ચાર ગઝલરચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ 4


‘પરબીડિયામાં હવા મોકલી છે..’ અને ‘હું હવે કાગળ ઉપર’ એવા બે સુંદર ગઝલસંગ્રહ આપણને આપનારા કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો ઘણાં વખતે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. દરેક ગઝલને ભવપૂર્વક સંભળાવતા, એ ગઝલો પરના પ્રતિભાવોને ગંભીરતાથી લેતા જિતેન્દ્રભાઈ ખૂબ સંવેદનશીલ કવિ છે, એમની ગઝલોમાં એમનું ભાવવિશ્વ, અનુભૂતિ અને અનુભવો ઉડીને આંખે વળગે છે. આજની તેમની ચારેય ગઝલો પણ એ જ સંવેદના લઈને આવે છે. આ ગઝલો અક્ષરનાદને પાઠવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને મબલખ શુભકામનાઓ.

Jitendra Prajapati

૧. દિવસો

આપ સાથે વહાલના દિવસો,
હા, હતા એ કમાલના દિવસો.

ક્યાં ટકે છે કશુય પણ કાયમ,
ક્યાંય ઊડ્યા ગુલાલના દિવસો.

ભૂખ કાજે ઘણુંય વેચ્યું છે,
યાદ છે ભાવતાલના દિવસો.

વેરવિખેર થઇ પડી છે છત,
હાલ ચાલે, દીવાલના દિવસો.

મા વિના બાળપણ વિતાવ્યું દોસ્ત,
ના વીતે આજકાલના દિવસો.

૨. અંધાર યાદ છે.

ભીંતો પડ્યા પછીનો ભેંકાર યાદ છે,
અમને હજુય ઘરનો ચિત્કાર યાદ છે.

કેવી હતી ક્ષણો એ ખૂંખાર, યાદ છે ;
મા ના મરણ પછીનો અંધાર યાદ છે.

પૂછો, બધાય વૃક્ષો કહેશે વ્યથા તરત,
કે એને પાનખરનો હર વાર યાદ છે.

અજવાસ બાબતે દીવો શું કહે હવે,
એને ફક્ત હવા જ બેસુમાર યાદ છે.

એની ઉપર હતા માળા, કેમ એ ભૂલે;
તૂટેલી ડાળખીને ટહુકાર યાદ છે.

૩. હવા યાદ આવી

કમળથી ય કોમળ ત્વચા યાદ આવી,
મને જ્યાં અચાનક હવા યાદ આવી.

અમે તાપ વિશે જ્યાં મૌસમને પૂછ્યું,
તરુની જ એને વ્યથા યાદ આવી.

જુઓ એ ય તરડાઈ તરડાઈ તૂટ્યો,
અરીસાને મારી દશા યાદ આવી?

કદી જોયું પંખી જ્યાં ઊડતું ગગનમાં,
મને મા ના મનની જગા યાદ આવી.

ઊડ્યુ છાપરું તો થઈ લાગણી ત્યાં,
દીવાલોની તમને જરા યાદ આવી?

૪. સમયના તરુ પર

હવાની ઊતર-ચડ થતી જાય છે,
જીવનમાં સતત તડ થતી જાય છે.

વિચારું હવે શું હું તારા વિશે,
સમજ પણ હવે જડ થતી જાય છે.

વધે છે દિવસ રાત સોં સોં ગણી,
હયાતી કબીરવડ થતી જાય છે.

જખમ! જિંદગીમાં પધારો હવે,
તમારી જ સગવડ થતી જાય છે.

સમયના તરુ પર વસી પાનખર,
ક્ષણો સાવ ઉજ્જડ થતી જાય છે.

– જિતેન્દ્ર પ્રજાપતિ

બિલિપત્ર

જીવવાનું એ ક્ષણે દુષ્કર હતું
આંખ સામે જ્યાં સળગતું ઘર હતું.

– જિતેન્દ્ર પ્રજાપતિ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ચાર ગઝલરચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