શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૭)
સેદલસેક નામનો એક ઓસ્ટ્રિઅન યહૂદી ડેન્ટિસ્ટ ક્રેકોવમાં આવીને શિન્ડલર વિશે તપાસ ચલાવી રહ્યો હતો. બુડાપેસ્ટથી ટ્રેઇન મારફતે એ ક્રેકોવ આવ્યો હતો. તેની પાસેની બનાવટી તળિયાવાળી એક સૂટકેસમાં, જર્મન ગવર્નર જનરલ ફ્રેંક દ્વારા રદ્દ કરીને કબજે કરાયેલી પોલિશ ચલણ ઝ્લોટીની ઢગલાબંધ નોટો ઠાંસી-ઠાંસીને ભરેલી હતી.
પોતાના ધંધાર્થે મુસાફરી કરવાના બહાના હેઠળ બુડાપેસ્ટની ઝિઓનિસ્ટ બચાવ સંસ્થાના પ્રતિનિધી તરીકે તે અહીં આવ્યો હતો.
દુનિયાના અન્ય લોકોને તો ઠીક, પેલેસ્ટાઇનના ઝિયોનિસ્ટોને પણ છેક ૧૯૪૨ની પાનખર સુધી ખબર ન હતી, કે યુરોપમાં યહૂદીઓ પર કેવો જુલમ કરવામાં આવી રહ્યો છે! યહૂદીઓની પરિસ્થિતિ અંગે નક્કર માહિતી એકઠી કરવા માટે એમણે ઇસ્તંબૂલ શહેરમાં એક કચેરી ખોલી હતી.