યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૨) (અંતિમ) 2


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

મારી પ્રિય કેરિટાઃ

બુધવારે હું કારવિલે પહોંચી જઈશ. આરોગ્ય ખાતા તરફથી એક મદદનીશ મારી સાથે રહે છે. એ આ પત્ર પોસ્ટ કરી આવશે.

ક્યુલિઅન છોડતા પહેલા મેં લખેલો પત્ર તને બહુ આનંદભર્યો નહીં લાગ્યો હોય, એવો મને ડર છે. મેં ત્યાં ગાળેલી આટલી લાંબી જિંદગીને એમ વિદાય આપવી એટલી સરળ ન હતી. કંઈક અસાધારણ એવા વિચિત્ર ઉત્સાહમાં હું જીવી રહ્યો છું અત્યારે, અને એટલે જ કદાચ હવે હું તને આનંદપૂર્વક લખી શકું છું. મારું મન અત્યારે એક વિશેષ અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે. મનિલા તરફની સફર દરમ્યાન,”ડોન જુઆન”ના એન્જિનના ખણખણાટ સાથે એ તબક્કો શરૂ થયો હતો. આર્મિ ટ્રાન્સ્પોર્ટમાં પહોંચ્યા પછી, એની શક્તિશાળી મોટરોએ પણ “ડોન જુઆન”ના એ અવાજને જાળવી રાખ્યો હતો. મનિલાથી સાન ફ્રાન્સિસ્કો સુધીની સાગરપારની એ સફર દરમ્યાન, મારી સાંકડી કેબિનમાં પણ એ ખણખણાટ મારી સાથે ‘ને સાથે જ રહ્યો હતો. અને આજે આ એક્સપ્રેસ રેલમાં મારા ડબ્બાની નીચેના પૈડાં પણ એ જ ધુન ગણગણી રહ્યાં છે, “હું ઘેર જઈ રહ્યો છું, હું ઘેર જઈ રહ્યો છું.”

મુસાફરીની આ એકલતાએ વિચાર કરવા માટે મને સમય ફાળવી આપ્યો છે. કોણ ફરકવાનું છે અહીં મારી પાસે? પાછળ નજર કરું છું ત્યારે મૃત્યુ સમી એ જિંદગી મારી નજર સામે તરવરી ઊઠે છે. શું આપ્યું છે જિંદગીએ મને? પહેલાં તો યાતના, એક પ્રકારનું પાગલપણું. અને પછી? ડહાપણ તરફની આ વળતી સફર! હું જેને જાણતો હતો, ઓળખતો હતો એ ડહાપણ નહીં, પરંતુ આ જગતમાંના મારા પોતાના અલગ જ એવા નવા જગતના સંદર્ભ સાથેનું ડહાપણ! ભલાઈ, કેરિટા, એ ભલાઈ, જેને આપણી યાદશક્તિ બધાની ઉપર ઢાંકી દે છે! આપણાંમાંના પીડિતો તરફની ભલાઈ, આપણી સેવા માટે નિમાયેલા લોકોની ભલાઈ. થાક્યા વિના કાર્ય કરી રહેલા ડૉક્ટર અને નર્સો, સેવાની ભાવનાથી તરબોળ, ચેપ લાગવાનું જોખમ વહોરીને પણ, આપણા જેવા જોખમી લોકોને સ્પર્શીને, આપણને મદદ કરવાની જ અપેક્ષા રાખે છે! અને મને આશ્ચર્ય થાય છે કે આ ભલાઈને કારણે જ, તને અને મને ચમત્કારના આ પ્રારંભને નિહાળવાની છૂટ મળી છે. હજારો વર્ષથી જેની રાહ જોવાઈ રહી છે મુક્તિ આવી રહી છે. પ્રારંભે તો એ યાતનાને વેઠવી બહુ આકરી લાગી હતી. પછી ધીરે-ધીરે યાતનાઓનું શમન થતું ગયું, અને છતાં એ વેદનાને વેઠવાની તો હતી જ! -એક સંભાવના હતી! કોઈ ચોક્કસ ઉપાય તો હતો નહીં, પણ જીવતેજીવ આવી પડેલા એ મૃત્યુને અટકાવવાની એક સંભાવના! સેંકડો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને આપણા એ કમનસીબ નાનકડા શહેરમાંથી સાધારણ જગતમાં પાછાં જતાં આપણે જોયાં છે. અને પછી તો તું પણ ચાલી ગઈ. અને તું તો, અહીંથી છૂટીને જનારા એ જ લોકો વચ્ચે કામ કરી રહી છે, એટલે તું આ વાતને બરાબર સમજે જ છે, કે અહીંથી છૂટ્યાના આનંદના અતિરેકમાં, કેટલાક લોકો રોગને અટકાવવા માટે જરૂરી સારસંભાળ રાખવાનું પણ કેવા ભૂલી જાય છે! અને પછી એમને આપણી પાસે પાછા મોકલવામાં આવે છે, ફરીથી સારવાર શરૂ કરવા માટે, કદાચ હંમેશ માટે ક્યુલિઅન ખાતે રહી જવા માટે! અને છતાં, એક સમયે જ્યાંથી કોઈ જ પાછું આવતું ન હતું, ત્યાંથી છૂટીને એ લોકો બહાર ગયા છે!

