શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૪)


પ્રકરણ ૪

ડિસેમ્બરની એક વહેલી સવારે ઇત્ઝાક સ્ટર્ન, ઓસ્કર શિન્ડલરને બીજી વખત મળ્યો. ‘રેકોર્ડ’ કંપનીને લીઝ પર લેવા માટેની શિન્ડલરની દરખાસ્ત તો પોલિશ કોમર્શિઅલ કોર્ટ પાસે પહોંચી ગઈ હતી, તે છતાં સમય કાઢીને ઓસ્કર બકાઇસ્ટરની ઓફિસની મુલાકાતે જઈ પહોંચ્યો. આઓ સાથે વાતચીત કર્યા પછી, સ્વાગતકક્ષમાં સ્ટર્નના ટેબલ પાસે જઈને એ ઊભો રહ્યો, અને તાળીઓ પાડતાં-પાડતાં, કોઈ શરાબી જેવા અવાજે, જાહેરાત કરતો હોય એમ બોલવા લાગ્યો. “કાલે શરૂ થશે. જોસેફા અને ઇઝાકા સ્ટ્રીટમાં બધાને ખબર પડી જશે!”

જોઝફા અને ઇઝેકા, બંને સ્ટ્રીટ કાઝીમર્ઝની વસાહતમાં આવેલી હતી. આમ તો દરેક વસાહતમાં આવી સ્ટ્રીટ હતી. કાઝીમર્ઝ એ ક્રેકોવની જૂની વસાહતની જગ્યા હતી. એક સમયે મહાન રાજા કાઝીમિઅર દ્વારા આ ટાપુ, યહૂદી સમાજને ભેટ આપવામાં આવ્યો હતો. હવે તો એ ટાપુ વિસ્તુલા નદીના એક ખૂણે આવેલું, શહેરનું એક ઉપનગર માત્ર બની ગયો હતો!

શિન્ડલર સ્ટર્નની ઉપર ઝૂક્યો. તેના બ્રાંડીભીના ઉચ્છ્વાસે સ્ટર્નના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવવા લાગ્યોઃ

શિન્ડલરને શું ખરેખર ખબર હશે, કે જોસેફા અને ઇઝાકા સ્ટ્રીટમાં શું બનવાનું છે? કે પછી એ આમતેમ ગપ્પા જ મારી રહ્યો છે? ગમે તે હોય, સ્ટર્નના મનમાં એક ધૃણાભરી નિરાશા ઊભરી આવી. શિન્ડલરનો ઇશારો, યહૂદીઓ સામે લેવાનારા પગલાં તરફ જ હતો. અસ્પષ્ટ શબ્દોમાં કદાચ એ બડાશ હાંકી રહ્યો હતો… સ્ટર્નને તેનું સ્થાન બતાવી રહ્યો હતો…!

એ ત્રણ ડિસેમ્બરનો દિવસ હતો. જો કે સ્ટર્ન એવું સમજ્યો હતો, કે ‘કાલ’ શબ્દ દ્વારા ઓસ્કર ડિસેમ્બરની ચોથી તારીખની નહીં, પરંતુ આવનારા ભવિષની વાત કરતો હતો! દારુડિયા કે પયગંબરો ભવિષ્યમાં ઘટનારી અપેક્ષિત અથવા ઇચ્છિત ઘટના વિશે વાત કરતા રહેતા હોય છે એમ જ! ઑફિસમાં જેમણે-જેમણે શિન્ડલરની વાત સાંભળી, તેમાંથી બહુ થોડા લોકોએ નશામાં ઉચ્ચારાયેલી એ વાતને સાચી માની, પરંતુ એટલા લોકોએ સામાન બાંધીને રાતોરાત પોતપોતાનાં કુટુંબોને નદીપાર પોજોર્ઝ ભેગાં કરી દીધાં હતાં!

