યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૦)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

વૉલ્ટર સિમ્પસન અમને છોડીને જઈ રહ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી એની તબીયત નાદુરસ્ત રહેતી હતી. અમારામાંના બીજા ઘણા દરદીઓને માફક ‘નેફ્રીટિસ’ નામની કિડનીની બિમારીએ એને ઘેરી લીધો હતો. મુશ્કેલીઓ વચ્ચે પણ એ કામ કરતો રહ્યો હતો. એની હિંમત માટે મને માન હતું. મગજના તાવનો એન્સેફેલિટિસ નામનો વ્યાપક રોગચાળો મનિલામાં ફાટી નીકળ્યો હતો, અને કોઈક અજાણ્યા કારણોસર ક્યુલિઅનમાં પણ એના કિસ્સા નોંધાયા હતા. સિમ્પસન એમાંનો એક હતો. એણે સાન લાઝારો જવાની પરવાનગી માગી. ત્યાં એક ડૉક્ટરને એ જાણતો હતો. આર્મિ મેડિકલ કોર્પસમાંના એક ડૉક્ટર પર એને ખૂબ જ ભરોસો હતી. વૉલ્ટર મુસાફરીનો ખર્ચ આપવા જેટલો ખમતીધર હતો અને એના માટે પરવાનગી પણ બહુ જલદી મળી ગઈ. સાન લાઝારો ખાતે એ ત્રણ મહીના રહ્યો, પણ બીમારી એને આંબી ગઈ હતી. એ ત્યાં જ અવસાન પામ્યો.

મારા માટે બે રસ્તા ખુલ્લા હતા. એક રસ્તો થોડા સમય પૂરતી સિમ્પસનની જગ્યા સંભાળી લેવાનો. અને બીજો રસ્તો મારા માણસોને તાલીમ આપવાનો, જેથી કરીને પ્લાંટ અને માછીમારીનો વ્યવસાય સિમ્પસન વગર, અને આગળ જતાં મારા વગર પણ ચાલતો રહે. મિટિંગ બોલાવતા પહેલાં મેં લાંબો વિચાર કરી જોયો.  મિટિંગ માટે મારા માણસો આવ્યા ત્યારે મને ખબર પડી, કે એ લોકો પણ થોડા સમયથી આ બાબતે વિચારતા હતા.

એ ઘટના મારી આંખ ખોલવા માટે પૂરતી હતી. હું ધારતો હતો એના કરતા નબળો દેખાતો હોઈશ એ ચોક્કસ…! જોઝ ક્રૂઝને અમે વૉલ્ટરના અનુગામી તરીકે ચૂંટી કાઢ્યો. વિક્ટર કેબિસનને એનો સહાયક બનાવ્યો. એ બંનેથી હું અને બીજા ભાગીદારો, બધા જ સંતુષ્ટ હતા. હું જે કામ સંભાળતો હતો, એ હિસાબકિતાબ અને નાણાવિભાગ, બંનેમાં ટોમસને મારો અધિકૃત મદદનીશ નીમવામાં આવ્યો.

*

મિટિંગ પૂરી થયાના થોડા સમયમાં જ મને સંદેશો મળ્યો, કે ડૉ. બોંડ મને દવાખાનામાં મળવા માગતા હતા. મને આશ્ચર્ય તો થયું, કારણ કે હજુ આગલા દિવસે તો મારી નિયમિત સારવાર અને તપાસ થઈ ગઈ હતી!

હું તરત જ એમને મળવા પહોંચી ગયો.

“નેડ,” એમણે કહ્યું. આજે સવારે હું તમારા કાર્ડ પર નજર નાખી રહ્યો હતો. તમને જણાવતાં મને અફસોસ થઈ રહ્યો છે, કે તમારું હૃદય બરાબર કામ નથી કરી રહ્યું.”

“મને સાચેસાચું કહી દો, જેક. મારે સાવ સાચું જ સાંભળવું છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે કે?”

“પરિસ્થિતિ બહુ સારી તો નથી જ, ઉંમર થઈ છેને મિત્ર! સામાન્ય કામકાજમાં કોઈ વાંધો નહીં આવે, પણ હવે પરિશ્રમ નહીં કરી શકાય તમારાથી.”

