આઠ વૃત્તિઓ શિક્ષકની અષ્ટભુજા છે – મોરારિબાપુ 5


સમાજમાં શિક્ષકોને ભરપૂર આદર મળવો જોઈએ. જે સમાજ શિક્ષકને આદર આપવાનું ભૂલી જાય છે તે સમાજનું ભવિષ્ય જોખમાય છે. અને શિક્ષક આદરને બરાબર લાયક હોય તે પણ એટલું જ જરૂરી છે. સમાજના આદરમાટે લાયકાત સિદ્ધ કરવા માટે શિક્ષકે આઠ પ્રકારની વૃત્તિઓ કેળવવી પડશે. જે શિક્ષકમાં આ આઠ વૃત્તિઓ હશે તે અવશ્ય લોકાદર પામશે અને આદર્શ શિક્ષક બનશે તેમાં શંકા નથી.

૧. ગણેશવૃત્તિ

ગણેશ હંમેશા મોટા ભાગે બેઠેલી સ્થિતિમાં જોવા મળે એ, કારણ કે એ લંબોદર છે અને શિક્ષકમાંગણેશવૃત્તિ હોવી જોઈએ એનો અર્થ શિક્ષક ઠરેલ અને સ્થિર વિચારવાળો હોવો જોઈએ. શિક્ષકમાં ચંચળતા ન હોવી જોઈએ. બાળક ચંચળ હોય તો સારું ગણાય, પણ શિક્ષક તો તન-મનથી શાંત હોય તે જરૂરી છે. શિક્ષક ચંચળ ન હોવો જોઈએ એનો અર્થ એવો ન કરશો કે એનામાં ઉત્સાહ કે સ્ફૂર્તિનો પણ અભાવ હોવો જોઈએ. શિક્ષક પૂર્ણ ઉત્સાહી અને સંપૂર્ણ સ્ફૂર્તિવાન તો હોવો જ જોઈએ, પરંતુ ઠરેલ એટલે જે શરીરથી સ્વસ્થ, વિચારોથી સ્વસ્થ અને ચિત્તથી પણ સ્વસ્થ હોય તે ગણેશવૃત્તિનો શિક્ષક ગણાય. મારી દ્રષ્ટિએ આદર્શ શિક્ષકનું આ પ્રથમ લક્ષણ છે.

૨. ગૌરીવૃત્તિ

ગૌરીવૃત્તિનો શિક્ષક એટલે શ્રદ્ધાવાન શિક્ષક એવો અર્થ કરવાનો છે. મારી અને તમારી ચેતના જ્યારે કશું જાણવા માટે પ્રયાસ કરે ત્યારે તે બુદ્ધિ તરીકે ઓળખાય છે અને કશુંક જાણ્યા પછી આપણે એને માનવા તૈયાર થઈએ છીએ ત્યારે એ જ ચેતના શ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરે છે. માનસના કિષ્કિંધાકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે હનુમાનજી ભગવાન રામને મળે છે ત્યારે સીધા દંડવત પ્રણામ કરતા નથી, પરંતુ ભગવાન રામને ઘણાસવાલો કરે છે અને ભગવાનના જવાબોથી જ્યારે હનુમાનજીના મનના સંશયો દૂર થયા, જાણકારી મળ્યા પછી એમને મળવાનું મન થયું અને બુદ્ધિએ શ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કર્યું પછી હનુમાન રામને પ્રણામ કરે છે. માટે શિક્ષક કશું જ જાણ્યા વગર માને નહીં અને જાણ્યા પછી અચૂક માને એવો શ્રદ્ધાવાન બને તે બીજું કદમ છે.

૩. ગિરાવૃત્તિ

ગિરાવૃત્તિ એટલે સરસ્વતી એવો અર્થ કરવાનો છે. સરસ્વતીના ચાર હાથ છે, જેમાં એક હાથમાં પુસ્તક છે, બીજા હાથમાં માળા છે અને બાકીના બે હાથથી તે વીણા વગાડે છે. દરેક શિક્ષકમાં આ પ્રકારની ગિરાવૃત્તિ એટલે સરસ્વતીવૃત્તિ ત્યારે પ્રગટશે જ્યારે તેના એક હાથમાં પુસ્તક હશે, જે પુસ્તક પોતાના વિદ્યાર્થીઓને ભણાવવાનું છે. બીજા હાથમાં માળા એટલે સ્થૂળ અર્થમાં માળા લઈને જવું એવું નથી, પણ કોઈ પરમત્ત્વનું પોતાના શિક્ષણકાર્યમાં સતત સ્મરણ રહે એ અર્થમાં બીજા હાથમાં માળા હોવી જોઈએ.

