા દેવા માગતો ન હતો. પરંતુ સાથે-સાથે એ કેદીઓને સંતોષ પણ થવા દેવા માગતો જ ન હતો; એટલે તેને લાગ્યું કે ઓસ્કર જો હજાર કેદીઓને બહાર લઈ જવાનું નક્કી કરે, તો એટલા કેદીઓ માટે પ્લાઝોવની છાવણીમાંથી બ્રેડ અને બીટની વ્યવસ્થા થાય કે નહીં, ઓસ્કર તેમને માટે પૂરતો ખર્ચ કરીને તેમને રાજી રાખવાનો જ હતો!

એ વર્ષની વસંતમાં, ઓસ્કરે માત્ર પોલીસવડા સાથે જ વાત કરવી પડી એવું ન હતું. પોતાની ફેક્ટરીની પાછળના મેદાનમાં આવેલી પડોશની ફેક્ટરીના માલિકોને પણ તેણે સમજાવ્યા હતા. જેરેથે બનાવેલા પાઈનના બે ઝૂંપડાની પાછળ આવેલી કર્ટ હોદરમેન દ્વારા ચલાવાતી રેડિયેટર ફેક્ટરીમાં પણ એ જઈ આવ્યો. ત્યાં પોલિશ કામદારો સિવાય પ્લાઝોવમાંથી આવતા સો જેટલા યહૂદી કેદીઓ પણ કામ કરતા હતા. તેની ફેક્ટરીની સામેની બાજુએ જર્મન ઇજનેર કુહનપાસ્ટ દ્વારા ચલાવાતી જેરેથની બોક્સ ફેક્ટરી આવેલી હતી. તેના કામદારોમાં પ્લાઝોવના યહૂદી કેદીઓની સંખ્યા બહુ મામુલી હોવાને કારણે કુહનપોસ્ટે તો આ બાબતે બહુ ધ્યાન ન આપ્યું, પરંતુ તેણે ઓસ્કરનો વિરોધ પણ ન કર્યો, કારણ કે આ બધી જ ફેક્ટરીઓમાં કામ કરતા યહૂદી કામદારો પણ ઓસ્કર તેમની ફેક્ટરીથી પચાસને બદલે માત્ર પાંચ કિલોમિટર જ દૂર લાવીને વસાવવા માગતો હતો.

ત્યારબાદ ઓસ્કર થોડે જ દૂર આવેલી જર્મન લશ્કરી ઑફિસમાં ગયો, અને ત્યાંના ઇજનેર સ્મિલેવ્સ્કી સાથે તેણે આ બાબતે વાત કરી. સ્મિલેવ્સ્કીએ પણ પ્લાઝોવના યહૂદી કેદીઓની એક ટૂકડીને પોતાની ઑફિસમાં કામે રાખી હતી. કેદીઓ પ્લાઝોવથી આવીને ઓસ્કરની ફેક્ટરીમાં રહે તેમાં સ્મિલેવ્સ્કીને પણ કોઈ જ વાંધો ન હતો. કુહનપાસ્ટ અને હોડરમેનની સાથે તેનું નામ પણ શિન્ડલરની અરજીમાં જોડી દેવામાં આવ્યું, અને અરજીને પોમોર્સ્કા સ્ટ્રીટ મોકલી આપવામાં આવી.

એસએસના એક સર્વેક્ષકે એમેલિયાની મુલાકાત લીધી અને શસ્ત્ર-સરંજામ વિભાગની ઑફિસના એક સર્વેક્ષક સ્તેઇનહોઝર, કે જે ઓસ્કરના મિત્ર હતા, તેની પણ સલાહ લીધી. તેઓ સર્વેક્ષકોની લાક્ષણીક અદામાં પોતાની નાખુશી વ્યક્ત કરતાં એ જગ્યાને જોઈ રહ્યા. એમણે ગટર વ્યવસ્થા બાબતે થોડી પૃછા કરી. ઓસ્કરે બધાને પોતાની ઑફિસમાં કૉફિ અને કોગ્નેક પીવા માટે બોલાવ્યા, અને પછી બધા મૈત્રિભાવે છૂટા પડ્યા. થોડા જ દિવસોમાં ઑસ્કરની ફેક્ટરીની પાછળના મેદાનમાં વેઠિયા મજૂરો માટેની પેટા છાવણી સ્થાપવાની અરજી સ્વીકારી લેવામાં આવી.

