પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૩ (૪૦ વાર્તાઓ) 10


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૨૮ મે ના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી,

“દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..”

૧. નિર્ભયા :

“પણ આમાં મારી શું ભૂલ? ગુનો એ લોકોએ કર્યો, સજા તો એમને મળવી જોઈએ..”

“ધીમે બોલ, કોઈ સાંભળી જશે તો કોઈને મોઢું બતાવવા લાયક નહીંં રહીએ…”

“ચુપ નહી રહું, મારા ગુનેગારો આમ છુટ્ટા ફરે, હું નહીં સહી શકું. હું જાઉં છું પોલીસ પાસે….”

પણ પોલીસના એ ભદ્દા સવાલ, જાણે ગુનેગાર હું, એ રીતના વર્તને મને વધારે ભાંગી નાંખી. અને પછી શરુ થઇ સરકારી હોસ્પિટલમાં પીડાદાયક તપાસ, સ્ટાફનું અમાનવીય વર્તન, ભદ્દી કમેન્ટો.. મીડિયાના સવાલો… દરેક ક્ષેત્રે હું નિર્ભયા, એકલી લડતી ગઈ… ક્યારેક તૂટતી, ક્યારેક હારતી પછી પોતે જ પોતાની હિંમત બાંધતી….

પણ આ બધું અહી જ ન અટક્યું, અદાલતની લાંબી પ્રક્રિયા પૂરી કરવાની બાકી હતી.. ન્યાયની પ્રક્રિયાનું દરેક પગથીયું ફરી મારું શિયળ લુંટતું ગયું, કોઈ વાર શબ્દોથી, કોઈ વાર નજરોથી, પણ હું ઉભી રહી અડીખમ….

એક દિવસ એક રિપોર્ટર ઈન્ટરવ્યું લઇ ગયો, ન્યાય અપાવવામાં પૂરો સહયોગ આપવાનું વચન આપીને. બીજાની જેમ જૂઠા આશ્વાસન આપી મારી વ્યથાની ગાથા લખી પોતાની દુકાન ચલાવવાવાળા…

આજે સુનવાઇ હતી, મારું પલડું મને નમતું લાગ્યું, જાણે લાગ્યું દુનિયા આખી વિરોધમાં… અને હું એકલી.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..

મારા ઘર તરફ જાણે એક માનવીય સૈલાબ હાથમાં ન્યાયની જ્યોત લઈ…

– મીતલ પટેલ

૨. દર્પણ

“દુનિયા આખી વિરોધમાં… ને હું એકલો… મેં દરવાજો ખોલ્યો, પણ આ શું! આજે સામે લશ્કરનાં જવાનો ન હતાં. ગોળીઓને બદલે બરફના કરા વરસતા હતા! વળી આજે બૉમ્બધડાકાને બદલે મને વાદળોની મધુર ગડગડાટી કેમ સંભળાતી હતી? કેમ આજે બંદૂકનાં
નાળચાઓને બદલે હિમાચ્છાદિત શિખરો મને તાકી રહ્યા હતા?

બધૂ અજુગતુ ભાસી રહ્યું હતું. વાતાવરળણ આજે આટલું રમણીય કેમ લાગતું હતું?

હું કંઇ સમજી શકું ત્યાં જ પાછળથી કોઇએ મારા ખભા પર હાથ મૂક્યો. મેં ઝબકીને પાછળ જોયુ તો આંખો આંજી નાંખતો તેજ લીસોટો
દેખાયો. સાથે જ એક રહસ્યમયી ગહન અવાજ સંભળાયો…

“બેટા! આજે તને દુનિયા સુંદર લાગે છે કારણ કે તારુ ચિત્ત શાંત અને નિર્મળ છે. તને ગોળીઓ અને બૉમ્બબ્લાસ્ટ દેખાતા નથી કારણ કે કદાચ એવો પહેલો દિવસ છે જ્યારે ઊઠીને તારે ક્યાંય આતંકવાદ કે બ્લાસ્ટ કરવાનો નથી. આતંકવાદનાં વિચારો વગરનું પ્રસન્ન મન
આજે તને દુનિયાની ખરી રમણીયતા બતાવી રહ્યું છે.”

હું ઊંઘમાંથી સફાળો બેઠો થયો. મારું સ્વપ્ન તુટી ગયું હતું. ત્યાં તેજ પ્રકાશ કે પેલો અવાજ કંઇ નહોતું. હું તંબુમાંથી બહાર આવ્યો. આજે પહેલી વખત મને કાશ્મીરમાં ધરતીનું સ્વર્ગ દેખાઇ રહ્યુ હતું.

એટલામાં જ મારો મૉબાઈલ રણક્યો. સામે છેડેથી અવાજ આવ્યો, “બ્લાસ્ટ માટે….” અને મેં ફૉન કાપી નાંખ્યો. દૂરનાં શિખર પર પેલો તેજ પ્રકાશ જાણે મને જોઇને મલકી રહ્યો હતો.

– ડૉ. નિલય પંડ્યા

૩. ઓહ નો રુખસાના!

“બેટા। હવે ઉઠો,દસ વાગી ગયા” મા ની રોજિંદી બૂમ સંભળાઈ. આજકાલ મન ચકરાવે ચડ્યું છે, કોઈ કામ માં ચિત પરોવાતું નથી. પિતા એ કાલે ચોખ્ખું કહી દીધું કે લગ્ન તારી મરજીથી ભલે કરજે પણ જો છોકરી હિંદુ નહી હોય તો અમારી લાશ ફરતે ફેરા ફરજે. રુખસાના વિનાનું જીવન એ વળી કેવું જીવન?

સામી તરફ રુખસાનાના પણ હાલ બેહાલ છે. એના કુટુંબીઓએ પણ બળવો જ પોકાર્યો છે. હવે શું થશે?

આ સમયે તો રુખસાના આંગણામાંં હશે! સાલું આ કેવું, દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું.. મેં દરવાજો ખોલ્યો પણ સામેના મકાનમાંં આ શું? રુખસાના તેના કમરામાંં ટેબલ પર કેમ ચઢી છે? ઓહ નો… રુખસાના!

– વિભાવન મહેતા

૪. દુવિધા છે હોં

મેનેજમેન્ટ એની ભૂલોને આંખ આડા કાન કરે છે. ને આ કૉલ રેકોર્ડીંગનેય ગણકારતી નથી.

“સૉરી સર, મારાથી નથી સહન થતું આ.” કૉન્ફરન્સ રૂમમાં બધાય સહકર્મીઓના કાન સરવા થયાં. “હું રાજીનામું મૂકું છું.”

“ઓ મિસ્ટર બલસારા… નોકરી ઝાડ પર નથી ઉગતી સમજ્યાને? કોઇને પાટીલની તકલીફ નથી ને તને એકલાને.” સી.ઓ.ઓ. તાડૂક્યા.

“મને રજા આપો પ્લીઝ… ” ને આવેશમાં આવી મીટિંગનો અહેવાલ લખવાનું પડતું મુકી હું ઉભો થયો. મુર્ખ, ડોબો કોઇ બોલ્યું.

દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું.. કોઇએ પાછળથી ખભે હાથ મૂક્યો. પાટીલ પોતે હતો. “તારો મૉબાઇલ.” ને ખંધુ હસ્યો.

અનનૉન નંબરથી કૉલ આવી રહ્યો હતો. “હલ્લો સર!, હું સાહિત્ય અકાદમીથી બોલું છું. મંત્રીશ્રી તમારી સાથે વાત કરવા ઇચ્છે છે.”

સાહિત્ય અકાદમીથી!?

“હેલો.. બલસારા. કેમ છો ?”

“મજામાં.”

“તમારો બ્લૉગ જોરદાર છે હોં. એમાંય મેનેજમેન્ટ પરના લેખોમાં તો કમાલ કરી છે હોં. એક પુસ્તક પ્રકાશિત થાય હોં. જબરી ખપત થશે હોં. તો રૂબરૂમાં મળો હોં….”

હું નિરુત્તર. “શું બોલો છો સાહેબ..!?”

એટલામાં… “બલસારા જરા કેબીનમાં આવો” ને ડિરેકટર ખભે હાથ મૂકીને જતા રહ્યાં.

“બલસારા! સાચ્ચુ જ હોં. એડીટર બનશો? મુંબઈ શાખાનો? ક્યારે મળો છો?”

હેં…!

– સંજય ગુંદલાવકર

૫. આશિષ

મને થયું આ દુનિયાએ, લોકોએ, મારા પરિવારે મને એકલો પાડી દીધો છે. ના, એકલા પડી જવાના ડરથી હું પીછેહઠ તો નહીં જ કરૂં…

એક સમયની મિસ કોલેજ બનેલી સોનાલી આજે પણ મારા માટે એટલી જ સૌંદર્યવાન છે જેટલી એસિડ ફેંકાયા પહેલાં હતી. એના દિલનું ૠજુ સૌંદર્ય કોઇએ જોયું નહોતું, મેં એ જ પારખી તેની સાથે લગ્ન કર્યા…. કોર્ટ મેરેજ… ત્યારે મારૂ પોતાનું કહેવાય તેવું કોઇ હાજર નહોતું, પછી ભાડુતી સાક્ષીઓ લાવી મેરેજ ફોર્મમાં એમની સહી કરાવવી પડેલી.

