શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૬)


પ્રકરણ ૧૬

શનિવાર સાંજ સુધી વસાહતની અંદર એસએસ અત્યંત વ્યસ્ત રહી. ક્રેકુસા સ્ટ્રીટના હત્યાકાંડ દરમ્યાન એસએસની ધાર્યું પરિણામ લાવવાની તાકાત શિન્ડલરે જોઈ જ હતી. હુમલાની આગોતરી જાણ ભાગ્યે જ કોઈને થતી હતી! અને શુક્રવારે કોઈ છટકી જાય, તો છેવટે શનીવારે તો પકડાઈ જ જતું હતું! જો કે આટલી નાનકડી ઉંમરે પણ સ્વસ્થ રહી શકવા જેટલી બુદ્ધિ, અને તેનાં કપડાંનો લાલ રંગ અંધારામાં ભળી જવાના કારણે, જિનીયા એ અઠવાડિયે તો બચી ગઈ!

એસએસની લશ્કરી કાર્યવાહી દરમ્યાન એ લાલ બાળક જીવી ગયું હશે એવું વિચારવાની હિંમત ઝેબ્લોસીમાં બેઠેલા શિન્ડલરમાં તો ન હતી! પોમોર્સ્કા સ્ટ્રીટના પોલીસ હેડક્વાર્ટર્સમાં બેઠેલા ટોફેલ અને અન્ય ઓળખીતાઓ સાથેની વાતચીત પરથી શિન્ડલરને ખબર પડી, કે વસાહતમાંથી સાત હજાર લોકોનો સફાયો કરી દેવામાં આવ્યો હતો! યહૂદીઓને લગતી બાબતોની ઑફિસના ગેસ્ટાપો અધિકારીઓ આ સફાઈની જાહેરાત કરતાં ખુશ થતા હતા, તો પોમોર્સ્કા સ્ટ્રીટના કારકુનો પણ જૂન મહીનાની આ કાર્યવાહીનો વિજયોત્સવ મનાવી રહ્યા હતા!

ઓસ્કરે હવે વિગતવાર માહિતી એકઠી કરવાનું શરુ કરી દીધું હતું. દાખલા તરીકે, હવે તેને ખબર હતી, કે આ કાર્યવાહી વિલહેમ કુન્દે નામના એક અધિકારીના વહીવટ હેઠળ, અને એસએસના ઓબરસ્ટર્મફ્યૂહરર ઓટ્ટો વોન મેલોક્તેની આગેવાની નીચે કરવામાં આવતી હતી. ઓસ્કર પોતે કોઈ દસ્તાવેજ એકઠા કરતો ન હતો. એ તો ભવિષ્યના એવા દિવસ માટેની તૈયારી કરી રહ્યો હતો, જ્યારે આ સંપૂર્ણ ઘટનાની જાણકારી એ કેનારિસ અને આખાયે વિશ્વ સમક્ષ મૂકવાનો હતો. તેની ધારણા કરતાં એ સમય બહુ વહેલો આવી પહોંચવાનો હતો, પરંતુ આ ક્ષણે તો એણે એવી બધી જ ઘટનાઓની જાણકારી એકઠી કરવાનું શરૂ કરી દીધું હતું, જેને ભુતકાળમાં લશ્કરનું ક્ષણિક ગાંડપણ ગણીને એણે ધ્યાન પર નહોતી લીધી! પોતાના પોલીસ સંપર્કો ઉપરાંત સ્ટર્ન જેવા જાણકાર યહૂદીઓ દ્વારા તેને મહત્ત્વના સમાચારો મળી રહેતા હતા. પોલેન્ડના બીજા વિસ્તારોમાંથી પેનકિવિક્ઝ ફાર્મસી અને પીપલ્સ આર્મિના અનુયાયીઓની મદદ લઈને કેટલાક યહૂદી બુદ્ધિજીવીઓ વસાહતની અંદર આવી રહ્યા હતા. રેડ ક્રોસની સાથે-સાથે યહૂદી સમાજની સ્વયંસેવી સંસ્થા અકિવાના હોલ્ટ્ઝ રેઝિસ્ટન્સ ગ્રૂપને પણ, વસાહતોની અધિકૃત મુલાકાતે જવા માટે જર્મનોએ ખાસ પરવાનગી આપી હતી, પરંતુ સાથે-સાથે આ બધા પર છાની નજર પણ રાખવામાં આવી રહી હતી! અકિવાના હોલ્ટ્ઝ રેઝિસ્ટન્સ ગ્રૂપના નેતા ડોલેક લાઇબેસકાઇન્ડ પણ બધી વસાહતોની મુલાકાતે જતા હોવાના કારણે તેઓ પણ ત્યાંની માહિતી તેઓ લઈ આવતા હતા.

આવી બાતમી યહૂદી મંડળને પહોંચાડવાનો કોઈ અર્થ ન હતો. યહૂદી મંડળ તો એમ જ માનતું હતું, કે છાવણી અંગેની કોઈ જ માહિતી વસાહતીઓ સુધી પહોંચાડવી યોગ્ય ન હતી, કારણ કે આવી વાતો જાણીને લોકો નાહક દુઃખી થાય, શેરીઓમાં તોફાનો ફેલાય, અને એ બધા માટે પણ આખરે એ લોકોને સજા તો મળવાની જ! તેના કરતાં, ભલેને લોકો આવી ભયાનક અફવાઓ સાંભળે! અફવાઓ આત્યંતિક છે કે નહીં, એ પણ ભલે તેઓ જ નક્કી કરે, અને આશાના તાંતણે જીવતા રહે! યહૂદી મંડળને એ જ યોગ્ય લાગતું હતું! ત્યાં સુધી, કે મંડળમાં પ્રતિષ્ઠિત આર્થર રોઝેનવિગનું નેતૃત્વ હતું ત્યારે પણ બધા યહૂદી કાઉન્સેલરોનો આ જ અભિપ્રાય હતો! પરંતુ રોઝેનવિગ તો હવે રહ્યા ન હતા. જર્મન જેવું નામ ધરાવતા હોવાને કારણે સેલ્સમેન ડેવિડ ગતર બહુ જલદી યહૂદી મંડળના પ્રમુખ બની જવાના હતા. ભોજનનું વિતરણ હવે માત્ર એસએસના કેટલાક અધિકારીઓ જ નહીં, પરંતુ ગતર અને નવા કાઉન્સીલરો સાથે મળીને કરી રહ્યા હતા. લશ્કરી બૂટમાં સજ્જ સાઇમક સ્પાઇરા શેરીઓના સ્તરે પોતાનું કામ સંભાળી રહ્યા હતા. આથી વસાહતના લોકોને આખરે ક્યાં ધકેલવામાં આવી રહ્યા છે તેની જાણ કરવામાં યહૂદી મંડળને કોઈ રસ ન હતો. કારણ કે તેઓ તો એમ જ માનતા હતા, કે યહૂદી મંડળના સભ્યોએ પોતે તો ક્યારેય ત્યાં જવું નહીં પડે!

