પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૪ (૩૪ વાર્તાઓ) 7

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૧૮-૧૯ જૂનના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી,

“હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”

૧. કોના લોહીનું ટીપું

તપાસ ચાલી. ખરેખર તો હતો કહેવું કે હતી એ પણ સવાલ હતો રાઇટર માટે. આ પ્રકારનો આ પહેલો કિસ્સો હતો. વ્યક્તિનું લિંગ નક્કી કરવું શી રીતે?

કિસ્સો નવો હતો પણ એના કારણો નહીં. એ જ માલમિલ્કત, સિદ્ધિ-પ્રસિદ્ધિ અને એમાં ઉમેરાઈ ઈર્ષા. નાની ઉંમરથી જ એનામાં પૌરુષત્વ સાથે સ્રૈણ લક્ષણો છલકી રહ્યા હતા. આંતરિક કુદરતી પ્રક્રિયાને સ્વીકારી, આખરે એણે હિજડા તરીકે જીવવાનું પસંંદ કર્યું. એને ગુરુ પણ ગરવા મળ્યા. ઉચ્ચ અભ્યાસ અને ઝડપી વલણને લીધે એ ધાર્યા કરતા જલ્દી ટોચે પહોંચ્યો. બસ, એ જ બન્યું એના મોતનું કારણ.

‘અરે, મારા નામે તમે કોનું પોસ્ટમૉર્ટમ કરી નાંખ્યુંં સાહેબ? હું તો આ ઉભી, વન પીસ! તમારી સામે.’ કહી એણે હથેળીઓ વડે તાળી પાડી. એની શિષ્યાઓ એ પણ એ ક્રિયાનું પુનરાવર્તન કર્યું. જબરજસ્ત અવાજથી પોલીસ સ્ટેશન પણ ગુંજી ઉઠ્યું. એને જીવતી જોઈ, એના શુભચિંતકો ખુશખુશાલ હતા.

પણ, પોલીસ અધિકારીને આ કિસ્સામાં બીજો જ સવાલ મૂંઝવી રહ્યો હતો. એવો જ સવાલ એને અને એના શુભચિંતકોને પણ પજવી રહ્યો હતો. એમણે એ સવાલ પોલીસ અધિકારીને પૂછયો કે ‘જો એ જીવિત છે તો લોહીમાં લથબથ લાશ કોની છે?’ સામે દ્વિધામાં પડેલા અધિકારીએ પણ આખરે મોઢું ખોલ્યું અને બોલ્યા, “હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”

૨. મેલેરિયા

“હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?” ફરીથી એ જ સવાલ સામે આવ્યો.

આમ તો ડૉક્ટરે એને હવે ભયમુક્ત ગણાવ્યો હતો પણ એની હાલતમાં ઝાઝો સુધરો નહોતો. એટલે જ ડૉક્ટરની બિલકુલ ના હોવા છતાં મચ્છરાણી એ જ સવાલ પૂછી બેઠી.

હજુ તો માંડ પહેલીવાર, એની તાલીમના ભાગરૂપે, એ પીવા નીકળ્યો હતો. ઘણાંને ચાખી જોયાં પણ મજા ન આવી. બાપાય સાથે જ આવેલા, લટાર મારવા. એય થાક્યા. અટક્યા અને બીજા દીકરાઓ સાથે એને ભેળવી પાછા વળ્યાં.

ત્યાં એક હોસ્પીટલમાં ઘૂસ્યા, ભાઈભાંડુઓ. એમને મળેલી સ્વતંત્રતાએ સ્વચ્છંદતાનું રૂપ લીધું. બાપાએ આપેલી ચેતવણી ભુલાઈ અને દર્દીનું લોહી પીધું. એક ટીપું પીધું, ન પીધું અને એ ફસડાઈ પડ્યો. આંખે અંધારા આવી ગયા.

જાગ્યો ત્યારે હોસ્પિટલના બિછાને હતો. બધી જ જૂની વાતો ક્ષણમાત્રમાં યાદ આવી ગઈ, ત્યારે મચ્છરાણી એ જ પૂછી રહી હતી.. જો દર્દીનું લોહી પીવાથી મારા મચ્છરબાળને મેલેરિયા થઇ ગયો હોત તો… કહો, કોના લોહીનું ટીપું હતું એ..?

– પરીક્ષિત જોશી

૩. લાશ

‘સનનનનન..’ બારીમાંથી ઓક ગોળી આવી ને હવાને ચીરતી દીવાલના ચિત્રને અથડાઈ. ઈન્સપેક્ટર શર્માએ સામે ગોળી છોડી પણ હુમલાખોર દીવાલ કૂદી પાછળની ઝૂંપડપટ્ટીમાં અલોપ થઈ ગયો.

‘તમે ડરો નહી, તમારા પિતા મળી જશે.’ હુમલાને લીધે પારેવાની જેમ ફફડતી વિધિને શર્માએ કહ્યું.

‘આત્મહત્યાની ચિઠ્ઠી મળી, પણ પપ્પાનો કોઈ અતોપતો નથી. ભાઈ અને મમ્મીનો ફોન પણ લાગતો નથી.’

શહેરના કરોડપતિ રોહિત દવેની આત્મહત્યાની સવારે ચિઠ્ઠી મળી હતી, પોલીસે તપાસ કરી પણ ન તો રોહિતભાઈ મળ્યા કે ન તો તેમની લાશ.

‘સર, જલ્દી આવો, બગીચામાં માળીની લાશ મળી છે.’ રહસ્ય ઘૂંટાતું જતું હતું. રોહિતભાઈના પત્ની અને પુત્રના પણ કોઈ સગડ નહોતા.

અચાનક શર્માની નજર ટેબલ પર પડી. લોહી જોઈ તેમનું મગજ ૧૨૦ની ગતિએ વિચાર કરવા માંડ્યું, ‘આ લોહી કોનું છે?’

‘હું ય પૂછું છું, એ કોના લોહીનું ટીપું છે? થોડી વાર પહેલાં કંઈ જ નહોતું.’ વિધિએ કહ્યું.

ચારેબાજુ તપાસ કરી પણ કંઈ જ ન મળ્યું. અચાનક ટેબલ પર પાછા લોહીના ટીપાં દેખાયા, ‘તમે લોહી તપાસ માટે મોકલ્યું નથી?’

‘સર, ક્યારનું મોકલી દીધું.’

‘તો આ?’ બધાની નજર ઉપર ગઈ.

‘નહીંઈઈઈઈ’ જોરદાર ચીસ સાથે વિધિ ઢગલો થઈ ગઈ.

વિશાળ ઝુમ્મર પર એક લાશ લટકતી હતી. એ લાશ તેના પિતાની નહોતી પણ..

– સોનિયા ઠક્કર

૪. ધંધે લગાડી દીધો

“ડાર્લિંગ રવિવારે સવાર સવારમાં શું તુંય..”

“ના, જાનુ હું સિરિયસ છું…”

“તો તું રવિવાર બગાડીને રહીશ!”

“છેલ્લી વાર હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”

“હવે, મને ખબર હોત તો? આ તને બતાવ્યું કોણે? મેં જ ને?”

“આ એક લોહીના ટીપાએ તો મારી ઊંઘ હરામ કરી દીધી. મારી શું મતિ મારી ગઈ કે, મેં એને પૂછ્યું…”

“આવું શી રીતે થાય? આપણે બન્ને જ છીએ, અને આ સફેદ ચાદર પર લોહીના ડાઘ?”

“સવારે જ ધોયેલી ચાદર નાખી હતી, મારે કાલે પાંચ દિવસ પત્યા… પણ જરા એમ કહેશો કે કાલે બપોરે ઓફિસથી ઘરે કેમ આવ્યા હતાં? અને સાથે કોણ હતું?”

“અરે નવી કામવાળી, ઘર બતાવવા… પણ તું આમ શંકાની નજરે?”

“કામવાળી નહી, કામણગારી હતી, બબીતા જેવી…”

“હવે તો તું હદ કરે છે… તને ખબર ના હોય તો એક વાત કહું?”

“બોલો, કેટલું જુઠ્ઠું બોલી ભૂલ સંતાડશો?”

“કાલે સાંજે તારો ભાઈ પણ ફ્લેટ પર આવ્યો હતો, એની કલિગ મિસ ડૉલી સાથે…”

“એટલે તમે મારા ભાઈને… શરમ નથી આવતી?”

એટલામાં ડૉરબેલ વાગી…

“બેન, આ લો તમારા કપડા, તમને ભૂલથી બીજાના આપી દીધાં હતાં… એ પાછા આપજો.”

એ સીધો જ બેડરૂમ બાજુ દોડ્યો અને કપડાંની થેલી લઈ આવ્યો…

“સાહેબ, આમાં સફેદ ચાદર નથી?”

– સંજય થોરાત

૫. અધૂરી પ્રેમકહાની…

“ક્યાં ને કોની સાથે મારામારી કરી? કોણે લોહી કાઢ્યું?”

“લોહી? ક્યાં છે?”

સફેદ શર્ટ પર આંગળી ચીંધી આકાશને ફરી પુછ્યું… “હું ય પૂછુંં છું તમને… આ કોના લોહીનું ટીપું છે?”

આકાશ તેના શર્ટ પર લોહીનો ડાઘ જોઈ એકદમ ડઘાઈ ગયો. અયાના સાથેનો આજે થયેલો ઝગડો પળભર તો એ ફરી જીવી ગયો. અયાનાની મોટી આંખોમાં ધસી આવેલા આંસુના પૂરને તેણે ઢોંગ કહેલું. શું થઈ ગયું હતું આજે? અયાનાએ આજથી તેને મળવાની ના કહી દીધી એમાં આકાશે એને બદચલન કહી દીધી? અરે…બ્યુટી એન્કેશ કરી કોઈ તગડો પૈસાદાર બકરો ફસાવી દેવા સુધીના શબ્દો કહી દીધાં. સાલુ, ધિક્કાર છે મને એક મીનીટ માટે પણ એના કૃશ થતાં જતાં શરીરની પરવા ન કરી… વાત કરતાં વચ્ચે મ્હોં પર રુમાલ ઢાંકીને ખાંસતી હતી. મને હવેથી નહી મળવાનું કારણ પાછળ ક્યાંક એના મ્હો માંથી ઉધરસ સાથે ઉડેલ આ લોહીના છાંટા તો નહીં હોય? આકાશ ઉપરથી નીચે સુધી ધ્રુજી ઉઠ્યો… અરરર્… મારાથી આ શું થઈ ગયું! એણે ઝાપટ મારી એ શર્ટ પાછું પહેરી લીધું અને દરવાજા તરફ ચાલી નીકળ્યો.