આમ વિરોધનાં વંટોળવચ્ચે અમે પ્રભુતામાં પગલાં માંડ્યા. મધુરજની વિતાવી સવારે ઉઠ્યો ત્યારે વિચારતો હતો…કેવો દિવસ ઉગ્યો હશે? આખી દુનિયા વિરોધમાં…. ને હું એકલો… મેં દરવાજો ખોલ્યો પણ આ શું…. મારી નજર સમક્ષ મારા મા-બાપ સહિત આખો સમાજ વરવધુને આશીષ આપવા તત્પર બની ઉભેલાં જોયા.’

– મીનાક્ષી વખારિયા

૬. સ્વતંત્રતા

મુકિતના શ્વાસ માટે પળે-પળ થનગનતા રહેતા મારા અસ્તિત્વને મેં પતિના અસહનશિલ વ્યવહાર, સાસુ-સસરાના બંધનો અને કહેવાતા સુખી સંસારમા ખોઇ નાખ્યું.

અને બધી જ જવાબદારીમાંથી મુકત થઇને જયારે રાહતનો શ્વાસ લીધો ત્યારે ફરી મારા મનના ઊંડાણમાં ધરબાયેલી ઝંખનાઓ સળવળી ઉઠી. જે મુકિત, એકાંત અને કુદરતના દરેક આશિર્વાદને, સુંદરતાને મન ભરીને માણવાની, જીવવાની ને સમજવાની ઝંખનાઓ હતી તે ઇચ્છાના દરિયામાં ડુબકી મારવા માટે મેં ઘર છોડયું..

અત્યાર સુધી કયારેય મારી દરકાર નહોતા કરતાં, તે ઘરથી લઇને સમાજ ને સબંધો બધા મારા વિરોધમાં ઉભા થઇ ગયા હતા.. મારા હ્રદયના દરવાજાને ખટખટાવતા, મને તેમની દુનિયામાં પાછા બોલાવવા મથતા.. ને એક દિવસ…. દુનિયા આખી વિરોધમાં.. અને હું એકલી.. મે દરવાજો ખોલ્યો, પણ આ શું.. મારી નજર સામે મારી જેવી જ હજારો સ્ત્રીઓ..

આકાશમાં ચંદ્વ અને મંગળને આંબતી સ્ત્રીઓને પૃથ્વી પર અવકાશ પામવા કેટલા શિખરો સર કરવા પડશે હજુ?..

– મીરા જોશી

૭. દિવાસ્વપ્નો

દિપીકા પાદુકોણ…

આજકાલ હું જે વિચારું એ સાચું થાય છે…

હજુ ગઇકાલે સાંજે જ મારા નાટક ‘નટ સમ્રાટ’ નો અભિનય જોઈને નાના પાટેકરનો ફોન આવ્યો…

આવું મેં બપોરે જ વિચારેલુ કે નાના નો ફોન આવે તો ??

નાટક નો નિર્ણય કર્યો ત્યારે…
દુનિયા આખી વિરોધમાં… ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..”

સિધ્ધાર્થ રાંદેરીયા મારા માટે ‘ ગુજ્જુ ભાઇ દબંગ’ ની ઑફર લઇને આવેલા…

… અને આજે મસ્તાની દિપીકા નો વિચાર કરતો હતો કે… આની સાથે ફિલ્મમાં કામ કરવા મળે તો ???

… જવાની દિવાની ના ડિરેક્ટર મારે માટે એક મુશ્કેલ રોલ લઈ આવ્યા…

…અને મારી હિરોઈન તરીકે દિપીકા પાદુકોણ !!!

– સંજય થોરાત

૮. હેલ્લો બ્રધર…

મેં ઘરમાં લગ્ન ની વાત કરી ને ખુશાલી નો માહોલ છવાયો. ..

મારી સતત ના સામે આજે લગ્નની હા પાડતાં સૌ વિવિધ ખયાલોમા ખોવાઈ ગયા…

પણ… જેવું મે નામ આપ્યું અને ઘરમાં ભૂકંપ આવ્યો…

“હા… હું સાહિલ સાથે લગ્ન કરવા માંગુ છું.”

“તને ભાન પડે છે, સા.. નાલાયક…” પપ્પા ભડક્યા.

“સમાજ, પરિવાર, મિત્રો, કંઇક તો વિચાર દીકરા” મા વિનવી રહી હતી…

“તારી સગાઇ અમે સંગીતા સાથે કરવાના છીએ. એને પણ તું પસંદ છે.” બહેન શાલીની સમજાવતી હતી.

હવે… આ બધાં ને શું સમજાવું કે… હું તો… બેલ વાગ્યો..

મારા આ નિર્ણયની દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો પણ આ શું..”

સામે સંગીતા ઉભી હતી અને સાથે મારો જીવનસાથી!

– સંજય થોરાત

૯. માસ્તર

હાથમાં સવારનું છાપું આવતા જ એની બોઝિલ આંખો ફરીથી રડી ઉઠી.. સમાચારનું શીર્ષક વાંચી એ ધ્રુજી ગયો. “શિક્ષણના નામે કલંક” “….શાળામાં સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતા લંપટ શિક્ષક પર ચોતરફથી ફિટકાર…”

એની આંખો ધોધમાર વરસી પડી… હળાહળ જૂઠ સામે એ હારી ગયો હતો. હવે.. પોતે નિર્દોષ હોવા છતાં પણ આવડો મોટો આરોપ મૂકી ગામમાં એને બદનામ કરવાઓ કારસો કરનાર ટ્રસ્ટીશ્રી જગમોહન અને નાલાયક આચાર્ય પર એને ખુબ ઘૃણા ઉપજી.. એક નાનકડા ઇન્કારની આવડી મોટી સજા? પણ એણે સિદ્ધાંત સાથે ક્યારેય બાંધછોડ કરી નહોતી.. આજ પણ નહીં.. એ ક્યારેય સરકારી ગ્રાન્ટનાં પૈસાને આ બંને બાબુઓને હડપવા નહીં દે… પણ… આખરે આજ એ હારી ગયો, એની નજર સામે બા.. અને બાપુની તસવીર ઊપસી…. શુંં જવાબ આપશે? શુંં મોંં દેખાડશે મા-બાપને? દુનિયાને?

આદર્શ શિક્ષક… આદર્શ… કેવા કેવા સપના જોયા’તા.. અને ફરી એની આંખો વરસી પડી… ખોટા આક્ષેપ અને આરોપના બોજથી એ હારી ગયો’તો..

કોઈ દરવાજો ખખડાવતું હોય એવું એને લાગ્યું…. વિચારમાં ને વિચારમાં એ ઉભો થયો…

આખી દુનિયા વિરોધમાં ને હું એકલો… એણે દરવાજો ખોલ્યો.. પણ આ શુંં? સામે વૃદ્ધ માબાપને ઉભેલા જોયા.. અને પિતાજીએ એની આંખમાં જોઇને કહ્યું… “ગભરાઇશ નહીં દીકરા… તું એકલો નથી આ લડાઈમાં.. અમે પણ તારી સાથે છીએ. અમારા સંસ્કાર પર અમને પૂરો ભરોસો છે.” અને એ પિતાજીના ખભે માથું મૂકી રડી પડ્યો.. ક્યાય સુધી એ રડતો રહયો..

– શૈલેષ પંડ્યા

૧૦. માગણી વિરૂદ્ધ લાગણી

મારી નોકરી, પગાર, ઘર, ગાડી… આગલી ૨૯ કન્યાની જેમ આણે પણ પૂછ્યું.

મમ્મી-પપ્પાએ ચોખ્ખી ચટ્ટ ના પાડી હતી કે તારૂં લૉજીક વાપરતો નહીં. છતાંય હું ચૂપ ના રહી શક્યો…

“તારા પપ્પા કેમ ચાલતાં જાય છે? કેમ તમારી પાસે ગાડી નથી?”

“આટલા નાના ઘરમાં છ જણ કેવી રીતે એડજસ્ટ કરો છો?”

“તારા પપ્પા ખુદ લગ્ન વખતે વેલ સેટલ્ડ હતાં કે?”

બીજી બધી જ કન્યાઓની જેમ આ ૩૦મી પણ નિરૂત્તર હતી.

“હા… આ બધાનો જવાબ તારી પાસે હોય તો… તો તારી માગણી વ્યાજબી છે. પણ મોટું ઘર, ગાડી ને તારી બધી જ ઇચ્છાઓ પૂર્તિ માટે હાલ હું અપૂરતો છું.”

“ને જો ના હોય તો તું કયા હિસાબે મોટું ઘર, ગાડી ઇચ્છે છે? ને હજી તો લગ્નની વાત ચાલે છે, એમાં આટલી બધી અપેક્ષા..? ને મારામાં અવિશ્વાસ?”

ને ભીનાશ લઇને આ તો ભાગી બહાર… દરવાજો અફાળીને. ધડામ… આવી બન્યું મારું.

મારા આજ કારણે ૩૨ માં વરસેય હું કુંવારો. કુટુંબીઓ, સમાજ તો શું! દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું… બધાંંયના ચહેરે સ્મિત હતું.

“ના પાડી હતીને કે તારૂં લૉજીક વાપરતો નહીં?” મમ્મી બોલતાં બોલતાં હસી પડી….

– સંજય ગુંદલાવકર

૧૧. હે રામ

“હોબાળો મચી જાશે” “અશક્ય” વિચાર પડતો મૂક” “જીવતો નહીં બચીશ” “એ અહિંસા..”.આવા કૈંક મંતવ્યો આવ્યા.