એ વર્ષે ‘ડેફ’ને ૧૫.૮ મિલ્યન જર્મન માર્કનો નફો થયો. એમેલિયાની અંદર કેદીઓની છાવણીનું મકાન બાંધવા માટે કરેલો ૩૦૦૦૦૦ માર્કનો ખર્ચ ઘણો વધારે હતો, પરંતુ એટલો વધારે પણ નહીં, કે જેથી ઓસ્કર કોઈ મોટા નુકસાનમાં ઊતરી જાય. જો કે હકીકત એ હતી, કે ખર્ચ કરવાની આ તો હજુ શરૂઆત હતી!

ઓસ્કરે પ્લાઝોવની બાંધકામની ઑફિસને અરજી કરીને, એદમ ગારદે નામના એક યહૂદી યુવાન ઇજનેરને છાવણીનું મકાન બાંધવામાં મદદ કરવા માટે મોકલવાની માંગણી કરી. ગારદે હજુ પણ એમોનની છાવણીના બેરેકમાં જ કામ કરતો હતો. પ્લાઝોવના બેરેકનું બાંધકામ કરતા કામદારોને ગારદેએ બરાબર સૂચનાઓ આપી દીધી, અને પોતે એક જર્મન ચોકીદારની સાથે ઝેબ્લોસીની ઓસ્કારની ફેક્ટરીમાં ચાલતા બાંધકામનું  નિરીક્ષણ કરવા માટે પ્લાઝોવથી લિપોવા સ્ટ્રીટ પહોંચ્યો. ઝેબ્લોસીમાં ચારસો કેદીઓ માટે બની રહેલી છાવણીની બાજુમાં બનેલા ‘ડેફ’ના કેદી કામદારોને રહેવા માટેના કામચલાઉ બે કાચાં-પાકાં મકાનો પણ તેણે જોયાં. એ મકાનોની ફરતે બાંધેલી વાડની બહાર એસએસની ટૂકડી ચોકીપહેરો કરી રહી હતી. સૈનિકોએ ગારદેને જણાવ્યું કે કોઈ ઉપરી ઈન્સ્પેક્ટર તપાસ માટે આવે એ સિવાય, ઓસ્કર એસએસને છાવણી કે ફેક્ટરીની અંદર આવવાની મંજૂરી આપતો ન હતો. તેમણે જણાવ્યું કે એમેલિયાની ફેક્ટરીની બહાર તૈનાત એસએસની એ નાનકડી ટૂકડીને ઓસ્કર નશામાં ધૂત કરીને પોતાનામાં જ મસ્ત રાખે છે. ગારદે પોતે પણ એ જોતો હતો કે એમેલિયાના કેદી સ્ત્રી-પુરુષો તો પેલા બે તૂટ્યાં-ફૂટ્યાં મકાનોમાં પણ સંતુષ્ટ હતાં. હૃદયરોગના હુમલામાંથી બચી જનાર વ્યક્તિ પોતાને ભાગ્યશાળી ગણાવે એ જ રીતે આ કેદીઓ પણ ગર્વથી પોતાને ‘શિન્ડલરના યહૂદીઓ’ તરીકે ઓળખાવતા હતા!

ઓસ્કરના માણસોએ બાંધેલા અણઘડ શૌચાલયો પાછળના કેદીઓના ઉત્સાહની સાથે-સાથે શૌચાલયની દુર્ગંધને પણ ફેક્ટરીમાં પ્રવેશતાં જ ગારદે અનુભવી શકતો હતો. બધા ડેફના મેદાનમાં રાખેલા એક પંપનો ઉપયોગ કરતા હતા.