જ્યારે ઓસ્કરના મત મુજબ, એણે થોડું જોખમ લઈને પણ બધાને જાણ કરી દીધી હતી! આ સમાચાર તેને પોતાના હમણાં નવા જ બનેલા મિત્રો પાસેથી મળ્યા હતા. એ નવા મિત્રોમાંનો એક અધિકારી તો એસએસ પોલીસ ચિફના સ્ટાફ સાથે સંકળાયેલો સર્જન્ટ હરમન ટોફેલ નામનો પોલીસ હતો. બીજો ડીટર રીડર હતો, જે એસડી ચિફ ઝરદા સાથે સંકળાયેલો હતો. આ બંને સંપર્કોને યહૂદીઓ પ્રત્યે સહાનુભૂતી હોવાને કારણે શિન્ડલર તેમની પાસેથી એ માહિતી મેળવી શકતો હતો.

જો કે એ ડિસેમ્બરમાં, સ્ટર્ન સાથે આ બધી વાતો કરતી વેળાએ, ઓસ્કર તેની પાસે પોતાનું પ્રયોજન સ્પષ્ટ કરવામાં બહુ સફળ રહ્યો ન હતો. બોહેમિયા અને મોરાવિયા પર જર્મન કબજાના એ સમય દરમ્યાન કેટલીયે યહૂદી અને ચેક સંપત્તિઓ ખૂંચવી લેવાના બનાવો બન્યા હતા. યહૂદી વિસ્તારોને જર્મન વિસ્તાર તરીકે ઘોષિત કરીને, નવા કાયદાઓનો વિરોધ કરવા બદલ યહૂદી અને ચેક પ્રજાને ત્યાંથી ધકેલી મૂકવાના બનાવો તો પોતે નજરે જોયા હોવાની વાત આગળ જતાં, ઓસ્કરે જ કહી હતી. ન્યૂસબાઉમને પચાસ હજાર ઝ્લોટીની રકમની મદદ કર્યા જેવી ઘટનાઓની પુષ્ટિ તો મળી નથી શકતી, પરંતુ તેની સામે, ઓસ્કરની તરફેણ કરી શકે તેવા, તેણે સ્ટર્ન પાસે કબુલેલા ગુપ્ત માહિતી જેવા અઢળક પુરાવા મળી આવે છે!

ક્રેકોવના યહૂદીઓની જેમ ઓસ્કરે પણ ધારણા રાખી હશે, કે શરૂઆતમાં કડપ દાખવ્યા પછી રાજ્યતંત્ર ઢીલ મૂકી દેશે, અને લોકોને શ્વાસ લેવાની મોકળાશ આપશે. તેને એમ પણ હતું, કે આવનારા થોડા મહિનાઓ દરમ્યાન પડનારા એસએસના દરોડા અને આક્રમણોની આગોતરી ગુપ્ત માહિતીને જાહેર કરી દઈને નુકસાનીમાંથી બચી શકાય, તો વસંતઋતુ આવતાં સુધીમાં તો એની મેળે શાંતિ સ્થપાઈ જવાની! ઓસ્કર અને યહૂદીઓને એક આશ્વાસન એ હતું, કે જર્મની આખરે તો એક સંસ્કારી રાષ્ટ્ર હતું.

