સેદલસેક નામનો એક ઓસ્ટ્રિઅન યહૂદી ડેન્ટિસ્ટ ક્રેકોવમાં આવીને શિન્ડલર વિશે તપાસ ચલાવી રહ્યો હતો. બુડાપેસ્ટથી ટ્રેઇન મારફતે એ ક્રેકોવ આવ્યો હતો. તેની પાસેની બનાવટી તળિયાવાળી એક સૂટકેસમાં, જર્મન ગવર્નર જનરલ ફ્રેંક દ્વારા રદ્દ કરીને કબજે કરાયેલી પોલિશ ચલણ ઝ્લોટીની ઢગલાબંધ નોટો ઠાંસી-ઠાંસીને ભરેલી હતી.
પોતાના ધંધાર્થે મુસાફરી કરવાના બહાના હેઠળ બુડાપેસ્ટની ઝિઓનિસ્ટ બચાવ સંસ્થાના પ્રતિનિધી તરીકે તે અહીં આવ્યો હતો.
દુનિયાના અન્ય લોકોને તો ઠીક, પેલેસ્ટાઇનના ઝિયોનિસ્ટોને પણ છેક ૧૯૪૨ની પાનખર સુધી ખબર ન હતી, કે યુરોપમાં યહૂદીઓ પર કેવો જુલમ કરવામાં આવી રહ્યો છે! યહૂદીઓની પરિસ્થિતિ અંગે નક્કર માહિતી એકઠી કરવા માટે એમણે ઇસ્તંબૂલ શહેરમાં એક કચેરી ખોલી હતી. ઇસ્તંબૂલના બેયોગ્લુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી ત્રણ એજન્ટોએ, જર્મન યુરોપની પ્રત્યેક ઝિયોનિસ્ટ સંસ્થાને પોસ્ટકાર્ડ મોકલીને સાંકેતિક ભાષામાં એક સંદેશો લખી મોકલ્યો હતો, “મહેરબાની કરીને તમારી તબિયતના સમાચાર જણાવશો. એરેટ્ઝ તમને ખૂબ જ યાદ કરે છે.” એરેટ્ઝ એટલે ‘જમીન’, અને ઝિયોનિસ્ટ માટે એનો અર્થ થતો હતો ‘ઇઝરાયલ’! દરેક પોસ્ટકાર્ડ પર સાર્કા મન્ડેલબ્લેટ્ટ નામની એક છોકરીની સહી હતી. ટર્કિશ નાગરિકત્વ ધરાવતી હોવાને કારણે એ છોકરી તેમના આ કાર્યમાં ખુબ જ ઉપયોગી થતી હતી.
પરંતુ એ પોસ્ટકાર્ડ સાવ નકામા ગયા! આખાએ યુરોપમાંથી કોઈએ તેનો જવાબ આપ્યો નહીં! તેનો અર્થ એ હતો, કે એ સરનામે રહેતા બધા જ યહૂદીઓને કાં તો જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા, અથવા તો તેઓ જંગલમાં નાસી ગયા હતા! એમ પણ બને, કે તેઓ કોઈ છાવણીમાં મજૂરી કરતા હોય, વસાહતમાં રહેતા હોય, કે પછી મૃત્યુ પણ પામ્યા હોય! પોસ્ટકાર્ડના જવાબમાં ઇસ્તંબૂલના ઝિયોનિસ્ટોને માત્ર અમંગળ ખામોશીનો પૂરાવો જ સાંપડ્યો હતો!
૧૯૪૨ની પાનખરના અંતમાં, મોડે-મોડે તેમના પોસ્ટકાર્ડનો એક પ્રત્યુત્તર તેમને મળ્યો ખરો! બુડાપેસ્ટથી બેલ્વારોસના ચિત્રવાળું એક પોસ્ટકાર્ડ તેમને મળ્યું. તેના પર માત્ર આટલો જ સંદેશો લખ્યો હતોઃ “મારી પરિસ્થિતિમાં આપે જે રસ બતાવ્યો તેનાથી મને પ્રોત્સાહન મળ્યું છે. તાત્કાલિક મદદ મળે એ ખાસ જરૂરી છે. સંપર્કમાં રહેવા મહેરબાની કરશો.” સામુ સ્પ્રિંગમેન નામે બુડાપેસ્ટના એક ઝવેરીએ આ પ્રત્યુત્તર આપ્યો હતો, સાર્કા મેન્ડલબ્લેટ્ટે મોકલેલું પોસ્ટકાર્ડ સામુના નામે લખવામાં આવ્યું હતું. પોસ્ટકાર્ડમાં લખેલા સાંકેતિક શબ્દોનો અર્થ સામુએ સમજીને લીધો હતો. સામુ એક દૂબળો-પાતળો ઘોડાના જોકી જેવો દેખાતો ત્રીસેક વર્ષની ઉંમરનો માણસ હતો. વર્ષો સુધી તેણે જર્મનો પ્રત્યે ઇમાનદારી બતાવી હતી. માત્ર તેર વર્ષની ઉંમરથી જ, અંતરાત્માના અવાજની વિરુદ્ધ જઈને એણે અધિકારીઓને મસ્કા મારવા પડતા હતા. રાજકીય દળોને પણ એ મદદ કરતો રહેતો હતો અને હંગેરિયન સિક્રેટ પોલીસના મોટાં માથાંને પણ એ લાંચ આપતો રહેતો હતો. ઇસ્તંબૂલ સ્થિત ઝિઓનિસ્ટોએ તેના સુધી ખબર પહોંચાડી હતી, કે જર્મનો દ્વારા કબજે લઈ લેવાયેલી રકમને ફરીથી જર્મન કબજા હેઠળના રાષ્ટ્રોમાં ઘુસાડવા માટે, અને યુરોપિયન યહૂદીઓ સાથે જે બની રહ્યું હતું તે બાબતે નક્કર માહિતી મેળવીને ખાનગી રાહે આખા વિશ્વમાં પહોંચાડવા માટે તેની મદદની જરૂર હતી.