“અને શિકારે જવાશે?”

“બિલકુલ નહીં!”

“લાગે છે કે તમે મને મારા રોજિંદા કામકાજમાંથી નિવૃત્ત કરી દેશો.”

“સાવ એવું પણ નહીં. પણ થોડી કાળજી લેવી પડશે તમારે.”

એ દરવાજા સુધી મને મૂકવા આવ્યા. “તમે સાંભળ્યું કે, અમેરિકાના પ્રમુખે બધું જ સોનું ફરજિયાત મગાવ્યું છે?”

“ના, મેં તો નથી સાંભળ્યું. પણ એ હુકમ આપણને પણ લાગુ પડશે ખરો કે?”

“હા. મનિલાથી એક ઇન્સપેક્ટર આવી રહ્યા છે.”

ઇન્સપેક્ટર આવ્યા ત્યારે કેટલું સોનું પરત થાય છે એ જાણવા માટે કાર લઈને હું વસાહતના સભાગૃહ પર પહોંચી ગયો. ડૉક્ટરોએ દરદીથી સલામત અંતર રાખવા માટે ખુલ્લા દરવાજાની આડે એક લાંબું ટેબલ ગોઠવી દીધું હતું. કમરાની અંદરની બાજુએ ઇન્સપેક્ટર બેઠા હતા.  જંતુનાશકોની સગવડ કરવામાં આવી હતી. ઇન્સપેક્ટરે હાથમોજાં પહેરી લીધાં હતાં. વસાહતના સિક્કાઓને પણ બરાબર જંતુમુક્ત કરી લેવામાં આવ્યા હતા. હું સભાગૃહે પહોંચ્યો ત્યારે જાડાં ચશ્માં પહેરેલા યુવાન ઇન્સપેક્ટર કામમાં બરાબર ગૂંથાયેલા હતા. ટેબલ પર એમની સામે સોનાના ટુકડા પડ્યા હતા. સંભાળપૂર્વક પોલિશ કરીને મૂકેલા એ સોનાના ટુકડા ચમકી રહ્યા હતા. જાતજાતની વસ્તુઓમાં અમેરિકન ન હોય એવા સિક્કાને ચકાસવામાં ઇન્સપેક્ટરને ખૂબ મુશ્કેલી પડી રહી હતી. હાથમાં બીલોરી કાચ લઈને એ સ્પેનિશ ડબલૂન, એશિયન સિક્કા, નાનકડા ટાપુઓના ખરબચડા સિક્કાને ચકાસતા હતા. કેટલાક સિક્કા તો હાથે ઘડેલા હોય એવા લાગતા હતા.

હાથમાં રહેલા ચીપિયા વડે ઊંચકીને વધારાના બીલોરી કાચ વડે ચકાસતાં, વજન કરતાં, પોતાની પાસે પડેલાં કેટલાંક પુસ્તકોને ઉથલાવીને સિક્કાઓને નાણતા ઇન્સપેક્ટર શંકા પડતાં માથું ધુણાવતા હતા. આખરે એમણે જ તો નિર્ણય કરવાનો હતો! દિવસ પસાર થતો ગયો એમ-એમ એમનો આત્મવિશ્વાસ વધતો ગયો. એમના નિર્ણય પર કોઈએ શંકા ન કરી. સોનાની કિંમત પેટે પોતપોતાને મળેલા વસાહતના સિક્કાઓ લઈને સહુ કોઈ સંતુષ્ટ થઈને ઘેર ગયા.