પ્રોકોસીમથી પશુઓના ડબ્બામાં રવાના કરી દીધા પછીના આઠમા દિવસે ક્રેકોવમાં પાછા ફરેલા યુવાન ફાર્માસિસ્ટ બેકનરને લીધે વસાહતમાં સાચી હકીકતની જાણકારી મળવાની શરૂઆત થઈ! ઓસ્કરને પણ ત્યારે જ આ નક્કર માહિતી પહેલી વાર મળી! વસાહતની અંદર એ કેવી રીતે પાછો ફર્યો, અને એસએસ દ્વારા તેને અહીંથી ફરીથી રવાના કરી દેવામાં આવશે એ જાણતો હોવા છતાં પણ, એ યુવાન શા માટે અહીં પાછો ફર્યો હતો એ કોઈ સમજી શકતું ન હતું. તેના કહેવા મુજબ બસ, સત્ય શું છે તે એ પોતે જાણી ચૂક્યો હતો, અને માત્ર એટલા ખાતર જ તે ઘેર પાછો ફર્યો હતો!

લ્વોવ્સ્કાથી શરૂ કરીને છેક શાંતિ ચોકની પાછળની શેરીઓ સુધી એણે બધી જ વાતો ફેલાવી લીધી. અંતિમ ભયને પોતે જોઈને આવ્યો હોવાની વાત એણે બધા સુધી પહોંચાડી દીધી.

તેની આંખો પહોળી થઈ ગઈ હતી. આટલા દિવસોની રઝળપાટમાં તેના વાળ પણ ધોળા થઈ ગયા હતા. એણે બધાને જણાવ્યું, કે જુનની શરૂઆતમાં પકડી લેવાયેલા બધા જ ક્રેકોવવાસીઓને બેલઝેકના કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. ટ્રેઇન બેલઝેકના સ્ટેશને પહોંચી કે તરત જ યુક્રેનના સૈનિકો દંડાના જોરે તેમને હાંકીને લઈ ગયા હતા. ચારે બાજુ બહુ જ ભયાનક વાસ આવી રહી હતી, પરંતુ એસએસનો એક માણસ વિવેકપૂર્ણ ભાષામાં લોકોને સમજાવતો હતો, કે એ વાસ તો જંતુનાશક છાંટવાને કારણે આવી રહી હતી. બે મોટા વેરહાઉસની સામે લોકોને કતારબંધ ઊભા રાખી દેવામાં આવ્યા હતા. એક વેરહાઉસ ઉપર ‘ક્લોક રૂમ’ અને બીજા પર ‘કિંમતી સામાન’ લખ્યું હતું. નવા આવેલા લોકોના કપડાં કઢાવી નંખાતાં હતાં. એક નાનકડો યહૂદી છોકરો દોરીનો એક-એક ટૂકડો બધાંને આપી ગયો જેના વડે બધાએ પોતપોતાનાં જોડાં બાંધી દેવાનાં હતાં. બધાંના ચશ્માં અને વીંટીઓ પણ કઢાવી નાખવામાં આવ્યાં હતાં. નગ્ન અવસ્થામાં બધા જ બંદીઓએ એક સલૂનમાં પોતાના વાળ કપાવવાના હતા. એસએસનો એક અધિકારી બધાને કહેતો હતો, કે તેમના વાળ યુ-બોટ ચાલકની જેમ ખાસ કટમાં કાપવાના હતા. વાળ તો થોડા દિવસમાં ફરીથી ઊગી જશે એવું કહીને, જર્મનોને યહૂદીઓની જરૂરિયાત હોવાનો ભ્રમ એણે પણ ચાલુ રાખ્યો હતો. છેવટે ભોગ બનેલા બધા લોકોને, બંને બાજુએ કાંટાળા તાર બાંધેલા રસ્તા પર થઈને, તાંબાના ડેવિડના તારાના ચિહ્નની બાજુમાં ‘સ્નાન અને શ્વાસ કેન્દ્ર’નું પાટિયું લગાડેલાં બંકરોની અંદર દાખલ કરવામાં આવ્યા. એસએસનો માણસ આખા રસ્તે તેમને ઊંડા શ્વાસ લેવાની સલાહ આપતો રહેતો હતો, જેથી બરાબર જંતુમુક્ત થઈ જવાય.

એ ઘડીએ, એક નાનકડી છોકરીના હાથમાંથી બાવડા પર પહેરવાનું બાજુબંધ નીચે પડી ગયું એ બેકનર જોઈ ગયો હતો. એણે એ પણ જોયું, કે ત્રણેક વર્ષનો એક છોકરો એ બાજુબંધ લઈને રમતો-રમતો બંકરમાં પહોંચી ગયો હતો. બેકનરે બધાને કહી દીધું, કે બંકરની અંદર ગયેલા બધા જ લોકોને ગેસ વડે ગુંગળાવીને મારી નાખવામાં આવ્યા હતા! લાશોના પીરામીડ જેવા મોટા ઢગલામાંથી લાશોને છૂટી પાડીને સળગાવવા લઈ જવા માટે સૈનિકોની ટૂકડીઓને મોકલવામાં આવી હતી. ત્યાં એકઠા કરવામાં આવેલા બધા જ યહૂદીઓ બે દિવસમાં ખતમ થઈ ચૂક્યા હતા. બંધ પિંજરાની અંદર પોતાનો વારો આવવાની રાહ જોઈને બેઠેલો બેકનર કોઈક રીતે ટોઈલેટ સુધી પહોંચીને શૌચાલયના ખાડામાં ઊતરી ગયો હતો. ડોક સુધી આવી જતા એ માનવીય કચરાની અંદર એ ત્રણ દિવસ સુધી પડ્યો રહ્યો હતો. તેના મોં પર તો માખીઓએ ઘર બનાવી લીધું હતું!

મળની સાથે તણાઈ ન જવાય એ માટે એણે ઊંઘ પણ દિવાલમાં પડેલા એક બાંકોરામાં ફસાઈને ઊભાં-ઊભાં જ લીધી હતી. છેવટે રાતના સમયે ઘસડાતો-ઘસડાતો એ બહાર નીકળી ગયો હતો.

કોઈક રીતે બેલઝેકની બહાર નીકળીને, એ રેલવેના પાટે-પાટે ચાલવા લાગ્યો. બહારના દરેકને એ ખાતરી થઈ ગઈ હતી કે પાગલ થઈ જવાને કારણે જ એ બહાર આવી શક્યો હતો! વળતી વેળાએ રસ્તામાં એક ગામડામાં, એક સ્ત્રીએ તેના આખા શરીરને સાફ કરી આપ્યું હતું, અને કદાચ એ સ્ત્રીએ જ તેને નવાં કપડાં પણ પહેરાવ્યાં હશે!

આ વાત સાંભળવા છતાંયે ક્રેકોવના કેટલાક લોકો હજુ પણ બેકનરની વાતને એક ડરામણી અફવા જ માનતા હતા!