એસએસ દ્વારા કાઝીમર્ઝ પર કરવામાં આવેલા આક્રમણને કારણે ઓસ્કરના મનમાં એક સ્વાભાવિક નફરત ઘર કરી ગઈ હતી. જો કે, ઓસ્કર જે પ્રમાણમાં પૈસા બનાવી રહ્યો હતો, સ્ત્રીઓનું મનોરંજન કરી રહ્યો હતો, કે મિત્રો સાથે ભોજન લઈ રહ્યો હતો એ જોતાં, એ બધી બાબતો પર આ નફરતની હજુ સુધી કોઈ અસર થઈ ન હતી! પરંતુ સત્તા ધારણ કરવાના જર્મનીના ઇરાદાઓ સ્પષ્ટ થવાની સાથે-સાથે, ઓસ્કર જે રીતે આગળ વધી રહ્યો હતો, ફેક્ટરીઓ પર કબજા મેળવી રહ્યો હતો, તેને માટે પોતાની જાતને તે જે રીતે જોખમમાં નાખી રહ્યો હતો અને અન્યોની ચાપલુસી પણ કરતો હતો, એ બધા પર તો જરૂર એ આક્રમણની અસર થવાની હતી. યહૂદીઓ પર છાપો મારવા પાછળ જર્મનોનો ઉદ્દેશ આંશિક રીતે, યહૂદીઓએ છૂપાવેલાં ઝવેરાત અને ફરને કબજામાં લેવાનો પણ હતો! ક્રેકોવ અને કાઝીમર્ઝ વચ્ચેના સમૃદ્ધ સીમા-વિસ્તારમાં કેટલાંક એપાર્ટમેન્ટ અને ઘરોને તેઓ ખાલી પણ કરાવવા માગતા હતા. પરંતુ, આવાં ઉપરછલ્લાં પરિણામો ઉપરાંત, આ પહેલો હુમલો કરીને, જૂના યહૂદી વિસ્તારમાં રહેતા હતાશ થઈ ચૂકેલા લોકોને એક નાટકીય ચેતવણી આપવાનો ઇરાદો પણ આક્રમણકારીઓ રાખતા હતા. રીડરે ઓસ્કરને કહ્યા મુજબ, જર્મન લશ્કરના આઇઝેટ્ઝગ્રુપેનની એક નાનકડી ટૂકડી સ્થાનિક એસએસ અને પોલિસોની સાથે જ ટ્રકમાં બેસીને સ્ટ્રેડમ થઈને કાઝીમર્ઝમાં પ્રવેશવાની હતી.

આક્રમણકારી લશ્કરની સાથે આઇઝેટ્ઝગ્રુપેનની છ ટૂકડીઓ પોલેન્ડમાં પ્રવેશી હતી. એ ટૂકડીઓનું આ નામ બહુ જ અર્થસભર હતું.

આમ તો આઇઝેટ્ઝગ્રુપ શબ્દનો નજીકનો અર્થ તો “ખાસ-કાર્યદળ” થઈ શકે. પરંતુ આઇઝેટ્ઝ જેવા અનેકાર્થી શબ્દની સાથે બીજી અનેક અર્થ-છટાઓ ભળેલી હતી! દા.ત. પડકાર આપવો, સજા આપવી, ખિતાબ આપવો, વગેરે. આ ટૂકડીઓને હેઇડરિકની સુરક્ષાસેવા દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી. આ ટૂકડીઓને પણ ખબર હતી કે પોતાને આપવામાં આવેલા હુકમોના અનેક અર્થ થતા હતા. ટૂકડીઓના સર્વોચ્ચ વડાએ છ અઠવાડિયાં પહેલાં જનરલ વિલહેલ્મ કિટેઇલને કહેલું, કે “પોલેન્ડની જર્મન સરકારમાં રાષ્ટ્રીય અસ્તિત્વ માટે ખુંખાર લડાઈ થશે, જ્યાં કાયદેસરના સંયમને કોઈ જ અવકાશ રહેવાનો નથી!” નેતાઓના આડંબરી ભાષણો વચ્ચે, આઇઝેટ્ઝના સૈનિકો જાણતા હતા, કે ‘રાષ્ટ્રીય અસ્તિત્વ’નો અર્થ ‘વંશીય યુદ્ધ’ થતો હતો, જે રીતે આઇઝેટ્ઝ શબ્દનો પોતાનો અર્થ પણ “ખાસ લડાયક ફરજ”, અથવા તો “તોપનું ગરમાગરમ નાળચું” પણ થતો હતો!