પણ ઇન્સપેક્ટર માત્ર સિક્કાઓનું મૂલ્યાંકન કરવા માટે જ આવ્યા ન હતા! યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખે સોનું પણ માગ્યું હતું. દરવાજા પાસે છાંયામાં ખુરસીમાં બેઠા-બેઠા મેં જેસિલ્ડોને ટેબલ પાસે જતાં જોયો. એણે એક સોનાનું અમેરિકન ગરુડ ગર્વથી ટેબલ પર મૂક્યું. એની સાથે એણે બાળકોને ગળામાં પહેરાવવા માટેનો અઢી અમેરિકન ડૉલરની કિંમતનો ગોળ કાણિયો સિક્કો પણ ટેબલ પર મૂક્યો. એની પાછળ-પાછળ મારા એક કર્મચારીની દીકરી માર્સિયા પણ આવી. હું તો માર્સિયાને સાવ દરિદ્ર જ માનતો હતો. હસતા ચહેરે એણે પોતાના કાન, ગળા અને હાથ પરથી ઍરિંગ, ચેઇન અને બંગડીઓ ઉતારી આપી.

“હું અહીં આવી એ પહેલાં મારા લગ્ન થવાના હતા.” એણે કહ્યું. “મારા ભાવી ભરથારે આ ઘરેણાં મને ચડાવ્યાં હતાં. આટલું બસ થઈ રહેશે?”

ઇન્સપેક્ટરે એને રોકતાં કહ્યું, “ઘરેણાં આપવા ફરજિયાત નથી. હા, તમે એ આપવા ઇચ્છતા હોય તો અમે ના નથી કહેતા.”

“હું આપવા ઇચ્છું છું.” માર્સિયા મક્કમતાથી બોલી. “ઘરેણાં મને ગમે છે એ સાચું. પણ સાથે-સાથે એ પણ સાચું, કે આ ટાપુ પર મને અને મારા પિતાને મદદ અને ખુશી મળી રહ્યાં છે. યુનાઇટેડ સ્ટેટ્સને સોનું જોઈતું હોય તો અમે આપવા માટે તૈયાર છીએ.”

ઇન્સપેક્ટરે ખોંખારો ખાઈને કહ્યું. “અમારે તો કોઈપણ રીતે સોનું જોઈએ જ છે.” એણે વસાહતના સિક્કાઓમાં ચૂકવણું કરી આપ્યું. એની પાછળ ઊભેલા ટોમસે પોતાનો ખજાનો ટેબલ પર મૂક્યો.

એક ભાંગ્યું-તૂટ્યું લોકેટ! ટોમસની માએ એને પ્રેમથી આપેલું! એક સમયે એ લોકેટમાં ટોમસના માતા-પિતાનો ફોટો રહેતો હતો, હવે તો એ ખાલી હતું. ટોમસે એ ફોટાને ક્યાંક સાચવીને મૂકી દીધો હતો. એ ઉપરાંતમાં એણે ચળકતાં પચાસ ડૉલરની કિંમતનાં પાંચ ગરુડ ટેબલ પર મૂક્યાં.

ઇન્સ્પેક્ટરની આંખોમાં ચમક આવી ગઈ.

“અને આ તમારી પાસે ક્યાંથી આવ્યાં?”

“મનિલાથી મિ. પિટર બ્રાંટે મારા લગ્નની ભેટ તરીકે એ મોકલ્યા હતા. મિ. બ્રાંટ ત્યાં બેઠા છે એ મિ.  નેડ ફર્ગ્યુસનના મિત્ર થાય છે. અને હું મિ. ફર્ગ્યુસનનો માનીતો છું.”

“એની વાત તદ્દન સાચી છે, ઇન્સપેક્ટર.” મેં ખાતરી આપતાં કહ્યું. “મિ. બ્રાંટે એ ગરુડ. શ્રીમતી કેરિટા ટોરેસ સાથે મોકલેલાં.”

“ભલે મિ. ફર્ગ્યુસન. ખેર! જવાન, તું તો બહુ કિંમતી વસ્તુ લઈને આવ્યો છે ને અહીં!”

લોકો આવતા જ ગયા. બાળકોનાં નકલી ઘરેણાં લઈને માતાઓ આવી હતી. યુવાન સ્ત્રી-પુરુષો પોતાના સિક્કા અને શણગારની વસ્તુઓ લઈને આવ્યાં હતાં. એક અમેરિકન તરીકે આ બધું જોતાં મને ગળે ડૂમો ભરાઈ ગયો હતો! મેં પણ નમ્રતાથી મારી નાનકડી ઢગલી ટેબલ પર મૂકી. ઘરેણાં તો નહીં, પણ મારી ઘડિયાળ ટેબલ પર મૂકી હતી! ઘેર મારી પાસે બીજી ઘડિયાળ હતી. આ ઘડિયાળ મારા પિતાજીની હતી. એ જીવતા હોત તો એમણે પણ આમ જ ઇચ્છ્યું હોત! મને મળેલા સિક્કા મેં ઉપાડી લીધા.