લોકો કહેતા હતા, કે ઓસ્ટવિટ્ઝની છાવણીમાં કેદ લોકોએ તો ક્રેકોવની વસાહતમાં રહેતા તેમના સંબંધીઓ પર પોસ્ટકાર્ડ પણ લખ્યાં હતાં! એટલે બેલઝેકમાં જો આવું કંઈ બન્યું હોય, તો ઓસ્ટવિટ્ઝમાં પણ એમ જ બનશે એવું થોડું હોય? અને બેકનર પર આખરે કેટલો ભરોસો મૂકી શકાય? પોતાની બુદ્ધિ વાપરીને કંઈક વિચારવાના ગણ્યા-ગાંઠ્યા મોકાઓ જ મળતાં હોય, ત્યારે વસાહતમાં લોકો પોતાને જેના પર ભરોસો પડે તેનો જ આધાર લેવા પ્રેરાતા હતા. શિન્ડલરે પોતાના સંપર્કો દ્વારા શોધી કાઢ્યું હતું, કે બેલઝેકની ચેમ્બરો તો ઓરેનાઇનબર્ગથી આવેલા હેમબર્ગ એન્જિનિયરિંગ ફર્મ અને એસએસના ઇજનેરોના સંયુક્ત નિરીક્ષણ હેઠળ એ વર્ષના માર્ચ મહિનામાં જ સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ હતી! બેકનરની સાહેદી પરથી લાગતું હતું, કે દરરોજ ત્રણ હજાર લોકોની હત્યા કરવાની વાત, એ સ્થળની ક્ષમતા જોતાં જરા પણ વધારે પડતી ન હતી!

મૃતદેહોના નિકાલ કરવાની બહુ જૂની પદ્ધતિઓને કારણે, રખેને યહૂદીઓનું નિકંદન કાઢી નાખવાની આ નવી પદ્ધતિ પર ક્યાંક પ્રતિબંધ લગાડી દેવામાં આવે, એ ડરે સ્મશાનગૃહોનું બાંધકામ પુરજોશ ચાલતું હતું. બેલઝેકમાં કામ કરતી કંપનીએ આ જ પ્રકારનાં બાંધકામ સોબીબોર અને લ્યૂબિન પ્રાંતમાં પણ કર્યાં હતાં. વૉરસો નજીક ટ્રેબલિંકા ખાતે પણ આવા જ બાંધકામ માટે લિલામી થઈ ચૂકી હતી અને બાંધકામ બહુ આગળના તબક્કા સુધી પહોંચી ગયું હતું. બર્કિનાઉથી થોડા કિલોમિટરના જ અંતરે મુખ્યત્વે ઓસ્ટવિટ્ઝમાં અને બીજી એક વિશાળ છાવણીમાં ગેસ ચેમ્બરો અને ભઠ્ઠીઓ કાર્યરત થઈ ચૂકી હતી. ક્રાંતિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો, કે ઓસ્ટવિટ્ઝની ક્ષમતા દરરોજના દસ હજારથી વધારે લોકોને મારી શકે એટલી હતી. એ સિવાય, લોડ્ઝ વિસ્તાર માટે ‘ચેલનો’ નામના ગામડામાં આધુનિક ટેકનોલોજી ધરાવતી છાવણીઓ બનાવવામાં આવી હતી. આજે એ બધા સ્થળો વિશે લખતી વેળાએ, કોઈક જાણીતા ઐતિહાસિક સ્થળો વીશે હોય એટલી જાણકારી ઉપલબ્ધ છે, પરંતુ ૧૯૪૨ના જુન મહિનામાં આવા સ્થળોને શોધી-શોધી, તેના વિષે સંપૂર્ણ જાણકારી મેળવીને છેવટે તો ઊંડો આઘાત જ ખમવાનો થતો હતો! માનવજાતે શોધી કાઢેલી નક્કર યોજનાઓ અને શક્યતાઓથી છલકાતા મગજના હિસ્સા, માનવજાત વિશે આ પ્રકારની જાણકારી મળતાં હચમચી જવાના હતા!

એ ઉનાળે ઓસ્કર અને ક્રેકોવના અન્ય વસાહતીઓ સહિત આખા યુરોપના લાખો લોકો, બેલઝેક અને પોલેન્ડના જંગલોમાં બાંધવામાં આવેલા કેદખાનાઓની યોજનાઓની આ જાણકારી માંડ-માંડ પોતાના મગજમાં ઊતારી શક્યા હતા. એ ઉનાળે ‘રેકોર્ડ’ કંપનીની નાદાર મિલકતને સમેટીને પોલિશ કોમર્શિયલ કોર્ટની જોગવાઈ મુજબ એ મિલકતની માલિકી ઔપચારિક લિલામી હેઠળ શિન્ડલરે મેળવી લીધી હતી. જો કે ત્યાં સુધીમાં જર્મન આર્મિ રશિયાની ડોન નદી સુધી પહોંચી ગઈ હતી અને કોકેસસના ઓઇલના મેદાનો તરફ આગળ વધી રહી હતી, પરંતુ કોકેસસની શેરીઓમાં જે બન્યું હતું તેના આધારે ઓસ્કરને લાગ્યું હતું, કે આખરે જર્મનો સફળ થઈ શકે તેમ હતું જ નહીં! એટલે તેને લાગ્યું, કે લિપોવા સ્ટ્રીટ ખાતેની ફેક્ટરી પર પોતાની માલીકીને એક હદ સુધી કાયદેસર કરવા માટે આ સારી તક હતી. હજુ પણ તેને એવી બાલિશ આશા હતી, કે દુષ્ટ જર્મન શાસકની હાર થયા પછી પોતાની ફેક્ટરીની કાયદેસરતાને કોઈ આંચ નહીં આવે, અને આવી રહેલા નવા યુગમાં ઝ્વિતાઉની અંદર પોતે હેન્સ શિન્ડલરના સફળ પુત્ર તરીકે ઓળખાશે! પરંતુ ઇતિહાસમાં તેના આશાવાદની કોઈ જ નોંધ લેવાવાની ન હતી! બોક્સ ફેક્ટરીના જેરેથ, ઓસ્કરની ફેક્ટરીની પાછળ આવેલી પડતર જમીન પર આશરો લેવા જેવું કાચું મકાન બાંધવાનો સતત આગ્રહ કરી રહ્યા હતા. ઓસ્કરે અધિકારીઓ પાસેથી તેના માટે જરૂરી પરવાનગી મેળવી લીધી. એ પરવાનગી મેળવવા માટે, રાતપાળીના કામદારો માટે આરામની જગ્યાની જરૂર હોવાનું બહાનું એણે આગળ ધર્યું હતું. મકાન બાંધવાની સામગ્રીની વ્યવસ્થા તેની પાસે હતી જ, જેરેથે પોતે જ માલસામનની સગવડ કરી આપી હતી. મકાન બંધાઈ ગયા પછી પાનખરમાં તેમને એ જગ્યા બહુ સાંકડી અને અગવડભરી લાગી હતી. મકાનમાં વપરાયેલું લાકડું કરંડિયાની સળીઓ જેવું લીલું હતું જે સુકાઈ ગયા પછી સંકોચાઈ જતું હોવાથી, બહાર વરસતો બરફ અંદર આવી જવાનો ડર લાગતો હતો. પરંતુ ઓક્ટોબરમાં ચાલેલી લશ્કરી કાર્યવાહી દરમ્યાન, જેરેથ અને તેની પત્ની, બોક્ષ ફેક્ટરી, રેડિયેટર વર્ક્સ અને ઓસ્કરની રાતપાળીના કામદારો માટે એ જગ્યા સ્વર્ગ સમાન સાબીત થઈ.