કાઝીમર્ઝમાં હુમલા માટે તૈનાત કરવામાં આવેલી ટૂકડી શ્રેષ્ઠ ચુનંદા જર્મન સૈનિકોની બનેલી હતી. રહેવાસીઓ પાસેની હીરાજડિત વિંટીઓ અને તેમના ફરના કોટ જપ્ત કરવા જેવાં હલકાં ગણાતાં કામ ક્રેકોવના એસએસ સૈનિકોને સોંપીને, આઇઝેટ્ઝ પોતે તો ખાસ મહત્ત્વના પ્રતિકાત્મક કાર્યોમાં રત રહેતા હતા. યહૂદી સંસ્કૃતિના આગવા વાહક એવા ક્રેકોવના પૌરાણિક સિનાગોગ સાથે આઇઝેટ્ઝ પોતે જ કામ પાડવાના હતા!

આ કામ માટે ફાળવાયેલી ક્રેકોવની સ્થાનિક એસએસની ખાસ ટૂકડીઓ અને આઇઝેટ્ઝની ટૂકડીઓ, એસડીના વડા ઝરદાની સુરક્ષા પોલિસની માફક કેટલાક અઠવાડિયાઓથી આ કામની રાહ જોઈને ટાંપીને બેઠી હતી. પોલેન્ડનું મિલિટરી શાસનમાંથી લોકશાહીમાં પરિવર્તન થઈ જાય ત્યાં સુધી આ ઓપરેશનને સ્થગિત કરવા માટે આર્મિએ હેઇડરિક અને ઉચ્ચ પોલિસવડા સાથે સમાધાન કર્યું હતું. સત્તાનું આ હસ્તાંતરણ પૂરું થઈ ચૂક્યું હતું. આઇઝેટ્ઝના વડાઓને અને જર્મન કમાન્ડોને, યહૂદીઓના વંશીય ઇતિહાસ અંગે જરૂર પૂરતી જાણકારી આપી દેવામાં આવી હતી. યહૂદી વસાહતોનો ખાતમો બોલાવતી વેળાએ, યહૂદીઓ સાથે સંપૂર્ણપણે વ્યાવસાયીક અલિપ્તતા જાળવવાની સૂચના આપીને તેમને આગળ વધવા માટે એક સાથે છૂટ્ટા મૂકી દેવામાં આવ્યા હતા!

જર્મન સરકાર વતી હેન્સ ફ્રેંક જે જગ્યાએથી વહીવટ ચલાવતો હતો, એ વેવેલના કિલ્લાના કાળમિંઢ અવશેષોનો ઢગલો રસ્તાના છેડે આવેલા ઓસ્કરના એપાર્ટમેન્ટ પાસે પડ્યો હતો. પોલેન્ડમાં ઓસ્કરના ભવિષ્યને સમજવું હોય, તો ફ્રેંક, એસએસ અને એસડીના યુવાન અધિષ્ઠાતાઓ વચ્ચેની, અને એ પછી ફ્રેંક અને ક્રેકોવના યહૂદીઓ વચ્ચેની સાંઠગાંઠને સમજવી જ પડે!

પહેલી વાત તો એ, કે કાઝીમર્ઝમાં ઘૂમી રહેલી આ ખાસ ટૂકડીઓ પર હેન્સ ફ્રેંકનું ખરેખર કોઈ જ નિયંત્રણ ન હતું! હેઇનરિક હિમલરના પોલીસદળો જ્યાં-જ્યાં પણ તૈનાત હતા, એ બધી જ જગ્યાએ પોતાના આગવા કાયદા અમલમાં મૂકતા હતા. તેમને જે કોઈ આગવા અધિકાર મળ્યા હતા, તેના પ્રત્યે ફ્રેંક નારાજ હતો. તે ઉપરાંત, વ્યવહારૂ દૃષ્ટિએ પણ ફ્રેંક તેમની સાથે સહમત ન હતો. યહૂદી પ્રજા પ્રત્યે જેટલો સખત અણગમો પાર્ટીના અન્ય સદસ્યોને હતો, એટલો જ સખત અણગમો ફ્રેંકને પણ હતો! યહૂદીઓની આટલી વિશાળ વસ્તીને કારણે ક્રેકોવ તેને માટે અસહ્ય થઈ પડ્યું હતું! છેલ્લાં અઠવાડિયાંઓ દરમ્યાન સરકારી વિસ્તારોને, અને ખાસ કરીને ક્રેકોવના રેલવે જંક્શનને, વાર્થીલેન્ડ, લોડ્ઝ અને પોઝનાનથી લાવવામાં આવેલા યહૂદીઓને ઠાલવવાના મેદાન તરીકે વાપરવામાં આવી રહ્યા હતા, જેની સામે તેણે અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી. પરંતુ આઇઝેટ્ઝગ્રુપેન કે જર્મન કમાન્ડોઝ દ્વારા અપનાવવામાં આવતી હાલની રીતભાતમાં કોઈ ફરક પડે એવું એ માનતો ન હતો, અને આ બાબત જ મુસીબતની જડ બને તેમ હતી. તરંગી હિમલરનો મત તો એવો હતો, કે લ્યૂબિન અને તેની આજુબાજુના વિસ્તારમાં, કે પછી તેનાથી પણ ઉત્તમ એવી એવા મેડાગાસ્કર ટાપુ પર, યહૂદીઓ માટે માત્ર એક જ વિશાળ કોન્સન્ટ્રેશન કેમ્પ બનાવવો જોઈએ! તેના આ વિચાર સાથે ફ્રેંક પણ સહમત હતો!

