પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧ (૧૪ વાર્તાઓ) 16


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ સર્જનમાં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૧૪ મે ના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે લાઈન આપવામાં આવી એ હતી,

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?”

આ પ્રોમ્પ્ટ પરથી અનેક માઈક્રોફિક્શન રચાઈ.. જેમાંથી કેટલીક અહીં પ્રસ્તુત છે..

૧. ઉઝરડા – સંજય ગુંદલાવકર

‘આ પેડેડ બ્રા ને આટલો બધો હેવી મેક અપ? શુંં ગરજ છે તને આ ધતીંગની?’

‘મમ્મી પ્લીઝ, પકાવ નહીં, ઑલરેડી આઈ એમ લેટ’ ને એ ઉંબરો ઓળંગી ગઈ.

‘હે ભગવાન, શું થશે આનું?’

‘મમ્મી..’ ડોરબેલ રણકી, ટીપોય પર મોબાઈલ પડેલો દેખાયો, ઉંચકાયો ને દરવાજો ફરીથી ગરજી ઉઠ્યો, ‘મમ્મી..!!’

‘આવી.’ મિજાગરો ખોલતાં જ દરવાજો અથડાયો.. ધડામ.. માથું ફાટી જાય એવું પરફ્યૂયૂમ ગંધાયું,

‘કોણ જાણે તારૂ શું થશે? ભૂલથીય જો ભટકાયો તો તારો બાપેય તને ઓળખી શક્શે નહીં.’

‘એ ભૂતને તો વશમાં કરીશ જ..’

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?”

‘હા મમ્મી, નહીં તો આ પેડેડ બ્રા, ને આટલા બધા હેવી મેક અપની મને ગરજ નથી.’

પહેલી વાર પેડેડ બ્રાની પાછળના ઉઝરડા મમ્મીના આંસુ બનીને ટપકી પડ્યા.

૨. આઝાદી.. – ધર્મેશ ગાંધી

‘તમે ઘરમાં જ રહેજો દાદાજી, અમે જરા બહાર જઈને આવીએ..’ અને બારણું બહારથી લૉક કરીને ઘરના બધાં ચાલી ગયા.

ઘડપણમાં ઘરની ગુલામી, યુવાનીમાં બહારનાની.. વૃદ્ધે નિસાસો નાંંખ્યો.

‘આઝાદીની લડતનો કોઈ અંત ખરો?’ પાંજરે પૂરાયેલા પોપટે પાંખ ફફડાવી ઉડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

સાત દાયકા પહેલાની મિત્રની મૂંઝવણ, ”પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?’ યાદ આવતા વૃદ્ધ સ્વાતંત્ર્યસેનાની યાદ કરવાનું ભૂલીને વિચારે ચડ્યો.

૩. દર્પણ – કેતન પ્રજાપતિ

એણે રાત્રે લગાવેલ મેકઅપ ઉતારી ને પોતાના ચહેરા ને અરીસા જોયો. ને ભૂતકાળ મા સરી પડી.

હીરોઇન બનવા મુંબઈ આવી હતી ને સમય ના ચક્રએ તેને રેડલાઇટ એરીયામાં ધકેલી દીધી. સોહમ મિત્રો સાથે મુંબઇ ફરવા આવેલો ને આગ્રહને વશ થઈ એ રીટા સાથે રહેલો. પણ રુમની અંદરની વાત સોહમ અને રીટા જાણતા. બસ રીટા ત્યારથી સોહમને બીજી વખત મળવા માગતી હતી. દરરોજ એજ જગ્યાએ અને એજ સમયે તે સોહમ ની રાહ જોતી, ખખડાટ થવાથી તે જાગી. તેની પાર્ટનર માલા તેને કહી રહી હતી. ‘પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?’

૪. સ્વીકાર – જલ્પા જૈન

વાત ભવિષ્યની છે પપ્પા !

‘પૂજા… પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે દીકરી?’

‘ભલે કોઇ ન મળે… પપ્પા, પણ હું જો કોઈ ને વરીશ, તો સત્ય છુપાવ્યા વગર જ.’

‘શું થયુ બેટા સાક્ષર?’