જનરલ હોર્થીના કબજા હેઠળના હંગેરીના જર્મન તરફી વિસ્તારમાં રહેતા સામુ સ્પ્રિંગમેન અને તેના ઝિયોનિસ્ટ સહકર્મીઓ, પોલિશ બોર્ડરની સામે પાર રહેતા યહૂદીઓની વર્તમાન સ્થિતિ બાબતે ઇસ્તંબૂલના લોકો જેટલા જ અજાણ્યા હતા. પરંતુ પૈસાની લાલચે, અથવા તો તેમની વિચારધારા સાથે સહમત હોવાને કારણે, જર્મન વિસ્તારોમાં ઘુસણખોરી કરવા માગતા લોકોને સંદેશવાહક તરીકે ભરતી કરવાનું એમણે ચાલુ કરી દીધું હતું. હંગેરિયન સિક્રેટ પોલીસનો એજન્ટ એરિક પોપેસ્કુ નામનો એક હિરાનો વેપારી તેમાંનો જ એક સંદેશવાહક હતો. બીજો એક અંડરવર્લ્ડનો છૂપો દાણચોર બેન્ડી ગ્રોઝ હતો, જેણે શરુ-શરુમાં જર્મન સિક્રેટ પોલીસને મદદ કરી હતી, પરંતુ પોતાની સ્વર્ગવાસી માતાની લાગણી દુભવ્યાના પ્રાયશ્ચિતરૂપે પાછળથી એ સ્પ્રિંગમેન માટે કામ કરવા લાગ્યો હતો. ત્રીજો માણસ હતો રૂડી સ્કલ્ઝ, જે તીજોરી તોડવામાં માહેર એવો ઓસ્ટ્રિયન હતો અને સ્ટટગાર્ડમાં ગેસ્ટાપો મેનેજમેન્ટ બ્યૂરોનો એજન્ટ પણ હતો. પોપેસ્કુ, ગ્રોઝ અને સ્કલ્ઝ જેવા ડબલ એજન્ટોની સાથે મળીને, તેમની દુઃખતી રગ દબાવીને, તેમના લોભને અને તેમનો જો કોઈ આદર્શ હોય તો તેને પણ છંછેડીને કામ પાર પાડવાની એક જન્મજાત કુનેહ સ્પ્રિંગમેનમાં હતી.
કેટલાક સંદેશવાહકો ખરેખર આદર્શવાદી હતા. બહુ જ સુરક્ષિત એવા સ્થળે રહીને તેઓ કામ કરતા હતા. સેદલસેક આવો જ એક આદર્શવાદી માણસ હતો, જે ૧૯૪૨ના અંતમાં હેર શિન્ડલર વિશે ક્રેકોવમાં પૂછપરછ કરી રહ્યો હતો. આમ તો વિયેનામાં તેની સફળ ડેન્ટલ પ્રેક્ટિસ હતી. ચાળીસ વર્ષની ઉંમરે, આ રીતે બનાવટી તળિયાવાળી સૂટકેસ ઊંચકીને પોલેન્ડમાં ઘુસવાની તેને કોઈ જરૂર ન હતી. તે છતાં, ખિસ્સામાં ઇસ્તંબૂલથી આવેલી એક યાદી લઈને એ પોલેન્ડમાં આવી ગયો હતો, અને એ યાદીમાં બીજું જ નામ ઓસ્કરનું હતું!
આનો અર્થ એ થતો હતો, કે ઇત્ઝાક સ્ટર્ન, વેપારી જિંટર, અથવા ડૉ. એલેકઝેન્ડર બાઇબરસ્તેઇનમાંથી કોઈકે પેલેસ્ટાઇનના ઝિયોનિસ્ટ સુધી શિન્ડલરનું નામ પહોંચાડ્યું હતું. ઓસ્કરની પોતાની પણ જાણ બહાર તેને એક ઈમાનદાર માણસ હોવાનું પ્રમાણપત્ર મળી ગયું હતું.
