યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૭) 2


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

ક્યુલિઅન માટે વિસેન્ટ જોખમી અને અશાંતિ ઊભી કરનાર પુરવાર થઈ રહ્યો હતો. એની સાથેના અસંતુષ્ટોની સંખ્યા એટલી હદે વધી પડી હતી, કે કામ કરવાના વિરોધીઓની એક ટોળકી જેવું બની ગયું હતું. હા, ભાષણો કરવાથી એમને કોઈ પરહેજ ન હતો! અમેરિકન સરકારની કોઈ પણ બાબતનો બસ વિરોધ જ કરવાનો! પછી ભલેને એ કોઈ આરોગ્ય ખાતાનો સામાન્ય કારકુન કેમ ન હોય! વરસો સુધી અમે શાંત પ્રકૃતિનો સમાજ બનીને અહીં રહ્યા હતા. હજારોની સંખ્યામાં અમે એકબીજાની કાળજી લઈને જીવતા હતા. આડા લોકો તો બહુ થોડા હતા, પણ એમના ગરમાગરમ ભાષણો સાંભળીને પ્રભાવિત થઈ શકે એવા નબળા માણસોને એ પોતાની સાથે ભેળવી રહ્યા હતા.

વિસેન્ટની ટોળકીનો એક પણ માણસ બોંડની કોઈ વાત સાંભળતો નહીં, કે વફાદારીપૂર્વક કોઈ કામ પણ કરતો નહીં. અને છતાં કોઈક ચમત્કારિક રીતે એ લોકો પૈસે ટકે ઠીક-ઠીક સમૃદ્ધ રહેતા, અને કુકડાઓની લડાઈ કે જુગાર જેવી પ્રવૃત્તિઓમાં પોતાના પક્ષને સાથ દેવા માટે હંમેશા આગળની હરોળમાં જ દેખાતા.

ટોમસ આ ટોળકીની સાંભળવી ન ગમે એવી વાતો લઈ આવતો. જાણકારી મેળવવા માટે એની પાસે છુપા રસ્તાઓ હતા. અને જે માહિતી એ જાતે મેળવી શકતો નહીં, એ અન્ય દ્વારા એને મળી રહેતી. ટોમસ દ્વારા મને જાણવા મળ્યું હતું કે એમની મુખ્ય ફરિયાદ સ્ત્રી-પુરુષોને અલગ રાખવા બાબતે હતી. એ દરમ્યાન, મુખ્ય અધિકારી તરીકે ડૉ. ડોમિનીગ્ઝે કરેલા કામો, અને એક ડોક્ટર તરીકે એમની કાર્યદક્ષતાની કદર સ્વરૂપે એમની બદલી ક્યુલિઅનથી સેબુ ખાતે થઈ, જ્યાં નવા દવાખાનાના નિયામક તરીકે એમની નિમણૂંક થવાની હતી. એમની જગ્યાએ મનિલાથી એક ફિલિપિનો ડોક્ટર ડૉ. ડીમીટ્રિઓ ટેબોરડાને મોકલવામાં આવ્યા હતા. એમના આવ્યા પછી વિસેન્ટ અને એના અનુયાયીઓએ એમની પાસે સ્ત્રી-પુરુષો વચ્ચે વધારે મુક્તિ આપવાની ઔપચારિક માગણીઓ રજુ કરી. એમાં બીજી અન્ય માગણીઓ પણ એમણે મૂકી હતી, પણ એમની આખી વાતનો મુખ્ય મુદ્દો એ હતો, કે યુવાન લોકોને લગ્ન કરવાની અને બાળકોને જન્મ આપવાની સંપૂર્ણ છૂટ જોઈતી હતી!