“હું હવે પીછેહટ નહીં કરું. ખબર નથી કાલે શું થવાનું છે… પણ જે કરવાનું છે તે આજે ને અત્યારે જ કરવાનું છે. આઝાદીમાં ઘણું ખોયું. મને મારી ફીકર નથી. તમે બધા જઇ શકો છો.” આટલું કહી હું દરવાજે ઉભો રહ્યો.

બધાય ચૂપચાપ નીકળી ગયા. મેં દરવાજો બંધ કરીને મૌન ધારણ કર્યું. એકલો પડી ગયો કે કાંઇ અજુગતું કરી રહ્યાનો વસવસો ન હતો. હાથ મ્હોં થઇ તૈયાર થયો. શાંતપણે પિસ્તોલ ગજવામાં સરકાવી.

દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું… એ બધાય કાર્યકરો ઉભા હતા…

“ચાલો નથુરામ….” કોઇ બોલ્યું ને અમે…

– સંજય ગુંદલાવકર

૧૨. નોકરી

“રાધિકા, તું આ રાતપાળી વાળી નોકરી ન કરી શકે, વળી એમાંથી પરદેશ જવાનું થાય, આ નોકરી છોડ અને બીજી નોકરી શોધ.”

“પણ,પપ્પા આ નોકરીમાં શું ખરાબી છે?”

“પ્રખ્યાત કંપની, સારુ મહેનતાણું, ઘર, ગાડી, બંગલો, વળી મારા ભણતરનો પણ સારી રીતે ઉપયોગ કરી શકું તેમ છું પપ્પા, ફક્ત રાતપાળીના ડરથી હું આ નોકરી ન જ છોડું..”

“બહુ જ સામે બોલતા થઇ ગઈ છે, કેમ?”

“તું માધવી કેમ કંઈ બોલતી નથી, એને સમજાવ.”

માધવીની પરિસ્થિતી સૂડી વચ્ચે સોપારી…

“તમે બાજુના રૂમમાં આવો, મારે તમારી સાથે વાત કરવી છે.”

રાધિકાને ડર હતો જ કે બંને એક થઇ જશે પણ આ વખતે હું એમની સામે નમતું નહીં જ જોખું, ભલે દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલી.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું… મમ્મી પપ્પા બંને હસતાં હસતાં આવ્યા, રાધિકા એમના હાસ્ય પાછળની મંંજૂરી પામી ગઈ. પણ એક વાત સમજાઈ નહીં કે મમ્મી એ એવું તે શું કહયું કે પપ્પા…

– જાગૃતિ પારડીવાલા

૧૩. સિંદૂરી

“અરે સિંદૂ બેટા, કયારની કામ કરે છે? હવે થોડો આરામ કર, બપોરે હું પણ મદદ કરાવીશ”

બા ની બૂમ સાંભળતા જ હું કામ પડતું મૂકી નીચે આવી. “હા બા, આમેય જમવાનો ટાઈમ પણ થઈ જ ગયો છે. તમને અને બાપુજીને જમાડી લઉ પછી હું જમીશ અને બાકીનું કામ હું બપોરે કરી લઈશ. હા, ડોકટરે શું કહ્યું છે યાદ છે ને? તમારે સહેજ પણ કષ્ટ પડે એવું કામ કરવાનું નથી એટલે તમે તો રહેવા જ દેજો”

આમ ને આમ દિવસો વીત્યા.. ખબર પણ ન પડી, પાંચ વર્ષ પણ વીતી જ ગયા ને સુહાગને નાઈજીરીયા ગયે, કાગડોળે રાહ જોતાં જોતાં આ સમય કેમ વીત્યો હું જ જાણું છું. બા બાપુજી મને દીકરી ની જેમ રાખે છે, સહેજ પણ ઓછું આવવા દેતા નથી. કારણ કે એમનો દીકરો પાંચ વર્ષથી નથી એમની ખબર પૂછતો નથી એને મારો વિચાર કરતો. ખરોખર તો એનો અત્તો પત્તો જ નથી. બા બાપુજીની વેદના પણ હું સમજી શકું છું. અને એટલે જ ગઈકાલે તે બંને ને મારા બીજા લગ્ન ની વાત કરતા સાંભળીને મને નવાઈ ન લાગી, ખૂબ દુ:ખ થયું. સુહાગ તો એક જ અને એકવાર જ હોય ને! બા બાપુજીની જ આ ઇચ્છા હોય તો તો સૌ સાથ આપવાના જ, પણ મને પૂરી આશા છે, મારા સુહાગ પર પૂરો ભરોસો છે, એ આવશે જ.

કયારે ડોરબેલ વાગી કે કયારની વાગે છે મને ખ્યાલ પણ નથી. એકદમ તંદ્રા તૂટી, હું ના જ પાડી દઈશ, ભલે દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલી.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું… બહાર ટપાલી ઊભો છે, તેના હાથમાં પરદેશની લાગતી ટપાલ છે, સહી કરી ને કવર લઈ તો લઉ છું, પણ આખું શરીર જાણે ખોટું પડી ગયું છે. હું જમીન પર ફસડાઈ પડું છું

– વિભાવન મહેતા

૧૪. મુક્તિ

“મેં એવું તે શું કર્યું છે કે લોકો મારો પીછો નથી છોડતાં. શું કલા આ બધાથી મુક્ત ન હોવી જોઇએ? મંદિર પર ગમે એટલા નગ્ન શિલ્પ હોય છે કેમ તે તોડી પાડતા નથી?”

“બધા જ પ્રાણીઓ નગ્ન ફરે છે તો શું દરેક ને ગોળીએ દેશો?”

“તમે બધા… નગ્નતા જોઈ સંસ્કારીતા ભૂલી જાવ છો માટે ડરો છો.”

“બધા હરામીઓ ગાળો બોલો છો, એ બહુ સાંસ્કૃતિક છે નઇ?”

“મે એક ચિત્ર શું બનાવ્યું એમાં તમને અશ્લીલતા દેખાય છે?”

“કહે છે દેશ આઝાદ થઈ ગયો છે, બંધ કરો આ નાટક, તમારે તો બસ સત્તાની ભૂખ છે, જયાં બેસી આ પ્રજા રૂપી રોબોટ્સને તમારી મરજી મુજબ ચલાવવા છે.”

“ચલાવો, આ દુનિયા તમે જ ચલાવો, ઉપરવાળાએ પણ લાગે છે હવે હાથ અધ્ધર કરી દીધા છે. પણ આ બધાથી હું છુટ્ટો થઈ જઈશ.” હું પોતાના ઓરડામાં ચાલતો, વળી બેસી જતો, ઉશ્કેરાટમાં કંઈ કેટલાય સવાલોના ભોરીંગ જાગતા હતા. પણ આમ ઘરમાં ભરાઈ રહેવાથી મને મુક્તિ નહી મળે.

દુનિયા આખી વિરોધમાં… ને હું એકલો…મે દરવાજો ખોલ્યો, પણ આ શું… સન્ન કરતી મુક્તિ હ્રદયની આરપાર…

– કેતન પરમાર

૧૫. એના વી ન ડોપ-શોપ મારયા કરો

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?”

“ના… મારા ખેતરમાં રોનક પાછી આવશે. આ ડોસાની હાડકામાં હજુય દમ છે. પણ મારા ઘરમાં રોનક પાછી નહીં આવે.” આ સાંભળી પહેલી વાર મને મારા પ્રત્યે ધ્રુણા ઉપજી.

મિત્રો સાથે જીવ ગુંગળાતો હતો પબમાં. હું બહાર નીક્ળી આવ્યો ગાડીમાં બેઠો. યાર-દોસ્તોની લલચામણીએ હેરોઈન હાથમાં લીધું.

સુંઘવાને જીવ ન ચાલ્યો ને ફેંકવા જતાં જ,“ઓ મહાત્મા! જોજે એવું કરતો! એ છે તો આપણે છીએ. એના વગર શું સક્કરવાર વળવાનો? ને તારે નશો છોડવો જ હતો તો અમારી સાથે આવ્યો કેમ?” રાજી બોલ્યો.

“દોસ્ત.. પણ તેં ના ય ક્યાં પાડેલી, અને મારી જિંદગી તો આમેય..” ને રાજીના અભદ્ર ઈશારાથી મારો પિત્તો ગયો, હાથ ઉગામ્યો પણ રાજી ચેતી ગયો…

“હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે.. ને કોઈ આની ચુંગાલમાંથી જીવતું બચ્યું નથી.”

દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું… હું લથડી પડ્યો. શરીરમાં ઉણપ જણાતી હતી.

આંખ ખુલી. ડૉક્ટર મને તપાસી રહ્યા હતા. “ક્યારથી લત લાગી છે?” સોળમા વર્ષે બીડીની લત લાગી પછી ભાંગ ચરસ હેરોઈન… ગળું સુકાવા લાગ્યું. શરીરમાં ઉણપ જણાતી હતી. “યાદ કરવાનું ભૂલીને શું વિચારે ચડી ગયો દિકરા?”

