‘સર્જન’ માઈક્રોફિક્શનનું એક વર્ષ.. – જીજ્ઞેશ અધ્યારૂ 28


આ સહુને જોઈ મુજને એટલું સમજાય છે,
ફૂલ જેવા લોક સૌ એક તાંતણે બંધાય છે!
આ જ લોકો શોધતા’તા જિંદગીના અર્થને,
આ જ લોકો જિંદગીને અર્થ આપી જાય છે.

કાલે સર્જન મેળાવડાના પર્વમાં આગળની હરોળમાં બેસીને, દરેક સર્જનમિત્રને પરિચય સાથે કહ્યું કે તેમના માઈક્રોફિક્શન વિશેના વિચારો બધાની સાથે વહેંચે. સર્જનને એક વર્ષ થયું છે ત્યારે એક નાનકડી પરીક્ષા હતી કે આપણે માઈક્રોફિક્શન વિશે કેટલું સમજી શક્યા છીએ! બધા એક પછી એક સ્ટેજ પર આવતા રહ્યાં, પોતાના વિચારો, પોતાનો હરખ, પોતાનો સ્નેહ વહાવતા રહ્યાં. ત્યાં બેઠા બેઠા ઉપરની પંક્તિઓ આપોઆપ ઉતરી આવી.

એક પુસ્તક, ઓગણપચાસ લેખકો અને ૭૦થી વધુ વાર્તાઓ.. ઓગણપચાસમાંથી ચાલીસ પહેલી વખત પ્રિન્ટ થયા.. કાલે સાહિત્ય પરિષદના ગોવર્ધનરામ ત્રિપાઠી હોલમાં સાથે બેસીને જ્યારે બધાના મનની વાતો નીકળતી રહી તેમ તેમ એ સમજાતું ગયું કે આ પુસ્તક ફક્ત એક પુસ્તક નથી, વાર્તાઓનું સંકલન માત્ર નથી, પણ આ પુસ્તક એક જવાબ છે એ તમામ લોકોને જેમણે ક્યાંકને ક્યાંક આ લોકોની અંદર રહેલા સર્જકને પડકાર્યો છે, અવગણ્યો છે, ધુત્કાર્યો છે. કોઈકને માટે ‘તું શું કરી લેવાનો?’ એ પ્રશ્નનો જવાબ શબ્દોથી આપવાને બદલે બતાવી શકાય એવી ક્ષમતા વાળું આ પુસ્તક છે તો કોઈકને માટે પોતાના થીજી ગયેલા જીવનમાં ફરીથી વસંત લાવવાનો આ માર્ગ છે. એક બહેને કહ્યું કે વર્ષોથી કોઈ દિવસ તેઓ તેમના પતિ વગર એકલા નીકળ્યા નથી, પણ આજે સર્જન મેળાવડા માટે આવ્યા. કોઈક પોતાના સામાજીક પ્રસંગોને, કોઈક પોતાની પારિવારીક જવાબદારીઓને તો કોઈક પોતાની નોકરીને આ એક દિવસ માટે ગમે તેમ આઘા ઠેલીને કેમ ભેગા થયેલા? અહીં આવવું સ્વૈચ્છિક હતું, તો આ બધા દૂરદૂરથી કેમ આવ્યા?