કેમ અચાનક ઊભો થઇને ભાગ્યો ત્યાંથી? આટલી સુંદર, સુશીલ અને તને ગમતી છોકરી હોવા છતાંં? એવી તે શું  વાત થઇ તારી ને પૂજા વચ્ચે?’

સાક્ષર થોથવાતા અવાજે બોલ્યો, ‘માં… પૂજા સાથે પણ આપણી સાક્ષી જેવું જ બન્યું છે.’

અને માં દિકરા બંનેની નજર સમક્ષ નરાધમોનો ભોગ બનેલી અને આત્મહત્યાને વરેલી પોતીકી દિકરી સાક્ષી આવીને ઉભી રહી. હૃદય જાણે એક થડકારો ચૂકી ગયુંં.

‘દિકરા મને તારા ઉપર પૂરો ભરોસો છે.’ અને સાક્ષરે  તરત જ  ગાડી પૂજાના ઘર તરફ  જવા પાછી વાળી.

૫. રાધા – સોનિયા ઠક્કર

ઓધવજી સંદેશો લઈને આવે છે એવી વાત વાયુવેગે ફેલાતા ખુશી હિલોળા લેવા માંડી. બધા જ ઉતાવળા ગામમાં ભેગા થયા. કોઈએ યમુના કિનારે બેઠેલી રાધાને વાત કરી. સુખી સહજીવનના ભાંગેલા સપનાની રાખ પર સંજીવનીનો છંટકાવ થયો હોય લાગ્યું.

બીજી જ પળે શ્યામાનો રવ સંભળાયો, ‘પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાતરી છે?’ પાયલનો ઝંકાર એ ધ્વનિમાં ખોવાઈ ગયો.

૬. ગાંધી.. – સોનિયા ઠક્કર

અનેક ચર્ચા, વિવાદ અને આંદોલનને અંતે સમાધાનના ભાગરૂપે વિદેશી સરકારનો પત્ર આવ્યો.
મહાત્મા આ અંગે અસમંજસમાં હતા, પત્રને સ્પર્શતા જ ભીતરનો ગાંધી બોલ્યો, ‘પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાતરી છે?’

૭. શબરીના બોર – સોનિયા ઠક્કર

પંપા સરોવરના કાંઠે વૃદ્ધ નયનો પ્રતીક્ષારત હતા. બાજુમાં પડેલ બોર ધન્ય બનવા માટે આતુર હતા. પ્રભા નવી આશા અને સંધ્યા નવા વિશ્વાસ સાથે ખીલતી હતી.

અચાનક જ કંઈક પગરવ થયો. શિથિલ કાયા સફાળી બેઠી થઈ ગઈ. ઝાડ પર બેઠેલ એક પારેવડું આ જોઈ બોલી ઊઠ્યું, ‘નાનો સરખો અવાજ પણ તને એનો આભાસ કરાવે છે, પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાતરી છે?’

આ સાંભળી ભીતર બુઝાતી શ્રદ્ધાની જ્યોત સંકોરાઈ ગઈ.

૮. દ્રષ્ટા – સોનિયા ઠક્કર

ઈન્દ્રપ્રસ્થનો અંધકાર વધુ ને વધુ ઘેરો થઈ રહ્યો હતો. થોડી વાર પહેલા જોયેલું ભવિષ્ય તેને હચમચાવી ગયું. કદાચ કંઈક ભૂલ થતી હોય એમ સમજી તે ફરી એ જ ઘટના જોવા મથી રહ્યો.

દર્પણનું પ્રતિબિંબ તેને કહી રહ્યું હતું, ‘તું તારા પરિવારનું સુખ ઈચ્છે છે, પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાતરી છે ?’

યાજ્ઞસેનીએ ઊંઘમાં પડખું બદલ્યું.

૯. સંતાન – સોનિયા ઠક્કર

ફેરિયા પાસેથી લીધેલું છાપું તે ઝડપથી વાંચવા લાગ્યો. રવિવારની તેની મનગમતી કૉલમે તેને આખી રાત જગાડ્યો હતો. પણ મધર્સ ડે વાંચતા જ તે અટકી ગયો.

