દયારામની કવિતામાં વૈષ્ણવ પરંપરાનું અનુસંધાન – તરુણ મહેતા 1


ભૂમિકા:-

ગુજરાતી સાહિત્યના મધ્યકાલમાં આપણે ભક્તિ જ્ઞાનપ્રેરક રચનાનું એક ઘોડાપુર જોઈ શકીયે છીએ. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ ગુજરાતીભાષાને સામાજિક સંસ્કારોથી ઘડે છે. ભક્તિમાર્ગ પ્રવર્તક નરસિંહ વ્યાવહારિકિ રીતિમાં પણ ભક્તિનો પ્રવેશ કરાવે છે. તેથી તેના આત્મકથનાત્મક પદો ‘હૂંડી’, ‘હાર’, ‘મામેરું’, ‘શામળશાનો વિવાહ’માં આ પ્રકારના સંસ્કારો દેખાય છે. જ્ઞાન અને ઉપદેશની અનિવાર્યતા તે સમયનું કદાચ જરૂરી પરિબળ હશે પણ નરસિંહથી શરૂ થયેલી કવિ પરંપરા વ્યવહાર જીવનમાં પણ ભક્તિપ્રધાન કેમ રહેવું તેનું નિદર્શન કરે છે. આથી અખો, પ્રેમાનંદ, ભાલણ, નાકર, મીરાં જેવાં અગ્રહરોળના કવિઓના જીવનમાં પણ ભક્તિ આંદોલનનું ખૂબ મહાત્મ થયું છે.

મધ્યકાળના ઝળહળતાં સમયની અંતિમ જ્ઞાનજ્યોત તે દયારામ છે. દયારામે મૂળે સાઠોદરા નાગર જ્ઞાતિના હતાં, તેમના વડવાઓ વડોદરા રાજયના ચાંદોદ ગામમાં કંગાલપુરી મહોલ્લામાં રહેતું હોવાનો ઉલ્લેખ ‘રસિકવલ્લભ’ ગ્રંથમાં જોવા મળે છે. પ્રભુરામ ભટ્ટ દયારામના પિતા અને માતાનું નામ રાજકુંવરબાઈ(રાજકોરબાઈ) તેમનું મૂળવનતન ચાંદોદ પરંતુ જન્મ મોસાળના ગામ ડભોઈમાં થયેલ. નાનપણથી સંસ્કારી કુંટુંબના દયારામને નર્મદનો પ્રાકૃતિક પરિસર અને ધર્મનિષ્ટ કુટુંબનો વારસો મળ્યા હતા. નાનપણથી જ કોઈ જ્યોતિષીએ દયારમનું ભવિષ્ય કહ્યું કે “આ છોકરો ખરેખર મોટો ભાગ્યશાળી નીકળશે, પણ તેનું ભાગ્ય ખીલતાં થોડો વિલંબ થશે”- આવા દયારામ સંસ્કૃત શિક્ષા મેળવી નાનપણમાં વિદ્વાન થયાં, અને માતા-પિતાની છત્રછયા ગુમાવી ૧૦ વર્ષની ઉમરે દયારામ પર જવાબદારી આવી તેથી લગ્ન થયાં હતાં છતાં એકલા રહેવાનું નક્કી કર્યુ. ઈચ્છરામભટ્ટ જેવાં જ્ઞાની ગુરુના સમન્વયથી તેની ભક્તિ દ્રઢ બનથી ગઈ.