પોલેન્ડવાસીઓ પોતે પણ, યહૂદીઓને પોલેન્ડમાંથી બહાર બીજે ક્યાંક રવાના કરી દેવા માટે મેડાગાસ્કરને પહેલેથી જ પસંદ કરતા હતા. ૧૯૩૭માં પોલિશ સરકારે યુરોપના કિનારાથી દૂર આવેલા, ઊંચી પર્વતમાળાઓ ધરાવતા એ ટાપુનો અભ્યાસ કરવા માટે એક મંડળ પણ મોકલ્યું હતું. મેડાગાસ્કરની માલિક એવી ફ્રેન્ચ કલોનિઅલ ઑફિસ, બબ્બે સરકારો સાથે યહૂદીઓને મેડાગાસ્કરમાં પુનઃસ્થાપિત કરવા માટેનો સોદો કરવા માટે તત્પર હતી. તેમની દૃષ્ટિએ યુરોપના યહૂદીઓથી ખીચોખીચ ભરાયેલું મેડાગાસ્કર નિકાસ માટેનું એક ઉમદા બજાર બની રહે તેમ હતું. સાઉથ આફ્રિકન સંરક્ષણ મંત્રી ઓસ્વાલ્ડ પિરોવ, આ ટાપુના મુદ્દે થોડા સમય માટે હિટલર અને ફ્રાન્સ વચ્ચે વાટાઘાટાકાર તરીકે રહ્યા હતા. આમ યહૂદીઓની સમસ્યાના ઉકેલરૂપે, એક ઉત્તમ સ્થાન તરીકે મેડાગાસ્કરનું ખાસ મહત્વ હતું! હેન્સ ફ્રેંક યહૂદીઓના નિકાલ માટે આઇઝેટ્ઝગ્રુપેન પર આધાર રાખવાને બદલે મેડાગાસ્કર પર દાવ લગાડવા તૈયાર હતો.

તેનું કારણ એ હતું, કે, પૂર્વ-યુરોપની આ ઉતરતી કોટીની માનવવસ્તીની સંખ્યામાં છૂટાછવાયા હુમલાઓ કે મારકાપ દ્વારા ઘટાડો થઈ રહ્યો ન હતો! વૉરસોની આજુબાજુ ચલાવવામાં આવેલા અભિયાન દરમ્યાન, આઇઝેટ્ઝગ્રુપેન દ્વારા ઝાલિસિયા વિસ્તારના કેટલાયે યહૂદીઓને સિનાગોગમાં જ લટકાવીને અને તેમના પર પાણીનો મારો ચલાવી, તેમની પાંસળીઓ તોડી નાખીને મારી નાખવામાં આવ્યા હતા. રજાના કે તહેવારના દિવસે તેમના ઘરો પર છાપા મારીને, તેમના પવિત્ર ગણાતા વાળ કાપી નાખવામાં આવ્યા હતા, તેમની પ્રાર્થનાની શાલને આગ લગાડી દેવામાં આવી હતી, અને છેવટે ભીંત પાસે ઊભા રાખીને તેમને ગોળીએ દઈ દેવામાં આવ્યા હતા. મૃતદેહોની તો કોઈ ગણતરી જ રહી ન હતી! ફ્રેંકના કહેવા મુજબ, ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ જોવા મળે છે, કે જેમાં આફતમાં આવેલી પ્રજા ભયાનક નરસંહાર છતાં પણ બચી જતી હોય છે. વસ્તીના નવસર્જનની પ્રક્રિયા બંદુકની ગોળી કરતાં પણ વધારે ઝડપી છે!

