અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. આજે એમની ત્રણ સુંદર રચનાઓ પ્રસ્તુત કરી છે. આશા છે વાચકમિત્રોને શ્રી ગનીચાચાની આ ત્રણેય રચનાઓ રસતરબોળ કરી દેશે.
૧. મેઘાણી
અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી!
નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી!
હવે હે, મોરલા! તારો અષાઢી કંઠ ક્યાં મળશે!
કવનનાં વૃક્ષ પર ખાલી છે તારી ડાળ, મેઘાણી!
સ્મરણમાં નિત નવા લેબાસમાં હું જોઉં છું તુજને,
કદી સાફો, કદી વાંકડિયા તારા વાળ, મેઘાણી!
કદી અંધારમાં ‘ઇન્સાનિયતના દીવડા’ આપ્યા,
કદી ‘ધરતીનું ધાવણ’ દઈ ઉછેર્યાં બાળ, મેઘાણી!
વગાડી તેં નજાકતથી કદી ‘ટાગોરની વીણા’
સરળતાથી સુણાવ્યા ચારણોના ઢાળ, મેઘાણી!
અચાનક તેં સભામાંથી ઊઠીને ચાલવા માંડ્યું,
બધા શ્રોતાઓને હૈયે પડી ગઈ ફાળ, મેઘાણી!
૨. ફૂલદાની
વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.
તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન0?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને.
તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને.
તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.
સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને.
મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.
બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.
ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.
૩. કવિ-ધર્મ
છે ઘણો નાજુક સમય, સંજોગ લેજે સાચવી;
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ!
જે દિશામાં જાય છે માનવરૂપી ગાયોનું ધણ,
ત્યાં નથી સંતોષનાં વારિ, છે કેવળ શુષ્ક રણ,
એને પાછું વાળી, મીઠી મોરલીનાં દૈ શ્રવણ
દે કનૈયા, શાંતિની જમનાનો મારગ દાખવી,
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ!
મૃગને નાભિમાં રહેલી કસ્તુરીનું થાય ભાન,
એ મહેકનું સર્વ શ્વાસોચ્છવાસને દેવાય દાન;
વનનો એક ખૂણો નહીં, મહેકી ઊઠે આખું જહાન,
ભેટ દુનિયાની રહી દુનિયા સુધી પહોંચાડવી
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ!
જિંદગી પૂરવ દિશા સરખી પ્રભાતે ઝળહળે,
પ્રાણ જીરવે એટલી મધ્યાહને ઉષ્મા મળે;
રંગ સંધ્યાના સદાયે સૂક્ષ્મ દ્રષ્ટિમાં ભળે,
રાખવી છે એમ કુદરતની કળાને જાળવી,
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ!
પંક હો ભીતર મલિન તેથી સરોવર હોય ના,
સત્યના મોઢા પરે શંકાની ચાદર હોય ના;
હો અસુંદર દ્રશ્ય પણ દ્રષ્ટિ અસુંદર હોય ના,
પાનખરની વાત ફૂલોને નથી સંભળાવવી,
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ!
– ગની દહીંવાલા
અક્ષરનાદમા એક સાથે સો ઉપર પદ્ધ્ય રચનાઓ અત્રે ઉપલબ્ધ હતી તે અત્રે ક્યાં જોવા મળે ? તમરો આ વિષે જવાબ શું છે ?
રમેશભાઈ,
અક્ષરનાદ પર એક સાથે સો ઉપરાંત પદ્યરચનાઓવાળી કોઈ પોસ્ટ નથી..
અક્ષરનાદમા એક સાથે સો ઉપર પદ્ધ્ય રચનાઓ અત્રે ઉપલબ્ધ હતી તે અત્રે ક્યાં જોવા મળે ?
કવિએ તો એમનું કર્મ કરી લીધું, આપણને આંગલી ચીંધી દીધી , જગતમાં કવિનો સંદેશ પહોંચાડવાનું કામ હવે આપણા શિરે છે.
મેઘાણી માટે તો આથી વિશેષ આપણે કશું કહીજ ના શકીએ.
ફૂલદાનીના ફૂલો તો ક્યારેક કરમાશે પણ કાવ્યના કુસુમો તો કદીયે નહીં કરમાય.