પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૫ (૨૦ વાર્તાઓ) 13


Sculptureપ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૨૩-૨૪ જૂનના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે ધૈવતભાઈ ત્રિવેદીની નવલકથા ‘૬૪ સમરહિલ’માંથી ઉદધૃત જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી,

અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા…’

૧. કુળદીપક

નરસિંહ જોગીનું કુળ એટલું મોટું કે સમાજમાં કોઈ પ્રસંગ હોય અને ઘરદીઠ માત્ર એક માણસને આમંત્રણ આપો તોય દોઢસો જણ તો પાક્કા સમજો.

નરસિંહ જોગીની દસમી પેઢીના પાંચ ભાઈઓનું કુટુંબ. ખાધે પીધે ને બધી વાતે સુખી… પણ ખાટલે મોટી ખોટ કે ચારેય ભાઈ કુળદીપક આપવા પહેલાં જ હોલવાઈ ગયા. આથી બધી ભાભીઓનો લાડકો એવો સૌથી છેલ્લો દિવ્યેશ તેમજ શાંત, ઓછાબોલી અને સૌમ્ય સ્વભાવવાળી એની પત્ની શિલ્પા પર બધાય આશા રાખીને બેસેલા.

દિવ્યેશના લગ્ન બાદ ચારેય ભાઈ દેવલોક સિધાવ્યા હોવાથી જેઠાણીઓ આડકતરી રીતે શિલ્પાને કલંકીત ગણતા. ભણેલી ગણેલી શિલ્પા આ બધામાં ધ્યાન પરોવતી નહીં. પાંચ વરસ થવા આવ્યા છતાંય કોઈ શુભ સમાચારના સંકેત દેખાતા ન હોવાથી દિવ્યેશને શિલ્પા વિરૂદ્ધ ભડકાવવા લાગ્યા. પણ ખોટ તો દિવ્યેશમાં હતી. દવા ખાઈ ખાઈને દિવ્યેશ પણ ડિપ્રેશનમાં આવી જતો.

ઘરમાં ઝઘડો હવે રોજની રામાયણ હતી. દિવ્યેશનો માર ખાઈને ય શિલ્પા ચું કે ચા ના કરતી. જેઠાણીઓએ પણ વચ્ચે પડવાનું છોડી દીધું. દિવ્યેશનો સંતાપ શાંત કરવાના તમામ પ્રયત્નો શિલ્પા કરતી. બપોરથી શિલ્પાને ઉબકા આવી રહ્યા હતા. પણ રાત પડી ને પાછા વાસણ ખખડ્યા.

“બસ હવે બહુ થયું. શું માંડ્યુ છે તમે. આવી આવીને હડકાયા કુતરાની જેમ કરડવા લાગો છો.”

“કુતરો કોને બોલી તું? મને? તારી આટલી મજાલ.” પણ આજ તો શિલ્પાએ હાથ ઝાલી લીધો.

“હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. આ વખતે હું ઉધાર નહીં રાખું..” બીજો હાથ હવામાં વીંઝાય એ પહેલા તો એણે દિવ્યેશના વાળ ખેંચીને ઉપરાછાપરી લાફા ઠોકી દીધા.

“નપાવટ, તારો માર ખાવા મેં લગ્ન કર્યા નથી.” ને લાતો પણ ફટકારી દીધી.

દિવ્યેશે તો આ હુમલાનું સપનામાં ય વિચાર્યું હતું. પથ્થરના શિલાલેખ સમાન નરસિંહ જોગીના કુળમાં દસમી પેઢીના કુળદીપકમાંની ચાર પંક્તિ તો અસ્પષ્ટ અને નામશેષ થવાને આરે ઉભી હતી. પણ અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા…’ ને શિલ્પાનું આ સ્વરૂપ દિવ્યેશ માટેય દુષ્કર બની ગયું.

મોડી રાતે ઉલ્ટીના ઊબકા સંભળાતાં જ દિવ્યેશ ચોંકી ઉઠ્યો.. બેયની આંખોમાં આંસુ હતા.

– સંજય ગુંદલાવકર

૨. નિત્યક્રમ

આજે ૨૬મી જૂન, ૨૦૧૬. જગતજનની મહાકાળીને વંદન કરતાં એનું ધ્યાન કેલેન્ડર પર ગયું. વધુ વિચારે ચઢી જવાય એ પહેલાં એણે નિત્યક્રમ શરુ કર્યો.

‘વિરન્ચ્યાદિદેવાસ્ત્રયતે ગુણાત્રિમ્.’

હજુ પહેલો શ્લોક શરુ જ કર્યો હતો ત્યાં.. અચાનક પવનની લહેરખી આવી અને કેલેન્ડરના પાનાને સ્પર્શી ગઇ. આંખો બંધ હતી છતાંય મનને ખળભળાવી ગઇ.. આજે જીવ ચોંટતો કેમ નથી? આજનો દિવસ ઊગ્યો છે જ એવો…! અને એ ફ્લેશબેકમાં સરી પડ્યો.

વાય-ટુ-કે વર્ષની વાત.

ગુરુજીએ કાલિકાઅષ્ટકનો આર્શિવાદ આપતાં કહેલું ‘આ અમોઘ છે દેવા.. પરિપાટી જાળવીને પાઠ કરજે. બ્રહ્માંડમાં તને સિદ્ધિ અપાવશે આ સ્તુતિ.’ અને પછી તો રોજેરોજના ૧૦૮ પાઠ એનો નિત્યક્રમ બની ગયો. ગુરુપુત્રી મહાકાલિ, જેને સૌ ‘હાકા’ કહેતાં, એ આ વાત જાણીને ખૂબ ખુશ થઇ. દેવો સમજી ન શક્યો કે મારા કરતાંય વધુ આનંદ ગુરુપુત્રીને કેમ થયો?

એ પછીના વર્ષોમાં પણ ક્યાં સમજી શકાયું હતું હાકાનું વર્તન… સાક્ષાત કાલિદેવીની કૃપા જેવી હતી હાકા. પરંતુ દેવો રહ્યો ગુરુભક્ત. ગુરુભક્તિથી આગળની બીજી કોઈ લાગણી જોવાની શક્તિ એનામાં નહતી, કદાચ.

હાકા એના લાવણ્ય અને લાગણીથી દેવાને રિઝવવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ દેવાનું સર્વસ્વ હવે કાલિપૂજામાં કેન્દ્રિત થઈ ગયું હતું. ગુરુના આશિર્વાદ ભળ્યા પછી એમાંથી એ સહેજે ચલિત થાય એમ નહતું. ગુરુના નિર્વાણ પછી કાલિએ મરણિયો પ્રયાસ આદર્યો પણ નિષ્ફળ નીવડી. અને જીવવું ઝેર લાગતાં એણે એ મંદિરમાં જ, કાલિના ખપ્પરમાં હોમાઇ ગઇ.

…અને એ અચાનક તંદ્રામાંથી જાગ્યો.

‘અરર..! પાઠના સમયે બેધ્યાન બન્યો. ઘોર અનર્થ! પણ હાકા જ જ્યારે કાલિના ખપ્પરમાં હોમાઇ ગઇ પછી… એનાથી મોટો અનર્થ ક્યો, મા…’

જગદગુરુ શંકરાચાર્ય વિરચિત કાલિકાષ્ટકના પાઠ એ રોજ કરતો. કાલિ મંદિરમાં.. આખુંય સ્ત્રોત્ર કોતરાયેલું હતું. પણ હાકાએ એક જ પંક્તિને જરા સાફ કરીને ઉપસાવી હતી. આજે અનાયાસ દેવાને હાકાની યાદ આવી અને સાથે એ પંક્તિ.. અહીં સદીઓ જૂના પત્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી. ‘સ્વરુપમ ત્વદિય ન વિન્દન્તિ દેવા’..

રોજ રટતો હતો પણ સાચા અર્થમાં ક્યાં સમજી શક્યો હતો, ન ત્યારે, ન આજે. …અને, એનો નિત્યક્રમ તૂટ્યો.

– પરીક્ષિત જોશી

૩. ગીત ગાયા પત્થરોને

..’ સાંસો કે તાર કા, ધડકનકી તાલ પર, દિલકી ફુહારકા, રંગ ભરે પ્યાર કા…’ મોબાઇલ હેડફોન કાનમાં ભરાવી પાર્થ સર સમાધિ લગાવી બેઠાં હતાં. ..

‘… સર, અડધો કલાક થયો કૉફીનો કપ મુકે, ક્યાં ખોવાઈ ગયા છો?’

પાર્થ સર કૉલેજમાં ઇતિહાસ વિષય ભણાવતાં. ઐતિહાસિક સ્થળો ઉપર જઈ વિદ્યાર્થીઓને ત્યાંની રસપ્રદ માહિતી આપી એમને ભણાવવું ગમતું.