આ બાબતે ડૉ. ટેબોરડાના હાથમાં કોઈ જ સત્તા ન હતી. આ વાત તો વહીવટી વિભાગ, આરોગ્યવિજ્ઞાન, ધર્મ અને વ્યક્તિગત જેવી વિવિધ બાબતો પર આધારિત હતી. આવો નિર્ણય તો મનિલા દ્વારા જ લઈ શકાય એમ હતો. અપવાદરૂપ કિસ્સાઓમાં જ લગ્ન કરવાની છૂટ આપવામાં આપતી હતી. વિસેન્ટને આ બાબતે ઝાઝી સમજણ પડતી ન હતી. એ તો આ નિર્ણયનો વિરોધ કરતો, પોતાની માગણીઓને લઈને ડૉ. ટેબોરડાના આંગણે એ તો આડો જ પડી ગયો હતો. વિસેન્ટ અને એના સાથીઓ બળવો કરે એવી શક્યતાની અફવાઓ ફેલાઈ રહી હતી. બળવો કયા પ્રકારનો હશે એ બાબતે અમે બધા મુંઝવણમાં હતા, કારણ કે એ ટોળકી પાસે નાનકડી નાવો અને તરાપા સિવાય કંઈ જ હતું નહીં. એમાં બેસીને તો એ લોકો કોઈને પણ લઈને કોરોનના ઉત્તરી માર્ગ સુધી પણ માંડ પહોંચી શકવાના હતા!

કેટલાંક અઠવાડિયાં સુધી આ બધું ઊકળતું રહ્યું હતું. એવામાં એક રાત્રે બે સંદેશાઓ મારી પાસે એક સાથે આવી પડ્યા. પહેલા સંદેશામાં ખુશીના સમાચાર એ હતા, કે ડૉ. બોંડ અને એમનાં પત્ની થોડા દિવસોમાં જ ક્યુલિઅન પાછાં આવી રહ્યાં હતાં. બીજા ગુપ્ત સમાચાર ટોમસ તરફથી એ હતા, કે વિસેન્ટ અને એની ટોળકી હકીકતમાં બળવાની તૈયારીમાં હતા, અને એ લોકો મુખ્ય અધિકારીની હત્યા કરીને બલાલામાં ડૉક્ટરોના આવાસ બાળી નાખવાનું નક્કી કરીને બેઠા હતા!

હવે સમય ગુમાવવો પાલવે એમ ન હતો. “તને લાગે છે કે મુખ્ય અધિકારીને આની જાણ હશે, ટોમસ?”

“એની તો મને ખબર નથી, સાહેબ. નીચે તરફ જતા રસ્તા પર એમને જતા મેં જોયા. બહુ દુઃખી લાગતા હતા એ. પણ… એમને ખબર હોય પણ ખરી, અને ન પણ હોય!”

“આપણે અત્યારે જ એમને ઓફિસમાં મળવું જોઈએ. તારે મારો સંદેશો એમને પહોંચાડવો પડશે.”

આ બાબતે ટોમસ ખુદ પણ ખૂબ જ દુઃખી દેખાતો હતો, એટલે મેં એને ચિંતા કરવાની ના પાડી. મેં પોતે જ કંઈક કરવાનું માથે લઈ લીધું. જોઝને એક ચિઠ્ઠી લખીને બધી બોટમાંથી મોટર વગેરે સાધનો કાઢી લેવાની સૂચના આપી દીધી, જેથી બોટનો ઉપયોગ થઈ જ ન શકે. જોઝ પરની ચિઠ્ઠી સાથે મેં ટોમસને રવાના કર્યો. હું બલાલા જવાનો હતો એટલે ચાલી નાખવાનું જ પસંદ કર્યું. જરૂર પડ્યે હથિયાર તરીકે વાપરવા માટે મારા હાથમાં મેં એક ચાલવાની ભારે લાકડી લઈને હું વસાહતમાં થઈને ઉપરની તરફ જવાના ઝાંપે પહોંચ્યો.

