કેટલીક પદ્યકૃતિઓ – અનિલ ચાવડા 1


આપણા પ્રિય કવિમિત્ર શ્રી અનિલ ચાવડાનો આજે જન્મદિવસ છે. અક્ષરનાદ તરફથી અનિલભાઈને તેમની જ રચનાઓ દ્વારા શુભેચ્છાઓ. ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે અને તેમની કલમને આમ જ કાયમ ઐશ્વર્ય બક્ષે જેથી આપણે તેમની રચનાઓથી અભિભૂત થતા રહીએ. આમ તો તેમની અસંખ્ય રચનાઓ ખૂબ ગમે છે, અને એટલી જ લોકપ્રિય છે, એમાંથી આજે થોડીક મનને નજીક એવી કૃતિઓ માણીએ.

૧.

ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી
ગોફણ છે ગોફણ છે ગોફણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું
તો પણ છે તો પણ છે તો પણ છે.

આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું
ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું
તો પણ છે તો પણ છે તો પણ છે.

કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
મારાં બધીર સાવ ટેરવાં,
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?
પથ્થર પર ઢીંચણિયે ચાલવામાં છોલાયા
ગોઠણ છે ગોઠણ છે ગોઠણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું
તો પણ છે તો પણ છે તો પણ છે.

૨.

શ્વાસ મારે લઈ જવા’તા છેક મ્હેકાવા સુધી,
બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી.

ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.

વસ્ત્ર કે દીવેટ થાવું એ પછીની વાત છે,
રૂ! પ્રથમ તો જાવું પડશે તારે પીંજાવા સુધી.

આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ!
કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી.

લાશને પણ નાવ સમજી પાર કરશે એ નદી,
પ્રેમ ઓછો રાહ જુએ પુલ બંધાવા સુધી?

‘આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી.

૩.

ઓળખ્યોને કોણ છું?
પાંપણ પર ઝૂલતો ‘તો, તમને કબૂલતો ‘તો, આભ જેમ ખૂલતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

ચોપડીના પાનાંમાં સૂક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું ‘તું કોણ?
તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું ‘તું કોણ?
કળી જેમ ફૂટતો ‘તો, તમને જે ઘૂંટતો ‘તો, તોય સ્હેજ ખૂટતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

લાગતો ‘તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો તો થઈને વરસાદ,
સૂક્કા ભઠ ખેતરમાં ત્યારબાદ મોલ ખૂબ ખીલ્યો ‘તો આવ્યું કંઈ યાદ?
યાદ ન’તો રહેતો જે, આંસુ થઈ વહેતો જે, તોય કંઈક કહેતો જે, એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

૪.

પ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ,
ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ.

બેઠી છે ભગવાં કપડાં પ્હેરીને ધોળી દાઢી,
સમજે છે એ સ્વયંને ત્રિકાળની લગોલગ.

પ્હેલાં તો પ્રેમ એનો આશ્ચર્ય જેવો લાગ્યો,
આશ્ચર્ય છેક પ્હોંચ્યું જઈ ફાળની લગોલગ.

એના સકંજાઓનું કરતો ‘તો હું નિરીક્ષણ,
સમજ્યો એ પંખી આવ્યું છે જાળની લગોલગ.

જે રીતથી કર્યાં છે એણે વખાણ મારાં,
એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ.

૫.

શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.

રતુંબડા ટહુકાઓ પ્હેરી આવી બેઠાં પંખીઓ સૌ,
ટહુકાઓ ઇર્ષાદ કરે છે, કવિ કવિતા વાંચે છે.

એકેક પાંદડે જાણે કે હરિયાળીની મ્હેંદી મૂકી,
ડાળે ડાળે સ્મિત ઝરે છે, કવિ કવિતા વાંચે છે.

આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.

ભીતરથી ભીંજાવાની એ ટપાલ સહુને વ્હેંચે છે,
શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.

૬.

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે.

જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે ? ના આવે.

નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે.

તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.

આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.

– અનિલ ચાવડા

બિલિપત્ર

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

– અનિલ ચાવડા


આપનો પ્રતિભાવ આપો....

One thought on “કેટલીક પદ્યકૃતિઓ – અનિલ ચાવડા