ડૉ. સેદલસેકનો એક મિત્ર હતો, જે છેક વિયેનાના સમયથી તેનો સહકર્મચારી હતો અને અત્યારે ક્રેકોવના લશ્કરમાં હતો. ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ દરમ્યાન સેદલસેકની ઓળખાણ એ મિત્ર સાથે એક દરદી તરીકે થઈ હતી. એ જર્મનનું નામ હતું મેજર ફ્રેન્ઝ વોન કોરેબ. ક્રેકોવ પહોંચ્યા પછીની પહેલી સાંજે તેઓ ડેન્ટિસ્ટ મેજર વોન કોરેબને હોટેલ ક્રેકોવિયામાં એક ડ્રિંક માટે મળ્યા. સેદલસેક માટે એ પહેલો દિવસ અત્યંત નિરાશાભર્યો વીત્યો હતો, કારણ કે વિસ્તુલાના કિનારે વહેતા ભૂખરા પાણીની સામે પાર કાંટાળા તારની પાછળ દેખાતા ઠંડાગાર પોજોર્ઝના કિલ્લાના, કબર પર લગાડ્યા હોય એવા મોટા-મોટા પત્થરોને એ નજરે જોઈને આવ્યો હતો! શિયાળાના એ કપરા દિવસે કિલ્લા પર કંઈક અસ્પષ્ટતાનું વાદળ ઘેરાયેલું હોય એવું તેને લાગ્યું હતું. પૂર્વ દિશાએ દેખાતા એક દરવાજા જેવા સ્થાનની પેલે પાર ભારે વરસાદમાં ઊભેલો ચોકીદાર પણ તેમને ધૃણાસ્પદ લાગ્યો હતો. આભારવશ થતો સેદલસેક વોન કોરેબને મળવાના સમયે પહોંચી ગયો હતો.
વિયેનાનાં પરાંમાં એક અફવા હંમેશા ફેલાતી રહેતી હતી કે વોન કોરેબનાં દાદી યહૂદી હતાં. નવરાશના સમયે દરદીઓ આવી વાતો કરતા રહેતા હતા. જર્મન રાષ્ટ્રમાં વ્યક્તિના વંશને લગતી આવી પંચાતો, હવામાનની આગાહીઓ જેટલી જ સામાન્ય અને સ્વીકાર્ય બની ગઈ હતી! પીઠામાં શરાબ પીતાં-પીતાં, રેઇનહાર્ડ હેડરિચના દાદીએ સસ નામના યહૂદી સાથે લગ્ન કર્યા હોવાની વાતો અંગે પણ લોકો બહુ ગંભીરતાપૂર્વક અનુમાનો લગાવ્યા કરતા હતા. વોન કોરેબે મિત્રતાના દાવે, સેદલસેક પાસે પોતાનું બધું જ ડહાપણ કોરે મૂકીને માત્ર એક જ વખત કબૂલ્યું હતું, કે તેના પોતાના કિસ્સામાં દાદીમા યહૂદી હોવાની એ અફવા સાચી હતી! જર્મન મેજર વોન કોરેબે, યહૂદી ડૉક્ટર સેદલસેક પાસે કરેલી આ કબુલાત પરસ્પરના એવા વિશ્વાસનું પ્રતીક હતી, જેને કારણે સેદલસેક પણ તેના પર સામો ભરોસો રાખી શકે તેમ હતા. એ ભરોસાને આધારે જ સેદલસેકે ઇસ્તંબૂલથી આવેલી પેલી સૂચીમાંના કેટલાક લોકો બાબતે મેજર વોન કોરેબને પૂછપરછ કરી. શિન્ડલરનું નામ સાંભળીને વોન કોરેબે અનુગ્રહપૂર્વક સ્મિત કરતાં પ્રત્યુત્તર આપ્યો હતો. હેર શિન્ડલરે પોતાની સાથે ભોજન લીધાનું મેજરને યાદ હતું. “શરીરે હૃષ્ઠપુષ્ટ માણસ છે,” તેમણે જણાવ્યું, “અને ખાસ્સા પૈસા પણ બનાવ્યા છે એણે! દેખાય છે એ કરતા ઘણો વધારે બુદ્ધિશાળી છે. તમે કહો તો હું અત્યારે જ ફોન કરીને એમની સાથે તમારી મુલાકાત નક્કી કરાવી શકું તેમ છું!” વોન કોરેબે સેદલસેકને પૂછ્યું.
બીજા દિવસે દસ વાગ્યે બંને ‘એમિલિયા’ની ઑફિસમાં પ્રવેશ્યા. શિન્ડલરે સેદલસેકને વિવેકપૂર્વક આવકાર્યા, પરંતુ તેમની સાથે આવેલા આ ડેન્ટિસ્ટ પર મેજર વૉન કોરેબ કેટલો વિશ્વાસ મૂકી રહ્યા છે એ નાણી જોવા, શિન્ડલરે મેજર તરફ સાવધાનીપૂર્વક જોયું. થોડો સમય બેઠા પછી ઓસ્કરે ઉમળકા સાથે અજાણ્યા સેદલસેક સાથે વાતચીત ચાલુ કરી, એ સાથે મેજરે કોફી પીવાના આગ્રહનો વિવેકપૂર્વક ઇનકાર કરીને તેમની રજા લીધી. મેજરના ગયા પછી સેદલસેકે શિન્ડલરને કહ્યું, “ઠીક છે, હું ક્યાંથી આવું છું એ બાબતે તમને માંડીને વાત કરું.”