આવતાં જ પાછો ફરતો જોઈ જતાં તેના ડેડીએ સત્તાવાહી અવાજે ઘુરકીયું કર્યું…

ક્યાં ઉપડ્યો પાછો?? મોડુ થયું છે ક્યાંય જવાનું નથી.

આકાશનો અવાજ દર્દથી તરડાઈ ગયો..

નોઓઓઓ…….મોડું થાય એ પહેલાં મારે પહોંચવું બહુ જરુરી છે..પ્રે ફોર મી…પ્લીઝ્ઝ્ઝ્

– રીટા ઠક્કર

૬. છપ્પનીયો

આગળ છીંકોટા નાખતી ભગરી, પાછળ લોકોનું ભૂખ્યું ડાંસ ટોળું. છરો,દાતરડું, કુવાડી, હાથ આવ્યું ઈ લઇને સૌ ભાગતા’તા. આખરે ભગરી હારી, પડી, માંસના લોચા, પાંચ જ મીનીટમાં બધું જ સાફ. ભૂખ્યા ડાંસ જેવા સ્ત્રી-પુરુષો તૂટી જ પડ્યા. આભમાં ઉડતા ગીધડાને માટે ખાલી હાડકા જ વધ્યા. કાશીએ પણ ત્રણ દી’ની ભૂખ મિટાવી જે હાથ આવ્યું તે, ઘરે એના ધણી અને નાનકી હાટું અછોડે બાંધી લીધું. લોહી વાળું મો સાફ કરી દોડતીક્ને સીધી ઘરના રસ્તે.

“કેવા દી’ દેખાડ્યા, તે પરભુ. આ મનેખનું હું થાહે. આ બાળ-બચ્ચા, ઢોર-ઢાંખર, કો’કની તો હામું જો મારા વા’લા. આવો કાળ!” આંખોમાં આંસુ સાથે એ બબડી.

ઝપાટાબંધ ઘરે આવી, ખડકી ખોલતા જ સામે ભીમો ઓસરીમાં બેઠો બેઠો કૈંં’ક ખાતો હોય એમ ઉભો’તો. બાજુમાં લોહીના ટીપાં, મોઢા ઉપર લોહીના ડાઘા, કાશીને જોઈ હાથ પાછળ સંતાડી દીધા. ને કાશીની રાડ ફાટી ગઈ. લોહીના ડાઘા તરફ જોઈ, ઉલટાની ભીમાએ કાશી સામે પ્રશ્નાર્થભરી નજર નાખી. કાશીના મનમાં અમંગળની વીજળી ચમકી. કાશીએ ત્રાડ નાખી, “ભીમા, હું ય પૂછું છું તમને, ઈ કોના લોહીનું ટીપું છે?” એનો અવાજ ફાટી ગયો. ધ્રુજતા હાથે એણે થાંભલીનો ટેકો લીધો.

ભીમાએ લાચાર આંખે નાનકીનો માંસના લોચાવાલો, નિષ્પ્રાણ દેહ આગળ ધર્યો.

એકાએક બહારથી ચાર-પાંચ માણસનું ટોળું ધસી આવ્યું, ભીમાના હાથમાંથી નાનકીનો દેહ આંચકી, વડલે બેસી ગયા.. ભાગ પાડવા.

– શૈલેશ પંડ્યા

૭. હૂંફ

“એણે ખોટું શું પૂછ્યું? હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે? ને જો એ અમરીશનું હોય તો સાબિત કરો.” અમિત વિફર્યો.

અમરીશ દયામણે ચહેરે અમિત, તનય તેમજ દક્ષેશને જોઇ રહ્યો. “મેં ના પાડી હતી. મારે નથી જોડાવું પાર્ટીમાં. મને મારા હાલ પર છોડી દો.” અમરીશ રડી પડ્યો.

“શાંત થા અમરીશ.” દક્ષેસે અમરીશના ગ્લાસમાં પાણી ભર્યું. તનયે પોતાના હાથે અમરીશને પાણી પાયું. ખભો પસવારી રહેલા અમિતનો હાથ અમરીશે પકડી લીધો.

ડૉરબેલ વાગી. તનયે ગ્લાસ બાટલી સોફા પાછળ છુપાવ્યા. દક્ષેસે કી-હૉલમાંથી જોયું. “મયંક છે” દરવાજો ખોલ્યો.

મયંકે પાછળ જોતાં અંદર આવ્યો, “બબન નીચે મળ્યો. પણ અમરીશ છે એમ કીધું તે….” અમરીશને જોતાં જ આગલા શબ્દો મયંક ગળી ગયો.

“એ તમારા જેવો નથીને ! શા માટે સંક્રામિત લોહીવાળાને તમે સાચવો છો? હું નથી ઇચ્છતો કે એચઆઇવીને કારણે તમનેય…” મરીશ ગળગળો થયો. બધાય અમરીશને વળગી પડ્યા. બધાયની આંખોમાં ભીનાશ હતી.

“ઓત્તારી” ભૂલથી મયંકની આંગળી દબાઇ.

“શું થયું આંગળીમાં?” દક્ષેસે પૂછ્યું.

“તમારા આવવા પહેલા સલાડ કાપતાં કાપતાં આંગળી કપાઈ ગઈ. પછી નીચે ગયો સોડા લાવવા .”

“લોહી સાફ કરી જતાં તને જોર પડતું હતું?” તનય બોલ્યો

“ટીપૉય સાફ કરી તો હતી. કેમ શું થયું?”

“તેં આ ટીપું સાફ કેમ ના કર્યું?” ટીપૉય નીચે આંગળી ચિંધતા અમરીશ વિફર્યો.

– સંજય ગુંદલાવકર

૮. સંબંધનો અંત

“હર્ષદ, તમે કાંઇ કરો તો જ થાશે નહીંતર હું વિનેશને ખોઇ બેસીશ.”

“ચિંતા ન કર. હું હમણા ઘરેથી નીકળું છું.” ને હર્ષદે મૉબાઇલ ખિસ્સામાં મૂક્યો.

“શું થયું? કોનો ફોન હતો? ને હૉસ્પિટલમાં કોણ છે?” અવની સચિંત બોલી

“અવની, બધી વાત તને જણાવીશ હમણાં શાંતિ રાખ. હું સિવીલ હૉસ્પિટલમાં જાઉં છું.”

“હું આવું તમારી જોડે?”

“મને વાંધો નથી.”

રસ્તામાં અવનીએ ઘણી કોશિશ કરી પણ હર્ષદે જવાબ ટાળ્યા.

હૉસ્પિટલમાં રિશેપ્શન પર હર્ષદે પૂછ્યું: “વિનેશ?”

“પહેલા માળે આઇસીયુમાં. એફ9.”

ને હર્ષદ દોડતો ઉપડ્યો પહેલાં માળે.

વિનેશ ઘેનમાં હતો. “તમારા પેશન્ટ માટે એ.બી પૉઝીટીવ લોહી જોઈશે.” અવની ય આવી ને વિનેશને જોઇ રહી. “તમે એના પપ્પા છો?” નર્સે પૂછ્યું.

“હા” અવનીની આંખો પહોળી થઇ. મ્હોં ખુલ્લું રહી ગયું.

“અદ્દલ પ્રણાલી જેવો ચહેરો. ને બ્લડ ગૃપ પણ એજ. હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે? હવે તો બોલો!” અવની તાડુકી.

“એ પ્રણાલીનો મોટો ભાઈ છે.” અવની અચંબામાં જોઇ રહી. “સુરેખા ને મારો દીકરો.”

છુટાછેડા, ગર્ભમાં બાળક, કોર્ટ કચેરી, સાર સંભાળ ખર્ચ, પતાવટ, બીજા લગ્ન, પ્રણાલી… બધુંય અવનીના મગજમાં ફરી વળ્યું.

“અવની છુટાછેડાથી સંબંધોનો અંત આવ્યો છે. પણ માનવતાનો ધર્મ નિભાવું છું. ભલે આ મારું લોહી છે પણ સુરેખા સાથે મારે હવે કાંઇ લેવાદેવા નથી.”

હર્ષદે મૉબાઇલ લગાવ્યો, “હલ્લો પ્રણુ, તારું બ્લડ જોઇશે…”

– સંજય ગુંદલાવકર

૯. દુકાનદાર

“એ ગોખલા જેટલી દુકાન માટે લોહી ઉકાળો છો કે એ દુકાનદાર માટે? કાલે વકીલ પૂછતાં હતાં. આજે હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે? જવાબ આપો.” તરૂણ બોલ્યો

“હું જવાબ આપીશ. જરૂર આપીશ. ને એવો જવાબ આપીશ કે તમારું લોહી ઊડી જશે. પણ એ પહેલાં વચન આપો કે હું માગું એ તમે મને આપશો! બોલો, મંજૂર છે?” કરશનલાલ એકી શ્વાસે બોલી ગયા.

બેય ભાઇઓ એકમેકને જોઇ રહ્યા, ઈશારા થયા, મૉબાઇલમાં ચેટ કરવા લાગ્યા.
… શું કરીએ? ખબર પડતી નથી!
એ દુકાનદારથી પપ્પાને શો સંબંધ?
…ને આ વચનનું શું?
કોર્ટ ને વકીલમાં ખર્ચા કરવા કરતા પપ્પાનાં વચનવાળું જોઇએ.
… હા ને આજે જ બધું ખબર પડી જાશે.
ઠીક ત્યારે.

કરસનલાલ નચિંત સમાચાર જોઇ રહ્યા હતા.