“આ બધું પૂરું થઈ જાય ત્યારે, ઇન્સપેક્ટર, મારું એક કામ કરશો તમે? મારે એ જાણવું છે કે આ બધાની કુલ કેટલી કિંમત થઈ હશે?”

“આવતી કાલે સાંજે હું તમને કહી શકીશ! તમે ચોક્કસ એ જાણી શકશો, મિ. ફર્ગ્યુસન.”

બીજા દિવસે કફલિંક્સની એક જોડી અને થોડાં સોનાનાં બટન લઈને હું પાછો આવ્યો. સાવ છેલ્લે મારો વારો આવ્યો ત્યાં સુધી હું રાહ જોતો બેસી રહ્યો. મેં મારા સિક્કા ઉપાડ્યા એ સાથે ઇન્સપેક્ટર મારી સામે હસ્યા.

“કુલ છસ્સો પેસો જેટલી રકમ થાય છે. કદાચ એથી થોડી વધારે હશે.”

ત્રણ હજાર ડૉલર!

ક્યુલિઅનના રક્તપિત્તિયાઓનું એ સોનું વોશિંગ્ટન ડી. સી.ના ટ્રેઝરી વિભાગના કબજામાં ચાલ્યું ગયું.

*

સામ લાઝારો સુધી મારા માર્ગદર્શક બની રહેલા ડૉ. રેવિનો એ પછીના બીજા જ વર્ષે ક્યુલિઅન આવ્યા. સમયનું વહેણ એમના પર બહુ ઝાઝી અસર કરી શક્યું ન હતું. થોડા જાડા જરૂર થયા હતા એ! માથે ટાલ પડી ગઈ હતી, પણ એક યુવાન જેવી એ જ સ્ફૂર્તિ એમનામાં દેખાતી હતી! ક્યુલિઅન આવ્યા બાદ થોડા જ સમયમાં એ મને મળવા આવી પહોંચ્યા. એમની સાથેની મિત્રતાએ મને તો ફાયદો જ પહોંચાડ્યો હતો, કારણ કે એ અને જેક બોંડ ગમે તેટલું મથે, મારી તબીયત ઝડપથી લથડી રહી હતી. જે સપના સાથે હું જીવી રહ્યો હતો એ સપનાનો અંત મને દેખાઈ રહ્યો હતો. એ સપનું, જે વર્ષોથી રાત-દિવસ મને ઘેરીને રહેતું હતું મારી સાથે-સાથે! રેલના એ ડબ્બામાં બેઠાં-બેઠાં મારા શહેરને મારાથી દૂર સરકી જતું હું તાકી રહ્યો હતો, એ જ રાતથી મારી સાથે ને સાથે રહેલું એ સપનું! સાજા-નરવા થઈને પોતાને ઘેર પાછા ફરવાનું એ સપનું! કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વગર સ્પર્શી શકવાના મારા એ અધિકારનું સપનું! કોઈ પણ જાતના ભય કે શેહશરમ વગર કોઈને પણ મળી શકવાનું એ સપનું… એ સપનું આજે પૂરું થઈ ગયું હતું. પા સદીથી હું માત્ર રક્તપિત્તિયો બનીને રહી ગયો હતો!