“ડૉક્ટર! ડૉક્ટર!, કંઈ પણ કરો. ડૉક્ટર મારે આમાંથી છુટવું…”

– સંજય ગુંદલાવકર

૧૬. સથવારો

માતા કૈકયીની આજ્ઞાનું પાલન અને પિતા દશરથનું વચન પાળવા મેં અયોધ્યા નગરી છોડી ચૌદ વર્ષ વનવાસ જવાનો નિર્ણય સહર્ષ ગ્રહણ કરી લીધો. અયોધ્યા નગરીમાં સૌ મારા સારા નિર્ણયના વિરોધની ચર્ચામાં વ્યસ્ત હતા.

મેં રાજસિંહાસનને પ્રણામ કર્યા ને દરબાર દ્વાર પાસે પહોંચ્યો…

દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું.. સામે અશ્રુ સહ આખી અયોધ્યા નગરી.. ને તેની આગળ અકારણ મારી સાથે વનવાસ આવવા વનવાસી બની ઉભેલા બે ચહેરાઓનો સથવારો… જાનકી અને લક્ષ્મણ.

– દિવ્યેશ સોડવડીયા

૧૭. હૃદયપરિવર્તન

મને નથી ખબર આ પૈસા મારા ઘરમાં ક્યાંથી આવ્યા, હું નિર્દોષ છું. પૈસા લઈને મેં ટેન્ડર પાસ નહોતું કર્યું. આ કોઈની સાજીશ
છે… શર્માજી કરગરતા રહ્યા….

કમિટીનો રિપોર્ટ નહિ આવે ત્યાં સુધી તમને સસ્પેન્ડ કરવામાં આવે છે….

આજે ત્રણ દિવસે જરા આંખ લાગી…. પુલની નીચે દબાઇને મરેલા ૨૨ લોકોના મોતોનો ભાર છે તમારા માથા પર… તમે હત્યારા
છો, તમને જીવવાનો કોઈ હક નથી….. ટીંગ – ટોંગ, એક કારમી ચીસ… ના.. હું પાપી નથી, મેં કઇ નથી કર્યું…. અને કડકડતી ઠંડીમાં હું પરસેવે રેબઝેબ થઇ ગયો… લાગ્યું જાણે…

દુનિયા આખી વિરોધમાં… અને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..

મિશ્રાજી, ગુપ્તાજી તમે જરૂર.. આ લોકો મને…. એમના બહુ સમજાવવા, ધમકાવવા છતાં એમના અનાધિકૃત બાંધકામને મંજુરી નહોતી આપી. એમનું બહુ આર્થિક નુકસાન થયું હતું. જરૂર બદલો લેવા…

“નમસ્તે શર્માજી, તમે નિર્દોષ છો. તમારા જેવા ઈમાનદાર માણસની આ દુનિયામાં બહુ જરૂર છે. તમને નિર્દોષ સાબિત કરે એવા બધા પુરાવા છે અમારી પાસે. એ ઘટનાના દોષીઓને જરૂર સજા થશે.

ઓહો, આ કળીયુગના રાવણોમાં રામ ક્યાંથી વસ્યા… પણ હું મારું ઈમાન ક્યારેય નહીં વેચું.

નહીં, નહીં શર્માજી, અમને કઈ નથી જોઈતું, મારી પત્ની અને દીકરી એ પુલની દુર્ઘટનામાં…. કહી મિશ્રાજી ભાંગી પડ્યા.

– મીતલ પટેલ

૧૮. મિશન “સર્જન”

“S@AV%ET*H~EE#A&R₹T*H” બીપ..બીપ..

“..મેં સ્પેસક્રાફટની સ્ક્રીન પર એન્ક્રિપ્ટેડ મેસેજ મેળવ્યો… ડિકોડ કર્યો… ‘SAVE THE EARTH’ (પૃથ્વી બચાવો) – અને એનો અભ્યાસ કર્યો.” સુપરવુમન મીરાએ સ્પેસમાં થઇ રહેલી સિક્રેટ મિટિંગમાં વિગતો આપતાં આગળ વધાર્યું..

“પ્રદૂષણથી ઓઝોનનું પળ પાતળું થતાં પૃથ્વી પર ગરમી વધતી જાય છે, આમ જ ચાલ્યું તો સર્વનાશ.. વૈજ્ઞાનિકોએ એક પ્રોજેક્ટ સોંપ્યો છે, સૂર્ય ફરતે ઓઝોન જેવાં કૃત્રિમ પડનું સર્જન.. પરંતુ સાથે દુનિયાભરમાં વિરોધનો વંટોળ છે, પ્રોજેક્ટ અસફળ રહે તો માનવજીવન જોખમાય.”

મીરાએ આગળ વર્ણવ્યું.. “આ પ્રોજેક્ટમાં મને સાથની જરૂર હતી, મંગળનાં એલિયનોની.. પરંતુ કોઈ ‘જીવ’ તૈયાર નહીં..”

આજે જયારે હું વિચારે જ ચઢી હતી… દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલી…. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું.. તમે, ચારેય એલિયનો…
SG-001
PJ-003
JA-007
DG-013
– ને જોઈ હું…”

..અને સુપરવૂમન મીરાએ મિટિંગમાં પ્રોજેક્ટનો ડેમો બતાવ્યો…

“.. તો મિત્રો, આપણું સ્પેસક્રાફ્ટ, ‘મિસન સર્જન’ માટે ટેક-ઓફ કરી રહ્યું છે, કોઈ શક…??”

અને હંમેશની માફક એક એલિયને મૂંઝવણ રજુ કરી.. “મિશન સર્જન, પૃથ્વીને સૂર્યનાં ‘તાપ’થી તો બચાવશે, પરંતુ… પૃથ્વીવાસીઓના હૃદયમાં રહેલાં અસહિષ્ણુતાના ઉકળતાં લાવાનું, અને મગજનાં ચઢતાં પારાનું કોઈ…?”

અને સુપરવૂમન મીરાએ ‘રાઈટ ટર્ન’ લીધો..

– ધર્મેશ ગાંધી

૧૯. બેગુનાહી

તું આતંકવાદી જ છે ને.. સાચું કહી દે, તારુ નામ અઝમલ છે ને તુ પાકિસ્તાનની સરહદ પર ઇરાદાપૂર્વક આવેલો…. ઇન્સ્પેકટરે થર્ડ ડીગ્રીના પ્રયોગો કરીને મારી પાસેથી તેમને જોઇતી વાત કઢાવવાની લાખ કોશિશો કરી. ને એક દિવસ આ મારપીટ, જુઠ્ઠા આક્ષપો ને દલીલોથી હારીને મેં એમના પ્રયત્નો સફળ કરી દીધા..

ક્ષળવારમાં મારા અસ્તિત્વ સાથે જોડાયેલું નામ, ગામ, સબંધો બધું જ જુઠું સાબિત થઇ ગયુ. ભાઇ-બાપે કોર્ટ કચેરીના દાદર ઘસી નાખ્યા, પણ મારી સ્વતંત્રતાનો જાણે મૃત્યુ સિવાય કોઈ ઉપાય જ નહોતો. એક જ ઓરડીમાં ખાવાનુ, સુવાનું, થુંકવાનું ને..; આખી જવાની ને અડધું ઘડપણ આ જેલની ચાર દિવાલો ખાઈ ગઈ.

ને એક દિવસ.. મારી બેગુનાહી સાબિત થઇ. હવે હાથમાં બેડીઓ નહોતી.. મેં આખું આકાશ જોયું, મેં ધરતીને સ્પર્શ કર્યો.. વરસાદની બુંદ, માટીની મહેક, લીલા વૃક્ષ, ઉડતા પક્ષીઓ, હવાની ખુશ્બુ.. હું દોડયો, ખૂબ દોડયો, આ બધુ જ ફરી જીવી લેવા, મારી અંદર બધું જ ઉતારી લેવા.. હું મથ્યો.. પણ એક ઠોકર વાગીને….. ફરી દુનિયા આખી વિરોધમાં.. અને હું એકલો.. મે દરવાજો ખોલ્યો, પણ આ શું… એ વહેલી પરોઢનું સ્વપ્ન હતું.

– મીરા જોશી

૨૦. અમને છોકરી પસંદ છે..!

ફરી એક વાર મારે મેક-અપ કરવાનો હતો.. ચહેરા પર જ નહિં, પણ મારા સ્વમાન પર.. અસ્તિત્વ પર.. બને એટલો સારો અભિનય કરીને જોવા આવનાર છોકરા સમક્ષ લજ્જા ને નમ્રતાનું મહોરું પહેરી ઉપસ્થિત થવાનું હતું. આ વખતે મારી સહનશિલતા ગળા સુધી આવી ગઇ હતી..

તૈયાર થઇ ગઇ.. સારી રીતે વાત કરજે, ને પેલી વાત તો કરતી જ નહીં ભુલથી પણ.. સમજી? મમ્મીએ ફરમાન આપી દીધું. હું એ નરાધમોની વાસનાનો ભોગ બની.. એમાં મારી શું ભુલ? એ કલંક મારા નામ પર લાગી જવાથી મારી પસંદ ને નાપસંદ ની કોઇ દરકાર જ નહી..? સળગતી સંવેદના, હાડ-માંસ ને ધબકતી લાગણી, દઢ મનોબળથી જીવતી હું.. મારું કોઇ મુકત અસ્તિત્વ જ નહીં?