ખાસ પરવાનગી વગર બલાલામાં પ્રવેશ કરવાની કોઈ પણ દરદી માટે મનાઈ રહેતી હતી. અને પરવાનગી અપાય, તો પણ માત્ર નીચલા રસ્તા સુધી જવા માટે જ અપાતી હતી. નવું વહીવટી મકાન એ જગ્યાએ જ બનાવ્યું હતું અને ક્યારેક અમારે ત્યાં જવાનું બનતું પણ ખરું. પણ આ ડૉક્ટરોના આવાસ તરફ જતા આ ઉપરના રસ્તા પરથી પસાર થવાની પરવાનગી કોઈ દરદીને ભાગ્યે જ અપાતી! બે વિભાગો વચ્ચેના ઝાંપે હું પહોંચ્યો, ત્યારે એક છીછરું લાકડાનું ખોખું પડેલું મેં જોયું. વસાહતમાંથી પાછા ફરતી વખતે ડૉક્ટરો અને અન્ય સાજા લોકો એ ખોખામાં ભરેલા જંતુનાશકમાં પગ બોળ્યા પછી જ અંદર પ્રવેશતા. મારે એ ખોખામાં ઊભા રહેવું જોઈએ કે નહીં એ બાબતે મને અવઢવ હતી, એટલે હું થોડો ખચકાયો. મારે કોઈના ઘરમાં તો જવાનું હતું નહીં, એટલે મને એ ખોખામાં ઊભા રહેવાનું મને જરૂરી ન લાગ્યું. મને આશા હતી કે કોઈક તો મને રસ્તામાં મળી જ જશે જેના દ્વારા હું મારો સંદેશો મોકલાવી દઈશ. પણ નસીબજોગે રસ્તામાં મને કોઈ જ મળ્યું નહીં. પથરીલા રસ્તા પર ચાલતો-ચાલતો હું રસ્તાની છેક છેવાડે આવેલા મુખ્ય અધિકારીના ઘરના પગથિયાં સુધી પહોંચી ગયો. રસ્તા વચ્ચે ઊભા રહીને મેં ડૉ. ટેબોરડાને બૂમ પાડી. એક માળના એ ઘરની બહારની આખી બાજુએ વરંડો આવેલો હતો. ડૉક્ટરનાં પત્ની વરંડામાં બહાર આવ્યાં. મને જોઈને એ તો ભડક્યાં, ડરી જ ગયાં, અને દોડીને પાછાં ઘરમાં ઘૂસી ગયાં! એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ડૉ. ટેબોરડા દેખાયા અને ઝડપથી ચાલતાં પગથિયાં ઊતરીને, હું એમની રાહ જોતો ઊભો હતો ત્યાં આવ્યા.

“કેમ છો, મિ. ફર્ગ્યુસન. કંઈ કામ હતું?”

મેં ઝડપથી એમને મેં સાંભળેલી વાત કહી જણાવી.

“ડૉક્ટર, કદાચ તમને આ પહેલાં ચેતવણી તો મળી જ ગઈ હશે ક્યાંકથી!”

“અરે ભગવાન, ના. મારા માટે તો આ તદ્દન આશ્ચર્યની જ વાત છે. મારી પાસે એમની ઔપચારિક વિરોધ-અરજી જરૂર આવી હતી. એને તો મેં મનિલા મોકલાવી આપી છે. મને એવું જરા પણ લાગતું ન હતું, કે એ લોકો આટલી હદ સુધી જશે! પણ… તમને આ વાતની કઈ રીતે જાણ થઈ?”

“ટોમસ દ્વારા. એની પાસે આ માહિતી ક્યાંથી આવી એ તો મને નથી ખબર, પણ મને એટલી ખબર છે, કે એની માહિતી મોટા ભાગે સાચી જ હોય છે.”

“અહીં સુધી ધક્કો ખાવા બદલ તમારો આભાર. માહિતી સાચી હોય કે ખોટી, આપણે તૈયાર રહીશું. બીજા કોઈ સમાચાર મળે, તો મને પહોંચાડવાનો પ્રયત્ન કરજો.”