રાતપાળીના કર્મચારીઓને લઈને પોજોર્ઝ પાસેથી પસાર થતા એસએસના સૈનિકો, તેમના યુક્રેનિયન સહાયકો, બ્લૂ પોલીસ તથા યહૂદી પોલીસની સાથે વાતચીત કરવા માટે લશ્કરી કાર્યવાહીના સમયે વરસતા બરફમાં પણ પોતાની ઑફિસમાંથી નીચે રસ્તા પર આવી જતો ઓસ્કર શિન્ડલર; પોતાની ઑફિસમાં કોફી પીતાં-પીતાં, રાતપાળીના માણસો દિવસ દરમ્યાન લિપોવા સ્ટ્રીટ ખાતે ફેક્ટરીમાં જ રહી શકે તે માટે વસાહતની નજીક આવેલી સાર્જન્ટ બોસ્કોની ઑફિસમાં ફોન કરીને ખોટાં-ખોટાં કારણો જણાવી દેતો ઓસ્કર શિન્ડલર; સાવચેતીભરી ધંધાદારી લેવડદેવડની હદ વળોટી દઈને ઓસ્કર શિન્ડલરે હવે પોતાની જાતને જોખમમાં મૂકી દીધી હતી! આ અગાઉ બે વખત જે લોકોએ ઓસ્કરને જેલમાંથી છોડાવ્યો હતો, એ વગદાર માણસોના જન્મદિવસે ઓસ્કર ઉદારતાપૂર્વક ભેટો મોકલતો રહે તો પણ, એ લોકો હંમેશા તેની મદદ કરી શકે તેમ ન હતા! તેમાંના કેટલાક વગદાર માણસોને પણ આ વર્ષે ઓસ્વિટ્ઝની છાવણીમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આજે પરિસ્થિતિ સાવ એવી થઈ ચૂકી હતી, કે એ વગદાર લોકો ઓસ્વિટ્ઝમાં મૃત્યુ પામે તો પણ, કમાન્ડન્ટ તરફથી તેમની વિધવા સ્ત્રીઓને એક ટૂંકો તાર કરીને શુષ્ક ભાષામાં માત્ર એટલું જ લખી મોકલવામાં આવે, કે “તમારા પતિ ઓસ્ટવિટ્ઝના કોન્સન્ટ્રેશન કેમ્પ ખાતે મૃત્યુ પામ્યા છે.”

બોસ્કો ઓસ્કર કરતાં લાંબો અને દૂબળો હતો. કર્કશ અવાજવાળો બોસ્કો પણ ઓસ્કરની માફક સ્યૂટન જ હતો. ઓસ્કરની માફક તેનું કુટુંબ પણ રૂઢીચુસ્ત અને જૂના જર્મન મૂલ્યોમાં માનવાવાળું હતું. હિટલરના ઉદયકાળ દરમ્યાન, થોડા સમય માટે તેણે પણ બૃહદ જર્મન સમાજની કલ્પના કરી હતી; બીથોવનને નેપોલિઅનના બૃહદ યુરોપાની કલ્પના માટે કુણી લાગણી હતી એ જ રીતે! વિયેનામાં થિયોલોજીના અભ્યાસ દરમ્યાન, જર્મન રાષ્ટ્રના ફરજિયાત લશ્કરી ભરતીના વિકલ્પ તરીકે, અને થોડુંક કંઈક અદૄશ્ય આકર્ષણથી ખેંચાઈને એ એસએસમાં જોડાયો હતો. એ આકર્ષણ બદલ આજે એ પસ્તાઈ રહ્યો હતો અને ઓસ્કરની જાણમાં હતું તેના કરતાં પણ એ વધારે પશ્ચાતાપ કરી રહ્યો હતો! ઓસ્કરને તો હાલ માત્ર એટલી જ જાણકારી હતી, કે બોસ્કો કોઈ પણ રીતે લશ્કરી કાર્યવાહીને નબળી પાડવામાં હંમેશા ખુશ થતો હતો. વસાહતની સીમા બોસ્કોની જવાબદારી હતી, અને વસાહતની અંદર ચાલતી કાર્યવાહીને, વસાહતની દિવાલની બહાર પોતાની ઑફિસમાં બેઠાં-બેઠાં ભયભીત થઈને એ જોઈ રહેતો હતો, કારણ કે ઓસ્કરની માફક એ પણ પોતાને આ આતંકનો સાક્ષી માનતો હતો.

ઓસ્કરને એ જાણ ન હતી, કે ઓક્ટોબરની લશ્કરી કાર્યવાહી દરમ્યાન બોસ્કોએ કેટલાંયે બાળકોને પૂંઠાનાં ખોખાંમાં ભરીને ચોરીછૂપીથી વસાહતની બહાર મોકલી આપ્યાં હતાં. ઓસ્કરને એ પણ ખબર નહોતી, કે સાર્જન્ટ બોસ્કો, યહૂદી સંગઠનના ભૂગર્ભ કાર્યકરોને વસાહતમાં આવ-જા કરવા માટેની પરવાનગીના દસ-દસ પાસ એક સાથે પહોંચાડતો હતો. યહૂદી સંઘર્ષ સમિતિ (ઝોબ) ક્રેકોવમાં બહુ મજબૂત હતી. તેના મોટાભાગના સભ્યો યુવા સંગઠનના, અને ખાસ કરીને ‘મિશ્ના’ નામના યહૂદી ધર્મગ્રંથના વિદ્વાન અને સુપ્રસિદ્ધ રાબી એવા અકિવા બેન જોસેફના નામે ચાલતા મંડળ અકિવાના અનુયાયીઓ  હતા. પતિ-પત્ની શિમોન અને ગુસ્તા ડ્રેન્ગર, અને ડોલેક લાઇબેસકાઇન્ડ દ્વારા આ સંસ્થા ચલાવવામાં આવતી હતી. ડ્રેન્ગર દંપતિની ડાયરી તો આગળ જતાં, સંઘર્ષના આ સમયના એક ઉત્તમ દસ્તાવેજ રૂપે બહાર આવવાની હતી. નવા સભ્યોની ભરતી માટે અને રોકડ રકમ, બનાવટી દસ્તાવેજો અને ભૂગર્ભ સમાચારપત્રની નકલોની હેરફેર માટે સંસ્થાના સભ્યો છૂટથી વસાહતની અંદર-બહાર આવ-જા કરી શકે એ જરૂરી હતું. ક્રેકોવની આસપાસના જંગલોમાં સ્થિત ડાબેરી પોલિશ આર્મિ સાથે તેમના સંપર્કો હતા, અને બોસ્કો પાસેથી મળી રહેલા પરવાનગીપત્રોની એમને પણ જરૂર હતી.