પોતે જે રકમ સાથે લાવ્યા હતા તેનો તેમણે કોઈ ઉલ્લેખ ન કર્યો! કે પછી પોલેન્ડના ઓસ્કરના વિશ્વાસુ સંપર્કોને યહૂદીઓની સંયુક્ત વિતરણ સમિતિ દ્વારા ભવિષ્યમાં સારી એવી રકમ આપવામાં આવશે એ બાબતે પણ તેઓ ચૂપ જ રહ્યા. કોઈ પ્રકારના આર્થિક લેવડદેવડના ઉલ્લેખ કર્યા વગર, ડેન્ટિસ્ટ માત્ર એટલું જ જાણવા માગતા હતા, કે પોલેન્ડના યહૂદીઓ વિરુદ્ધ ચાલતી આ લડાઈ બાબતે ઓસ્કર પોતે શું માનતો હતો, અને કેટલું જાણતો હતો! સેદલસેકના પ્રશ્નનો સામનો કરી લીધા પછી શિન્ડલર પહેલાં તો બોલતાં થોડું અચકાઈ ગયો! એ એક ક્ષણ પૂરતું સેદલસેકને પણ લાગ્યું, કે તેમણે કદાચ ના પણ સાંભળવી પડે! શિન્ડલરના વિસ્તરી રહેલા વર્કશોપમાં ૫૫૦ યહૂદીઓ એસએસના દરે કામ કરી રહ્યા હતા. શસ્ત્ર-સરંજામ ખાતા તરફથી શિન્ડલર જેવા માણસને અવિરતપણે કોન્ટ્રેક્ટ મળતા રહેવા ઉપરાંત, એસએસ દ્વારા તેને ૭.૫ જર્મન માર્કના દરે ગુલામો પૂરા પાડવાની ખાતરી પણ આપવામાં આવી હતી. ચામડું મઢેલી નરમ ગાદીવાળી ખુરસીમાં બેઠા રહીને ઓસ્કર જો સેદલસેકના પ્રશ્નો પ્રત્યે સાવ અજાણ્યો બનીને બેઠો જ રહેત, તો એ નવાઈની વાત ન કહેવાત!
“એક સમસ્યા છે, શ્રીમાન સેદલસેક,” એ થોડા અણગમા સાથે બોલ્યો. “અને તે એ, કે આ દેશના લોકો સાથે તેઓ એટલી હદે ખરાબ વર્તન કરી રહ્યા છે, જેને ખરેખર કોઈ સાચું માનશે નહીં!”
“તમારો અર્થ એ છે,” ડૉ. સેદલસેકે કહ્યું, “કે મારા ઉપરીઓ તમારી વાતને સાચી નહીં માને?”
શિન્ડલરે કહ્યું, “હું પોતે પણ આ બધી વાતો માની નથી શકતો!” એ ઊભો થયો અને કબાટ પાસે ગયો, બે પ્યાલામાં કોગ્નેક રેડીને, એક ગ્લાસ લઈને ડૉ. સેદલસેક પાસે ગયો. બીજો ગ્લાસ લઈને એ ટેબલની સામી બાજુએ પોતાની ખુરસી તરફ ગયો. એક ઘુંટડો પીને એણે ટેબલ પર પડેલી કાગળની એક પહોંચ સામે જોઈને નાખુશી વ્યક્ત કરી. પહોંચ ઊંચકીને એ બીલ્લી પગે દરવાજા પાસે ગયો અને બહારથી છુપાઈને કોઈ સાંભળતું હોય તો પકડાઈ જાય એ રીતે ‘ફટાક’ કરતાં દરવાજો ખોલી નાખ્યો! થોડીવાર માટે એ ત્યાં જ સ્થિર ઊભો રહ્યો. પોતાની પોલિશ સેક્રેટરી સાથે પેલી પહોંચ બાબતે શાંતિથી વાત કરતો હોય એવું સેદલસેકને સંભળાયું. થોડી મિનિટોમાં બારણું બંધ કરીને એ સેદલસેક પાસે પાછો ફર્યો, ટેબલ પાછળ જઈને બેઠો અને બીજો એક મોટો ઘુંટડો ભર્યા પછી વાત કરવાનું શરૂ કર્યું.