એ લોકો છૂટીને જતા હતા ત્યારે આપણે કેટલી બધી વખત એવી વાતો કરતાં હતાં, કે ભવિષ્યમાં આ રોગથી કોઈનું મોત નહી થાય! જે ધીરજથી ડૉક્ટરો અને નર્સો કામ કરી રહ્યાં હતાં એ જોતાં, આજે નહીં તો કાલે, દસ, પચાસ કે સો વર્ષો પછી, એ લોકો આ રોગની અકસીર સારવાર જરૂર શોધી કાઢશે!

હું સંતુષ્ટ છું, કેરિટા. મને તો એમ હતું કે મારી પ્યારી આ ભૂમિને હું ફરીથી ક્યારેય જોઈ નહીં શકું. આજે મારી બારીની બહાર એ જ ભૂમિના દર્શન કરી રહ્યો છું ત્યારે પરમાનંદ મને ચારે તરફથી ઘેરી વળ્યો છે.

મારી ટ્રેઇન ખેતરો વચ્ચેથી ધસમસતી દૂર-દૂરના વિસ્તારોમાં એ નાનકડાં ગામો ભણી જઈ રહી છે, જ્યાં ઘર છે, મારું ઘર છે. સપનામાં એ ગામોને હું અનેક વખત નિહાળી ચૂક્યો છું, ખાસ કરીને તું દૂર ચાલી ગઈ એ પછીના સમયમાં. પ્રેત સ્વરૂપે ફરી-ફરીને હું મારી એ અતિપ્રિય ભૂમિમાં ફરી વળ્યો છું. કેદમાં રહેલો માણસ હંમેશા ઘરનાં જ સપનાં જોતો રહે છે. આજે હું મુક્ત થઈ ચૂક્યો છું.

મદદનીશ ભોજન લઈને આવે ત્યારે જ માત્ર મારા ડબ્બાનું બારણું ખૂલે છે. અંદર કોણ બેઠું છે એની બહાર બેઠેલા માણસોને જો ગંધ પણ આવે, તો ભય અને આતંક એમને ઘેરી જ વળે! પણ એમને કંઈ જ જાણ નથી. જેમણે આ આયોજન કર્યું છે એમણે બધી જ બાબતોની સાવચેતી રાખી છે.

બાકી આ શરીરની કેદમાં તો હું હજુ પણ છું જ! પણ તાત્વિક રીતે અંદરનો ‘હું’ મુક્ત થઈ ચૂક્યો છે. હું મુક્ત છું. મારો આત્મા તો બહાર ખેતરોમાં, જંગલોમાં ફરી વળ્યો છે, શહેરોમાં રખડી રહ્યો છે. હું મારી યુવાનીને ફરીથી જીવી રહ્યો છું. એ યુવાની, જે આજથી ચાળીસ વર્ષ અગાઉ, અમેરિકન ધ્વજની પાછળ-પાછળ પૂર્વના દેશો તરફ કૂચ કરતાં ચાલી નીકળી હતી! યાતનાનાં એ વર્ષો, આતંકના એ વર્ષો, આશાના એ વર્ષો અને નિરાશાના એ વર્ષો વિસ્મૃત થઈ રહ્યાં છે. આવતીકાલે આ ટ્રેઇન, અને એમાં બેઠેલો હું, એ શહેર સોંસરાં પસાર થઈશું જેમાં હું જન્મ્યો હતો!

