દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૨) – નીલમ દોશી 7


પ્રકરણ ૧૨ – અરૂપ શું બોલે?

“રહી છે વાત અધૂરી..
શબ્દ, અર્થની વચ્ચે જાણે પડી ગઇ છે દૂરી…”

Dost Mane Maaf Karish ne

એક એક પગલામાં પહાડ જેવડો ભાર ઉંચકતી ઇતિનો સિમલાનો દરેક દિવસ એક આખા યુગનો ઓથાર લઇને વીતતો હતો. આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો. આજે શિમલાનો છેલ્લો દિવસ હતો. નીકળવાનું તો બપોરે હતું પણ ઇતિ તો સવારથી જ સામાન પેક કરીને ઘડિયાળ સામે બેસી ગઇ હતી. પણ એમ કંઇ સામે બેસવાથી ઘડિયાળના કાંટા ઇતિથી ડરીને જલદીથી થોડાં ભાગવાના હતાં? ઇતિનું ચિત્ત આજે અરૂપની કોઇ પણ વાતમાં ચોંટે તેમ નહોતું. તેની અધીરતા, વ્યાકુળતા સમજી ચૂકેલ અરૂપે તેને બીજી વાતોમાં વાળવાના નિષ્ફળ પ્રયાસ કરી જોયા. અંતે હારીને રૂમમાં ટી.વી. ચાલુ કરી તે બેસી ગયો હતો. ઇતિની વ્યાકુળતા તેનાથી સહન નહોતી થતી. અને હવે ન જાણે કેમ અરૂપના મનમાં પણ એક અજ્ઞાત ડર, એક છાનો ભય ઉગ્યો હતો. કયો ડર? કેવો ભય? તેની જાણ સમય સિવાય કદાચ કોઇને નહોતી. ખુદ અરૂપને પણ નહીં.

પોતે બેસી રહે તો ઘડિયાળના કાંટા પણ કયાંક ચાલવાનું બંધ કરીને થંભી જાય તો? ઘવાયેલી સિંહણની વ્યગ્રતાથી ઇતિ હોટેલના કમ્પાઉન્ડમાં… લોન પર નિરર્થક આંટા મારતી હતી. આંખો સામે સરસ મજાનો બગીચો હતો. અગણિત ફૂલો ઇતિને આવકારવા ઝૂમી રહ્યાં હતાં. પણ એ આવકારનો પડઘો ઇતિના મનમાં કોઇ રીતે પડતો નહોતો. હકીકતે ઇતિ સિમલામાં હતી જ ક્યાં? તે તો અનિકેત સાથે આટલા વરસોનો હિસાબકિતાબ સમજવામાં પડી હતી.

અનિકેતે કોઇ ગોરી છોકરી સાથે લગ્ન કરી લીધા હશે. તેમ ઇતિ અને તેના ઘરના બધાએ સ્વીકારી લીધું હતું. અને હવે તો તેને ત્યાં બાળકો પણ હશે. અનિના બાળકોની કલ્પના માત્રથી ઇતિ રોમાંચિત થઇ ઉઠી. પોતાને બાળક નથી તો શું થયું? અનિના સંતાનો તેનાં જ કહેવાયને? અરે, અનિને કહીને તે એકાદને પોતાની સાથે રાખી પણ લેશે. પણ અનિની ગોરી પત્ની માને ખરી? ઇતિ તો જાણે અનિકેતના સંતાનને ઉંચકીને બગીચામાં ઘૂમી રહી હતી. તેને પકડવાં દોડી રહી હતી. પરંતુ અનિકેતના બાળકો એમ થોડા પકડાય? તે પણ અનિની જેમ મસ્તીખોર જ હોવાનાને? શું નામ હશે તેમના? કોઇ અમેરિકન નામ જ હશે. પોતે અનિને બરાબર ખખડાવશે.. લગ્ન ભલે કર્યા.. પણ ઇતિને સાવ આમ ભૂલી જવાની? રિસાવાનો તેને પૂરો હક્ક છે. અને આ વખતે તો જલદી માનવું જ નથી ને! જોકે ના, ના, હવે બહું ઝગડાય નહીં. અનિની પત્નીને કદાચ ન પણ ગમે. અરૂપને પણ જોને અનિની વાતો કયાં ગમે છે?