સરસ્વતીને ચાર હાથ છે. પણ આપણા શિક્ષકને તો બે હાથ છે. અહીં હાથની વાતને પણ સ્થૂળ અર્થમાં ન લેતાં સૂક્ષ્મ અર્થથી સમજવાની છે. શિક્ષક બીજા બે હાથમાં વીણા હોવી જોઈએ એનો અર્થ એ કે કર્મ તે કરે તેમાંથી સંગીતનો જન્મ થાય તેવુ પવિત્ર કર્મ પણ તે કરતો રહે તે જરૂરી છે. આમ જે શિક્ષક સતત શિક્ષણ આપતો રહે, શિક્ષણદાનની સાથે કોઈ પણ પરમતત્વને સતત યાદ કરતો રહે તેનાથી એવાં કર્યો થાયે તેના તથા અન્યના જીવનને સૂરીલું એટલે કે સંગીતમય બનાવે તે ગિરાવૃત્તિનો શિક્ષ ગણાય.

૪. ગંગવૃત્તિ

ગંગવૃત્તિનો શિક્ષક પોતાના વિચારપ્રવાહને,પોતાના વાણીપ્રવાહને, પોતાના આચારપ્રવાહને અને એ રીતે પોતાના સમગ્ર જીવન પ્રવાહને ગંગાની માફક વહાવતો હોય અને જેનો જીવનપ્રવાહ કોઈ કેનાલ, કોઈ સરોવર કે તળાવની માફક બંધિયાર ન હોય, પણ સરિતાની માફક સતત ગતિશીલ અને મુક્ત હોય તેને ગંગવૃત્તિનો શિક્ષક કહેવામાં આવે છે. સમાજમાંથી આક્ષેપો આવે છતાં ગંગવૃત્તિનો શિક્ષક પોતાની વૈચારિક પવિત્રતાને અકબંધ રાખે અને પરમત્વ સુધી પહોંચવાની આ યાત્રામાં વચ્ચે વિદ્યાર્થીઓ સ્વરૂપે જેટલા તૃષાતુર એટલે કે વિદ્યાતુર જીવો આવે એમને તૃપ્ત કરતો નિરંતર વહ્યા કરે તે ગંગવૃત્તિનો શિક્ષક છે. શેરડી પિલાઈ જાય પણ ગણપણ ન છોડે, તે રીતે સમાજના માઠા વહેવાર સામે પણ પોતાની મીઠાશ ન છોડે તે ગંગવૃત્તિનો શિક્ષક ગણાય, જે આદર્શ શિક્ષકનું ચોથું કદમ છે.

૫. ગૌવૃત્તિ

વાલ્મીકિ રામાયણમાં સંત વાલ્મીકિ લખે છે કે હનુમાનજી જ્યારે લંકામાં ગયા ત્યારે ત્યાં તેમણે ગૌશાળા જોઈ. એનો એર્થ એ થયો કે લંકામાં ગૌશાળા હતી. રાક્ષસોની વચ્ચે પણ ગાય સલામત હતી, જે અત્યારે માણસોની વચ્ચે પણ સલામત નથી. ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ અને ગાયનું દર્શન – બધું જ માનવ કલ્યાણ કરે છે. ગાયની આંખોમાંથી સતત કરૂણા જન્મે છે. ગાયની આંખો જેવી નિર્દોષતા, કરૂણા, સાત્ત્વિકતા જે શિક્ષકની આંખોમાં પણ જોવા મળે તે મારી દ્રષ્ટિએ ગૌવૃત્તિનો શિક્ષક ગણાય.

૬. ગોપાલવૃત્તિ

ગોપાલનો ગુણધર્મ છે ગાયનું પાલન કરવું. સમાજમાં ગૌતત્વ છે અથવા તો સમાજમાં જે પવિત્ર એટલે કે પાવન છે, દોષમુક્ત એટલે કે નિર્દોષ છે. ટૂંકમાં સમાજમાં જેટલાં શુભત્તત્વો છે તે તમામ પાલનપોષણ કરવું તે ગોપાલવૃત્તિ ગણાય. માટે જે શિક્ષક વિદ્યાર્થીમાં રહેલા શુભતત્વોની રક્ષા કરે અને અશુભ તત્વનો નાશ કરે તે ગોપાલવૃત્તિનો શિક્ષક ગણાય.

૭. ગુણાગ્રાહીવૃત્તિ

ગુણગ્રાહીવૃત્તિનો શિક્ષક સમાજમાં જ્યાંથી કોઈ સારી વાત, સારો વિચાર, સારી પંક્તિ મળે તે સતત મેળવ્યા કરે અને તમામ શુભવિચારોને પોતાની પાસે રાખવાને બદલે ગમતાનો ગુલાલ કરવાની વૃત્તિથી એ વિચારોને વહેંચતો ફરે તે ગુણગ્રાહીવૃત્તિનો શિક્ષક ગણાય. જે રીતે મહુકર એટલે ભમરો ીક ફૂલથી બીજા ફૂલ ઉપર બેસે છે ત્યારે દરેક પુષ્અમાંથી ઉત્તમ કહી શકાય એવો રસ ગ્રહન કરે છે, તેમ શિક્ષક જ્યાં પણ જાય અને ગમે તેની સાથે બેસે. પણ ત્યામ્ઠી જે સમાજને ઉપયોગી તત્વ મળે તે મેળવીને, ટૂંકમાં દરેક સ્થાનેથી સદગુણોને ગ્રહણ કરીને સમાજમાં વહેંચતો ફરે તે ગુણગ્રાહીવૃત્તિનો શિક્ષક ગણાય.