કદાચ એ ઝરણાની મને ઝાંખી કરવા મળે જેના કિનારે હું અને ટોમ ‘સન પર્ચ’ માછલીને પકડવા બેસતા હતા. કદાચ જંગલની એ નાનકડી પટ્ટી મને જોવા મળી જાય જેમાં અમારી ટોળકી સુકલકડી કુતરાને લઈને સસલાનો પીછો કરતી હતી, અને નસીબ હોય તો એકાદ ખિસકોલી અમારે હાથ લાગી જતી હતી. ગામને પાદર ખુલ્લાં ખેતરો અને પાણીની ટાંકી પાસેથી હું પસાર થઈશ! સ્ટેશન પાસેથી જ મોટી બજારનો રસ્તો પસાર થાય છે. પેલો વૃદ્ધ કાળિયો વૉટ, એના ખસુડિયા ઘોડા પર ડગુમગુ સવાર થઈને નીકળતો હશે… પૂલરૂમની ઉપરની બે માળી ઈંટોની મેજેસ્ટિક હોટેલ… કદાચ આમાંનું કંઈ જ અત્યારે ત્યાં નહીં હોય, અને છતાંયે મને એ બધું જ દેખાશે! આંખ માંડીને જોઈશ તો કદાચ મેપલનાં જંગલોની વચાળે પેલી નાનકડી ટેકરી પરના મારા ઘરની એકાદ ઝલક મને દેખાઈ જાય પણ ખરી! રેલના પાટાથી અડધાએક માઇલના અંતરે જ તો છે એ! ઢંગધડા વગરનું એ જુનું-પુરાણું મકાન ત્રણ-ત્રણ પેઢીઓથી અમારું ઘર હતું!

ટ્રેનની જાળીવાળી બારી સાથે હું મારો ચહેરો દબાવી દઉં છું. સાંજના ભૂખરા રંગના વાતાવરણની સામે પાર, હું મારા સપનાંને સાકાર થતાં જોઈ રહ્યો છું. મને ચહેરાઓ દેખાય છે, એ ચહેરાઓ જે મારા જ કારણે આટઆટલાં વર્ષોથી મને મૃત સમજી બેઠા હતા. મારી મા… એને તો આવજો પણ કહ્યા વિના એને તરછોડીને એક સવારે હું ચાલી નીકળ્યો હતો! એને તો એમ જ હતું કે હું એકાદ દિવસ માટે જ જઈ રહ્યો છું! એના રેખાંકિત ચહેરાને ક્રમશ: વૃદ્ધ થતો હું જોઈ શકું છું. એની આંખો મારી આંખોમાં તાકી રહી છે. મને લાગે છે કે એ મને ઓળખી ગઈ છે! પણ એનો ચહેરો જોવા મારે કેટલા બધા નજીક આવવું પડે છે…!

વીધીની આ પણ કેવી વક્રતા છે! તું તો જાણે જ છે, કે એ બે વ્યક્તિ, કે જે જીવિત છે અને છતાંયે આ બે વ્યક્તિ, મેબલ અને જેન, એ બે જ તો સાવ અવાસ્તવિક બની ગયા છે, એમનું તો ક્યાંય અસ્તિત્વ જ નથી અહીં! માતા, પિતા અને ટોમ, બસ આ ત્રણ જ મારી સાથે હોય એમ દેખાય છે. તને મળીને એ ત્રણેય ખૂબ ખુશ થયા હોત, કેરિટા!

મારી વહાલી પરી, એક સમયે મેં વિચાર્યું હતું કે અહીં આવીશ ત્યારે તને લઈને જ આવીશ! પણ અફસોસ, કે તને વિશ્વના સામા છેડે મૂકીને મારે અહીં એકલા આવવું પડ્યું છે.

બસ, હવે થાક લાગી રહ્યો છે. મારે સૂઈ જવું પડશે. શુભ રાત્રી, પ્રિયે!

– નેડ

(સમાપ્ત)

* * * * * * * * * *

એક દક્ષિણ અમેરિકી વર્તમાનપત્રમાંથી પરિચ્છેદ

ન્યુ ઓર્લિઅન, લ્યુસિઆનાઃ ગઈ કાલે રાત્રે ટ્રેઇન શહેરમાં પ્રવેશી ત્યારે, ફિલિપાઇન્સમાં લશ્કરી સેવાઓ દરમ્યાન જેમને રક્તપિત્ત લાગ્યો હતો એ સ્પેનિશ-અમેરિકન યુદ્ધના ભૂતપૂર્વ સૈનિક નેડ લેંગફર્ડનું શરીર ટ્રેનના ડબ્બામાંથી મળી આવ્યું હતું. લેંગફર્ડને રક્તપિત્તિયાના ટાપુ ક્યુલિઅનથી કારવિલે ખાતેના રાજ્યના રક્તપિત્તના દવાખાનામાં તબદીલ કરવામાં આવી રહ્યા હતા. અન્ય મુસાફરોની સુરક્ષા માટે, સંપૂર્ણ મુસાફરી દરમિયાન આ ભૂતપૂર્વ સૈનિકને એકાંતવાસમાં રાખવામાં આવેલા હતા. સૈનિકની સાથેના રાજ્યના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે દરદીનું મૃત્યુ લ્યુસિઆનામાં દાખલ થયા બાદ થોડા સમયે થયું હતું.  આગલા દિવસે પોતાના ગામમાંથી પસાર થતી વેળાએ પોતાના જન્મસ્થળ એવા ઘરને જોયા બાદ એ ઘણા ઉત્સાહમાં આવી ગયા હતા, એ સિવાય આગલા દિવસે તેઓ ઘણા સ્વસ્થ જણાતા હતા. વર્ષોના પરિશ્રમને કારણે હૃદય પર ભાર વધવાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે.