અચાનક વીજળીનો ચમકાર..! તે ચોંકી ઉઠી. “અરૂપને અનિકેત નથી ગમતો!“ અત્યાર સુધી કયારેય ન આવેલ આ વિચાર સાવ જ અચાનક આ ક્ષણે ઇતિના મનોઆકાશમાં વીજળીના ચમકારાની માફક જ ચમકી ઉઠયો. પણ શા માટે? અરૂપને અનિકેત કેમ નથી ગમતો? અરૂપ તો કયારેય અનિને મળ્યો પણ નથી છતાં..

ઇતિના મનમાં અનેકરંગી વિચારોના તરંગો ઉછળી રહ્યાં. મન કયાંય સ્થિર નહોતું થતું. આશંકા, ડર, ગભરામણ… ભયના અનેક પક્ષીઓ અંતરમાં ફફડાટ મચાવી રહ્યાં હતાં.

ત્યાં અચાનક લોનમાં ઉડતું એક પતંગિયુ આવીને ઇતિના ખભ્ભા પર હળવેથી બેસી ગયું. જાણે ઇતિને આશ્વાસન આપતું ન હોય..! ઇતિની આંખો બંધ થઇ.

આવા જ અનેક પતંગિયા તે દિવસે સ્કૂલમાંથી પિકનીક પર બગીચામાં ગયેલ ત્યારે…

નવ વરસની ઇતિ પતંગિયાની પાછળ અને અનિકેત ઇતિની પાછળ તેને પકડવા દોડી રહ્યો હતો. બે હાથમાં પતંગિયાને નાજુકાઇથી પકડી ઇતિ સ્કૂલમાં શીખડાવેલું ગીત ગણગણતી હતી કે પતંગિયાને પૂછતી હતી….

”પતંગિયા ઉભે તો પૂછું એક વાત,
તારી પાંખે કોણે પૂરી ભાત?“

અનિ દૂરથી જ બૂમ મારતો. ’ઇતિ, છોડી દે બિચારાને..’ ઇતિ હાથ ઉંચો કરી તેને ખુલ્લા આસમાનમાં તરવા માટે છૂટું મૂકી દેતી. અને પોતે પણ તેની પાછળ ભાગતી હતી.

નવ વરસના ઇતિ અને અનિકેત બંને તે દિવસે સ્કૂલ તરફથી પિકનીકમાં ગયા હતા. બંનેને વાપરવા માટે ઘરેથી દસ રૂપિયા મળ્યાં હતાં. બધા બાળકો તે પૈસામાંથી કશુંક ખરીદીને ખાતાં પીતા હતાં.

અનિકેતની નજર ત્યાં ઉભેલી એક લારી પર પડી હતી. લારીમાં બુટ્ટી, બંગડી અને નેકલેસ વિગેરે વેચાતા હતા. નાનકડાં અનિકેતને બ્લુ રંગના મણકાનો એક ચળકતો હાર બહુ ગમી ગયો હતો. તેણે ઇતિને પૂછયું, ’ઇતિ, આ બ્લુ હાર કેવો સરસ, ચમકતો છે નહીં?‘

‘હા, બહુ સરસ છે.’ કશું સમજયા વિના ઇતિ બોલી હતી.

‘આ કેટલાનો છે?’ થોડુ ડરતા નવ વરસના અનિકેતે પૂછયું હતું. જીવનની કદાચ પહેલી ખરીદી..! લારીવાળો કયાંક વધારે પૈસા કહેશે તો? લારીવાળાએ જવાબ આપ્યો, ’દસ રૂપિયા.‘ અનિકેત ખુશ થઇ ગયો હતો. કોઇ રાજા મહારાજાની અદાથી તેણે ફટ દઇને દસ રૂપિયા આપી દીધા અને હાર ઇતિને આપ્યો હતો. ગોળ મણકાનો તે હાર ઇતિએ ઘણાં સમય સુધી ગળામાં પહેરી રાખ્યો હતો. ઇતિના દસ રૂપિયામાથી બંનેએ શેરડીનો રસ પીધો હતો.

અભાનપણે જ ઇતિના હોઠ આ ક્ષણે પણ ફરકયા. એ ઠંડક..એ મીઠાશ આજ સુધી અંદર મોજૂદ હતી? રસ પીતાં પીતાં અનિના હોઠ પર રસની સફેદ છારી બાઝી હતી.

‘અનિ, તને રસની મૂછ ઉગી.’ કહેતી ઇતિ હસતી હતી. અનિએ ઇતિના રૂમાલથી જ મોઢું લૂછ્યું હતું.

