પ્રકરણ ૩
બરાબર એ જ સમયે, એક બીજો યહૂદી પણ ક્રેકોવમાં હતો, જે એ જ પાનખરમાં શિન્ડલરને મળ્યો હોવાની, અને એક તબક્કે પોતે ઓસ્કરને મારી નાખવા માટે તૈયાર થઈ ગયો હોવાની વાત પણ કહે છે! એ માણસનું નામ હતું લિઓપોલ્દ (પોલ્દેક) ફેફરબર્ગ. તાજેતરમાં જ અમલમાં મૂકાયેલા એક કરૂણ લશ્કરી અભિયાનમાં એ પોલિશ આર્મિનો કંપની કમાન્ડર હતો. સાન નદીના વિસ્તાર પર આધિપત્ય સ્થાપવા માટે જર્મન અને પોલિશ સૈન્ય વચ્ચે લડાયેલા યુદ્ધ દરમ્યાન, લિઓપોલ્દનો એક પગ જખ્મી થઈ ગયો હતો. બસ ત્યારથી એક પોલિશ હોસ્પિટલમાં લંઘાતા પગે ફરતો રહીને એ બીજા ઘવાયેલાની સેવા કરતો રહેતો હતો! એ કોઈ ડૉક્ટર તો ન હતો, પરંતુ ક્રેકોવની જાજ્યાલોનિયન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ હાઇસ્કૂલમાં એ શારીરિક શિક્ષણનો અધ્યાપક બન્યો હતો, તેથી શરીરશાસ્ત્રનું થોડું જ્ઞાન તેને હતું! સત્તાવીસ વર્ષનો ઉત્સાહી ફેફરબર્ગ આત્મવિશ્વાસથી સભર અને કસાયેલા શરીરવાળો માણસ હતો.
યુદ્ધ દરમ્યાન જર્મનોએ સેંકડો પોલિશ અધિકારીઓને પકડી લીધેલા, જેમાં ફેફરબર્ગ પણ સામેલ હતો. પેર્ઝમિસલ શહેરથી નીકળેલું જર્મન લશ્કર ફેફરબર્ગ સહિત બધા કેદી પોલિશ અધિકારીઓને લઈને જર્મની જઈ રહ્યું હતું. રસ્તામાં તેમની ટ્રેન ફેફરબર્ગના વતન ક્રેકોવના સ્ટેશને ઊભી રહેલી. આગળ જવાના વાહનની વ્યવસ્થા થાય ત્યાં સુધી બધા જ કેદીઓને પ્રથમ-વર્ગના વેઇટિંગ રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા. પોલદેકનું ઘર એ વેઇટિંગરૂમથી માત્ર દસ બ્લોક જેટલું જ છેટું હતું. પોતાના ઘરની આટલા નજીક આવી ગયા પછી, પાવિયા સ્ટ્રીટથી એક નંબરની ટ્રોલી પકડીને તરત જ પોતાને ઘેર પહોંચી શકાય તેમ હોવાથી, યુવાન ફેફરબર્ગને ચેન પડતું ન હતું! વેઇટિંગરૂમના દરવાજે ઊભેલા ગમાર જર્મન ચોકિદારને જોઈને તેનામાં ઉત્સાહનો સંચાર થયો. તેના ખિસ્સામાં પેર્ઝમિસલની જર્મન હૉસ્પિટલ ઑથૉરિટિ દ્વારા સહી કરાયેલો એક પત્ર હતો, જેમાં લખ્યું હતું કે આર્મિના ઘવાયેલા લોકોને લઈને એમ્બ્યુલન્સ સાથે શહેરમાં ફરવા માટે તેને પરવાનગી આપવામાં આવે છે. સ્પષ્ટ શબ્દોમાં લખાયેલો સહી-સિક્કાવાળો એ પત્ર હતો. ખિસ્સામાંથી પત્ર બહાર કાઢીને ગાર્ડ સામે જઈને એણે એ પત્ર બતાવ્યો.
