છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન – ૧ (૯૧ વાર્તાઓ) 16


‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૬ થી ૧૯ મે ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ..

૧.
મારી પાસે ઘર હતુંં,
આજે પૈસા છે..

૨.
આટલી બધી શેની ઉતાવળ છે તને
જીવવાની!

– નિમેષ પંચાલ

૩.
રાજા પરીક્ષિતે શરૂ કરી,
અને શુકદેવજી સાંભળી રહ્યાં,
કલિયુગનું ભાગવત.

૪.
પગ ધોવા દો રઘુરાય,
નાહક નૌકા અહલ્યા થાય

૫.
ભરબપોરે ૫૦ ડિગ્રી તાપમાનમાં
એ.ટી.એમ તૂટ્યું !
એ તો એસી.

૬.
સર્જન અને વિસર્જન વચ્ચે
હું જ છું,
વિભીષણ.

૭.
ભિખારીએ વાટકો ધર્યો
એણે ક્રેડિટ કાર્ડ ઘસી નાખ્યું.

૮.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકરતો રોજ ડુંગળી ખાતો.

૯.
મસ્જિદ પાસેથી ફૌજી નીકળ્યો,
મૌલવી બોલ્યા-
એ રામ રામ, ભાઈજાન.

– પરીક્ષિત જોશી

૧૦.
બપોરનો તડકો
જીવનમાં લાગેલી લાય કરતાય
આજ મીઠો લાગ્યો!

૧૧.
સુગંધ બનીને
બેઠી છું
તારા પ્રેમની – ‘હું’

૧૨.
ઓગળે સુર્ય
મુજ ભીતર તપીને..

૧૩.
માત્ર એક જ
સ્પર્શે બની હું – “મીણ”..

– તૃપ્તિ ત્રિવેદી

૧૪.
‘હું તમને હજુ ગમું છું?’
પિઝ્ઝા મોંમાં
‘ચીઝ ભરપૂર છે..’

૧૫.
દશકો વીતી ગયો ‘સૂંઘનાર’ ને !
છતાં હજીય છવાયેલ,
‘છીંકણી’ ની વાસ.

૧૬.
ફૂટપાથેય રાત ખંખેરી!
“આજેય જીવવું પડશે!”
“ઉપવાસે” નિસાસો નાખ્યો.

૧૭.
ફ્રેમમાં મઢાયેલી સાંત્વના,
કપાળે કંકુનો સુર્યાસ્ત.
“બેટા, હવે તો ઉઠ !”

૧૮.
વાતાવરણમાં ગરમી, છતાં…
વર્તાતી શીતળતા,
“માં” એ બનાવેલી અખબારની ટોપીમાંથી

૧૯.
કડવી કૉફીનો છેલ્લો ઘૂંટ,
એકદમ ગળચટ્ટો…
રાખડીનાં સોગંધ.

૨૦.
અમો મળ્યા…
શબ્દો ના જડ્યા.
ઈશારા કળ્યાં; ને ફળ્યાં

૨૧.
શું હું સાચો છું ?…
અંતરાત્મા હજીયે ઉત્તર રહીત…!

૨૨.
છેહ રહીત;
દિવ્યદ્રષ્ટિમાન સારથિ..
ધૃતરાષ્ટ્રના અંધકારનો..

૨૩.
ને સંજયની…
દીર્ધ દ્રષ્ટિ હાંફી:
પુત્ર પ્રેમના પ્રતાપે…

૨૪.
પત્નીની અનિચ્છા..
ક્યાંય નોંઘ નહીં,
“બળાત્કાર”ની

૨૫.
લે “આયનો”
જો ધૂરતી વેળા
દેખાય કેવો “વિકૃત”

૨૬.
“હેલો…! પૂજા ચાલુ છે?”
“ના…, સંસ્કારી છે.!”

૨૭.
ધોમધખતો તડકો.
માટલે મોટી ખોટ;
બાટલે ખોટી દોટ.

૨૮.
બદામ-પિસ્તા;
ડુંગળી-મરચાં
બેય લાશો…
રાખ થઈ એકસરખી

– સંજય ગુંદલાવકર

૨૯.
છોકરો કેમ ના ગમ્યો?
ફેવરેટ કલર..?
“કાળો” બે સવાલનો એક જવાબ.

૩૦.
“કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
“કાળીના એક્કા જેવા.”

૩૧.
“હે ભગવાન….! મને કરોડપતિ બનાવી દે…
મારે વધારે રૂપિયા નથી જોતા.”