કારણકે કદાચ દરેકના જીવનમાં એ ‘કોઈક’ વ્યક્તિને આ પુસ્તક એક વણકહ્યો જવાબ હતો, તેમની ક્ષમતા, તેમની ધગશ અને તેમની મહેનતનો અચેતન પણ સજીવ પુરાવો. કોના ગળે ડૂમો નહોતો બાઝ્યો? કોની આંખોના ખૂણા ભીના નહોતા? માઈક્રોફિક્શન એ સાંજ પૂરતી ગૌણ વસ્તુ બની ગઈ હતી, અને કંઈક મેળવ્યાનો સંતોષ, કંઈક પામ્યાનો અહેસાસ, કંઈક વિશેષ કર્યાની ભાવના આંખો સુધી પાણી ખેંચી લાવી હતી. બાકી આ બધાય માણસો સમાજના અન્ય લોકોની જેમ જ પ્રેક્ટિકલ લોકો છે. એમનેય કમાવું પડે છે, મહેનત કરવી પડે છે, પતિ-બાળકો અને ઘરને સાચવવાના છે, નોકરી કરવાની છે, સ્થાયી થવાનું છે.. માણસે માણસે ધ્યેય અલગ છે, અને એ બધાયને સાંકળતી કડી, ‘સર્જન’ એક વોટ્સએપ ગ્રૂપ માત્ર.. જે આપણા મોબાઈલમાં ડઝનબંધ પડ્યા હોય છે, એ એક વોટ્સએપ ગ્રૂપે આ અજાણ્યા લોકોને એક પરિવાર બનવા જેટલા નજીક આણી દીધા છે. ટેકનોલોજીની તાકાત તો પછી રહી, આ લોકોના સંકલ્પ અને સમર્પણની તાકાત કેટલી?

સર્જન વોટ્સએપ ગ્રૂપને આજે એક વર્ષ પૂરું થયું. ગત વર્ષે માઈક્રોફિક્શન સ્પર્ધાના પરિણામ સાથે તરતો મૂકેલો વોટ્સએપ ગ્રૂપનો વિચાર આજે એક પરિવાર બનીને ઉભર્યો છે. શરૂ થયું ત્યારથી ઘણાં મિત્રો અહીં જોડાયા અને છોડી ગયા, કેટલાક પાછાંય આવ્યા, નવા જોડાતા રહ્યાં, પણ મહદંશે સભ્યો જોડાયા પછી પાછુ વળીને જોવા માંગતા નથી.. સંઘ કાશી તરફ વધતો રહ્યો.. વધી રહ્યો છે.

મારે આજે માઈક્રોફિક્શન વિશે કંઈ નથી કહેવું, હા, મને સંબંધો વિશે, વ્યક્તિઓ વિશે અને અપેક્ષાઓ વિશે આ પુસ્તકે એક નવા જ દ્રષ્ટિકોણથી વિચારતો કર્યો છે. આપણા માટે નાનકડી લાગતી વાત કોઈકને માટે કેવું મોટું સીમાચિહ્ન બની શકે એ હકીકત મને આ પુસ્તકે સમજાવી છે. જેમની માઈક્રોફિક્શન છપાઈ છે એ તો હરખથી રડ્યા પણ જેમની ન સમાવી શકાઈ એ અફસોસથી રડી પડ્યા, એ વાત મને ટપારે છે કે મારે હજુ વધારે ધ્યાનથી, વધારે મહેનતથી સંકલન કરવાનું છે. પણ સાથે સાથે સર્જનની ગુણવત્તા અને માઈક્રોફિક્શનની સમજને પણ ન્યાય આપવાનો છે.

મિત્તલબેન પટેલ, સંજયભાઈ ગુંદલાવકર અને સોનિયાબેન ઠક્કર પર મેં જે શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્યા એથી વધુ એમણે મારામાં વિશ્વાસ મૂક્યો છે. ક્ષમતા એરણે ચડે ત્યારે માણસનું શ્રેષ્ઠ બહાર આવતું હોય છે. ‘માઈક્રોસર્જન’ શ્રેણીનું આ પ્રથમ પુસ્તક અંતિમ ક્ષણો સુધી અમારી સમક્ષ પણ પ્રગટ્યું નહોતું, અને એ હાથમાં આવ્યું તો જાણે સંતાનનો જન્મ થયો હોય એમ અમે ચારેય સંપાદકો અવાક થઈ ગયેલા.