એમને વચન આપીને હું પાછો ફરી ગયો.

*

એ રાત્રે બલાલામાં શું થયું એની મને તો બહુ મોડેથી જાણ થઈ. મારા સંદેશાએ વીજળીક અસર કરી. મુખ્ય અધિકારીએ વહીવટી કચેરીમાં એમની ઓફિસમાં, સ્વરક્ષણ માટે શું કરી શકાય એની ચર્ચા-વિચારણા કરવા માટે બધા ડૉક્ટરો અને કારકુનોને બોલાવ્યા. મિટિંગ ચાલુ હતી, ત્યાં અધવચ્ચે જ બહારથી એક યુવાન છોકરો દોડતો-દોડતો અંદર આવ્યો.

“એ લોકો મુખ્ય અધિકારીને મારી નાખીને આખા બલાલામાં આગ ચાંપી દેવાના છે…”

આ છેલ્લો ઘા સાબિત થયો. મુખ્ય કારકુને તાત્કાલિક એક નાગરિકરક્ષકદળ બનાવીને દસ-બાર હટ્ટા-કટ્ટા માણસોને એના સભ્ય બનાવી દીધા. કચેરીની પાછળના ભાગે આવેલા એક કમરામાં પોલિસદળ તરફથી વસાહતને ભેટમાં અપાયેલી જૂની મોઝર રાઇફલો સંઘરેલી હતી. ધ્રૂજતા હાથે એ કમરાનું તાળું ખોલીને રાઇફલો બહાર કાઢવામાં આવી. પણ હાજર હતા એ બધામાંથી કોઈ સંગીન વાપરી જાણતું ન હતું. અને ગોળીઓ તો પહેલેથી હતી જ નહીં! રાઇફલો માટે ગોળીઓ ફટાફટ શોધવાના આદેશો છૂટ્યા અને લોકો આડેધડ શોધાશોધ કરવા લાગ્યા. છેવટે ગોળીઓનું ખોખું મળતાં ‘હુર્રા…’ની બૂમો મોટેથી સંભળાઈ. ખૂબ જ જૂની એવી એ ગોળીઓ કાટ ખાઈ ચૂકી હતી. થોડા માણસો એ ગોળીઓને ઘસવા માટે લાગી પડ્યા, જેથી બળપૂર્વક એને રાઇફલની નળીમાં નાખી શકાય. રક્ષણનું આયોજન કરી નાખવામાં આવ્યું અને દરેક માણસને એક જગ્યા ફાળવી આપવામાં આવી જેનું એણે રક્ષણ કરવાનું હતું!

બલાલાના કારકુનો આવી રક્ષણાત્મક કાર્યવાહી માટે જરા પણ ઉત્સુક ન હતા. પહેલાં તો એમને આ ચેતવણીમાં કોઈ વિશ્વાસ જ બેઠો નહીં! પણ આ બલાલા હતું, અને એમની પગારની પહોંચમાં સહી કરનાર વ્યક્તિ એમની પાસેથી આ સેવાનો આગ્રહ રાખતા હતા એટલે એમને એ કર્યા વિના છૂટકો પણ ન હતો! પોતાના બીનઅનુભવી હાથે મોઝર ઊંચકીને એ લોકો કરવા કે મરવા માટે તૈયાર થઈ ગયા! થોડા જુના માણસોએ તો ખટાકા સાથે રાઇફલ ખોલીને એમાં ગોળી ભરાવી દીધી, ત્યારે બાકીના લોકો ફાટી આંખે એમને જોઈ રહ્યા. થોડાક લોકો એક હાથમાં રાઇફલ અને બીજા હાથમાં ગોળી પકડીને ઊભા જ રહ્યા! એ બંનેને એકઠાં કરવાનો એમની કોઈ દાનત દેખાતી જ ન હતી. આખરે બધાને રાઇફલમાં ગોળી નાખીને નિશાન તાકવાની તાલીમ આપવામાં આવી.