“પપ્પાજી, અમે તૈયાર છીએ. પણ જે હોય તે અત્યારે જ જણાવો.” તરૂણ બોલ્યો

“જરૂર. જરૂર.”

“ને એવું માંગજો જે અમારાથી શક્ય હોય” દીપ બોલ્યો, એકાદ મિનીટ ત્રણેય કાંઇ ન બોલ્યા.

“મને એ દુકાન જોઇએ છે.”

“શું?” બેય બરાડી ઉઠ્યા.

“હા..!

“પણ એ ગોખલા જેવડી દુકાનમાં છે શું?”

“આ બંગલો ગાડી નોકર ચાકર બધું એ દુકાનની બદોલત છે. રાત દિવસ એમાં મેં મારા લોહીના ટીપા સિંચ્યા છે.”

બેય ચૂપ રહ્યા.

“દુકાનદાર જે રકમ માંગે એ આપો ને કાયદેસર મારા નામે દુકાન કરો.”

– સંજય ગુંદલાવકર

૧૦. સ્વગત ભારતમાતા

મારા ટુકડેટુકડા થયા છે. કાળજું મારું કપાયું છે. કાપાકાપી, ખૂનામરકી, લોહીના ચિત્કારો મેં સહન કર્યા છે. મારા કરોડો સંતાનોનું વિભાજનમાં લોહી રેડાયું છે. આવા અગણિત ટીપાઓ જોઈ હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે? તમે ઓળખી બતાવશો? લઘુમતિવાળા વિસ્તારમાંથી ઘર-બાર છોડીને પોતાના બહુમતિવાળા વિસ્તારમાં શરણે ગયેલાનું કે શરણે થયેલાનું ? કે સ્થળાંતર વેળાએ હિંસાની હોળીમાં માર્યા ગયેલાનું?

આવા કરોડો ટીપાઓ વાળા વિભાજનથી લોકોના જીવન પર ગહેરી છાપ છોડી હતી. એવા વખતે હું કેવી રીતે હું આઝાદ થઈ હતી એ તમે સૌ કોઈ જાણો છો! શું મારી સંસ્કૃતિ હતી! ને આજ શું થઈ ગઈ છે. આજ સંસ્કૃતિ અને સ્વતંત્રતા સાચવવાનું કર્તવ્ય તમે ભૂલ્યા છો.

આતંકવાદ, મહિલા સુરક્ષા, બળાત્કાર, ભ્રષ્ટાચાર, કોંભાડો… આ બધું જોઈ જોઈ મારું શિશ શરમથી ઝૂકી જાય છે. શું મારી કુખેથી રામ રહીમ જન્મ્યા હતા? ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા શહીદો તેમજ સરદાર પટેલ, ગાંધી, સુભાષચંદ્ર જેવા નેતાઓને મેં જન્મ દીધો હતો? તો હજી મારી ગરિમા કેમ પાછી મળી નથી!

આ સમસ્ત બ્રહ્માંડમાં સર્વોપરી એવું સ્થાન મને કોણ મેળવી આપશે? મારી લાલિમા મને કોણ પાછી અપાવશે? મારો ભગવો વાવટો કોણ ઉંચે આભમાં કોણ લહેરાવશે ? કોણ?

કોણ? જવાબ આપો. કોણ?

– સંજય ગુંદલાવકર

૧૧. ભોંયરામાં ખલેલ

“પણ.. મમ્મીએ ના પાડી છે એનું શું?” મિતુલે ચાંપ દબાવી. યશે દરવાજો બંધ કર્યો.

આ રહ્યું એ ભોંયરું. જેમાં એકવાર અંદર ગયા બાદ બહારની દુનિયા સાથે આપણે કોઈપણ જાતનાં સંપર્કમાં નહીં રહીશું.

ભોંયરું ખૂલતાં જ ચકાચોંધ રોશની થઈ, ચામાચિડીયા ઉડવા લાગ્યા, કબૂતરો ફડફડવા લાગ્યા. અચાનક ખોપડી આવી. આંખોના ગોખલામાં લાલ રંગ લબૂક ઝબૂક થતો હતો, બેય જડબા કચકચાતા હતા. અટ્ટહાસ્ય ગૂંજી ઉઠ્યું, ‘આપનું સ્વાગત છે’ ‘આ કપડા પહેરી લો’

“ભાઈ મારી તો ફાટે છે” યશ ગભરાતાં બોલ્યો.

‘અમારો સામનો કરો’ સામેથી ટોળું આક્રમક બનીને ધસી આવ્યું.

“યશ… માર એમને. લાતે લાતે માર.” પણ યશના પગ હલ્યા નહીં તે મિતુલ દોડી આવ્યો. ટોળું ભાગી ગયું પણ એક લોહીનું ટીપું દેખાયું.

‘કોનું છે?’ ફરીથી ખોપડી દેખાણી, ‘હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે? જવાબ આપો’

‘મારા વિરોધીનું’ મિતુલ બોલ્યો.

‘સાચો જવાબ મિતુલ… લે આ તલવાર, યશને મારવા તૈયાર થઈ જા.’ ખોપડીએ ફરમાન છોડ્યું.

“એ ભાઈ મને કેમ મારવા કહ્યું એણે?” યશ ઘબરાયો.

એટલામાં દરવાજા પર હલચલ થવા લાગી. યશ મિતુલ બેયની આંખો દરવાજા પર અટકી. ખલ્લાસ, મરી ગયા હવે તો?

‘ખેલ ખતમ?’… ‘હા’ કે ‘ના’ … ‘હા’

બેય ભોંયરામાંથી બહાર આવ્યા. પણ દરવાજા પાછળથી મમ્મીનો ગુસ્સાભર્યો અવાજ આવી રહ્યો હતો. “આજે તો બેયની ગેમ નહીં કાઢું તો જો.”

– સંજય ગુંદલાવકર

૧૨. નમક હલાલ

હીરામને હીરાબાઈના કર્ણફૂલનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. નાકની નથનીમાં જડાયેલ નંગ તપાસતાં જ એ ચોંકી ગયો. “હેં… લોહીનું ટીપું?”

ત્યાં ઉભેલા જમાદારે રાઘવને જોરદાર તમાચો ચોડી દીધો, “લે હવે ખાતરી થઈ ગઈ.”

“પણ માયબાપ હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે ને હીરાબાઈ ક્યાં?” રાઘવ રડમસ થઈ ગયો.

“એય નાટક ના કર. નહીં તો એવી જગ્યાએ મારીશ કે કોઈનો બાપ બનવાને લાયક નહીં રહે.” પોલીસ અધિકારી સુર્યકાન્ત તાડુક્યા.

હીરામને નથની અને કર્ણફૂલને કાપડમાં લપેટતાં પુછ્યું, “સાહેબ હું આ લઈને જાઉં?”

“હા. લઈ જાઓ”

હીરામન અને રાઘવ બેય એકમેકને સ્મિત આપતાં જોઈને જમાદાર અવઢવમાં પડી ગયો.

રાઘવના લોહીને હવે ટાઢક વળી. એ અઠવાડિયા પહેલાની હીરાબાઈ જોડેની વાતચીતમાં ગરકાવ થઈ ગયો

.. .. ..

“રાઘવ, મને વચન આપ કે તું મારા વિશે કોઈને કશું પણ નહીં જણાવીશ.”

“હું મરી જઈશ પણ મારું મોઢું નહીં ખોલું હીરાબાઈ. તમારા ધંધાની સોગંદ. જાવ તમ તમારે ને સંસાર માંડો હીરામન સાથે.”

”પણ… હવે તું શું કરીશ રાઘવ?”

”જિંદગી આખી તારું નમક ખાઈને ભડવાઈ જ કૂટી છે. હજી સુધી તો વિચાર્યું નથી.”

”તને આપવા માટે તો મારી પાસે કંઈ જ નથી.”

“એક કામ કરો. તમારી નથની ને કર્ણફૂલ આપો. મારું કામ થઈ જશે.”

.. .. ..

“કોટડીમાં ધકેલો આને” પોલીસ અધિકારી સુર્યકાન્તે સૂચન ફરમાવ્યું.

– સંજય ગુંદલાવકર

૧૩.

ધ્રુજતી આંગળીઓ ધીરે ધીરે કૅનવાસ પર ફરી રહી હતી. થાકેલી આંખોના ઢળતા પોપચાંને ઉચકતી તે નિર્જીવ કેનવાસ પર દોરેલ ‘મા-દિકરી’ના ચિત્ર તરફ તાકી રહી હતી. વૃદ્ધ ચિત્રકાર રતને સ્મૃતિના ઉંડાણમાં આજે એવી તે ડૂબકી લગાવી કે ભૂતકાળ ભીંત બની સામે ઉભો થઈ ગયો. પીંછીમાં સૂકાઈ ગયેલો એ રક્ત રંગ તેને યાદ અપાવી રહ્યો હતો એ પ્રશ્ન, “હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”

રતન-ચંદાનાં સુખદ સમયને સરતાં વાર લાગી નહોતી. એક વર્ષ બાદ તેમનાં જીવનમાં નાનકડી ધરાનું અણધાર્યું આગમન થયું. રતનને દિકરાની આશ હતી ને અવતરી દિકરી. રતને ધરાને ત્યજવાની વાત કરી. પણ માનું હેેયું એમ તો કેવી રીતે પ્રેમથી મોં ફેરવી લે? ચંદા ન માની. રતને નિર્ણય લીધો અને ચંદા પર ચારિત્ર્ય આક્ષેપ નાખ્યો કે ધરા તેનું લોહી નથી.

પોતાના પર લાગેલા કલંકને ભૂંસવા ચંદાએ નાનકડી ધરા સાથે અગ્નિસ્નાન કર્યું.

સુખી સંસાર પર આમ એક ગાંડી ઘેલછાએ દુ:ખની ભરતી ભરી દીધી. ને રતન હજુ પણ એકજ સવાલ પર જીવી રહ્યો છે, “હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”

– અનુજ સોલંકી

૧૪.