ઓસ્કરે ઉપરના માળે આવેલી ઑફિસમાં ગારદેને બોલાવ્યો, અને તેને નવી છાવણીના પ્લાન ચકાસી જોવા કહ્યું. બારસો લોકો માટે છ બેરેક, આ છેડે રસોડું, ત્યાં એસએસની બેરેક… વગેરે, વગેરે… ઓસ્કર એસએસના રહેવા માટેની સગવડ મેદાનના દૂરના છેડે આવેલી વાડની પાછળ પરંતુ ફેક્ટરીની અંદર જ કરી રહ્યો હતો. તેણે ગારદેને કહ્યું, “મારે ખરેખર એક ઉત્તમ કક્ષાનું સ્નાનાગાર અને ધોબીઘાટ જોઈએ છે. મારી પાસે એવા વેલ્ડરો છે જે તમારી દોરવણી હેઠળ એ કામ કરી શકશે. ટાયફસ…” કહેતાં એણે સ્મિત સાથે ગારદે સામે જોયું. “કોઈને પણ ટાયફસ ન થાય તેનું આપણે ધ્યાન રાખવું છે. પ્લાઝોવમાં ‘જૂ’નો ત્રાસ તો પહેલેથી જ છે. અહીં આપણે કપડાં ઊકાળવાની સગવડ પણ જોઈશે.”

એદમ ગારદે દરરોજ લિપોવા સ્ટ્રીટ આવીને ખુશ થતો હતો. સનદ ધરાવતા બે-બે યહૂદી ઇજનેર કેદીઓ પ્લાઝોવમાં હતા, પરંતુ ડેફના પોતાના નિષ્ણાતો ખરેખર નિપૂણ હતા! એક સવારે ચોકીદાર એદમને લઈને વેલિક્ઝા સ્ટ્રીટમાં થઈને ઝેબ્લોસી તરફ જઈ રહ્યો હતો, ત્યારે એક કાળી લિમુઝિન અચાનક ક્યાંકથી આવી ચડી અને એકદમ બ્રેક મારીને તેના પગ પાસે જ ઊભી રહી ગઈ. ચહેરા પર કંઈક અસ્વસ્થતાના ભાવો સાથે કમાન્ડર ગેટે કારમાંથી ઊતર્યો.

એક કેદી અને એક ચોકીદાર… એણે અવલોકન કર્યું.

શું ચાલી રહ્યું છે? યુક્રેનિયન ચોકીદારે આદરભર્યા સ્વરે તેને જણાવ્યું, કે આ કેદીને દરરોજ સવારે એમેલિયામાં હેર ઓસ્કર શિન્ડલરની ફેક્ટરી પર લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગારદે અને યુક્રેનિયન ચોકીદાર, બંનેને આશા હતી, કે હેર ઓસ્કર શિન્ડકરનું નામ લેવાથી તેમને જવા દેવામાં આવશે! એક ચોકીદાર અને આ કેદી? કમાન્ડન્ટે ફરીથી પૂછ્યું તો ખરું, પરંતુ એ નાખુશ દેખાતો હતો. વાતનો નિકાલ લાવ્યા વગર જ એ પોતાની લિમુઝિનમાં બેસીને ચાલ્યો ગયો!

એ જ દિવસે પાછળથી એણે વિલેક ચિલોવિક્સનો સંપર્ક કર્યો. વિલેક એમોનનો એજન્ટ હોવા ઉપરાંત, પ્લાઝોવની છાવણીમાં કામ કરતી યહૂદી પોલીસનો ઉપરી પણ હતો, અને “ફાયરમેન” તરીકે જાણીતો હતો. આખી વસાહતમાં નેપોલિયન તરીકે પ્રખ્યાત સાઇમક સ્પાઇરા હજુ પણ વસાહતમાં જ રહેતો હતો. બેલઝેકની વસાહતની અંદર, પાઇનવૃક્ષોના પાંદડાની સાથે સળગીને રાખ થઈ ચૂકેલા યહૂદીઓએ સંતાડેલા વણનોંધાયેલા હીરા, સોનું અને રોકડ રકમ શોધવા માટે જે ખોદકામ ચાલી રહ્યું હતું, તેના પર એ દેખરેખ રાખી રહ્યો હતો. પરંતુ પ્લાઝોવની અંદર, બધી જ સત્તાના કેન્દ્રમાં ચિલોવિક્સ હોવાને કારણે, સ્પાઇરો પાસે અહીં કોઈ જ અધિકારો ન હતા. કોઈ જાણતું ન હતું કે ચિલોવિક્સ પાસે આટલી સતા ક્યાંથી આવી હતી! કદાચ વિલી કૂન્દેએ જ એમોન પાસે તેની ભલામણ કરી હોય, અથવા કદાચ એમોનને તેની કામ કરવાની રીત ગમતી હોય, જેને કારણે તેને માન્યતા આપી દીધી હોય! પરંતુ ચિલોવિક્સ, સાવ અચાનક જ પ્લાઝોવમાં ફાયરમેનનો વડો બની ગયો હતો. અહીંના ભ્રષ્ટ રાજ્યમાં ટોપીઓ અને બાંય પર લગાવવાની રેંક દર્શાવતી પટ્ટીઓની વહેંચણી એ જ કરતો હતો. સાઇમેકની માફક તેને પણ જાણે ઝાર જેટલી સત્તા તેને મળી ગઈ હોય એટલો મદ ચડી ગયો હતો!