આમ ઝોબ અને પીપલ્સ આર્મિ સાથેના બોસ્કોના સંબંધો તેને ફાંસીએ ચડાવી દેવા માટે પૂરતા હતા; તે છતાં જર્મનો વિરુદ્ધ તેના મનમાં એટલી બધી નફરત ભરેલી હતી, કે જાણ્યે-અજાણ્યે મૃત્યુના ડરની પણ અવજ્ઞા કરીને પણ, વધારેને વધારે લોકોને બચાવી લેવા માટે કાયદાની સતત અવગણના કરતો રહેતો હતો. બોસ્કો તો બધા જ લોકોને બચાવી લેવા ઇચ્છતો હતો, અને એ માટે પોતાનો જાન પણ જોખમમાં મૂકી રહ્યો હતો! લાલ જિનીયાની પિતરાઈ બહેન ડેન્કા ડ્રેસનર ચૌદ વર્ષની હતી, અને અત્યાર સુધીમાં બાળસહજ સમજણ કેળવી ચૂકી હતી. તેથી જ તો, શાંતિ ચોકની કતારોથી દૂર અને પ્રમાણમાં સુરક્ષિત એવી એક જગ્યાએ એ પહોંચી ગઈ હતી. આ અગાઉ એ લ્યૂફ્તવેફ બેઝ પર સફાઈ કામદાર તરીકે કામ કરી ચૂકી હતી, પરંતુ એક શક્યતા એવી હતી, કે આવતી પાનખર સુધીમાં પંદરથી ઓછી અને ચાલીસથી વધારે વયની બધી જ સ્ત્રીઓ કોઈને કોઈ રીતે છાવણીમાં પહોંચી જાય! આથી એસએસના કમાન્ડોની ટૂકડી અને સુરક્ષા દળો સવાર-સવારમાં લ્વોવ્સ્કા સ્ટ્રીટમાં ઘૂસી આવ્યાં ત્યારે શ્રીમતી ડ્રેસનર ડેન્કાને લઈને એક ડેબ્રોવ્સ્કીમાં પડોશીને ઘેર પહોંચી ગયાં. આ પડોશીએ ઘરમાં છૂપાઈ શકાય તેવી બનાવટી ભીંતની સગવડ ઊભી કરી હતી. પાંત્રીસેક વર્ષની એ પડોશી સ્ત્રી વેવેલ નજીક આવેલા ગેસ્ટાપોના ભોજનગૃહમાં કામ કરતી હતી, એટલે ડ્રેસનરને તેમની પાસેથી કંઈક દયાભાવની અપેક્ષા હતી. પરંતુ એ પડોશી સ્ત્રીના ઘરમાં તેની સાથે તેનાં વૃદ્ધ માતા-પિતા પણ રહેતાં હતાં. માતા-પિતાને ઘરમાં છૂપાવવાને કારણે તેમના પરનું જોખમ આપોઆપ વધી ગયું હતું!

એટલે માતા-પિતાને છૂપાવા માટે સાઠ સેન્ટીમિટર જેટલી જગ્યા રાખીને તેણે આગળ નવી દિવાલ ચણી લીધી હતી. આ કામ બહુ મોંઘુ હતું, કારણ કે નકામાં કપડાં, લાકડાં, જંતુનાશકો, વગેરે જેવા સામાનની વચ્ચે ઈંટોને સંતાડીને ચોરીછૂપીથી વસાહતની અંદર લાવવી પડતી હતી.

ઈંટોથી બનાવેલી એ છૂપી જગ્યા એમને ઘણી મોંઘી પડી હશે, કદાચ ૫૦૦૦ ઝ્લોટી, કે પછી ૧૦૦૦૦ પણ થયા હોય! શ્રીમતી ડ્રેસનર પાસે એમણે ઘણી વખત આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. લશ્કરી કાર્યવાહી થાય એ સમયે ડેન્કાને લઈને પોતાને ઘેર આવી જવા માટે ભૂતકાળમાં શ્રીમતી ડ્રેસનરને એમણે જ ઘણી વખત કહ્યું હતું. આથી, એ દિવસે સવારના પહોરમાં, ડેબ્રોવ્સ્કી સ્ટ્રીટના નાકે ડાલ્મેશિયન્સ અને ડોબરમેન કુતરાંના ભસવાના, અને મેગાફોનમાંથી આવી રહેલા સૈનિકોનો ઘોંઘાટ સાંભળાતાં જ ડેન્કા અને શ્રીમતી ડ્રેસનર તેમની સખીને ઘેર જવા ઉતાવળે નીકળી ગયાં.

દાદર ચડીને ઉપર જઈને એમણે જોયું, કે ત્યાં તેમને છૂપાવા માટે પૂરતી જગ્યા હતી! પરંતુ શ્રીમતી ડ્રેસનર તેમની સખીના ચહેરા પરના ભાવો વાંચી શકતાં હતાં. “તમે અહીં આવીને રહેશો તો… મને લાગે છે કે અમને તકલીફ પડશે.” એમણે ડ્રેસનરને કહ્યું. “મારાં માતા-પિતા તો પહેલેથી છે જ અહીં. તમે કહો તો… આ છોકરીને હું અંદર છુપાવી દઉં, પરંતુ તમને નહીં…”

શ્રીમતી ડેન્કા સામેની બનાવટી દિવાલને અને તેના પર લગાડેલા ડાઘાવાળા વોલપેપરને ટગર-ટગર જોઈ રહ્યાં. અંધારાને કારણે તેને એવું લાગ્યું, કે ઊંદરો કરડવાની બીકે સખીના માતા-પિતા આમ સંકડાશથી એ સાંકડી જગ્યાએ બેઠા હશે.

પરંતુ પછી શ્રીમતી ડ્રેસનરને લાગ્યું કે તેમની સખી સાચું નહોતી બોલતી. એ સતત કહ્યે રાખતી હતી, કે નાની છોકરી સમાઈ જશે, તમે નહીં! પરંતુ અંદરખાને કદાચ તેને એમ લાગી રહ્યું હશે, કે ભૂલેચૂકે પણ એસએસના માણસો જો દિવાલ તોડી પાડે, તો નાનકડી ડેન્કાને જોઈને તેમને કદાચ દયા આવી પણ જાય, અને તેને કારણે તેનાં માતા-પિતા પણ કદાચ બચી જાય! શ્રીમતી ડ્રેસનરે ખુલાસો કરતાં પોતે બહુ જાડા ન હોવાનું, અને જર્મનોની કાર્યવાહી લ્વોવ્સ્કા સ્ટ્રીટના આ વિસ્તારમાં જ કેન્દ્રિત થઈ રહી હોવાથી પોતાની પાસે જવા માટે અન્ય કોઈ જ સ્થળ ન હોવાની આજીજી પણ સખી પાસે કરી જોઈ! “અરે! આટલી જગ્યામાં તો હું જરૂરથી સમાઈ જઈશ… આમ તો ડેન્કા બહુ ડાહી છોકરી છે, પરંતુ હું એની મા તેની સાથે હોઉં તો તેને ડર નહીં લાગે…” નજરે જોતાં પણ એ સમજાય એમ હતું કે સામાસામે બેસવાથી ચાર વ્યક્તિ તો એ ખાંચામાં જરૂર સમાઈ જાય તેમ હતું. પરંતુ માત્ર બે જ બ્લોક છેટેથી આવી રહેલા ગોળીબારના અવાજો વચ્ચે એમની છેલ્લી વાતો તણાઈ જ ગઈ. “અહીં માત્ર છોકરીની જગ્યા જ થશે!” એ સ્ત્રીએ ચીસ નાખીને કહ્યું. “હું તમને કહું છું, કે તમે ચાલ્યા જાઓ!”

