શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૨ : ખરી મા 10


અક્ષરનાદ પરની પૉડકાસ્ટ રૂપે નવી શરૂઆતનો બીજો મણકો.. કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝનમાં આજે માણીએ શ્રી રમણલાલ વ. દેસાઈની સુંદર વાર્તા ‘ખરી મા’. શ્રી રમણલાલ દેસાઈના ‘ઝાકળ’ (૧૯૩૨), ‘પંકજ’ (૧૯૩૫), ‘રસબિંદુ’ (૧૯૪૨), ‘કાંચન અને ગેરું’ (૧૯૪૯), ‘દીવડી’ (૧૯૫૧), ‘ભાગ્યચક્ર’ (૧૯૫૨), ‘સતી અને સ્વર્ગ’ (૧૯૫૩), ‘ધબકતાં હૈયાં’ (૧૯૫૪) અને ‘હીરાની ચમક’ (૧૯૫૮) વાર્તાસંગ્રહોમાંની દોઢસો જેટલી વાર્તાઓમાં તેમની નવલિકા સર્જનક્ષમતાનું આગવું પરિમાણ દેખાઈ આવે છે.

આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ જે ગત અઠવાડીયે ‘જુમો ભિસ્તી’ ઑડીયો પ્રસ્તુતિ સાથે શરૂ થયો છે અને જેને અનેક મિત્રોએ હોંશભેર વધાવ્યો છે, તે આ સાથે આગળ વધે છે. વાર્તાની આ ઑડીયો પ્રસ્તુતિ આપને કેવી લાગી, સાંભળવામાં આપને શું ગમ્યું, શું ન ગમ્યું, પ્રસ્તુતિ અને પસંદગી વિશે આપના વિચારો વગેરે અમને જણાવશો તો આગામી પસંદગી અને રેકોર્ડિંગ વખતે એ બાબતોને ધ્યાનમાં રાખી વઘુ ગુણવત્તાસભર પ્રસ્તુતિ કરી શકીશું.

આજના રેકોર્ડિંગની આગવી વાત છે વાર્તાનું વાંચનને બદલે ત્રણ ભિન્ન પાત્રોના અવાજમાં નિરુપણ, જો કે એમ કરતાં એ નાટક જેવું ન થઈ જાય એ જોવાનો પ્રયત્ન પણ કર્યો છે. અહીં મારા ચાર વર્ષના પુત્ર ક્વચિતનો સ્વર કુસુમાયુધ માટે લીધો છે, તો માના પાત્રમાં પ્રતિભાનો સ્વર લીધો છે, જેથી વાર્તાના રેકોર્ડિંગમાં થોડુંક નવીનતત્વ ઉમેરી શકાય. આશા છે આ અખતરો પણ આપને ગમશે અથવા તેમાં વાચકમિત્રોના ઉપયોગી સૂચનો મળી રહેશે.

અનેક વાર્તાઓનું રેકોર્ડિંગ થવાનું હોઈ જે મિત્રોને અહીં વાર્તાઓમાં સ્વર આપવાની ઈચ્છા હોય તેમને અમારો સંપર્ક કરવા વિનંતિ. રેકોર્ડિંગ માટે કોઈ વિશેષ સાધનની જરૂર નથી કે કોઈ સ્ટૂડીયોમાં પણ જવાની જરૂર નથી. એ અંગેની વધુ વિગતો અમે આપને જણાવી શકીશું.

તો આજે બીજા મણકામાં સાંભળીએ મને ગમતી શ્રી રમણલાલ વ. દેસાઈની સુંદર કૃતિ ‘ખરી મા’. વળી આ વાર્તા આપ રીડગુજરાતી પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૨ : ખરી મા

  • Kirit Soni

    ગુજરાતેી ભાષા નેી શ્રેષ્ઠ વાર્તા ઓ ને ભાવપુર્વક સાભળવા નો આનન્દ ખુબજ અનેરો છે. આવ સુન્દર પ્રયત્ન બદલ અને ગુજરાતેી ભાષા નેી સેવા કરવા બડલ જિગ્નેશભાઇ અધ્યારુ ને ખુબ ખુબ અભિનન્દન.