પુસ્તક પ્રિન્ટમાં ગયું એના એક કલાક પહેલા મેં નીલમદીદીને ફોન કરીને કહેલું, ‘કેટલા બીઝી છો?” એ કહે, “તમે કામ બોલો.” મેં કહ્યું, “પંદર મિનિટ છે, બેક કવર પર તમારી માઈક્રોફિક્શન વિશેની વાત લખીને ઈ-મેલ કરી શકો?” અને કદાચ મોટા લેખકોની આ જ વિશેષતા કે બારમી મિનિટે એ મારા અને પ્રેસના, બંનેના મેઈલ બોક્સમાં પહોંચી ગયેલું. સર્જનના બધા જ મિત્રોએ આ જ ધગશથી પ્રસંગ ઉપાડી લીધેલો, ઘરમાં પ્રસંગ હોય એમ દોડાદોડી કરતા ધવલ સોની હોય કે દિવ્યેશ સોડવડિયા, દીકરીઓ માટે મુંબઈથી ગિફ્ટ શોધીને લાવનાર યામિનિબેન હોય કે આશ્રમે જઈને સંકલન કરનાર પાર્મિબેન – લતાબેન હોય, બધા જ સર્જનમિત્રોએ ઉત્સાહ અને સહકાર સાથે આ પ્રસંગ પૂરો કર્યો છે.

સર્જનના પુસ્તક વિમોચનમાં કોને બોલાવવા? બજેટનો કોઈ સવાલ જ નહોતો, અનેક મિત્રોએ કહેલું “જેએ, કેટલા થશે? કહી દેજો..” એટલે ભવ્ય વિમોચન કરવામાં કોઈ વિઘ્ન નહોતા, પણ અમને બ્રાહ્ય નહીં, આંતરિક ભવ્યતા ખપતી હતી. રાયપુર, અમદાવાદના મહિપતરામ રૂપરામ આશ્રમની દસથી પંદર વર્ષની અનાથ બહેનો જ્યારે પુસ્તક વિમોચનના પર્વને શોભાવવા આવી ત્યારે ‘માઈક્રોફિક્શન’ ખરેખર સાર્થક થઈ. જિંદગીના અર્થને એમનાથી વધુ કદાચ કોણે સમજ્યો હશે? સ્ટેજ પર જ્યારે તેમના હાથે સર્જનનું પુસ્તક ખૂલ્યું ત્યારે મને ખાત્રી થઈ કે આ સાહિત્ય સ્વરૂપ અનાથ નહીં જ મરે.. આશ્રમના સંચાલકોએ અમારા પર વિશ્વાસ મૂકીને આ બહેનોને અમદાવાદ બુકફેર સુધી લાવી અમારા પ્રસંગને જે રીતે શોભાવ્યો છે, એ મારે માટે જીવનનો અદ્વિતિય પ્રસંગ છે. હાર્દિકભાઈ યાજ્ઞિક સાથે, વિમોચન માટે કોને બોલાવવા એવી ચર્ચા કરતા અનેક ખર્ચાળ નામ વચ્ચે આ વિચાર મને એમની જ એક વાત પરથી આવેલો. એ બહેનોએ ખરેખર માઈક્રોસર્જનને માઈક્રો ન રહેવા દીધું, સંચાલકોને અને એ સર્વે બહેનોને વંદન.

પુસ્તક વિમોચનને શાસ્રીય રીતે જરૂર પડે વાર્તાકારની, જે અમારી ક્ષમતાને નાણે, અમને સારી વાર્તા પર શાબાશી આપે અને નબળી વાર્તાઓ પર ટપારે, માર્ગદર્શન આપે. શ્રી દોલતભાઈ ભટ્ટ અને શ્રી રાઘવજી માઘડ આ બંને આદરણીય સર્જકોએ કાર્યક્રમને શોભાવ્યો. શ્રી રાઘવજીભાઈએ તો સર્જન સામયિક માટે મુલાકાત આપી હતી એટલે તેમનો સહજ સહકાર અમને પ્રાપ્ય છે જ એની ખાત્રી હતી, પણ શ્રી દોલતભાઈએ તેમના આશિર્વાદ થકી અમને ઉપકૃત કરી દીધા. અમને સહેજ સંકોચ હતો કે આશ્રમની બહેનો જ્યારે વિમોચન કરશે અને બે સમર્થ વાર્તાકારો તેમની સાથે હશે તો તેમને ખરાબ તો નહીં લાગે ને! પણ એ બંને વાર્તાકારોએ અમારા સંકોચનો છેદ ઉડાડી દીધો, વિચારને વધાવ્યો અને એક જ સ્ટેજ પર એ બહેનો સાથે અમે સંપાદકો અને બંને આદરણીય લેખકશ્રીઓએ વિમોચન કરીને માઈક્રોસર્જનને સંપૂર્ણતા બક્ષી છે.