“જર્મન ભાષા વાંચી શકે છે તું?” ફેફરબર્ગે તેને પૂછ્યું. આજે તેણે બરાબર નાટક કરવું પડે તેમ હતું! યુવાન અને પ્રભાવશાળી હોવા ઉપરાંત, હારી ગયા હોવા છતાં પણ ખુમારી જાળવી રાખવાનો પોલિશ સ્વભાવ, આ ક્ષણે તેને કામ લાગી ગયો! પોલિશ લશ્કરી અધિકારી તરીકે જોડાયેલા કેટલાક પ્રતિષ્ઠિત યહૂદીઓમાં પણ આ લાક્ષણીકતા વારસાગત રીતે ઊતરી આવી હતી.
ચોકીદારે આંખનો પલકારો મારતાં જવાબ આપ્યો, “ચોક્કસ હું જર્મન વાંચી શકું છું.” પરંતુ કાગળ હાથમાં લઈને એ કંઈ જ વાંચી શકતો ન હોય તેમ પકડીને ઊભો રહ્યો, જાણે હાથમાં બ્રેડનો ટૂકડો પકડ્યો ન હોય!
ફેફરબર્ગે જર્મન ભાષામાં તેને સમજાવ્યું, કે આ દસ્તાવેજમાં લખ્યા મુજબ બહાર જઈને બિમારોની સારવાર કરવાનો તેને અધિકાર હતો. ચોકીદાર તો એ કાગળ પર મારેલા અસંખ્ય સિક્કાઓને જ જોઈ રહ્યો હતો! બહુ જોરદાર દસ્તાવેજ હતો આ તો! માથું ધુણાવીને ચોકીદારે દરવાજા તરફ આંગળી ચીંધીને તેને બહાર જવાની રજા આપી દીધી!
એ દિવસે સવાર-સવારમાં, એક નંબરની ટ્રોલીમાં મુસાફરી કરવાવાળો ફેફરબર્ગ એકલો જ હતો. હજુ તો સવારના છ પણ થયા ન હતા. કંડક્ટરે કંઈ પૂછપરછ કર્યા વગર તેની પાસેથી ભાડું લઈ લીધું, કારણ કે શહેરમાં હજુ એવી કેટલીયે પોલિશ સૈનિક ટૂકડીઓ હતી જેની બદલીમાં જર્મન સૈનિકોને મૂકવામાં આવ્યા ન હતા. હા, અધિકારીએ એની નોંધ કરવી પડે એટલું ખરું! ટ્રોલી કોટના મિનારા ફરતે ફરીને, જૂની દિવાલમાંના દરવાજામાં થઈ, ફ્લોરિએન્સ્કા ટાવર અને સેન્ટ્રલ સ્ક્વેર સામેના સેન્ટ મેરી ચર્ચ પાસે થઈને પાંચેક મિનિટમાં ગ્રોડ્ઝ્કા સ્ટ્રીટમાં પહોંચી ગઈ. એપાર્ટમેન્ટ નં. ૪૮માં આવેલું તેના માતા-પિતાનું ઘર નજીક આવતાં જ, નાનો હતો ત્યારની માફક બ્રેક વાગતાં જ ટ્રોલીના વેગની સાથે પોતાના કુદકાનો વેગ ભેળવીને, દરવાજા સાથે હળવાશથી અથડાવાય એ પહેલાં જ એ ટ્રોલીમાંથી નીચે કૂદી પડ્યો!