યહૂદીઓને બંદી બનાવવાનું કાર્ય આટલું યોજનાબદ્ધ રીતે થઈ રહ્યું હશે તેની કલ્પના તો વિયેનાથી આવેલા સેદલસેકના સાવ નાનકડા નાઝી વિરોધી સંગઠનમાં પણ કોઈએ કરી ન હતી! શિન્ડલર તો અહીં માત્ર નૈતિકતાની વાત કહી રહ્યો હતો, પરંતુ એક તરફ જ્યારે આખુંયે યુરોપ આ વિકટ યુદ્ધમાં ફસાઈ ચૂક્યું હતું ત્યારે એવું તો કઈ રીતે માનવું, કે હજારો માણસો, કિંમતી રેલમાર્ગો, સામાન સંઘરવાની અઢળક ઘનફૂટ જગ્યા, ઈજનેરીના મોંઘામાં મોંઘા સંસાધનો, સંશોધન અને વિકાસ વિભાગના વૈજ્ઞાનિકોનું આવડું મોટું ટોળું, સંગીન અધિકારીવર્ગ, સ્વયંચાલિત શસ્ત્રોનો આખો ભંડાર અને ગોળીઓથી લથબથ મેગેઝીનોને જર્મનીના રાષ્ટ્રીય સમાજવાદીઓ દ્વારા આ કામ પાછળ ફાળવવામાં આવી રહ્યા હતા! અને એ પણ એવા હત્યાકાંડને પાર પાડવા માટે, કે જેની પાછળ જર્મનીનું કોઈ લશ્કરી કે આર્થિક હિત સમાયેલું ન હોય! કોઈ કારણ હતું એ તો માત્ર માનસીક હતું! ડૉ. સેદલસેકે એવી અપેક્ષા રાખી હતી, કે તેમણે તો માત્ર યહૂદીઓએ સહન કરવો પડતો ભૂખમરો, તેમની આર્થિક સંકડામણ, શહેરમાં તેમના પર થતા હિંસક હુમલા અને મિલકતોની માલિકી છીનવી લેવા જેવી મુસીબતોની વાતો જ સાંભળવી પડશે! અને એવા છૂટક સંઘર્ષની વાતો તો યહૂદીઓના ઇતિહાસમાંથી પણ મળી આવે તેમ હતી!
પરંતુ ઓસ્કર જે પ્રકારનો માણસ હતો તેના કારણે, તેણે કહી એવી પોલેન્ડમાં બની રહેલી ઘટનાઓ વિશે વિચારતાં, તેની બધી જ વાતો સેદલસેકના ગળે ઊતરી ગઈ! ઓસ્કરનો પોતાનો ધંધો ધીકતો ચાલતો હતો. પોતાની ખુદની જગ્યાના કેન્દ્રમાં બેસીને, હાથમાં શરાબનો પ્યાલો પકડીને તે આ વાત કરી રહ્યો હતો. સપાટી પરની પ્રભાવી શાતા અને અંદર ઊકળતો રોષ, બંનેથી ઓસ્કર સભર હતો! એ એક એવો માણસ હતો, જેણે પાછળથી ભલે પસ્તાવું પડે, તો પણ ખોટી બાબતને સમર્થન આપવાની શક્યતાને પણ એ નકારી કાઢે! અને પોતે જે સત્યને ઉજાગર કરી રહ્યો હતો, તેમાં એ કોઈ અતિશયોક્તિ પણ નહોતો કરી રહ્યો! સેદલસેકે તેને પૂછ્યું, “જો હું તમારા વિઝાની વ્યવસ્થા કરી આપું, તો અહીં તમે મને જે કંઈ કહ્યું તે બધું, બૂડાપેસ્ટ આવીને મારા ઉપરીઓને કહી શકશો ખરા કે?” શિન્ડલરને ક્ષણભર માટે આશ્ચર્ય થયું. એણે કહ્યું, “તમે પોતે જ આનો અહેવાલ લખી શકો છો…! બીજા સ્ત્રોત તરફથી પણ તમને જરૂર આની માહિતી મળી જ હશે!” પરંતુ સેદલસેકે તેને ના પાડી. “અમને તો માત્ર છુટક એકલ-દોકલ વાતો જ સાંભળવા મળી છે, કોઈક બનાવની નાની-મોટી વિગતો અને એવું બધું જ! આવું સંપૂર્ણ ચિત્ર અમારા સાંભળવામાં આવ્યું જ નથી! તમે બૂડાપેસ્ટ આવો. હા, ત્યાં સુધીની મુસાફરી થોડી અગવડભરી રહે કદાચ.”
શિન્ડલરે પૂછ્યું, “કેમ? મારે પગપાળા સરહદ પાર કરવી પડશે એવું તો તમે નથી કહેતાને?”
ડેન્ટિસ્ટે કહ્યું, “એટલી બધી તકલીફ તો નહીં પડે, પણ તમારે કદાચ માલગાડીમાં મુસાફરી કરવી પડે ખરી!”
“હું આવીશ.” શિન્ડલરે જવાબ વાળ્યો. ડૉ. સેદલસેકે ઇસ્તંબૂલની સૂચીમાંના અન્ય નામ બાબતે શિન્ડલરને પૂછ્યું. સૂચીના મથાળે ક્રેકોવના એક ડેન્ટિસ્ટનું નામ હતું. “આ ડેન્ટિસ્ટને તો હું બહુ સરળતાથી મળી શકું તેમ છું!” સેદલસેકે કહ્યું. “કારણ કે દુનિયામાં બધાને દાંતના કોઈને કોઈ ખૂણે તકલીફ હોવાની જ!”
“ના,” શિન્ડલરે તેમને ચેતવ્યા. “એ માણસને મળશો નહીં. એસએસ દ્વારા એ ખરીદાઈ ચૂક્યો છે!”
