દયારામની કવિતામાં વૈષ્ણવ પરંપરાનું અનુસંધાન – તરુણ મહેતા 1
ગુજરાતી સાહિત્યના મધ્યકાલમાં આપણે ભક્તિ જ્ઞાનપ્રેરક રચનાનું એક ઘોડાપુર જોઈ શકીયે છીએ. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ ગુજરાતીભાષાને સામાજિક સંસ્કારોથી ઘડે છે. ભક્તિમાર્ગ પ્રવર્તક નરસિંહ વ્યાવહારિકિ રીતિમાં પણ ભક્તિનો પ્રવેશ કરાવે છે. તેથી તેના આત્મકથનાત્મક પદો ‘હૂંડી’, ‘હાર’, ‘મામેરું’, ‘શામળશાનો વિવાહ’માં આ પ્રકારના સંસ્કારો દેખાય છે. જ્ઞાન અને ઉપદેશની અનિવાર્યતા તે સમયનું કદાચ જરૂરી પરિબળ હશે પણ નરસિંહથી શરૂ થયેલી કવિ પરંપરા વ્યવહાર જીવનમાં પણ ભક્તિપ્રધાન કેમ રહેવું તેનું નિદર્શન કરે છે. આથી અખો, પ્રેમાનંદ, ભાલણ, નાકર, મીરાં જેવાં અગ્રહરોળના કવિઓના જીવનમાં પણ ભક્તિ આંદોલનનું ખૂબ મહાત્મ થયું છે.