વેઇટિંગરૂમમાંથી છટકી ગયા પછીના દિવસોમાં મિત્રોની સાથે રહેવામાં, અને ગ્રોડ્ઝ્કા ખાતે પોતાને ઘેર આવ-જા કરવામાં તેને કોઈ અગવડ પડતી ન હતી. યહૂદી શાળાઓ થોડા સમય માટે ખૂલી હતી, જે એ પછીના છ અઠવાડિયામાં જ બંધ થઈ જવાની હતી. તે છતાં શિક્ષક તરીકેના પોતાના જૂના વ્યવસાયમાં ફેફરબર્ગ ફરીથી લાગી ગયો. એને ખાતરી હતી, કે ગેસ્ટાપોને તેના સુધી પહોંચતાં ખાસ્સો સમય લાગશે, એટલે રેશનબૂક માટે પણ એણે અરજી કરી દીધી! વસ્તુઓની લે-વેચ કરતા વચેટિયા તરીકે અને પોતાના સ્વતંત્ર અંગત ધંધા તરીકે, બંને રસ્તે એણે સેન્ટ્રલ સ્ક્વેરમાં સુકેનિસના આર્કેડમાં અને સેન્ટ મેરી ચર્ચના નાના-મોટા મિનારાઓની નીચે ચાલતા કાળાબજારમાં પોતાના ઘરેણાં વેંચી દેવાનું એણે શરુ કરી દીધું. પોલેન્ડવાસીઓ વચ્ચે અંદરોઅંદર આવા સોદા ઘણી સરળતાથી થઈ શકતા હતા, પરંતુ પોલિશ અને યહૂદીઓ વચ્ચે તો આવી લે-વેચ એથી પણ વધારે ઝડપથી થઈ જતી હતી! રદ થઈ ગયેલી કૂપનોવાળી રેશનબૂક પર પોલેન્ડવાસીઓને, આર્યન નાગરિક કરતાં બે તૃતિયાંશ માંસ અને અડધું માખણ મળતું હતું, જ્યારે કોકા અને ચોખાની કૂપનો જર્મનો દ્વારા સદંતર રદ કરી નાખવામાં આવી હતી. કાળાબજારની પ્રવૃત્તિ તો પોલેન્ડમાં સદીઓના વસવાટ દરમ્યાન ચાલી જ આવતી હતી. પોલિશ રાજસત્તા હેઠળ આ પ્રવૃત્તિ છેલ્લા કેટલાક દાયકાઓથી ઘણી જ વિકાસ પામી હતી. મધ્યમવર્ગી નાગરિકો અને ખાસ કરીને લિઓપોલ્દ ફેફરબર્ગ જેવા ગરીબ લોકો માટે આ પ્રવૃત્તિ, ખાવા-પીવાની વસ્તુઓ અને આવક મેળવવાનું સાધન બની ગઈ હતી.
ઝેકોપેન નામના ગામની ફરતે એક બર્ફિલો માર્ગ હતો. ફેફરબર્ગે એ રસ્તે, ટ્રેટ્શ પર્વતમાળામાં થઈને સ્લોવેકિયાના સાંકડા રસ્તે હંગેરી અને રોમાનિયા ચાલ્યા જવાનો વિચાર કર્યો હતો. મુસાફરી માટે એણે પૂરતી તૈયારી કરી લીધી હતી. પોલિશ રાષ્ટ્રીય સ્કી ટીમનો એ સભ્ય હતો. પોતાની માતાના એપાર્ટમેન્ટમાં પોર્સેલિનના ચૂલાની ઉપરના એક ખાનામાં તેણે એક નાની રૂપકડી .૨૨ પિસ્તોલ છૂપાવી રાખી હતી! નાસી જવાના સમયે, કે પછી એપાર્ટમેન્ટની અંદર ગેસ્ટાપોના હાથે ઝડપાઈ જવાનો પ્રસંગ આવી પડે, તો સ્વબચાવ માટે આ એક માત્ર હથિયાર તેની પાસે હતું.
નવેમ્બરના એક ઠંડાગાર દિવસે, મોતી જડેલા હાથાવાળી એ રમકડા જેવી પિસ્તોલ વડે ફેફરબર્ગ ઓસ્કર શિન્ડલરને મારી નાખવાનો હતો! એ દિવસે એવું બન્યું હતું, કે ડબલ-બ્રેસ્ટેડ સૂટમાં સજ્જ શિન્ડલર, કોલર પર પાર્ટીનો બિલ્લો લગાવીને પોલ્દેકની માતા મીના ફેફરબર્ગને મળવા અને તેમને એક કામ સોંપવા આવ્યો હતો.