શ્રીમતી ડ્રેસનર ડેન્કા તરફ ફર્યા અને એને દિવાલની અંદર ચાલ્યા જવા માટે કહ્યું. ડેન્કા ભવિષ્યમાં પણ સમજી શકવાની ન હતી, કે એણે શા માટે માની એ વાત માની લીધી હતી! છુપાવા માટે એ અંદર ચાલી ગઈ. પેલી સ્ત્રી ડેન્કાને માળીયા સુધી લઈ ગઈ, નીચેથી એક ધાબળો લીધો, અને જમીન પરનું એક લાકડું ખેંચ્યું. ડેન્કા છુપાવાની જગ્યાએ ચાલી ગઈ. અંદર સાવ અંધારું ન હતું. પેલી સ્ત્રીનાં માતા-પિતાએ ત્યાં એક મીણબત્તી સળગાવી રાખી હતી. ડેન્કા એ સ્ત્રીની બાજુમાં જઈને ઊભી રહી ગઈ. એ સ્ત્રી ભલે ડેન્કાની માતા ન હતી, પરંતુ પરસેવા સિવાય પણ એ સ્ત્રીના શરીરમાંથી આવી રહેલી, એક માતાના શરીરની ઓથની સુગંધને ડેન્કા અનુભવી રહી. એ સ્ત્રી ઘડીભર ડેન્કા સામે હસી રહી. તેનો પતિ આંખ બંધ કરીને, બહારથી આવતા અવાજોને સાંભળવામાં ચૂક ન થઈ જાય એ રીતે સામેની બાજુએ ઊભો હતો.

થોડી વાર પછી એ સ્ત્રીએ બેસી જવા માટે કહ્યું. ડેન્કા પગ વાળીને ભાંખોડિયાભેર બેઠી, અને પોતાને અનુકુળ આવે એ રીતે ખાંચામાં ગોઠવાઈ ગઈ. ઉંદરોએ તેને પરેશાન ન કરી. પોતાની માતાનો કે તેની સખીનો એક પણ શબ્દ દિવાલ પાર કરીને આવતો એને સંભળાયો નહીં! અને બધી જ વિટંબણાઓથી પર, એક અણધારી સુરક્ષા એ અનુભવી રહી! સુરક્ષાની ભાવનાની સાથે જ, માતાના હુકમને ચૂપચાપ માની લેવા બદલ એને પોતાની જાત પ્રત્યે અણગમો પણ થઈ આવ્યો. સાથોસાથ એને માતાના વિચારે ડર પણ લાગવા માંડ્યો. બહારની દુનિયામાં ચાલતી જર્મનોની આતંકી કાર્યવાહી વચ્ચે તેની માતા હવે સાવ અટૂલી પડી ગઈ હતી!

શ્રીમતી ડ્રેસનર એકદમ તો ઘરની બહાર નીકળી ન ગયાં. એસએસના સૈનિકો અત્યારે ડેબ્રોવ્સ્કી સ્ટ્રીટમાં હતા. તેમને લાગ્યું કે હાલ પૂરતું તો પોતે એ ઘરમાં રહી શકશે. સૈનિકો જો તેમને આ ઘરમાંથી ઝડપી પાડે, તો તેમની સખીને કદાચ જરૂર ફાયદો થઈ જાય! સખીના ઘરમાંથી સૈનિકોને એકાદ સ્ત્રી પણ મળી જાય તો એમને કામ કર્યાનો સંતોષ થઈ જાય, અને પેલી બનાવટી દિવાલ પર તાજા જ ચોંટાડેલા વોલપેપરની હાલત અંગે વધારે ઊંડી તપાસ કરવાનું કદાચ એ લોકો માંડી વાળે!

પરંતુ તેમની સખીને એમ લાગતું હતું, કે શ્રીમતી ડ્રેસનર જો ઘરમાં જ રહેશે તો જર્મનો કોઈને નહીં છોડે! અને સામે શ્રીમતી ડ્રેસનરને એમ લાગ્યું, કે એ સ્ત્રી જો આમ જીદ કરશે, તો ખરેખર કોઈ નહીં બચે. એટલે નિરાશ થઈને તેઓ શાંતિથી ઊભાં થઈ ગયાં અને સખીના દરવાજામાંથી બહાર નીકળ્યાં. તેમને એમ હતું, કે બહારની પરસાળમાં કે પછી પગથિયાં પર જરૂર તેમને સૈનિકો મળી જશે. પરંતુ શેરીમાં સૈનિકો કેમ ન હતા? એમને આશ્ચર્ય થયું! આમ તો અહીં એક વણલખ્યો નિયમ બની ગયો હતો, કે પગથિયાં પરથી કોઈ વ્યક્તિને કાયદાનો ભંગ કરવા બદલ પકડીને લઈ ગયાની ખબર ન મળે, ત્યાં સુધી વસાહતીઓ પોતાના ઘરની અંદર ડરના માર્યા ધ્રૂજતા બેઠા જ રહેતા!

પરંતુ તેઓ પરસાળમાં થઈને ઘરની બહાર નીકળે એ પહેલાં જ, પોલીસની ટોપી પહેરેલા યહૂદી પોલીસના એક માણસે એમને રોક્યાં. છેક નીચેના પગથિયે ઊભેલો એ માણસ, મેદાનમાંથી અંધારી પરસાળમાં પડી રહેલા ભૂરા અજવાળા તરફ ત્રાંસી આંખે જોઈ રહ્યો. બંને એકબીજાને ઓળખી ગયાં. એ માણસ શ્રીમતી ડ્રેસનરના મોટા પુત્રનો પરિચિત હતો, પરંતુ આવા સંજોગોમાં એટલા ઓછા પરિચયનો કોઈ અર્થ ન જ હોય તેની તેમને ખાતરી હતી. યહૂદી પોલીસના યુવાનો પર જર્મનો કેટલું દબાણ કરતા હશે, એ કોઈ કહી શકાતું ન હતું! એ માણસ પરસાળમાં શ્રીમતી ડ્રેસનરની સાવ નજીક આવી ગયો. “શ્રીમતી ડ્રેસનર,” એણે કહ્યું. તેણે પગથિયાં તરફ આંગળી ચીંધી. “દસેક મિનિટમાં એ લોકો જતા રહેશે. તમે પગથિયા નીચે જતાં રહો, જાઓ, પગથિયા નીચે જતાં રહો…”

જે ભાવશૂન્યતાથી એમની પુત્રીએ એમનો હુકમ માની લીધેલો, એ જ ભાવશૂન્યતા સાથે એમણે એ યહૂદી પોલીસ યુવાનનો હુકમ માની લીધો, અને નીચા નમીને પગથિયાં નીચે ઘૂસી ગયાં. ફળિયામાંથી આવી રહેલો પાનખરનો આછો પ્રકાશ એમની હાજરી છતી કરી દે તેમ હતો. સૈનિકો ફળિયા તરફ કે પરસાળના છેડે નજર કરે તો ચોક્કસ એમને જોઈ શકે તેમ હતા. ઊભા રહેવાથી કે ટૂંટીયું વાળીને બેસવાથી કોઈ ફર્ક પડવાનો ન હતો, એટલે તેઓ ઊભાં જ રહ્યાં. મુખ્ય દરવાજે ઊભેલા પેલા યહૂદી પોલીસે એમને ત્યાં જ રહેવાની વિનંતી કરી. પછી એ ત્યાંથી ચાલ્યો ગયો. બહારથી આવી રહેલી ચીસો, હુકમો અને આજીજીઓને શ્રીમતી ડ્રેસનર દાદર નીચેથી સાંભળી રહ્યાં હતાં. સૈનિકો જાણે નજીકના દરવાજા પાસે જ આવી ગયા હોય એવું એમને લાગ્યું.