એક ખંડિયેરમાં તે ટૂંટિયું વાળી બેઉ હાથોમાં મોં સંતાડીને પડી હતી. તેના કણસવાનો અવાજ સાંભળનાર અને વિખરાયેલા વાળ, ફાટેલા કપડાં અને તે પર લોહીના ડાઘા જોનાર દૂરદૂર સુધી કોઈ ન હતું, સિવાય કે તેના ઉદરમાં ઉછરી રહેલો સુનીલનો અંશ.

આજે ૨૫ વર્ષ બાદ એ બધું યાદ આવતાં માલતીની આંખોમાં લોહીની ટશરો ફૂટી આવી. હમણાં જ જયદેવ અને અનીતા તેમના પુત્ર જય માટે સુહાનીના લગ્નનો પ્રસ્તાવ લઈ માલતીની પાસે આવ્યાં હતા.

“અમને સુહાની પસંદ છે.” જયદેવ અને અમીતા લગભગ એકસાથે બોલ્યાં.

“સુહાનીના પિતા..?” વાક્ય અધુરુ છોડી અનીતા માલતીની સામે જોઈ રહી. માલતી કશું બોલી ન શકી. શબ્દો ગળામાં ડૂમો બની ભરાઈ ગયા. અનીતાનો બીજો સવાલ માલતીના હદયમાં શૂળ બની ભોંકાયો.

“સુહાનીના પિતાનો કોઈ ફોટો નથી? અમને જોવો ગમશે.”

માલતી હવે વધારે જીરવી ન શકી. તેનું શરીર થરથર કાંપવા લાગ્યું. તેની લોહીની ટશર ફૂટેલી આંખો બહુ રોકી તોયે જયદેવની આંખોમાં મળી. એ આંખોમાંનો ભાવ કળવો મુશ્કેલ હતો.

ક્ષણવારમાં અનીતાની આંખોમાં એક ચમકારો થયો, તે જ પળે તે ઉભી થઈ ગઈ અને બોલી,” હું ય પૂછું છું તમને.. એ કોના લોહીનુ ટીપું છે?”

– વિભાવન મહેતા

૧૫.

કૈલાસ પર તલવારો ટકરાવાનાં ભંયકર અવાજોથી જાણે ધરા કાંપી રહી હતી. ગણેશ ઉપર ઝનૂનપૂર્વક તલવાર વીંઝી રહેલા શિવનો દરેક ઘા વધુ ને વધુ જીવલેણ બનતો જતો હતો. આ સમાચાર મળતા જ તીવ્ર આઘાતનાં આવેગથી પાર્વતીએ દોટ મૂકી. તે પહોંચી ત્યારે યુધ્ધ સમાપ્ત થઇ ચૂક્યું હતું.

પાર્વતી ચીસ પાડી ઊઠી, “મારો પુત્ર ક્યાં…?”

લાંબા મૌન પછી શિવે જવાબ આપ્યો, “તેનાં ગુનાની સજારૂપે મેં તેને કાયમ માટે ધરતી પર મોકલી દીધો છે. શું ઈશ્વર તરીકે મારે દરેક સાથે ન્યાય ન કરવો જોઇએ?”

“હું તને પૂછું છું પાર્વતી કે…”

પણ પતિનાં જૂઠાણાને અને કંઇક અમંગળનાં ચિહ્નોને પારખી ગયેલી પાર્વતી વચ્ચેથી જ શિવને અટકાવતા તાડૂકી ઊઠી, “અને હું ય પૂછું છું તમને… એ કોનાં લોહીનું ટીપું છે?” પાર્વતીની નજર શિવનાં લોહી નીંગળતા ત્રિશૂળની ધાર પરથી ટપકી રહેલાં રક્ત પર હતી.

પાર્વતી અધમૂઇ બનીને દોડી. વિશાળ ખડક પાછાળ લોહીનાં ખાબોચીયામાં ગણેશની લાશ પડી હતી. તે ત્યાં જ ઢળી પડી.

સાથે જ રંગમંચનો પડદો પડી ગયો. શિવકથનનાં નાટકનું અંતિમ દ્રશ્ય રંગભૂમિ પર અદ્ભૂત રીતે ભજવાયુ હતું.

પડદાની એક તરફ તાળીઓનો ગડગડાટ હતો તો બીજી તરફ શિવ ફોન પર કહી રહ્યો હતો, “તમે આપેલી સોપારી મેં પૂરી કરી. કાલ સુધીમાં બે પેટી મોકલી આપજો.”

ગણેશનું પાત્ર ભજવી રહેલો ધર્મેશ આજે રંગમંચ પરથી ઊઠ્યો જ નહીં.

– ડૉ. નિલય પંડ્યા

૧૬.

સર્જન તરીકે આજે હૉસ્પિટલમાં મારો પહેલો દિવસ હતો. રાતનાં બે વાગ્યા હતાં.

અચાનક મારી નજર બાજૂની દીવાલ પર પડેલાં લોહીનાં તાજા ડાઘ પર પડી. મારાં આરામકક્ષમાં લોહી જોઇને મને ખૂબ નવાઇ લાગી. મેં તરત નોકરને બોલાવીને આ વિશે પૂછ્યું. પણ તે તો આ જોતાં જ ચીસ પાડતો ત્યાંથી ભાગ્યો.

હવે હું ગભરાયો. પણ જેવો હું રૂમમાંથી બહાર આવ્યો ત્યાં તો પેલો નોકર મારાં સિનિયર ડૉક્ટરો સાથે ત્યાં આવી પહોંચ્યો. નજીક આવતાં જ સૌથી શાંત અને અનુભવી ડૉ.ઍશ્લીએ પૂછ્યું, “કોનું લોહી છે એ જૅક?”

હું પરસેવે રેબઝેબ થઇ ગયો. કાંપતા અવાજે હું માંડ બોલી શક્યો, “અને હું ય પૂછું છું તમને… એ કોનાં લોહીનું ટીપું છે?”

અચાનક મારાં માથાં પર પાછળથી વાર થયો અને હું બેભાન! ભાનમાં આવ્યો ત્યારે હું એક ભંડકીયામાં હતો. ચારે તરફ ફૉર્મેલીનમાં સાચવેલી કીડ્નીઓ પડી હતી. એટલામાં જ એક છૂપો દરવાજો ખૂલ્યો. ત્રણે સિનિયર ડૉક્ટરો અંદર આવ્યા. ડૉ.ઍશ્લી કહી રહ્યાં હતાં, “અફસોસ! ડૉ.જૅકની કીડ્નીનો સોદો પૂરો ન થયો.”

હવે મારાં પેટમાં ફાળ પડી. “શું મારી કીડ્ની પણ કાઢી લેવાઇ હતી?!” ગમે તેમ લપાતો છુપાતો હું તે ભંડ્કીયામાંથી નીકળીને પૉલીસ સ્ટૅશન તરફ દોડ્યો.

“પણ આ શું!” રસ્તા પરનું દ્રશ્ય જોઇને હું ત્યાં જ ફસડાઇ પડ્યો – હૉસ્પિટલનો સ્ટાફ મારાં શબને દફનવિધિ માટે લઇ જઇ રહ્યો હતો.

– ડૉ. નિલય પંડ્યા

૧૭.

“બાપા, મારય નેહારે જાવું હે.”

“બટા, આપડ્ નેહાર ચ્યાં સ્, તાર્ કાકો ભણીન્ આવહે ને પસી તનય્ ભણાવહે.”

“રે’વાદ્યો હવ્, પસાને પંદર વરહ થીયા મમ્ભઇ ભણવા મેકલેલો ઇને, પન ચીઠ્યું વના એની કશ્શીય ખબર ની મલે, બરી આ સોપડીઓ! ભઇ અન્ ખેતર, બેઉ ખેંસી લીધા.”

“કાનીયા, નેહાર બેહાર જવું આપરાને ની પોહાય, ઇ બધા પૈહા વારાના રમકરા”

“રૂખી ઇ જયાર્ આવશી ત્યાર જો જે, આપરા બધ્ધાય દખ નહાડી દેહે.” આકાશમાં પડયા પડયા તારા બધું સાંભળતા હતા.

કાનો રોજ પુછતો “બાપા, કાકા કે’દી આવહે અન મન્ ભણાવહે? મારય ભણીન્ સાહેબ થાવુ છ, પસી આપડ્ ખેતરોમ્ મજૂરી નઇ કરવી પડ્?”

ભૂરો કાનાના સવાલ સાંભળતો અને એની નજર પસાની રાહ જોવા બેસી જતી. આજે વર્ષો પછી પસો પુરુષોત્તમ નાયક બની ઘરે આવ્યો હતો. કાનો કાકાનો હેડો નો’તો મૂકતો. ઘરમાં ઉત્સવ ને ઘરના લોકોના મનમાં ઉમંગ હતો.

“મોટા, અહીં થમ્બ ઇમ્પ્રેશન સોરી, અંગુઠો લગાવી દો એટલે હવે જમીન આપણી.” પસાએ આવતાંની સાથે જ બધા કામ આટોપવા માંડયા.

“હું વાત સ્ ભૂરીયા, જમીન ને ઘર વેચીને મંમ્બઇ રે’વા જવાના છો?” ભૂરો, રૂખી ને કાનો બજાર જતાં હતાં પણ અવાજ સાંભળી અટક્યા.

“હું ય પસુ સુ તમન્…ઇ કોના લોઇનું ટેપું સે?” રૂખી નવી સાડીથી આંખો લુછતાં બોલી.

કાનો બોલ્યો ” બાપા, માર્ નહી ભણવું”

– કેતન પરમાર

૧૮.

બરફ આચ્છાદિત શિખરો અને વૃક્ષોને ચીરતી ટ્રેન ટ્રાન્સિલવેનીયા તરફ આગળ વધતી હતી. ઘોડાઓને જોરથી ચાબુક ફટકારતા પિતા, ઝડપથી દોડતી ઘોડાગાડી જેમાંથી અચાનક ગબડી પડતો જોય, જોયને ઉપાડી જતા કોઇક ઉડતા પ્રાણીઓ, માંની લાંબી ચીસ ને કાનમાં પહોંચતા હ્રદયના ધબકારા. બાર વર્ષ પહેલાના ટ્રાન્સિલવેનીયામાં પહોંચી ગયેલા ટોમને ટ્રેનની વ્હિસલ વર્તમાનમાં લઈ આવી.

