શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૩)
જેમ-જેમ કેદીઓમાં આ વાત ફેલાતી ગઈ, તેમ-તેમ એમેલિયા જવા માટે એમની વચ્ચે હરીફાઈ થઈ પડી. દોલેક હોરોવિત્ઝ નામનો એક કેદી પ્લાઝોવમાં ખરીદ અધિકારી હતો. એ જાણતો હતો, કે તેને સાવ એમને એમ તો શિન્ડલરની ફેક્ટરીમાં જવા દેવામાં નહીં જ આવે! પરંતુ છાવણીમાં તેની સાથે તેની પત્ની અને બે બાળકો પણ રહેતાં હતાં!
શિયાળાના છેલ્લા-છેલ્લા દિવસોમાં ધુમ્મસના રૂપમાં પૃથ્વી પોતાની આભા પ્રસરાવી રહી હતી, દોલેકનો સૌથી નાનો પુત્ર રિચાર્ડ સ્ત્રીઓના વિભાગમાં પોતાની માની પથારીમાંથી નીચે ઊતર્યો અને ટેકરી ઊતરીને પિતાની છાવણી તરફ દોડી ગયો. તેનું ધ્યાન તો સવાર-સવારમાં વહેંચાતી સૂકી બ્રેડમાં જ હતું. બ્રેડ મેળવવા માટે સવારની હાજરીના સમયે પિતાની સાથે હોવું તેને માટે જરૂરી હતું.