એમોને ચિલોવિક્સનો સંપર્ક સાધ્યો, અને એદમને કાયમ માટે શિન્ડલર પાસે મોકલી આપીને તેનાથી છૂટકારો મેળવવા કહી દીધું. “આપણી પાસે તો સળગાવી દઈએ તો પણ ન ખૂટે એટલા ઇજનેરો છે.” એણે અણગમા સાથે કહ્યું. તેના કહેવાનો અર્થ એવો થતો હતો, કે પોલિશ યુનિવર્સિટીઓની મેડિકલ ફેકલ્ટીઓમાં યહૂદીઓને પ્રવેશ મળતો ન હોવાને કારણે જ તેઓ એક હળવા વિકલ્પ તરીકે ઇજનેરી શાખામાં જતા હતા. જો કે એમોને ચિલોવિક્સને એ પણ કહ્યું, કે ગારદે હંમેશને માટે ઓસ્કર પાસે જતો રહે એ પહેલાં તેણે પ્લાઝોવના ગ્રીનહાઉસનું કામ તો પૂરું કરવાનું જ હતું!

૨૧ નંબરની ઝુંપડીમાં આવેલી પોતાની બેરેકમાં ચાર માળના બંકબેડમાં એદમ ગારદે બેઠો હતો ત્યારે તેને આ સમાચાર આપવામાં આવ્યા. અહીંનું કામકાજ પૂરું થઈ ગયા બાદ તેને ઝેબ્લોસી મોકલી આપવામાં આવશે. ત્યાં સુધી એમોન ગેટેના મકાનની પાછળના ભાગે ચાલતું બાંધકામ તેણે કરવાનું રહેશે! એમોનના ઘરમાં સાવ અણધાર્યા જ કાયદાઓ હોવાની વાત કદાચ રિટર અને ગ્રનબર્ગે તેને કરી હતી!