પેલા લોકો આવી ગયા છે…. બહારથી અવાઝ આવ્યો.. મેં સાડી વ્યવસ્થિત કરી.. ને થોડીવાર પછી મને બોલાવવામાં આવી.. ઉપરથી નીચે સુધી મને કોઇ અપરાધીની માફક જોવામાં આવી.. અંત અંતે જે જવાબ સાંભળવાની આદત હતી તે જ થયું. અમે વિચારીને જવાબ આપીશું.. ધરાઇ ગઇ હતી હું જવાબથી, આ પીડાથી.. હું ત્યાંથી ઉભી થઇ ગઇ.. મારા રૂમમાં જઇને દરવાજો બંધ કરી દીધો..

ખટ..ખટ..ખટ.. દરવાજો ખટકવા લાગ્યો.. દુનિયા આખી વિરોધમાં.. અને હું એકલી.. મે દરવાજો ખોલ્યો, પણ આ શું… સામે તે છોકરો ને તેના મમ્મી પપ્પા.. .. ચહેરા પર પ્રસન્નતા ને વધામણીની રેખાઓ..

“અમને છોકરી પસંદ છે.. લાવો ગોળ-ધાણા વેવાણજી..”

– મીરા જોશી

૨૧. મનનો એવરેસ્ટ

તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલો.. અરે.. ચાલુ ટ્રેનમાં, ને હવે એવરેસ્ટ સર કરવાની રટ પકડી છે તેણે..

ઓફીસની અંદર જતાં જ બહાર ઉભેલા લોકોમાંથી આ શબ્દો મારા કાને પડઘાયા.. રેલ્વેની મુસાફરી દરમિયાન નરાધમો અને ચોરોથી બચવાની કોશિશમાં, એ ચોરોએ મને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી.. અને તે જ દિવસે મેં મારા પગની સાથે મારું આત્મસમ્માન ગુમાવ્યું.. અધુરા પુરુ મિડીયાએ મારી ઉપર ટીકીટ વગર મુસાફરી કરવાનો.. ને ટ્રેનમાંથી કૂદીને આપઘાત કરવાનો આરોપ લગાવીને મારા જીવનમાં ઝંઝાવાત ફેલાવી દીધો.

એક જ ઘટનામાં હું.. ને મારુ અસ્તિત્વ હતું ન હતું થઇ ગયું હતું.. ત્યારે જ મેં નિર્ણય લીધો, માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો. આ નિર્ણયે લોકોમાં હું પાગલ થઇ ગઇ છું એવી છાપ છોડી દીધી.. પણ ટ્રીટમેન્ટ પુરી થતા જ બચેન્દ્રી પાલને મળવાનું મેં નક્કી કરી નાખ્યું. આજે જયારે બધા વિરુધ્ધમાં હતાં.. ત્યારે મારી જાતને પૂરવાર કરવાના નિશ્ચયને સાકાર કરવા હું એક ડગલું આગળ વધી હતી.. દુનિયા આખી વિરોધમાં.. અને હું એકલી.. મેં દરવાજો ખોલ્યો.. પણ આ શું.. મારા નિર્ણયને વધાવવા માટે મમ્મી-પપ્પા, શિક્ષકો, મિત્રો.. અને સૌથી મહત્વની વ્યકિત બચેન્દ્રી પાલ.. સામે હાજર હતા. ને એ જ ક્ષણે મારા મનનો એવરેસ્ટ મેં સર કરી લીધો..

– મીરા જોશી

૨૨. જિંદગી કે બાદ ભી…

ચિત્રગુપ્ત કાનમાં કલમ ખોસી બેઠાં અને જમા-ઉધારનું ટિપ્પણુ ખોલ્યું. કેમનો હિસાબ કર્યો એ સરત જ નહીં રહી.. બધે ટોટલ લોસ જ બતાવ્યો એ ભૈએ. આખી જિંદગી મેંય આજ કામ કર્યું હતું.. લોકોના જમા ઉધાર્યે રાખ્યા હતા એ યાદ આવી ગયા.

અહીં તો ગોઠવણ બી થાય એમ નહતી.. બાકી… વિચારમાળા તોડતા બોલ્યા, જો સામે દેખાય છે દરવાજો, એ ખોલી, અંદર પ્રવેશો…

સાંભળ્યું, ન સાંભળ્યું, ને હું ચાલ્યો..મારા ભવિષ્ય તરફ..વિચાર મારો પીછો છોડતા નહતા… દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..

યોગ્યતા નર્કની જ હતી પણ… એક સત્કાર્યે સ્વર્ગ અપાવ્યું.

– પરીક્ષિત જોશી

૨૩. ગુજરાન

એ સંકોચ વગર સંપૂર્ણપણે નિવસ્ત્ર થઇ ગઇ. મેક-અપના થપેડામાં રૂપરૂપનો અંબાર લાગતી હતી. એનું ઘાટીલું શરીર જોઇ કેનવાસ પર મારી પીંછી ચાલતી જ ન હતી. મારી બુદ્ધિને તાળાં લાગી ગયા.

બ્રશ, પેઈન્ટ, પીંછી અને રંગોની મારી દુનિયા… એ દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું… એની ગદ્-ગદ્ આંખોમાં તો નિર્લેપતા હતી.

“આજ તો સાયેબ…પેલ્લી વાર પીંખાયા વના ફદીયા મલવાના છે મને.”

ને ઉત્તમોત્તમ કલાકૃતિ બની. પણ…નૉટ ફોર સેલ.

– સંજય ગુંદલાવકર

૨૪. ફ્રેન્ડ્સ

પુલક ગર્વથી એના મિત્ર ગૌતમને કહી રહ્યો હતો, ‘મારા સોશિયલ મીડિયામાં લોટ્સ ઑફ ફૉલોઅર્સ છે’…. અને વાત પણ સાચી હતી… પાંચ હજાર ફેસબુક ફ્રેન્ડ, બારસો ટ્વિટર ફૉલોઅર્સ અને હજારથી વધુ વૉટ્સએપ કોન્ટેક્ટ.

…અને એક વાર મને માઈનોર એટેક આવ્યો, ICU મા દાખલ કરવામાં આવ્યો, અને ૨૪ કલાક બાદ મને ડિસ્ચાર્જ મળ્યો.

મારી આ વર્ચ્યુઅલ લાઇફથી નજીકના મિત્રો અને પરિવારની ‘દુનિયા આખી વિરોધમાં… ને હું એકલો. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું… જેમના માટે મારી પાસે ક્યારેય સમય નહોતો… એવી પ્રિય પત્ની, વહાલી દીકરી, મા-બાપ અને મારો મિત્ર સામે ઉભા હતાં!

અને હું!

– સંજય થોરાત

૨૫. નિર્જર વર્ષા

બાઇક સડસડાટ ટ્રાફિક ને ચીરતું હતું.

“દિપક, વર્ષા તારે લાયક નથી યાર!” પીયુષે બાઇક ને વળાંક દેતા મારી તરફ જોતા કહ્યું.

મારા લલાટ ની રેખાઓ ખેંચાઈ. “તમને બધા ને વાંધો શું છે? મારી વર્ષામાં? કે પછી તમે બધા ને મારી ઈર્ષા થાય છે?”

હું સતત મિત્રોના આવા વર્તન થી થક્યો હતો. બસ દર વખતે આ જ વાત, વર્ષાથી દૂર રહે!

“છે તારી પાસે કઈ જવાબ?” હું ફરી તાડૂક્યો.

“તારે એ જ જાણવું છે ને?”

“હા”

“ચાલ મારી સાથે” તે ગંભીર દેખાયો. મેં સહમતી આપી.

બાઇક આડીઅવળી ગલીઓ વટાવતી એક આલીશાન ઘર પાસે ઉભી રહી. પીયુષ થોડે દૂર એક આધેડ વયની મહિલા સાથે કઈ મસલત કરી રહ્યો હતો. કંંઈક પૈસા આપ્યા હોય તેવું પણ લાગ્યું મને!

અજાણ્યા લોકોની અવરજવર હું જોતો રહ્યો.. મને સ્થળ વિષે સમજતા વાર ન લાગી. પીયુષ પર ક્રોધ પણ ચડ્યો. તેણે મને ઉપરના રૂમ પર જવા ઇશારો કર્યો. અનાયાસે જ મારા પગ તે તરફ વળ્યા.

તે રૂમના દરવાજે હું થોડીવાર થોભ્યો. મગજમાં હજી પેલા વિચારોનું તોફાન ચાલુ હતું દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું? મારા પગ નીચેની જમીન ખસી ગઈ! આંખો ફાટી રહી ગઈ! સામે પલંગ પર વર્ષા શણગાર કરી કોઈ નવા ગ્રાહકની રાહ જોઈ રહી હતી,

વર્ષાની તો નજર નીચી ઢળી પણ હું તો પૂરો જ….

– વિષ્ણુ ભાલીયા

૨૬. વહુરાણી…

“આ પેપર પર જલ્દી સહી કરો પપ્પા..” હું તાડૂક્યો.

વ્હીલચેર પર બેઠેલા અડધું અંગ નકામું થયેલા પપ્પાનો અવાજ સાંભળે લાંંબો સમય થયો હતો..

પણ બાજુમાં બેઠેલા બા ગંગા-જમના વહાવતા બોખા મોંએ બબડ્યા.. “કોના ઈશારે આ બધું કરે છે તે ખબર છે દીકરા.. વહુરાણીને આવે હજી છ મહિના થયા છે અને તેણે પોત પ્રકાશ્યું..”