પૂર્તિ એમ જ મૂકી દીધી. ત્યાં જ કમલે ખભે હાથ મૂકી કહ્યું, ‘મયૂર સ્વીકારી લે આ જ આપણું નસીબ છે. તું ઓળખ મેળવી લઈશ તો પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાતરી છે?’

ત્યાં જ સંચાલક એક બાળક હાથમાં લઈને પ્રવેશ્યા. મયૂરની ધૂંધળી નજર દરવાજા પાસેના પારણા પર ગઈ, આજે તે એને કંઈક વધુ ભીનું લાગ્યું.

૧૦. ફળિયું – દિવ્યેશ સોડવડીયા

“અલખ નિરંજન…” સાધુ મહાત્માએ ફળિયું પસાર કરી ઓસરી પાસે આવતા કહ્યું.

“મા’રાજ… દાણા લેશો?” એક પગને ગોઠણથી ઉભો રાખી ઘઉં સાફ કરતી સમજુ ડોસીએ પૂછ્યું.

“હા.” સાંભળતા ડોસીએ સુપડામાં ઘઉં લઇ ઓસરીમાંથી થાંભલી પાસે આવતા કહ્યું: “લ્યો, મા’રાજ.”

“તમારા દીકરાની જોળી દાણાથી સદા ભરેલી રહે.” જોળી ફેલાવતા સાધુ બોલ્યા.

ડોસીની આંખોમાંથી દાણા જેવા આંસુઓ દડ.. દડ.. કરતા જોળીમાં સરી ગયા, “મા’રાજ તમને ભવિષ્ય ભાખતા આવડતું હોય તો કહો કે મારો દીકરો નિત્ય ઘર છોડીને ક્યાં ગયો છે?” ડોસીએ પૂછ્યું.

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?” હિંડોળે બેઠેલ આનંદ ડોસાએ ડોસીને કહ્યું. નિત્યાનંદ સાધુએ પોતાની માના આંસુઓને જોળીમાં છુપાવી પોતાનું ફળિયું છોડ્યું.

૧૧. મિલન – તુમુલ બુચ

હિમાલયના શિખરો પરથી બંને સહેલીઓ દોડતી દોડતી નીચે મેદાનો તરફ ઉતરતી હતી. પોતાની જ મસ્તીમાં મસ્ત – હસતી, રમતી, ગાતી, વાતો કરતી. રસ્તામાં મળતા લોકોને પણ રાજી કરતી.

“તને મોટી થઈને કેવો વર જોઈએ છે?”, પહેલીએ પૂછ્યું.

“વિશાળ સરોવર જેવો, જે આપણા ગામની પાસે જ રહેતો હોય. તને?”, બીજીએ પ્રતિપ્રશ્ન કર્યો.

“સાગર જેવો અસીમ. ભલે એને માટે મારે દુર સુધી જવું પડે.”

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?”

“ભવિષ્ય? એવું કંઈ હોય છે ખરું? કે પછી ભૂતકાળ પણ હોય છે? જે છે એ વર્તમાન જ છે. હું આ ક્ષણે જ જન્મી છું, આ જ ક્ષણે વહું પણ છું અને આ જ ક્ષણે સાગરમાં પણ સમાઈ જાઉં છું” એમ બોલીને ખળખળ કરતી તે વહી ચાલી.

નદી આજે પણ આ બોલે છે, જે સાંભળવાની દરકાર કરે એની માટે.

૧૨. દીકરી – વિષ્ણુ ભાલીયા

દેવાંગ ચિંતિત ચહેરે હોસ્પિટલમાં ચક્કર મારી રહ્યો. વ્યાકુળતા ચારેકોરથી ઘેરી વળી હતી. ત્રણ પુત્ર પછી આજે ચોથી વખત પત્નીને ડીલિવરી માટે લાવ્યો હતો.

હોસ્પિટલમાં નર્સની દોડાદોડી વધી ગઈ હતી. આખરે દિલધડક સમાચાર આવી ગયા. “સોરી, તમારી પુત્રીને અમે બચાવી ન શક્યા “ડોક્ટર સાહેબ, આશ્વસન સાથે કહી જતા રહ્યા. આટલા વર્ષોની દીકરીની આશા પૂરી થતા થતા છીનવાઈ ગઈ.”