દયારામના સાહિત્યજીવનમાં જો કોઈ આદર્શ હોય તો તે વ્રજની ગોપી છે, ગોપીભાવથી તેમને પદ, રચના અને ગરબી જેવા સાહિત્ય સ્વરૂપ પર કામ કર્યુ છે. બેક વખત યાત્રા કરી ઠાકોરના સન્મુખ વાણી પવિત્ર કરી સંકિર્તન કર્યુ. દયારામની કવિતા તપાસતા આટલું જીવન વિષયક સંક્ષેપ અનિવાર્ય ઉપયોગી નિવડશે. વિષય અનુષંગિક કૃતિ માટે અહીં દયારામના કેટલાંક પુસ્તકો-ગ્રંથો ઉપલબ્ધ થયાં છે તેને અભ્યાસ સામગ્રી બનાવી છે. જેમાં

1.વાંસલડી- એ.સુમન શાહ
2.રસિક વલ્લભ- ગુજ. વિદ્યાસભા
3. દયારામના કાવ્યો- સં. ડો. સુભાષ મ. દવે
4.દયારામ- ભોગીલાલ સાંડેસરા
5.સારાવલી- પ્રેમરસ ગીતા- ભક્ત કવિ દયારામ – જેવાં ગ્રંથોનો આધાર લીધો છે. શૈશવકાળથી ચિત્તમાં ભક્તિના સંસ્કારોને સ્થિર કરનાર સર્જકે નાની ઉંમરથી સર્જનયાત્રાનો પ્રારંભ કરેલો. એક જગ્યાએ તે નોંધે છે:

“સહુ શંકાનો નિર્ધાર કીધો, મળ્યા ભક્તિનિષ્ઠ:
ભટજી મહારાજ કહાવે, ડાકોરધીશ જેના ઈષ્ટ.”

કવિનું જીવન તપાસતા માલુમ પડે કે તેના મુખ્ય સંગહોમાંથી પસાર થતાં ’રસિકવલ્લભ’, પુષ્ટિપથરહ્સ્ય’, ‘બ્રાહ્મણભક્ત વિવાદ’, ’ભગવદગીતા મહાત્મ્ય’, ‘ભક્તિપોષણ’, ‘રુક્મીણિ વિવાહ’, ‘દશમસ્કંધ લીલાનુક્રમણિકા’, ‘શ્રી કૃષ્ણજન્મ’, ‘સિદ્ધાંતસાર’, ‘શ્રી ભક્તિવિધાન’, ‘પુષ્ટિપથ સારમણિદામ’, ‘નામપ્રભાવ બત્રીસી’, ‘શ્રીપુષ્ટિભક્તમાલિકા’, ‘પ્રેમરસમાધુરી’, ‘રસિયાજીના મહિના’, ‘દાણચોતુરી’- જેવી રચનાઓમાં વૈષ્ણવ પરંપરાનું પ્રતિબિંબ જીલાયું જણાય છે. દયારમની બહુધા રચના કૃષ્ણવિષયક છે. પરંતુ તેને વર્ગીકૃત કરવામાં આવે તો તેના મુખ્ય ભાગ નીચે મુજબ પાડી શકાય.

1) ભગવદ્લીલા ગુણાનુવાદરૂપ
2) સિધ્ધાંતાત્મક
3) ઉપદેશાત્મક
4) પ્રકીર્ણ

આ બધી રચનાઓમાં સ્વરૂપ અંતર્ગત આખ્યાનો, સ્તોત્રો, આશ્રયલીલા જેવાં સિદ્ધાંતો સમાવાયા છે. આ ઉપરાંત શુદ્ધાદ્વૈતવાદ વાળી વાત પણ આવે જ છે. પુષ્ટિસિદ્ધાંતસાર આપતાં તે ગુરૂની ગોવિંદની સાથે તુલના કરે છે. આપણે દયારામની સર્જનયાત્રાના બિંદુને તપાસતા આરંભ ભક્તિ વિષયક રચનાથી કરીએ. ભાગવત અને રામાયણની નવધાભક્તિને પણ અહીં સંદર્ભ તરીકે મુલવીએ તો દયારામની અભ્યાસનિષ્ઠાનો ખ્યાલ આવે.

“આસક્તિ રાખી શ્રવણ કર, શ્રવણ પહેલી ભક્તિ.
કીર્તન, સ્મરણ પછી પદસેવન, અર્ચન વંદન ભક્તિ.