“એને વચ્ચે ના લાવો બા, અને તમને જે સમજવું હોય તે સમજો, ધંધામાં મોટી નુકસાની ગઈ છે અને મિત્રોએ ચોખ્ખી ના પાડી આટલી મોટી રકમ આપવાની.. હવે પપ્પાની ઉમર જ કેટલી? વિલ પર સહી કરે તો હું બીજો પણ બીઝનેસ ચાલુ કરું.. બોલો કરવી છે કે હું ઘર છોડીને જાઉં? ચલ સોનલ આપણે આ ઘરમાં હવે એક સેકન્ડ પણ નથી રહેવું..”

“તમારે જવું હોય તો જઈ શકો છો, આપણા લગ્ન સાથે જ તમારી સાથે તમારા માતા પિતાની જવાબદારી પણ મારી જ છે.. હું બા-બાપુને છોડી ક્યાંય જવાની નથી…” સોનલે ચોખ્ખું સંભળાવ્યું..

દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું.. ઘણા વર્ષે પપ્પાનો અવાજ સંભળાયો.. “સામાન તો લેતો જા નાલાયક…”

– નિમિષ વોરા

૨૭. સહવાસ

“તું પોતાની જાતને સમજે છે શું?” આજ તો પોટલા સાથે મેં જમાવી જ દીધી.

“મને કોઈ બંધન નથી. ને હું ગમે ત્યાં, ફાવે ત્યારે જઈ શકું.”

“રહેવા દે હવે… એ તો હું છું એટલે તું ગમે ત્યાં ને ફાવે ત્યારે જઈ શકે છે.”

“માથાકૂટ નંઇ કર રોટલા… તને તો મારા જેવા કંઇ કેટલા રળી શકે ને ખાઇ જશે.”

“હવે રહેવા દે…હું જો પેટની ચાર દીવાલોમાં નહીં હોઉં ને તો તું ઢીલો થઈ જાય.” મેં બ્રહ્માસ્ત્ર છોડ્યું.

“ઓય..! અભિમાની રોટલા… શું માંડ્યું છે આ બધું…” પેટને દુખી આવ્યું.

“તારા અહમનો દરવાજો ખોલ ને દુનિયામાં શું ચાલે છે… એ જો.” હ્રદયે પણ ટાપસી પૂરાવી. ને પોટલાને માથે હાથ ફેરવ્યો.

“હા બરાબર” …હેં મગજ તું પણ?

“રોટલા…. તારી ભૂલ થાય છે.” લોહી પણ ઉકળી ઉઠ્યું.

ખોટું લાગી આવ્યું મને. બધાય પોટલાના સમર્થક?

હું જ સાચો છું… ભલેને દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું… ? મારા જેવા બધ્ધાય રોટલા પોતપોતાના પોટલા સાથે વ્યસ્ત છે…

મારી આંખો ખૂલી ગઇ. સસ્મિત પોટલાએ બાહુ ફેલાવ્યા. હોઠ ફફડ્યા, “સંયુક્તપણે રહી બાંધછોડ કરવામાં મજા છે. મને માફ કરો પોટલાજી.”

– સંજય ગુંદલાવકર

૨૮. વિરોધ

ધર્મ જેવા વિષય પર ટીકા, ટીપ્પણી કરો એટલે તમારો બધી બાજુથી વિરોધ શરુ. સાહિત્યના દિગ્ગજોનો પણ કયારેક ને કયારેક તો વિરોધ થયેલો જ, ને હું તો હજુ નવોસવો લખતો થયેલો ને શરૂઆતમાં જ આવો લેખ. ધમકી, નોટિસ, માફી માંગવાનું દબાણ કરતાં કોલ્સ બધાનો રોજ મારો થતો.

દુનિયા આખી વિરોધમાં…. ને હું એકલો…મેં દરવાજો ખોલ્યો. પણ આ શું? બધું શાંત, ઘરમાં, બહાર, રસ્તા પર બધે ફરી વળ્યો
નિર્જીવ વસ્તુઓ સિવાય કંઇ જ નહી? કયાં છે બધા? શું આ શહેર, આ દુનિયામાં ફકત હું જ જીવું છું?

નિર્જીવ ચીજોથી ઘેરાયેલો હું કયાંક કોઇ વ્યક્તિ મળી જાય એ આશાએ આખા શહેરમાં આમથી તેમ ભટકવા લાગ્યો. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, “પપ્પા, ફોન છે..”

હું સફાળો જાગ્યો.. હેં હેં, પપ્પા ફોન. હાઆ…. હેંં… હેલો…

“અરે સાહેબ શું લખ્યું છે તમે? જલદ છે, બળતરા તો થશે જ લોકોને અને તમને બંનેને, પણ…. એ તો રહેવાનું.” ફોન કટ થયો.
હું વિચારતો બેઠો કે જો આ કામ આટલું સહેલું હોત તો બધા જ આ કામ ન કરત? અને હું પણ કોને મારી દુનિયા માની બેઠો હતો?

– કેતન પરમાર

૨૯. સળવળાટ’

સટ્ટાક….

“સમજે છે શું તારા મનમાં? છોડીને છાળાં કરીશ ને છોડી કંઇ નહી કરે?” ધારાએ દેવને થપ્પડ મારી.

“શું? પણ મેં શું કર્યુ?”

“ઓહ… શું કર્યુ? સાંભળો બધા… આ ક્યારનો મને છેડે છે ને પાછો કહે છે મેં…” ધારાએ ફરી તસમસતો તમાચો ચોડી દીધો. તેને જોઇ આખો ઇસ્કોન મોલ ભેગો થઇ ગયો અને દેવની વિરુધ્ધ થઇ તેને મારવા લાગ્યા.

“છોડી દો બધા..આ મારો ગૂનેગાર છે એટલે સજા હું કરીશ. ચાલ, આ દુકાનમાં..” ધારા દેવને લોકોથી દૂર ખસેડતા બાવડું પકડી ખાલી દુકાનમાં ખેંચી ગઈ. ધડામ… કરતો દરવાજો બંધ કર્યો.

“કોણ છે તું? મને એ નથી ખબર. ત્રણ કલાક પહેલા મેં તને આ મોલમાં જોયો. ત્યારથી હું તને મળવા ઇશારા કરુ છું, લાઇન મારુ છું ને તું સામું પણ જોતો નથી.”

“શું?”

“હા…તારો મજબૂત બાંધો, ખડતલ શરીર, તારી ઉંચાઈ, આકર્ષક ચહેરો, શ્વેત આંખો, આ હોઠ અને સંપૂર્ણ તું… તને જોઇ મારા રોમેરોમમાં લાવા સળગે છે. એક સળવળાટ…”

“એક સ્ત્રી થઇને તું… છી.. છી..”

“કેમ? તમે પુરૂષો સ્ત્રી પાસે જાવ જ છો ને? તો એક સ્ત્રી કેમ નહી?… છોડ એ બધું. ચુપચાપ મારી પાછળ સામેની હોટલના રૂમમાં આવી જા. નહિતર તને બહારની દુનિયાને સોંપી દઇશ જે તારી વિરોધી છે.”

“દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..” દેવ વિચારોમાં ખોવાઇ ગયો.

– દિવ્યેશ સોડવડીયા

૩૦.

સ્વાતિની દીકરીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું તબીબ દ્વારા સુચન થયું! અભિનેતા બાપની અાંખનુ રતન હતી રીચા. અા સમાચાર વખતે રીચાના ડેડી રીતેશ તેનાં શુટીંગમાં વ્યસ્ત હતો. સ્વાતિ ફસડાઈ પડી! ૧૮ વર્ષની રીચાને અામ કેમ કુદરતનાં નિર્ણયે છોડી દે!

તેણે પોતાના પ્રયત્નો ચાલુ કરી દીધા. દરેક હોસ્પિટલને કોન્ટેકન્ટ કરીને જે પણ બ્રેઈન ડેડ દર્દીઓ હતા તેમના સગાના નંબરો મેળવી પોતાની દીકરી માટે વાત કરી. બહુ ઓછો સમય હતો રીચા પાસે જીંદગી જીવવાનો. ટ્રાન્સપ્લાન્ટ જરૂરી હતું.

થોડાક સમય માટે સ્વાતિ હારી ગઈ, ‘દુનિયા અાખી એકતરફ અને હું એકલી…’ એણે દરવાજો ખોલ્યો, પણ અા શું… ICU સામે હર્ષનાં અાંસુથી વ્યકિતને અાવકારાઈ.

– શીતલ ગઢવી “વૈરાગી”

૩૧. ઈશ્વર

મંદિર નોં દરવાજો બંધ થતા જ મેં, ઈશ્વરે રાહતનો શ્વાસ લીધો ને સામે પડેલા ભોગ જોઈ મન અકળાઈ ઉઠયું, ‘શું આના માટે હું મંદિરમાં બેઠો છું? લોકોને આટલું આપવા છતા ફરિયાદો ને માંગણીઓ સિવાય બીજુ કંઈ નહીં? આખી દુનિયામાં બસ શું મારે એમને જ સાચવવા, બીજા મૂંગા પશુપક્ષીઓનુંં શું? આ ગીતા, કુરાન, બાઇબલમાં બધું જ તો માર્ગદર્શન આપી દીધુંં, ખુદ કેટલી વાર આવ્યો માનવને સુધારવા તોય…’ જેવા અનેક પ્રશ્નો એ મને ઘેરી લીધા ને લાગ્યું કે દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો… મેં દરવાજો ખોલ્યો… પણ આ શું? મંગળા આરતીમાં ભક્તો રાહ જ જોતા’તા, એક ભક્તે એલાન કર્યું, “આજે શુભ-દિન હોવાથી ઈશ્વર માંગી મુરાદ પૂરી કરશે ”

ને મારા, ઈશ્વરના જય-જયકારથી મંદિર ગાજી ઉઠ્યું.