કેટલીયે રાત વરંડામાં એકલા બેસીને મેં વિતાવી છે. સાવ એકલો તો કેમ કહું! મારી સાથે જ ઘરડાં થયેલાં શેગ અને મેમ પણ મારી સાથે જ રહેતાં હતાં! સામે ચમકી રહેલા પાણીની સપાટી ઉપર નજર નાખું છું, ત્યારે ટુકડે-ટુકડે વીતી ગયેલી મારી જિંદગી મને દેખાય છે. આ એકાંતવાસમાં હું મારી અંગત લડાઈ લડી ચૂક્યો છું. અહીંના લોકોની, કે પછી બીજે ક્યાંય પણના લોકોની નજરે, ભૌતિક પ્રાપ્તિની દૃષ્ટિએ હું સાવ નિષ્ફળ પણ નથી રહ્યો! પ્લાંટમાં મારી ભાગીદારી અને મારી પાસેની રોકડ બચત ચાલીસ હજાર પેસો જેટલી થઈ જાય છે! મારું મકાન જે જમીન પર ઊભું છે એ જમીન ભલે મારી નથી, સરકારની છે, પણ આ ઘર તો મારું છે! વીસ હજાર ડૉલર અને એક ઘર!

અમેરિકામાં મારા ગામમાં એક માણસ કોઈની પણ મદદ વગર પોતાનું જીવન જીવી જાય અને એની પાસે વીસ હજાર ડૉલર ઉપરાંતમાં એનું પોતાનું મકાન હોય, તો એને કોઈ નિષ્ફળ નહીં કહે! જે સમાજમાં હું રહું છું આજે, ત્યાં મારી ગણના એક સામાન્ય માણસ તરીકે નહીં, પણ એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે થાય છે! હા, એ સાચું, કે એ સમાજ રક્તપિત્તિયાંઓનો છે! અને એ આવો સમાજ હોવાને કારણે, એની પોતાની આગવી ઓળખ પણ છે! સામાન્ય માણસ ઉપર તેની આજુબાજુના પરિવેશ દ્વારા કેટલીક ફરજો લાદવામાં આવતી હોય છે. અહીં અમે કોઈ પણ પ્રકારની ફરજોમાંથી મુક્ત હતા, સિવાય કે એક ફરજ! જે થવાનું હોય તે થાય, હિંમત ન હારીને લડતા રહેવાની ફરજ અમે બધાએ સરખે હિસ્સે વહેંચી લેધી હતી! પણ અમારા સમાજમાં અમે જે કંઈ પણ હતા, તેનાથી વિમુખ થઈને કોઈની બનાવટ કરવાની અમારે જરૂર પડતી ન હતી. જે વિચારવું હોય એ વિચારવા માટે અમે સ્વતંત્ર હતા. એક રક્તપિત્તિયા તરીકે અમે પરતંત્ર જરૂર હતા. પણ એ જ રક્તપિત્તે અમને એક આશ્ચર્યજનક અને ખરી સ્વતંત્રતા પણ આપી હતી, જે સાધારણ માણસને પ્રાપ્ય ન હતી. આ સમાજમાં ભળીને મને એક વાતની ખાતરી થઈ છે, કે મારા પડોશી મારા કર્મો અને મારી વિચારસરણીને માન આપવા લાયક ગણે છે, અને મને એટલું માન આપે છે પણ ખરાં!

આ બધું જ મેં મેળવ્યું હતું. મારા અંતરાત્માની જરૂરિયાતને સંતુષ્ટ કરે એ પ્રકારની સુંદરતા મેં મારા પોતાના ઘરમાં ઊભી કરી છે. આ ઘર, જેને મેં હંમેશા ચાહ્યું છે, મેં અને મારા મિત્રોએ પસંદ કર્યું છે, એ અંત સુધી મારું જ રહેવાનું છે! હું અહીંયાં મરી પણ શકું છું! અને જીવતાં કે મરતાં હું અહીં મારા મિત્રો સાથે રહી શકું એમ છું!