૮. ગગનવૃત્તિ

જેના વિચારોની વિશાળતા અને વૃત્તિનો વ્યાપ આકાશની માફક વિસ્તરેલો હોય એને ગગનવૃત્તિ શિક્ષક કહેવાય. આકાશ એ વિશાળતાનું પ્રતીક છે. જે શિક્ષક મનથી, હદયથી વિશળ હશે તે ગગનવૃત્તિનો બની શકશે. અને આકાશને કોઈના ટેકાની જરૂર નથી અને પોતાની અફાટ વિશાળતાને કારણે તે આખા જગતનું ઢાંકણ બની શક્યું છે. આકાશને સીમાડા હોતા નથી, તેમ ગગનવૃત્તિનો શિક્ષક અસીમ હોવો જોઈએ. કોઈપણ વ્યક્તિ, ધર્મ, કોમ વચ્ચે ભેદભાવ ન રાખે અને ભેદની ભીંતોને ભાંગવાનું કામ કરે તે ગગનવૃત્તિ ગણાય. જે કોઈનાથી પ્રભાવિત ન થાય તે જરૂરી છે, કારણકે માણસ કોઈના પ્રભાવમાં જીવે તે કરતાં પોતાના સ્વભાવમાં જીવે તે વધુ ઇચ્છનીય છે.

માટૅ જે શિક્ષક ગણેશવૃત્તિના કારણે સ્વસ્થ હશે, ગૌરીવૃત્તિના કારણે હરિનામ લેતાં – લેતાં શિક્ષણ આપતો હશે અને પોતાના કર્મથી પોતાના તથા અન્યનાં જીવનને સૂરીલાં બનાવતો હશે તથા ગિરાવૃત્તિના કારણે જે શ્રદ્ધાવાન હશે, ગંગવૃત્તિના કારણે જે પોતાની વૈચારિક પવિત્રતા જાળવીને સતત વહેતો હશે, ગૌવૃત્તિથી કરુણાસભર હશે, ગોપાલવૃત્તિથી સમાજનાં તમામ શુભતત્વોનું પોઇષણ કરતો હશે, જે ગુણગ્રાહીવૃત્તિથી સમાજમાંથી સદ્દગુણો, સદ્દવિચારને ગ્રહણ કરીણે વહેંછતો હશે અને અંતમાં ગગનવૃત્તિથી જે હદયની વિશાળતાને કારણે પોતાની તમામ સંકુચિતતા ઓડીને ભેદભાવ વગર જ સમાજને સતત પ્રકાશિત કરતો હશે તે મારી દ્રષ્ટિએ આદર્શ શિક્ષક છે. આ પ્રકારની આઠ વૃત્તિને વરેલો શિક્ષક એક સુંદર સમાજનો જન્મદાતા છે.

– મોરારિબાપુ
(‘સમુદ્દગાર’ સામયિક, સપ્ટેમ્બર ૨૦૧૦ના અંકમાંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “આઠ વૃત્તિઓ શિક્ષકની અષ્ટભુજા છે – મોરારિબાપુ

  • નટુભાઈ મોઢા

    હું એક શિક્ષકપુત્રને નાતે મોરારીબાપુના કથન સાથે સંમત છું. આજના યુગમાં આવા શિક્ષકોની જન્મદાત્રી કેવી હોવી જોઈએ?

  • નિરુપમ છાયા

    આદરણીય શ્રી મોરારિબાપુનો સંદેશ આજના સમયમાં યોગ્ય છે. શિક્ષકોનો સમાજમાં આદર એ બહુ જ મહત્વની બાબત છે. ગમે તેટલું ઉચ્ચ પદ મળે તે છોડીને શિક્ષક થવાની ભાવના જાગે ત્યારે એમ સમજી શકાય કે સમાજમાં શિક્ષકનો આદર છે એ અનુભવાય છે. લોકમાન્ય તિલકનું ઉદાહરણ આપણી સામે જ છે. સ્વરાજ્ય પછી તમારું સ્થાન શું હશે એ પ્રશ્નના ઉત્તરમાં લોકમાન્યે કહેલું કે હું શાળામાં શિક્ષક થવાનું પસંદ કરીશ . આ ભાવના જ શિક્ષક્ત્વનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતીય સંસ્કૃતિનાં તત્વોને શિક્ષક્ત્વ સાથે જોડીને , આદરણીય બાપુએ શિક્ષણ દ્વારા સંસ્કૃતિ અને સંસ્કૃતિ દ્વારા શિક્ષણનાં ચિંતનને જાણે ઘોષિત કર્યું છે.