આદરણીય શ્રી રજનીકુમાર પંડ્યા સાહેબે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને અમને આશિર્વાદ આપીને આ નવાસવા લેખકડાઓને અનેરૂ માન, અનોખું જોમ આપ્યું છે. તો એ જ સમયે આદરણીય અને પ્રિય એવા કૃષ્ણકાંતભાઈ ઉનડકટે તેમના બુકફેરમાં જ ચાલી રહેલા એક કાર્યક્રમમાં મારો નામસહ ઉલ્લેખ કરી માઈક્રોફિક્શનને નવા પણ આકર્ષક વાર્તાસ્વરૂપ તરીકે મૂક્યું છે એ બદલ એમનો આભાર માની તેમની કાયમ મળતી મદદને આવા ઔપચારિક શબ્દમાં શું કામ બાંધું? બુકપબના કિરણભાઈએ પાંચ જ દિવસમાં એક વર્ડફાઈલને પુસ્તક સ્વરૂપે મૂકી આપ્યું એ બદલ આભારનો કયો શબ્દ ઉપર્યુક્ત બને?

ભૌગોલિક રીતે કિલોમીટરો દૂર, સદેહે હાજર ન રહી શકેલા પણ પુસ્તક વિમોચનની ફેસબુક પર લાઈવ થવાની કાગડોળે રાહ જોતા અને એ લાઈવ ન થયું એ બદલ પારાવાર અફસોસ સર્જનના અનેક મિત્રોનો આ પ્રેમ અને નિર્વ્યાજ સ્નેહ બીજા કયા વોટ્સએપના ગ્રૂપમાં મળે? એટલે જ મારું-અમારું-આપણું સર્જન અનોખું અને અદ્વિતિય છે. એક વોટ્સએપ ગ્રૂપ તરીકે સર્જનની પદ્ધતિની નકલ કરી શક્શો.. પ્રયત્નો પણ થયા છે, પણ આવા સહજ ને સમર્પિત સભ્યો ક્યાંથી લાવશો?

આ એક વર્ષમાં અનેક સર્જનમિત્રો સાથે મતભેદ થયા છે, વિવાદો અને દલીલો થઈ છે, એ તમામ મિત્રોને બે હાથ જોડીને, હ્રદયપૂર્વક અને સાચા અંતઃકરણથી ભૂલો બદલ ક્ષમા માંગી, ફરીથી ૬ મે ૨૦૧૬ના જ ઉત્સાહ અને કોરી પાટી સાથે આ નવા વર્ષમાં સર્જન સાથે પ્રવેશવા આગ્રહપૂર્વક વિનંતિ કરુ છું. ક્ષમા ન થઈ શકે એવો અપરાધ હોય તો સજા અંગત હોવી જોઈએ.. સર્જન પરિવારને નહીં. જે મિત્રોની માઈક્રોફિક્શન આ પુસ્તકમાં નથી સમાવી શકાઈ એમની મનઃસ્થિતિ સમજી શકું છું, પણ આ આપણું છેલ્લું પુસ્તક નથી, અક્ષરનાદ અને હવે સર્જન થકી નવી કલમોને મંચ આપવા માટે હું કાયમ આતુર હોઉં જ છું, એટલે આજે નહીં તો આવતીકાલે તમે પ્રિન્ટ થવાના જ છો. લખતા રહેવું એ જ આપણી નિયતિ છે.