લેંગફર્ડને પૂરા લશ્કરી સન્માન સાથે દફન કરવામાં આવનાર છે. બેટન રોગ ખાતેના યુનાઇટેડ સ્ટેટ્સના રાજકીય કબ્રસ્તાનમાં તેમની દફનક્રિયા કરવામાં આવશે. રક્તપિત્તનો ભોગ બનેલા લશ્કરના અન્ય ભૂતપૂર્વ સૈનિકોની દફનક્રિયા અહીં જ સંપન્ન કરવામાં આવી હતી.

* * *

લેખકનું પરિશિષ્ટ

છેલ્લાં પચ્ચીસ વર્ષોથી રક્તપિત્તનો શિકાર બનેલા સ્ત્રી-પુરુષો અને બાળકોના પક્ષમાં કાર્ય કરવામાં જ મારો સઘળો સમય વપરાયો છે. બે મહત્વના મુદ્દે મારું ધ્યાન ખેંચાયું છે. એક, રોગની સંપૂર્ણ નાબૂદી માટે જરૂરી વૈદકીય સંશોધન, અને બીજો, રક્તપિત્તના દરદીઓને માણસજાતનો એક હિસ્સો સમજવાની, તેમની જરૂરિયાતો અને વિકાસક્ષમતાને, તેમને આપવામાં આવી રહેલી સારસંભાળ, અને ખાસ કરીને સારવારમાં સુધારણામાંથી જન્મેલી ફરીથી સાજા થઈ શકવાની આશાને સમજવાની જરૂરિયાત.

વૈદકીય વ્યવસાયની દૃષ્ટિએ રક્તપિત્ત એ એક રોગ ગણાય છે. આ પુસ્તકમાં વાચકને રક્તપિત્તની વસાહતમાં લઈ જવાનો મેં પ્રયત્ન કર્યો છે, જેથી એ દરદીઓની જિંદગીમાં, જીવનનો અભાવ હોવા છતાં પણ, સુખ અને દુખ અને જીવન સમાયેલા છે એ વાચક જાણી શકે. એક સમય એવો હતો, જ્યારે આ દરદીઓને કાયદેસર મૃત જાહેર કરવામાં આવતા હતા. યુરોપમાં કોઈ વ્યક્તિને રક્તપિત્ત લાગુ પડે, એટલે એની અંતિમવિધિ કરી નાખવાનો રિવાજ પ્રચલિત હતો. અત્યારે આવા કિસ્સામાં થોડા વખત માટેના એકાંતવાસ બાદ સાજા થઈને પરત આવવાની અપેક્ષા રાખી શકાય છે.

જેમને રક્તપિત્ત લાગુ પડ્યો છે એવા સ્ત્રી-પુરુષોના પરિચય અને મિત્રતા દ્વારા આ આપત્તિ કેવી અચાનક આવી પડે છે તે હું જાણી શક્યો છું. આ રોગ જાતિ, વર્ગ કે વંશને ઓળખતો નથી. કોઈ પ્રકારની ચેતવણી વગર એનો શિકાર થયેલા લોકો કામકાજથી દૂર થઈ જાય છેઃ સુતાર, માછીમાર, વકીલ, શિક્ષક… અને ડોક્ટર પણ! એક સ્ત્રીને એ લાગુ પડે તો તરત તે એના પતિ પાસેથી, અને પુરુષ એની પત્ની પાસેથી છીનવાઈ જાય છે. માતા-પિતા પાસેથી નાનાં બાળકો છીનવાઈ જાય છે. એમાંના કેટલાક દુર્ભાગી લોકોને નિરાશાના માર્યા પાગલપણાની હદ સુધી પહોંચી જતા મેં જોયા છે. એમની વીરતાભરી એ સંઘર્ષગાથાનો હું સાક્ષી છું. એ સંઘર્ષે જ તો એમની જિંદગીમાંથી છીનવાઈ ગયેલા એ સત્વ, આનંદ અને જીવન જીવવાના સંતોષ સુધી પહોંચાડીને એમને સાબૂત રાખીને પાર ઉતાર્યા છે. એ અનુભવોના પરિપાક સ્વરૂપે જ તો હું એમની એ વીરતા પરત્વે આદર રાખતો થયો છું.