આજે કૉલેજની પિકનીક લઈને તેઓ પોળોના જંગલમાં આવેલા…

‘ આ મહાદેવનું મંદિર પાંચસો વર્ષ પુરાણું છે, શંકરની ઉપાસક ઉર્વશી ગંધર્વ ના સંગને કારણે ગર્ભવતી રહી હતી. એ પ્રસુતિ માટે આ જંગલમાં આવીને રહેલી. એના સ્તનપાન દરમિયાન દૂધ આ જગ્યા ઉપર પડ્યું હતું. આ મંદિરમાં સાચા દિલથી કરેલી પ્રાર્થના અવશ્ય ફળે છે.’

પાર્થ સરે કલાક પહેલા આવી માહિતી આપી લંચ બ્રેક જાહેર કર્યો હતો.

‘ સર, હું તમને ક્યારની શોધું છું અને તમે પત્થરોનો અભ્યાસ કરી રહ્યા છો?’

‘ હા તર્જની , પુરાતત્વનો અભ્યાસ કરવો મારો મનગમતો વિષય છે. ‘

‘ સર, આ પત્થર પરની લિપી હું ઉકેલતી હતી, અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’ પહેલા ચારમાં તો વાંધો ન આવ્યો પણ છેલ્લી સંસ્કૃત લાઇનમાં ખબર ન પડી…’

‘ હે દેવી તમારું સ્વરૂપ પારખવું દેવો માટેય દુષ્કર બની રહો’ સફેદ દાઢી પર હાથ પસરાવતા સર બોલ્યા.

‘ પણ સર , તમે મારો એક સવાલ ગળી ગયા… ક્યાં ખોવાઈ ગયા હતા? ‘

‘ સાંભળવું જ છે… એનું નામ પણ તર્જની હતું, મારી વાગ્દત્તા , આજથી ત્રીસ વર્ષ પહેલાં આ જંગલમાં પત્થરો વચ્ચે…’

‘ વેરી ઇન્ટરેસ્ટિંગ’

‘ એનું રૂપ જાણે ઉર્વશીની આબેહૂબ નકલ, પત્થરની કંડારેલી મૂર્તિ…’

‘ સર, યુ આર લકી’

‘ હા, આ જ જગ્યા હતી, હું આ શિલા અને એના પરના લેખને ઉકેલવાનો પ્રયત્ન કરતો હતો… એ પાછળની નદીમાં નહાવા પડી, વમળમાં ફસાઈ ગઈ, કોઇ બચાવવા જાય એ પહેલા… ‘

‘ વેરી સેડ…’

સરની આંખોમાં આવેલા આંસુને લૂંછવા તર્જની એ હાથ આગળ કર્યો અને મોબાઇલમાં ભરાવેલો વાયર નીકળી જતાં ગીત વાગવા લાગ્યું…

‘ગીત ગાયા પત્થરોને…’

બે દિવસ બાદ કૉલેજમાં હો હા મચી ગઈ…

… 22 વર્ષની તર્જની એ 52 વર્ષના પ્રોફેસર સાથે લગ્ન કરી લીધા…

– સંજય થોરાત

૪. કીસી પત્થર કી મુરત સે…

આજે ખજુરાહો જવાનો કાર્યક્રમ નક્કી કર્યો મારી પત્નીથી લઈ “દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..” સામે મારી ગર્લફ્રેંડ એની ઇનોવા સાથે હાજર હતી…

અમે બન્ને કૉલેજની વાતો યાદ કરતાં ખજુરાહો પહોંચી ગયા, રાત થઈ ગઈ હતી અને મારી નજર સમક્ષ ખજુરાહોની મૂર્તિઓ નૃત્ય કરી રહી હતી…

“તારો દિકરો શું કરે છે?” એક રાતકી બાત યાદ આવતાં એણે પ્રશ્ન પૂછ્યો.

“સાવ તારા પર ગયો છે. ગુફા- શિલ્પ- મૂર્તિ વિશે વાત કરતો હોય છે.”

“અરે વાહ, સરસ કહેવાય!”

“શું ધૂળ સરસ કહેવાય, મારી નણંદને શંકા ગયેલી એણે એકવાર પૂછ્યું પણ હતું ભાભી, “હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?” અને જવાબ આપતાં મારી જીભ થોથવાઇ ગયેલી…”

ખજુરાહોની એ રાત પછી તો મંદિરના અસર જેવી…

…સવારે બન્ને એ મનગમતી ગુફાના પત્થર પાસે આવીને બેઠાં…

“અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’ જો તો આ પાંચમી લાઇન શું કહેવા માંગે છે?”

“કોની સાથે વાતો કરો છો? અહી કોઈ શિલા પણ નથી ને કોઇ…”

હે ભગવાન! આ ફરી પાછા કોઈ પ્રોમ્પ્ટની વાર્તાના વિચારે ચઢ્યા લાગે છે…

“આ કોઇ ગુફા પત્થર નથી, દીકરીનું બ્લેક બોર્ડ છે, અને ત્યાં કોઈ પાંચમી લાઇન નથી, ત્યાં તો મેં એક બિલાડી પાળી છે… કવિતાની લાઇન છે!”

આ વોટ્સ એપનું ‘સર્જન’ ગ્રુપ આમને કોઇ ધુની લેખક બનાવીને છોડશે…

“લો, આ ટુવાલ પકડો ને નહાવા જાવ…”

આ પત્ની પણ…

“કિસી પત્થર કે મુરત સે મહોબ્બત કા ઇરાદા હૈ…” ગીત ગણગણતા ધડામ દઇને બાથરૂમનું બારણું પછાડ્યું…

– સંજય થોરાત

૫. શોધ કે છળ?

“રાહુલ હજુ કેટલું દૂર?”

“બસ થોડુંક જ છે, આમ પણ અધૂરું જ્ઞાન ઝેર સમાન હોય.”

રાહુલ અને શશી એક ડુંગરની તળેટીમાં કેડી પર ચાલ્યા જતા હતા, રાહુલે શશીનો જીવ બચાવેલો ત્યારથી એ એનો પડછાયો બનેલી. બંને આગળ વધ્યા, ત્યાં કેડી પૂરી થતા એક વિશાળ ઝરણું મોં ફાડી ને ઊભું હતું.

“હવે શું?” સવાલ પૂરો થાય તે પહેલા રાહુલ ઝરણાંમાં કૂદી પડયો.. ઉચાટની થોડી ક્ષણ વીતી ને એ બહાર આવ્યો સાથે એ જ શિલાલેખ પણ હતો જેના સપનાએ તેને હિપ્પી બનાવી દીધેલો.

“આ શું છે?”

“આ એક પૌરાણિક શિલાલેખ છે, જેનું સપનું મને આવ્યા જ કરતું છેવટે આજે એ મળી ગયું.

ત્યાં અચાનક વીજળીનો ચમકારો થયો ને એક યાન ઊભું રહ્યું, શશી હવે એક યુવતી ન રહી, એનું રૂપ યાનમાંથી નીકળેલા માનવર જેવું થઈ ગયું એણે સ્તબ્ધ થઈ ગયેલા રાહુલના હાથમાંથી શિલાલેખ લીધો..

“એક સાચા દિલનો માનવી જ આને કાઢી શકે એમ હતો એટલે આ કરવું પડ્યું, એ સપનું નહીં ટેલિપથી હતી, ને આપણું મળવું પણ…” શશી ખંધુ હસી. રાહુલ યાન પર ચડતા શશી અને માનવરોને જોઈ રહ્યો.

“ચાલો એક લાઇનમાંં ઊભા રહો, દવાનો સમય થયો.” નું અલાર્મ વાગતા જ પાગલખાનું સ્કૂલ બન્યું ને રાહુલે ધીમેથી એની આગળ ઊભેલા પાગલના કાનમાં રહસ્ય ખોલ્યું, “અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’ ને એના અટહાસ્યથી પાગલખાનું ગુંજી ઊઠયું.

– શૈલેષ પરમાર

૬. શિલાલેખ

‘મંદાકિની’ એમણે નામાભિધાન કર્યું. એમણે એટલે યહોવાહે.. ઈશ્વરે.

બ્રહ્માંડસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. નિતાંત સુંદર, શુભ્ર આકાશગંગા ‘મંદાકિની’નો જન્મ થઈ ચૂક્યો હતો.

યહોવાહના ચહેરા પર સ્મિત પથરાઈ ગયું. નાભિમાંથી અનાહત નાદ ગુંજી રહ્યો હતો. પ્રસન્નચિત્તે એમણે શિલા પર તર્જનીથી લખ્યું. ‘અમૃતા, અતુલા, અનંતા, અભયા.. સ્તુતિ થજો.’

તેઓ પોતાના આસન પર બેઠાં. એમના શબ્દોમાંથી, શ્વાસોમાંથી, ઉચ્છવાસોમાંથી ચરાચર વિશ્વ સર્જાતું ગયું. ત્રીજે દિવસે ધરા અવતરી. તર્જની શિલાને સ્પર્શી. ‘અચલા તુ, વિપુલા તુ.. તુ જ સાગરા ઉર્વરા.. કોટિ કોટિ તુજ વંદના.. હે જનની હે વસુંધરા.’