દેવાંગ માટે જાણે સમય થંભી ગયો! હજી હમણાં જ બે મહિના પહેલા જ પત્નીના આગ્રહવશ જ્યોતિષિને હાથ બતાવેલો ત્યારે તે અજાણ્યા જયોતિષિએ ઉચ્ચારેલા શબ્દો આજે તેના મનમાં પડઘાતા રહ્યાંં, “પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?”

તે સામે દિવાલ પણ ખીલખીલાટ હસતી બાળકીની તસ્વીરને તાકતો રહ્યો…

૧૩. તકિયાકલામ – પરીક્ષિત જોશી

‘થાકી ગઇ છું કહી-કહીને..’

‘હુંય થાક્યો છું, સાંભળી-સાંભળીને.’

‘જો ભાઇ, ભવિષ્ય જોવરાવે કંઇ નહીં વળે, કંઇક કામ કર. પેલી કહેવત છે ને, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ.’

‘જરીપુરાણી વાતો છે, આ સુભાષિતમાં શુભાશિષ નથી લગીરેય.’

‘ઠીક મારા ભાઇ, કરો મનમાં આવે એમ કરો.’

‘ઠીક મારા ભાઇ, કરો મનમાં આવે એમ કરો.’

‘બધાં જ ગ્રહ મારી ફેવરમાં છે. ગુરુ, સૂર્ય, બુધની યુતિ છે કેન્દ્રમાં. બીજો કોઇ દોષ નથી, પણ..આ શનિ. બસ, એ થોડો સીધો ચાલે એ ઘડી આપણી. છપ્પર ફાડીને પૈસો વરસશે.. શનિની વક્રદૃષ્ટિ હટી એ દિવસે. થોડો જ સમય છે હવે બાકી, એની જ રાહ જોઉં છું, હોં.’

‘અરે ભાઇ, તું ક્યાં ફસાયો.. એમ કંઇ જેકપોટ લાગતા હશે.’

‘તમને ભરોસો નહીં પડે, અંકશાસ્ત્ર મુજબ જ લીધી છે લોટરીની ટિકીટ, અને એનું ભવિષ્ય પણ જોવરાવી લીધું છે. વળી ડ્રો પણ શનિની મહાદશા ઉતરે પછી જ છે, હોં. ઇનામ પૂરા એક કરોડ રૂપિયાનું છે, એક કરોડ રૂપિયા.’

‘તારી બધી વાત સાચી, ..પણ ભવિષ્ય જોઇને શું ફાયદો? એ તને જ મળશે એની ખાત્રી છે?’

૧૪. સફર – જીજ્ઞેશ અધ્યારૂ

“ભલે તેં બનાવ્યું, પણ તારુ આ ટાઈમ મશીન ભયાનક વસ્તુ છે, ભવિષ્ય જાણવું મનુષ્ય માટે અભિશ્રાપ છે.”

“ભૂતકાળમાં જઈને મેં ભૂલ સુધારી લીધી છે, હવે જોવું છે કે ભવિષ્યમાં એ મળશે કે..”

“તકલીફ એ જ છે કે તું વર્તમાનમાં જીવી જ નથી શક્તો, પ્રયત્ન, ધીરજ અને ખંતને બદલે..”

“ભલે એમ, એના વગર કોઈ પણ વાતનો કોઈ અર્થ નથી, જીવનનો પણ નહીઁ.. એ એક વ્યક્તિને તો..”

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે? નહીં મળે તો શું કરીશ? ફરી ભૂતકાળ બદલીશ?”

“હા, જ્યાં સુધી એ ન મળે ત્યાઁ સુધી.. સમય મારા વશમાં છે..”

