‘પગથાર’ને વિસામે.. – સંકલિત


‘અક્ષરપર્વ-૨’ ના દિવસે, શીતલબેન ગઢવીએ ફેસબુક ગૃપ ‘ગઝલ તો હું લખું’ નો ચોથો ગઝલસંગ્રહ ‘પગથાર’ ભેટ આપ્યો જેમાં તેમની ગઝલો પણ સમાવિષ્ટ છે. કલકત્તાની મારી મુલાકાત દરમ્યાન આવતા-જતાં ફ્લાઈટની લાંબી મુસાફરીમાં એ સંગ્રહની ગઝલોમાંથી પસાર થવાનો અવસર મળ્યો. એમાંથી ઘણી ગઝલો ખૂબ ગમી ગઈ. આજે એ જ સંગ્રહની મને ગમતી થોડીક ગઝલરચનાઓ અહીં પ્રસ્તુત કરી છે. આ પહેલા ‘લઈને અગિયારમી દિશા’ સંગ્રહની રચનાઓ પણ અક્ષરનાદ પર મૂકી હતી. આવો સરસ સંગ્રહ આપવા માટે શ્રી મગન મકવાણા ‘મંગલપંથી’ને અનેક શુભકામનાઓ.. અને સંગ્રહના સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક અભિનંદન. સોશિયલ મિડીયાના સાર્થક ઉપયોગની દિશામાં આ ગૃપ સદાય અગ્રસર રહ્યું છે, એ હજુ આગળ વધતું રહે એવી અભિલાષા.. સંગ્રહની પ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.

૧.

દોસ્ત, તાળુંં ન વાસ દરવાજે!
આવશે કોઈ ખાસ દરવાજે!

મારા ઘરમાં પ્રકાશ છે, રહેશે,
હોય છો ને અમાસ દરવાજે!

કેમ ભડકે બળી ગયો ઉંબર,
જઈને પગલાં તપાસ દરવાજે!

એ હવાથી ન આમ ખુલી જાય,
એ હશે આસપાસ દરવાજે!

વાટ જોતા ખડે પગે છે બેઉ,
વૃદ્ધ આંખોના શ્વાસ દરવાજે!

બંધ રહેવાનો લાભ આવો છે,
જો ઉગ્યું માત્ર ઘાસ દરવાજે!

કોઈ અંદર તો કોઈ બહાર ગયું,
સહુનો અટકે પ્રવાસ દરવાજે!

કૃષ્ણ, ઝટ દોડ મિત્રને મળવા,
છે સુદામો ઉદાસ દરવાજે!

– યોગેન્દુ જોષી

૨.

લતા સમ બારસાખે પાંગરી છું હું,
ફક્ત વરને નહીં ઘરને વરી છું હું!

કહે, એથી વધુ સુંદર શું હોવાનું?
તું પણ છે સાંવરો, ને સાંવરી છું હું!

લખી લીધાં લલાટે લાભ ને શુભ પણ,
સ્તવનનો સૂર છે તું, ઝાલરી છું હું!

નથી આ પાર કે તે પાર, તો ક્યાં છું?
પળેપળ આ વલયમાં વિસ્તરી છું હું!

અલા, મારી નજર ઉતારજે ક્યારેક,
તું ઘરનો મોભ હોઈશ, પણ ધરી છું હું!

મેં મારો વ્યાપ ખુદ આંક્યો છે એ રીતે,
પ્રથમ પત્ની, પછી મા.. આખરી છું હું!

– રાજુલ ભાનુશાલી

૩.

સ્વયં ને સમજવાનું સાધન ગઝલ છે,
અમારા મનોમયનું શાસન ગઝલ છે.

મહાકાય જાણે કે બ્રહ્માંડ જેવું,
ને સૂક્ષ્મ જ સ્વરૂપે આ વામન ગઝલ છે.

શબદ દેહ જાણે, હતો હાડપિંજર,
ને ઢાંકી રહ્યું’તું એ દામન ગઝલ છે.

હતું ગીધ ઘરડું છતાં એ લડ્યું’તું,
એ ઘટનાના પંજામાં પાવન ગઝલ છે.

તમે ડગ ભરો તો હું બેસી રહું ના,
આ રસમો રિવાજોનું પાલન ગઝલ છે.