“બરાબર ધ્યાન આપજો,” મુખ્ય અધિકારીએ ચેતવણી આપી. “કોઈ દરદી સામે આવીને જાય, તો પહેલાં એને પડકાર આપીને વસાહતમાં પાછા ચાલ્યાં જવાનો આદેશ આપજો. તે છતાં પણ જો એ આગળ વધે, તો એને રોકજો. જરૂર લાગે, તો જ ગોળી ચલાવજો!”

કોલોની તરફ જતા બે રસ્તા પરની જગ્યા સાચવવાની જવાબદારી જેમને સોંપાઈ હતી એ લોકો તો ભાગ્યશાળી નીકળ્યા! સોએક વાર છેટે છાંયામાં જઈને એ લોકો ચોકી કરવા લાગ્યા. થોડા સમય પછી ઊભા રહીને ચોકી કરવાને બદલે એમણે બેસી જવાનું નક્કી કર્યું. અને એક વખત બેસી ગયા પછી આડા પડી જવું અને થોડું ઊંઘી જવું એ કંઈ બહુ અઘરી વાત ન હતી!

બલાલાની પાછળના ભાગે આવેલી ટેકરીઓ પર મૂકવામાં આવેલા માણસો એટલા ભાગ્યશાળી ન હતા. એક તો, દરિયાની સપાટીએ આવેલા મુખ્ય વહીવટી કચેરીના મકાનથી ટેકરીની ટોચ સુધીનું ચઢાણ અઘરું હતું. જે કોઈ ટોચ સુધી પહોંચ્યા એ લોકોનો શ્વાસ ફૂલી ગયો હતો. પોતપોતાને ફાળવેલી જગ્યાએ પહોંચતા સુધીમાં તો એ લોકો થાકીને લોથ થઈ ગયા હતા. નાગરિક દળનો એક સભ્ય ચઢાણને કારણે થાકીને ટેકરીની ટોચ પર પહોંચીને પોતાને ફાળવેલી જગ્યાએ પહોંચવા માટે મથામણ કરી રહ્યો હતો. એની રાઇફલ પણ એની જોડે-જોડે ઘસડાઈ રહી હતી. એક હાથે રાઇફલનું નાળચું એણે પકડેલું હતું. જેવો એણે રાઇફલનો ઘોડો ખેંચ્યો, એ સાથે જ એક આંચકો લાગ્યો અને ઘોડો પાછો છટક્યો. એક ભયાનક ધડાકો થયો. બિચારો કારકુન એક મોટો કૂદકો મારીને ઝાંખરાંમાં કૂદી પડ્યો. મોં ભેર પડેલા એ કારકુનનો ચહેરો ઘાસની અંદર છુપાઈ ગયો. એ ધડાકાથી ગભરાઈને એનાથી ડાબે પચાસેક વાર દૂર બેઠેલો બીજો એક કારકુન ગભરાઈને દોડવા માંડ્યો અને એક મૂળિયાની અડાફેટે આવીને જમીન પર પડી ગયો. એની રાઇફલનો ઘોડો પણ દબાઈ ગયો, અને ટેકરીની નીચે બલાલા તરફ ગોળીઓનો વરસાદ ચાલુ થઈ ગયો. હાથ-પગ પહોળા કરીને એ જમીન પર પડી ગયો, અને એ સાથે જ એક પત્થરમાં ભરાવાને કારણે એના પેંટમાં ખાસ્સો પહોળો ખાંપો આવી ગયો.