ત્રીજાથી છઠ્ઠા દિવસ દરમિયાન જીવસૃષ્ટિ રચાઈ. જીવ એટલે ચૈતન્ય. અવિદ્યામાં પ્રતિબિંબિત ચૈતન્ય, અવિદ્યાની ઉપાધિવાળું ચૈતન્ય. શિલા પર ‘કર્મણ્યે વાધિકારસ્તે..’ આલેખાયું.

યહોવાહ ભવનમાં ચહલકદમી કરી રહ્યા હતાં. ‘હજુ કશુંક ખૂટે છે’! એમણે વિચાર્યું. એકાદવાર તો છેક મંદાકિનીના બીજા છેડા સુધી આંટો મારી આવ્યા. ઉચાટ શાંત થયો નહિ. સર્જનાત્મકતા જાણે હજુ ચરમ પર પહોંચી નહોતી!

એ અદ્વિતિય પળ પણ આવી પહોંચી. આદમ અવતર્યો. યહોવાહને સંતોષનો ઓડકાર આવ્યો. આદમે દંડવત્ત કર્યા. તર્જની ચોથી વાર સળવળી.

આજે યહોવાહ ભ્રમણ પર નીકળ્યા હતાં. ‘એકલો એકલો એ શું કરતો હશે?’ એમને આદમની ભાળ લેવાનું મન થયું.

ફરતાંફરતાં તેઓ એ ઉપવનમાં દાખલ થયાં જ્યાં આદમ વિહરતો.

ખીલ.. ખીલ..ખીલ.. યહોવાહના કર્ણપટલ પર અત્યંત મંજૂલ સ્વર પડ્યો. યહોવાહ સ્તબ્ધ થઈ ગયા અને પછી સંમોહિત સ્વરની દિશામાં ચાલ્યા.

અહો! આતો કોક અત્યંત સ્વરૂપવાન, ત્રણેય ભુવનને મોહિત કરી શકે એવું મોહિની સ્વરૂપ. દૈવી અવતરણ.

“પ્રભુ”.. આદમ દોડતો આવ્યો. “આ ઈવ છે પ્રભુ, હું એકલવાયો હતો, તેથી મેં એને મારી પાંસળીમાંથી સર્જી છે.” બંનેએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. જમણો હાથ આશિષની મુદ્રામાં ઉંચકાયો. બીજી જ ઘડીએ ચંચલ હરણી સમી ઈવ દોડી ગઈ. પાછળ આદમ દોડ્યો, યહોવાહની હાજરી વિસરીને.

યહોવાહના લલાટ પર ચિંતાની રેખાઓ અંકિત થઈ.

અહિં સદીઓ જુના એ પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દતિ દેવા..’

યુગો પછી પણ શિલાલેખ સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકાય એવી અવસ્થામાં છે. પરંતુ લિપી અજાણી છે!

– રાજુલ ભાનુશાલી

૭. મોહિની

આજે રોજની જેમ રશ્મી રુહીને ભણાવતી હતી સંસ્કૃત ના શ્લોક સમજાવતી હતી.

રુહી: “એક પણ શ્લોક યાદ નથી રહેતો.”

यत्र नार्यस्तु….तत्र रमन्ते देवता।.. या देवी सर्वभुतेषु… नम..

રશ્મિ : “રુહી, આવા દેવી દેવતાના શ્લોકના અર્થ શીખી લેજે, સમજવા જેવા છે. સંસ્કૃત ભારતની પૌરાણિક ભાષા છે.”

રુહી : “મમ્મી, રાજ સર બહુ સરસ રીતે વર્ણન કરે પણ મને સમજાતા નથી. રાજ સર સ્કૂલની પિકનિકમાં આ વખતે અમને ‘માંડુ’ નામના પૌરાણિક સ્થળે લઈ જશે.

“અજન્ટા, ઇલોરાની ગુફા ખજુરાહોના શિલ્પની જેમ પથ્થર પર શિલ્પ કોતરાયેલ છે.અદ્વિતિય, અનુપમ, લાજવાબ અને અજોડ શિલ્પો છે. અહીંના માલવરાજા કલાના ઉપાસક હતા. એમના સમયમાં ઉત્તમ શિલ્પોનું નિર્માણ થયું, આ પાંચ ગુફા માલવરાજાની પાંચ અલગ રાણીઓની હતી. પહેલી રાણી રાગિણી, બીજી રાણી મેનકા..” એમ રાજ સર પાંચમી ગુફાનું વર્ણન કરવા લાગ્યા, પણ રુહી સિવાય કોઇ ધ્યાનથી સાંભળતું નહોતું.

કોઈએ ફોટા લેવા નહિ એમ લખેલું હોવા છતાંય બધા મોબાઇલમાં સેલ્ફી લેવા લાગ્યા. કોલેજનું આખું ગૃપ ફોટા લેવામાં મસ્ત બન્યું.

અચાનક..

જોરદાર કડાકા ભડાકા, ગેબી અવાજો સંભળાવા લાગ્યા. રુહી અને રાજસર પાંચમી ગુફામાં હતા. પાંચમી રાણી મોહીનીના અનુપમ અંગમરોડની વાત કરતા કરતા રાજ સર રુહીની એકદમ પાસે આવીને આંખમાં આંખ મિલાવીને સંમોહન કરવા લાગ્યા. રુહી સચેત હતી, રશ્મીએ સંમોહન મારિણી શીખવાડી હતી તેનો ઉપયોગ કરવા લાગી. બધા ગૃપવાળા પાંચમી ગુફામાં આવ્યા ત્યારે અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંકિતય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’

રુહી મોટેથી બોલવા લાગી, ‘હે દેવી, તમારું સ્વરૂપ પારખવું દેવો માટેય દુષ્કર બની રહો..’

બધા સરને પૂછવા લાગ્યા,’ તમને શું થયું? કેમ પરસેવે રેબઝેબ?’

રાજ સર શું જવાબ આપે? મોહિની કે સંમોહિની..?

– પૂર્વી બાબરિયા

૮. મારો ઇતિહાસ

ડૉ. કટવાનીના તંબુમાં એક ખુલ્લી પેટી હતી જેમાં પ્રાચીન ચીજવસ્તુઓની સાફ સફાઈ કરવાનાં સાધનો હતા. કેમિકલની બોટલ અને નાની પીંછીઓ પણ હતી જેના વડે એ ચીજવસ્તુઓ પરની ધૂળ સાફ કરી શકાય.

“આપના એક જ સમયે આવતા એકના એક સ્વપ્નો વિષે છાપાની કોલમમાં છપાયું હતું.” એ ડૉ. કટવાનીનો અવાજ હતો. હું પાછળ ફર્યો.

“હા પણ મને અહીં બોલાવવનું પ્રયોજન શું છે?”

“મારી પાછળ આવો.” એ તંબુની બહાર નીકળી ઝડપભેર ચાલવા લાગ્યા.

હું એમને અનુસારતો છાવણીના બીજા તંબુમાં ગયો. તંબુમાં એક વિચિત્ર વાસ આવતી હતી, કોઈ પ્રાચીન ગુફામાં જે વાસ આવતી હોય એવી. એમને મને એક બોક્સ આપ્યું. મેં ખોલ્યું. મારા હોંશ ઉડી ગયા. મેં બોક્સને દૂર ફેંકી દીધું.

“આ પ્રાચીન ગ્રંથ છે ને જે તમે સ્વપ્નમાં જુઓ છો.” કટવાની ગ્રંથને બોક્સમાં મૂક્યું. મેં ધ્રુજતા સ્વરે હા પાડી. એ તંબુની બહાર ગયા અને અને હું એમને અનુસરતો ગયો. અમે એક ગુફા દ્વારા જમીનની અંદર એક વિશાળ ખુલ્લી જગ્યામાં પ્રેવશ્યા. મારુ માથું ચકરાવા લાગ્યું હતું.

“તમે આ જન્મે પણ આ પાંચમી સ્ત્રીના પ્રેમને ઝંખો છો?” એણે આંગળી ચીંધી.

હું એ તરફ ધસ્યો. અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’ મેં કટવાનીને પૂછ્યું, “આનો મતલબ શું?”

“હે દેવી, તમારું સ્વરૂપ પારખવું દેવો માટેય દુષ્કર બની રહો.”

“શું આ કોઈ દેવી છે.”

“ના પણ તમારી કુદરતની કરામત જેવી પ્રિયતમા જેની એની યાદમાં આ કંડારાવ્યું છે.”

“તો આ ચાર કોણ છે અને આ યુદ્ધના ભીંતચિત્રો, આ બધું શું છે?”

“તમારી રાણીઓ અને તમારા પૂર્વજન્મની ઝાંખીઓ.”

“મને કશું સમજાતું નથી?”

એમને બોક્સ ખોલીને ગ્રંથ બતાવ્યો.

હું એ ગ્રંથ લઈને પાછો ફર્યો. હું પાંચ મિનિટ માટે આડો પડ્યો અને મારી આંખ મીંચાઈ ગઈ.

‘રાજા.. ચાર રાણીઓ.. હત્યા.. પાંચમી રાણી.. યુદ્ધ.. દગો.. પાંચમી રાણીનું લોહીલુહાણ ધડથી અલગ થયેલું શીષ.. ગેરસમજ.. શિલ્પકાર.. આત્મવિલોપન.’