દાસ્તવ ભક્તિ, સખ્યતા, આત્મનિવદન નામ
તે ઉપર દશમી પ્રેમભક્તિ અતિપ્રિય ઘનશ્યામ્”

શ્રીમદ ભાગવતમાં ધૃવજીને ભક્તિનો મહિમા સમજાવતા નવ પ્રકારની ભક્તિ આ રીતે જ કહેવાય છે.

“શ્રવણં કીર્તનં યસ્ય સ્મરણં પાદસેવનમ।
અર્ચનમ વંદનં હાસ્યં સખ્યં આત્મનિવેદમ॥“

પરંતુ, દયારામ પ્રેમને દશમી ભક્તિ ગણાવે છે. આ પ્રેમની અવસ્થા ચાર છે તેવું દયારામ દર્શાવે છે.

“પ્રેમની અવસ્થા ચાર છે- આસક્તિ ત્રણ વિવેક।”
છે વ્યસનની બે અવસ્થા પછી તન્મયતાની એક॥“

ઉપરાંત દશેય અવસ્થામાં મનોચૈતસિક સ્થિતિનું પણ નિરૂપણ કરે છે. વૈષ્ણવ પરંપરાની સેવા, સ્મરણ, કથા, કીર્તન ચાર મુકામો પણ તેમની કવિતામાં દેખાય છે.

“સેવા ન કહાવે સ્નેહવણ, પૂજન વેદ પ્રમાણ.
લહિ દયા પ્રભૂમય જગત, સહુ સંતોષ અર્ચન જાણ.“

વલ્લભાચાર્યના આદેશ મુજબ ‘ચેતસ્વત્પ્રણ્યં સેવા ।‘- આમ, લોકમર્યાદાનું ઉલ્લંઘનને પણ અવગણી ઈશ્ર્વરની સેવ્યની સેવા કરવા મળે તે ગુરુકૃપા હોય તેવું જણાવે છે. ‘ તે સેવાનું ફળ સેવા’ એવું દ્રઢપણે માને છે. સેવા અનન્યભાવથી કરવાની હોય તેથી ભક્તિ અવ્યભિચારિણી હોવી જોઈએ. તેવું માનવામાં આવે છે. તેથી વ્રજસુખનો મહિમા અને કૃષ્ણને વંદન કરતા કવિ કહે છે:

“તે સુખ લૂટયું સહુ વ્રજભક્તેજી, હરિવશ કીધા જાણ્યું જગતેજી” (ર.વ. ૪૭-૧)

અથવા તો

“વંદે સર્વશ્રી કૃષ્ણને, તે કૃષ્ણ પણ આધીન.” (ર.વ.૪૭-૩)

અહીં ભગવદ ગીતાનો ભાવ દેખાય છે. ‘મદ ભક્ત સ મે પ્રિય. । ‘ વૈષ્ણવો પોતાનું સર્વસ્વ ઈશ્વર (કૃષ્ણ) ને જ ગણે પછી તે નિશ્ચિંત બની જાય છે. એક પદમાં દયારામ કહે છે,

“ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે” આમ, મિથ્યાભિમાન રાખી સંસારજીવન ગાળવા કરતાં બધુ ઈશ્વરને સમર્પણ કરવાનીવત કરે છે. સુખ દુ:ખ એના પ્રેરક ઈશ્વર છે તેથી “ સુખ મળવાના બહુ વ્દ્રારથી, પ્રેરક સહુના નંદકુમારજી” માત્ર ઈષ્ટની સેવા કરવી તેવું જ નહી પણ પ્રત્યેક વ્યક્તિની સેવા કરવી. વેદમાં જેને ભગવાન- ‘બ્રહ્મા’ કહ્યો તે પુરાણોમાં ભગવાન છે.

બ્રહ્મનો સ્વભાવ સત્, ચિત્, આનંદપ્રદાન કરનાર છે, રાધાવર જ સર્વદેવોમાં શ્રેષ્ઠ છે, બ્રહમ અને જગત બન્ને સત્ય છે, પ્રત્યેક જીવ પરમાત્મા અંશ છે. જેવાં શુધ્દ્રાવ્દૈતના સિદ્ધાંતો રચાયા છે, જેને તાત્વિક રીતે સંસ્કૃતમાં પુષ્ટિ મળી છે.

