હું દિવ્યા – દિવ્યા રાવત. મારું વતન ઉત્તરાખંડના પર્વતોની ગોદમાં પોઢેલું, નાનકડું પણ રળિયામણું, સરિયાધર ગામ. અત્યારે મારા એ માદરે વતનમાં અમારું જૂનું મકાન તોડાવી પાયાથી ચણાવેલા નવા નક્કોર મકાનના મારા એરક્ન્ડિશન્ડ રૂમમાં નવા જ બનાવડાવેલા ટેબલની સામે, નવી જ ખરીદેલી એક્ઝિક્યુટિવ ખુરશીમાં આરામથી બેસીને હું આ લખી રહી છું.
આમ તો હું સરિયાધર, દહેરાદૂન અને દિલ્હી વચ્ચે ફરતી રહું છું. પણ દિલ્હીની મારી નાનકડી ઓરડીની તે રાતની યાદ હું કદી ભુલી નહીં શકું. આખા દિવસના રઝળપાટ પછી થાકી પાકી હું પલંગમાં પડી હતી. પણ નિંદર મારી વેરણ થઈ ગઈ હતી. મારી રૂમના નાનકડા ટેબલ પર… કંપનીમાં મેનેજર તરીકે મારી નિમણૂંક કરતો એપોઈન્ટમેન્ટ ઓર્ડર પડેલો હતો. અને પગાર પણ કેટલો બધો? બાપ રે બાપ! આ સમાજ સેવાના કામમાં ત્રણ મહિનાના પગાર કરતાં પણ વધારે ! ફોન પર તો ઘરનાં બધાંએ મને એ માટે અભિનંદન પણ પાઠવ્યા જ હતા ને?
એ વખતે નવી દિલ્હીમાં.. સામાજિક સેવાની સંસ્થામાં દિલ દઈને હું કામ કરતી હતી. ભલે એ સંસ્થાનો પગાર ઓછો હતો, પણ મારા ભણતરને મેં ત્યાં બરાબર કામે લગાવ્યું હતું. સમાજસેવાનું એ કામ આ ગઢવાલી છોરીને ઘરના કામ જેવું જ લાગતું હતું. લગાવથી કરેલા એ કામના હિસાબે જ તો અમારા સૌથી મોટા બોસના મોટા ભાઈએ તો કદી ના મળે તેવી એ તક માટે મને ઓફર કરી હતી. પંદર દિવસથી આની જ વાતો ચાલતી હતી ને? કેટલો બધો ઉમંગ હતો મને – કદિક જ મળતી આવી તક ઝડપી લેવાનો?
પણ સાથે સાથે.. કામ પતાવી સાંજે રૂમ પર પાછા આવતાં, નાકા પરના પંજાબી ઢાબા પર સાવ મામૂલી રોજ માટે કમરતોડ મજૂરી કરતા, સરિયાધારના જ *દિલાવર ચાચાને દરરોજ જોવાના, એમનાં કુટુંબીજનોનાં ખબર અંતર પુછવાનાં અને એમનો નિસાસો હૃદયમાં શૂળની જેમ ભોંકાતો અનુભવવો – એ મારો નિત્ય ક્રમ થઈ ગયો હતો. અને દિલાવર ચાચા એકલાનીજ એ વ્યથા થોડી હતી? સામાજિક કામના સબબે મારે નવી દિલ્હીની ઘણી શેરીઓમાં રખડવું પડતું અને ઠેક ઠકાણે અમારા કે અમારી બાજુના ગામના આવા કેટલાય ચાચાઓની કરમ કઠણાઈ સાંભળવા મળતી, અને દિલમાં ઊંડો ચિરાડો પડી જતો.
આજે કોણ જાણે કેટલામી વાર દિલાવર ચાચાએ એની એ જ વાત વાગોળી ન હતી?
‘ગામની બટાકાની ખેતીમાં કશો શુક્કરવાર જ ક્યાં છે? ખેતરમાં કમરતોડ મજુરી કર્યા છતાં માંડ માંડ બે ટંકે ભેગા થવાનું ને? અહીં ભલે ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે, પણ ધીમે ધીમે છોકરાંવની ઈસ્કૂલની ફી તો નીકળે છે? અમારી જિંદગી ભલે આમ મજુરીમાં જ પતે, પણ એ વ્હાલુડાં તો સારા દા’ડા જોશે.’ બધેથી બસ આ જ વાત. ગામનું એક પછી એક ઘર ખાલી થતું હતું.