વર્ષો પહેલા ખોવાયેલા મોટાભાઇને શોધવા આવેલો ટોમ ટ્રાન્સિલવેનીયાથી પાંચ માઇલ દૂર આવેલ સ્ટેશન પર ઉતર્યો. ટ્રાન્સિલવેનીયા જવા માટે ઘોડાગાડીવાળા તૈયાર ન થતાં, ભાડેથી ઘોડો લઈ ટોમ એકલો જ નીકળ્યો.

ઘોડાની હણહણાટી, ખરતો બરફ, પોતાના શ્વાસ સિવાય કોઈ અવાજ ટોમના કાન સુધી પહોંચતો નહોતો. સૂરજ ધીરે ધીરે ક્ષિતિજથી નીચે ઉતરી રહ્યો હતો ને ટોમ કોઇક સલામત રાત્રી રોકાણની જગ્યા શોધતો હતો. ટોમે એક પડછાયાને ઝાડ પાછળ છુપાતા જોઇ એની આંખો પહોળી થઇ ને ધીમેથી અવાજ આવ્યો “ટો..મ”

“ટોમ.. જતો રહે, હું જાણું છું તુ જ છે. આટલા વર્ષે પણ તારો દેખાવ બહું બદલાયો નથી, પણ હું બદલાઈ ગયો છું.”

“જો..ય?” ટોમ અવાજ તરફ દોડયો ને એક પડછાયો ખંડીયેર મહેલમાં જતો દેખાયો.

“જોય” ટોમને કાચ વાગતાં વઘુ જોરથી ચીખ્યો.

“પપ્પા, લોહી!” જોય સામે ઉભેલ છોકરો બોલ્યો

“હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?” જીભ નચાવતા જોયની પત્ની એ પુછ્યું.

“ટો..મ” પાંખો ફડફડાવતાં જોય બૂમ પાડી ઉઠ્યો.

– કેતન પરમાર

૧૯.

“કંઈક તો ગડબડ છે દયા” ક્યારના બેલ વગાડવા છતાં દરવાજો ન ખુલતાં પ્રદ્યુમ્ન બોલ્યા.

“સર, આપણી ગાડી બગડી છે અને આટલી રાતે આ ઘર સિવાય કોઈ છત્ર નથી, શું કરીશું ?” દયાને ભૂખ લાગી હતી.

“દયા, તોડી નાખ દરવાજો”

“પણ આ કોનું ઘર છે એ ખબર નથી અને અંદર કઈ ગુનેગાર થોડી છે કે તોડી પાડીએ ? એનો માલિક કેસ કરશે.” ફોરેન્સિક એક્સપર્ટ સાલુંખે મૂંઝાયો.

“અરે, માલિકને નવો દરવાજો બનાવી આપશું અત્યારે ખુબ ભૂખ લાગી છે, દયા દરવાજા તોડ દો.” આદેશ છૂટ્યો અને દરવાજો તૂટ્યો. આખી પલ્ટન સીધી ડાઇનિંગ ટેબલ પર જ ગઈ કે ત્યાં કશુંક ઝાપટવા મળી જાય પણ આ શું ?

“મેં કહ્યું હતુને કશીક ગડબડ છે, જુઓ ટેબલ નીચે લોહી, મતલબ ખૂની કદાચ ઘરમાં જ હશે. અભિજીત ચપ્પા ચપ્પા છાન મારો, સાલુંખે લોહીનું સેમ્પલ લઇલો.” પ્રદ્યુમ્નની ભૂખ ગાયબ થઇ ગઈ.

“એ.સી.પી. આ લોહીનું ટીપું..” એટલું સાલુંખે બોલ્યો ત્યાં જ..

“બોલ બોલ સાલુંખે કોનું લોહી છે ?” પ્રદ્યુમ્ન અધીરો થયો.

“આ લોહીનું ટીપું…”

આ વખતે વચ્ચેથી અટકાવતા અભિજીત બોલ્યો, “હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે ?”

“ડોબાઓ બોલવા તો દો.. આ લોહીનું ટીપું નથી ટોમેટો સોસ છે.”

“ઓહ નો… આનો મતલબ સમજ્યો દયા… ?”

– નિમિષ વોરા

૨૦.

મિલમાં મજૂરોએ હડતાલ કરી. છેલ્લા એક મહિનામાં આ મશીનમાં આ ત્રીજું મોત હતું. ભીખાએ કાલુના મડદાં પાસેજ બધાય મજૂરો એકઠા કરી મશીન રીપેર ના થાય તો કામ ઠપ્પ રાખવાનો નિર્ણય કર્યો.

“કોને ચરબી ચઢી છે ? કેમ કામ રોક્યું છે ?” મેનેજર આવતાં જ તાડૂક્યા.

“કામ રોકાતાં તમે તરત આવ્યા પણ આ કાલુને જોવા એકવાર ન્હોતું અવાતું ? કેટલીય ફરિયાદ કરવા છતાં તમે મશીન રીપેર કરાવતાં નથી”

“ભીખા, જીભ કાબુમાં રાખજે, અને જોજે લીડર બન્યો છે તો ઘરનો રસ્તો બતાવી દઈશ..”

“હું જ નહિ અમે સહુ ઘરે ચાલ્યા જઈશું પછી ચલાવજો મશીન જાતે.”

આવી વાણી સાંભળતા ગિન્નાયેલ મેનેજર ભીખા તરફ ધસ્યો પણ લોહીના ખાબોચિયામાં પગ આવતા પેન્ટ પર લોહીના છાંટા ઉડતા ત્યાંથી જ બરાડયો, “હું તને પૂછું છું આ કાલુ તારો શું લાગે છે કે તેના માટે સહુના પેટ પર લાત મારવા તૈયાર થયો છે?”

“હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે ? તમારી માટે મજૂરનું પણ તેમના પરિવાર માટે? કાલે અમે પણ આમજ પડ્યા હોઈશું જમીન પર મડદું બનીને.. નથી જોઈતી આવી નોકરી, મરવું જ છે તો ભૂખ્યા મરી જઈશું.”

બીજે દિવસે એજ મશીન પર ભીખા સિવાયના સહુ મજૂરો કામે લાગ્યા હતા.. દિવસના પાંચ રૂપિયા વધુ કમાવવાના આનંદ સાથે.

– નિમિષ વોરા

૨૧.

“યુધ્ધ કૌશલ્યના નિષ્ણાત અને પ્રખર ગુરૂ તરીકે તારી ગરવાઈ ધૂળમાં મળી ગઇ છે. ત્યારે અત્યંત ક્ષોભ અનુભવું છું. જરા આંખો ખોલ ને મારી તરફ નજર કર.”

“હા..હું તારો જ અંતરાત્મા ! યુગો યુગોથી લોહીનાં આંસુ રડી રહ્યો છું કયાંય શાતા નથી ઉપજતી. તને હસ્તિનાપુરનાં મુખ્ય આચાર્ય તરીકે માનસન્માન શું મળી ગયું કે મદાંધ, નિર્દય અને સ્વાર્થી બની બેઠો.. તારી અવહેલના અને અપમાનને અવગણીને એ નિશધ આદિવાસી કિશોર એકલવ્યએ તને ગુરૂ તરીકે પ્રસ્થાપિત કરી, પોતાના બળ પર જ ધનુર્વિધામાં નિપુણતા મેળવી એ જ એનો અક્ષમ્ય ગુનો? તારો પ્રિય શિષ્ય અર્જુન કે લાડકો દીકરો અશ્વથામા, એ બે સિવાય બીજું કોઈ અવ્વલ નંબરે રહે તે તને કઠ્યું અને ગુરૂદક્ષિણામાં એ ગરીબ આશાસ્પદ બાળનો અંગુઠો માગી લીધો! …શરમ …શરમ! હે મહાન સુજ્ઞ રાજ્યગુરૂ, એ નિર્દોષનો લોહીથી લથબથ અંગુઠો જોઇ, હું ય પુછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે? એક આત્મનિર્ભર, માનવબાળનું જ ને? એણે તમને ગુરુના ઉચ્ચ સ્થાને બેસાડયા ને ગુરુદક્ષિણામાં તમે તેનો અંગૂઠો? જો આવડત હોય તો એ રાજકુમારો અને આદિવાસીબાળનું લોહીનો ફરક પારખી બતાવ…’

– મીનાક્ષી વખારિયા.

૨૨.

અદાલત આજે ખીચોખીચ ભરેલી હતી, ગુનેગારોના પરિવારવાળા મુક્તિની આશામાં એક રહસ્યમય ડર સાથે અને પીડિતોના પરિવારજનો ન્યાય મેળવવાની આશ સાથે.

જજ કૃષ્ણદેવની પધરામણી થતા જ ન્યાયાલયમાં સન્નાટો છવાઇ ગયો. દરેકના મનમાં ગુલમહોર હત્યાકાંડનું ભયાવહ દ્રશ્ય તાદશ થઇ ગયું.

ચૂકાદો સંભળાવતા કૃષ્ણદેવ બોલ્યા, “ભારતવર્ષના ઇતિહાસમાં ગુલમહોરકાંડ હમેશા એક કલંક રહશે. નિર્દોષ મુસ્લિમ ભાઈ-બહેનો અને બાળકોને જીવતા સળગાવી દેવાની આ હિચકારી ઘટના ક્યારેય લોકોના માનસમાંથી ભૂસી નહિ શકાય. ભારત માતાની ઓઢણી આભલા કે હીરામોતીથી સજેલી નથી પણ લાખો શહીદોના રક્તના છાંટા છે એના દામન પર, એની પ્રત્યેક બૂંદમાંથી ‘ભારત માતાની જય’ સંભળાય છે. હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે? હિંદુનું કે મુસ્લિમનું, બંનેએ મળીને આઝાદી માટે રક્ત વહાવ્યું છે.” ૩૨ અરોપીઓ તરફ નજર કરી એમણે પૂછ્યું.