એ દરમ્યાન નીચે તો ધમાચકડી મચી ગઈ હતી. પહેલી ગોળી છૂટવાના અવાજ સાથે આખી વસાહતમાં વાત ફેલાઈ ગઈ, કે હુમલો શરૂ થઈ ગયો છે! વસાહતની બહારના ભાગે આવેલા કામદારોના મકાનોમાંના એકના વરંડામાં ગભરાઈ ગયેલી સ્ત્રીઓ અને થોડા પુરુષો એકઠાં થઈ ગયાં હતાં. ગોળીબારના પહેલા અવાજ સાથે બધાના ચહેરા પર ગભરાટ ફેલાઈ ગયો. ક્ષણભરની શાંતિ પછી બીજો ગોળીબાર થયો. છાપરાની ચીરતી ગોળી વરંડામાં આવી ગઈ. હાજર રહેલા બધા લોકો એકબીજાની ઓથે લપાઈ ગયા. બહુ મોડે-મોડે એમને ખબર પડી હતી કે એ ગોળીઓ તો એમના નાગરિકદળે અકસ્માતે જ છોડી હતી. લોકોમાં રોષ વધી રહ્યો હતો. મુખ્ય અધિકારીએ નાગરિક રક્ષકોને છાવણીમાં પાછા બોલાવી લીધા. એમનો તાકીદનો સંદેશો લઈને માણસોને ટેકરી પર દોડાવવામાં આવ્યા.

“એ રક્ષકોને રાઇફલ સાથે તાત્કાલિક પાછા બોલાવી લો. પણ એ પહેલાં એમની રાઇફલો ખાલી કરાવી નાખજો!” બલાલા ઘણા સમય સુધી એ નાગરિક દળને ભૂલી ન શક્યું!

વસાહતમાં ભજવાયેલું એ નાટક ધીમે-ધીમે કરુણાંત બની રહ્યું. હું ડૉ. ટેબોરડાને સંદેશો આપવા માટે ગયો હતો, અને ટોમસ જોઝ ક્રૂઝને સંદેશો આપવા ગયો હતો, ત્યારે કારમન મારે ઘેર આવી. એણે ઘણી વખત મારા કપડાં સીવી આપ્યા હોવાથી મારું ઘર એણે જોયું જ હતું. એ સીધી જ મારા સુવાના કમરામાં ગઈ, અને મારી છૂપાવેલી જગ્યાએથી મારી રિવૉલ્વર કાઢી, પોતાના રૂમાલ હેઠળ છુપાવીને એ ઘરની બહાર નીકળી ગઈ, અને રસ્તા પર થઈને વસાહતમાં ચાલી ગઈ. વિસેન્ટ અને એના ત્રણ મિત્રોએ જે જગ્યાએ રહેઠાણ બનાવ્યું હતું ત્યાં એ પહોંચી ગઈ, પણ ઘરમાં કોઈ હાજર ન હતું. સામેના રસ્તા પર ઊભેલા એક છોકરાએ જણાવ્યું કે વિસેન્ટ તો દરિયાકિનારે ગયો હતો. ઉતાવળ કરીને એ દરિયાકિનારે પહોંચી ગઈ. મને તો ખાતરી હતી જ, કે વિસેન્ટ જરૂર અમારી બોટ ચકાસવા ગયો હશે, અને જો અમે એની સંભાળ ન લીધી હોત, તો એ રાત્રે ચોક્કસ એ લોકો નાસી છૂટ્યા હોત. મારું એ અનુમાન સાચું નીકળ્યું હતું. કારમન એની પાસે પહોંચી ત્યારે એ એક બોટ ચકાસતો હતો.

“વિસેન્ટ!” કારમને બૂમ પાડી.  એનો અવાજ સાંભળીને વિસેન્ટ ઊભો થઈ ગયો. પાછા ફરતા પહેલાં એણે પોતાના કમરપટ્ટામાંથી એક નાનકડું ચાકુ બહાર ખેંચી કાઢ્યું.

“કારમન! તું અહીં શું કરે છે?”

“તું શું કરવા ધારે છે એની મને જાણ થઈ ગઈ છે, એટલે જ હું અહીં આવી છું. વાત ન બનાવીશ, મને બધી જ ખબર છે!”