હું ઝબકી ગયો, ઘડિયાળમાં એજ સમય બતાવતો હતો. સવારના ૬ વાગ્યાનો. પવનથી એ ગ્રંથનાં પાન ઉડતા હતાં. ‘મારો ઇતિહાસ.’

– કલ્પેશ જયસ્વાલ

૯. કડવાશ

ત્રીસ વર્ષ પછી પણ એ ભયંકર ઘટનાની કડવાશ મારાં મનમાં હજીયે એવી જ હતી. અર્જુને સ્વયંવરમાં મને જીતી એ ઘડી અને આજનો દિવસ – હું ક્યારેય દિલથી હસી પણ ન હતી.

આજે કુરુક્ષેત્રનાં યુધ્ધનો બારમો દિવસ હતો. પણ મને કુળનો નાશ કરનારા એ યુધ્ધમાં કોણ જીતશે, એ વાતમાં કોઇ જ રસ ન હતો. એ વિનાશની ભૂમિથી દૂર, આજુબાજુંની ટેકરીઓ અને જંગલોમાં આજે હું એકલી જ નીકળી પડી હતી. જાણે વર્ષો પછી મારાં અંતરાત્મા સાથે વાત કરવાની ફુરસત મળી હોય એમ લાગતું હતું.

હું એક મોટી ભેખડ પાસે આવીને બેસી ગઈ. મારી ભાવશૂન્ય આંખો ચારે બાજૂ ફરતી હતી. અચાનક મારી નજર એક પથ્થર પર કોતરેલાં લખાણ પર પડી. ધ્યાનથી વાંચતાં ખબર પડી કે હજારો વર્ષો પહેલાં અલગ અલગ ઋષીઓએ રચેલાં શ્લોકો પૈકીની એ ચાર પ્રસિધ્ધ પંક્તિઓ હતી.

એ પ્રેમપંક્તિઓ વાંચતાં જ હું ત્રીસ વર્ષ પહેલાંનાં ભૂતકાળમાં સરી પડી. મારી જીંદગીનો એ સૌથી બદનસીબ દિવસ હતો. જાણે હું કોઇ ભોગવિલાસની ચીજ હોઉં એમ એ પાંચે જણાએ મારાં ‘ભાગ’ પાડ્યા હતાં! શું કુંતીએ ભૂલથી આપેલા આદેશનું પાલન એટલું બધું જરૂરી હતું કે એની સામે એક સ્ત્રીની માન મર્યાદાનું પણ કંઇ જ મહત્વ નહીં!

વળી, પોતાને ધર્મરાજ ગણાવતાં યુધિષ્ઠિરે તો પાંચેય પતિઓનાં મારી સાથે શયનકક્ષમાં રહેવાનાં વારા પણ નક્કી કર્યાં હતાં! જે સમાજમાં સ્ત્રીનો એક પરપુરુષ સાથેનો સંબંધ પણ કલંક ગણાતો, ત્યાં મારે તો પાંચ પતિઓ હતાં. આ વિચારમાત્રથી મારો આત્મા કકળી ઊઠતો હતો. પણ એક સ્ત્રીની લાગણીને સમજી શકે એવું કોઇ મને ત્રીસ વર્ષેય નહોતું મળ્યું.

અચાનક કંઇક ખખડાટ થવાથી હું વર્તમાનમાં પાછી ફરી. હું ભેખડ પાસેથી ઊભી થવા જતી હતી ત્યાં જ મારી નજર પડી તો અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી… ‘સ્વરૂપં ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’

આ વાંચતાં જ મારાં હોઠ પર કટાક્ષભર્યું સ્મિત ઊપસી આવ્યું. “ખરેખર! પાંચ પાંચ ‘દેવો’ મળીને પણ મારૂં આંતરિક સ્વરૂપ ક્યાં પારખી જ શક્યા!” અને આંસુ લૂંછતી હું કુરુક્ષેત્ર તરફ ચાલવા માંડી.

– ડૉ. નિલય પંડ્યા

૧૦. અલ્લડ પ્રેમનું વિશ્વ

“સંમોહી, મારે તારી મૂર્તિ બનાવવી છે, મારા જીવનની સૌથી અનમોલ રચના હશે એ.”

“આટલો મોટો મૂર્તિકાર, મારી મૂર્તિ બનાવશે, હું કંઇ સ્વર્ગની અપ્સરા છું?” કહેતી એ ભાગી ગઈ.

‘ઉફ્ફ,એનું એ અલ્લડ હાસ્ય.. મારા જન્મોજનમ એના પર કુરબાન.’

“સાચે સંમોહી, શું મારું તારા જીવનમાં એટલું પણ સ્થાન નથી કે તું મને તારો થોડો સમય આપી શકે?” આખરે હું એને મનાવવામાં સફળ થયો.

હું એની મુગ્ધાતાને પત્થરોમાં કંડારતો ગયો. એ અપ્રતિમ રૂપ ધીરે-ધીરે મૂર્તિઓમાં ઢળી રહ્યું.. એ પ્રેરણા, પ્રેમથી પરે એક દિવ્ય સ્થાને બિરાજી ગઈ. એના સંમોહનમાં મારું સર્વસ્વ સમર્પિત થઇ ગયું.

મારી નાદાન સંમોહી, કહેતી, “તું મારી મૂર્તિઓ શા માટે બનાવે છે”

“સુંદરતા હંમેશા જોવાવાળાની નજરોમાં હોય છે, એક મૂર્તિકારની નજરથી પોતાને જો, વિશ્વમાં તારાથી વિશેષ કોઈ નથી, અલ્લડ, નિર્દોષ, દિવ્ય અને આંખોમાં એક અજબ સંમોહન ..”

અચાનક એક સ્વર..

“વાહ સ્વરા, જો તો આ મૂર્તિ, કેટલું સુંદર હાસ્ય, અલ્લડ.., આંખોમાં એક અજબનું ખેચાણ છે. એકથી એક ચડિયાતી અપ્રતિમ મૂર્તિઓમાં જાણે સમસ્વ વિશ્વ સમાવી દીધું છે. પ્રેમનું વિશ્વ”

”એવું શું ખાસ છે આકાશ.”

“મૂર્તિની આંખ અને હાસ્ય, એકપણ મૂર્તિની આંખમાં ઉદાસી નહિ દેખાય, મૂર્તિકાર આ સ્ત્રીને ચાહવાની હદથી પણ વધારે ચાહતો હશે. એની ખુશી માટે એ.. પણ મૂર્તિકાર પોતે અતૃપ્ત રહ્યો છે.”

“તને કેમ એવું લાગે છે?”

“હું મૂર્તિઓની આંખોમાં પ્રેમનું વિશ્વ જોઈ શકું છું, તો આ ખંડેરમાં મહાન મૂર્તિકારને પણ મહેસૂસ કરી શકું છું.”

“આકાશ.. જો, મૂર્તિઓ જેની છે એનું નામ સંમોહી હતું.

‘અહીં સદીઓ જૂના પત્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. “સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..” એટલે..

એનો મતલબ છે, “હે દેવી, તમારું સ્વરૂપ પારખવું દેવો માટેય દુષ્કર બની રહો..”

“પણ મૂર્તિકારનું નામ ક્યાંય નથી..”

“મળશે પણ નહીં.. એણે એના પ્રેમને અમર કરવો હતો.” આઈ લવ યુ, મને છોડીને ક્યારેય ન જતી”

“જોયું સંમોહી, મારો પ્રેમ અમર છે, તું જ..”

“સ્વરા, સાંભળ્યું તે?”

“શું આકાશ, મેં કંઇ નથી સાંભળ્યું, ચાલ હવે અહીંથી મને ડર લાગે છે..”

– મીતલ પટેલ

૧૧. શિખંડીનું અટ્ટહાસ્ય

સદીઓ પછી… શિખંડી નવરાશનાં સમયમાં એક શિલ્પ ટંકારી રહ્યો છે, અચાનક કોઈનો પદરવ સંભાળતાં તે પાછું વળીને જુવે છે તો ભીષ્મ પિતામહ પસાર થઈ રહ્યા હતાં. તેઓ ત્યાં અટકી ગયાં અને તેને પૂછી બેઠા કે, “ હે શિખંડી, તું શાનું શિલ્પ બનાવી રહ્યો છે ?”

શિખંડીએ કોઈ પ્રત્યુત્તર ન વાળ્યો ને તેમનાં તરફ રોષથી જોયું અને અટ્ટહાસ્ય કરવાં લાગ્યો. તેના અટ્ટહાસ્યથી અચાનક ધૂળની ડમરી ઉઠી ને શિખંડી અને ભીષ્મને સદીઓ પહેલાનાં કુરુક્ષેત્રના મેદાનમાં લઈ આવી. ભીષ્મ આંખો ચોળતા નજર માંડી જુએ છે તો સામે શિખંડીના વસ્ત્રોમાં અંબાનું તેજોમય સ્વરૂપ દેખાય છે.