અને કૃષ્ણદેવે એક ઐતિહાસિક નિર્ણય પર સહી કરી તમામ ગુનેગારોને આજીવન કારાવાસની સજા ફટકારી, ૧૫ વરસથી ન્યાય માટે તડપતા અનેક આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી.. અરોપીઓના પરિવારજનો આક્રંદથી પરિસર ગુંજી ઉઠ્યું. પીડિતોના સ્નેહીઓને હજુ ન્યાય અધૂરો જ લાગ્યો.. કારણકે હત્યાકાંડના સૂત્રધારો કોણ? અને ફક્ત કાર્યકર્તાઓને સજા?

યક્ષ પ્રશ્ન હજુ યથાવત..

અને એક નવી લડતનું રણશિંગું ફુંકાયું..

– મીતલ પટેલ

૨૩.

મહાભારતનું યુધ્ધ વિરામ પામ્યુ છે. પાંડવો વિજયી બન્યા છે. ઇચ્છામૃત્યુના અધિકારી પિતામહ ભીષ્મ બાણશય્યા ઉપર કુરુક્ષેત્રના મેદાનમાં સૂતા છે. તેમના શરીરમાંથી લગભગ તમામ લોહી વહી ગયુ છે અને તેઓ પ્રાણત્યાગની પ્રબળ ઇચ્છા ધરાવે છે. પાંડવો તથા શ્રીકૃષ્ણ ભીષ્મપિતામહને મળવા કુરુક્ષેત્રમાં આવે છે. તે જોઈ પિતામહને એક ક્ષણ પોતાની જાત પર ગર્વ થાય છે, ‘જોયું, ભગવાનને મારી પાસે આવવું પડ્યું ને?’

તે જ સમયે , દુર્યોધનના અન્નમાંથી બનેલુ લોહીનું છેલ્લુ ટીપું પણ તેમના યુધ્ધના ઘા દ્વારા શરીરમાંથી નીકળી ગયું. પરમાત્મા શ્રીકૃષ્ણની પ્રશ્નનાર્થ નજર પિતામહ ઉપર પડતા જ પિતામહ બોલી ઉઠ્યા, “ભગવન, હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે જેના વહેવાથી હુ આજ નિર્મળ બુધ્ધિને પામ્યો?”

“અહંકારના અન્નનું પિતામહ, જેવું અન્ન એવો ઓડકાર. અમારા આજ અહીં આગમનનું મુખ્ય કારણ જ આ લોહી નું ટીપુ.” શ્રીક્રુષ્ણ બોલ્યા.

પિતામહ અશ્રુસભર નેત્રે બોલ્યા, “હે નાથ! તમથી મોટું આ જગતમાં બીજુ કોઈ નથી. હું આજે આપના ચરણોમાં મારી આ નિર્મળ થયેલી બુદ્ધિ…” અને ત્યાં જ ઉત્તરનો સૂર્ય ભીષ્મના દેહ સાથે અસ્ત પામે છે.

– જલ્પા જૈન

૨૪.

સરિતા આજે સવારથી બેચેન હતી. પાંચ વર્ષનું લગ્નજીવન એકંદરે સુખી કહી શકાય એવું હતું. માત્ર નિસંતાનપણું ખટકતું હતું. બેચેનીનું કારણ થોડા મહિનાથી અનુભવેલ સાગરનું વર્તન અને પોતાની ખાસ સખી સલોનીનો આવેલો ફોન.

અપરિણીત સલોનીએ આજે સવારે ફોનમાં જે કહયું એ એને દિલોદિમાગમાં પડઘાતું હતું. એ પ્રેગનન્ટ હતી, અને એની સાથે ગાયનેકને મળવા વિનવતી હતી.

સરિતાએ મોડી રાત્રે આવેલા સાગરને કહ્યું, “જલ્દી ઉઠો, મારે સલોની સાથે હોસ્પીટલ જવું પડશે.”

સામાન્ય રીતે ઉઠવામાં આળસ કરતો સાગર સફાળો બેઠો થઈ બોલ્યો, “શું થયું સલોનીને..? કાલે તો ખુશ..” સામે સરિતા છે એ જોતા બાકીના શબ્દો ગળી ગયો. પરંતુ સરિતાના દિમાગમાં એ શબ્દો કોતરાઇ ગયા. અત્યારે વિચારો ત્યાં જ અટકાવ્યા.

કામ પતાવી તૈયાર થઇને નીકળતી હતી, ત્યાં સાગરે કહ્યું, “હું પણ આવું છું.” સરિતા વિસ્મયતાથી જોઇ રહી. સાગર થોડો ભોંઠો પડતો હોય એવું લાગ્યું. આંખોથી ચાલવાનો ઇશારો કરી, બહાર નીકળી. ગાડી સડસડાટ સલોનીના ઘર પાસે જ ઉભી રહી. કંઇક નવાઇથી અને સહેજ આશંકાથી સાગર સામે જોઇ રહી. સાગર જાણે નજર ચૂકાવી રહ્યો હતો.

હોસ્પીટલ પહોંચ્યા, ડો.મિસિસ શાહે પ્રેગનન્સી કન્ફર્મ કરી. સરિતા સાગર અને સલોનીના ચહેરા વાંચતી બંન્ને ને પૂછી બેઠી, “હું ય પુછું છું તમને, એ કોના લોહીનું ટીપું છે?”

બંનેના ચહેરા જ ચાડી ખાઈ ઉઠ્યા.

નિસંતાન સલોની સ્વીકાર અસ્વીકારની અવઢવમાં ફસડાઇ પડી.

– જાહનવી અંતાણી

૨૫.

“પરમ’દી લગ્ન લખ્યાં ને.. બે’દી પછી તો માંડવો સે.. તમારે હાજરી આપવાની સે હોં..” પટેલ વાનો દેવાં આવતાં સૌને વિવેક કરતાં જાય. પરાણે પતાસા ખિસ્સામાં નખવે.

“પટેલ, ઓલા મગબાફણા ફાડવાનું શું કરીઉં પસી?”

“કોણ..?” પટેલે પૂછ્યું.

“ઈ તો મું.. સુખો હરિજન.”

“જો ન્યા ઘણ ને છીણી પડ્યાં સે. લૈ લે ને કર્ય કઁકુના.” પટેલે સામા ઢાળિયા તરફ ઈશારો કરતા કહ્યું.

સુખાએ ઘણ હાથમાં લીધો, છીણીઓ મુકીને ઘા કરવા લાગ્યો. મોટા લાકડામાંથી નાના નાના કટકા થવા લાગ્યા. ધડમમ.. ધડમમ.. માં બીજા અવાજો ગૌણ બની ગયા.

અડધી કલાક થઈ હશે, “ઓ માડી રે.. મરી ગ્યો..” કહેતાંકને સુખો પગ પકડીને બેસી ગયો. ફાડમાંથી છીણી છટકીને સુખાના પગે અથડાઈ. છીણી વાગી ત્યાં છોલાઈ ગયું ને લોહી વહેવા લાગ્યું.

“એલા.. દોડો, સુખાને વાગ્યું લાગેસ. ઉપર ઓસરીમાં લઇ લ્યો. મુંય આવું સુ.” પટેલ ઓસરી ઉતરતાં બોલ્યાં.

“નઈ.. મને નો અડકતાં. મું રીઓ હરિજન. અભડામણી થાહે. હરદર લગાવી એટલે હમણે લોઈ બંધ્ય.” સુખાને સતત લોહી નીકળતું હતું.

“હવે ગાંડીનો થા માં. આવ્યો મોટો અસૂતનો દિકરો. લોઈ કોયનું હગુ થાય સે. આ પાટોડો ભરાય ગીઓ. દાક્તરને બોલાવો પડસે..” એટલું કહીને પટેલે બીજાં બે જણાં સાથે સુખાને ટિંગાટોળી કરીને ઓસરી તરફ પ્રયાણ કર્યું.

ઉગમણો બેઠેલો સૂરજદાદો પ્રશ્નાર્થભરી નજરે બેસી રહ્યો, ‘હું ય પૂછું છું તમને એ કોનાં લોહીનું ટીપું છે?’

– હિરેન જોશી

૨૬.

હજારો ઘરમાં સંતાનપ્રાપ્તિ કરાવીને પૈસા, પ્રેમ ને પ્રસિદ્ધિથી જીવન ઉજાગર કરનાર ડો. મહેતાના ચારિત્ર્ય પર આજે એક સળગતો પ્રશ્ન સામે આવ્યો હતો.. “આ લેખા કોણ છે મહેશ..? ને એ તમને પપ્પા કેમ કહે છે, શું સંબંધ છે તમારી ને…”

પ્રશ્ન સાંભળીને ડો. મહેતાના પગ તળેથી જમીન સરકી ગઈ. વર્ષોથી જે વાત તેમણે સુરેખાથી છુપાવી રાખેલી, તે આજે આ રીતે..

કેટલીયે વાર તેઓ મૌન રહ્યા જે સુરેખાથી રહેવાયું નહિ.. પતિની ચૂપકીદી તેના હૃદયને ચીરી રહી. એ બરાડી ઉઠી.. “મહેશ, હું’ય પૂછું છું તમને.. એ કોના લોહીનું ટીપું છે..?”

ડો. મહેતાએ ઊંડો નિઃસાસો નાખ્યો ને બોલી ઉઠ્યા. “સુરેખા, મેં તારાથી એક વાત છુપાવી છે. આજથી પાંચ વર્ષ પહેલા મારી હોસ્પીટલમાં એક કપલ આવેલું. લાખ પ્રયત્નો કરવા છતાં તેમને સંતાન પ્રાપ્તિ નહોતી થતી. બધાય પ્રયત્નોને અંતે મારી પાસે એક જ રસ્તો બચ્યો હતો. સરોગેટ મધરનો.. હોસ્પીટલની વિશ્વાસુ નર્સ નીતાને મેં સમજાવી, અને તે પૈસા માટે સરોગેટ મધર બનવા તૈયાર થઈ ગઈ. પણ વિધિની વક્રતા તો જો.. જયારે તેણે બાળકને જન્મ આપ્યો, તે જ ક્ષણે મને સમાચાર મળ્યા કે તે કપલનું કાર એકસીડન્ટમાં મૃત્યુ થયું છે. હવે તું જ કહે સુરેખા.. એ બાળકીને હું કોના ભરોસે છોડી દઉં.. તેની પાછળ મારું નામ લખાવીને મેં તેને સમાજમાં સ્થાન આપ્યું..! હવે નીતા એની મા છે ને હું…!”