ક્રેકોવથી સ્પ્રિંગમેનને મળવા પાછા બૂડાપેસ્ટ જતાં પહેલાં ડૉ. સેદલસેક ફરી એક વખત શિન્ડલરને મળ્યા. આ વખતે ડેફ ખાતે ઓસ્કરની ઑફિસમાં જઈને, પોલેન્ડ માટે સ્પ્રિંગમેને આપેલી લગભગ બધી જ રોકડ રકમ તેમણે શિન્ડલરને આપી દીધી. શિન્ડલરના રંગીલા સ્વભાવને જોતાં તે આ રકમને કાળા બજારનું ઝવેરાત ખરીદવામાં વાપરી નાખે તેવું જોખમ તો હતું જ! પરંતુ સ્પ્રિંગમેન કે ઇસ્તંબૂલને હવે કોઈ પ્રકારની ખાતરીની જરૂર રહી ન હતી. એવી ખાતરીની અપેક્ષા પણ તેઓ રાખી શકે તેમ ન હતા.
છતાં એક વાત અહીં નોંધવી પડે તેમ છે, કે ઓસ્કરે નિષ્કપટ રીતે એ પૂરેપૂરી રકમ યહૂદી સમાજના પોતાના સંપર્કોને, તેમની વિવેકબુદ્ધિ પ્રમાણે વાપરવા આપી દીધી હતી! શ્રીમતી ડ્રેસનરની માફક મોરદેકાઈ વલ્કન નામના એક ઝવેરીનો પરિચય પણ હેર ઓસ્કર શિન્ડલર સાથે બહુ સમયસર થયો હતો. એ સમયે વર્ષના અંતે સ્પાઇરાની રાજદ્વારી યહૂદી પોલીસે ઝવેરીના ઘરમાં ધાડ પાડી હતી. યહૂદી પોલીસે તેને કહેલું કે ધરપકડથી એણે ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ ભૂતકાળમાં ઝવેરી વલ્કનનું નામ પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યું હતું. એક વર્ષ પહેલાં કાળાબજારમાં રોકડ રકમ વેચવાના ગુના સબબ યહૂદી પોલીસે તેની ધરપકડ કરી હતી. રોકડ નિયંત્રણ કચેરીના એજન્ટ તરીકે કામ કરવાનો ઇનકાર કરવા બદલ એસએસ દ્વારા તેને માર પણ મારવામાં આવ્યો હતો, અને શ્રીમતી વલ્કને વસાહતની પોલીસની ઑફિસમાં જઈને સાર્જન્ટ બેકને મળીને પોતાના પતિને છોડાવવા માટે લાંચ આપવી પડી હતી.
જુનમાં પણ બેલઝેક ખાતે ધકેલી દેવા માટે તેને પકડી જવામાં આવ્યો હતો, પરંતુ એ વખતે તેને ઓળખતો એક યહૂદી પોલીસ તેને ઓપ્ટિમા મેદાનની બહાર લઈ ગયો હતો. આ જન્મમાં તો જેરુસલેમના દર્શન થવાની શક્યતા ભલે સાવ નજીવી હોય, પરંતુ યહૂદી પોલીસમાં પણ કેટલાક ઝિયોનિસ્ટ લોકો મોજુદ હતા ખરા!
પરંતુ આ વખતે યહૂદી પોલીસનો જે માણસ તેને મળવા આવ્યો હતો, એ કોઈ ઝિયોનિસ્ટ ન હતો. તેના કહેવા મુજબ, એસએસને ચાર ઝવેરીઓની તાત્કાલિક જરૂર પડી હતી. ઝવેરીઓને શોધી કાઢવા માટે સાઇમક સ્પાઇરાએ યહૂદી પોલીસને ત્રણ કલાકનો સમય ફાળવ્યો હતો. આમ હેરઝોગ, ફ્રેડનર, ગ્રનર અને વલ્કન, એમ ચાર ઝવેરીઓને યહૂદી પોલીસ સ્ટેશનમાં ભેગા કરીને, તેમને કૂચ કરાવતાં- કરાવતાં વસાહતની બહાર જૂની ટેકનીકલ એકેડેમીમાં લઈ જવામાં આવ્યા, જ્યાં એક વેરહાઉસમાં એસએસની આર્થિક અને મુખ્ય વહીવટી કચેરી આવેલી હતી.
એકેડેમીમાં ઘૂસતાં જ વલ્કનને ખ્યાલ આવી ગયો, કે એક જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા આ જગ્યાએથી બધો વહીવટ કરી રહી હતી. દરેક દરવાજે એક-એક ચોકીદાર ઊભો હતો. આગળના ખંડમાં એક એસએસ અધિકારીએ ધમકી આપતાં ચારેયને કહી દીધું, કે અહીંના કામ બાબતે બહાર જઈને કોઈને પણ કંઈ જ કહ્યું છે, તો તેમને સીધા જ લેબર કેમ્પમાં મોકલી આપવામાં આવશે! અહીં આવતી વેળાએ, દરરોજ તેમણે હીરા અને સોનાના કેરેટ માપવાના સાધનો પોતાને ઘેરથી લઈને આવવાનાં હતાં.