જર્મન હાઉસિંગ ઑથૉરિટિ દ્વારા સ્ત્રેસ્કિગો સ્ટ્રીટમાં શિન્ડલરને એક સુંદર અને આધુનિક એપાર્ટમેન્ટ ફાળવવામાં આવ્યો હતો. મૂળે એ મિલકતની માલિકી ન્યૂસબાઉમ અટક ધરાવતા એક યહૂદી કુટુંબની હતી. યહૂદીઓના મકાનો જર્મન લોકોને આ રીતે જ ફાળવી આપવામાં આવતા હતા, જૂના માલિકને કોઈ પણ પ્રકારની રકમ ચૂકવ્યા વગર જ! ઓસ્કરે ફેફરબર્ગના ઘરના દરવાજે ઘંટડી વગાડી ત્યારે મીના ફેફરબર્ગને તો એ જ ચિંતા હતી, કે ગ્રોડ્ઝકાનો તેમનો આ એપાર્ટમેન્ટ પણ આજે ચોક્કસ એ જ રીતે હડપ થઈ જવાનો!
આમ તો આવી કોઈ વાત પૂરવાર કરવી બહુ અઘરી હોય છે, પરંતુ શિન્ડલરના કેટલાયે મિત્રોએ પાછળથી ખાતરીપૂર્વક કહેલું, કે પોતાને ફાળવવામાં આવેલા મકાનમાંથી હાંકી કઢાયેલા યહૂદી ન્યૂસબાઉમ કુટુંબને, પોજોર્ઝમાં હાલ એ જ્યાં રહેતું હતું ત્યાં જઈને ઓસ્કરે શોધી કાઢ્યું હતું, અને તેમને પચાસ હજાર ઝ્લોટી જેટલી રકમ ચૂકવી આપી હતી! કહેવાય છે, કે એ રકમની મદદથી જ ન્યૂસબાઉમ કુટુંબ યુગોસ્લાવિયા ચાલ્યું ગયું હતું. શિન્ડલરે તેમને પચાસ હજાર ઝ્લોટીની રકમ ચૂકવી હોવાની વાત કદાચ ન માની શકાય તો પણ, જેના પર ભરોસો પડે તેવા આ પ્રકારના કેટલાયે કિસ્સા ક્રિસમસ પહેલાં શિન્ડલરના નામે ચડ્યા હતા! હકીકતે, કેટલાક મિત્રોના કહેવા મુજબ, ઉદારતાનો રોગ તો શિન્ડલરને પાગલપણાની હદે લાગુ પડ્યો હતો. અન્ય શોખની જેમ સખાવતનો પણ તેને શોખ હતો! ટૅક્સિ ચાલકને ભાડા કરતા બમણી રકમ તો એ ટીપ તરીકે આપી દેતો હતો! ઓસ્કર માટે એક વાત તો કહેવી જ પડશે, કે એ ખરેખર માનતો હતો, કે જર્મન હાઉસિંગ ઑથૉરિટિ અન્યાય કરી રહી હતી! આ વાત એણે સ્ટર્નને પણ કરી હતી, અને એ પણ છેક જર્મની મુશ્કેલીમાં મુકાયું ત્યારે નહીં, પણ એ ફૂલગુલાબી તેજીમાં હતું, એ સમયે!
ગમે તેમ પણ, શ્રીમતી ફેફરબર્ગને એ ખબર ન હતી, કે સુંદર સૂટમાં સજ્જ આ જર્મન તેના દરવાજે શા માટે આવ્યો હતો! તેમને એવો પણ વહેમ પડ્યો હતો, કે આગંતુક કદાચ તેમના પુત્ર બાબતે પૂછપરછ કરવા પણ આવ્યો હોય! સંજોગવશાત્ પોલદેક અત્યારે રસોડામાં જ હતો! એવું પણ બને, કે કદાચ આગંતુક આ ફ્લેટ, તેમનો ડેકોરેશનનો વ્યવસાય, તેમનાં ઘરેણાં અને ફ્રેન્ચ ટૅપિસ્ટ્રી પર કબજો કરવા પણ આવ્યો હોય!