આખરે એ યુવાન બીજા સૈનિકો સાથે પાછો આવ્યો. મુખ્ય દરવાજે બૂટનો અવાજ સંભળાયો. યહૂદી યુવાન સૈનિકોને કહી રહ્યો હતો, કે ભોંયતળિયે એણે તપાસ કરી લીધી હતી અને ઘરમાં કોઈ દેખાયું ન હતું; હા, ઉપરના માળે કમરાઓમાં કેટલાક લોકો છે ખરા! જો કે એસએસના સૈનિકો સાથેની એની વાતચીત એટલી તો શુષ્ક હતી, કે એ યુવાન જે જોખમ લઈ રહ્યો હતો એ સફળ થશે એવું શ્રીમતી ડ્રેસનરને ન લાગ્યું! લ્વોવ્સ્કા સ્ટ્રીટમાં અને ડેબ્રોવ્સ્કી સુધી તપાસ કરી લીધા પછી એ સૈનિકોમાં આ મકાનનું ભોંયતળીયું તપાસવાના હોશ નહીં રહ્યા હોય, અને તેઓ શ્રીમતી ડ્રેસનરને શોધી પણ નહીં શકે એવું માનીને એ યુવાન, પોતે જેને ઓળખતો પણ નહતો એવી એક સ્ત્રી માટે પોતાનું અસ્તિત્વ હોડમાં મૂકી રહ્યો હતો!

પરંતુ છેવટે સૈનિકો એ યુવાનની વાત માની ગયા. શ્રીમતી ડ્રેસનરે દાદર ચડતા સૈનિકોનો અવાજ સાંભળ્યો. દરવાજો ઊઘડ્યો અને ધડામ દઈને બંધ થયો. ઉપરના માળે જ્યાં ડેન્કા સહિત બધા સંતાયા હતા એ કમરાની ફરસ પર બૂટ ઘસાવાનો અવાજ તેમને સંભળાયો. તેમની સખીનો મોટો અને કર્કશ અવાજ પણ સંભળાયો… “હા, હા… મારી પાસે અહીં રહેવાની પરવાનગી છે, હું ગેસ્ટાપોના ભોજનાલયમાં કામ કરું છું, હું બધા અધિકારીઓને ઓળખું છું…” બીજા માળેથી કોઈની સાથે એ સ્ત્રી નીચે આવી રહી હોય એવું લાગ્યું; એક કરતાં વધારે માણસો હોય એમ લાગતું હતું. એક દંપતિ… કદાચ એક આખું કુટુંબ… મારે બદલે એ લોકો પકડાઈ ગયાં હતાં!” પાછળથી તેમને આ વિચાર આવવાનો હતો! દમની અસરવાળો એક મધ્યવયનો પુરુષ કરગરતો હતો, “અરે ભાઈ, અમે થોડાંક કપડાં તો સાથે લઈ શકીએને!” અને રેલવે સ્ટેશને પુછપરછની બારીએ સાંભળવા મળે એવો ઉદાસીન જવાબ એસએસના માણસે પોલિશ ભાષામાં આપ્યો, “એની કોઈ જરૂર નથી. ત્યાં તમને બધું જ આપવામાં આવશે.”

અવાજ ધીમો પડતો ગયો. શ્રીમતી ડ્રેસનર રાહ જોઈને ઊભાં જ રહ્યાં. ફરી કોઈ દરોડો ન પડ્યો. બીજો દરોડો આવતી કાલે, અથવા એ પછીના દિવસે પડશે! હવે જરૂર તેઓ ફરી-ફરીને આવવાના, અને વસાહતમાંથી બધાને લઈ જશે! જુન મહિનામાં જે ઘટના આતંકની ચરમસીમા લાગી હતી, ઓક્ટોબરમાં તો એ રોજિંદી ઘટમાળ બની ગઈ હતી! ભલું થજો એ યુવાન યહૂદી પોલિસનું! ડેન્કાને પાછી લેવા માટે ઉપર જતી વેળાએ એમને ખાતરી થઈ ચૂકી હતી, કે ક્રેકોવમાં જે રીતે સમયબદ્ધ, નિયમસર અને સખ્તાઈથી હત્યાઓ થઈ રહી હતી તે જોતાં, વ્યવસ્થાતંત્રની આ વધતી જતી તાકાત સામે ચમત્કાર સિવાય ભાગ્યે જ કોઈ ચીજ બાથ ભીડી શકશે! વસાહતના ઘણા રૂઢીચુસ્તો તો એક કહેવત ટાંકતા હતા, “એક કલાકની જિંદગી પણ હવે તો જિંદગી છે.” યહૂદી પોલિસના યુવાને શ્રીમતી ડ્રેસનરને એ એક કલાક ફાળવી આપ્યો હતો. એમને ખબર હતી કે ભવિષ્યમાં ફરી એક વખત તેમને આ રીતે એક કલાક આપી શકે એવું કોઈ જ બચ્યું ન હતું!

ઉપર પહોંચ્યા પછી એમણે જોયું, કે એમની સખીના મોં પર શરમના ભાવો હતા.

“છોકરીને જ્યારે પણ મન થાય ત્યારે મોકલજો એને…” એણે કહ્યું. આનો અર્થ એમ સમજવાનો હતો, કે તેમની સખીએ પોતે કાયર હોવાને કારણે તેમને બહાર નહોતા કાઢ્યાં. આ તો નિયમની વાત હતી, અને નિયમ તો હજુ પણ એ જ હતો… હજુ પણ તમે ન આવતાં. છોકરી ગમે ત્યારે આવી શકે છે…

શ્રીમતી ડ્રેસનરે કોઈ દલીલ ન કરી. તેઓ એટલું જાણી ચૂક્યા હતા, કે નીચે પરસાળમાં જે કારણસર પોતાનો જીવ બચ્યો હતો, આ સ્ત્રીનું વલણ એ જ કારણનો બીજો હિસ્સો હતું. એમણે એ સ્ત્રીનો આભાર માન્યો. ડેન્કાને કદાચ બીજી વખત એમની મહેમાન બનવાની જરૂર પડે પણ ખરી!

શ્રીમતી ડ્રેસનર બેંતાળીસ વર્ષની ઉંમર કરતાં ઘણાં નાનાં લાગતાં હતાં. તેમની તબીયત પણ સારી હતી, એટલે પોતાની આર્થિક સ્થિતિનો ઉપયોગ કરીને તેમણે પોતાનું શરીર જાળવી રાખવાનું નક્કી કર્યું હતું. પોતાની શક્તિનું જે કોઈ આર્થિક મુલ્ય આંકી શકાય, અને તેનો જે કોઈ ઉપયોગ થઈ શકે તે કરવા માટે છેવટે શસ્ત્ર-સરંજામ મંત્રાલય અથવા યુદ્ધની અન્ય ઉપયોગી પાંખમાં પણ તેઓ જોડાઈ જવા માગતા હતા. પોતાને આવો વિચાર આવે એ વાત પર પણ એમને ભરોસો પડતો ન હતો. આજકાલ તો થોડી-ઘણી જાણકારી ધરાવનાર વ્યક્તિ પણ એટલું સમજતી હતી, કે એસએસ તો યહૂદીઓને એક મજૂર તરીકે જીવતા રાખવાની પણ વિરુદ્ધમાં હતી. એસએસ દ્વારા જ્યારે યહૂદીઓના આર્થિક મૂલ્યની અવગણના થઈ રહી હોય, ત્યારે ત્યારે પ્રશ્ન એ હતો કે આજના આ વાતાવરણમાં એક ફેક્ટરીમાં મામુલી ખરીદ અધિકારી તરીકે કામ કરતા એક યહૂદી જ્યૂડા ડ્રેસનરને કોણ બચાવવાનું હતું? જર્મન ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરનાર જેનેક ડ્રેસનરને કોણ બચાવવાનું હતું, અને ડેન્કા ડ્રેસનર જેવી લ્યુફવેફની સફાઈ કામદાર સ્ત્રીઓને કોણ બચાવવાનું હતું?