· એકો દેવો દેવકીપુત્રમ્ ।

· શોભા સલૂણા શ્યામની તું જો ને સખી ।
શોભા સલૂણા શ્યામની ।
કોટિ કંદર્પને લજાવે એનું મુખડું, ફીકકી પડે છે કળજામિની…
સદગુણસાગર, નટવરનાગર ! સીમા છે એ અભિરામની. તું જોને…

· સર્વના શિરોમણિ શ્રીનાથજી રે લોલ….

· સચ્ચિદાનંદ રુપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ।
તાપત્રય: વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ: ॥ (શ્રીમદ્ ભાગવત મહાત્મ્ય પદમપુરાણ)

· “કરચિત ! ચિંતન કોઈ પ્રકારે, સદાનંદ શ્રીકૃષ્ણ તણું
પરમાનંદ ઊદે થાય, અંતર, ના રહે પાપસંતાપ તણું.”

· “ચિતમાં વ્યાપ્ત જગત પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે,
અહીં વૈકુંઠનું પ્રલોભન પણ ભક્ત સ્વીકારતો નથી.

· “વ્રજ વ્હાલુ રે વૈકુંઠનું નહીં આવું,
નહીં આવુઇં હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું,”

‘ ભક્તિપોષણ’ અને ‘સિદ્ધાંતરહસ્ય’ કે ‘રસિકવલ્લભ’માં જે વૈષ્ણવ પરંપરા અનુષંગિક પ્રસંગોનું નિરૂપણ થયું છે. તે આ મુજબ છે.

ભક્તિપોષણની વૈષ્ણવપરંપરા:-

આરંભ મંગલાચરણથી કરે છે, ગુરુને વંદન કરે છે. મંગલાચરણમાં આરાધ્યદેવ કૃષ્ણની વંદના થાય છે. ત્યારબાદના ભક્તની મહિમાં વર્ણવતું પદ મળે છે. શ્રીરામચરિત માનસમાં પણ માનવજીવનની દુર્લભતા દર્શાવી તે સહજ યાદ આવે છે.

બડે ભાગ માનુષ તનુ પાવા।
સુર દુર્લભ સદગ્રંથ હિ ગાવા॥

અથવા શાંકરમત અનુસાર મનુષ્યત્વ, મુમુક્ષત્વ, મહાપુરૂષસેવનમ્ આ ત્રણ વસ્તુ દુર્લભ બતાવી છે. તે વાતને દયારામ ઉદાહરણથી સરળ કરી આપે છે. ગંગાકિનારે ઉભેલ તરસ્યાં માણસ કૂવો ખોદીને પાણી પીવાનો મિથ્યા પ્રયાસ કરે છે, તેમ સંસારમાં રહી માણસ માયામાં સુખ શોધવા પ્રયત્ન કરે તે મિથ્યા છે.

“હરિ હું શું કરું રે? માયા મારોના મૂકે કેડો.”
“સર્વકામ છોડીને પ્રથમ ગુરૂ ગોવિંદને ભજીએ જી.”
સકળ કામના જેથી સિદ્ધિ વારે તેને ભજીએ શિક્ષા શાણાને….”

અનન્યાશ્રયના પદો પણ મળે છે, માયાવાદ બ્રહ્મવાદની ચર્ચા કરતા પદો પણ આપે છે, અભેદતાને સમજવા માટે ઇકમેવાદ્દિતીયં બ્રહ્મ વધુ કહેવાની જરૂરા જ ન જણાઈ તેમ જ સ્વામિની અને સ્વામીના રૂપમાં ભેદ ન જોવો. અભેદનું લક્ષણ વર્ણવે છે.