૩૨.
“માં… મારા પહેલા પગારમાંથી તારી સાડી પાક્કી…” બેરોજગાર દીકરાએ કહ્યું.

૩૩.
“નેતાગીરી ના કરાય…..
આ વર્ષે ચૂંટણી તો હું જ જીતીશ.”

૩૪.
“પપ્પા… લગ્નમાં ડી.જે. મંગાવજો.”
સેફટી ઓફિસરે નોઈઝલેવલ ચેક કરતા કહ્યું.

૩૫.
સુરજ ડૂબ્યો….ને ઘરમાં રોશની થઇ.

૩૬.
“તમે પણ ખરા છો..!
લાંચમાં ભાવતાલ!!

૩૭.
પત્ની પિયર ગઈ….
ટીફીનમાં મનપસંદ મળ્યું.

૩૮.
‘પિતૃછાયા’ બંગલામાં દાદા-દાદીના રૂમ પર લખ્યું’તુ…
‘ગેસ્ટરૂમ.’

૩૯.
હું વાંચવા બેઠો ને……
તોફાન થયું.

૪૦.
બાના પટારામાંથી
પિતાજીની દારૂની બોટલ નીકળી.

૪૧.
“ચા મોળી બનાવજો….ડાયાબીટીસ છે.
બપોરે જ ગણેશચોથના લાડુ ખાધા.”

૪૨.
અમે બંને મૌન રહ્યા…
સમજવાનું તો દિલોને હતું.

– દિવ્યેશ સોડવડીયા

૪૩.
ચા માં માખી
ચા ફેંકી દીધી
ઘી માં માખી
??

૪૪.
“ભૂત…”
ફકીર તાવીજનો થેલો નાંખીને ભાગ્યો.

૪૫.
“શું આપ્યું?”
– આ વખતે રક્તદાન શિબિરમાં…

૪૬.
પ્રિયે… તારાં આભૂષણો,
મેઇડ ઈન ચાઈના….
જિદ…. ગુસ્સો… નફરત….

૪૭.
“મને ઇંગ્લિશ ફાવે છે…”
“સોડા સાથે”

૪૮.
“નિર્દોષ છું….”
“મને કોઈએ નથી જોયો.”

૪૯.
અકસ્માતે ઘણો ખર્ચ કરાવ્યો….
લગ્ન થયાં.

૫૦.
વૃદ્ધએ સાઇકલ હંકારી…
દીકરાએ દરવાજો બંધ કર્યો…

૫૧.
“આ અમારો બેડરૂમ…”
એમાં કેટલા જણ….?

૫૨.
‘શું લાવી…??”, બધાંએ પૂછ્યું.
“કંઈક છૂટ્યું….”

૫૩.
“તારાં હાથમાં શું છે..?”
“…..બતાવીશ કો’ક્વાર!”

– ધર્મેશ ગાંધી

૫૪.
ઘરમાં દીકરી છે
ને હું વળી…..
મંદિરમાં દર્શન કરવા જવ છું…

૫૫.
જીવ્યો ત્યાં સુધી ઠેબે ચડ્યો..
મરીને ભગવાનની નાતમા..

૫૬..
કુવા નો અંધકાર
સુમસામ હાંફે છે પારેવાં ની કુખે

૫૭.
અખંડ રોજી હરિના હાથમાં
પણ.. હરિ ક્યાં ?

૫૮.
જીવ્યો ત્યાં સુધી ઠેબે ચડતો જીવલો..
મરીને ભગવાનની નાતમા બેસી ગયો..

– શૈલેષ પંડ્યા

૫૯.
સ્ત્રી : આખુ આયખું
લાગણીના લવાજમમાંં
ખરચાયુ.

૬૦.
રોજબરોજની આવનજાવન .
અંજામ ?
પગલુછણીયાને પાની સાથે થયો પ્રેમ.

૬૧.
એક વકીલે
સદ્ભાવના વિશે વ્યાખ્યાન આપ્યું!

૬૨.
આખર એકવાર તો રિસાયો જ,
શ્વાસની અપેક્ષા તો જુઓ?

૬૩.
હથેળીમાં  મા મળતી
હથેળી નું માપ !
હુંફાળી કંપન.
૬૪.
બહુ ગરીબ છે
પૈસા સિવાય બીજું કઇ નથી .

૬૫.
નવા A.C. ની જગ્યાએ
લિમડો વાવ્યો આંગણામાં

૬૬.
કોઇ છેતરી જાય સમજાય
હુ જ છેતરુ મને .,
ને ખુલાસા ?