“ઇચ્છામૃત્યુના વરદાનનું બહુ જ અભિમાન હતું ને તમને? હું અંબા, તમારાં કારણે મારે, શિખંડી બની…. ન નર ન નારી, સ્વરૂપે જનમ લેવો પડ્યો, તમારો કાળ બનવા…! તમે મારાં સ્ત્રીત્વનું ઘોર અપમાન કરેલું, નારી જાણી શતરંજનું પ્યાદું સમજી બેઠેલા, તમને ક્યારેય પ્યાદાની ઇચ્છા જાણવાની જરૂરિયાત ન જણાઈ… મારું અપહરણ કર્યું, મારી આજીજી સાંભળી મને શાલ્વ રાજા પાસે પરત પાઠવી, શાલ્વએ મને અપમાનિત કરી અને અપનાવી નહીં, હું તમારો આશ્રય માંગવા આવી તો તમે અપરણિત રહેવાની તમારી બાધા આગળ ધરી, જાઉં તો ક્યાં? પરશુરામજીને શરણે ગઈ, તો તમારાં બંનેનાં યુધ્ધનું પરિણામ મારી વિરુધ્ધમાં… મારું તો આયખું રોળાઇ ગયું. મહાગુરુએ મને શિવજીને પ્રસન્ન કરવાં કહ્યું, મેં પૂરી નિષ્ઠાથી તપ કર્યું, મને એક અમૂલ્ય વરદાન મળ્યું… ભોગવો એનું પરિણામ !

..હવે અંબાની જગ્યાએ શિખંડી દેખાયો. કુરુક્ષેત્રનાં મેદાનમાં મહાયુધ્ધ ચાલી રહ્યું છે. પાંડવોના વ્યૂહ પ્રમાણે ભીષ્મની સામે શિખંડીનો રથ આવી ગયો. શિખંડીની પાછળ છુપાઈને અર્જુને ધનુષ બાણનો મારો ચલાવ્યો… અંતે ભીષ્મનો દેહ પડ્યો..

ફરી બંને પેલા શિલ્પની સામે ઉભા છે. શિખંડી કટાક્ષભર્યું ખડખડાટ હસી એક જૂનું શિલ્પ બતાવતાં કહે છે, ‘જુઓ આ ચાર પંક્તિઓ દેખાય છે ને તે સ્ત્રીશક્તિની સ્તુતિમાં ગવાયેલાં શ્લોક છે. જે નવેસરથી કંડારી રહ્યો છું, અને

અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી… ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’ તે જ બચી જવા પામી છે…કદાચ તમારા માટે જ….

– મીનાક્ષી વખારિયા.

૧૨. અજાણી સ્ત્રી

શિવમ એના બંને હાથ ફેલાવી શિયાળા ની સવાર ની ગુલાબી ઠંડી ને માણી રહ્યો હતો. એવામા એની નજર સામેની ટેકરી પર પડી અને ત્યાં જ સ્થિર થઇ ગઈ. વાદળી રંગની સાડીમાં ત્યાં એ નિર્જન ટેકરી પર કોઇ સ્ત્રી હતી. શિવમનું હદય થડકારો ચૂકી ગયું, એને ત્યાં જવાનું મન થયું. જેવા એને એ તરફ પગ માંડ્યા કે પાછળથી અવાજ આવ્યો, “શિવમ…” પાછળ ફર્યો તો મહેક જાગી ગઇ હતી ને એની પાછળ ઉભી હતી.

“ક્યાં જાય છે?” જવાબમાં શિવમની નજર સામેની ટેકરી પર ગઇ. પણ ત્યાં કોઈ નહોતુ.

“શું થયું?” મહેકે ફરી પૂછ્યું.

“કંઈ… કંઈ નહીં..” શિવમની નજર હજી પેલી સ્ત્રીને શોધી રહી હતી. મહેકે શિવમનો હાથ પક્ડયો અને એને ટેન્ટ તરફ ખેંચી ગઈ જ્યાં બાકી મેમ્બર હજી ઉંઘમાં જ હતા. મહેકતો પાણી લઈ, મોં ધોઈ એના રોજીંદા કામોમાં લાગી ગઈ પણ શિવમ હજી પેલી સ્ત્રીના વિચારોમાં હતો. શિવમ અને એની ટીમ અહીં ગિરનારની ટેકરીઓ પર બે દિવસ માટે ડૉક્યુમેન્ટરી શૂટ માટે આવી હતી. સવારથી શુટીંગ શરૂ કર્યું, એન્કર મહેક અને કેમેરામેન શિવમ સાથે…

શિવમ વારે વારે સામેની ટેકરી પર જવાના બહાના બનાવતો હતો. આખરે ટીમ એ ટેકરી પર ગઇ તો ત્યાં ફક્ત પથ્થરો જ હતા અને એ સદીઓ જૂના પથ્થર પર ચારેક પંક્તિઓ.. એ સિવાય બીજુ કંઈ નહીં. આખરે મન વાળી નીચે ઉતરી ગયા. પાછા ટેન્ટ પહોચ્યા ત્યારે રાત થઈ ગઈ હતી. કાલે બપોરે શુટીંગ પૂરું કરી નીકળવાનુ હતું. શિવમ આજે ફરી સૂર્યોદય પહેલા ઉઠી સામેની ટેકરી તરફ જોતો રહ્યો. સહેજ ઉજાસ થતાં ફરી એ જ વાદળી સાડી ને એ જ સ્ત્રી! શિવમે સીધી દોટ મૂકી ટેકરી તરફ, એ ટેકરી ચડ્યો ત્યાં સુધી પૂર્ણ સૂર્યોદય થઇ ચૂકયો હતો. ત્યાં કોઇ હતુ નહીં. એણે આમતેમ નજર ફેરવી તો.. અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’

– કેતન દેસાઇ ‘અન્જાન’

૧૩. પાંચમી પંક્તિ

“સ્નેહ, તારે મારી સાથે કાલે રાજસ્થાન આવવાનુ છે.” પ્રિયલે બંનેનો સામાન પેક કરતાં કહ્યુ. મોડી રાત સુધી ધરમાં પ્રિયલની દોડાદોડી ચાલુ રહી અને સ્નેહ એમ જ એને આમતેમ એકેક વસ્તુ યાદ કરતી ને ગોઠવતી જોઇ રહ્યો. આજે સવારની પ્રિયલ અને અત્યારની પ્રિયલમાં કેટલું અંતર હતું! સવારે બાળક દત્તક લેવાની બાબતે થયેલી તકરાર સ્નેહને યાદ આવી રહી હતી. પણ સાથે સાથે એ સમય પણ…

આજથી લગભગ પાંચેક વર્ષ પહેલા બંને રાજસ્થાન ગયા હતા. ત્યારે જેસલમેરના એક પ્રાચીન મંદિરમાં સ્નેહની નજર એક પથ્થર પર સ્થિર થઈ હતી. એના પર સંસ્કૃતમાં ચાર પંકિતનો એક શ્લોક હતો. ગાઈડના જણાવ્યા પ્રમાણે પહેલી બે પંક્તિનો અર્થ સ્ત્રીના રૂપ અને કામ વિશે જ્યારે બાકીની બે પંક્તિ સ્ત્રીના ત્યાગ અને બલિદાન વિષય પર હતી. એ મૂર્તિને સ્નેહ આજે પણ ભૂલ્યો નહોતો.

રાજસ્થાન જવાની વાત નીકળી કે તરત જ ફરી એ મૂર્તિ સ્નેહની સામે આવી ગઈ. સ્નેહને એ મૂર્તિમાં પ્રિયલનો ચહેરો દેખાતો. ત્રણ વર્ષ પહેલા જ્યારે એના બધાં રીપોર્ટસ નોર્મલ આવ્યા ને સ્નેહ ના રીપોર્ટસ..

પ્રિયલને બાળકો કેટલા પ્રિય! એ લગ્ન પહેલાથીજ સપના જોતી અને નામ પણ વિચારી રાખ્યા હતા. રીપોર્ટસ આવ્યા બાદ તો એણે ક્યારેય અણસાર પણ આવવા નથી દીધો એના સ્વપ્નાઓનો. એટલી સહેલાઇથી સત્યને સ્વીકારી લેવાની હિંમત હોય છે સ્ત્રીઓમાં?

આખરે બીજા દિવસની સવાર થઈ ને સ્નેહ આ વખતે સૌથી પહેલા એ જ, જેસલમેરના જૂના મંદિર ગયો. આ વખતે એને કંઈક નવું દેખાયું… અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’

ગાઈડને બોલાવી અર્થ જાણ્યો કે “હે દેવી તમારુ સ્વરુપ પારખવુ દેવો માટે પણ દુષ્કર બની રહો.” સાચું જ હતું, પાંચ વર્ષ પછી પણ તે પ્રિયલના અંતરની વેદનાને ક્યાં સમજી શક્યો હતો.

– કેતન દેસાઈ ‘અન્જાન’

૧૪. ખાંભી

અડાબીડ જંગલ અને કાળમીંઢ પહાડો વચ્ચેથી રસ્તો કાઢીને જસ્સી અને આદિએ પુરાતત્વ ખાતાના શોધખોળક તરીકે કારકિર્દીની મહત્વની સફરમાં આ જગ્યા શોધી ત્યાં સુધીમાં બપોર જામી ચૂકી હતી.