યહૂદી મંડળનો પેલો યુવાન, ડેબ્રોવ્સ્કીના ઘરની પરસાળમાં શ્રીમતી ડ્રેસનરને બચાવવાની પેરવી કરી રહ્યો હતો, બરાબર એ જ સમયે બીજી તરફ ‘હેલુત્ઝ યુથ’ અને ‘ઝોબ’ના ઝિઓનિસ્ટ યુવાનો ખુલ્લા સંઘર્ષની તૈયારી કરી રહ્યા હતા. ક્યાંકથી તેમણે એસએસના સૈનિકો જેવા ગણવેશ શોધી કાઢ્યા હતા. સ્લોવેકી થિએટરની સામેના ચોક ડ્યૂકા પ્લેકમાં ‘સાયજેનેરિયા’ નામનું રેસ્ટોરન્ટ એસએસ માટે અનામત રાખવામાં આવેલું હતું તેમાં પ્રવેશવાના અધિકારો પણ એમણે ક્યાંકથી મેળવી લીધા હતા. રેસ્ટોરન્ટમાં એમણે ગોઠવેલો બોમ્બ ફાટવાને કારણે છત ફાડીને ટેબલો બહાર સુધી ઊછળેલાં! એ બોમ્બને કારણે એસએસના સાત માણસોનાં શરીરો ચીરાઈ ગયાં હતાં, અને બીજા ચાળીસ માણસોને ઈજા પહોંચી હતી!

ઓસ્કરે આ બાબતે જાણ્યું, ત્યારે તેને અચાનક જ વિચાર આવી ગયો, કે બોમ્બ ફાટ્યો ત્યારે કદાચ એ પોતે પણ કામ કઢાવવા માટે ત્યાં કોઈ જર્મન અધિકારીઓને મસ્કા લગાવતો હોત!

શિમોન, ગુસ્તા ડ્રેન્જર અને તેના સાથીદારો ખાસ હેતુપૂર્વક એવો ઈરાદો ધરાવતા હતા, કે વસાહત સાથે જોડાયેલી પ્રાચિન શાંતિમય પરંપરાની વિરુદ્ધમાં જઈને, તેમના વિરોધને એક સાર્વત્રિક બળવાનું સ્વરૂપ આપવામાં આવે. માત્ર એસએસ માટે અનામત એવા કાર્મેલિકા સ્ટ્રીટમાં આવેલા બેગેટેલા સિનેમામાં એમણે બોમ્બ ફોડ્યો હતો. જંગલી વસાહતોમાં કે જોખમી બનતી જતી પોલિશ ક્રેકોવની શેરીઓમાં જઈને, જર્મન રાષ્ટ્રના ટેકામાં લડવાને બદલે ભાગેડૂ સૈનિકો લેની રાઇફેન્સ્ટાલની ફિલ્મ જોવા માટે સિનેમાઘરના અંધારામાં ઘૂસી ગયા હતા. બરાબર એ જ ક્ષણે સિનેમાઘરમાં ભયાનક વિસ્ફોટ થયેલો, જેણે આખી જગ્યા ભસ્મીભૂત થઈ ગઈ હતી.

એ ઘટનાના થોડા સમયમાં જ ‘ઝોબ’ના સભ્યો અનેક કાર્યોને અંજામ આપવાના હતા. વિસ્તુલા નદીમાં પેટ્રોલબોટને ડૂબાડી દેવી, શહેરભરનાં કેટલાંયે મિલિટરી ગેરેજોને બોમ્બથી ઊડાવી દેવાં, જેમને સીધા રસ્તે પાસ મળી શકે તેમ ન હોય, તેમને માટે પાસની વ્યવસ્થા કરવી, બનાવટી આર્યન દસ્તાવેજો તૈયાર કરવા માટે શહેરની બહારના કેન્દ્રો પર પાસપોર્ટ ફોટા મોકલાવવા, ક્રેકોવ અને બોચનિયા વચ્ચે દોડતી આર્મિ માટેની રેલવેને પાટા પરથી ઉથલાવી દેવી, વગેરે અનેક કામો ‘ઝોબ’ દ્વારા પાર પાડવામાં આવ્યાં હતાં. તેની સાથે-સાથે, ભૂગર્ભ વર્તમાનપત્રનો ફેલાવો પણ તેમણે વધાર્યો હતો. યહૂદી પોલીસવડા સ્પાઇરા માટે હજારો યહૂદીઓની ધરપકડની યાદી બનાવનાર બે યહૂદીઓ, લેફ્ટેનન્ટ સ્પિટ્ઝ અને ફોસ્ટરને ગેસ્ટાપોના છટકામાં ફસાવવાની વ્યવસ્થા પણ એમણે જ કરી હતી. આ કામ માટે તેમણે પોતાના અનુભવને આધારે, એક જૂની યુક્તિનું થોડું બદલાવેલું સ્વરૂપ કામે લગાડ્યું હતું. ક્રેકોવ નજીકના એક ગામડામાં એક ભૂગર્ભ ક્રાંતિકારી, બાતમીદારના સ્વાંગમાં પોલીસને મળ્યો હતો. એ જ સમયે અન્ય એક વ્યક્તિ બાતમીદાર બનીને ગેસ્ટાપો પાસે પણ ગઈ, અને તેમને પણ માહિતી આપી, કે યહૂદી ક્રાંતિકારી સંગઠનની બે વ્યક્તિઓ એક ચોક્કસ સંકેતસ્થાને મળવાની હતી. ગેસ્ટાપોથી છટકીને નાસવા જતાં સ્પિટ્ઝ અને ફોસ્ટર ખતમ થઈ ગયા હતા.

તે છતાંયે, ક્રાંતિમાં હિસ્સો લેવાની વસાહતીઓની રીત હજુ પણ આર્થર રોઝનવિગ જેવી જ રહી હતી. જુન મહિનામાં ક્રેકોવની બહાર મોકલવા લાયક હજારો લોકોની યાદી બનાવવાનું આર્થરને કહેવામાં આવ્યું, ત્યારે તેણે એ યાદીમાં તેમણે પોતાનું, પોતાની પત્ની અને દીકરીનું નામ સૌથી પહેલાં લખાવી દીધું હતું.

આ તરફ, ઝેબ્લોસીમાં એમેલિયાના પાછળના મેદાનમાં, જેરેથ અને ઓસ્કર શિન્ડલર એક બીજી છાવણી ઊભી કરીને પોતાની આગવી રીતે આ સંઘર્ષમાં ભાગ લઈ રહ્યા હતા.

.

આપનો પ્રતિભાવ આપો....