“શ્રીકૃષ્ણ રાધાનામ બે વસ્તુત: તો જોતાં એક.” ઉદાહરણ આપે છે.
“જયમ અગ્નિજવાળા, ચંદ્ર કૌમુદિ, સિંધુને વળી છોળ;
કહેવાય ભિન્ન અભિન્ન બધે વસ્તુ એક જ ખોળ.”
ભાતી પટોળું રૂપ છાયા સંગ પ્રગટયા બેહ, ।
જયમ દીપક દીપકથી હુવો સમરૂપ નિ:સંદેહ. ॥

દયારામની નૈષ્ઠિક ભક્તિ કયારેક આક્રમક રૂપ પણ ધારણ કરે કૃષ્ણ સિવાય કે સેવ્યજી સિવાય અન્ય આશ્રમ કરે તો વ્યભિચારી સ્ત્રી જેવું પાપી ગણાય, તેથી અન્યાશ્રયની નિંદાનું પણ એક પદ મળે છે:

“સઘળે સરખી પ્રીત ન સારીજી, ટેક ભક્તિ પ્રભૂ અતિ પ્યારીજી,
અળગા અન્યાશ્રીત ભગવંત, વ્યભિચારીણીથી પ્રેમ કંતજી.”

વળી અનન્યાશ્રયની પ્રશંસા કરતો લખે છે: કે ભક્તિ અધિકારીની હોય.

“શ્રીગિરિધરના ભક્ત સુહાગીજી, પ્રેમરસ ભક્તિતણાં વિભાગીજી,
એ સરજા છે હરિરસ પીવાજી, અણઅધિકારી ન ઉતરે ગ્રીવાજી”

બ્રાહ્મણના લક્ષણો જણાવતાં કહે જે હરિભક્તનો સાધક છે તેની તુલનામાં જગત ખોટું છે, તે જ સાચો બ્રાહ્મણ છે વળી, એક જગ્યાએ ઢાળમાં તો પ્રેમના વિધિનિષેધનો ત્યાગ, પ્રેમભક્તિ, પ્રેમની ચાર અવસ્થા, સ્નેહાવસ્થા, આસકતિ અને વ્યસનાવસ્થાના લક્ષણો છે.

વિધિ નિષેધ ત્યાગ:-

“સૌ નેમ નાશે પ્રેમ પ્રગટેય અનાદિ એ રીત્ય,
તે અનુભવ્યો રસ ગોપીજન, પળપળે નૂતન પ્રીત:”

પ્રેમભક્તિ:-

“આહીર અબલ અધમ જાતિ સકલ સાધન હીન,
અહો પ્રેમ બલ જે અજિત, ઈશ્વર તે તણે આધીન.”

સ્નેહાવસ્થા:-

“તન તપે બહુ જ વિયોગથી, રતિ તેની તે અતિ દીન,
એ પ્રેમ લક્ષણ કહ્યું કિંચિંદ્, ત્યાંનું ત્યાં રહે મન .”

આસક્તિ:-

“એકવાર આખા દિવસમાં વણમળે નવ રહેવાય,
કદીના મળે તો વિકળ થાય, આસક્તિ એ કહેવાય.”

વ્યસનાવસ્થા:-

“ઉર પરસ્પર વીંધાય નવ નવ ખસી શકો કે અણુમાત્ર,
જન દયા પ્રીતમ કૃષ્ણ કરુણા તો વ્યસન રસપાત્ર.”

પ્રેમદશાના સમર્પણ પછી શરીરની ચિંતા છોડી દેવી જોઈએ, તેવું કહેતા લખે છે;

“ભોજન વસન ચિંતા કરી, વૈષ્ણવે ન થવું ઉદાસ,
સહુ વિશ્વ પોષે વિશ્વંભર, કયમ ભૂલશે નિજ દાસ?”

ભગવાનની અવતારવાદની વાતને પણ સુંદર રીતે વ્યક્ત કરતા કૃષ્ણાવતાર પૂર્ણ છે તેવું પ્રતિપાદિત થાય છે:

“સુણ શ્રીજીથી અવતાર સહુ, પણ કારજ કારણ ભેદ.
કો કળા અંશાવેશ વિભૂતિ, કૃષ્ણ અલમ કહે વેદ.”