એક ભોંયરાની અંદર ચારેયને લઈ જવામાં આવ્યા. ભોંયરામાં ચારે બાજુની દિવાલોની પાસે મૂકેલા ઘોડામાં એકમેક પર ઢગલો કરીને કેટલીયે સૂટકેસો અને બ્રીફકેસો લાદેલી હતી. સૂટકેસો પર કાળજીપૂર્વક લખેલા તેમના માલિકોના નામ વાંચી શકાતા હતા, જેનો હવે કોઈ જ અર્થ રહ્યો ન હતો. ઊંચી-ઊંચી બારીઓની નીચે લાકડાનાં ખોખાંની કતાર પડી હતી. ચારે જણા પલાંઠી વાળીને જમીન પર વચ્ચોવચ બેઠા, ત્યાં જ એસએસના માણસોએ એક સુટકેસ ઊઠાવી, અને મહામહેનતે ઘસડીને તેમની પાસે લઈ આવ્યા. હેરઝોગની સામે સુટકેસને ખાલી કરીને તેઓ બીજી સૂટકેસ લાવવા માટે પાછા ચાલ્યા ગયા. બીજી સુટકેસ એમણે ગ્રનર પાસે ખાલી કરી. સોનાની વસ્તુઓનો એક ઢગલો એમણે ફ્રેડનરની સામે મૂક્યો અને એક ઢગલો વલ્કન સામે મૂક્યો. એ ઢગલાઓની અંદર હતી સોનાની જૂની ચીજવસ્તુઓ… વીંટીઓ, માથાની પીનો, બાજુબંધો, ઘડિયાળો, ચશ્માં, સિગારેટનાં ખોખાં…!
ઝવેરીઓએ એ સોનાનાં કેરેટ ગણી આપવાનાં હતાં, સોનાના ઢોળવાળી અને નક્કર સોનાની વસ્તુઓને જૂદી પાડી આપવાની હતી, હીરા અને મોતીનાં મૂલ્ય નક્કી કરી આપવાનાં હતાં. કિંમત અને કેરેટ મુજબ બધી જ વસ્તુઓનું વર્ગીકરણ કરીને અલગ-અલગ ઢગલા કરી આપવાના હતા!
પહેલાં તો તેઓ એક-એક કરીને વસ્તુઓનો અંદાજ કાઢતા હતા, પરંતુ પછી તો ધંધાની જૂની ટેવ પ્રમાણે તેઓ નિશ્ચિંત થઈને ઝડપથી કામ કરવા લાગ્યા. અલગ-અલગ ઢગલામાં સોનું અને ઝવેરાત જેમ-જેમ એકઠું થવા લાગ્યું, તેમ-તેમ એસએસના માણસો તેને અલગ ખોખાંમાં ભરવા લાગ્યા. એક ખોખું ભરાય એટલે કાળા રંગ વડે તેના પર લેબલ મારી દેવાય ‘એસએસ રાઇક્સફ્યૂહરર, બર્લિન’. એસએસ રાઇક્સફ્યૂહરર એટલે હિમલર પોતે જ, જેના નામે આખાયે યુરોપમાંથી જપ્ત કરાયેલું ઝવેરાત જર્મન બેંકમાં જમા કરવામાં આવી રહ્યું હતું! એ ઝવેરાતમાં બાળકોની અસંખ્ય વીંટીઓ હતી, જેને પહેરનાર બાળકોનું શું થયું હશે એ વિશેના વિચારો પર ઠંડા કલેજે નિયંત્રણ રાખવું પડે તેમ હતું. આ આખુંયે કામ પાર પાડવામાં ઝવેરીઓ માત્ર એક જ વખત અચકાઈ ગયા હતા, જ્યારે એસએસ દ્વારા ખોલવામાં આવેલી એક સૂટકેસમાંથી સોનાનો એક દાંત બહાર સરકી પડ્યો! એ દાંત પર હજુ પણ લોહીના તાજા ડાઘ લાગેલા હતા! વલ્કનના બે ઢીંચણની વચ્ચે પડેલો દાંતનો ઢગલો હજારો યહૂદીઓના મૃતદેહોના મોંની સાહેદી પૂરતો હતો! ઢગલામાંનું એક-એક મોં, વલ્કનને પોતાની પાસે બોલાવતું પોકાર કરી રહ્યું હતું! કેરેટ માપવાના તેના પત્થરો તેની જ સામે ઊભા થઈ-થઈને, જાણે કમરાની અંદર એક છેડેથી બીજે છેડે અથડાઈને બધી જ કિંમતી જણસોના રક્તરંજિત માલિકોના નામો પોકારી રહ્યા હતા! થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા પછી હેરઝોગ, ગ્રનર, વલ્કન અને ફ્રેડનરે ફરીથી કસવાનું શરૂ કરી દીધું, પરંતુ ચારેય ઝવેરીઓ હવે પોતાના મોંઢાની અંદર રહેલા સોનાનું ખરું મૂલ્ય જાણતા હતા! એ ડર સાથે, કે એક દિવસ એસએસ એ સોનું પણ શોધતી જરૂર આવી પહોંચશે!