સર્જન તો ગંગાના વહેણની જેમ સતત જ રહેવાનું એટલે આટલેથી અટકે તો એ સર્જન શાનું? એટલે કાલથી અમે નવા વિષય, નવા વિચારો અને નવી સમજથી ફરીથી માઈક્રોફિક્શન લખીશું તો તેને પબ્લિશ કરવા માટે હવે આ નવું માધ્યમ પણ હાથવગું જ રહેવાનું, છતાં પ્રથમ પ્રેમ, પ્રથમ પુત્ર-પુત્રી અને પ્રથમ પગારની જેમ પ્રથમ પુસ્તકની પણ પોતાની એક અલગ જ જગ્યા હોય છે.

સર્જનના એક વર્ષના આયુષ્યમાં અમે પા પા પગલીથી પુસ્તક સુધી પહોંચ્યા છીએ તો મને અપેક્ષા છે કે બીજા જન્મદિવસ સુધી માઈક્રોસર્જન શ્રેણીના પુસ્તકો સાથે લેખકોના સ્વતંત્ર માઈક્રોફિક્શન સંકલનો પણ બહાર આવશે જ! મારે ફક્ત એટલી જ વિનંતિ કરવાની કે કોઈ એક જ ઢાળમાં ઢળ્યા વગર, પાણીની જેમ ભિન્નતાઓ ધરાવતા આકારોમાં પણ સ્વત્વ જાળવીને સર્વે સર્જન કરતા રહે, લખતા રહે, વધતા રહે. મા સરસ્વતી સર્વે સર્જનમિત્રોની કલમને ઐશ્વર્ય અને યશ બક્ષે એવી હંસવાહિનીના શ્રીચરણોમાં પ્રાર્થના સહ સર્વે સર્જનમિત્રોને સર્જનના આજે બીજા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ખૂબ શુભકામનાઓ.. આપ સૌએ મારા સ્વપ્નને જીવવામાં મને મદદ કરી, વિશ્વાસ મૂક્યો એને હું સાર્થક કરી શકું એવી શક્તિ મને ઈશ્વર આપતા રહે, એક માધ્યમ બન્યાનું સદભાગ્ય સતત મળતું રહે એ જ અપેક્ષા.. આમીન..

જય સર્જન!
– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

28 thoughts on “‘સર્જન’ માઈક્રોફિક્શનનું એક વર્ષ.. – જીજ્ઞેશ અધ્યારૂ

 • Parul Mehta

  વાહ! જીગ્નેશભાઈ અને સમગ્ર ટીમને આજના દિવસની અઢળક શુભેચ્છાઓ!

  • Sarla Sutaria

   આજે આ વાંચીને ફરીથી મારા મનમાં ઓછપ આવી ગઈ. એ વખતે હું લંડન હતી ને મેં આ અવસર ગુમાવ્યો હતો.

 • Ankur Banker

  એ જ સર્જન, એ જ લાગણી, એ જ જીગ્નેશભાઈ અને એ જ એમની ભાવના હજી સુધી અકબંધ રહી છે.

 • Archita Pandya

  વાહ વાહ.. સુંદર પ્રસંગ અને સંભારણું. જય સર્જન.

 • વિપ્લવ

  ઉત્સવનો ભાગ ન બની શક્યો એનો અફસોસ છે, પણ સાથેસાથે એ વાતનો પણ ભરપૂર આનંદ છે કે, એક સ્વપ્નને, ઈચ્છા મળી, ઈચ્છાને
  અવકાશ, ને અવકાશને આકાર.

  ‘સર્જન’ની પુરી ટીમને ખુબ ખુબ અભિનંદન. આવીજ રીતે નવા સોપાન સર કરતા જાવ. All the best.

 • સંજય ગુંદલાવકર

  મારા જીવનમાં આ પ્રસંગ અવિસ્મરણીય બની રહેશે. પ્રસંગ જ એવો હતો કે શબ્દોમાં હું એને બાંધી ન શકું.

  એક વર્ષમાં સર્જન ગ્રૂપે જે મજલ કાપી છે એ જોતાં એવું અનુભવાય છે કે જો હું આ ગ્રૂપમાં ન જોડાયો હોત.. તો અક્ષરનાદનો એક સામાન્ય વાચક જ રહ્યો હોત.