ઇતિ “ગંદો.. ગંદો“ કહેતાં દોડી ગઇ હતી.. દોડી ગઇ અને અનિકેતથી પકડાઇ નહોતી.

પરંતુ એક દિવસ અનાયાસે અરૂપથી પકડાઇ ગઇ હતી. ‘ઇતિ, ચાલ, નીકળવાનો સમય થવા આવ્યો છે.’

ઇતિ બાઘાની માફક જ જોઇ રહી. પકડવા તો અનિકેત આવી રહ્યો હતો. અને પકડી પાડી હતી.. અરૂપે? ઇતિનો હાથ પોતાના ગળામાં ફરી રહ્યો. ચળકતાં હારને બદલે ત્યાં હીરાનું મંગળસૂત્ર ઝળહળી રહ્યું હતું.

મુંબઇ સુધીનો રસ્તો અનિકેત અને અરૂપની સંતાકૂકડીમાં જ વીત્યો. એક ક્ષણ પણ તે એકલી ક્યાં રહી શકી હતી? ચિંંતાના, ભયના, ઘેરી આશંકાના અદીઠ વાદળો ઇતિના મનોઆકાશમાં સતત ઘેરાતા રહ્યાં હતાં. તેને હટાવવાના પ્રયત્નોમાં ઇતિ આજે હારી હતી. તે વાદળોને વીંધીને અજવાસના કોઇ કિરણ સુધી પહોંચી શકાશે?

પંદર વરસ જેવા પંદર દિવસોને ફગાવી અંતે ઇતિ ઘરના બારણા પાસે આવી પહોંચી. ઇતિના આવવાની અધીરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમ પંખીઓએ કલબલાટ કરી મૂક્યો. ફૂલોએ પોતાની ખુશ્બુ વાયરા સંગે ઇતિને મોક્લી તેનું અભિવાદન કર્યું. આસોપાલવ અને ગુલમહોરની ડાળીઓ ઇતિને આવકારવા થોડી ઝૂકી રહી. પરંતુ ઇતિને તો કશું દેખાયું જ નહીં. બધાની અવગણના કરી અધીરતાથી.. વિહવળતાથી, ટેક્ષીમાંથી ઊતરી, અરૂપની રાહ જોયા સિવાય ઇતિએ દોડીને ઘરનું તાળુ ખોલ્યું. આ પંદર દિવસ જે ઘૂટન વેઠી હતી.. તે હવે અસહ્ય બની હતી. ગાંડાની માફક તે ફોન તરફ દોડી.. ત્યાં પગમાં કોઇ કવર આવ્યું. તેણે કવર ઉંચક્યું તો ખરું. પણ તેની પર નજર નાખવા જેટલી ધીરજ ક્યાં બચી હતી? તેની ધ્રૂજતી આંગળીઓ ફોનના નંબર દબાવતી રહી.

ફોન સતત એન્ગેજ આવતો હતો. ઇતિની અધીરતા પરાકાષ્ઠાએ પહોંચી હતી. કયારેય સંતુલન ન ગુમાવતી શાંત ઇતિને આ ક્ષણે ફોનનો છૂટો ઘા કરવાનું મન થઇ આવ્યું. અને કદાચ ઘા થઇ જ જાત. ત્યાં… ત્યાં અચાનક તેનું ધ્યાન હાથમાંના કવર પર પડયું. અને નજર અક્ષ્રરો પર.. એક થરથરાટ…
’આ… આ.. તો અનિકેતના અક્ષર..! બંધ આંખોએ પણ તે ઓળખી શકે..! ધ્રૂજતા હાથે અધીરતાથી કવર ફાડવા જતાં અંદરનો કાગળ પણ થોડો ફાટયો. ઇતિની બહાવરી નજર કાગળના લખાણ પર સરકી રહી.

ઇતિ,

‘જીવનમાં કયારેય તને કાગળ લખીશ એવી કલ્પના પણ ક્યાં કરી હતી? આ પળે મને પણ આશ્ચર્ય થાય છે.. હું.. ઇતિને કાગળ લખું છું? કાગળ લખવો પડે એટલા દૂર છીએ આપણે..?