હું જ્યાં-જ્યાં ગયો, એ દરેક સ્થળે રક્તપિત્ત માટે કાર્ય કરી રહેલા કાર્યકરોનો હું ઋણી છું. એ વૈજ્ઞાનિકો અને એ વહીવટકર્તાઓએ, સ્વૈચ્છિકપણે અને અચૂક રીતે પોતાના ઊંડા જ્ઞાન વડે મને એમની સમસ્યાઓમાં રસ લેતો કર્યો છે. ખાસ કરીને એવા ઘણા દરદીઓનો હું ઋણી છું, કે જેમણે તેમની અને તેમના કુટુંબીજનો ઉપર આ રોગને કારણે લદાયેલા બોજ વિશે મારી સાથે નિખાલસપણે વાતો કરી છે.

* * *

હેન્સન ડિઝીઝ અંગે વારંવાર પુછાતા કેટલાક પ્રશ્નો

પ્રશ્નઃ હેન્સન ડિઝીઝ શું છે?

ઉત્તરઃ હેન્સન ડિઝીઝ એ આખાયે શરીર પર ફેલાઈ શકતો એક ચેપ છે, પરંતુ ચામડી અને જ્ઞાનતંતુઓ સાથે એને ખાસ સંબંધ છે.

પ્રશ્નઃ હેન્સન ડિઝીઝનાં અન્ય બીજાં કોઈ નામો પણ છે ખરાં?

ઉત્તરઃ હા. લેપ્રસી (રક્તપિત્ત) એ પ્રાચીન શબ્દ છે, પરંતુ એની સાથે જોડાયેલા બહુચર્ચિત અને અતિશય ભયને કારણે આ “હેન્સન ડિઝીઝ” શબ્દ અત્યારે લોકો સમજે એ માટે વાપરવામાં આવે છે. આ રોગ ફ્રેંચમાં “લા લેપ્રે”, જર્મનમાં “ઑસેટ્ઝ” અને નોર્વેજિઅન ભાષામાં “સ્પેડલ્સ્ખેડ” જેવાં નામોથી ઓળખાય છે.

પ્રશ્નઃ આ રોગના કારક અંગે જાણકારી છે?

ઉત્તરઃ સામાન્ય રીતે એવું સ્વીકારવામાં આવે છે, કે આ રોગ “માયકોબેક્ટેરીઅમ લેપ્રે”ના કારણે થાય છે. એની શોધ ૧૮૭૧માં ગેરાર્ડ આર્મર હેન્સન દ્વારા કરવામાં આવી હતી.

પ્રશ્નઃ બેસિલીને માનવ શરીરની બહાર વિકસાવી શકાય છે?

ઉત્તરઃ હેન્સન દ્વારા બેસિલસને અલગ કરાયા પછી એની સંઘટનાને ઉછેરવાના સેંકડો પ્રયાસો થયા છે, પરંતુ પુરાવાની જરૂરિયાતને સંતોષી શકે એટલી સફળતા કોઈને મળી શકી નથી.

પ્રશ્નઃ આ રોગ ક્યાં-ક્યાં જોવા મળે છે?

ઉત્તરઃ મોટાભાગે ઉષ્ણકટિબંધ અને તેને મળતા લક્ષણોવાળા વિસ્તારોમાં, અને ઠંડકવાળા ઓછા પ્રચલિત એવા શેષ વિસ્તારોમાં એ જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય આફ્રિકા, ભારત, ચીન, દક્ષિણ-પૂર્વ એશિયા, જાપાન, (ઓસ્ટ્રેલિઆ, ન્યુ ઝીલેન્ડ અને તસ્મેનિઆ સિવાયનું ઓસિઆનિઆ, ડચ ઇસ્ટ-ઇન્ડિઝ, ફિલિપાઇન્સ ઉપરાંત મધ્ય અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં એ મહદ અંશે જોવા મળે છે. પરંતુ લગભગ બધા જ દેશોમાં થોડા-થોડા કિસ્સાઓ તો જોવા મળે જ છે.

પ્રશ્નઃ વિશ્વ આખામાં આજે હેન્સન ડિઝીઝના કેટલા કિસ્સાઓ હશે?