૬૭.
રોજ ઉઠે સવાલ
આ તે છાપું કે પાછુ ?

૬૮.
આંખો બોલે મન સાંભળે
ને લખાણના વહેવાર?

૬૯.
તમે કેમ ચાલો છો ?
આગળ નો માણસ ચાલે છે માટે ?

૭૦.
ધારવાલા.. ડડડડડડડડ
ને હું બુઠ્ઠી સંવેદના લઇને દોડી.

– જલ્પા જૈન

૭૧.
ખુશીઓની ગેરેંટી
શરતો લાગૂ

૭૨.
પ્રવેશ નિષેધ
શિકાર માટે લાયસન્સ અનિવાર્ય

– કિશન લિંબાણી

૭૩.
‘વાહ.. ઘણું સરસ કહેવાય, અભિનંદન’
એક અદ્રશ્ય ધુમાડો વાતાવરણમાં આવ્યો.

૭૪.
દિલના દરિયામાં એક મીન
તરસથી તરફડતું રહ્યું; તરફડતું રહ્યું..

૭૫.
આજની જાહેરખબર
‘મરજીવો જોઈએ છે,
માણસાઈના મોતી માટે’

૭૬.
ઊંડે… ઊંડે… હજી વધુ ઊંડે…
તળિયાની ટોચે પહોંચ્યો.

૭૭.
શબ્દભેદી બાણ છૂટ્યું આજે,
કાલે વીંધાશે કોક દશરથ.

૭૮.
દલપતરામે કહેલું, ‘ઊંટના અઢાર.’
૨૧મી સદીનો કવિ, ‘………’ (સમજદારને ઈશારો…..)

– સોનિયા ઠક્કર

૭૯.
“હે ભગવાન!” સૈનિકની પત્નીએ ઠૂંઠવો મુક્યો.

૮૦.
“મને પણ… ”
ભીખલાએ માને કહ્યું.

૮૧.
હું પીતો નથી.
પણ બિયર ચાલશે.

૮૨.
“લગ્ન કરીશ?”,
રાજીવે કમલેશને પૂછ્યું.

– તુમુલ બુચ

૮૩.
આજે દુઃખી છું,
ચાલો પ્રાર્થના માં…

૮૪.
ધોની કહે, “કોહલીને આઉટ કરો, ખૂબ રન કરે છે!

૮૫.
દુનિયાને મારી સમજુંં છું,
માટે એક વૃક્ષ વાવી દીધું.

૮૫.
“મોટા મોટા મહેલો મેં બનાવ્યા છે”
કડિયાએ કહ્યું

૮૬.
“પપ્પા વેકેશનમાં થોડું વાંચવાનું હોય?” કાર્ટૂન જોતા દીકરાએ કહ્યું

– વિષ્ણુ ભાલીયા

૮૭.
એ કુવાના તળિયે
નખના ઘસરકા છે…..

૮૮.
“હૃદયસ્પર્શી અવાજ છે તારો”,
બે રૂપિયાનો સિક્કો ખખડ્યો.

૮૯.
“કંંઈ નઈ થાય! માલા પપ્પા બેસ્ટ પાઈલોટ છે…”

૯૦.
હવે કંંઈ નઈ સમાય,
હૃદયમાં ચાર જ ખાના હોય છે.

– નિસર્ગ સુથાર

૯૧.
કૃષ્ણજન્મ થયો..
પગના ટચાકા ફોડી દે.. ભીખ વધારે મળશે..
– જીજ્ઞેશ અધ્યારૂ

બિલિપત્ર

૯૨.
ઈન્દ્ર આશ્રમમાં પ્રવેશ્યો, મળવું તો ગૌતમ સાધુને હતુંં, પણ..
એ નજાકત, એ આકર્ષણ, એ વાંછના, એ વાસના..
ઈન્દ્રોએ ઈશારોય કર્યો, પણ એ માદકતા..
ઈન્દ્ર ભલે પદ હતું, પણ તોય માણસ તો ખરો..
અહલ્યાના સ્પર્શનો ઉન્માદ.. એનામાં સમાઈ જવાનો ઉભરો..
અંંતે આત્મવિલય..

એક જ અહલ્યા, એક જ ગૌતમ સાધુ
અને અનેક ઈન્દ્ર.. પત્થરના..

– જીજ્ઞેશ અધ્યારૂ
(સુજોય ઘોષ દિગ્દદર્શિત શોર્ટફિલ્મ ‘અહલ્યા’ પરથી..)


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન – ૧ (૯૧ વાર્તાઓ)