રેતિયા પથ્થરની, ખરબચડી, ભોંયના એક છેડે ચારેક ફૂટ ઊંચી દહેરી, અંદર સિંદૂર લીપેલી ખાંભી, દીવડાંના ઉજાસની ઝંખનામાં વર્ષોથી ઝૂરતાં હોય તેવા માટીના બે ઉદાસ કોડિયાં અને તરડાઈ ગયેલી દિવાલો.

ખાંભી પર કોતરેલા અક્ષરોમાં જૂની ઢબની સંસ્કત લિપિમાં કશુંક લખાયેલું હતું. જસ્સી એ ચાર પંક્તિના લખાણને આછા અજવાસ છતા ઉકેલી રહી. તેના ચહેરા પર ઉત્સુકતા આવી ગઈ. ફટાફટ બાયનોક્યુલર કાઢી, કઇક પ્લાન બનાવી એણે દૂર નિરિક્ષણ કરતા આદિને બોલાવી સમજાવવા માંડ્યું.

બીજા પડાવ સુધી પહોંચવામાં આદિને રીતસર પરસેવો છૂટી ગયો. પહાડોના આકરા ઢોળાવ, કાદવયાળી જમીન. ખૂબ સંભાળપૂર્વક જસ્સીના આપેલા નકશા મુજબ અને બનાવેલ પ્લાનના ભાગ રુપેે એ એકલો જ આગળ વધતો હતો. અંતર અને ખૂણાનો મેળ પાડતાં એ જ્યાં પહોચ્યો એ જોઈ પોતે દંગ રહી ગયો.

ફરી એજ દહેરી !

તે ધારી-ધારીને દહેરીની દરેક દિવાલો આસપાસ ફરવા લાગ્યો. દહેરીની અંદર પ્રવેશતા જ સિંદૂર લીપેલી ખાંભીની ચાર પંક્તિ અને બે આંખો સામ સામે એકબીજાને વાંચી રહી.

અફસોસ સાથે જેવો એ દહેરીના ડાબા પડખે આવી ઉભો રહ્યો, ત્યારે અહી સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’

ખાંભીના દર્શાવેલ રસ્તે બાયનનોક્યુલર ગોઠવતા ટેકરી પર બે માનવ આકૃતિ આગળ વધતી નજરે ચડી.

– જલ્પા જૈન

૧૫. પંક્તિ

“કનિકા, આ જગ્યા હમેશા આપણા પ્રેમની સાક્ષી રહેશે.. ગુફાનું એકાંત, એતિહાસિક પત્થરો, આત્માને તૃપ્ત કરતી નિરવ શાંતિ.. ને એમાં જાણે આપના પ્રેમનું ગીત ગાતા આ સૂરીલા પંખીઓ..”

“હા, મંથન.. છેલ્લા બે વર્ષથી આપણે અહી આવીએ છીએ, પણ ક્યારેય આ જગ્યા સિવાય બીજી જગ્યાએ મળવાની ઈચ્છા જ નથી થઇ.. હવે તો આ ગુફાઓ પણ જાણે આપણા પ્રેમના પ્રતિક સમાન બની ગઈ છે..” કનિકા અને મંથન બંને નાનપણના મિત્રો હતા.. સાથે જ ભણતા અને સાથે જ સફર કરતા-કરતા બંનેને એકબીજાનો સાથ ગમવા લાગ્યો. જવાનીના ઉંબરે પહોચતા મનમાં પ્રેમની કુંપણ ફૂટી.. બંનેના પરિવારોને તો વર્ષોથી ઘર જેવો સંબંધ હતો જ.. ત્યારે મંથન અને કનીકાના સગપણ માટે પણ બંને પરિવારો રાજીખુશીથી તૈયાર થઇ ગયા. ને એ પ્રેમી-પંખીડાને તો જાણે ઉડવા માટે આખું આકાશ મળી ગયું..!

પછી એકસાથે મુંબઈની બોરીવલીમાં કોલેજ કરતા, બંને ઘણીવાર કાન્હેરી ગુફામાં આવીને સુખનું એકાંત માણતા. પહેલી સદીથી લઇને દસમી સદી સુધીનો ઈતિહાસ ધરાવતી ‘કાન્હેરી ગુફા’ મુંબઈમાં ઉત્તર બોરીવલીની પક્ષ્ચ્મિની સીમાઓમાં આવેલી છે. આ ગુફા બુધ્ધ સમાજનું પ્રાર્થના સ્થળ ગણાતું. પણ કોઈપણ વ્યક્તિ અહી આવીને એકાંત અને શાંતિનો અદભૂત અનુભવ કરતુ. કાન્હેરી ગુફાની સૌથી વિશેષ ખાસિયત એ હતી કે.. અહી નાના નાના અનેક ઝરણાઓ પણ હતા, જે આ ગુફાઓની શોભા વધારતા હતા, અને કુદરતની સુંદરતાને જીવંત કરતા.

ગુફોમાં ચાલતા ચાલતા.. બધું નિહાળતા કનીકાને એક ખૂણામાંથી મોટો બહુ જુનો લાગતો પત્થર દેખાયો. તે એ દિશામાં ગઈ, પત્થરમાં કઈક કોતરેલું હતું.. અમુક પંક્તિઓ વંચાતી નહોતી. પણ અહી સદીઓ જુના પત્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. “સ્વરૂપમ ત્વ્દીય ન વિદન્તિ દેવા..”

કનિકા પંક્તિ વાંચીને થોડી ગભરાઈ ગઈ, બુદ્ધની ગુફાઓમાં આ પત્થર.. અને આ પંક્તિ.. તેણે મંથનને બૂમ પાડી…

– મીરા જોશી

૧૬. કવિતાપ્રેમી

વીસ વર્ષ પહેલાં ‘કવિસંમેલન’માં મળેલ બે અજાણી વ્યક્તિઓ ક્યારે સારા મિત્રો, પ્રેમી અને પતિ-પત્ની થઈ ગયા તે બંનેને પણ ખ્યાલ ન રહ્યો.

“કેટલાય સમયથી તેં મારા પર કવિતા નથી લખી. આજે તો તારે કવિતા લખીને સંભળાવવી જ પડશે.” કવિતાએ કવિશ પાસે આવતા કહ્યું.

“વર્ષો પહેલાનો એ સમય જુદો હતો.”

“સમય જુદો નથી હોતો, જુદા આપણે થઈ જઈએ છીએ. કાલે હું પરગામ જતી રહીશ પછી થોડો તું કવિતા સંભળાવીશ? એટલે…”

આગળ કંઈ બોલે તે પહેલાં જ કવિશે પોતાની આંગળી કવિતાના હોંઠ પર મૂકી ચૂપ કરાવી દીધી. “આંખો બંધ કરીને અહીં ઉભી રહી જા. આજે તો તને સંપૂર્ણ નિહાળતા કવિતા બનાવીશ.” અધ્ધર પરવાળાવાળી પાપણો નમાવી કવિતા મૂર્તિની જેમ ઉભી રહી. વીસ વર્ષ પછી પણ એ જ સૌંદર્યને જોતો કવિશ પણ આંખો બંધ કરી પોતાની આભાસી જીવનસ્વપ્નની સદીઓ જૂની દુનિયામાં સરી પડ્યો. અનેક મૂર્તિઓ… આબેહૂબ કવિતાની, દરેક ચહેરા પર નિર્દોષ હાસ્ય. સૌંદર્યનો ખજાનો ઈશ્વરે આમાં જ છુપાવ્યો હોય તેવી મૂર્તિઓને કવિશ નિહાળતો રહ્યો. પહેલી મુલાકાત વખતનું મલકાવું, વરસાદમાં કવિતાનું ભીંજાવું, લગ્નના પાનેતરમાં શરમાતી કવિતા, માં બની ત્યારની કવિતા અને આવી તો કેટકેટલીય….

અચાનક તેની નજર કેશ વગરનો ચહેરો, આંખોમાં ઝળઝળિયા અને હોંઠ પર સ્મિત દર્શાવતી મૂર્તિ પર પડી. “જો કવિશ.. તું કહેતો હતો ને કે તારી રોટલી અને શાકમાં મારા વાળ આવ્યા કરે છે. ઈશ્વરે એનો ઉપાય કરી દીધો. હવે ક્યારેય નહીં આવે.”

કેન્સરનો ત્રીજો ડોઝ લીધા પછી માથા પર હાથ ફેરવતાં કવિતાએ કહેલું, તે ભૂતકાળ યાદ આવ્યો. તે મૂર્તિ પરથી નજર હટાવી કવિશ બીજી મૂર્તિ નીચેના પથ્થરને બારીકાઈથી નિહાળી રહ્યો. અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી… ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’ આટલું વાંચતા જ તેનું ધ્યાન ભંગ થતાં તે વાસ્તવિકતામાં આવ્યો. “આજે હું તારા સૌંદર્યનું વર્ણન કવિતાથી નહિ, સંસ્કૃત શ્લોકથી કરીશ.”

“સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..” કહેતા તેણે કવિતાને સ્પર્શ કર્યો ને કવિતા જમીન પર ઢળી પડી. તેનાથી આક્રંદ રુદન સાથે એક જ શબ્દ નીકળ્યો…

– દિવ્યેશ સોડવડીયા

૧૭. અપ્સરા

અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’

એ દાઢીધારી માણસ પોતાની દાઢીમાં હાથ ફેરવતાં બોલ્યો. “આ સામે પર્વત છે, ત્યાં એક ગુફા છે. કહેવાય છે કે એમાં એ અપ્સરા રહેતી અને પોતાના સૌંદર્યથી દેવતાઓને રીઝવતી. દેવતાઓ એના સંગેમરમર રુપમાં અજાઇ જતાં અને ત્યાં જ ભસ્મીભૂત થઈ જતાં. એ રાક્ષસીવિદ્યા દ્વારા દેવોને રાખ બનાવીને એક શીશીમાં પૂરી દેતી. એના ત્રાસથી હાહાકાર મચી ગયો હતો. કામદેવના વરદાનને નાથવા અને એનો વિનાશ કરવા ખુદ કામદેવે અહીં આવવું પડ્યું હતું. એ અપ્સરાને પોતાના કામથી પ્રજવલિત કરીને એનો મોહભંગ કર્યો હતો. દેવતાઓ રાખમાંથી જીવતા થયા હતા. પણ એ પથ્થરની બોટલ આજે’ય હયાત છે.” સામે બેઠેલા બાવાએ જાણે સંમોહિત કરી લીધો હોય એમ અવધેશ અનીમેષ નજરે ગુફાને નીહાળી રહ્યો. એણે સૂચક નજરે બાવા સામે જોયું.

દાઢીધારી મૂછમાં મલક્યો ને આગળ બોલ્યો, “કહેવાય છે કે મોહભંગ થયેલી એ અપ્સરાને કામદેવે ગુફાના પથ્થરોમાં જીવતી જડી દીધી હતી. એ અપ્સરાનો મોહ ખુદ કામદેવ પણ વિસરી શક્યા નહીં અને એની યાદગીરી માટે આખો શ્લોક પથ્થરોની ખાંચમાં રચતા ગયા. જેનો અર્થ એવો થાય કે, “હે દેવી, હું ખુદ કામદેવ તારા સંમોહનમાં ચૂર થઈ ગયો. તારા સૌંદર્યને તે કાળી વિદ્યાથી કલંકિત કર્યું છે માટે હું શ્રાપ આપું છું. હે દેવી, તમારું સ્વરુપ પારખવું દેવો માટે પણ દુષ્કર બની રહો.”

આજે સવારે અવધેશ ઘરેથી ૫૦૦ કિ.મી. દૂર એટલે જ તો આવ્યો હતો કે એ આ જગ્યા વિશે કઇંક નવું જાણી શકે. પત્રકારની દુનિયામાં એને પોતાનો સિતારો ચમકાવવો હતો. એણે કેમેરો ઉઠાવ્યો અને ખીસ્સામાંથી પાંચસોની નોટ બાવાના ખિસ્સામાં સરકાવી ગુફા તરફ ચાલી નીકળ્યો.

બપોરના ત્રણ વાગે પણ ગુફામાં આછું અંધારું હતું. બેટરીના પ્રકાશમાં પેલી જગ્યાએ પહોંચ્યો તો ત્યાં ન કોઇ મૂર્તિ જડાયેલી હતી, ન તો તૂટેલી શીશી. એ જેવો પ્રવેશદ્વાર તરફ ઉંધો વળ્યો કે બાવાએ કહી હતી એવી જ અપ્સરા અર્ધનગ્ન શરીરમાં એની સામે અને એ ચોંકી ઉઠ્યો. એની ફાટી પડેલી આંખથી જોયું તો અર્ધનગ્ન શરીર પર દાઢીધારી ચહેરો.

– ધવલ સોની

૧૮. છઠ્ઠી પંક્તિ

“હું નથી માની શકતો કે આ સંભવ છે.” સંસ્કૃતના વિદ્વાન પ્રો. કાર્તિકેયને શંકા જતાવી.

પ્રોફેસરસાહેબ, તમારી જ કોલેજમાં ભણી છું. ભુલી ગયા મારા પ્રોફેસર અને તમારા મિત્ર મજમૂદારને ?” વિશાખા વ્યંગમાં બોલી.

“ઓહ.. મજમૂદાર.” કાર્તિકેયનના ચહેરા પર ખંધુ હાસ્ય તરી આવ્યું, “સાલ્લો ખેપાની… પોતાની ફોર્મ્યુલાનો ઉપયોગ કરે એ પહેલાં મેં તારો ઉપયોગ કરીને એને જ પતાવી દીધો.”

“મને એની ફોર્મ્યુલા મળી ગઇ છે. હવે એનાથી આપ ફરી તરોતાજા અને પછી આપણે…”

“વિશું… તારા પ્રેમમાં હું કાયમ તરોતાજા છું..” કાર્તિકેયનની કપટી આંખમાં રોમાન્સ ઉતરી આવ્યો.

* * *

અમાસના દિવસે ૫૦ નો આધેડ ૨૧ વર્ષની યુવતી સાથે એક કિલ્લામાં પ્રવેશ્યો. “આહ… કેટલું તુરું છે.” વિશાખાએ આપેલા ગ્લાસમાંથી કાળું પ્રવાહી પીવા કાર્તિકેયને ગ્લાસ મોંઢે માંડ્યો.

“મારા જેટલા થવા સહન તો કરવું પડશે.” વિશાખા મલકી, કાર્તિકેયનની નજર એક મૂર્તિ પર પડી, મૂર્તિની નીચેના પથ્થરની ખાંચમાં સંસ્કૃતમાં ચાર પંક્તિ લખેલી હતી. મોંમાથી ગુજરાતી અનુવાદ નીકળી પડ્યો, ‘સ્ત્રી એ ઘરેણું છે જે કાયમ પુરુષોને રીઝવતું રહ્યું છે.’ કાર્તિકેયને સૂચક નજરે વિશાખા સામે જોયું. બીજી ત્રણ લાઈનનો પણ અનુવાદ કરીને કાર્તિકેયન પોતાના સંસ્કૃત જ્ઞાનનો મહિમા વિશાખા સામે ઠાલવતો રહ્યો. વિશાખા મંદમંદ હસતી રહી. અચાનક કાર્તિકેયનને લાગ્યું કે બધું ગોળગોળ ઘૂમી રહ્યું છે. કિલ્લાની દિવાલો પાસે આવતી દેખાઈ. એ પથ્થર પાસે ઢળી પડ્યો. શ્વાસની ઝડપ વધતા, છાતી ધમણની જેમ ફૂલી રહી હતી અને વિશાખા ખેલ જોઈ રહી હતી. કાર્તિકેયનને વિશાખા પર ગુસ્સો આવી ગયો. અચાનક એ ફાટી આંખે રાડ પાડી ઉઠ્યો, “મજ..મૂ…દાર”

વિશાખાની બાજુમાં ઉભેલા મજમૂદારના ચહેરાનું હાસ્ય બદલાઈ રહ્યું હતું. મજમૂદાર ૨૬ વરસનો બની રહ્યો હતો. તરફડી રહેલા કાર્તિકેયનના હાથના ધક્કાથી પાંદડાનો ઢગલો ખરી પડ્યો. ઢગલા નીચેની શિલા… અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા’. કાર્તિકેયનની છેલ્લી નજર ત્યાં પડી, ‘સ્ત્રીનું પૂર્ણસ્વરુપ પામવું પુરુષ માટે અશક્ય છે’. કાર્તિકેયન હસતા હસતા ભસ્મ થઈ ગયો.

કિલ્લામાં નાગદેવ નાગકન્યા સાથે પ્રેમરાગમાં ડોલી રહ્યા હતાં તે સમયે કાર્તિકેયનની રાખ પથ્થર પર છઠ્ઠી પંક્તિમાં બદલાઈ રહી હતી.

– ધવલ સોની

૧૯. પ્રે..મ…

પૂજાનો ચિત્કાર ગૂંજ્યો કાશ્મીરની બર્ફીલી ઘાટીઓમાં. વૃક્ષો, ઝરણાંઓએ સફેદ ચાદર ઓઢીને પૂજાને આલિંગનમાં લેવાં આવકારી. પરંતુ પૂજા વ્યાકુળ, પ્રેમ અદ્રશ્ય.. ચારે તરફ ભારે હૈયે પૂજા ભાગતી રહી.. પણ પ્રેમ હતો જ ક્યાં..? ..દૂર એક લાલાશ વર્તાઈ, નજીક પહોંચતાં.. આર્મીનાં યુનિફોર્મમાં એક પુરુષ શિથિલ, લોહીલુહાણ. ગળામાં કાચ ઘોંપાયેલો હતો.. બરફની સફેદી પૂજાનાં શરીર પર છવાઈ. આંખોએ પલકારા અને હૃદયે ધબકારા ભૂલાવ્યા.. કાચમાં પૂજાનું પાશવી રૂપ પ્રતિબિંબિત થયું. પૂજાનો ચહેરો લોહીથી લથપથ, દાંતમાંથી રક્ત ટપકતું, જાણે આદમખોર જાનવર..