  ન જાણે કંઈ કેટલાય વૉટ્સેપ ગ્રૂપ બનતા હશે, ચાલતા હશે ને બંધ પડતાં હશે, પણ સર્જન ગ્રૂપમાં અવિરત માઈક્રોફિક્શન શીખવાને, સમજવાને, સમજાવવાને ગ્રૂપ મેમ્બરો એકમેકને સહાય કરતાં હોય છે. ગ્રૂપે એક વરસમાં જ પોતાના પુસ્તક પ્રકાશનની માઈલસ્ટોન સમાન સિદ્ધી હાંસલ કરી એ અવર્ણનીય છે.

  જિગ્નેશભાઈએ અમારામાં વિશ્વાસ મૂકી મારા જેવા નવોદિતોને લખતા કર્યા. એ ઉપરાંત સોનિયા ઠક્કર, મિત્તલ પટેલ તેમજ મને ગ્રૂપના પહેલાં પુસ્તક માટે સહ સંપાદન કરવાની વિશ્વાસપૂર્વક જવાબદારી સોંપી, એ માટે જિગ્નેશભાઈનો આભાર માનવાને મારી પાસે શબ્દો નથી.

  પ્રત્યક્ષ જેમને કદી મળ્યા ન હોય એવા મેમ્બરો કેમ છો? કેમ છો? કહીને એકમેકને એવી રીતે મળતાં હતાં જાણે કે વરસોથી ઓળખતાં ન હોય. ખરેખર આ આનંદોત્સવ મારા જીવનમાં અવિસ્મરણીય બની રહેશે.

  એવા ખરા અર્થમાં કાર્યરત સર્જન ગ્રૂપના એડમિન હોવાનો મને ગર્વ છે. એની જિમ્મેદારીઓ અને ફરજો ઈમાનદારીથી નિભાવવા હું કટિબદ્ધ છું.

  જય સર્જન.

 • jahnvi antani

  નહિ જ અવાય…. એવું હતું, પરંતુ જો ન આવી હોત તો ખુબ ગુમાવ્યું હોત, સર્જનની આ યાત્રામાં મને જોડવા બદલ આપની ખુબ આભારી છું. હું એક વાંચક જ છું, પરંતુ આ સોશિયલ મીડિયામાં આવ્યા પછી કૈક લાગણીને શબ્દોમાં ઢાળતી થઇ, અને ‘સર્જન’ ગ્રુપમાં જોડાયા પછી તો જાણે એક વર્ગ એટેન્ડ કરતી રહી,અને પુસ્તક ‘માઈક્રોસર્જન’ માં મારી માઈક્રોફિક્શન મુકીને જે વિશ્વાસ દર્શાવ્યો એ ગર્વની અનુભૂતિ કરાવે છે. આભાર જીગ્નેશભાઈ. આભાર સર્જન ટીમ.

 • Rajul

  ‘સર્જન’ના આ આનંદોત્સવમાં તો સંજોગવશાત હાજર ન રહી શકાયું પણ એની આ ઐતિહાસિક સિદ્ધિનો એક અંશ હોવાનો અપાર હર્ષ છે.
  એક જ વર્ષમાં એણે જબરું કાઠું કાઢ્યું છે. આગળ પણ એ દિવસે દો ગુની અને રાતે ચૌગુની પ્રગતિ કરતું રહે એવી શુભકામનાઓ..

  અને,

  ‘સર્જન’ પરિવારના મોભી અને સૌના લાડકા JA એટલે કે જિજ્ઞેશ અધ્યારૂને અનેકાનેક અભિનંદન અને શુભકામનાઓ..