યહૂદીઓના નિકાલનો માર્ગ શોધવાની ચર્ચામાં સામેલ એક પણ પક્ષ, પહેલી ટ્રકમાં સવાર આઇઝેટ્ઝગ્રુપના ભણેલ-ગણેલ યુવાનો, બીજી ટ્રકમાં સવાર એસએસના થોડા અણઘડ સૈનિકો, સિનાગોગમાં સાંજની પ્રાર્થનામાં સામેલ શ્રદ્ધાળુઓ કે પછી ભોજન માટે પાર્ટીમાં જવા તૈયાર થવા માટે પોતાને ઘેર સ્ત્રેસ્કિગો તરફ જઈ રહેલા ઓસ્કર શિન્ડલર અને પાર્ટીના આયોજકો, આ બધામાંથી કોઈ જ એ જાણતું ન હતું કે હવે, યહૂદીઓના નિકાલ માટે તેમને મેડગાસ્કર મોકલી આપવાને બદલે, ઝાયક્લોન બી નામના જંતુનાશક પદાર્થને એક ટેકનોલોજીકલ ઉપાય તરીકે કામે લગાડવાનું નક્કી થઈ ચૂક્યું હતું!

હિટલરની માનીતી એક અભિનેત્રી-ફિલ્મ દિગદર્શક લેની રિફીન્સ્ટાલ સાથે એક ઘટના બની ગઈ હતી. બન્યું એવું, પોતાની કેમેરા ટીમની સાથે ફરતી-ફરતી લોડ્ઝ શહેરમાં જઈ પહોંચી હતી. સર્વનાશ પામી ચૂકેલા એ શહેરમાં પ્રાર્થનાની મુદ્રામાં બેઠેલા યહૂદી જેવા દેખાતા કેટલાયે લોકોની ઓટોમેટિક રાયફલો દ્વારા વિંધી નખાયેલી લાશોને લેની જોઈ ગયેલી. દક્ષિણી આર્મિ વડામથકમાં ફ્યૂહરર પાસે જઈને લેનીએ કાગારોળ મચાવી દીધેલી! પછી તો પૂછવું જ શું? લશ્કરી સામાનની થઈ રહેલી હેરફેર અને હત્યાનો આવડો મોટો આંકડો જાહેર થતાં જનસંપર્કના માધ્યમોમાં હાહાકાર ફેલાઈ ગયો હતો, અને આ બધાને કારણે આઇઝેટ્ઝને નીચા જોણું થયેલું! પરંતુ એમ તો, જ્યાં કોઈ જ આધુનિક કેમેરામેનના પહોંચવાની શક્યતા ન હતી એવી, પૂરતી વિનાશક વ્યવસ્થા ધરાવતી, સેન્ટ્રલ યુરોપમાં બનાવેલી સ્થાયી જગ્યાઓમાં વસતા એ ઊતરતી કોટિના માણસો પર આક્રમણ કરાયાની જાણકારી પણ બધે જ ફેલાઈ ગઈ હતી! આથી હવે યહૂદીઓને મેડાગાસ્કર મોકલી આપવાની વાતો કરવી એ નર્યું હાસ્યાસ્પદ જ લાગવાનું હતું!