“શાની વાત કરે છે તું?”

“મને ખબર છે. વિસેન્ટ, મારા ભાઈ, મારી વાત સાંભળ. તું જુએ તો છે જ, કે તારા આ કામથી હું કેટલી હેરાન થઈ રહી છું. તને ખબર છેને, કે અત્યાર સુધી તારે જે કરવું હોય એ મેં કરવા દીધું છે. આખી જિંદગી હું તને બચાવતી જ રહી છું. યાદ છે, પેલી ટેકરી પરના પરવાળા ઉપર ચાલીને, તારા માટે ખાવા-પીવાનું લઈને મેક્ટન પર રાત્રે આવતાં હું કેટલી ડરતી હતી! અને તે છતાંયે હું તારા માટે એ લઈને આવતી હતી. અને તે છતાં અહીં ક્યુલિઅનમાં આવીને તું જે રીતે જીવી રહ્યો છે, તું જે ભાષણો આપી રહ્યો છે, એનાથી તેં મને બહુ જ દુઃખી કરી છે. અને છતાં અત્યાર સુધી હું શાંત રહી છું, તારા તરફ કોઈ દૂર્ભાવ રાખ્યા વિના બધી વાતો મારા હૃદયમાં ધરબીને બેઠી રહી છું. પણ હવે! હવે તું આ શયતાનિયત કરવા જઈ રહ્યો છે. તું ખૂન કરીશ, આગ લગાડીશ; તું તારી જાતને અને સાથે-સાથે મને પણ ખતમ કરી નાખીશ! તું આપણા નામે આવું શરમનાક કામ ચડાવવા માગે છે! આજ સુધી હું બધું જ સહન કરતી આવી છું, પણ આ તો હું જરા પણ સહન નહીં કરું!” કહીને કારમને રૂમાલ નીચે છુપાવી રાખેલી રિવૉલ્વર કાઢીને પોતાના વિકૃત થઈ ચૂકેલા હાથમાં કસીને પકડી રાખી. રિવૉલ્વરની નળી અંધારામાં પણ એવી તો ચમકી રહી હતી, જેને કોઈ પણ માણસ અવગણી શકે એમ ન હતું.

“આ તું શું કરી રહી છે?”

એક ડગલું પાછી હટીને કારમને નિશાન તાક્યું.

“વિસેન્ટ, જ્યાં છે ત્યાં જ અટકી જજે! એક ડગલું પણ આગળ વધ્યો તો હું ગોળી ચલાવી દઈશ. આ માર-કાપ અને આગ લગાડવાની યોજના તું પડતી મૂકે એવા સોગંદ તારી પાસે લેવડાવવા માટે હું આવી છું. કાં તો તું આ બધું બંધ કરવાના સોગન આજે લઈ લે! નહીં તો આપણા મૃત પિતા પ્રત્યેના આપણા પ્રેમના સોગંદ ખાઈને હું કહું છું, કે આજે હું તને ખતમ કરી નાખીશ.”

“અરે, કારમન! તું તારા ભાઈને મારી નાખીશ શું? “

કારમને કોઈ જવાબ ન આપ્યો. એના હાથમાંની રિવૉલ્વર એકદમ સ્થિર હતી.

“કારમન, તું સમજતી નથી કંઈ. કોઈકે તો આ જેલરોને રોકવા પડશે જ! એ લોકો આપણને ગુલામ બનાવી રાખે છે, આપણી પાસે કામ કરાવે છે, કોઈ ગુનેગારની માફક આપણને બંદી બનાવીને રાખે છે.”

“મારી સામે સોગંદ લે, વિસેન્ટ!”

“તું તારા ભાઈને નહીં મારી નાખે, કારમન! તું એ નહીં કરી શકે.”