  • Chandrakant Lodhavia

    ખૂબ જ પ્રસંશનીય કાર્ય આપે શરૂ કરેલ છે. જો શક્ય બને તો બાળ વાર્તાને અને બાળગીતોને આ વિભાગમાં સામેલ કરશો. જેથી નવી પેઢીને નાનપણથી માતૃભાષા તરફ વાળી શકીશું. વિદેશમાં ગુજરાતી મા-બાપ બાળકો સાથે કમ્પ્યુટર ઉપર બેસી લાભ લઈ શક્શે. વિદેશી કલચરનું કાર્ટુન દ્વારા આપણા સૌ ના ઘરમાં પગપેસારો થઈ ગયો છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા – વડોદરા – ૧૬.૧૨.૨૦૧૫.

  • Chandrakant Lodhavia

    ખૂબ જ પ્રસંશનીય કાર્ય આપે શરૂ કરેલ છે. બાળવાર્તા અને બાળગીતોને પણ આમાં સ્થાન આપશો. આવનારી નવી પેઢીને નાનપણથી જ આનો લાભ મળશે. વિદેશમાં રહેતા આપણા ગુજરાતી સમાજના બાળકો ની સારી સેવા થાશે. આજે બાળકો ટી.વી . ઉપર કાર્ટુન જોવા લાગ્યા છે તો તેમને માતૃભાષા તરફ આપાણે વાળી શકીશું. બાળકો સાથે બેસી કમ્પ્યુટર માં જોવાથી બાળકોને મા-બાપની હુંફ પણ મળશે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા – વડોદરા – ૧૬.૧૨.૨૦૧૫

  • પિન્કી દલાલ

    આપના આ અનોખા પ્રયત્ન માટે અભિનંદન . બંને વાર્તા સરસ પણ ખરી મા માટે ઝુકાવ વધુ કારણ કે એ ભણવામાં આવી હતી.
    સ્કૂલમાં આ વાર્તા આઠમા ધોરણમાં ભણી હતી. ત્યારે જેટલી સ્પર્શી હતી એ કરતાં વિશેષ લાગી અત્યારે . ઓડિયો વાર્તા પ્રયોગ અત્યંત સરાહનીય છે. એ ડાઉનલોડ થઇ ન શકી. કદાચ મારાથી એ શક્ય ન બન્યું , એ વિષે જો માર્ગદર્શન આપી શકો તો સારું પડે.સામાન્યરીતે વાંચવામાં સમય ન કાઢી શકાય ત્યારે મુંબઈ જેવા મહાનગરમાં ડ્રાઈવ કરીને જતાં કે પછી ટ્રેનની મુસાફરીમાં એ સાથીની ગરજ સારી શકે. માત્ર જૂની અને જાણીતી જ નહીં પણ અન્ય ભાષાઓની , નવી ટૂંકી હૃદયસ્પર્શી વાર્તાઓ પણ સાંભળવા મળશે એવી આશા અસ્થાને નહીં હોય એમ ધારી લઉં છું.

    અભિનંદન & આભાર.
    પિન્કી દલાલ

  • Kalidas V. Patel { Vagosana }

    સ્કૂલમાં આ વાર્તા ભણેલા ત્યારે અને આજે એને સાંભળી ત્યારે ખૂબ જ જુદી જ લાગણી અનુભવી. સાચે જ વાંચવું અને તે જ વાતને ભાવપૂર્વક કથનાત્મક રૂપે સાંભળવું … તેમાં ઘણું અંતર છે. એક હ્રદસ્પર્શી વાર્તા સાંભળવા મળી. અક્ષરનાદના આ પ્રયોગને નમસ્કાર. અભિનંદન.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • P.K.Davda

    શરૂઆતમાં લેખકનો પરિચય આપીને સરસ પ્રથા પાડી છે. સૂત્રધારની સાથે પાત્રોના અલગ અલગ સ્વરનો ઉપયોગ કરી નાટ્ય રૂપાંતર કરવાનો પ્રયોગ પણ ખૂબ જ સરાહનીય છે. આ એક એક અંક તૈયાર કરવા પાછળની મહેનતનો મને અહેસાસ થાય છે. જીગ્નેશભાઈ, તમારી કર્તવ્યનિષ્ઠાના બીજા ઉદાહરણ શોધવા અશક્ય નહિં તો મુશ્કેલ તો જરૂર છે.