– શૈલેષ પરમાર

૩૨. કુદરત :

હું એક નદી, હિમાલયની ગોદમાંથી નીકળતી સ્વચ્છ, નિર્મળ, નાચતી – કૂદતી, સુંદરતા વિખેરતી, અમૃત વહાવતી…

પણ મારી શું અવદશા કરી નાંખી આ મનુષ્યોએ, મારા પ્રવાહમાં ધર્મના નામ પર કેટલો કચરો ઠાલવે છે. પાપ ધોવાના, જાત્રા કરવાના, પ્રવાસન ઉદ્યોગના નામ પર હાટડીઓ માંડીને બેસી ગયા છે મારા કિનારે. કોઈને મારી સુંદરતા, સ્વચછતા જાળવવાની પડી જ નથી.

લોકોના પાપોને દુર કરી સ્વચ્છ કરતી હું પોતે કેટલી મલીન થઇ ગઈ છું. લાગે છે ધરતી પર આવીને મેં કોઈ પાપ કર્યું છે. હું હવે મારું પાપ ધોવા ક્યાં જાઉં, કોને પોકાર કરું….. લાગે છે આ દુનિયા આખી વિરોધમાં… અને હું એકલી.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું ..

કુદરત… તું ચિંતા ન કર નદી, તું મારો હિસ્સો છે, હું તારી આ અવદશા જાણું છું. મેં વાદળને વાત કરી છે. તારી ધરાને સ્વચ્છ કરવાનો સમય આવી ગયો છે.

અને……

અચાનક વાદળ ફાટ્યું…. અને શાંત નિર્મળ લાગતી નદી રૌદ્ર રૂપ ધારણ કરી માર્ગમાં આવતી દરેક ગંદકીને, પોતાની સાથે વહાવતી, કેટલાયના પાપોને સમાવતી ભાગી…

– મીતલ પટેલ

૩૩. ધબકારો

“નાગણ છે નાગણ… એ તારી મીરા”

“..એની ચાલ, અદ્દલ નાગણ જેવી”

“કાયા, પાતળી લીસી.. જાણે રોજ કાંચળી ઉતરતી હોય.”

“લ્યા, સગી આંખે એને નાગણનું રૂપ ધરતાં જોઈ છે..”

ઘરનાં-બહારનાં..બધાં એક જ બિન વગાડતાં.

“..યાર આ મારી ‘જિંદગી’ છે, ટીવી સિરિયલ નથી..” મલ્હાર અકળાતો. ત્રણ મહિનાથી મલ્હાર-મીરાનું સુંવાળું દાંપત્યજીવન સરકી રહ્યું હતું.

આજે પૂનમની રાતે નાગણ તેનું અસલી રૂપ ધરશે એવી માહિતીને આધારે મલ્હારે પત્ની પર વિશ્વાસ હોવા છતાંય બધાંને ખોટાં સાબિત કરવાં રાતે બહાર રહેવાનું બહાનું બનાવ્યું..

…અને અડધી રાતે, મલ્હારનો ધ્રૂજતો પગરવ, વિચારોનાં વમળ, બેડરૂમનાં દરવાજે… દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો… દરવાજો ખોલ્યો, પણ આ શું..? મગજ ચકરાવે… હૃદય એક ‘ધબકારો’ ચૂક્યું.. બેડ પર એક કાળી નાગણે આળસ મરડી…
“હું ખરેખર એક નાગણ સાથે..? મહિનાઓથી..?” નફરત સાથે મલ્હાર વળીને ભાગ્યો, અને… એ સાથે જ..

દરવાજાની ઓથે સુન્ન ઉભેલી મીરા પર નજર પડતાં હૃદય બીજો ‘ધબકારો’ ચૂક્યું..

..સમજતાં વાર નહિ લાગી… રાહતનો શ્વાસ લઇ મલ્હારે ‘એનિમલ સેવિંગ ગ્રુપ’ને ફોન જોડ્યો, ઘર ભેગું થયું..

“નાગ-નાગણનું જોડું હતું”,

‘એનિમલ સેવિંગ ગ્રુપ’ વાળાએ જતાં-જતાં મજાક કરી.. “પૂનમની રાતે ‘પ્રેમ-લીલા’ કરવાં ભરાયું હશે, આમેય જંગલો ક્યાં રહ્યાં છે વધારે..”

…અને મલ્હાર ફરી દોડ્યો, બેડરૂમ તરફ..

“મીરા.. મીરા..”

કોઈ જવાબ ન મળતાં, મલ્હારનું હૃદય ત્રીજો ‘ધબકારો’ ચૂક્યું..

– ધર્મેશ ગાંધી

૩૪. રમખાણ

શું વાંક હતો અમારો? અમે તો કોઈને ઓળખતા પણ નહોતા! શું વાંક હતો એ રામસેવક યાત્રીઓનો? શું માણસાઈની કોઈ કિંમત જ ન રહી? લોહીના બદલામાં લોહી વહાવી દીધા. આજે જ્યારે એટલા વર્ષો પછી બધાય એ ઘટનાને યાદ કરીને રડે છે, મૌન પાળે છે એ બધું જોઇને એમના પર હસવું કે રડવું?

૧૬ વર્ષ પહેલાનો એ ગોઝારો દિવસ, અચાનક ઘરમા ટોળાનો હુમલો, તલવાર, ધારદાર હથીયારો, ક્રૂરતા અને નિર્દયતા. બીકનો માર્યો હુ એક આડાશમાંં છુપાઈ ગયો હતો. આખા ધરમા તોડફોડ અને વેરણછેરણ. ત્યાં જ મારી માંની કારમી ચીસ સંભળાઈ અને પછી બાપુજી ની ત્રાડો. હદય દ્વવી જાય એવી મારી લાચારી.. આ નરસંહાર શું કોઈના ગ્રંથમાં લખાયેલો હતો?

ઘરમાં મા બાપની લાશ સામે હુ કલાકો રડતો બેસી રહયો. થોડુંઘણું શાંત થાતા હું મા બાપની લાશ એમ ને એમ મૂકીને ભાગી નીકળ્યો.
દુર જોયું તો એક સામાન ભરેલો ટ્રક. જલ્દી પાછળથી ચડી, હું ટ્રકની અંદર સંતાઈ ને બેઠો.

ટ્રક સાથે મારી જિંદગી પણ હવે બમણી ગતિથી દોડવા માંડી હતી. દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ  આ શું.. અચાનક જાણે હુ ૧૦ વર્ષ મોટો થઇ ગયો હતો…

– જલ્પા જૈન

૩૫. ઐતિહાસિક

મારા પ્યારા દેશવાસીઓ… તમે મારા પર વિશ્વાસ રાખ્યો… ભરોસો રાખ્યો ને હું મહેનત કરતો રહ્યો. આવા તો કંઇ કેટલાય દરવાજા મારી માટે બંધ હતા… શેરી, મહોલ્લા, ગામડા, શહેરો, રાજ્યો ને ભારત સહિત દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું… આજે મને સાથ આપવા, એક સમયે વિઝા ન આપનાર આ અમેરિકા જ….

– સંજય ગુંદલાવકર

૩૬. ઉદ્વેગ

કોઈને મારી તો પડી જ નથી, કેટલું કરું તો પણ કોઈને સંતોષ જ નથી. બસ ફરીયાદ, ફરીયાદ, ફરીયાદ, આ નથી કર્યું, આમ નથી કર્યું. તને આ નથી આવડતું, નિશા ઉદ્વેગમાં બડબડી રહી.. આજે એનો ગુસ્સો ચરમસીમા પર હતો. હોર્મોનલ ચેન્જ, પેટનો દુ:ખાવો કે પછી જીવનમાં પોતાનું ગમતું કરિયર ન મેળવી શકવાનું દુઃખ કે બધાનો સરવાળો.. કારણ કોઈ પણ હોઈ, નીશા આજે બહુ વ્યગ્ર હતી.

એવામાં નાની મીનું આવી મમ્મી, “આજે શું બનાવ્યું છે.. દાળ-ભાત, શાક બેટા..”

“હું નથી ખાવાની, રોજ એકનું એક જ બનાવે છે. તને કાંઇ આવડતું નથી..” અને મીનું પગ પછાડતી ભાગી ગઈ. કાલે જ તો તને ભાવતી પાંંવભાજી ખવડાવી.. શબ્દો એમ જ વહી ગયા..

“આજે ધોબી કપડા લઇને કેમ હજુ આવ્યો નથી, ફોન કર તો, હું શું પહેરીશ… લો, હવે મારા કપડા છે.. એક ફોન પણ….” પેટમાં દુ:ખાવાના કારણે કામ નહી કરી શકવાની અસમર્થતા એને પરેશાન કરતી હતી.

ટીંગ ટોંગ, “નિશા જો તો બારણું ખોલ તો…”

કોઈ મારા માટે કંઈ કરે છે, ક્યારેય.. એકાદ કામ મારું… તમારી બધાની બે જીંદગી છે એક ઘરમાં, એક ઘરની બહાર… પણ હું.. મારું શું.. લાગે છે… દુનિયા આખી વિરોધમાં… અને હું એકલી…. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું ..