તેમનો વહેમ સાવ ખોટો પણ ન હતો. આવી રહેલા ડિસેમ્બરમાં હનુક્કાના તહેવારની ઉજવણી પહેલાં જ, હાઉસિંગ ઓફિસના હુકમથી જર્મન પોલીસ ફેફરબર્ગના મકાનને ઘેરો ઘાલીને, કડકડતી ઠંડીમાં તેમને ફૂટપાથ પર નીચે ચાલ્યા જવાનો હુકમ કરવાની જ હતી! અને એ સમયે તો શ્રીમતી ફેફરબર્ગને ઘરમાં રહી ગયેલો તેમનો કોટ લેવા પાછા જવાની પરવાનગી પણ મળવાની ન હતી! પોતાને વારસામાં મળેલી સોનાની ઘડિયાળ પાછી લેવા માટે કચેરી પર ગયેલા ફેફરબર્ગના જડબા પર એ સમયે એક મુક્કો પડી જવાનો હતો! “ભૂતકાળમાં મેં બહુ ભયાનક બનાવો બનતા જોયા છે,” હરમન ગોરિંગે કહેલું; “પોલેન્ડના નાના-નાના ડ્રાઇવરો અને નેતાઓ કાળાબજારની લેવડ-દેવડમાંથી કમાઈને પાંચ-પાંચ લાખના માલિક થઈ ગયા છે.” ફેફરબર્ગની ઘડિયાળની જેમ આવી નાની-મોટી ચોરીઓની ઘટનાઓના છાંટા સમાજવાદી પાર્ટી પર ઊડવાને કારણે ગોરિંગ ગુસ્સે થઈ જતો હતો. પરંતુ એ વરસે તો ગેસ્ટાપોએ, પોલેન્ડના એપાર્ટમેન્ટોમાંથી જર્મન સૈનિકોએ લૂંટી લીધેલી ચીજવસ્તુઓ અંગે હાથ સાવ ઊંચા જ કરી દેવાની રીત અપનાવી લીધી હતી!
બીજા માળે આવેલા ફેફરબર્ગના એપાર્ટમેન્ટમાં શિન્ડલર પહેલી વખત પ્રવેશ્યો, ત્યારે તો જો કે ફેફરબર્ગ કુટુંબ હજુ ત્યાં જ રહેતું હતું. શિન્ડલરે દરવાજો ખટખટાવ્યો ત્યારે મા-દિકરો કાપડ, વૉલપેપરના નમૂના અને તાકા વિશે વાતો કરી રહ્યાં હતાં. લિઓપોલ્દ શરૂઆતમાં તો ગભરાયો ન હતો. તેમના એપાર્ટમેન્ટને બે દરવાજા હતા. ઑફિસ તરીકે વપરાતા આગળના રૂમનો મુખ્ય દરવાજો, અને અંદરના રસોડાનું બારણું, બંને દાદરના રમણામાં જ ખૂલતા હતા. લિઓપોલ્દ રસોડાના બંધ બારણાની પાછળ છૂપાઈને, બારણાની તડમાંથી બહાર રમણામાં ઊભેલા આ મુલાકાતીને તાકી રહ્યો. બારણા પાછળથી તેણે શિન્ડલરની વિશાળ કાયા અને ફેશનેબલ કટવાળો સૂટ જોયો. ફરી પાછો એ બેઠકખંડમાં પોતાની માતા પાસે આવ્યો અને તેને કહ્યું, “મને એ માણસ ગેસ્ટાપો હોય એવો લાગે છે. તું એને ઑફિસમાં બોલાવે ત્યારે હું રસોડામાંથી બહાર સરકી જઈશ.” મીના ફેફરબર્ગે ધ્રૂજતા હાથે ઑફિસનો દરવાજો ખોલ્યો. સાથે-સાથે તેના કાન મંડાયા બહાર પરસાળમાંથી આવતા અવાજ પર!
