‘કવિતા નામે સંજીવની’ ગઝલસંગ્રહ – સંજુ વાળા (ઈ-પુસ્તક ડાઉનલોડ) 1


૧. ગુપ્ત રાખ્યું છે

કહ્યું એથી વધારે ગુપ્ત રાખ્યું છે,
બધું ઘરમાં એ, દ્વારે ગુપ્ત રાખ્યું છે.

હકીકત છે, ‘હ’કારે ગુપ્ત રાખ્યું છે,
પ્રથમ પળથી જ પ્યારે ગુપ્ત રાખ્યું છે.

ઘડ્યા મનમાં’ને મનમાં લાખ મનસૂબા
પ્રકટ કહેવામાં ભારે ગુપ્ત રાખ્યું છે.

રહસ્યો તળનાં જાણી લે છે મરજીવા
નદીએ તો કિનારે ગુપ્ત રાખ્યું છે.

હવે આઠે પ્રહર ચર્ચાય છે વિગતે
અમે જે છાશવારે ગુપ્ત રાખ્યું છે.

રહ્યું ના માત્ર તારા એકથી છાનું,
જે સઘળું શત હજારે ગુપ્ત રાખ્યું છે.

૨. પરિત્રાણ મૂકી

સોળવલ્લીની ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી

અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખુશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી

ઓ હીરા માણેકનું હો, किन्तु ए बाजार है ना?
મૂલ્ય અંકાતા અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી

કૈ યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને-
કૈ યુગોથી વિનવું છું નિત નવાં જોગાણ મૂકી

તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ધ્રાણ મૂકી.

એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી.

જળપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો –
એમાં ઉમેરણ કર્યું લ્યો! વ્યાપ ‘ને ઉંડાણ મૂકી.

ચંદ્રનું સત ઓગળ્યું જળ ચાંદી ચાંદી થઈ ઉઠ્યાં, તો-
મેં ય મરજીવાઓ પાછળ ઝંપલાવ્યું વહાણ મૂકી

૩. તપાસીએ

વિગત તપાસીએ વિગતના વળ તપાસીએ
પડેલ ગૂંચ ઉકેલીએ સળ તપાસીએ

ગજુ-ગુંજાશ બરો-બાહુબળ તપાસીએ
પડ્યું છે કયા સ્તરોમાં છદ્મછળ તપાસીએ

નરી પૃથક છે સમજ ‘ને વિચાર પણ અણઘડ
છે મન બિચારુંય આકળ વિકળ તપાસીએ

કદાચ કોઈ કડી મૂળ કૂળની લાધે
રમકડા રૂપે ખરીદેલ ફળ તપાસીએ

વિશેષ ફીણથી કિનારે શું મળે બીજું?
મઝા જુદી જ હો લેવી તળ તપાસીએ

પીડાની ભારઝલ્લી પોટલી મૂકી માથે
કરી હો પાર એ સૌ પળવિપળ તપાસીએ

જારૂર ત્યાંથી જ વાણીનો આદિકણ જડશે
આ અર્થહીન અવાજોના દળ તપાસીએ.

– સંજુ વાળા
(‘કવિતા નામે સંજીવની’ સંગ્રહમાંથી સાભાર)

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કવિશ્રી સંજુભાઈ વાળાનો ગઝલસંગ્રહ ‘કવિતા નામે સંજીવની’ અહીંથી ક્લિક કરીને ઈ-પુસ્તક સ્વરૂપે ડાઉનલોડ કરી શકાશે. અક્ષરનાદને આ સંગ્રહ ઉપલબ્ધ કરાવવા બદલ ચિરાગભાઈ ભટ્ટનો અને તેને ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી બદલ શ્રી સંજુભાઈ વાળાનો આભાર.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “‘કવિતા નામે સંજીવની’ ગઝલસંગ્રહ – સંજુ વાળા (ઈ-પુસ્તક ડાઉનલોડ)