ઉત્તરઃ કેટલાક અલગથલગ કિસ્સાઓને બાદ કરતાં, આ અંગે યોગ્ય માર્ગદર્શન હેઠળના સર્વેક્ષણ થઈ શક્યા નથી, એ સંજોગોમાં સામાન્ય રીતે ત્રીસ લાખથી પચાસ લાખનો આંકડો સ્વીકારવામાં આવે છે.

પ્રશ્નઃ યુનાઇટેડ સ્ટેટ્સમાં હેન્સન ડિઝીઝનું અસ્તિત્વ છે?

ઉત્તરઃ ફ્લોરિડા, લ્યુસિઆનિઆ, ટેક્સાસ અને દક્ષિણી કેલિફોર્નિઆમાં કેટલાક કિસ્સા નોંધાયા છે. ઉત્તરમાં ક્યારેક દેખાયેલા દાખલાઓ મોટાભાગે બહારથી આવેલા લોકોના છે. આવા કુલ કિસ્સાની સંખ્યા આશરે એકથી બે હજાર જેટલી છે.

પ્રશ્નઃ યુનાઇટેડ સ્ટેટ્સના દવાખાનાંમાં આ રોગની સારવાર થઈ શકે છે?

ઉત્તરઃ હા. છ દવાખાનાં યુનાઇટેડ સ્ટેટ્સ, એના પ્રદેશો અને તેના તાબા હેઠળના દેશો દ્વારા ચલાવવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સના લ્યુસિયાનામાં કારવિલે ખાતે પબ્લિક હેલ્થ સર્વિસ દ્વારા એક ઉત્તમ દવાખાનું ચાલવામાં આવે છે. ‘સર્વિસ’ અને ‘સિસ્ટર ઓફ ચૅરિટી’ના દ્વારા ત્યાં સારવાર આપવામાં આવે છે. રોજિંદા કામકાજ અને વૈજ્ઞાનિક સંશોધન માટે ત્યાં એક આધુનિક પ્રયોગશાળા છે. હવાઇઅન આઇલેન્ડ, પ્યુર્ટો રિકો, વર્જિન આઇલેન્ડના સેન્ટ કોરિક્ષ, કેનલ ઝોન અને ટિનિઅન, મેરિઆનાઝ ખાતે ટ્રસ્ટ ટેરિટરિ ઓફ ધ પૅસિફિકવગેરે જગ્યાઓએ પણ આવાં સારવાર કેન્દ્રો ચાલી રહ્યાં છે.

પ્રશ્નઃ કારવિલે ખાતે કેટલા દરદીઓ છે?

ઉત્તર; આશરે ચારસો દરદીઓને ત્યાં રાખવામાં આવ્યા છે. સમયાંતરે આ આંકડો બદલાતો રહે છે.

પ્રશ્નઃ કઈ ઉંમરે મોટાભાગે આ રોગ થાય છે?

ઉત્તરઃ હેન્સન ડિઝીઝ મોટાભાગે બાળપણમાં જ લાગુ પડે છે. પરંતુ વયસ્કોને પણ ક્યારેક એનો ચેપ લાગી જતો હોય છે.

પ્રશ્નઃ સ્ત્રીઓની સરખામણીએ શું પુરુષોને એ વધારે અસર કરે છે?

ઉત્તરઃ પુરુષો પર તેના હુમલાનું વધારે પ્રમાણ, એ લેપ્રોમેટસ પ્રકારના રોગોનું એક લક્ષણ છે.

પ્રશ્નઃ હેન્સન ડિઝીઝના ચેપ લાગવાના સ્ત્રોત કયા છે?

ઉત્તરઃ લેપ્રોમેટસ (ખુલ્લા) પ્રકારના રોગથી પીડિત દરદીઓ, આ રોગનો ચેપ લાગવાના એક માત્ર જાણીતા સ્ત્રોત ગણાય છે.

પ્રશ્નઃ હેન્સન ડિઝીઝ કઈ રીતે પ્રસરે છે?

ઉત્તરઃ આ વિશે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. દરદીના નાકના ઉત્સર્ગો અને તેમની ઊખડેલી ચામડીમાં બેસિલી જોવા મળે છે. શક્ય છે કે શ્વાસ દ્વારા, મોં દ્વારા કે પછી સ્વસ્થ વ્યક્તિના શરીર પરના ખુલ્લા ઘા દ્વારા શરીરમાં તેનો પ્રવેશ થતો હોય.

પ્રશ્નઃ શું આ રોગ સરળતાથી ફેલાય છે?