“મેડમ, તમારું કુરિયર છે…”

– મિત્તલ પટેલ

૩૭. સરકાર

“આખો દી શું વાર્તા વાર્તા કર્યે રાખો છો.. આ ટુવાલ ટીંગાડો, નાહીને ફેંકી દીધો.” સરકાર નારાજ થઇ ગઇ.

“પપ્પા… મારી બુકને કવર કરી આપો.”

“દીકરા, જરા સોયમાં દોરો પોરવી આપ ને.”

“મારી તુલસીમાળા લાવ્યો કે?”

“પપ્પા.. ચલોને કેરમ રમવા. શું પેડ ને પેન લઇને આખો દિવસ…” ને મારો બેટો… પેડ લઇને જતો રહ્યો. સરકાર મલકાતી હતી.

ટુવાલને કવર, સોયમાં તુલસીમાળા… મગજમાં બધાય કેરમ રમવા લાગ્યા. મનનો દરવાજો બંધ થઇ ગયો કે શું?

મમ્મી દેવપૂજામાં, પપ્પા સમાજસેવામાં, દીકરો દીકરી એમની રમતિયાળ દુનિયામાં ને મારી સરકાર… આ બધાયમાં. આ મારી નાનકડી દુનિયા.

આજ તો જાણે આ દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું… સરકાર મને ઢંઢોળી રહી હતી.

“એય…. ઉઠો. આ લો તમારું પેડ… ચલો ચ્હા પીવા….”

– સંજય ગુંદલાવકર

૩૮. વિદાય’

આજે ગોકુળ છોડી મથુરા જવાનું હોવાથી મેં યશોદામા અને નંદજીને પાયલાગણ કર્યા, માએ ગરમ ગરમ રોટલો ને માખણનું શિરામણ કરાવ્યું, માથે કઢિયલ દૂધ પાયુંં. ભાતામાં દહિંંથરા બાંધી દીધા. તોયે એકવાર વિનવણી કરી, “દિકરા અહીં શું ઓછું પડ્યું કે કંસમામાના એક બોલે સઘળી માયા સંકેલી લઇ, અમારા દિલ દુખાવી ચાલી નીકળ્યો છે? હજી પણ જવાનું માંડી વાળ ને મારા શ્યામ….”

તોયે આ કાનુડાએ પાછું વાળી ને ન જોયું, આમ સમગ્ર ગ્રામજનની અથાગ કોશિશ પણ નકામી ગઇ.

મેં મોસાળ વાટ પકડી લીધી. ગોકુલની સઘળી વનરાજી, કાલિંંદી નદી, પશુપક્ષીઓએ ઘણાં ધમપછાડા કર્યા પણ વ્યર્થ. આ બધામાંથી પાર ઉતર્યા પછી મને રાધાનો ભય હતો કે તે તો મને જવા જ નહીં દે…. તે રડશે તો હું એને કેમ કરીને મનાવીશ? તેનાં બોલ હું ટાળી પણ નહીં શકું. ભારે હૈયે રાધાની વિદાય લેવા તેને આંગણે ગયો તેના ઘરનો અધખુલો દરવાજો ખોલતાં તો મારા દિલની ધડકન તેજ થઇ ગયેલી. મને લાગેલું કે દુનિયા આખી મારી વિરોધમાં…. ને હું એકલો… મેં દરવાજો ખોલ્યો… પણ આ શું? રાધા તો અશ્રુભીની આંખે પણ કંકુચોખા અને આરતી લઇ મને વિદાય આપવા તૈયાર ઉભી હતી.

– મીનાક્ષી વખારિયા.

૩૯. સ્વપ્નદ્રષ્ટા

‘અરે, ભાઈ સાહિત્યથી તે કંઈ પેટ ભરાતું હશે?’

‘આ ઉંમરે આવા શું ધતિંગ માંડ્યા છે…?’

‘અત્યારે પૈસો નઈ કમાવ તો ઘરડા થઈને કમાશો !’

આવા અનેક સવાલોનો રોજેરોજ સામનો કરીને હું હવે કંટાળી ગયો છું, બસ સમાજના નિયમોમાં જ જીવવાનું… સાહિત્ય અંગે કંઈ વિચાર કર્યો, પ્રયાસ કર્યો તો જાણે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય એમ બધા તૂટી પડ્યા છે. સાહિત્ય શું માત્ર કાગળમાં જ શ્વાસ લેશે, એને વેબસાઈટની પાંખો ન મળે???

હું થાક્યો છું, પણ હાર્યો નથી. આજે નહીં તો કાલે મારી માતૃભાષા આ વિશ્વમાં એક ગૌરવભેર મસ્તક ઊંચું રાખીને ઊભી હશે.
‘બંધ કરો, આ બધું બંધ કરો..’ ચિત્ર-વિચિત્ર અવાજો આવવા લાગ્યા. દુનિયા આખી વિરોધમાં… ને હું એકલો… મેં દરવાજો ખોલ્યો, પણ આ શું ..?

અહીં તો કોઈ નથી, તો અવાજ ક્યાંથી આવતો હતો?

અચાનક વોટસ અપ ટોન સંભળાવા લાગ્યા, ઈ-મેલનો મારો શરૂ થયો, મોબાઈલ બોલી ઊઠ્યો. સ્વપ્નપુરુષનું સ્વપ્નવૃક્ષ ધીમે ધીમે વિકસતું હતું… પણ આ શું એ સ્વપ્નદ્રષ્ટા ક્યાં?

– સોનિયા ઠક્કર

૪૦.

દુનિયા આખી વિરોધમાં… ને હું એકલો… મેં દરવાજો ખોલ્યો, પણ આ શું ..?

લાક્ષાગૃહ સળગી રહ્યું હતું, મારા ગૃહનો દરવાજો પણ.. મને પાંડવોની ચિંતા થઈ, હું એમના નિવાસ તરફ દોડ્યો..

પણ એ પહેલા તો ભવનનો થાંભલો ધડાકાભેર નીચે પડ્યો, ભવનને પડવાને થોડી જ વાર હતી. દુર્યોધને ઠેર ઠેર કાષ્ઠ અને કોલસો એવી રીતે મૂકાવ્યો હતો કે સમગ્ર ભવન ક્ષણોમાં જ તૂટી પડવાનું હતું..

પાંડવોના અને માતા કુંતીના કોઈ સમાચાર નહોતા.. મારા ગુપ્તચરે અંદરથી એક ગુપ્ત માર્ગ બન્યો હોવાની અને એ નદીકિનારે ખૂલવાની શક્યતાની વાત કહી હતી, એ હિસાબે મેંં શોણને ત્યાં હોડીની વ્યવસ્થા કરવા કહેલું, એ ક્યારની ત્યાં ઉભી હતી.

એક પછી એક બધા થાંભલા પડતા રહ્યા, ભવન આખુંય ધરાશાયી થઈ ગયુંં, લોકોએ પ્રયત્નથી જળછંટકાવ કર્યો, પણ એ ક્યાં પૂરો પડવાનો હતો! ચોતરફ શોક હતો, પણ હું ખુશ હતો..

દુર્યોધનને તો સમાચારની તાલાવેલી હતી, મેં જઈને કહ્યું કે કોઈ બચી નથી શક્યું. એણે મિત્રતાના આવેશમાં મને પ્રગાઢ આલિંગન આપ્યું, આ તરફ શોણ અને વિદુરજી સ્મિતભર્યા ચહેરાને શોકથી ઢાંંકવાનો યત્ન કરતા આવી રહ્યા હતાં..

અને છતાંય આ કર્ણ જીવનપર્યંત એ લાક્ષાગૃહમાં બળતો રહ્યો..

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૩ (૪૦ વાર્તાઓ)

  • Lata soni kanuga

    ઓહો…હું તો જોવા..ખોલવા બેઠી હતી શબ્દો નો પટારો ને જ્યાં ખોલ્યો દરવાજો..મળ્યો મને શબ્દોની રમત નો ખજાનો.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

    જીજ્ઞેશભાઈ,
    એક નવો જ સાહિત્યપ્રકાર વાચકો સમક્ષ મૂકવા બદલ અભિનંદન. નવોદિતો પણ ગજબનું કાઠું કાઢી રહ્યા છે તે પણ હરખાવા જેવું છે. ચાલુ રાખતા રહો અને વિકસાવતા રહો એવી અપેક્ષા.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • meera joshi

    Thank you so much Jigneshbhai, For Selecting My story.
    Feeling so glad for the first time..
    Very Nice of all the group members..

  • Mital Patel

    ખુબ ખુબ ધન્યવાદ જીગ્નેશ્જી, અક્ષરનાદ જેટલી વાંચનની મજા ક્યારેય નથી આવી..
    Thanks for providing this platform of creation.

  • Jagruti Pardiwala

    બહુ જ સરસ, એક થી એક ચડિયાતી…
    મજા આવી ગઈ…વાંચવાની અને નવું શીખવાની…

  • પરીક્ષિત જોશી

    વાહ…મજા..મજા…એક જ પ્રોમ્પટનો ઉપયોગ કરીને કેટકેટલા વિષયોને કેવી નજાક્તથી મિત્રોએ મૂકી આપ્યા છે…આનંદ અને અભિનંદન.