 • Hardik Pandya

  Very Heart Touching Article… શબ્દે શબ્દે ભાવો છલક્યા.. “સર્જન” મેળો એક આનંદ મેળો બની રહેલો.. અને આ લેખ વાંચી ફરી એ જ સોનેરી પળો જીવી લીધી.. જીજ્ઞેશભાઈ અને સૌ સર્જકમિત્રોને સહ્રદય અભિનંદન…

 • Alok chatt

  Hradayne sparshi gyu jigneshbhai….mne sarjan groupma samavine lkhvani tak aapva badal hu saday aapno aabhari rahish..
  Sau sarjak mitro ne abhinandan…aapne sau lkhta rhiye evi j prarthna..
  Jay Sarjan

 • lata kanuga

  ખૂબ સુંદર ને શબ્દ દેહે મન ચિત્ર આલેખી વર્ણવેલો અહેવાલ. આમ જ સહુ આગળ વધતા રહીએ.

 • Shital

  ફરી એ દિવસ યાદ આવી ગયો. જ્યારે સૌ પ્રથમ આ ગ્રુપમાં જોડાઈ હતી. અઢળક ભૂલો છતાંય પ્રેમથી સમજાવીને વાક્ય રચના સુધારવા કહેવું. દરેક મિત્રોનો સહકાર. રોજ નવા પ્રોમ્પ્ટ કે થીમની રાહ જોવી. પાછી ભૂલો, પાછી મઠારવી. હું વાર્તા લખતા જ અહીંથી શીખી. એમાં કોઈ અતિશયોક્તિ નથી. મનમાં રહેલી વાત ઓછા શબ્દમાં વધુ સારી રીતે કહેવાનું અહીં સૌ એ શીખવ્યું.
  આભાર JA..

 • ध्रुव भट्ट

  संपाजकोने सलाम अने तेमनी साथे रहेनाराने बे सलाम. लेखकोने वंदन. हाथ जोडीने के एकाद लीटीमां संवेदनाओने ए रीते तरती मूकी शके जे बीजाने तरत स्पर्षे. आम तो मोटी कथा के वार्तामां पण, वार्ता तो एकाद वाक्यमां के शबदमां ज संताई होय छे. .प्रसंगो, वर्णनो, संवादो बधुं पसार करीने लेखक वार्ताना बींदु सुधी पहोंचे अने आगळना आखा लखाणने वार्ता बनावतुं वाक्य के शब्द लखे छे त्यारे वार्ता बने छे. – आने विवेचन न गणता. विवेचकोनो मत जुदो होई शके.
  मजा पडी
  ध्रुव

 • મણિલાલ જે.વણકર

  ખૂબ સુંદર લેખ સાહેબ !
  મને એ પુસ્તકમાં જગ્યા આપવા બદલ ખૂબ ખૂબ આભાર !
  જય સર્જન !

 • GOPAL KHETANI

  ચેન્નાઈ,, ૨૦૧૩નું વર્ષ. ગુજરાતથી દુર થતાં જ ગુજરાતી યાદ આવી અને અક્ષરનાદનો પરિચય થયો. તેમાં આવતાં લેખ અને હાર્દિકભાઈની માઈક્રોફ્રિક્શન વાંચી. થોડા દિવસોમાં જાહેરાત થઈ સૌ પ્રથમ માઈક્રોફ્રિક્શન વાર્તા સ્પર્ધાની. અને મા સરસ્વતીની કૃપાથી શબ્દોને વેગ મળ્યા તે આજ પર્યંત જળવાઈ રહ્યાં. આજ સુધી જે કંઈ લેખન ક્ષેત્રે સફળતા મળી છે તેનો શ્રેય અક્ષરનાદ, જીગ્નેશભાઈ અને મારા વહાલા સર્જન ગૃપના મિત્રોને આપું છું. નિલ આર્મસ્ટ્રોંગએ કહ્યું હતું તેમ “સર્જન”નું આ નાનકડું પગલું છે ગુજરાતી સાહિત્યની ભુમી પર, પણ ગુજરાતી માઈક્રોફ્રિક્શન માટે આ વિરાટ કુદકો છે.
  શ્રી દોલતભાઈ ભટ્ટ્ શ્રી રાઘવજીભાઈ માધડ અને આશ્રમની બહેનોનો તો અંતઃકરણપુર્વકનો આભાર કે પ્રથમ જન્મદિવસે તેમના આશિર્વાદ મળ્યાં.
  બુકપબ, સંપાદન ટિમ, પ્રચારક ટિમ, સર્જન મિત્રો વિના આ પ્રસંગ રંગે ચંગે સંપન્ન ના થાત.
  જીગ્નેશભાઈ જે ખરા અર્થમાં બાહુબલી છે તેમનો અને નીલમદીદીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો જ પડે. ભગવાન હંમેશા તેમના પર આશિષ વરસાવતાં રહે એવી દુઆઓ.
  મા સરસ્વતી તેમના બાલુડાંઓ પર સ્નેહ વરસાવતાં રહે એવી પ્રાર્થના કરું છું જેથી શબ્દ દેવ તેમના અવનવા રુપ સાથે સર્જનના આવનારા પુસ્તકને સજાવે.
  જ્જે બાત… જય સર્જન!!!