બકાઇસ્ટરની ઑફિસના સ્વાગતકક્ષમાં ઊભા રહીને ઓસ્કરે સ્ટર્નને ચેતવ્યો હતો, બરાબર એ જ પ્રમાણે, એસએસ દ્વારા જેકોબા, ઇઝેકા અને જોસફામાં ઘેર-ઘેર આર્થિક દરોડા પાડવામાં આવ્યા! એપાર્ટમેન્ટના દરવાજા તોડીને યહૂદીઓનાં ઘરોમાં ઘૂસીને, કબાટોમાંથી કાઢી-કાઢીને ચીજવસ્તુઓને નીચે ફેંકી દેવામાં આવી, ટેબલોનાં ખાનાં પર લાગેલાં તાળાં પણ તોડી નાખવામાં આવ્યાં!

યહૂદીઓના હાથના કાંડા અને તેમની આંગળીઓ પરથી કે ડોકમાંથી કિમતી ઘરેણાં ખેંચી લેવામાં આવ્યાં. ફરનો કોટ ઉતારી આપવામાં આનાકાની કરતી એક યુવતીનો હાથ તોડી નાખીને પણ કોટ ઊતારી લેવામાં આવ્યો! સ્કિઇંગનો સામાન રાખી મૂકવાની જીદ કરતા એક યુવાનને વીંધી નાખવામાં આવ્યો!

જેમનો સામાન લુંટાયો હતો, એ બિચારાઓને તો ખબર પણ ન હતી, કે એસએસ પર પોલેન્ડના કાયદાનું કોઈ જોર ચાલવાનું ન હતું! એટલે એ બિચારા તો બીજા દિવસે પોલેન્ડની પોલિસ પાસે જઈને ફરિયાદ કરવા લાગ્યા હતા. લોકોના જૂના અનુભવો તો એમ કહેતા હતા, કે પોલેન્ડમાં ભુતકાળમાં પણ એક એવો ભ્રષ્ટાચારી પોલીસ ઉચ્ચાધિકારી આવ્યો હતો જેને આવી ફરિયાદો પસંદ ન હતી, અને ફરિયાદ કરનારા માથાભારે લોકોને એ શિક્ષા પણ કરતો હતો. એક યુવાને તો પોતાની પત્નીનું નાક પોલિસની લાઠી વાગવાથી તૂટી જવાની ઘટનાની તપાસ કરવાની ફરિયાદ પણ કરી હતી. એક તરફ એસએસના માણસો જ્યારે એપાર્ટમેન્ટમાં આ પ્રકારના કામ કરી રહ્યા હતા, ત્યારે આઇઝેટ્ઝગ્રુપેનની ટૂકડી સ્ટેરા બોઝ્નિકા નામની પૌરાણીક ઈમારતમાં સ્થિત ચૌદમી સદીના સિનાગોગ તરફ આગળ વધી રહી હતી. તેમની ધારણા પ્રમાણે જ, પવિત્ર દાઢીવાળા યહૂદીઓ પરંપરાગત ઝબ્બો પહેરીને, બ્રેડ અને શાલ લઈને પ્રાર્થના કરવા બેઠા હતા. સૈનિકો સિનાગોગની આજુબાજુના ફ્લેટમાં રહેતા આધુનિક યહૂદીઓને સિનાગોગમાં પકડી લાવ્યા, અને યહૂદીઓના એ બંને જુથના એકબીજા પ્રત્યેના પ્રત્યાઘાતો જોવા માગતા હોય એમ સામસામે ઊભા રાખી દીધા!