ફેફરબર્ગે પોતાની પિસ્તોલ બેલ્ટમાં ખોસી રાખી હતી. શિન્ડલર ઑફિસમાં પ્રવેશે એ સમયે ઓફિસનાં બારણાંના અવાજની સાથે જ, રસોડાનું બારણું બંધ કરવાનો અવાજ ભેળવીને બહાર નીકળી જવાનો તેનો વિચાર હતો. પરંતુ એ જર્મન અધિકારી શું ઇચ્છે છે એ જાણ્યા વગર જ નીકળી જવું એને મૂર્ખામીભર્યું લાગતું હતું. એક શક્યતા એવી પણ હતી, કે એને મારી પણ નાખવો પડે; અને તો-તો આખા કુટુંબે રુમાનિયામાં ઉચાળા જ ભરવા પડે તેમ હતું!
આ ઘટનાએ જો એવો કોઈ આશ્ચર્યજનક વળાંક લીધો હોત, અને ફેફરબર્ગે જો પિસ્તોલ કાઢીને ગોળી ચલાવવી પડી હોત, તો તેનું મૃત્યુ, એ અથડામણ, તેની વેરની વસુલાત, એ બધાંને કોઈ સામાન્ય સમાચાર તરીકે એ મહિનાની નવાજૂનીમાં ગણી લેવામાં આવ્યું હોત. હેર શિન્ડલર પાછળ થોડોક શોક પ્રદર્શિત કરી લેવામાં આવ્યો હોત અને તેના મૃત્યુનો બદલો પણ લેવામાં આવ્યો હોત! અને હા, તેની સઘળી સંભાવનાઓનો ત્યાંને ત્યાં જ અંત આવી ગયો હોત! અને ઓસ્કર શિન્ડલરના શહેર ઝ્વિતાઉમાં લોકો તેના વિશે આ રીતે પૂછપરછ કરતા હોત, “કોનો પતિ હતો એ?”
શિન્ડલરનો અવાજ સાંભળીને ફેફરબર્ગને થોડું આશ્ચર્ય થયું. ફેફરબર્ગને આ સાવ શાંત અને ધીમો અવાજ તો કોઈ વેપારી માણસનો હોય એવો લાગતો હતો, જાણે તેમની પાસે આવીને મદદ ન માગતો હોય! છેલ્લા અઠવાડિયા દરમ્યાન હુકમો અને છીનાઝપટીના અવાજો સાંભળવાની જ તેમને આદત થઈ ચૂકી હતી. આ માણસના અવાજમાં તો ભાઈચારાનો ધ્વનિ હતો! આમ તો એક રીતે એ પણ ખરાબ જ હતું! પરંતુ તેને કુતૂહલ જરૂર થયું. રસોડામાંથી સરકીને ફેફરબર્ગ ડાઇનિંગ રૂમના બારણા પાછળ સંતાઈ ગયો. અહીંથી એ આગંતુક જર્મનને અડધો-પડધો જોઈ શકતો હતો. “તમે જ શ્રીમતી ફેફરબર્ગ છો?” જર્મને પૂછ્યું. હેર ન્યૂસબાઉમે મને તમારી ભલામણ કરી હતી. સ્ત્રેસ્કિગો સ્ટ્રીટમાં હજુ હમણાં જ મેં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, અને હું તેની સજાવટ ફરીથી કરાવવા માગું છું.