 • Rekha solanki

  સૌ સર્જન મિત્રો ને અભિનંદન….. અથાગ પુરષાર્થ દ્વારા સર્જનને અઢળક નામના અપાવનાર એડમીન ટીમને હાર્દિક શુભેચ્છાઓ.. ધન્યવાદ.

 • પૂર્વી બાબરીયા

  આભાર તમારો સર….અમને નામ આપ્યું .પ્લેટફોર્મ આપ્યું..સર્જન પરિવાર. બનાવ્યો…ખૂબ આનંદ મોજ માણી..એક દિવસ ખૂબ ટૂંકો પડ્યો એમ કહું..શબ્દો નથી મારી પાસે આનંદ વર્ણવા માટે….જય સર્જન…

 • મીતલ પટેલ

  ‘મને સર્જને લખતી કરી.’ આ મારા સર્જનનું સત્ય છે. આ જ કારણ છે કે સર્જન હંમેશા મારા માટે પ્રથમ અને ઊચ્ચ સ્થાન પર રહેશે. સર્જન સાથે હું ફક્ત કલમથી નહીં પરંતુ દિલથી જોડાયેલી છું. અને આ જ લાગણી મારી સાથે બીજા સર્જન સભ્યો પણ વહેંચે છે. આ એક વર્ષમાં સર્જન તરફથી અવિસ્મરણીય યાદોનું ભાથું મળ્યું છે. જીવનની ઘણી પ્રથમ ખુશી સર્જને આપી છે. મારી વાર્તા પહેલી વખત કોઈ પુસ્તકમાં છપાઈ હોય અને એના જ મુખપૃષ્ઠ ઉપર સહસંચાલક તરીકે મારુ નામ હોવુ એ લાગણી એટલે….અને પ્રથમ પ્રેમનો કોઈ પર્યાય નથી હોતો સાહેબ.
  જય સર્જન
  મીતલ પટેલ

 • Minaxi

  ઉડીને આંખે વળગે તેવા સુંદર મેળાવડામાં હું હાજર નહોતી.રહી શકી. પણ તમારા અહેવાલના કડીબધ્ધ આલેખન દ્વારા પ્રસંગ નજર સામે દોહરાઈ ગયો…ધન્યવાદ..
  સર્જન પ્રત્યેનું તમારૂં સમર્પણ સરાહનીય છે. એક લીડરમાં હોવા જોઈએ તે સર્વે ગુણો તમારા જોયા છે એટલે વિશ્વાસ છે કે તમે અને તમે જ, સાહિત્ય જગતમાં માઈક્રોફિક્શનના સર્જનને એની ઊંચાઈ અને ઓળખ અપાવીને જ રહેશો.
  જય સર્જન…..!!!⛳⛳⛳

  મીનાક્ષી વખારિયા.

 • અનુજ સોલંકી

  વાંચતા એવું લાગ્યું કે જાણે બધા જ સર્જન મિત્રોના હૃદય એકસાથે બોલી ઉઠ્યા ન હોય.
  પણ હા, સર્જનનું હૃદય પણ તમે જ છો જીજ્ઞેશભાઈ.