એનાથી અજાણ પૂજાએ પુરુષને ચત્તો કર્યો, કોટનાં બિલ્લા પરનું નામ વાંચતા પૂજાનું આક્રંદ ગુંજયું.. ‘લેફટેનંટ પ્રેમસિંહ રાઠોડ.’ પૂજાએ એને હચમચાવ્યો અને..

પ્રેમ આંખો ચોળતો જાગ્યો.. પૂજા હજુયે બંધ આંખે પ્રેમને ઢંઢોળી રહી..

“પૂજા.. પૂજા.. કેટલી વખત કહ્યું કે કોઈ સારાં ડોક્ટરને બતાવીએ.. આ રોજનું..” પ્રેમ ધૂંધવાયો.

“તું જાણે છે ને, આમાં ડોક્ટરથી…?” પૂજા નિરાશ…

બીજી સવારે, બંને એક રહસ્યમયી વ્યક્તિ સમક્ષ.. પૂજાને પાસાદાર હીરો એકીટશે બતાવી અસ્તિત્વ ભૂલી જવાનું સૂચવાયું. ઘેન ચઢ્યું. હવે પૂજા ‘પૂજા’ નહોતી.. સદીઓ પૂર્વેની ‘અરૂંધતી’.. એની પાછળ પાગલ યશરાજ જંગલની અંધારી ગુફામાં એને મળવાં દોડયો. અરૂંધતીની હૂંફની અપેક્ષાએ.. કામણગારી કાયાથી આકર્ષાઈ યશરાજ ભાન ભુલ્યો, પ્રેમાલાપ દરમ્યાન અરૂંધતીએ પરચો દેખાડ્યો.. ચહેરો વિકૃતિની હદે.. આંખોએ અંગારા અને કાયાએ અગ્નિ ઓક્યાં. નરભક્ષી સ્વરૂપ પ્રગટયું. વરુની જેમ માથું ઊંચકાયું અને દહાડ.. અરૂંધતીનાં તીક્ષ્ણ દાંત યશરાજની ગરદને.. તરસ છિપાઈ.. યશરાજનું રક્ત ઠેર ઠેર.. ગુફાની મૂર્તિઓ રક્તરંજિત.. યશરાજની મીંચાતી આંખોમાં કલ્પાંત..

શ્વાસોચ્છવાસ તેજ બનતાં પૂજા પાછલા ચારેય જન્મોની એકસરખી સફરમાંથી પાછી વળી.. એ ઘટનાઓ વર્ણવી શકી, પરંતુ યાદ રાખવામાં નિષ્ફળ. રહસ્યમયી વ્યક્તિએ પૂજાના સ્વપ્નોનું નિરાકરણ સૂચવ્યું.. પેલી મૂર્તિઓને અરૂંધતી એટલે કે પૂજાના લોહીનાં ટીપાંથી તિલક કરવો.. બંને ચાલી નીકળ્યાં.. આખરે.. ગુફામાં.. પ્રેમે ખંજર કાઢ્યું, પૂજા તરફ સદીઓનાં વેરની વસુલાત કરવાનાં ભાવથી નજર નાંખી.. પૂજાનાં ગળે ખંજર.. મૂર્તિઓ ફરી રક્તરંજિત! પ્રેમની ગરદન કાચનાં ટુકડાંથી ઘવાઈ.. આમેય, પ્રેમ હતો જ ક્યાં..? ફરી એજ કલ્પાંત..જાણે પ્રેમની અર્ધમીંચાયેલી આંખો કહી રહી હતી.. “અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’..”

– ધર્મેશ ગાંધી

૨૦. અનોખું વિશ્વ

ઘરમાં એક સ્નેહમિલન ચાલી રહ્યું હતું. અલગ પ્રકારના વિચિત્ર વિશ્વની વાતો થઇ રહી હતી.

“અઘોરીની સાધના કરવાથી દૈવી શક્તિ પ્રાપ્ત થાય. વ્યક્તિ ધારે એ કાર્ય કરવા સક્ષમ બને. ટૂંકા સમયમાં ધનવાન બનાય.” એ લાલચે ત્યાં હાજર રહેલાં બાળકે ઘર છોડ્યું અને જઈ પહોંચ્યો અજાણ્યાં જંગલમાં. અત્યારે તો માત્ર એના મગજ પર એક જ ધૂન સવાર હતી. કોઈપણ હિસાબે જલ્દી વિદ્યા મેળવીને પોતાના પર થતી હાંસીનો જવાબ આપવો. ત્રણ-ચાર દિવસ તો એણે અઘોરીની જેમ જ વિતાવ્યાં. જે સાંભળ્યું હતું એ મુજબ અનુસરણ કર્યું. છતાંય બાળક ક્યાં સુધી….?

પાંચમા દિવસે એનાં શરીરે સાથ આપવાનું છોડ્યું. ત્યાં જ બેભાન થઇ ઢળી પડ્યો. એ અવસ્થામાં પોતે રચેલી સ્વપ્નનગરીમાં જતો રહ્યો. પોતે ત્યાંનો માલિક. એની ચારેતરફ અઘોરીના ટોળે ટોળા. કોઈક સ્મશાનમાં રાખમાંથી કંઇક લઇ રહ્યું હતું. બીજો અઘોરી પશુ અને પ્રાણીનો ભોગ દેવીને મંત્રોચ્ચારણ કરીને ચડાવી રહ્યો હતો. એને કોઈપણ પ્રકારની રોકટોક નહોતી. ઘણાંય જૂના પથ્થરો પણ હતા. દરેક પથ્થર પર કોઈને કોઈ શ્લોકો હતા.’યા દેવી સર્વ ભૂતેષૂ શક્તિરૂપેણ…’,’ભગવતી ભવરોગાતપીડિતમ દુષ્કૃતોત્થાત..’ જેવાં અનેક. અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’

આગળની ચાર પંક્તિઓ પર લીલ લાગેલી હતી.

અને એ હોશમાં આવ્યો ત્યારે આ શું…..?

– શીતલ ગઢવી


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૫ (૨૦ વાર્તાઓ)

 • Jagruti Pardiwala

  બધાની MFC રસપ્રદ છે Prompt ને બરાબર ન્યાય આપે એવો રોમાંચક છે

 • vaghu desai

  Adbhut vartao ek aghara visay par…congrats to u all..gujarati bhasa ne sahityakaro ni navi pedhi mali gayi 6e e khusi ni vaat 6e…dhanyavad

 • Lata kanuga

  અઘરા વિષય ઉપર પણ ખૂબ સારો પ્રયાસ રહ્યો સહુ નો. સહુ લેખક ગણ અભિનંદન ને પાત્ર ચે.

 • gopal khetani

  “શક્તી”
  ફરી આજે પેઇનકિલર ઇન્જેક્શન લઇ, મેકઅપ મેન જોડે રાજશ્રી આવી પહોંચી. ૪ દિવસથી ઇન્જેક્શન ના સહારે જીવતી રાજશ્રી અંગે સુનયના ને ખબર હતી કે કોરસ ડાન્સર રાજશ્રી ના બાવડા.. ના ના..થીરકતા પગ પર તો તેની અપંગ મા અને નાની બહેન નુ જીવન નાચી રહ્યુ છે,,,, થા.તિરક થા.. તિરક થા.. ધા..ધા રે રે ના ! મોહક સ્મીત સાથે કદમ ના તાલ આપતી રાજશ્રી ને જોઇ ને સુનયના સ્વદીત થઇ ઉઠી “સ્વરુપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..” થા તિરક થા !

 • gopal khetani

  ૨, ૫ , ૬,૧૧ અને ૧૭ – બહુ જ સુંદર…. બાકી વાર્તા ઓ પણ દિમાગ ને ચમત્ક્રુતી આપી ગઇ.

  • પરીક્ષિત જોશી

   આપનો ખૂબખૂબ આભાર. વાર્તાઓ વાંચી, માણી અને એની અભિવ્યક્તિ દ્વારા અમારા સુધી આપનો પ્રતિભાવ પહોંચાડવા બદલ..પ્રતિભાવો જ તો છે કે જે સર્જનની સતત શક્તિ રહ્યાં છે, ઉર્જાસ્ત્રોત રહ્યાં છે. પુનઃ આભાર.

 • Jagruti Pardiwala

  બધાની વાર્તા બહુજ સરસ છે. કુલ દિપક મસ્ત
  Mfc નો ભાવાર્થ કલાત્મક રીતે વર્ણવ્યો છે

 • Purvi babariya

  બહુ સરસ વાર્તાઓ…બધાને અભિનંદન. prompt થોડો અઘરો હતો.સરાહનીય પ્રયાસ દરેક નો…Purvi Babariya

 • parikshit joshi

  વાહ, જોરદાર…અઘરા વિષયે સુંદર કૃતિઓ..સૌ સર્જકોને અભિનંદન…