સવાલો કરું છું ગઝલને હું કાયમ,
વિસર્જન ગઝલ છે કે સર્જન ગઝલ છે?

– ચિરાગ ઝા ‘ઝાઝી’

૪.

સહેજ કડવું સ્વાદમાં લાગ્યા પછી,
લોક થૂંકી નાંખશે ચાખ્યા પછી.

એ જ તો મહિમા ખરો છે દાનનો,
કોઈને કહેવું નહીં આપ્યા પછી.

શબ્દમાં થોડું વજન મૂકી જુઓ,
કોઈ સમજે નહીં જો સમજાવ્યા પછી.

પૂરી દીધો મેં સમય ઘડીયાળમાં,
એને ચારે બાજુથી કાપ્યા પછી.

પીંછી હળવા હાથથી ફેરવ જરા,
રંગ ઊખડશે નહીં લાગ્યા પછી.

– પ્રવીણ જાદવ

૫.

જાતને મારી બધાથી દૂર રાખી,
એમ ખુદની બેરૂખી મંજૂર રાખી.

પ્રેમ તો કાલે હતો ને આજ પણ છે,
આ દિલે તારી નજર મગરૂર રાખી.

આંખની ભીનાશ કોઈ જોઈ ના લે,
રોજ પાંપણ ઘેનથી ભરપૂર રાખી.

કોતરે પડઘાય છો ને એષણાંઓ,
સ્વપ્ન ફરતે યાદ તારી ક્રૂર રાખી.

ન હતું મંજૂર ઈતિહાસે ચમકવું,
શબ્દ, શાહી, કાગળે બેનૂર રાખી.

– શીતલ ગઢવી

૬.

કર્યા જે ગૂનાહો એ પારંપરિક છે!
નથી કોઇ તકલીફ, સહ્યું એ ક્ષણિક છે!

નથી સહેલ જીવી જવું એમ જગમાં,
ઝગારો તો પ્રસ્વેદનો દાર્શનિક છે!

નડ્યાં એ જ કાયમ ચહેરાં ને મહોરાં,
વણી મેં ય લીધું બધું ગાણિતિક છે!

સતત જાત રીઢી બનાવી દીધી, પણ
ખમ્યા જે પ્રહારો બધા વાસ્તવિક છે!

જગત પૂરું લૂંટી સિકંદર તો થઇશું,
મળ્યાનો એ સંતોષ પણ માનસિક છે!

ચૂંટ્યા ફૂલ લાજમ અને હાર ગૂંથ્યા,
ઝર્યો સોય, દોરે અરક પ્રાકૃતિક છે!

કરે મારગ પાણી વચાળે રહી, જો
સબર પથ્થરોની અહા લાક્ષણિક છે!

– નલિનીસિંહ સોલંકી ‘નિશિ’

૭.

જેમ તાવે તું મને!
એમ ભાવે તું મને!

આમ અવસર તારો હોય,
ને સજાવે તું મને!

એટલે ફાલ્યો-ફળ્યો,
હેતે વાવે તું મને!

નામ શાશ્વત તેથી છે,
કોતરાવે તું મને!

એ સમજવું પણ નથી,
કેમ ફાવે, તું મને!

– મગન મકવાણા ‘મંગલપંથી’

બિલિપત્ર

સુખને સગવડ સાધને આનંદનો આભાસ છે,
ઝાંઝવાનો ધોમધખતી આ ધરા પર ત્રાસ છે.
– ગુણવંત વૈદ્ય

એક ઈશ્વર, નામ એનાં છે ખુદા, અલ્લાહ ને નાનક સમજ,
એક માર્ગી સૌના રસ્તા, એક સૌનો સાર, હું જાણી ગઈ.
– શીતલ ગઢવી

(મૂલ્ય ૧૩૫.૦૦ રૂ., પુસ્તક પ્રાપ્તિ માટે સંપર્ક – મગન મકવાણા ‘મંગલપંથી’, આર-૩, સરદાર પટેલ સોસાયટી, નવા અનાજ માર્કેટ યાર્ડની પાછળ, મધિયા, ધોળકા. મો. ૯૯૭૪૯૨૮૯૩૨)

આપનો પ્રતિભાવ આપો....