આટલા વરસોમાં કાગળ લખવાની જરૂર નથી લાગી.. તું દૂર કયાં હતી મારાથી? રોજ સવારે ખીજાઇને તું મને ઉઠાડતી જ રહી છે ને? મારી કઇ ક્ષણ તારા વિનાની હતી? છે? છતાં… છતાં…

આજે પણ ન લખત. પરંતુ હવે કાળદેવતા ઉપરનો વિશ્વાસ કદાચ ખોઇ ચૂકયો છું. કદાચ ન મળાય તો? સમય એટલો સાથ પણ ન આપે તો? જોકે આવી શંકાનો કોઇ અર્થ નથી જ. તું આવીશ જ… એ હું જાણુ છું. બસ… એ પળની પ્રતીક્ષામાં બારણા સામે મીટ માંડી રહ્યો છું. તું આવે એ ક્ષણને મારી કીકીઓમાં કેદ કરીને પછી જ આંખ મીંચવી છે. ઇતિ, તું પુનર્જન્મમાં માને છે? આ ક્ષણે બધી શંકાઓ, તર્ક, વિતર્કો ફગાવી દઇને પૂર્ણ શ્રધ્ધાથી હું કહું છું કે હા, ઇતિ, હું પુનર્જન્મમાં માનું છું. અને તેથી જ.. મારી કીકીઓમાં કેદ થયેલ એ ક્ષણને ફરીથી જયારે પણ આંખ ખૂલે ત્યારે..

ઇતિ, એકવાર તને અલવિદા કહ્યા સિવાય જવાનું મને ગમશે નહીં. એક છેલ્લી વાર તને જોઇ લેવાની.. મન ભરીને નીરખી લેવાની આ કઇ તડપન.. કઇ વ્યાકુળતા પ્રાણમાં જાગી છે? છેલ્લી ક્ષણોમાં આ લોભ કેમ છૂટતો નથી?

તારા સમાચાર તો મને હમેશ મળતા રહ્યા છે. તું ખુશ છે.. અરૂપ તને ખૂબ સાચવે છે.. તારી મમ્મી પાસેથી એવું બધું સાંભળીને ખુશ થતો રહું છું. છતાં.. ઇતિ, એકવાર તારા મોઢેથી તારી ખુશીની વાતો સાંભળી.. તેમાં તરબોળ થવું છે.. ભીંજાવું છે..

આ દિવસોમાં… દરેક ક્ષણે મારા ચિત્તમાં કયું દ્રશ્ય સતત રમી રહ્યું છે કહું? તને યાદ છે? આપણે નાના હતા અને તેં એકવાર વ્રત રાખેલ.. પહેલીવાર સાડી પહેરી હતી. શણગાર સજયા હતા.. અને સાડી સાચવતી તું ધીમા પગલા ભરતી હતી.! મંદિરમાં નાનકડા બે હાથ જોડી ઊભેલ દુલ્હન ઇતિ મારી કીકીઓમાં હમેશ માટે કેદ થઇ ગઇ છે. તારી આંખો તો એ ક્ષણે બંધ હતી. પરંતુ કશું સમજયા વિના ખુલ્લી આંખે હું તારી સામે અપલક નજરે..

આજે… આ ક્ષણે પણ મને તો એ જ નાનકડી ઇતિ દેખાય છે. આંખો બંધ કરું અને હું તારી ઝાંખીથી ઝળાહળા… અરૂપની ઓળખાણ મને અહીં અમેરિકામાં થઇ હતી. તારી કેટકેટલી વાતો હું તેને કરતો. તે મારો મિત્ર બની ગયો હતો. અને એટલે જ તો તે ત્યાં આવતો હતો ત્યારે તને ખાસ મળવાનું કહ્યું હતું. હું અરૂપને તારી કેટલી વાતો કરતો. એ તો અરૂપે તને કહ્યું જ હશે. તું અરૂપને મારી વાત કરે છે કે નહીં? તારા પતિદેવ પાસે આખો દિવસ મારી વાતો કરીને બોર નથી કરતી ને?

અરૂપને તારું એડ્રેસ આપી તેની સાથે તારા માટે દુલ્હનના ડ્રેસમાં ઢીંગલી મોકલી હતી. તને ગમી હતી કે નહીં? એ તો તેં કોઇ દિવસ કહ્યું જ નહીં! અરૂપનો પણ પછી કોઇ જવાબ આવ્યો જ નહીં… અહીંની મારી વાતો અરૂપે તને કહી જ હશે.