ઉત્તરઃ આ રોગ ચેપી હોવા છતાં, ગ્રહણક્ષમ વ્યક્તિનો રોગી સાથેનો ગાઢ સંપર્ક, ચેપ લાગવા માટે જરૂરી છે. આ રોગની સારવાર કરતાં ડૉક્ટર, નર્સ કે મદદનીશોને આ રોગનો ચેપ ભાગ્યે જ લાગે છે. આ જ રીતે રોગીષ્ઠ પતિ-પત્ની દ્વારા તેમના જીવનસાથીને પણ આ રોગ ક્યારેક જ લાગે છે.

પ્રશ્નઃ શું આ રોગ વંશ પરંપરાગત હોય છે?

ઉત્તરઃ ના.

પ્રશ્નઃ શું આ રોગ જન્મજાત હોય છે?

ઉત્તરઃ ના.

પ્રશ્નઃ શું આ રોગનો સેવન-સમય (ચેપ લાગવા અને શરીર પર નિશાન દેખાવા વચ્ચેનો સમય) ઘણીવાર વર્ષો લાંબો હોય છે?

ઉત્તરઃ હેન્સન ડિઝીઝ તેના લાંબા સેવન-સમય માટે જાણીતો છે. આ સમય કેટલાક મહિનાઓથી લઈને વર્ષો સુધીનો હોય છે. સરેરાશ સેવન-સમય ચાર કે પાંચ વર્ષનો માનવામાં આવે છે. છતાં પણ, ત્રીસેક વર્ષોનો સમયગાળો પણ નોંધાયેલો છે.

પ્રશ્નઃ શું હેન્સન ડિઝીઝનાં એકથી વધારે પ્રકારો છે?

ઉત્તરઃ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ મુજબ આ રોગના મુખ્ય બે પ્રકારો છે, ‘લેપ્રોમેટસ’ અને ‘ટ્યુબર્ક્યુલોઇડ’. ‘ઇન્કેરેટરિસ્ટિક’ અથવા ‘ઇન્ડિટરમિડીએટ’ નામે ઓળખાતું એક પેટા વર્ગીકરણ પણ જાણીતું છે. જાહેર જનતાના સ્વાસ્થ્ય સંદર્ભે ‘ટ્યુબર્ક્યુલોઇડ’ એ ‘ક્લોઝ્ડ’ પ્રકાર અને ‘લેપ્રોમેટસ’ એ ‘ઓપન’ પ્રકાર છે. ‘ક્લોઝ્ડ’ પ્રકારનો રોગ બીન ચેપી હોય છે.

પ્રશ્નઃ શું આ જીવલેણ રોગ છે?

ઉત્તરઃ નિયમ તરીકે તો નહીં જ. દરદી સામાન્ય રીતે અન્ય કારણો સર મૃત્યુ પામે છે. ચાલીસ વર્ષોથી આ રોગ લાગવા છતાં વ્યક્તિ જીવિત હોવાના દાખલા નોંધાયા છે.

પ્રશ્નઃ શું આ રોગમાં ખૂબ પીડા થાય છે?

ઉત્તરઃ સામાન્ય રીતે આ રોગને કારણે વ્યક્તિ ખાસ રિબાતો નથી હોતો. પરંતુ જ્ઞાનતંતુનો ચેપ ઘણી પીડા આપતો હોય છે, અને જુદી-જુદી ગૂંચવણોને કારણે ઘણી અસુવિધા ઊભી થતી હોય છે.

પ્રશ્નઃ હેન્સન ડિઝીઝ મટાડવાનો કોઈ ઉપાય છે?

ઉત્તરઃ આ રોગને મટાડવામાં કોઈ દવા કારગર નીવડી શકી નથી. આથી ‘મટાડવું’ ને બદલે ‘અટકાવવું’ શબ્દનો પ્રયોગ આ સંદર્ભે થાય છે. તાજેતરનાં વર્ષોમાં સલ્ફોન જૂથની પ્રોમિન, ડાએસન અને સલ્ફેટ્રોન દવાઓને શ્રેષ્ઠ અને અસરકારક રોગ નિવારક ગણવામાં આવે છે. પરંતુ આ દવાઓના ઉપયોગ પછી જોવા મળતા વૈદકીય સુધારાઓ કાયમી હશે કે નહીં એ જાણી શકાયું નથી.

પ્રશ્નઃ હેન્સન ડિઝીઝથી લોકો આટલા ડરે છે શા માટે?