મીના ફેફરબર્ગે તેને બારણા પાસે જ ઊભો રાખ્યો. વાતચીત કરતાં તે એટલું તો અસંબદ્ધ બોલી રહી હતી, કે તેના દીકરાને તેની દયા આવી ગઈ અને એ દરવાજામાં તેની પાસે જ આવીને ઊભો રહી ગયો. બંધ જેકેટની નીચે એણે હથિયાર છૂપાવી રાખ્યું હતું. આગંતુકને તેણે અંદર આવવા કહ્યું, અને એ સાથે જ માતાના કાનમાં પોલિશ ભાષામાં વાત કરીને તેને ધરપત આપી.
હવે ઓસ્કર શિન્ડલરે પોતાનું નામ જણાવ્યું. થોડી વાર તો ફેફરબર્ગ તેને નાણતો રહ્યો. શિન્ડલર એટલું તો સમજી જ ગયો, કે ફેફરબર્ગ માતાના બચાવમાં જ સામે આવી ગયો હતો. શિન્ડલરે ફેફરબર્ગને દુઃભાષિયા તરીકે રાખીને વાત ચાલુ રાખીને તેને પણ માન આપ્યું.
“મારી પત્ની ચેકોસ્લોવેકિયાથી આવી રહી છે.” તેણે કહ્યું. “અને તેની પસંદગી પ્રમાણે હું એપાર્ટમેન્ટને સજાવવા ઇચ્છું છું. આમ તો ન્યૂસબાઉમે મકાનની બહુ સારી રીતે જાળવણી કરી છે, પરંતુ અમને થોડું વજનદાર ફર્નિચર અને આછા રંગો ગમે છે. મારી પત્નીને સુંદર સજાવટ ગમે છે, થોડી ફ્રેન્ચ, થોડી સ્વીડિશ.”
શ્રીમતી ફેફરબર્ગ હવે વાતચીત કરવા જેટલાં સ્વસ્થ થઈ ગયાં હતાં. ક્રિસમસનો વ્યસ્તતાભર્યો સમય આવી રહ્યો હોવાથી આ કામ એ હાથ પર લે તો પૂરું થઈ શકશે કે નહીં, એ તેમને સમજાતું ન હતું. લિઓપોલ્દ જાણતો હતો, કે એક જર્મનને ગ્રાહક તરીકે સ્વીકારતાં માતા અંદરથી અચકાઈ રહી હતી. પરંતુ આ સમયે તો જર્મન જ એક માત્ર પ્રજા હતી, જેને આવનારા સમય પર ઘરમાં ઇન્ટિરિઅર ડિઝાઈન કરાવવા જેટલો ભરોસો હતો! અને શ્રીમતી ફેફરબર્ગને એક સારા કોન્ટ્રાક્ટની બહુ જ જરૂર હતી! તેના પતિને તો નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જે આજકાલ યહૂદી સમાજ કલ્યાણની સંસ્થા જમિન્ડાની હાઉસિંગ ઓફિસમાં મામુલી પગારે કામ કરતો હતો.
માત્ર બે જ મિનિટમાં લિઓપોલ્દ અને ઓસ્કર પરિચિતોની માફક વાતો કરવા લાગ્યા! ફેફરબર્ગના કમર પર પટ્ટામાં ભરાવેલી પિસ્તોલ તો જાણે દૂરના ભવિષ્યમાં આવનારી કટોકટી માટે રાખી મૂકી હોય તેમ ભૂલાઈ જ ગઈ. શ્રીમતી ફેફરબર્ગ શિન્ડલરના એપાર્ટમેન્ટનું કામ કરશે એ વાતમાં હવે કોઈ શંકા રહી ન હતી. ખર્ચમાં કોઈ કમી રાખવાની ન હતી. બધું નક્કી થઈ ગયા પછી શિન્ડલરે ફેફરબર્ગને તેની સાથે આવીને એપાર્ટમેન્ટ જોઈ લઈને, બીજી બાબતો પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું. “એવું પણ બને, કે બીજી વસ્તુઓ ખરીદવામાં તમારી સલાહ મને કામ લાગે.” શિન્ડલરે કહ્યું. “જેમ કે, તમે પહેર્યો છે એ વાદળી રંગનો સુંદર શર્ટ… મને ખબર જ નથી કે આવી વસ્તુઓ ખરીદવા માટે મારે ક્યાં તપાસ કરવી.” શિન્ડલર અજાણ્યા હોવાનું નાટક જ કરતો હતો, પરંતુ ફેફરબર્ગ એ સમજી ગયો હતો. “તમે તો જાણતા જ હશો, કે દુકાનો તો સાવ ખાલી થઈ ગઈ છે!” ઓસ્કરે ધીમેથી કહ્યું.