“સોગંદ લે, વિસેન્ટ! તારી પાસે ઝાઝો સમય નથી. આજે આપણા મૃત પિતા આપણા સાક્ષી છે, એમના સોગંદ લે! સોગંદ તોડીને એક ડગલું પણ તું જો બલાલામાં એક ડગલું પણ મૂકશે, તો હું તારો પીછો નહીં છોડું! તને શોધીને ખતમ કરી નાખીશ. સોગંદ લે, સોગંદ લે!”

વિસેન્ટને લાગ્યું કે એ પાગલ થઈ ગઈ છે. પણ કારમન જે કરવા ધારતી હતી એ વિસેન્ટ એની આંખોમાં સ્પષ્ટ વાંચી શકતો હતો. અચકાતો-અચકાતો એ બબડ્યો, “આપણા મૃત પિતાના સોગંદ હું ખાઉં છું. બસ, હવે રિવૉલ્વર નીચે કર.”

કારમન પાછી ફરીને ઝડપથી નાસી ગઈ. વિસેન્ટે ઘણા પ્રયત્નો કર્યા, પણ એને શોધી ન શક્યો.

બળવાખોરોએ બલાલા પર હુમલો કરવાની એમની યોજના અમલમાં મૂકવાનો પ્રયત્ન ન કર્યો, પણ યુવાન છોકરીઓ જ્યાં રહેતી હતી એ સાર્વજનિક રહેઠાણો પર એમણે હુમલો કર્યો, અને એ બધા યુવાનો એક-એક છોકરીને ઉપાડી ગયા. પર્વતો તરફ નાસી જઈને એ લોકો જંગલોમાં છુપાઈ ગયા. જગતભરના છાપાઓમાં રક્તપિત્તિયાના હુલ્લડ તરીકે આ ઘટનાની મુખ્ય સમાચાર તરીકે નોંધ લેવાઈ.

ત્રણ દિવસની અંદર ડૉ. બોંડ અને એમની પત્નીને લઈને આવતી બોટમાં પોલિસદળ આવી પહોંચ્યું. આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ, સાજા હોય કે બીમાર, પથારીમાંથી ઊભા થઈ શકે એમ હોય એવા બધા જ લોકો સાથે આખી વસાહતે એકઠા થઈને બહાદુરીભર્યા કાર્યની કદર રૂપે શ્રીમતી બોંડનું સ્વાગત કર્યું. કિનારાથી એકાદ માઇલ દૂર, સેંકડો કૃતજ્ઞ વસાહતીઓને લઈને હોડીઓનો કાફલો એમને ઘેરી વળ્યો. એમના આગમન પહેલાં જ, નાસી ગયેલા યુગલો ભૂખનાં માર્યાં ચોરીછૂપીથી પાછાં આવવા લાગ્યાં હતાં. પોલિસદળે એકાદ મહિના સુધી રોકાઈને બલાલાના કારકુનોને રાઇફલ ચલાવતાં શીખવી દીધું.

વિસેન્ટે છેવટે શરણાગતિ સ્વીકારી લીધી. જાહેર જનતા માટે જોખમરૂપ ગણીને અનિશ્ચિત કાળ માટે એને જેલમાં પૂરી દેવામાં આવ્યો. એની ટોળકીના બીજા સરદારોને બીજી વસાહતોમાં મોકલી આપવામાં આવ્યા. ક્યુલિઅન એની હંમેશાની શાંત મુદ્રામાં ફરીથી સ્થાયી થઈ ગયું.

ટોમસે પરિસ્થિતિનો ટૂંકમાં ક્યાસ કાઢતાં જણાવ્યું, “ઘણી છોકરીઓને પકડીને જંગલમાં લઈ જવામાં આવી હતી. છોકરી જો કબૂલ ન હોય તો એને પકડીને જંગલમાં લઈ જવી એ, હું ધારું છું કે, બહુ કપરું કામ બની જાય. આમ, એ છોકરીઓના સહકાર વગર આ કામ થઈ ન શકે, એમ હું માનું છું.”

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૭)