સબસે બડા રૂપૈયા – વિનોબા 2
આપણી મુખ્ય ખામી એ છે કે આપણે આસપાસના ગરીબો સાથે પૂરા એકરૂપ થઈ શકતા નથી, અને મારા મતે એ ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી આપણે પૈસાનો આધાર છોડતા નથી અને શરીરશ્રમ પર ઊભા થતા નથી. આમ તો આપણે થોડો પરિશ્રમ કરતા હોઈએ છીએ, પણ તેટલો પૂરતો નથી. આપણે શરીર શ્રમથી રોટી કમાવાનું વ્રત લેવું જોઈએ અને પૈસાથી મુક્ત થવું જોઈએ. તેના વિના શક્તિશાળી અહિંસા પ્રગટ નહીં થાય. ઈશુ જે કહી ગયા છે, તેને હું અક્ષરશ: માનું છું કે સોયના છેદમાંથી ઊંટ પસાર થઈ શકશે, પરંતુ પૈસાનો મોહ રાખનાર અહિંસાનો સાક્ષાત્કાર નહીં કરી શકે.