અને અરૂપના ગયા પછી એક એક્સીડન્ટ થતાં ચાર મહિના હું હોસ્પીટલમાં.. જીવનમરણ વચ્ચે ઝઝૂમતો રહ્યો. ઇતિ, યાદ છે? નાનો હતો ત્યારે મને એકવાર થોડો તાવ આવેલ અને તું મને પોતા મૂકતી, મારી પાસે બેસી પ્રાર્થના ગાતી. દવા પીવડાવવા માટે કેટલું ખીજાતી..! અને આજે આટલો માંદો છું ત્યારે…? અને ઇતિ તને ખબર છે..? એ અકસ્માતમાં મમ્મી, પપ્પા… બંને…!! ઇતિ, તારો અનિ.. એકલો.. સાવ એકલો..! જો કે મારી પળેપળમાં તું હતી.. અને છતાં…. છતાં હું તને ઝંખતો રહ્યો.

જ્યારે તને ફોન કરવાની ભાન આવી અને ફોન કર્યો ત્યારે સમાચાર મળ્યા કે તારા લગ્ન થઇ ગયા છે. અરૂપ સાથે… મારા જ મિત્ર સાથે. જેની પાસે હું તારા વખાણ કર્યા કરતો. તારા લગ્ન થાય અને હું ખુશ ન થાઉં એ તો કેમ બને? યાદ છે હું તને કહેતો..

’છોકરીઓએ સાસરે જવું પડે.. જો, તારે જવું પડયું ને? સાસરું એટલે શું એવો પ્રશ્ન હવે નહીં પૂછે ને? તને દુલ્હનના સ્વરૂપમાં જોવાની ઇચ્છા હતી પણ…

અરૂપનો સંપર્ક સાધવાની બે ચાર વાર કોશિશ કરી.. પણ..! ખેર..! પછી મન મનાવ્યુ.. તું તારી દુનિયામાં ખુશ છે.. તારી મમ્મી પાસેથી તારા સમાચાર મળતા રહેતા.. તને લગ્નના અભિનન્દન આપવા ફોન કરેલ પણ અરૂપે કહેલ કે તું બહારગામ ગઇ છે તેથી વાત ન થઇ શકી.. અને પછી ક્યારેય તને ફોન કર્યો નહીં… તું ખુશ હતી… છે.. એટલું મારે મારે પૂરતું જ હોય ને?

અને હું પણ એક જુદી દુનિયામાં ખોવાઇ ગયો. તારી યાદ મારા અસ્તિત્વની અંદર ઓગળી ગઇ હતી. અને હું ઓગળી ગયો હતો.. નાનાં નાનાં અનાથ ભૂલકાઓની દુનિયામાં… ક્યાં.. ક્યારે.. કેમ.. એ બધું લખવાની આ ક્ષણે તાકાત નથી. જોકે હવે તારી મમ્મીને બધી જાણ છે. તને મન થાય તો તેની પાસેથી જાણી શકીશ..

આ ક્ષણે તો એટલી જ ખબર છે. હવે મારી પાસે બહું ઓછો સમય બચ્યો છે. કેમ શું થયું… એ બધી વાતો અહીં આવીશ ત્યારે તને જાણ થવાની જ છે. અત્યારે એટલું બધું લખવાની તાકાત નથી. પરંતુ જિંદગીના કદાચ છેલ્લા દસ બાર દિવસ મારી પાસે બચ્યા છે. વતનના એ જ ઘરમાં અંતિમ શ્વાસ લેવાની અદમ્ય ઝંખના મને અહીં ખેંચી લાવી છે. આ ઓરડાની દીવાલોમાં તારી હાજરીની સુગંધ હજુ ઓસરી નથી. અહીંની દીવાલોમાંથી આપણું આખ્ખું શૈશવ ટહુકે છે. અહીં હું તને પ્રત્યક્ષ અનુભવી શકુ છું. રોજ તારી સાથે વાતો કરતો રહું છું. છતાં માનવનું મન લાલચુ.. લોભી છે. મોહ છૂટતો નથી. એકવાર… અંતિમ વાર તને પ્રત્યક્ષ જોવાની ઝંખના છૂટતી નથી. અરૂપ સાથે પણ મનભરીને ઝગડો કરવો છે. મને ભૂલી ગયો એની ફરિયાદ કરવી છે. તારા પતિ સાથે ઝગડો કરાય ને?