– મીરા જોશી.

૨૭.

“હું’ય પૂછું છું તમને.. એ કોના લોહીનું ટીપું છે..?” જાનકીએ બરાડીને પૂછ્યું.

“આજે આ વાત મંડાઈ જ ગઈ છે તો સાંભળી લે જાનકી.. સમીર આપણું લોહી નથી, તારો પુત્ર એ તારો નથી.. વર્ષો પહેલા જયારે તું માતા બની, ત્યારે ગર્ભમાં જ સમીર મૃત પેદા થયો હતો, તારી પુત્ર પ્રેમની અતિશય ઝંખનાને લીધે તને આ વાત કહેવાની મારી હિંમત નહોતી. આપણે સાથે જોયેલા સપનાઓ અને તને ખોઈ દેવાના ડરે મારામાં આ પાપ.. એ રાત્રે મેં હોસ્પીટલમાંથી એક તાજા જન્મેલા બાળકને ચોરી લીધું, એ આપણો સમીર..” સુમનરાયે મન પરથી મણ એકનો ભાર ઉતાર્યો..

“ના..એવું ના હોઈ શકે… સમીર..” જાનકીએ હીબકા લેતા કહ્યું.

“આ જ સત્ય છે જાનકી.. મને માફ કરી દે..” સુમનરાયે જાનકીને શાંત કરતા કહ્યું.

“સમીરને હું મારી જાન કરતાયે વિશેષ પ્રેમ કરું છું..”

“ને હું મારા પલક મા-બાપને પ્રેમ કરું છું મમ્મી..”

“સમીર.. તું..” જાનકી અને સુમનરાય સમીરને સામે જોઈ ચોંકી ઉઠ્યા.

“મેં બધું સાંભળી લીધુ છે પપ્પા.. કહેતા તે સુમનરાય પાસે આવ્યો.

“મારા માતાપિતા કોણ હશે, ક્યાં હશે.. મને નથી ખબર પપ્પા.. ને જાણવું પણ નથી, પણ મારે આ જન્મમાં તમારા જ પુત્ર બની રહેવું છે..”

હૈયાને ઠંડક આપતા સમીરના શબ્દો સાંભળીને જાનકી અને સુમનરાયની આંખોમાં હર્ષના ઝળઝળિયાં આવી ગયા.. ને ત્રણેય પ્રેમ ને વહાલના ઓળા હેઠળ ભેટી પડ્યા.

– મીરા જોશી

૨૮.

“અરે સરિતા.. મારું ગરમ પાણી થયું કે નહીં?..?” અંદરથી રસિકલાલનો ઘોઘરો અવાજ સંભળાયો ને સરિતા દોડ્તીક ઓશરીમાંથી ઘરમાં પહોચી.

છેલ્લા સાત વર્ષથી ટી.બી. ના રોગથી પીડાતા પતિને ગરમ પાણી ને દવા આપીને એ બટાટા સમારવા બેઠી. હાથ તો ધારદાર ચાકુથી બટેટા સમારતાં હતા, પણ જિંદગીભર વેઠેલા કામ અને મનની મરજીથી ના જીવી શકવાનો ભાર આજે તેનું હૃદય ચીરતા હતા..!

ચૌદ વર્ષની હતી ને મા-બાપુએ પરણાવી દીધી, ને ત્યારથી આજ’દી સુધી દિવસે સાસુની ને રાત્રે પતિની સેવા કર્યા કરી. અઢાર વરસે તો એ બે છોકરાઓની મા..! એ સાથે જ એની બધી ઝંખનાઓ ને કલ્પનાઓ ચાર દીવાલોમાં જ સડી-સડીને મરી ગઈ..!

રસિકલાલે ઉધરસ ખાધીને એ અવાજમાં સરિતાની વિચારતંદ્રા તૂટી..

અચાનક ચપ્પુની ધાર વાગી અને સરિતાના અંગુઠાને ચીરી ગઈ.. લાલ રક્તનું ટીપું જમીન પર પડ્યું. સરિતાથી ઓ મા.. ની આહ નીકળી ગઈ. બહુ મન થતું એને મા પાસે જવાનું. માના ખોળામાં માથુ મૂકીને સુવાનું. તેનો પાલવ ઉંચો કરીને એમા છુપાઈને બધી જ પીડામાંથી મુક્ત થઈ જવાનું.. પણ..!

ત્યાં જ સાસુ પ્રવેશ્યા.. ને જમીન પર પડેલા લોહીને જોઇને ઘબરાઈ ગયા.. એ તરત ઘરમાં દોડ્યા, પણ દીકરાને શાંતિથી સૂતેલો જોઈને ફરી ઓશરીમાં આવ્યાને બોલ્યા; “વહુરાણી, હું’યે પુછું છું તમને.. એ કોના લોહીનું ટીપું છે..?”

“એ મારું લોહી છે માજી..!” ને સરિતાએ લોહી નીકળતા અંગુઠાને મોઢામાં મૂકી દીધો..!

– મીરા જોશી

૨૯.

પીડાથી કણસતું એક શરીર, ને એ શરીર પર ચોંટેલા કીડાઓ.. કીડાઓથી ડંખેલા ચહેરા, છાતી ને હાથપગ ધરાવતું, સફેદ કપડામાં લપેટાયેલું એક બેનામ ત્યજેલું જન્મજાત માનવ જીવ છું હું..!

શહેરના પાક્કા, સુઘડ રસ્તાની સામે થોડે દૂર પડેલું એક કમનસીબ, નિરાધાર જીવ..! પણ સાક્ષી કોણ હતું આ દુષ્કૃત્ય નું? એક આ સૂરજ, અદશ્ય એવી હવા, આ મૂંગો રસ્તો.. ને જેના પર હું શ્વસું છું એ ધરતી..! આ રાહ પર પસાર થનાર વાહનો પાસે તો રસ્તાને જોવાનો કે જીવવાનો સમય જ ક્યાં હતો..! અરે આ તો દોડતી, હાંફતી દુનિયા..! એને કોઈ અબોલ પંખીનું ગીત કે વહેતી હવાનો અવાજ પણ નહોતો સાંભળવો.. તો આ કણસતા જીવનું રુદન તો..!

ત્યાં જ એક ભિખારણ ડોસી કઈક શોધતી, ફંફોસતી મારી તરફ આવી ચઢી.. ને તેની ઝાંખી નઝર મારા પર પડી.. ક્ષણભર તો એય મૌન ને વિસ્મિત, ને આજુબાજુ જોઈ ને પૂછવા લાગી, “આ કોનું બાળ?”

તે મારી નજીક આવી, મારા ચહેરાને સ્પર્શ કર્યો.. “આવી બેરહમીથી ત્યજી દીધી તને તારી માએ..? તું કોનું લોહી છે રે..!”

તેણે મને પ્રેમથી હાથમાં લઈને આકાશ તરફ દષ્ટિ કરીને પ્રશ્ન કર્યો, “હે નાથ..! હું’યે પુછું છું તમને.. એ કોના લોહીનું ટીપું છે..?”

ને એ સવાલના જવાબની રાહ જોતો હું મૌન, લાચાર ને બેનામ, ત્યજેલી એક આત્મા માત્ર બની રહ્યો..!

– મીરા જોશી

૩૦. અંશ

“આજે અચાનક કેમ આવુ કહો છો? હું તમારો દીકરો નથી? તમે મારી માં નથી, તો..”

“હા અંશ, તું મારૂ લોહી નથી જ..”

“પણ કેમ?

“તારા બાપ, મારા પતિને લીધે તારી માએ કૂવો પૂરેલો.. અને તું, ફક્ત ત્રણેક દિવસનો.. મારા હાથમાં.. મનોજે મારી કૂખ ઉજાળી.. તેં તો એક ગરીબની દિકરીને ગર્ભવતી કરી.. એની જિંદગી બગાડી! પ્રેમના નામે?” પલ્લવી વિચારી રહી કાશ..

“પણ હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું..”

“એ તો કરવા જ પડશે.. પણ બળજબરી કરવાની શું જરૂર હતી?”

ઈશા ઓરડામાં પ્રવેશી, એણે આખીય વાત સાંભળી હતી.. દરવાજાની પાછળ ઉભેલા મનોજનો હાથ ખેંચીને તેને પલ્લવીની આગળ કર્યો..

“હું પણ અંશની સાથે જ લગ્ન કરીશ, બળજબરીથી નહીં પૂરા પ્રેમથી, આદરથી.. પણ આ મનોજે તમારી કૂખ ઉજાળી એમ? મારા ઉદરને એણે જ અભડાવ્યું, આજે હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”

અને પલ્લવીના હ્રદયમાં વીસ વર્ષ પહેલાનો એ સંવાદ ફરીથી પૂછાયો.. “એ કોના લોહીનું ટીપું છે?”

– જીજ્ઞેશ અધ્યારૂ

૩૧. ધર્મ

સમાચાર મળ્યા, એ દોડી, છાવણીથી દૂર હોવા છતાં પાગલની માફક દોડતી રહી.. વિક્ષિપ્ત અંગો અને સંજોગોની ભેટ ચડેલા શબની વચ્ચે શોધતાં તદ્દન નિર્લેપ એ મડદું જોયું.. પોતાના પુત્રોને વાગેલા ઘાની ચિંતા કરવાને બદલે એ શબ તરફ દોડી અને પાસે પહોંચતા ફસડાઈ પડી.. એની આંખોમાંથી આંસુ જાણે સાવ જ સહજ વહી નીકળ્યા, મડદાનું મસ્તક જાણે નવજાત બાળક હોય તેમ ખૂબ કાળજીથી એણે ખોળામાં લીધું, એના મસ્તક પર હળવેથી હાથ ફેરવ્યો, રેશમી ઝુલ્ફોમાં વળગેલા માટી અને રક્તના મિશ્રણને એ નિહાળી રહી.. વૃષાલી અપલક જોઈ રહી.. ભલે મૃત્યુ પછી, પણ એના પ્રિયતમના જીવનની ઈચ્છા આજે પૂર્ણ થઈ રહી હતી.. મિત્રને દગો કર્યા વગર, ભાઈઓને હણ્યા વગર એ આજે માતાના પ્રેમને પામી રહ્યો હતો.. પણ હવે? જીવનનું બલિદાન આપ્યા પછી? એનો શું વાંક હતો?