ટેકનીકલ એકેડેમીમાં જમા કરાયેલા ખજાના ઉપર કામ કરતાં ચારેય ઝવેરીઓને છ મહિના લાગ્યા! કામ પૂરું થયા બાદ ચાંદીના વેરહાઉસમાં તબદીલ કરી દેવાયેલા એક વણવપરાયેલા ગેરેજમાં તેમને લઈ જવામાં આવ્યા. ઓઈલ ભરવા માટે બનાવેલા કેટલાયે ખાડા, કાંઠાથી પણ ઉપર સુધી નક્કર ચાંદીથી છલકાતા હતા…! વીંટીઓ, પેન્ડન્ટ, પાસઓવરના તહેવારમાં વપરાતી પ્લેટો, ધર્મગ્રંથોમાં મૂકવા માટેના નિશાન, બખ્તરો, મુગટો, મીણબત્તીના સ્ટેન્ડ…! નક્કર ચાંદી અને ચાંદીના ઢોળને તેમણે અલગ તારવ્યા, અને બધાનું વજન કર્યું. ત્યાંનો હવાલો સંભાળી રહેલા એસ.એસ. અધિકારી, કેટલીક વસ્તુઓ પેક ન કરી શકાય તેવા વિચિત્ર આકારની હોવાની ફરિયાદ કરી રહ્યા હતા, તેથી મોરદેકાઈ વલ્કને, એવી વસ્તુઓને ઓગાળી નાખવાના વિકલ્પનું સૂચન જર્મનોને કર્યું. વલ્કન પોતે તો ધાર્મિક ન હતો, છતાં તેને એમ થતું હતું, કે જર્મનોના હાથમાં જાય એ પહેલાં એ ચાંદી પરથી યહૂદીધર્મના ચિહ્નોને ભૂંસી શકાય, તો એ પણ એક નાનકડી જીત મેળવ્યા સમાન ગણાશે! પરંતુ કોઈક કારણસર એસએસ અધિકારીએ તેના સૂચનને નકારી કાઢ્યું! જર્મનોનો ઈરાદો કદાચ એ વસ્તુઓને જર્મની લઈ જઈને કોઈ ધાર્મિક મ્યુઝિયમમાં મૂકવાનો હશે, અથવા કદાચ સિનાગોગના ચાંદીના વાસણોની કલાત્મક કારીગરી એસએસને બહુ પસંદ આવી ગઈ હોય!
મૂલ્યાંકનનું એ કાર્ય પૂરું થઈ ગયા પછી વલ્કન ફરી એક વખત કામ વગરનો થઈ ગયો હતો. પોતાના કુટુંબ માટે પેટ પૂરતું ભોજન મેળવવા માટે એણે દરરોજ વસાહતની બહાર જવું પડતું હતું, ખાસ કરીને પોતાની દમિયલ દીકરી માટે થઈને! એસએસના એક મહત્ત્વના માણસ ઓબર્સ્કાર્ફ્યૂહરર ગોલા સાથે ઓળખાણ હોવાને કારણે, થોડા સમય માટે કાઝીમર્ઝની એક મેટલ ફેક્ટરીમાં તેને કામ મળી ગયું હતું. એ પછી ગોલાએ વેવેલ નજીક આવેલી એસએસની એક બેરેકમાં સમારકામ કરવાનું કામ તેને અપાવ્યું. વલ્કન જેવો પોતાના સાધનો લઈને બેરેકના ભોજનગૃહમાં પ્રવેશ્યો, એ સાથે જ એણે દરવાજા પર લખેલું લખાણ વાંચ્યું, “યહૂદીઓ અને કૂતરાઓ માટે પ્રવેશબંધ છે”. આ લખાણ વાંચીને, અને ટેકનીકલ એકેડેમીમાં તેણે કરેલા લાખો દાંતનું મૂલ્યાંકન કરી લીધા પછી તેને એક વાતની ખાતરી થઈ ગઈ, કે ગોલા જેવા લોકોની આવી નાની-મોટી તરફેણથી પોતાનો છૂટકારો થવાની અપેક્ષા રાખી શકાય તેમ ન હતું. ગોલા તો આવા લખાણની પરવા કર્યા વગર શરાબ પી રહ્યો હતો, પરંતુ એક હકીકત એ પણ હતી, કે વલ્કનના કુટુંબને ઊઠાવી જઈને કોઈક દિવસ બેલઝેક જેવી કોઈ જગ્યાએ મોકલી અપાય, ત્યારે પણ ગોલા તો કોઈ પરવા કરવાનો ન હતો! એટલે શ્રીમતી ડ્રેસનર અને વસાહતમાં રહેતા બીજા પંદર હજાર લોકોની માફક વલ્કન પણ એટલું જાણી ચૂક્યો હતો, કે અત્યારે તો એ જ જરૂરી હતું, કે પોતે અત્યંત મહત્વના અને કોઈનું ધ્યાન ખેંચે તેવા કામમાં પોતે લાગી જાય. અને યહૂદીઓ એક બાબત જાણતા જ હતા, કે કોઈ સામે ચાલીને તો તેમને આવું કામ આપવા નહીં જ આવે!
.