ટાઈમ મશીનમાં એ ગોઠવાયો, મશીન શરૂ થયું

અને એક ભયાનક વિસ્ફોટ થયો… એ ન ભવિષ્યમાં હતો, ન ભૂતકાળમાં, ન વર્તમાનમાં


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧ (૧૪ વાર્તાઓ)

 • anuj solanki

  ઘર-મકાન
  વૃદ્ધાશ્રમમાં રહેવા જઈ રહેલ એક વૃદ્ધ મકાનના મુખ્ય દ્વારે સામાન સાથે ઊભા ઊભા રડતા હતાં. દિકરો તેમને જલ્દી જાય તે માટે કહી રહ્યો હતો. ત્યાં તે વૃદ્ધનો પૌત્ર આવે છે. દાદાની આંસુભરી આંખો જોઈ તે વૃદ્ધના પૌત્રએ તેના પપ્પાને પૂછ્યું, ‘ દાદા કેમ રડે છે? ‘
  ‘બેટા, દાદા ફરવા જાય છેને એટલે બહુ ખુશ છે, ને એની ખુશીમાં જ એ રડે છે.’તેના પપ્પા એ દિકરાને સમજાવતા કહ્યું.
  પૌત્ર દાદા પાસે જઈને કહે છે કે, ‘ દાદા, રડો મા.તમે ફરીને પાછા આવો ત્યારે મારા માટે તબડક તબડક કરતો ઘોડો લાવજો ને હા, તમારા રૂમની ચાવી મને આપજો.’
  પપ્પાએ દાદાના રૂમની ચાવીનું કારણ પુછ્યું તો પૌત્રએ ક્હ્યું કે,
  ‘ પપ્પા, દાદા ફરવા જતા પહેલા કેવા એકલા રહેતા હતાં. હું પણ મોટો થઈને તમને એજ રૂમમાં રાખીશ અને પછી તમને પણ દાદાની જેમ જ ફરવા મોકલીશ… ‘
  ને પૌત્રના આ કથને પપ્પાને સ્તબ્ધ કરી દીધા ને બીજી ક્ષણે દાદાના સામાનને ઉચકી ઘરમાં પાછા વળવા લાગ્યા..!!

 • Rasik Dave.

  વાહ
  ખૂબ મજા આવી.
  એક જ વાકયના નિશ્ચિત સમાવેશ સાથેની એક સાથે ભિન્ન ભિન્ન લેખકોના સર્જનનો લાભ મળ્યો.
  આ WA group મા સામેલ થવા contect Mo……??
  My Mo.9879125196.

 • માર્કંડદવે.

  નવી ટેકનોલોજીનો, નવીનત્તમ ઉપયોગ…! અક્ષરનાદ ના રચયિતાશ્રી તથા આ યજ્ઞમાં ઉમંગભેર ભાગ લેતા સહુ યુવા મિત્રોને કોટિ-કોટિ અભિનંદન..

 • ketan prjapati

  જેમ મોક્ષ પામી ને આત્મા ને પરમઆનંદ અનુભવે છે.તેમ આ નવા સર્જન આનંદ આપે છે.

 • Sanjay Gundlavkar

  વિચારોને સીમાડા નડતાં નથી…
  પણ સીમાડામાં બંધાય એ વિચાર નહીં “માન્યતા” બની જતાં હોય છે.
  એક પંક્તિ કે એક વિચાર પર અલગ અલગ લખાણ વાંચ્યા બાદ અહીં એ “માન્યતા” નો કોઈ અર્થ રહેતો નથી.

  સર્જનાત્મક્તાની અનેકવિધ શક્યતાઓને સાકારનારા દરેક મિત્રોને ત્રિવાર…
  અભિનંદન…
  અભિનંદન… …
  અભિનંદન… … …

 • Vishnu Bhaliya

  દરેક મિત્રો એક પંક્તિ ને અનુરૂપ કેટલુ અલગ અલગ વિચારી શકે છે તે જોયું…એક સાથે દરેક ની રચના વાંચવા ની ખુબ મજા આવી

 • પરીક્ષિત જોશી

  વાહ, સુંદર…સહુ મિત્રોને અભિનંદન, ખાસ સોનિયાને ..નિશ્ચિત પંક્તિઓ સાથે, ચુસ્ત બંધારણમાં, વિચારપ્રેરક લખવું…એસિડ ટેસ્ટ જ છે. સાહિત્યના આ સ્વરૂપ, એના શોધક, ગુજરાતીમાં એના પુરસ્કર્તા, કલમના કસબીઓ સહુને વંદન, અભિનંદન.