ઉત્તરઃ આ એવો પ્રશ્ન છે જેનો સંતોષકારક આપવો શક્ય નથી, કારણ કે આ રોગમાં એવું કંઈ જ નથી, કે જેને કારણે લોકોના મનમાં ઘર કરી ગયેલા આ અસામાન્ય ભયને સમર્થન આપી શકાય. આ રોગનો ચેપ લાગવાનો ભય એટલો ઓછો છે, કે એક સામાન્ય વ્યક્તિ આ રોગના જંતુ પોતાના શરીરમાં દાખલ કરવાનો પ્રયત્ન કરે, કે પછી દરદી સાથે સંપર્ક કેળવીને પોતાને ચેપ લગાડવાનો વૈદકીય પ્રયાસ કરે, તો પણ તેને સફળતા મળવી ક્યારેય સંભવ નથી. હા, આગળ વધી ગયેલા રોગનો કિસ્સો નજરે જોવો ગમે એવો નથી હોતો. પરંતુ આવું તો અન્ય બીજા રોગોમાં પણ સંભવ હોય છે, જેની સાથે આ પ્રકારનો વિશ્વવ્યાપી અણગમો જોવા મળતો નથી. મોટા ભાગના દરદીઓના શરીર પર તો આ રોગના બાહ્ય નિશાનો પણ જોવા મળતા નથી હોતા.

પ્રશ્નઃ લોકોના આ અભિગમનો સામનો કરવા માટે કંઈ કરી શકાય ખરું?

ઉત્તરઃ (અ) ઉત્તમ રસ્તાઓમાંનો એક એ, કે ‘રક્તપિત્ત’ શબ્દની જગ્યાએ ‘હેન્સન ડિઝીઝ’ શબ્દનો પ્રયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે. ૧૯૪૮માં હવાના ખાતે મળેલી ઇન્ટરનેશનલ લેપ્રસી કોંગ્રેસે તો ‘રક્તપિત્તિયા’ શબ્દને જ પ્રતિબંધિત જાહેર કરવાનું સૂચન કરેલું. (બ) આ રોગ અંગેની માહિતીનો બહોળા પ્રમાણમાં પ્રચાર કરવામાં આવે.

પ્રશ્નઃ આ રોગ વિરુદ્ધના અભિયાનનું સૌથી વિશેષ પ્રેરક હોય એવું પાસું કયું છે?

ઉત્તરઃ હેન્સન ડિઝીઝની પ્રકૃતિ અને તેને અટકાવવા અંગેના વૈજ્ઞાનિક અધ્યયન પર અપાઈ રહેલું ધ્યાન એ આ અભિયાનનું સૌથી વિશેષ પ્રેરક પાસું છે. આ રોગને અટકાવવા કે તેની સારવારના વિષયમાં ચોક્કસ શોધ, આ આખી સમસ્યાનો ઉપાય આપી શકશે.

(નોંધઃ આ પ્રશ્નોત્તરી વીસમી સદીના ચાલીસના દાયકાની રક્તપિત્ત અંગેની વૈશ્વિક પરિસ્થિતિ દર્શાવે છે.)

– અશ્વિન ચંદારાણા

અશ્વિનભાઈએ જ્યારે આ નવલકથાની ફાઈલ વાંચવા મોકલી હતી ત્યારે એક બેઠકે વાંચી ગયેલો.. આજે જ્યારે એ પૂર્ણ થઈ રહી છે ત્યારે એક વાચક તરીકે સંંતોષની સાથે એક સંપાદક તરીકેનો, એક સરસ પ્રસ્તુતિના અંતનો વસવસો પણ એટલો જ છે. વાચકોએ વોટ્સએપ અને અન્ય માધ્યમો દ્વારા ઘણી વખત આગળના હપ્તાઓ વિશે પૃચ્છાઓ કરી હતી એ તેમની નવલકથા સાથેનું જોડાણ બતાવે છે.. અનેક વાચક મિત્રોએ અને પ્રસ્થાપિત સાહિત્યકાર મિત્રોએ આ સુંંદર સર્જનને બિરદાવ્યું એ સઘળો યશ શ્રી અશ્વિનભાઈને જાય છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર, તેમની કલમને અનેક શુભકામનાઓ.

– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૨) (અંતિમ)

  • Nilam Doshi

    હાર્દિક અભિનંદન, અશ્વિનભાઇને..ખૂબ સુંદર અનુવાદ. અનુસર્જન જેવો અનુભવ કરાવી ગયો. અભિનંદન જિગ્નેશભાઇને પણ. આ ઉત્તમ કૃતિ અહી મૂકવા બદલ.

  • gopal khetani

    નેડ નો સુખ – દુઃખ મિશ્રીત અંત રહ્યો. ફરી એક વાર …બ્રેવો નેડ બ્રેવો !