‘મારા ઘર ઉપરાંત બે જ ઘરનાં બારણાં ખુલ્લાં હતાં ને? કેવું રૂડું રળિયામણું હતું મારું વ્હાલું સરિયાધાર, અને હવે કેવો કરાળ કાળ જેવો ભેંકાર? અને પૂરનો આ વિનાશ?( ૨૦૧૩) હવે તો એક પણ ગામ એ વિનાશથી સાબૂત રહ્યુ નથી. મારા ગરીબ ગામવાસીઓની તો કમર જ ટૂટી ગઈ છે. શું આનો કોઈ રસ્તો જ નહીં?’
અઠવાડિયા પહેલાં અમારા જેવા સામાજિક કાર્યકરોના એક સેમીનારમાં ખેતીના એક એક્સ્પર્ટ *સુશાંતે કરેલી ‘મશરૂમ’ની ખેતીની વાત મારા દિલમાં ઠસી ગઈ હતી. મશરૂમ ઉગાડવાની રીત અને વેચવાથી થતી મસ મોટી બરકત વિશે મને ઘણું બધું જાણવા મળ્યું હતું. ૧૯૭૮ માં કટક, ઓરિસ્સામાં શરૂ થયેલ મશરૂમની ખેતી હવે તો દેશમાં બહુ જ નફાકારક ખેતી અને ધંધો બની ગયાં હતાં – તેની માહિતી સુશાંતે જ આપી હતી ને? અને પેલી સરલાની કહાણી? ૧૫,૦૦૦ રૂની જ મતા અને ઘરના પાછલા ભાગમાં તેણે શરૂ કરેલી મશરૂમની ખેતીએ તો એને એવોર્ડ વિજેતા બનાવી દીધી ન હતી?
આવા બધા વિચારોની વચ્ચે એ લોભામણી અને બહુ ઊંચા સ્થાને લઈ જઈ શકે તેવી તક ઝડપી લેવી કે જતી કરવી એ બે પલ્લાં વચ્ચે મારું મન ઝોલાં ખાતું રહ્યું. એ ઝોલામાં હું ક્યારે પોઢી ગઈ, તેની ખબર જ ન રહી. એ અંધાર ઘેરી રાતની કોઈક ગેબી પળે હું ઝબકીને જાગી ગઈ. હમણાંજ પુરા થયેલા સપનાંએ મારા મનમાં કોઈક ગજબની શક્યતાનો ચમકારો ઝબકાવી દીધો.
‘હું ગામ જઈ મશરૂમની ખેતી કરું તો?
અને.. સવાર પડતાંની સાથે જ મેં તો સાહેબના ભાઈને ‘ના’નો ફોન કરી જ દીધો. બીજો ફોન સાહેબને – એક મહિનાની રજા માટે. બપોર પડતાં તો મારી બેગ ભરીને હું તો નવી દિલ્હીના બસ સ્ટેન્ડ પર પહોંચી ગઈ, અને ઘર આવે વહેલું!
બસ એ રાત વીતી ગઈ અને મારા જીવનમાં સલોણી ઉષા ઊગી નીકળી.
(* પાત્રો કાલ્પનિક છે.)
નવી દિલ્હીની ઝગમગાટ જિંદગીની સરખામણીમાં ધૂળિયા ગામ તરફની એ પીછેહઠ દિવ્યા માટે આગેકૂચ નિવડી. નજીકના ગામની શાળામાં ચાલીને ભણવા જતી દિવ્યા પહેલેથી ભણવામાં હોંશિયાર હતી. દહેરાદૂનની શાળામાં અને પછી દિલ્હીની કોલેજમાં તેણે સ્કોલરશીપ મેળવીને પોતાનું ભણતર આગળ ધપાવ્યું હતું. એ શિક્ષણે જ તો તેને નવી દિલ્હીમાં સમાજ સેવા કરતી સંસ્થામાં સારા પગારની નોકરી અપાવી હતી. અને તેની એ જ પ્રતિભા આ ક્રાંતિકારી નિર્ણય લેવા માટે કારણભૂત બની રહી.