કમાન્ડન્ટના ઘરનું કામ કરતી વેળાએ, એમોનના ગ્રીનહાઉસની છતમાં ગોઠવવા માટે એક મોટો મોભ ઊંચો કરવામાં આવ્યો હતો. કામ કરતી વેળા ગારદેએ કમાન્ડન્ટના બે કુતરાના અવાજ સાંભળ્યા. છાપામાં એવું છપાયું હતું, કે એમોનના કુતરાનાં નામ રોલ્ફ અને રાલ્ફ હતાં. પરંતુ તેમાં એ સમાચાર નહોતા છપાયા, કે કોઈ મહિલા કેદી કામ ન કરતી હોવાની શંકા પડે તો બચકું ભરીને તેની છાતી ચીરી નાખવાની પરવાનગી એમોને પોતાના કુતરાને આપી રાખી હતી! એમોને પોતે તો બાંધકામનો અડધો જ અભ્યાસ કર્યો હતો, છતાંયે નિષ્ણાત તરીકે પોતાનો અભિપ્રાય આપવા માટે, અને છતના મોભને પૂલીથી ઊઠાવવાના કામના નિરીક્ષણ માટે એ ઘણીવાર આવી પહોંચતો હતો! છતની વચ્ચેનો મોભ ગોઠવાતો હતો ત્યારે આજે પણ એ પૂછપરછ કરવા માટે આવી ચડ્યો હતો. પાઇનવૃક્ષનો મોભ ખૂબ જ લાંબો હતો. છેક સામેના છેડે ઊભા રહીને એમોન ગારદેને પ્રશ્નો પૂછી રહ્યો. એક વખત એવું બન્યું, કે એમોન શું કહેતો હતો એ ગારદેને ન સમજાયું, એટલે એણે પોતાના કાન પાસે હાથ ધર્યો. ગેટેએ ફરીથી તેને પૂછ્યું. આ વખતે ગારદેને તેનો અવાજ તો સંભળાયો, પરંતુ તેના કહેવાનો અર્થ ન સમજાયો. “કમાન્ડન્ટ, તમે શું કહો છો એ મને સમજાયું નહીં.” એણે કહ્યું. જવાબ આપવાને બદલે એમોને ઊપર ચડી રહેલા મોભને પોતાના બંને લાંબા હાથ વડે પકડી લીધો, અને ગુસ્સાના માર્યા મોભને પાછળ ખેંચીને ઇજનેર ગારદેની દિશામાં ધક્કો મારી દીધો! ચકરાવો લઈને પોતાના માથા ભણી આવી રહેલા એ વિરાટ મોભને જોઈને ગારદે સમજી ગયો કે સામે જીવલેણ હથિયાર આવી રહ્યું હતું! પોતાનો બચાવ કરવા એણે પોતાનો હાથ ઊચો કર્યો. મોભ તેના હાથ સાથે અથડાયો અને એ સાથે જ તેની આંગળીઓ અને પંજાનો કચ્ચઘાણ નીકળી ગયો, અને મોભનો ધક્કો વાગવાને કારણે એ જમીન પોર પડી ગયો! પીડા અને ગુસ્સામાંથી બહાર આવીને ગારદેએ જોયું, તો એમોન તો ત્યાંથી ચાલ્યો પણ ગયો હતો. આવતી કાલે કદાચ ફરીથી એ આવી ચડશે, પોતાને સંતોષ થાય એવો જવાબ મેળવવા માટે!

ઇજાગ્રસ્ત ગણાઈ જવાને કારણે રખેને તેને કામ કરવા યોગ્ય ગણવામાં ન આવે, એ ડરથી ઇજનેર ગારદેએ પોતાના ભાંગેલા હાથની સારવાર માટે દવાખાને જવાનું માંડી વાળ્યું!

તુટી ગયેલા હાથને પ્લાસ્ટર વગર એમ જ લટકાવી રાખવાને કારણે હાથનો ભાર તેના માટે અસહ્ય બની રહ્યો હતો. ડૉ. હિલ્ફસ્ટેઇને તેને પ્લાસ્ટર બાંધવા માટે મનાવી લીધો. પ્લાસ્ટરને કારણે એ ગ્રીનહાઉસના બાંધકામની દેખરેખનું કામકાજ ચાલુ રાખી શક્યો અને સાથે-સાથે દરરોજ કૂચ કરીને એમેલિયા જવાનું પણ એણે ચાલુ જ રાખ્યું. તેને આશા હતી, કે શર્ટની લાંબી બાંય નીચે છુપાવેલું પ્લાસ્ટર કોઈ જોઈ નહીં શકે. પરંતુ એ શક્ય ન લાગતાં, એણે જાતે જ પ્લાસ્ટરને તોડી નાખ્યું, અને પોતાના હાથને છૂટો કરી દીધો. “ભલે હાથ વાંકો વળેલો દેખાય.” સાજોસમો હોવાનો દેખાવ કરીને શિન્ડલરની પેટા છાવણીમાં પોતાની બદલી કરાવવાનું એ પાક્કું કરી લેવા માગતો હતો. એકાદ અઠવાડિયામાં જ, હાથમાં એક શર્ટ અને થોડાં પુસ્તકો ઊંચકીને સુખના દિવસોની આશાએ ઇજનેર ગારદે કુચ કરતો લિપોવા સ્ટ્રીટમાં દાખલ થઈ ગયો.

આપનો પ્રતિભાવ આપો....