લિઓપોલ્દ ફેફરબર્ગ જેવા યુવાનો આ પ્રકારના જોખમો ઊઠાવી-ઊઠાવીને જ ટકી રહ્યા હતા. “હેર શિન્ડલર, આવા શર્ટ બહુ મોંઘા આવે છે એ તો તમે સમજતા જ હશો. એક શર્ટની કિંમત પચીસ ઝ્લોટી થાય છે!”
શર્ટની કિંમત એણે પાંચ ગણી કરીને કહી હતી. શિન્ડલરના હોઠ પર પોતે એ જાણતો હોવાનું સ્મિત દોડી આવ્યું, પરંતુ એ સ્મિત એટલું દેખીતું પણ ન હતું, કે જેથી બંને વચ્ચેની નાજુક મિત્રતાને હાની પહોંચે, કે પછી ફેફરબર્ગને પોતાની પિસ્તોલ યાદ આવી જાય! “હું તમને આવા શર્ટ લાવી આપીશ.” ફેફરબર્ગે કહ્યું. “તમે મને તમારું માપ આપો. પણ મને લાગે છે, કે મારા સંપર્કમાં જે લોકો છે એ પહેલાં પૈસા માગશે!”
પોતે બધું જ જાણતો હોવાના ભાવોથી ભરેલી આંખે શિન્ડલરે ખિસ્સામાંથી વૉલેટ કાઢીને ફેફરબર્ગને બસો જર્મન માર્ક પકડાવી દીધા. રકમ બહુ મોટી હતી, અને ફેફરબર્ગે કહેલા ઊંચા ભાવે પણ, ડઝનેક ઉદ્યોગપતિઓ માટે શર્ટ ખરીદી શકાય એટલી વધારે પણ હતી! પરંતુ આ બધું જ જાણતો હોવા છતાં ફેફરબર્ગે આંખનો પલકારો પણ માર્યો નહીં. “બસ, મને તમારું માપ કહી દો.” એણે કહ્યું. એક અઠવાડિયા પછી, એક ડઝન શર્ટ લઈને ફેફરબર્ગ શિન્ડલરના સ્ત્રેસ્કિગો સ્ટ્રીટના એપાર્ટમેન્ટ પહોંચ્યો. એપાર્ટમેન્ટમાં એ સમયે એક સુંદર જર્મન સ્ત્રી પણ હાજર હતી. ફેફરબર્ગ સાથે એ સ્ત્રીની ઓળખાણ ક્રેકોવના હાર્ડવેર વ્યવસાયની નિરીક્ષક તરીકે કરાવવામાં આવી. એ પછી, એક સાંજે ફેફરબર્ગે ઓસ્કરને સોનેરી વાળ અને મોટી-મોટી આંખોવાળી એક અન્ય પોલિશ સુંદરીની સાથે જોયો. શ્રીમતી શિન્ડલરનું જો ખરેખર કોઈ અસ્તિત્વ હોય, તો ફેફરબર્ગે એપાર્ટમેન્ટની સજાવટ પૂરી કરી લીધા પછી પણ તેઓ દેખાયાં ન હતાં! પૌરાણિક ક્રેકોવના બજારમાં ઊભરાતી સિલ્ક, ફરનિશિંગ, ઝવેરાત, વગેરે જેવી મોજશોખની વસ્તુઓ ખરીદવા માટે ફેફરબર્ગ જ શિન્ડલરનો નિયમિત સંપર્ક બની ગયો હતો.