પુષ્ટિ પ્રયોજન શા માટે ?

“પુષ્ટિ સૃષ્ટિ સહુથી શ્રેષ્ઠજી, શ્રી પુરૂષોતમ જેના ઈષ્ટ જી,
તે પુરૂષોતમ સ્વયમેવજી, દ્વિજકુલ પ્રગટયા વલ્લભદેવજી. “

ત્યારબાદ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત રાધાકૃષ્ણનું સ્વરૂપ, તુલસીમાલા, ઉદ્ર્વપૂંડ ત્રિપુંડ, ચરણામૃત, હરિપ્રસાદ વગેરેના પદો પણ જોવા મળે છે,

‘રસિક વલ્લભા’ના આરંભે ગુરૂવંદના પછી અષ્ટસખા (1) સૂરદાસ (2) કુંભનદાસ (3) પરમાનંદદાસ (4) શ્રીકૃષ્ણદાસ (5) ગોવિંદદાસ (6) નંદદાસ (7) છીતસ્વામી (8) ચતુર્ભૂજદાસને વંદન કરે છે. ૮૪/૨૫૨ વૈષ્ણવોને વંદન કરે છે. બ્રહ્મસંબંધની વાત પણ કરે છે અને સંવાદાત્મક શૈલીમાં આખી સાંપ્રદાયિકતાને પદબધ્ધ કરી લોકાભિમુખ કહે છે. પરંતુ આમા સાંપ્રદાયિલ વિધિ-નિષેધોનું પ્રયોજન એક મર્યાદાના ભાગારૂપે આવે છે. પરંતુ કેટલાંક વાંસળીને સંબધીને ‘વાંસલડી’માં જે ગીતો મળે છે, કૃષ્ણની નટખટ બાળલીલાના ચિત્રો મળે છે તે સર્વ ભાવકના ચિત્તને ઝંકૃત કરનારા બની રહે છે.

દયારામની સર્જકતાને મુલવીએ તો તેનું મોટાભાગનું જીવન ભક્તિપ્રવર્તન અને વૈષ્ણવ પરંપરામાં પસાર થયેલ જાણ્યું છે, પરંતું તેની કેટલીક કાળખંડને પણ વળોટી ચિત્તને પ્રસન્નકર રચનાઓ આ મુજબ છે.

દયારમની સર્વકાલીન કૃષ્ણભક્તિની કવિતાપંક્તિઓ..

· “કામળ દીસે છે અલબેલા ! તારી આંખમાં રે !
ભોળુ ભાખમાં રે ! કામણ દીસે છે અલબેલા ! “

· હું શું જાણું વ્હાલે મુજમાં શું દીઠું ?
વારે વારે સામુ ભાળે, મુખ લાગે મીઠું ?

· શ્યામરંગ સમીપે ન જાવું
મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાવું

· હાંવાં હુ સખી !નહીંબોલું રે નંદકુવર સંગે,
મુને ‘શશીવદની’ કહી છે ત્યારથી દાઝ લાગી છે અંગે…

· વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહી આવું, મને ન ગમે ચતુર્ભુજ થાવું ત્યાં નંદકુવર ક્યાંથી લાવું ?…

· લોચનમનનો રે કે ઝઘડો લોચનમનનો રે ।

· રસિયા તે જનનો રે ! કે ઝઘડો લોચનમનનો રે !

આમ, તો કેટકેટલી પંક્તિઓ નોંધી શકાય પ્રસ્તુત નિરીક્ષણોના આધારે સૈદ્ધાંતિક રીતે પણ મધ્યકાલનો આ અંતિમ ધૃવતારક વૈષ્ણવ સંપ્રદાયનો એક આગવો અવાજ બની ‘યાવદ્ ચન્દ્ર દિવાકરૌ’ બની રહે છે.

– તરુણ મહેતા


આપનો પ્રતિભાવ આપો....

One thought on “દયારામની કવિતામાં વૈષ્ણવ પરંપરાનું અનુસંધાન – તરુણ મહેતા