ખેર..! બસ.. એકવાર.. છેલ્લી વાર તને…

મમ્મીને કહ્યું છે. તેણે તને ફોન કર્યો છે અને મને જાણ છે. હવે કોઇ પળે અચાનક તું આવી ચડીશ. આવીશને? એવો પ્રશ્ન અસ્થાને છે. કેમ કે હું જાણું છું.. તું આવીશ. એક પળના પણ વિલંબ વિના આવીશ. પણ કદાચ તું આવ અને હું ત્યારે બોલી શકું તેમ ન હોઉં.. તો? હવે નિયતિ પર ભરોસો નથી રહ્યો. તેથી અંતિમ વાર મન ભરીને તારી સાથે વાત કરી રહ્યો છું. ઇતિ, સાચ્ચે જ મેં કયારેય અરૂપના ભાગ્યની ઇર્ષ્યા નથી કરી.. નહીં કરું. પરંતુ આ અંતિમ ક્ષણે ખોટું કેમ બોલું ? ઇતિ, આ ક્ષણે તો મને તેની ઇર્ષ્યા આવે જ છે.. પહેલી ને છેલ્લી વાર. મને માફ કરી દેજે. ઇતિ.

અરૂપ સાથે પણ ઘણી વાતો કરવી છે. તારી સાથે તો ફરી એક્વાર લડવું છે, ઝગડવું છે.. રિસાવું છે, મનાવું છે.. મારી આંખોને.. મારા પ્રાણને તારી પ્રતીક્ષા છે. કાલે આંખો બંધ કરી ત્યાં તું મારી સમક્ષ હાજર. આપણે બંને દરિયાના પાણીમાં ઉભા હતા અને હું આગળ જતો હતો. તું પાણીમાં આગળ ન જવા મને વીનવતી હતી કે શું? પરંતુ મારે તારો હાથ છોડીને જવાનું હતું. અંતિમ સફર પર તો એકલા જ જવાનું હોય ને? સ્વપ્ન હતું કે સત્ય?

ઇતિ, મને અંતિમ અલવિદા કરવા કયારે આવે છે? મને ખીજાઇશ નહીંને? ના, ના, મન ભરીને ગુસ્સે થજે.. તારા ગુસ્સાની પ્રતીક્ષા મને ટકી રહેવાનું બળ આપે છે. ઇતિ… મોડું નહીં કરે ને? નહીં કરે ને? ના. મને વિશ્વાસ છે..મારો સાદ આવે ને તું મોડી ન જ પડે…’

અનિકેત..

ઇતિના હાથમાંથી પત્ર ક્યારે નીચે સરકી ગયો તેની જાણ ઇતિને થઇ નહીં. આંખોમાં બારે મેઘ ખાંગા થયા હતા.. તેના હાથમાંથી નીચે પડેલ પત્ર અરૂપે ઉપાડ્યો. અરૂપની આંખો પત્રના અક્ષરો પર એકીશ્વાસે ફરી રહી. ત્યાં ફોન રણકયો.. સામેથી કોઇ કશું બોલે તે પહેલા જ… ઇતિએ ફોન ઉપર તરાપ મારી અને બોલી ઉઠી. ’હા, મમ્મી, હું આવું છું… આ ક્ષણે જ નીકળુ છું. મમ્મી…’

ડૂસકાઓની વચ્ચે ઇતિનો અવાજ તૂટતો જતો હતો.

’ના, બેટા, હવે તું તારે નિરાંતે આવીશ તો પણ ચાલશે. બહું મોડું કરી નાખ્યું તે.. ઇતિ, બહું મોડું… અનિકેત હવે આ દુનિયામાં…’

સામે છેડેથી ધૂજતો અવાજ ઇતિના કાનમાં પડઘાઇ રહ્યો..

‘અને બેટા, અરૂપને બધી વાત કરી તો હતી… છતાં….

છેલ્લી મિનિટ સુધી અનિકેતની આંખો દરવાજા પર….’ નીતાબહેન આગળ કેટલું યે બોલતાં રહ્યાં. ઇતિ અવાચક… બસ.. બસ…. નથી સાંભળવું… કશું જ નથી જાણવું… ઇતિના હાથમાંથી રીસીવર છટકી ગયું….

મૂઢ ઇતિની આંખો અરૂપને તાકી રહી. તેમાં ઉઠતા અગણિત અનુત્તર પ્રશ્નો..!

અરૂપના હાથમાં રહેલ પત્ર ધ્રૂજી રહ્યો હતો કે અરૂપ આખો ધ્રૂજી ઉઠ્યો હતો?

ઇતિની આંખો જવાબ માગતી હોય તેમ અરૂપ સામે ત્રાટક કરતી રહી. પણ…. અરૂપ શું બોલે?


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૨) – નીલમ દોશી