સરિયાધર પાછા આવીને તેણે ઘરની નજીકમાં જ એક શેડ બાંધી મશરૂમની ખેતી શરૂ કરી દીધી. બટાકાની ચીલાચાલુ ખેતીમાં એક કિલોગ્રામે માંડ ૮ થી ૧૦ રૂપિયાના વળતરની સામે આ ખેતીમાં ૮૦ થી ૧૦૦ રૂપિયાનો નફો મળવા લાગ્યો. પહેલી સફળતા બાદ દિવ્યાએ વધારે ઊંડો અભ્યાસ કર્યો અને ઉત્તરાખંડની આબોહવાને અનુકૂળ આવે તેવી જાતો ઉગાડવી શરૂ કરી. વધારે જમીન ન વપરાય તે માટે દિવ્યાએ વાંસનાં માળખાં ઉભાં કર્યાં અને બટન, ઓઈસ્ટર અને મિલ્કી મશરૂમ ઉગાડવા માંડ્યા. આ બધા ફેરફારને કારણે તેની ખેતીની આવક અનેક ગણી વધી ગઈ.
તેની સફળતાથી પ્રેરાઈને બીજા ખેડુતો પણ આ કામમાં તેનું માર્ગદર્શન લેવા માંડ્યા. જેમની પાસે જમીન ન હોય તેવા લોકો પણ એક રૂમમાં આવી ખેતી કરી શકે – તે દિવ્યાએ શીખવ્યું.
દહેરાદૂન ખાતે મશરૂમની ખેતીની તાલીમ આપવા માટે ટ્રેનિંગ કોર્સ પણ દિવ્યાએ શરૂ કરી દીધા. ૫૦,૦૦૦ રૂ. ના મુડી રોકાણથી ગમે તે જગ્યાએ આવી ખેતી કરી શકાય, તે પણ તેણે લોકોને સમજાવવા માંડ્યું. માંડ એક જ વર્ષ અને દિવ્યાએ કુટુમ્બીજનો અને સંબંધીઓની આર્થિક મદદથી દિલ્હીમાં ‘સૌમ્ય ફૂડ્ઝ પ્રાઈવેટ લિમિટેડ’ નામની કમ્પની સ્થાપી અને બધા ખેડૂતોને માર્કેટિંગની સેવા આપવા લાગી.
દિવ્યાની સમાજસેવા હવે દિલ્હીથી પીછે હઠ કરીને તેના ગામવાસીઓ તરફ વળી ગઈ છે – કે પછી આગેકૂચ કરી રહી છે?!
– અનુવાદ, સંકલન અને સંપાદન : સુરેશ જાની
મૂળ લેખ
http://www.thebetterindia.com/64150/livelihoods-mushroom-uttarakhand-divya-rawat-social-entrepreneur/
અન્ય સંદર્ભ –
સરલાની વાત…
http://business.rediff.com/slide-show/2009/sep/30/slide-show-1-how-with-just-rs-15000-she-turned-an-entrepreneur.htm
નવયુગની યુવાની સોચ..સરસ સંદેશ ને અનુવાદ
જાણવા જેવી નવી જ વાત. ચીલાચાલુ ઘરેડમાંથી નીકળી એ જ જમીન, અને કુદરતી આબોહવાનો ઉપયોગ કરી થોડી ક જમીનમાં યોગ્ય ખેતી થાય તો એ લાભ દાયક નીવડે. સુરેશભાઈ ને આવી સરસ વાત આપવા બદલ ધન્યવાદ
પ્રવીણ શાસ્ત્રી.
આજે લોકો ગામડાં છોડીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે એવા સમયે દિવ્યા મોટો પગાર જતો કરી ગામડામાં જઈને મશરૂમની
ખેતી કરવાનો નિર્ણય કરે છે એ અભિનંદનીય છે.આજે દિવ્યા જેવા ઘણા ગ્રામ સેવકોની જરૂર છે.
ઘટમાં ઘોડાં થનગને આતમ વિંઝે પાંખ,આણદિઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!