વૃષાલી બરાડી ઉઠી.. “હવે જ્યેષ્ઠ પુત્ર યાદ આવ્યો રાજમાતા.. વીરની માતા આવી નિર્બળ? દાનવીરની માતા આવી સંકુલ? આટલી ડરપોક?”

કૃષ્ણે તેના મસ્તક પર હાથ મૂક્યો, “સખી, અધર્મનો અંત સદાય..”

“સખા, આ પક્ષે અધર્મ હતો, પેલા પક્ષે શું હતું? અધર્મનો જવાબ તમે કયા ધર્મથી આપ્યો?”

અવાચક થયેલા યુધિષ્ઠિરે કુંતીને પૂછ્યું, “આ કોણ છે? કોના લોહીનું ટીપું?”

વૃષાલી બરાડી ઉઠી, “એ તમારૂ લોહી તો નથી જ ને રાજમાતા? આજે હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”

૩૨. શિકાર

“..ઘને જંગલોસે ગુજરતા હુઆ,
હનુમાન ચાલીસા પઢતા હુઆ..”

જ્ઞાન અને સમજ નહિ હોવા છતાં મનમાં જાણે જાપ જપતો રાજા સાવચેતીથી આગળ વધી રહ્યો હતો.. ગાઢ જંગલમાં, અંધારી રાતે, દબાતે પગલે, ચોતરફ નજર ફેરવતો. આમ તો ગીરનું આ જંગલ એ જંગલ નહોતું એનાં માટે, ‘ઘર’ જ હતું.

રાજા શરીરે ખડતલ અને સ્વભાવે બહાદુર ખરો, પણ જંગલમાં અન્ય ખૂંખાર પ્રાણીઓનું વર્ચસ્વ હોઈ, જાતને સાચવતાં-છુપાવતાં એણે ઘર તરફ મીટ માંડી, જ્યાં પરિવાર એનું.. અને અચાનક,

“સનનન …” બંદૂકમાંથી છૂટેલી ગોળી સીધી રાજાનાં મગજમાં.. પોતાનાં જ રહેઠાણ નજીક, પરિવારની આંખો સમક્ષ, લોહીનાં ખાબોચિયાંમાં રાજા તરફડીયાં મારી રહયો. ડઘાઈ ગયેલાં પરિવારને રાજાની ચમક્તી આંખો ત્યાંથી ભાગી જવાની કાકલૂદી કરી રહી.

થોડી વારમાં.. નિષ્પ્રાણ થઇ રહેલાં રાજાએ અનુભવ્યું.. પોતાનાં વાળ, દાંત, પંજાના નખ નીકળી રહ્યાં હતાં. અંતે, એ નરાધમે રાજાની ચામડી પણ ઉતરડી નાંખી. રાજાએ પ્રાણ ત્યાગ્યાં..

પૂર્વજો સાથે ભળતાં એનો આત્મા પ્રશ્ન કરી રહ્યો, કુદરતે આપણને શરીરે-સ્વભાવે ક્રૂર ઘડ્યાં, પણ આ મનુષ્યજાત..?

“હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”

“..ખુદાકી કસમ મઝા આ ગયા,
મુઝે મારકર ‘બેશરમ’ ખા ગયા..”

SAVE THE WILD-LIFE

જનહિતમાં જારી

૩૩. દેવ-રોશની

“હું ય પૂછું છું તને… એ કોના લોહીનું ટીપું છે?”, પારોનો પ્રશ્ન, અને તેનાં ગુંજારવના આભાસે દેવને હચમચાવ્યો.

પરંતુ દેવ મૌન.. આંખો જાણે બારીમાંથી ડોકાતાં ચંદ્રને શોધવા મથી રહી, પણ અંધકારે પીછો ન છોડ્યો… ફક્ત આભાસ!.

મનમાં પારો, માનસમાં ચંદ્રમુખી.. પણ રોશની કયાં..? દેવ ન તો પારોને જોઈ શકવાનો હતો, ન તો ચંદ્રમુખીને, અને ન તો ચંદ્રને, કે ચાંદનીને..

નજીકમાં આડી પડેલી, પ્રેમનાં પ્રતીક સમી લાલ રંગની મીણબત્તીઓ અર્ધ-પીગળેલી, ઓલવાયેલી આવસ્થામાં.. દેવે થોડી ક્ષણો પહેલાં જ સળગતી બંને મીણબત્તીઓ પોતાની આંખોમાં ખોસી દીધી હતી..

અને ફરી એક આંસુ દેવની આંખમાંથી ટપકયું, ને નીચે પડતાં લાલ રંગ ધર્યો..

૩૪. પ્રહાર

યુવતી સચેત, છતાં કંપિત.. રાતનો સમય..સુમસાન સડક.. માત્ર છ મુસાફરો સાથેની બસ.. સ્ત્રીમાં પોતે એકલી.

એક ખલનાયક સમો હટ્ટો-કટ્ટો પહેલવાન ઉભો થયો, યુવતીની બાજુમાં આવીને બેઠો.. “હું ય પૂછું છું તમને… આ કોના લોહીનું ટીપું છે?” ગંદું હસતાં ખલનાયકે યુવતીની સીટ પરનો લાલ ડાઘ બતાવી અન્ય મુસાફરો તરફ નિર્લજ્જ સવાલ ફેંક્યો, છેડતી શરુ કરી.. યુવતીએ વિરોધ કરતાં મુસાફરોમાંથી અન્ય એક ખૂંખાર હબસી જેવો શખ્સ ડ્રાયવર-સીટ નીચેથી સળિયો ખેંચી, યુવતી તરફ વધ્યો., અને..

એક જોરદાર ‘પ્રહાર’.. ખલનાયક પહેલવાનનાં હાથ પર. “છોડી દે યુવતીને” હબસી ઘૂરક્યો, ખલનાયક ફસકાયો.. મુસાફરોએ સ્ત્રીજાતિની રક્ષા કરી. પેલાંને બસમાંથી તગેડયો. થોડે આગળ યુવતી ઊતરી ગઈ.

ફરી એ જ સુમસાન સડક, યુવતીનાં ધબકારા, ચાલમાં તીવ્રતા.. અને ફરી એ જ પહેલવાન સામેથી આવી રહ્યો, એક હાથ દબાવતો.. એટલામાં.. પાછળથી થોડાં બાઇકર્સ ધૂમ-રેસ લગાવતાં યુવતીની નજીક પહોંચ્યાં. પહેલવાનને જૉતાં જ બે-ત્રણ જણ ‘પાઠ’ ભણાવવા તેની પાસે ગયાં, બાકીનાં.. યુવતીની ‘હૂંફ’માં. ચિચિયારી, સિટીઓ વચ્ચે ફરીથી યુવતીની છેડછાડ. અને, હવે..

પહેલવાન ગર્જયો “નિર્ભયા.. ફ્લાઇંગ કીક..” બીજી જ પળે, ‘કરાટે’ની મુદ્રા.. ઘેરી વળેલાં ધૂમ-સવારો એક પછી એક નિર્ભયાની ‘ફ્રન્ટ-બેક-ફ્લાઇંગ કીક-પંચ’ થી ચિત્ત.. કચરો સાફ!

નિર્ભયાએ કરાટે-ગુરુ ‘પહેલવાન’ ઉર્ફે ‘સુલતાન’ ને પ્રણાલિકાગત પ્રણામ કર્યાં. “આખરે તારી પ્રેક્ટિકલ ટેસ્ટ બસમાં નહિ, ને રસ્તા પર થઇ..” સુલતાને નિર્ભયાની પીઠ ગર્વથી થપથપાવી, “આવતીકાલે, મીરા..”

– ધર્મેશ ગાંધી

આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૪ (૩૪ વાર્તાઓ)

 • Lata kanuga

  વાહ ખુબ સરસ વાર્તાઓ..
  એક સાથે ઘણો ખજાનો વાંચવા મળ્યો

 • Dinesh Pandya

  વાહ્!
  થોડા શબ્દો-વાક્યોમાં જ મૂળભૂત વિષયને ઉપસાવતી સુન્દર વાર્તાઓ.
  માઇક્રોફિક્શન સાહિત્ય (લઘુ વાર્તા, કાવ્યો, વ.)ની આ પ્રવૃતિ પ્રશન્સનીય છે.
  સહુને અભિનંદન!

 • jahnvi antani

  સુંદર ચૂંટેલી મીક્રોફીકશન વાર્તાઓ. આભાર .. મારા પ્રથમ પ્રયત્નને બિરદાવવા બદલ.

 • Ansuya Dessai

  વાહ વાહ..

  ખુબ સુંદર વાર્તાઓ …પ્રત્યેક લેખક મિત્રોને અભિનંદન

 • parikshit joshi

  વાહ, ક્યા બાત હૈ..ચૂંટેલી 31 ઝીણી-ઝીણી વાર્તાઓ..
  માઇક્રોફિક્શનના સ્વરુપમાં સર્જન જૂથના મિત્રો કાઠુ કાઢી રહ્યાં છે.
  હવે ગુજરાતી માઇક્રોફિક્શન લીગ એક બ્લોગના બદલે સીધું જ અક્ષરનાદ ઉપર પગરણ કરી રહ્યું છે ત્યારે..સ્વરુપ અને સર્જન બેયને શુભેચ્છાઓ..અંતરથી આનંદ અને દિલથી અભિનંદન..