અને એક રાત્રે અચાનક, કોઈ જ ચેતવણી વગર, પૂર જોશમાં મને એમ થઈ આવ્યું, કે બસ હવે અહીં નથી રહેવું વધારે! હું બીમાર હતો, વૃદ્ધ થઈ ગયો હતો, થાકી ગયો હતો! જીવનમાં ઘરની જરૂરિયાત આટલી બધી મેં ક્યારેય અનુભવી ન હતી. મેદાનો ઉપર ઊગી રહેલા સૂર્યને હું જોવા ઇચ્છતો હતો. પ્રાણીઓને મેદાનમાં ચરતાં જોવા હું ઇચ્છતો હતો. ઉજળાં ખેતરોની વનરાજીની પેલે પાર ઊગેલાં મેપલનાં વૃક્ષોને હું જોવા ઇચ્છતો હતો. ઇશ્વર જાણે ક્યાં-ક્યાં લઈ જતા એ સ્વચ્છ રસ્તાઓને જોવા હું ઇચ્છતો હતો. ફેકટરીઓના ધુમાડા અને મુખ્ય બજારમાં એકબીજાને અડોઅડ ઉભેલી લાલ-લાલ ઈંટોની એ દુકાનો… હું અમેરિકા નિહાળવા તલપાપડ થઈ ઊઠ્યો હતો! મારા પોતાના લોકોની વચ્ચે જવા, મારા પોતાના દેશવાસીઓને જોવા હું તલપી ઊઠ્યો હતો. તારલા અને પટ્ટીઓના નિશાન સાથે અમેરિકા અહીં આવી રહ્યું છે એવી અફવાઓ ચાલી રહી હતી. બહુ જલદી પાયદળ પોતાને દેશ પાછું જશે. પછી નૌકાદળ પાછું જશે. હું પણ મારે ઘેર પાછા ફરવા તલપાપડ થઈ ઊઠ્યો હતો!

પહેલી તક મળતાં જ મેં બોંડને મારો વિચાર કહ્યો.

“હું તમારી વાત સમજી શકું છું, નેડ. બોલો, હું કોઈ મદદ કરી શકું એમ હોઉં તો મને કહો!”

“હા, તમે જો મારી બદલી કારવિલે ખાતે કરવા માટે વિંટનને લખી જણાવો તો કામ થઈ શકે!”

“હું ચોક્કસ લખી શકું. હું આજે જ એમને પત્ર લખીને જાણ કરી દઉં છું.”

જવાબ આવવામાં થોડા મહિનાઓ વીતી ગયા. છેવટે બોંડ સમાચાર લઈને આવ્યા. “વિંટને યુનાઇટેડ સ્ટેટ્સની પબ્લિક હેલ્થ સર્વિસ અને વૉર ડિપાર્ટમેન્ટ સાથે તમારી વાત કરી છે. બધી જોગવાઈ થઈ ગઈ છે. અહીંથી તમે મનિલા જશો, અને ત્યાંથી આર્મિ ટ્રાન્સપૉર્ટ દ્વારા તમને સાન ફ્રાન્સિસ્કો લઈ જવાશે. ત્યાંથી રેલમાર્ગે કારવિલે પહોંચાશે. આવતા મહિનાની પાંચમી તારીખે મનિલાથી જહાજ ઉપડવાનું છે.”

“મને દુઃખ એ વાતનું છે કે તમને વિદાય આપવા માટે હું અહીં હાજર નહી હોઉં, કારણ કે આવતી કાલે સવારે ટપાલની બોટમાં હું અહીંથી જઈ રહ્યો છું. ભારતમાં મારે એક પરિષદમાં ભાગ લેવા જવાનું છે.”

થોડા કલાકો એ મારી સાથે રહ્યા. સાથે જોયેલી-જાણેલી કેટલીયે બાબતો અંગે અમે ઘણી વાતો કરી. ગમે તેટલી અનીચ્છા છતાં, વિદાય લેવાના સમયે અમે બંને ગળગળા થઈ ગયા.

“આવજો જેક.”

“આવજો નેડ. મારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે.”

હું એટલો પણ વૃદ્ધ કે બીમાર કે થાકેલો ન હતો, કે વિંટનના પત્રની મારા પર કોઈ અસર ન જ થાય. મારા શરીર અને અંતરાત્મામાં નવા ઉત્સાહનો સંચાર થઈ ગયો હતો! મારો દેશ મને પાછો બોલાવી રહ્યો હતો. આર્મિ મને પોતાના સંરક્ષણ હેઠળ પાછો લઈ જઈ રહી છે. હું સ્વદેશ પાછો ફરી રહ્યો હતો. હું ઘેર પાછો ફરી રહ્યો હતો!

***

ક્રમશ:

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....