એ ટોળામાં મેક્સ રેડલિક્ટ નામનો મવાલી યહૂદી પણ હતો, જેને સ્ટેરા બોઝ્નિકામાં પરાણે ખેંચી લાવવામાં આવ્યો હતો. આમ તો એ ક્યારેય આ પૌરાણિક દેવળમાં પ્રવેશ્યો ન હોત, કે પછી કોઈએ એને આમંત્રણ પણ ન આપ્યું હોત! યહૂદીઓના પવિત્ર આર્ક (ધર્મગ્રંથ રાખવાની પેટી) પાસે આજે એક જ વંશની બે એવી પોલિશ વ્યક્તિઓ ઊભી હતી, જે સામાન્ય રીતે એક-બીજાનો પડછાયો લેવાનું પણ પસંદ ન કરે! આઇઝેટ્ઝના એક અધિકારીએ આર્ક ખોલીને તેમાંથી યહૂદીઓનો હસ્તલિખિત પવિત્ર ગ્રંથ કાઢ્યો. સિનાગોગમાં ઊભેલા બંને જુથોએ એ ગ્રંથ પાસેથી પસાર થઈને તેના પર થુંકીને આગળ જવાનું હતું. કોઈ બનાવટ ચાલવાની ન હતી, ગ્રંથના લખાણ પર થુંક સ્પષ્ટ રીતે દેખાય, એ ફરજિયાત હતું!

આધુનિક ગણાતા ઉદારતાવાદી અને બનાવટી યુરોપિઅન યહૂદીઓ કરતાં પેલા રૂઢીવાદી યહૂદીઓ આ બાબતે વધારે તર્કસંગત નીકળ્યા! આઇઝેટ્ઝના માણસો એટલું તો સ્પષ્ટ જોઈ શક્યા, કે આધુનિક લોકો તો ગ્રંથ પાસેથી વિના વિઘ્ને પસાર થઈ ગયા અને તેમની સામે નજર મેળવવાનો પણ પ્રયત્ન કરતા ગયા, જાણે કહેતા ન હોય, કે આવી મૂર્ખતાભરી બાબતો પ્રત્યે અમે લોકો ધ્યાન પણ નથી આપતા! તાલીમ દરમ્યાન એસએસના માણસોને કહેવામાં આવેલું, કે આધુનિક યહૂદીઓના યુરોપિઅન સંસ્કારો તો સાવ પાતળા કાગળ જેવા ભ્રામક હોય છે; અને ખરેખર ટૂકા વાળ અને આધુનિક વસ્ત્રોવાળા એ આધુનિક યહૂદીઓએ સ્ટેરા બોઝ્નિકામાં, વિદ્રોહને જાળવી રાખવામાં નિષ્ફળ જઈને આ વાત પુરવાર પણ કરી આપી હતી.

બન્યું એવું, કે એક માત્ર મેક્સ રેડલિક્ટને બાદ કરતાં બધા જ લોકોએ પેલા પવિત્ર ગ્રંથ પર થૂંકી દીધું! બહારથી નાસ્તિક દેખાતા આવા લોકો, એક બૌદ્ધિક તરીકે ભલે ઉપર-ઉપરથી એ પવિત્ર ધાર્મિક ગ્રંથને પૌરાણિક, જૂની અને વાહિયાત વસ્તુ ગણાવતા હોય, પરંતુ સંસ્કારગત રીતે અંદરથી તો એ પણ તેને પવિત્ર ગ્રંથ જ માનતા હતા! આવા માણસને પોતાના ધર્મગ્રંથ પર થુંકાવવાની આ કસોટી આઇઝેટ્ઝગ્રુપના માણસોની દૃષ્ટિએ સમય બગાડવા જેવી લાગતી હતી.

પરંતુ રેડલિક્ટ એવું કરવા માટે તૈયાર ન હતો. એણે તો ત્યાંને ત્યાં એક નાનકડું ભાષણ આપી દીધું. “મેં ઘણું કર્યું છે, પરંતુ હું આ નહીં કરું.” આઇઝેટ્ઝગ્રુપના માણસોએ સૌથી પહેલાં એને જ મારી નાખ્યો, અને પછી ધર્મગ્રંથ પર થૂંકનારા બીજા બધા લોકોને પણ મારી નાખ્યા! અને પોલેન્ડના એ સૌથી જૂના સિનાગોગને સળગાવીને સાવ ખંડેર બનાવી દીધું.

આપનો પ્રતિભાવ આપો....